બ્લૅક, વ્હાઇટ અને ગ્રે– જિંદગી સપ્તરંગી નથી હોતી, બનાવવી પડે છેઃ સૌરભ શાહ

(તડકભડક: ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, રવિવાર, 27 માર્ચ 2022)

જ્ઞાનીઓ કંઈ પણ કહે, આપણા જેવાઓની જિંદગી આપણા ગમા, અણગમા અને આપણી અસમંજસ અથવા તો આપણી દ્વિધાઓથી ઘડાતી જતી હોય છે. આપણા તીવ્ર ગમા અને અણગમા, આપણા સ્ટ્રૉન્ગ લાઇક્સ અને ડિસ્લાઇક્સ આપણા આગ્રહોનું પરિણામ હોય છે.

અનુભવોના આધારે, સાંભળેલી-જોયેલી-વાંચેલી વાતોના આધારે તેમ જ કલ્પનાઓના આધારે આપણા ગમા-અણગમા જન્મે છે અને દ્રઢ થતા જાય છે. આ ગમાઓ અને અણગમાઓ આપણા વ્યક્તિત્વને ઘડવામાં ઘણો મોટો ભાગ ભજવે છે. તમને દૂધીનું શાક નથી ભાવતું પણ ફણસીઢોકળીનું શાક ભાવે છે એવા ક્ષુલ્લક ગમા-અણગમાઓની અહીં વાત નથી. કલર કયો ગમે છે, છોકરી કેવી ગમે છે કે છોકરો કેવો ગમે છે અને પગમાં સેન્ડલ, શૂઝ કે ચંપલ કેવાં ગમે છે એની પણ વાત નથી.

આ ગમા-અણગમાઓનું સ્તર સાવ જુદું જ છે. તમને કયા પ્રકારનું વાંચન ગમે છે, કેવું સંગીત ગમે છે, કેવી વાતોમાં-કયા વિષયની વાતોમાં રસ પડે છે, કોની આવી વાતો તમને ગમે છે – નથી ગમતી, કયા પ્રકારના માણસો સાથે ઉઠબેસ કરવી ગમે છે, તમારા પરિચયમાં ન હોય એવી જાહેરજીવનની કઈ વ્યક્તિઓ પ્રત્યે તમને ગમો છે, અણગમો છે. આવી અનેક બાબતો વિશેના ગમા-અણગમા દ્રઢ થયા પછી કેટલીક વ્યક્તિઓ, કેટલાક વિચારો, કેટલાક સિદ્ધાંતો-નીતિ-નિયમો-રીતરસમો તમને જીવનમાં સ્વીકારવા જેવી લાગે છે. આ બધી બાબતોમાં ક્યારેક ઉન્નીસ-બીસ થયું તોય તમે એને પડતી મૂકતા નથી. તમને જેમના માટે આદર છે, તમને જે સિદ્ધાંતો પ્રિય છે એ બધામાં નાનીમોટી ખોડખાંપણ ચલાવી લેવા તમે તૈયાર હો છો કારણ કે ઓવરઑલ, સમગ્રપણે તમને એવી વ્યક્તિઓના, એવા વિચારોના વાતાવરણમાં રહેવું ગમતું હોય છે, એ બધાંને કારણે તમારા જીવનમાં થતા ફાયદાઓને તમે જોઈ શક્યા છો. જિંદગીમાં દસેક ટકા જેવી આવી વાતોને આપણે વ્હાઇટ-શ્વેત ગણીએ અને આ તમારા જીવનનું ઉજળું પાસું છે.

