નટુકાકા, ૧૦૨ નોટ આઉટ : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક : રવિવાર, 27 માર્ચ 2022)

(આ લેખ 2017માં લખાયો. આજથી હરદ્વાર ડાયરીનું કાઉન્ટ ડાઉન શરૂ થાય છે એ નિમિત્તે આ લેખનું ઘણું મોટું મહત્ત્વ છે.)

‘પ્રારબ્ધમાં જે લખ્યું હોય તે, માણસ જો છેવટ સુધી પુરુષાર્થ કરવાની દાનત રાખે તો દુર્ભાગ્યને આગળ ઠેલી શકે.’

ત્રણ અઠવાડિયાં પછી જેઓ આયુષ્યના 102 વર્ષ પૂરાં કરીને 103મા વર્ષમાં પગ મૂકશે એ નટવરલાલ ચંદુલાલ શાહે આ મહિનાના આરંભે મને આ શબ્દો કહ્યા. નટુકાકાની જન્મશતાબ્દીની ઉજવણી પ્રસંગે, બે વર્ષ પહેલાં, દેવગઢ બારિયા ગયો હતો. મારું વતન છે. આ દિવાળી પહેલાં ફરી એકવાર એમને મળ્યો. અમારા ફેમિલી સાથે અલમોસ્ટ પોણી સદીનો એમનો નાતો. કદાચ એથીય વધારે. મારા દાદાના ખાસમખાસ ફ્રેન્ડ. એટલે નેચરલી મારા પરદાદાને પણ ઓળખે. 1960ના વર્ષમાં નટુકાકા ઑલરેડી મુંબઈ રહેતા થઈ ગયા હતા અને એ જ કૉમ્પ્લેક્સમાં મારા પપ્પા પણ રહેવા આવ્યા. ત્યારથી નટુકાકા અને પપ્પા પણ ગાઢ મિત્રો બની ગયા. અને મારી તો શિશુ અવસ્થા, મારું સમગ્ર બાળપણ, મારી કિશોરાવસ્થા, બધું જ એમના સાનિધ્યમાં વીત્યું એટલે મારા પણ ખૂબ જ નિકટના વડીલ.

2007માં બાણું વર્ષના નટુકાકા સાથે

લાબું જીવવું એ એક અચીવમેન્ટ છે જ પણ કેવી રીતે તમે આટલું લાબું આયુષ્ય જીવો છો તે વધારે અગત્યનું છે. દેવગઢ બારિયામાં નટુકાકા ઘરમાં એકલા જ. તારામાસીના સ્વર્ગવાસને વર્ષો વીતી ગયાં. સવારે ઊઠીને જાતે ચા બનાવે. દિવસ દરમ્યાન એમની સંભાળ માટે હમણાં થોડાક મહિનાથી એક ભાઈ રાખ્યા છે. છતાં ન્હાવાધોવાનું બધું જ કોઈનીય મદદ વિના. જમતાં પહેલાં એકાદવાર ફરી જાતે ચા બનાવી લે. આયુર્વેદના જાણકાર. આ ઉંમરેય પોતાની જરૂરિયાતનાં ઓસડિયાં જાતે બનાવીને તબિયત જાળવી રાખે. મુંબઈમાં એમના ઘરમાં આયુર્વેદના ગ્રંથો જોયા છે.

બ્રિટિશ જમાનાની અડીખમ પર્સનાલિટી. આમ તો હિસાબકિતાબ, અકાઉન્ટસ અને રેવેન્યુ ડીપાર્ટમેન્ટના માણસ. પણ મર્જર પહેલાં બારિયા સ્ટેટના પોલીસ ડિપાર્ટમેન્ટમાં ઘોડેસવાર ઇન્સપેક્ટર તરીકેનો અનુભવ પણ લખાયેલો હતો. આપણે આઝાદી પહેલાં અને આઝાદી પછી એવા બે સમયખંડની વાત કરીએ પણ બારિયા સ્ટેટની નોકરી કરેલી એટલે નટુકાકાના મોઢે મર્જર પહેલાં અને મર્જર પછી એવા બે સમયખંડ સાંભળવા મળે. મર્જર પછી નટુકાકા મુંબઇ આવીને શાહ કન્સ્ટ્રક્શનના અકાઉન્ટસ વિભાગમાં જોડાયા અને વખત જતાં, વર્ષો સુધી ચીફ એકાઉન્ટન્ટની ફરજ બજાવીને નિવૃત્ત થયા. એઇટીઝની આસપાસ દેવગઢ બારિયા પાછા આવીને નિવૃત્તિની મોજ માણે છે.

