જીવનમાં ઉમેરવા જેવી અને જીવનમાં ઘટાડવા જેવી બાબતો વિશે ગુરુદેવનું માર્ગદર્શન: સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ એક્સક્લુઝિવઃ ભાદરવા સુદ બારસ, વિક્રમ સંવત ૨૦૭૭. શનિવાર, 18 સપ્ટેમ્બર 2021)

આચાર્ય ભગવંત વિજય રત્નસુંદરસૂરિ મહારાજ સાહેબના નવા જ પ્રગટ થયેલાં બે પુસ્તકો વિશેની ત્રણ લેખોની આ શ્રેણીના ત્રીજા અને અંતિમ હિસ્સામાં ગુરુદેવ લિખિત ૩૮૫મા પુસ્તક ‘શૂન્યનું રૂપાંતરણ પૂર્ણમાં’ વિશે વાત કરીએ.

જીવનમાં કઈ વસ્તુઓ ઉમેરતાં રહીએ તો જીવન વધુ સ્વાદિષ્ટ, વધુ મજબૂત, વધુ વિશુદ્ધ, વધુ મજબૂત અને વધુ અર્થપૂર્ણ બની જાય? ગુરુદેવ પાંચ વસ્તુઓ ગણાવે છેઃ

1.સદ્‌ગુણઃ સંપત્તિ-શક્તિ-સામર્થ્ય કે સમૃદ્ધની સાથે ઉદારતાનો સદ્‌ગુણ ઉમેરાય તો જીવન સાર્થક બને. જેમ ગોળ વિના દૂધપાક બની જાય અને દૂધ વિના ગોળપાપડી બની જાય પણ એ બંનેમાં સાકર કે ગોળનું ગળપણ નાખીએ તો જ મીઠાઈ બને એ જ રીતે દરેક સદ્‌ગુણ સાકર કે ગોળ છે જે દૂધ કે ઘઉંના લોટ જેવા શરીર માટે આવશ્યક અને ઉપયોગી પદાર્થોને વધુ સ્વાદિષ્ટ બનાવવાનું કામ કરે છે. જીવનની કોઈ પણ પ્રવૃત્તિમાં સદ્‌ગુણને ઉમેરતાં રહીએ.

2. સદ્‌વિચારઃ ગરીબ પાસે પસંદગીના ઝાઝા વિકલ્પો નથી હોતા. એણે પોતાની શક્તિ કે સંપત્તિની મર્યાદામાં રહીને જે કંઈ ઉપલબ્ધ હોય એને સ્વીકારી લેવું પડે. આની સામે અમીર પાસે પસંદગીના વિકલ્પો પારાવાર હોય છે અને અમાપ સંપત્તિ હોવાને કારણે એ પોતાની પસંદગીને સંતોષી પણ શકે અને સફળ પણ બનાવી શકે. પણ વિચારોની પસંદગીની બાબતમાં આખી વાત જ જુદી છે. ચાહે માણસ ગરીબ હોય કે અમીર, સજ્જન હોય કે શૈતાન, રોગી હોય કે તંદુરસ્ત, સુખી હોય કે દુખી અને સફળ હોય કે નિષ્ફળ – એ ધારે તેવા વિચારો કરી શકે. એ બાબતમાં નથી એને કોઈ સમય પ્રતિબંધક બની શકતો, નથી કોઈ સ્થળ પ્રતિબંધક બની શકતું નથી, નથી કોઈ સંયોગો પ્રતિબંધક બની શકતા કે નથી કોઈ વ્યક્તિઓ પ્રતિબંધક બની શકતી.

3. સન્મિત્રઃ આપણે જેવા છીએ એવા મિત્રો પણ આપણે પસંદ કરી શકીએ છીએ અથવા તો પસંદ કરેલા મિત્રો જેવા છે એવા પણ આપણે બની શકીએ છીએ… જેને કેવળ આપણી ખુશામતમાં અને મસ્કાબાજીમાં જ રસ છે અને એના કારણે જ જે આપણી આસપાસ ગોઠવાઈ જવા માગતો હોય એવા ‘તાળી મિત્રો’ને આપણે તાળી જ આપતાં રહેવાનું છે.