કેટલાક લોકો માટે તમને અણગમો હોવા છતાં તમે તમારા સ્વાર્થ ખાતર એમની સાથે સંબંધ રાખો છો. ક્યારેક તો ખબર હોય કે આ માણસ ગામનો ઉતાર છે, છતાં મન માનાવો છો કે એણે મારું ક્યાં કંઈ ખરાબ કર્યું છે, હું તો એની સાથે સારા સંબંધ રાખીશ. કેટલીક વાતો તમને ડંખતી હોવા છતાં તમે એને મજબૂરીનું કે પછી તમારી નબળાઈનું લેબલ લગાવીને અશુદ્ધ આચરણ કરતા રહો છો અને પ્રાર્થના કરતા રહો છો કે આ બાબતો ખાનગી જ રહે, ભૂલેચૂકેય એ વિશે કોઈને ખબર ન પડે અને છાપરે ચડીને તો આ ‘પાપ’ ક્યારેય ન પોકારે. આપણી જિંદગીની જે આ બાજુ છે તેને આપણે બ્લૅક ગણીએ, ડાર્ક સાઇડ કે કાળી બાજુ ગણીએ. આ શ્યામ રંગ પણ દરેકના જીવનમાં દસેક ટકા જેટલો તો હોવાનો.

એક તરફ દસ ટકા જેટલી સફેદી છે અને બીજી તરફ એટલું જ કાળું પાસું પણ છે આપણામાં. આ બેઉની વચ્ચેના એંશી ટકા ગ્રે છે, ભૂખરો છે–જે નથી પૂરેપૂરો સફેદ કે નથી પૂરેપૂરો કાળો. શ્વેત-શ્યામના મિશ્રણની વિવિધ ઝાંય કે રંગછટા કે શેડ્સથી આ ૮૦ ટકા બનેલા છે જેમાં ક્યારેક આપણી પરિસ્થિતિને લીધે કે ક્યારેક મજબૂરીથી કે ક્યારેક આપણી લાલચ અને આપણા તકવાદથી કે ક્યારેક બીજાઓની નારાજગીથી બચવા અથવા બીજાઓની નજરમાં સારા બનવા અથવા બીજાઓને મસ્કાપાલીશ કરવા આપણે આપણા સ્વ-ધર્મથી વિરુદ્ધનું વર્તન કરીએ છીએ ત્યારે એ ગ્રેનો અમુક હિસ્સો બ્લેક થતો હોય છે.

એંશી ટકાના ગ્રે હિસ્સામાં ઘટાડો કરીને શ્વેતવાળા દસ ટકામાં જેટલો ઉમેરો થતો હોય એટલો કરવાના નિષ્ઠાભર્યા પ્રયત્નોને ‘જિંદગીનો વિકાસ કરવો’ એવા શબ્દોથી ઓળખવામાં આવે છે. મહાન પુરુષો તો એ છે જે દસ ટકા જેટલી પોતાની કાળી બાજુને, આરંભમાં ગ્રે અને વખત જતાં શ્વેત બનાવી શકે.

આ થઈ આપણી પોતાની વાત. દુનિયાની વાત કરીએ. આ દુનિયા પણ બ્લેક, વ્હાઇટ અને ગ્રેમાં વહેંચાયેલી છે. આપણને મળતા લોકો, આપણા જીવનનો હિસ્સો બની જતા લોકો, આપણામાં સમાઈ જતા લોકો આ સૌ બ્લૅક, વ્હાઇટ અને ગ્રેથી બનેલા છે. તમારા પર છે કે તમે કોનામાંથી કેટલું સ્વીકારો છો, કેટલું ત્યજી દો છો અને જાણકારી હોવા છતાં કેટલું ઇગ્નોર કરો છો. દુનિયાને કારણે, દુનિયાના આ બધા લોકોને કારણે આપણો શ્વેત વધ-ઘટ પામે છે, આપણી ડાર્કસાઇડ પણ વધ-ઘટ પામે છે અને આપણા ગ્રે હિસ્સામાં પણ વધ-ઘટ થતી રહે છે.

નાનપણમાં માએ શીખવાડેલું જોડકણું કેટલું સાયન્ટિફિક છે એનો ખ્યાલ તો મોટપણે કલર પ્રિન્ટિંગની પ્રોસેસ સમજ્યા પછી આવ્યોઃ લાલ, પીળો ને વાદળી-મૂળ રંગ કહેવાય, બાકીના બીજા બધા મેળવણીથી થાય. પ્રિન્ટિંગમાં લાલ (મેજન્ટા), પીળો (યલો) અને વાદળી (સિયાન) ઉપરાંત બ્લેકના પણ પર્સન્ટેજ ઉમેરાય ત્યારે ફોર કલર છાપકામ પૂરું થાય અને તમારા હાથમાં રંગીન છાપું, રંગીન મૅગેઝિન, રંગીન પુસ્તક આવે અને તમે એના નયનરમ્ય રંગોથી પ્રભાવિત થઈને સપ્તરંગી દુનિયામાં ખોવાઈ જાઓ.

