સોશિયલ મીડિયા અને આપણે સૌ : સૌરભ શાહ

( તડકભડક : ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, 16 જુલાઈ 2023 )

ઇન્સ્ટાગ્રામના માલિક માર્ક ઝકરબર્ગે ગયા અઠવાડિયે થ્રેડ્સ લૉન્ચ કરીને ટ્વીટરને પછાડવાની કોશિશ કરી એના ત્રણ-ચાર દિવસમાં જ કોઈકે ટ્વીટર પર લખ્યું કે મેં મહામહેનતે ઇન્સ્ટાગ્રામનો ત્યાગ કરવાનો સંકલ્પ અમલમાં મૂક્યો. ગઈકાલથી મને નિરાંત છે. કોઈ ટેન્શન નથી, ઉચાટ નથી. દુનિયા કરતાં પાછળ રહી જવાનો કોઈ ભય નથી— ફિયર ઑફ મિસિંગ આઉટ, ફોમો(FOMO)—નથી.

સોશિયલ મીડિયા બેધારી તલવાર છે. તમને વાપરતાં આવડે, તમારામાં નિરક્ષીર વિવેક હોય તો એ સોનાની ખાણ પુરવાર થાય પણ જો દેખાદેખીથી એમાં ઝંપલાવો તો દિવસના અંતે ખાયાપીયા કુછ નહીં, ગિલાસ તોડા બારા આનાનો હિસાબ થાય.

સોશિયલ મીડિયાના એડિક્શન વિશે છેક 2011માં એક પુસ્તક બહાર પડ્યું હતું : ‘હાઉ ટુ લીવ ટ્વીટર.’ ટ્વીટની કુટેવ કેવી રીતે છોડવી. ગ્રેસ ડેન્ટની એ બુક બજારમાં આવી ત્યારે જૈક ડોર્સી અને એના સાથીઓએ ટ્વીટર શરૂ કર્યે ઑલરેડી પાંચ વર્ષ થઈ ગયાં હતાં. મેં આ પુસ્તક વાંચ્યા પહેલાં જ ટ્વીટર એકાઉન્ટ શરૂ કરી દીધેલું પણ એનાં ઘણાં વર્ષો બાદ હું ટ્વીટર પર ફુલફ્લેજ્ડ એક્ટિવ થયો.

થ્રેડ્સ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વૉટ્સએપ ઉપરાંતના આધુનિક સોશિયલ મીડિયા પહેલાં ઓર્કુટનો જમાનો હતો. એ જ વખતે બ્લોગિંગ નવું નવું પ્રચલિત થયું હતું. આજે પોડકાસ્ટ ઉમેરાયું છે. યુ ટ્યૂબ છે.

બે સૌથી મોટા મુદ્દા જે મનમાં રમ્યા કરતા હતા તે તમારી સાથે શેર કરવા છે. એક તો ઉપર કહેવાઈ ગયો. ધારવાળું ચપ્પુ ઘરના રસોડામાં હોય તે જરૂરી છે. એના વિના રસોઈકામનો આરંભ કરવો લગભગ અશક્ય બની જાય, પણ એ ચપ્પુ વાપરતાં ન આવડે તો આંગળાં કપાઈ જાય અને ઉશ્કેરાટમાં હો તો ખૂનખરાબો થઈ જાય.

સોશિયલ મીડિયા વિના નોર્મલ માણસોની જિંદગી અધૂરી છે અને સોશિયલ મીડિયાની લત લાગી ગઈ, એને યોગ્ય રીતે વાપરતાં ન આવડ્યું તો જિંદગી અકારી, એકલવાયી અને અધૂરી બનવા માંડે. અકારી એટલે આળસુ, નિરુદ્યમી, અળખામણી.

સોશિયલ મીડિયા એટલે ફેમિલી ગ્રૂપ નહીં. વૉટ્સએપના કાકા-મામા-ફોઈના ગ્રૂપમાં આજે તમે શું ખાધું, ક્યાં ગયા, ઘરમાં નવું શું લાવ્યા વગેરે માહિતીની આપ-લે કરો ત્યાં સુધી બરાબર છે, પણ ફેસબુક કે ટ્વીટર ઇત્યાદિ પર સ્ટારબક્સમાં જઈને કૉફી પીધી એવી માહિતી શેર કરો તે તમારો દેખાડો છે.