2015માં નટુકાકાની સોમી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે

જમવાની એમની આદતોનો હું નાનપણથી સાક્ષી છું. સવારે સાડા આઠ વાગે ઘરેથી જમીને ઑફિસે જવા નીકળે. જમવામાં ગરમ દાળભાતશાકરોટલી તો હોય જ પણ જેટલું કાચુંકોરું ખવાય એવું હોય તે પહેલાં ખાઈ લે. કાચીપાકી કોબીનું કચુંબર, લીલી હળદર, આદુ, મૂળા, કાકડી, ટામેટાં વગેરેમાંથી કંઈકને કંઈક એમની થાળીમાં હોય હોય ને હોય જ. દાંત એકદમ સાબૂત. બહુ પાછલી ઉંમર સુધી દાંત સચવાયા. માથા પરના વાળ તો આજના યુવાનને પણ શરમાવે એટલા હજુય છે. બધા સફેદ, છતાં એમાં છુપાયેલા કાળા-ગ્રે પણ જોઈ શકો. હવે ચાલવામાં તકલીફ શરૂ થઈ છે. કમરેથી ટટ્ટાર નથી ઊભા રહેવાતું પણ આઠેક વર્ષ પહેલાં મેં એમને એમના ઘરથી ચબૂતરા શેરીનું અંતર સડસડાટ કાપતાં જોયા છે. પગમાં સનીકર્સ, ફૂલ શર્ટ, જે પેન્ટમાં ઇન્સર્ટ કરેલું હોય અને ઉપર પટ્ટો બાંધ્યો હોય. ઊંચા. ગોરા. હૅન્ડસમ.

આ ઉંમરે છાપું વાંચે. નોટબંધી અને જીએસટી વિશે પણ અભિપ્રાય ધરાવે. બપોરે ટિફિન સર્વિસમાંથી ઘરે લંચ આવે જેમાંથી થોડું ભોજન રાત માટે ઢાંકી રાખે. અમેરિકાથી એમના પુત્ર અને પુત્રવધુ ત્રણેક મહિના માટે તેમની સાથે રહેવા માટે આવે. આ દીકરાની ઉંમર પણ 80 વર્ષની. સૌમ્ય જોશીનું નાટક યાદ આવે: 102 નોટઆઉટ જેમાં 102 વર્ષનો બાપ 75 વર્ષના ગભરુ દીકરાને ઝીંદાદિલ બનીને જીવતાં શીખવાડે છે. જોકે, ઉંમરની સરખામણી સુધી જ આ વાત લાગુ પડે. 80 વર્ષના પુત્ર રશ્મિભાઈ પણ પિતા જેટલા જ સ્વસ્થ, તંદુરસ્ત અને સવાયા ઝીંદાદિલ છે. એ પણ સેન્ચ્યુરી જરૂર ફટકારવાના. દેવગઢ બારિયાના નટુકાકાના ઘરે નિરાંતે એમની સાથે વાત થઈ. ઘરનું ભોજન સૌએ સાથે લીધું. નટુકાકાએ પ્રેમથી પૂરણપોળી પણ આરોગી. એમની સાથે વાત કરતા હોઈએ ત્યારે કોઈ પિરિયડ ફિલ્મ જોતાં હોઈએ એવું લાગે. સેકન્ડ વર્લ્ડ વૉરની વાતો આવે, બારિયાના હિઝ હાઈનેસથી માંડીને દીવાનસાહેબ સુધીની વ્યક્તિઓનાં સંસ્મરણો હોય, અમારા ફેમિલીની કેટકેટલીય વાતોનો ખજાનો મેં એમની પાસેથી સાંભળ્યો છે. દરેક વખતે નવા નવા, અત્યાર સુધી અજાણ્યા રહેલા, કિસ્સાઓ ઉઘડતા જાય. અવાજ આ ઉંમરેય એકદમ રણકાવાળો, ઉચ્ચારો સ્પષ્ટ. કાને સંભળાય સહેજ ઓછું. મશીન પહેર્યા પછી વાંધો ન આવે.

2017માં નટુકાકા 102 નોટઆઉટ હતા ત્યારે

શતાયુ બની રહેલા વડીલ લેખક નગીનદાસ સંઘવી આપણી વચ્ચે છે. ખુશવંત સિંહે અલમોસ્ટ સેન્ચ્યુરી મારી, 99 વર્ષ. નટુકાકા 102 નોટઆઉટની તૈયારીમાં. સ્વસ્થતાભર્યું જીવન જીવી રહેલા આ તમામ બૌદ્ધિકો પાસેથી શીખવાનું એ કે શારીરિક શ્રમ અને નિયમિતતા આ બેઉ અનિવાર્ય છે, સારી રીતે લાંબી આવરદા માણવી હોય તો. સંઘવી સાહેબને ચાલતા જુઓ તો લાગે કે એક જમાનામાં મિલિટરીમાં હશે. ખુશવંત સિંહ 85 કે એની આસપાસની ઉંમર સુધી ટેનિસ રમતા. નટુકાકાની ખાવાપીવાની આદતો, એમનું આયુર્વેદનું જ્ઞાન— એમની તબિયતનું રહસ્ય છે.