કુદરતે મેઘધનુષમાં ‘નાલાપીલીભૂવાજા’ મૂક્યા પણ માણસની જિંદગીમાં બ્લૅક, વ્હાઇટ અને ગ્રે જ રાખ્યા છે. દરેક મનુષ્યે આ બ્લૅક, વ્હાઇટ અને ગ્રેની મેળવણીથી પોતાની જિંદગીને રંગીન બનાવવાની હોય છે. એણે ભગવાન પાસે લાલ, પીળો ને વાદળીની માગણી નથી કરવાની કે મેઘધનુષ્યના સાત રંગોમાંથી પણ કોઈ રંગ કુદરત પાસે ઉછીનો નથી માગવાનો. પોતાનામાં રહેલા બ્લૅક પાસે, પોતાનામાંના જ વ્હાઇટ અને ગ્રે પાસે એવું કામ લેવાનું છે, એવી મેળવણી કરવાની છે કે મેઘધનુષ પણ પોતાનું સપ્તરંગીપણું ભૂલી જઈને તમારી ઇર્ષ્યા કરવા લાગે.

પાન બનાર્સવાલા

જુદા જુદા લોકો પ્રત્યે જેને જુદા જુદો વ્યવહાર રાખતાં આવડતો હોય તે જ સંસારમાં સારી રીતે જીવન જીવી શકે છે.

—ચાણક્ય (12:3)

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

9 COMMENTS

  1. સૌરભભાઈ,

    આપના વિવિધ વિષયોનો તલસ્પર્શી અભ્યાસ સાચે જ આપના વાંચકોને ઘણું ઘણું જ્ઞાન આપે છે.

    પરમ કૃપાળુ પરમાત્મા આપને સદા તંદુરસ્તી અને દીર્ઘાયુ બક્ષે એ જ અભિલાષા સાથે સાથે નિત્ય નવીન વિષયોનું જ્ઞાન પીરસી સુજ્ઞ વાચકોની જ્ઞાન પિપાસા પૂર્ણ કરતા રહો. 👌

  2. અહા!! સાહેબ ઘડતરની પ્રક્રિયા આખ્ખેઆખ્ખી લેખમાં વણી લીધી હોય એવું લાગે—જાણે જીંદગીમાં કોઈ અવઢવ જ ના રહે એમ તમે અરિસો બતાવ્યો… ખૂબ મજા આવી ખૂબ ઊર્જા મળી, જીવનને જોવાની, મુલવવાની એક રીત મળી…. 🙂

  3. જય શ્રી કૃષ્ણ મંગલમય દિવસ ની મંગલમય શુભેચ્છાઓ. પતંજલિ આશ્રમ નિવાસ પહેલાં જ તાત્ત્વિકજ્ઞાન નો આનંદ મળતો થ ઈ ગયો છે. પાન બનારસ વાલા ::” જેવાં સાથે તેવાં;જેવો દેશ તેવો વેશ ;અન્ન એવો ઓડકાર ;ઊંટ કાઢે ઢેકા તો માણસે કર્યા કાંઠા…”આ બધીજ કહેવત ડોશી ચાણક્ય નીતિ છે 💫

  4. સુપ્રભાત, સૌરભભાઈ,
    આજના તમારા લેખના ત્રીજા ફકરાના સંદર્ભમાં કહીશ કે મને તમે અને તમારો સાહિત્યપ્રેમ, તમારું સાહિત્ય, તમારી રાજનૈતિક વિચારધારા ગમે છે.

  5. સુપ્રભાત, સૌરભભાઈ,
    આજના તમારા લેખના સંદર્ભમાં કહીશ કે મને તમે અને તમારો સાહિત્યપ્રેમ, તમારું સાહિત્ય, તમારી રાજનૈતિક વિચારધારા ગમે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here