જેમની પાસે સેલિબ્રિટી હોવાનું સ્ટેટસ છે અને જેઓ સેલિબ્રિટી હોવાના ભ્રમમાં છે અથવા તો વૉનાબી સેલિબ્રિટી છે એમના ક્લાસમાં, એમની વર્તણૂકમાં અને એમની ગરિમામાં ઘણું મોટું અંતર છે.

માહિતી માટે સોશિયલ મીડિયા જેવું સચોટ માધ્યમ બીજું એકે નહીં, પણ જો તમારી પાસે ગળણી ન હોય, જો તમે ગાળ્યા વિના જ તમારા સુધી પહોંચતી માહિતીને મગજમાં પધારવી દેતા હો તો સોશિયલ મીડિયા જેવું દુશ્મન બીજું એકેય નહીં. માહિતીની ચકાસણી કરવાનું કૌશલ બધામાં ન હોય એ સ્વાભાવિક છે. ગેરમાહિતીથી બચવાનો એક સહેલો ઉપાય એ છે કે તમને જો સવાલ થાય કે શું આ સાચું હોઈ શકે? તો તમારે એ માહિતીને તમારા મગજની બહાર ધકેલી દેવાની. નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા તમે ખોટા પુરવાર નહીં થાઓ.

વડા પ્રધાનથી માંડીને છેક નાનામાં નાના માણસ સુધીના લોકો સોશિયલ મીડિયા વાપરતા હોય ત્યારે સમજવાનું કે આ માધ્યમ કંઈ અમસ્તું જ લોકપ્રિય નથી થયું.

હવે બીજો મુદ્દો. ચીનની શાસનવ્યવસ્થા અને ભારતની શાસનવ્યવસ્થામાં જમીન-આસમાનનું અંતર છે. એમનું પ્રશાસન બે જ મહિનામાં નવો રસ્તો, નવું નગર, નવી રેલવે લાઈન બનાવી શકે, કારણ કે ત્યાં સરકારે જમીન સંપાદન માટે લાંબી કાર્યવાહી નથી કરવી પડતી. ભારતમાં કોર્ટ-કચેરીની વ્યવસ્થા છે. નાગરિકોને અન્યાય ન થાય એવી જડબેસલાક સિસ્ટમ છે. આ સિસ્ટમનો દુરુપયોગ થતો હોય તો એ જુદી વાત છે, એ અપવાદો છે.

એનીવેઝ, ચીને ગૂગલથી માંડીને તમામ સોશિયલ મીડિયાના વિકલ્પો વર્ષો પહેલાં બનાવી લીધાં. જે સોશિયલ મીડિયા પોતાની નીતિને આડે આવે એને ચીને સીધાંદોર કરી નાખ્યા. લોકશાહી ભારતમાં ચીન જેવાં આકરાં પગલાં ભલે ન લઈ શકાય પણ ફાટીને ધૂમાડે જતાં હોય એવા સોશિયલ મડિયા પર નિયંત્રણો જરૂર લાવી શકાય, લવાય પણ છે. યુ ટ્યૂબ પરની કેટલીક અળવીતરી ન્યૂઝ ચેનલો સરકારે બંધ કરાવી છે, ઇલોન મસ્કે ટ્વીટર નહોતું ખરીદ્યું તે પહેલાંના ટ્વીટરની બદમાશીઓને પણ રોકી છે, પરંતુ આ બધાં પગલાંથી સોશિયલ મડિયામાં વ્યાપક થતા જતા કચરાના પૂરને નાથી શકાય એમ નથી.

ભારત પાસે પોતાનું ગૂગલ, વૉટ્સએપ, પોતાનું ફેસબુક, પોતાનું ટ્વીટર વગેરે હોવાં જ જોઈએ. બે-ત્રણ વર્ષ પહેલાં બેંગ્લોરથી કોઈએ કૂ (Koo) નામનું ટ્વીટર સરીખું કામરાજ શરૂ કર્યું પણ ઝાઝું કંઈ ચાલ્યું નહીં. થાય એવું. પણ આ પ્રકારના પ્રયત્નો થવા જોઈએ. દસ વર્ષ પહેલાં શરૂ થઈ જવા જોઈતા હતા.