અમારામાંથી કોઈએ નટુકાકાને પૂછ્યું કે ‘આજની જનરેશનને તમે શું સલાહ આપો?’ કાકા ખડખડાટ હસી પડયા. કહે : ‘ના, ભાઈ, ના. હું કોઈને ય સલાહ ના આપું. સલાહ આપીને ખોટા દુશ્મન ક્યાં ઊભા કરવા, આ ઉંમરે!’

કેટલું જીવીશું અને કેટલું નહીં એ ભલે ઉપરવાળો નક્કી કરતો હોય પણ સારું જીવીશું કે નહીં, તંદુરસ્તી સાચવીને જીવીશું કે નહીં એ તો બહુધા આપણા જ હાથમાં છે એવું આ વડીલોને જોઈને લાગે. એલોપથીની દવાઓ અને બિનજરૂરી ઓપરેશનોનો આશરો લેનારા અને વાતવાતમાં ડાયગ્નોસિસ કરવા દોડી જનારા પાછલી ઉંમરે તંદુરસ્તી જાળવી શકતા નથી. સંયમિત આહાર, નિયમિત રૂટિન, કુદરતી ઉપચાર અને મનની પ્રસન્નતા જાળવી રાખનારાઓ જ પાછલી ઉંમરે બીજાઓને ભારરૂપ બન્યા વગર, હળવાશથી જીવન જીવતા હોય છે. જીવવું તો આવી રીતે જીવવું. નસીબની કઠણાઈઓને ઠેસ મારી મારીને, સતત પુરુષાર્થ કરીને અને કોઈનેય સલાહ આપ્યા વિના.

મને એમ થાય કે નટુકાકાની જેમ 102 નોટઆઉટ થવાનું સદભાગ્ય મળે તો એ જન્મદિવસની પાર્ટીમાં ભેગા થયેલા લોકોમાં હું છેલ્લા પચાસ વર્ષની કઈ કઈ સોનેરી સ્મૃતિઓ વહેંચું? એ સ્મૃતિઓ સો ટચના સોના જેવી હોવી જોઈએ. અને એવી સ્મૃતિઓનું સર્જન થાય એ માટે આજે ચોવીસ કેરેટનું સુવર્ણમય જીવન જીવવું પડે.

જાગ્યા ત્યારથી સવાર.
(બુધવાર, 25 ઓક્ટોબર 2017)

નોંઘ: ડિસેમ્બર 2020માં 105 વર્ષનું આયુષ્ય પૂરું કરીને નટુકાકા સ્વર્ગસ્થ થયા.
• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

12 COMMENTS

  1. Saurabh shah..
    Aapni kalam adbhuat chhe..koi pan visay ne parasmani no touch male chhe..
    Aapna bebak vicharo…koi pan ni shah vina sidhu spast lakahvu..bija badha thi alag banavechhe…salute.

  2. સરાહનીય લેખ.
    75 વર્ષ ની ઉમ્મરે (હું) લાંબુ જીવવા કરતા સારુ જીવવુ, કોઈ ને નડ્યા વગર જીવવુ, સ્વસ્થ મન સ્વસ્થ શરીર ,
    કોઇ પર ભારે ના પડવું,
    મન આનંદ આનંદ આનંદ

  3. સનાતન સત્ય આપણે બધા જ જાણીએ છીએ
    પણ આચરણ કરવા, આપણે કોઈ તૈયાર નથી !

    ‘કરતા હોય તેમ કરો અને કરમની દોણી ભરો !!!

    संत तुलसीदास कहते हैं,

    सो परत्र दुःख पावहीं, सिर धुनि धुनि पस्ताय
    काल ही कर्म ही ईस्वरही, मिथ्या दोष लगाय !!!

  4. Natukaka notout……fantastic…ખુબ જ સુંદર અને inspirational n informative….thank you Saurabhbhai….at the end of your 50 days amari kayapalat thai jashe. 👏👏🙏

  5. આશિતભાઈ તમે બરાબર વાંચો. સૌરભભાઈએ નોંધ માં લખ્યું છે કે ડિસેમ્બર ૨૦૨૦ માં ૧૦૫ વર્ષનું આયુષ્ય પુરું કર્યું. હવે તમે ગણતરી કરો કે ૨૦૧૭ માં ૧૦૨ વર્ષ હોય તો ૨૦૨૦ માં કેટલા થાય.
    સાહેબ આ સૌરભ શાહ છે, સામાન્ય લેખક નથી બહુજ કોન્સિયસ અને પરફેકશન વાળા માણસ છે. Rarely મિસ્ટેક કરે. ભુલ બધાથી થાય પણ એમનો રેશિયો ઓછો છે. આપણી જેવા સામાન્ય લોકો દસમાં થી પાંચમા ભૂલ કરશે જ્યારે સૌરભભાઈ દસમાં થી એકવાર ભૂલ કરે (એ પણ કોઈકવાર જ)

  6. 2017 ma 102 years na hoy to atyare 107 years na thay… Please clarify on this.. U have posted picture along with age and year..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here