તમારું આંગણું ચોખ્ખું રાખવાની જવાબદારી કોની : સૌરભ શાહ

( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, ૨ એપ્રિલ ૨૦૨૩ )

તમારા હાથમાં વેફરનું ખાલી પડીકું હોય કે પીધા પછી ખાલી થઈ ગયેલું કોકા કોલાનું ટિન હોય ને રસ્તે જતાં ક્યાંય ડસ્ટબિન ન દેખાય તો જનરલી તમે શું કરો?

નાનો કચરો હોય તો કદાચ તમારા ખિસ્સામાં મૂકી દો પણ ખિસ્સું ગંદું થાય એમ હોય કે ખિસ્સામાં ના સમાય એમ હોય ને પગપાળા ચાલતાં ચાલતાં ક્યાંય કચરાપેટી દેખાતી ન હોય તો શું કરો?

જે કોઈ જગ્યાએ કચરો દેખાય ત્યાં તમારી પાસેનો કચરો નાખીને છુટકારો મેળવી લો.

જે જગ્યા પહેલેથી જ ચોખ્ખીચણાક હોય ત્યાં તમે કચરો નાખવાની પહેલ નહીં કરો. આ મનુષ્યસ્વભાવ છે, અને જે જગ્યાએ પહેલેથી જ કચરો હોય, જે ન હોવો જોઈએ, તે જગ્યા પરથી કચરો ઉપાડીને એને સ્વચ્છ કરવાની તસદી નહીં લો. આ પણ મનુષ્યસ્વભાવ છે. જ્યાં કચરો કે ઉકરડો દેખાય ત્યાં નવો કચરો ઉમેરવાનો પણ મનુષ્યસ્વભાવ છે.

હંમેશાં સારા વિચારો કરવા, કોઈના વિશે ખરાબ વિચારવું નહીં અને ખોટા વિચારોને કે ખરાબ વિચારોને મનમાંથી દૂર રાખવા એવું જે કહેવાતું રહ્યું છે તેની પાછળનું કારણ આ મનુષ્યસ્વભાવ છે એવું મને લાગે છે.

મનમાંના વિચારો ક્યારેક ને ક્યારેક શબ્દો દ્વારા પ્રગટ થયા વિના રહેતા નથી. તમે જ્યારે બીજાઓ વિશે ખરાબ બોલો છો કે કોઈ પરિસ્થિતિ/ઘટના વિશે ખરાબ બોલો છો ત્યારે તમારી આસપાસના લોકો તમારી ચોખ્ખીચણાક જગ્યામાં તમે જ ફેંકેલી ગંદકી જોઈને પોતાની ગંદકી પણ ત્યાં ફેંકતા જાય છે.

તમને જો લાગતું હોય કે તમારી આસપાસ નેગેટિવ એટિટયૂડવાળા લોકો વધી ગયા છે તો તમારે તપાસી લેવું જોઈએ કે શું એ લોકો ખરેખર નકારાત્મક વિચારોવાળા છે કે પછી તમારે ત્યાં જોયેલી ગંદકી જોઈને તેઓ પોતાનો કચરો ત્યાં ફેંકતાં જાય છે.

ચાર જણ ભેગા થયા હોય ત્યારે તમે કોઈની ટીકાનું એક ખાલી ટિન ફેંકશો કે તરત જ બીજો કોઈ પોતાના તરફથી એમાં વેફરનું ખાલી પડીકું ફેંકવાનો જ. ત્રીજો પણ પોતાનું કોન્ટ્રિબ્યૂશન આપશે, ચોથો પણ. એમના ગયા પછી તમારી પાસે એક ઉકરડો રહી જશે. તમે જેની ટીકા કરી હતી એના માટે જો પહેલાં તમને માત્ર અણગમો હોય તો તે હવે બાકીના ત્રણ જણના શબ્દો પછી ધિક્કારમાં પલટાઈ જશે.

રોજ સતત અભાનપણે આવું થતું રહે છે. ક્યારેક વિચાર આવે છે કે તમે એટલા બધા કંઈ નેગેટિવ સ્વભાવવાળા નથી છતાં શું કામ તમારા સમગ્ર અસ્તિત્વમાંથી તમને પોતાને નેગેટિવિટીથી બૂ આવ્યા કરે છે. તમારો લાઈફ માટેનો પોઝિટિવ એપ્રોચ બીજાઓને તો શું તમને પોતાને પણ નથી દેખાતો. તમે માની લીધું છે અને કદાચ એ સાચું પણ છે કે તમારામાં માત્ર દસ ટકા જ નેગેટિવિટી છે, બાકીની નેવું ટકા હકારાત્મકતા જ છે. આમ છતાં શું કામ તમને તમારામાંથી કૉન્સ્ટન્ટ નેગેટિવ વાઈબ્સ આવ્યા કરે છે? તમારું ૯૦ ટકા અસ્તિત્વ પેલા ૧૦ ટકા પર હાવી થઈ જવાને બદલે, એને ઢાંકી દેવાને બદલે કેમ સાવ ઊંધું જ બીહેવ કરે છે?

એનું આ જ કારણ છે. તમારી નગણ્ય એવી દસ ટકા ટીકા વગેરેની નેગેટિવિટી જ્યારે પ્રગટ થાય છે ત્યારે બીજાઓ એમાં યથાશક્તિ ઉમેરો કરતા જાય છે. આ જ રીતે એ ઉકરડો ક્રમશ: મોટો થતો જાય છે અને તમે વિચાર્યા કરો છો કે મેં તો આ જગ્યાએ માત્ર એક ખાલી ટિન જ નાખેલું, આટલો મોટો ઉકરડો મેં નથી બનાવ્યો.