સોશિયલ મીડિયાનાં અનેક કામ છે જેમાંનું એક કામ છે રાષ્ટ્રના આત્માને અવાજ આપવાનું. સોશિયલ મીડિયા દ્વારા આપણે આપણી પરંપરા સાચવી શકીએ એવું વાતાવરણ ઊભું કરી શકીએ છીએ. અંગ્રેજીવાળા જેને ઇકો સિસ્ટમ કહે છે એવી એકબીજાના વિચારોનો પડઘો પાડે એ પ્રકારની વ્યવસ્થા લાંબાગાળે શિક્ષણ પદ્ધતિ દ્વારા, પ્રિન્ટ-ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા અને હવે સોશિયલ મીડિયા દ્વારા ઊભી થશે.

આ બે મુદ્દા મને હાલની ઘડીએ સૌથી મહત્ત્વના લાગ્યા છે- સોશિયલ મીડિયા વિશે. એક ત્રીજો મુદ્દો પણ છે- એના વિશે હું સમજી શક્યો નથી. તમારી પાસે એનાં કારણો હોય તો કહેજો- આપણે ગુજરાતીઓ ફેસબુક પર વધારે અને ટ્વીટર પર કેમ ભાગ્યે જ હોઈએ છીએ!

પાન બનારસવાળા

સોશિયલ મીડિયા માત્ર ટાઈમપાસ કરવાની પ્રવૃત્તિ નથી. એમાં તમારો કિમતી સમય અને તમારી મૂલ્યવાન એનર્જીનું ઇન્વેસ્ટમેન્ટ થતું હોય છે. તમારે એવા લોકોની સાથે રહેવું જોઈએ અન એવા લોકોને જ સાથે રાખવા જોઈએ જેઓ તમને સપોર્ટ કરે, તમારી સાથે રહે અને તમારી વિચારપ્રક્રિયાને ધારદાર બનાવવામાં મદદરૂપ થતાં રહે.

– શો’ન ગાર્ડનર
(નંબર વન સોશિયલ મીડિયા પાવર ઇન્ફ્ર્લ્યુઅન્સર)

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

4 COMMENTS

  1. I want your article about frozen shoulder by Dr. Manubhai Kothari, how I can find it or can you send it again??

  2. ટ્વિટર નહીં પણ ફેસબુકમાં ગુજરાતીઓ હોવાનું કારણો ઘણા છે,એક તો વેપારી મગજ,એમાં ઘણું લાંબુ લખી શકાય,બહાર ફરવાના લાંબા વિડીયો અને ઘણાંબધા ફોટા અપલોડ કરી શકાય જે ગામમાં દેખાડો કરવાના ધખારા સામેલ છે,ધંધાની જાહેરાત આપી શકાય,નખરાળા વિડીયો જોઈ શકાય અને મુકી પણ શકાય,અને ટ્વિટર કરતા ફેસબુકમાં ફ્રેન્ડઝ ફોલો કરવા માટે ઓળખીતા પાળખીતા ઘણાં હોય છે અને છેલ્લે આપણને ગામનું જોવાનું અને દેખાડવાનો બહુ શોખ છે.

  3. સોશિયલ મીડિયાએ મને નવો જન્મ આપ્યો છે એમ કહું તો ખોટું નથી. મારી લેખન પ્રવૃત્તિને એના થકી જ બળ મળ્યું છે. ( જોકે એ ક્ષેત્રમાં હજુ હુંમપ્રોગ્રેસીવ સ્ટેજ પર છું.) મને નવું નવું વાંચવાનો અને જાણવાનો ખૂબ શોખ છે જે સોશિયલ મીડિયા પૂરો કરે છે. આપે કહ્યું એમ જો આ ક્ષેત્રનો સમજદારીથી ઉપયોગ કરવામાં આવે તો એ એક ઉત્તમ શિક્ષકની ગરજ પણ સારી શકે કદાચ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here