4. સત્સાહિત્યઃ સંગીત અને સાહિત્ય – એક ઝૂમતા કરી દે અને બીજું જીવતાં શીખવાડી દે… સંગીત માત્ર મનને જ બહેલાવે કે બહેકાવે જ્યારે સાહિત્ય મન અને જીવન બંનેને આબાદ પણ કરી શકે અને બરબાદ પણ કરી શકે… કેટલુંક સાહિત્ય જોવા જેવું ય નથી હોતું, કેટલુંક સાહિત્ય રાખવા જેવું ય નથી હોતું, કેટલુંક સાહિત્ય કેવળ ચાખવા જેવું જ હોય છે. જ્યારે કેટલુંક સાહિત્ય ચાખવા જેવું, ચાવવા જેવું અને પચાવવા જેવું પણ હોય છે.

5. સત્કાર્યઃ જે કાર્ય કરી લીધા પછી ‘મજા આવી ગઈ’ —આવી અનુભૂતિ થાય એ અનુભૂતિ જીવનને જીવવા લાયક બનાવી દે. જે કાર્ય કરી લીધા પછી ‘આ ક્યાં કરી દીધું?’ એવી અનુભૂતિ થાય એ અનુભૂતિ જીવન માટે ત્રાસદાયક બની રહે.

ગુરુદેવ કહે છે કે પાંચ બાબતોનું પ્રમાણ જીવનમાં ઘટાડતાં રહીએઃ

1.મનની નકારાત્મકતાઃ લગ્ન પ્રસંગે 200 મહેમાનોને આવવાનું આમંત્રણ હતું. 190 મહેમાન આવ્યા. મનમાં નોંધ શેની? જે 10 મહેમાન ન આવ્યા એની. કારણ? મનને દુઃખી જ રહેવું છે. એક કરોડની ઉઘરાણી છેલ્લા 10 વરસથી અટવાયેલી હતી. અચાનક પાર્ટીએ સામે ચડીને બોલાવીને 90 લાખ ચૂકવી દીધા. મનમાં અજંપો શેનો? 10 લાખ ઓછા આવ્યા એનો કારણ? મનને મસ્ત રહેવું જ નથી. મનને ઉકળતું રાખવું છે. જે આવ્યું છે તેના વિચાર કરવાને બદલે જે નથી આવ્યું એના વિચારોમાં મનને વ્યસ્ત રાખવું એ છે નકારાત્મક વિચાર.

2. મહત્ત્વાકાંક્ષાઃ દૂધ એ જરૂરિયાત હોઈ શકે. ગરમ દૂધ એ ઇચ્છા હોઈ શકે. સાકરવાળું દૂધ આકાંક્ષા હોઈ શકે. પણ બદામ-એલચી-કેસરયુક્ત દૂધ એ તો મહત્ત્વાકાંક્ષા બની રહે છે. જરૂરિયાતને, ઇચ્છાને અને આકાંક્ષાને હજી કદાચ પહોંચી પણ વળાય અને સંતોષી પણ શકાય. પરંતુ મહત્ત્વાકાંક્ષાને પહોંચી વળતાં તો નવનેજાં પાણી ઊતરી જાય. મહત્ત્વાકાંક્ષાનું પોત તો બ્લૉટિંગ પેપર પર પડતા સ્યાહીના ટીપાં જેવું હોય છે – સતત ફેલાતું અને સતત વિસ્તરતું – એને કોઈ હિસાબે ન પહોંચી વળાય, ન સંતોષી શકાય… જરૂરિયાત તો ભિખારીની ય પૂરી થઈ જાય છે પણ મહત્ત્વાકાંક્ષા તો ચક્રવર્તીની પણ અપૂર્ણ જ રહે છે.