વાત સાચી હોવા છતાં ખોટી છે, કારણ કે પહેલ તમે કરી હતી. એ ચોખ્ખી જગ્યાને વાળીઝૂડીને, પોતાં મારીને ચોખ્ખી રાખવાને બદલે તમે એક દિવસ ત્યાં ખાલી ટિન નાખી દીધું એ તમારી ભૂલનું આ પરિણામ છે.

ઉત્તમ તો એ છે કે મનમાં કોઈનાય વિશે કે કોઈ પણ પરિસ્થિતિ વિશે ખરાબ વિચારો સર્જાય જ નહીં. પણ પ્રેક્ટિકલી આ અશક્ય છે, એવું તો થવાનું જ. પણ આવું થાય ત્યારે તમે તમારી રીતે મનમાં દલીલ કરીને એ વ્યક્તિના કે એ પરિસ્થિતિ માટેના નેગેટિવ થૉટ્સને બહાર હાંકી કાઢી શકો છો. કેવી રીતે? જસ્ટિફાય કરીને. પેલી વ્યક્તિએ મને ન ગમતું વર્તન કર્યું તો એની પાછળ અમુક કારણ હશે. એની મજબૂરી હશે. કોઈએ ન બોલવા જેવા શબ્દો કહ્યા તો એ હર્ટને પંપાળવાને બદલે સંજોગોના દબાણ હેઠળ એવું તમારાથી પણ ક્યારેક બોલાઈ જાય એમ વિચારીને એ વ્યક્તિને જસ્ટિફાય કરીને એના વિશેના નકારાત્મક વિચારો દૂર થઈ શકે. પરિસ્થિતિ, સંજોગ, બનાવ કે કોઈ પ્રસંગ અણગમતો સર્જાય ત્યારે એની ટીકા કરવાને બદલે કે એની ખોડખાંપણ શોધવાને બદલે વિચારીએ છીએ કે આવું તો બનતું રહેવાનું જીવનમાં, બધું જ કંઈ આપણને મનગમતું બને એવું થોડું છે, જે ખરાબ બન્યું તે આપણા કન્ટ્રોલમાં નહોતું એટલે બન્યું કારણ કે જે આપણા કાબૂમાં હોત તો આપણે જાણીજોઈને એવું થવા દેત ખરા – આવું વિચારીએ છીએ ત્યારે એ વ્યક્તિ કે એ પરિસ્થિતિ માટેની નકારાત્મકતા દૂર થઈ જાય છે.

આમ છતાં ક્યારેક ને ક્યારેક મનમાં આવી નેગેટિવિટી તો રહેવાની જ જે તમામ પ્રયત્નો પછી પણ દૂર નથી થતી. આવા સંજોગોમાં શું કરવાનું? મારા મનમાં કોઈનાય માટે નેગેટિવિટી છે જ નહીં. એવો જાત સાથે દંભ કરવાને બદલે મનોમન સ્વીકારી લેવાનું કે હા, એ છે તો છે. પણ સ્વીકાર્યા પછી બીજાઓની સમક્ષ એ નેગેટિવિટી ઠાલવવાની જરૂર નથી. કોઈ પરાણે તમારી પાસે એ વ્યક્તિ કે પરિસ્થિતિની ટીકા કરાવવા માગતું હોય ત્યારે તમે મૌન રહો અથવા તો જુઠું બોલો તો તમે કંઈ પાપ નથી કરતા, બીજાઓના દુરાશયો પર પાણી ફેરવી દેવાનું પુણ્યકાર્ય કરતા હો છો. કારણ કે છેવટે તો તમારું આંગણું સ્વચ્છ રાખવાની જવાબદારી તમારી પોતાની છે, બીજાઓની નહીં.

પાન બનારસવાલા

કોઈ પણ માણસ પોતાનાં તમામ સપનાં પૂરાં કરી શકે. શરત એટલી કે રોજેરોજ સવારથી સાંજ સુધી કામ કરતાં રહેવાનું .

અજ્ઞાત્

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

7 COMMENTS

  1. I have carefully read your article .and one thing i noted is that you are stunch follower of narendr modi .no doubt he is a leader of international cadre but it does not mean that his all actions are in right direction.say for demonetisation,etc .so why writing about narendr modi please take balancing view . don’t include yourself in the cader of ANDH BHAKT.

  2. બહુ મોટી વાત કરી,સૌરભભાઈ ! સદાય positive રહેવાના ઘણાય ફાયદા છે.

  3. Thumb rule for avoiding gossip which I follow, never talk ill or negative things about any person who is not present while group talks,meeting or any gathering among friends.

    • Have you read my articles about
      Tagore
      MorariBapu
      Rajneesh
      R D Burman
      Gulzar
      Jagjit Singh
      Lata ji
      Vajpayee
      Gandhi ji
      Sardar Patel
      Swami Sacchidanand
      Chanakya
      Dr Manu Kothari
      Dr Prakash Kothari
      Kalyanjibhai and Anandjibhai
      Laxmikant-Pyarelal
      Sahir Ludhianvi
      Pt. Shiv Kumar Sharma
      Arnab Goswami
      Swami Ramdev
      Yogi Adityanath
      And so many others.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here