3. મનની સંકુચિતતાઃ સાંકડા રસ્તા પર નાનકડું વાહન ચલાવતાંય જો અકસ્માતની સંભાવના હોય તો મોટાં વાહનોનું તો પૂછવું જ શું? માથેરાનની નેરોગેજ લાઇન પર નાનકડી ગાડી પણ જો તેજ ગતિથી ભાગી શકતી નથી તો મોટી ગાડીનું તો પૂછવાનું જ શું? પ્રશ્ન સાંકડા રસ્તાનો નથી, પ્રશ્ન છે સાંકડા થઈ જતા મનનો. જો મન ઉદાર નથી પણ કૃપણ છે તો એ સાંકડું મન છે. જે મન અન્યોની ભૂલોની ભૂલી શકતું નથી પણ ગાંઠે બાંધી રાખે છે એ સાંકડું મન છે. જે પ્રેમને બદલે દ્વેષમાં અને સરળતાને બદલે કુટિલતામાં રસ છે એ મન સાંકડું મન છે. જે મનને કૃતજ્ઞતાને બદલે કૃતઘ્નતામાં અને કોમળતાને બદલે કઠોરતામાં રસ છે એ મન સાંકડું છે. કપ સાંકડો હોય છે એટલે ચાને ઠંડી કરી શકતો નથી જ્યારે રકાબી પહોળી હોય છે એટલે આને ગરમ રહેવા દેતી નથી!

4. મનનો તનાવઃ કબૂતરોને આકાશમાં ઊડતાં આપણે રોકી ન શકીએ પણ આપણા વાળમાં એમને માળો બાંધતાં સો ટકા રોકી શકીએ. આસમાનમાંથી વરસતા વરસાદને આપણે અટકાવી ન શકીએ પણ એ વરસાદથી શરીરને પલળતાં તો આપણે અચૂક અટકાવી શકીએ. રસ્તા પર પડેલા ખાડાઓને આપણે પૂરી ન શકીએ પણ એ ખાડાઓમાં પડતાં આપણી જાતને અચૂક બચાવી શકીએ… પરિસ્થિતિમાં ફેરફાર કરવાની ક્ષમતા આપણામાં ન પણ હોય એ સંભવી શકે પણ મનઃસ્થિતિને તો આપણે બદલી જ શકીએ છીએ… સુખ કહો તો સુખ, શાંતિ કહો તો શાંતિ, પ્રસન્નતા કહો તો પ્રસન્નતા અને સમાધિ કહો તો સમાધિ – આ તમામનાં કેન્દ્રસ્થાનો આ જ છે – મનનો સકારાત્મક અભિગમ, મનનો હકારાત્મક અભિગમ, મનનો રચનાત્મક અભિગમ, મનનો સર્જનાત્મક અભિગમ… સમયની પસંદગી આપણા હાથમાં નથી, સંયોગની પસંદગી પણ આપણા હાથમાં નથી, આપણા હાથમાં છે કેવળ સમ્યક્ (સાચી/યોગ્ય) સમજની જ પસંદગી.

5. મનનો ડરઃ જે વરસો ‘ગયાં’ એ વરસોમાં આપણે જે પણ ગલત કાર્યો કર્યાં છે એ ગલત કાર્યો હવે ‘રહેલાં’ વરસોમાં આપણે નથી જ કરવાં એવો દ્રઢ સંકલ્પ કરીએ… ભૂતકાળના અનુભવો પરથી બોધપાઠ લઈને ભવિષ્યકાળને આંખ સામે રાખીને આપણે આજ માટે જીવવાનું છે.

આ પુસ્તકમાં ગુરુદેવ એક વાત કહે છેઃ ‘એક કમાલનું આશ્ચર્ય તમારા ખ્યાલમાં ન આવ્યું હોય તો ખ્યાલમાં લાવવા જેવું છે. જેટલા નિયમો કે કાયદાઓ સરકાર બનાવે છે એ ખરાબ ન કરવાના નિયમો બનાવે છે, સારું કરવાના નિયમો નથી બનાવતી. ‘સૌને પ્રેમ કરતાં રહેવું’ એવો કોઈ કાયદો નથી પણ ‘હિંસા કોઈનીય ન કરવી’ એવો કાયદો છે. ‘ઉદાર બનવું’ એવો કોઈ સરકારી નિયમ નથી પણ ‘ચોરી ન કરવી’ એવો કાયદો છે. ‘બ્રહ્મચર્યનું પાલન’ કરવાનો નિયમ નિયમ નથી પણ ‘વ્યભિચાર ન કરવા’ વિશે કાયદો છે. આ હકીકત બે વાત જણાવે છેઃ 1. સમ્યકનું (જે સાચું છે, જે યોગ્ય છે તેનું ) સેવન જીવનને સહજ છે અને 2. ગલતનું આકર્ષણ જીવનને ભારે છે, ખૂબ છે, ઘણું છે. આમ છતાં સમ્યક્‌ના સેવન માટે મન લાલાયિત બની જાય તો એ દિશામાં એને છલાંગ લગાવતાં કોઈ જ પરિબળ પ્રતિબંધક બની શકે તેમ નથી.

જીવનને પરાધીન બનાવતી તમામ પ્રકારની વાતો સામે ગુરુદેવ લાલબત્તી ધરે છે. પરાવલંબન વિશેનું એમનું ચિંતન સમજવા જેવું છે. ગુરુદેવ કહે છેઃ ‘પોપટને રહેવા મળી જતું મસ્ત પાંજરું અને પાંજરામાં પેટ ભરવા માટે મળી રહેતાં મસ્ત જમરૂખ અને લાલ મરચાં, બેસવા માટે મળી જતો હિંચકો અને તૃષા છીપાવવા મળી જતું ઠંડું જળ. આ તમામ અનુકૂળતાઓ પોપટમાં પડેલી આસમાનને સ્પર્શવાની ક્ષમતાને તો નપુંસક બનાવતી જ જાય છે. ઉપરાંત આસમાનને સ્પર્શવાના કો’ક સમયે પોપટના મનમાં રમી રહેલાં અરમાનો પર પણ પૂર્ણવિરામ મૂકી દે છે… સુખ-સગવડ, અનુકૂળતાઓ એને મજબૂત બનાવવાને બદલે નિર્બળ બનાવતી જાય, સમૃદ્ધ બનાવવાને બદલે કંગાળ બનાવતી જાય એ કેવી રીતે ચાલે?…

પોતાના જીવનમાં ‘અતિ’ ક્યાં થઈ ગયું છે એની કેટલાને ખબર છે?

ગુરુદેવે બીજી એક જગ્યાએ કહેલી આ વાતથી આ લેખનો પૂર્વાર્ધ સમાપ્ત કરીએ, ઉત્તરાર્ધને આવતી કાલ પર મુલતવી રાખીએ. ગુરુદેવ કહે છેઃ ‘જેને ભૂલો સુધારવી જ છે એને એ અંગેની તક અને તાકાત બંને મળતી રહે છે અને જેને પોતાની ભૂલો છાવરવી જ છે એને બહાનાઓ પણ જોઈએ એટલા મળી રહે છે.’

ગુરુદેવના આ વાક્યના સોનાની ફ્રેમમાં મઢાવીને રાખીએઃ ‘ઉત્થાનને યુગ હોય છે પણ ભૂલને તો પળ જ હોય છે એ કાયમ યાદ રાખવું’.

••• ••• •••

4 COMMENTS

  1. અતિ સુંદર.. જો હર પળે જાગતા રહીયે અને ઉપરોક્ત સદ્ વચનો નું સ્મરણ રહે તો જીવન સાર્થક બને

  2. વાહ વાહ સાહેબ…અમને ઇંતેજાર રહશે ગુરુદેવ ના આવા બીજા લેખો નો….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here