ભરપૂર જીવ્યા,અડીખમ જીવ્યા : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ, 25 મે 2020)

(આજે 25મી મે. હરકિસન મહેતાની વર્ષગાંઠ. 1928માં મહુવામાં એમનો જન્મ. હરકિસન મહેતાની 92મી જન્મજયંતિ ‘ન્યુઝપ્રેમી’ના વાચકો સાથે એક આખું અઠવાડિયું ઉજવવી છે. હરકિસન મહેતાની એક અતિ દીર્ઘ મુલાકાતની પ્રસ્તાવનાથી શરૂ કરીએ.)

‘જન્મભૂમિ-પ્રવાસી’માં જનાર્દન ઠાકુરની કૉલમ તમે જ ટ્રાન્સલેટ કરો છો?’

‘જી, હા.’

‘સારી કરો છો.’

પીઠ થાબડવાની એમની આ જ શૈલી હતી. મોં ભરાઈ જાય એટલી પ્રશંસા ક્યારેય નહીં કરવાની. પ્રશંસા જ શું કામ, બધી જ લાગણીઓને તેઓ સંયમિત રહીને પ્રગટ કરતા. અફકોર્સ, એમાં ક્રોધ અપવાદ. પણ ઇટ્સ ઓલ રાઇટ. દરેક ક્રિયેટિવ વ્યક્તિ ગુસ્સાવાળી જ હોવાની. શું કામ? ખબર નથી. પણ હોવાની. હરકિસનભાઈ મુઠ્ઠીભર પ્રશંસા કરે તો પણ આખું ગાડું એમણે ઠાલવી આપ્યું હોય એવું લાગે.

1979-1980ના ગાળામાં ડાંગ જવાનું થયું હતું. આઇએનટીના લોકમેળામાં. જયંત પારેખે હરકિસન મહેતા સાથે ઓળખાણ કરાવી ત્યારે જર્નલિઝમમાં હું દોઢ-બે વર્ષનું બચ્ચું હતો. અને હાથ મેળવીને તરત જ એમણે આ સવાલ પૂછ્યો હતોઃ ‘જનાર્દન ઠાકુરની કૉલમ તમે ટ્રાન્સલેટ કરો છો?’ ક્યાંય અનુવાદકનું નામ છપાતું નહોતું. એમણે ‘પ્રવાસી’ના તંત્રી હરીન્દ્ર દવેને પૂછ્યું હશે.

એ પછીના બે દાયકા  દરમિયાન પત્રકારત્વ અને લેખનની મારી કારકિર્દી માટે એમણે કેટલા બધા માઇલસ્ટોન્સ રચી આપ્યા. 3 એપ્રિલ 1998ના શુક્રવારની બપોરે જૂહુ સ્કીમના છઠ્ઠા રોડ પરના એમના વિશાળ ફ્લેટના ડ્રોઇંગરૂમમાં એમને ચિર નિદ્રાવસ્થામાં જોયા ત્યારે સૌથી પહેલી લાગણી એક જબરજસ્ત અંગત ખોટની થઈ હતી. નવલકથાકાર તરીકે એમણે મને સૌપ્રથમ વાર વાચકો સમક્ષ મૂક્યો. એ પહેલાં એક છાપાંમાંથી મને ચાર્જશીટ કરીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે એવી એમને ખબર પડી કે તરત બહારગામના રિપોર્ટિંગનું એસાઇનમેન્ટ, ફ્લાઇટની રિટર્ન ટિકિટ અને ખર્ચની રોકડ રકમ કવરમાં તૈયાર રાખીને કહ્યું હતું, ‘કોઈ પણ પત્રકારે કામ વિના ઝાઝું બેસી રહેવાનું ન હોય.’ એના બેત્રણ વર્ષ પહેલાં, 1982માં મને રિપોર્ટર તરીકે ‘ચિત્રલેખા’માં મૂકી રહ્યા હતા ત્યારે શરૂના બે-ચાર નાના અહેવાલોમાં મારું નામ નહીં મૂકવાની સલાહ આપી. કારણ? ‘આવતા મહિને તમારે એક કવરસ્ટોરી કરવાની છે. ત્યારથી તમારી બાયલાઇન મૂકવાનું શરૂ કરીશું જેથી તમારી એન્ટ્રી ગૌરવભેર થઈ રહી છે એવું લાગે.’ તે વખતે, ’82ના અરસામાં, હું એક સાપ્તાહિકમાંથી છૂટો થઈને ફ્રિલાન્સિંગ કરી રહ્યો હતો. અગાઉ સંપાદકની જવાબદારી હતી અને હવે ‘ચિત્રલેખા’માં રિપોર્ટિંગ કરવાનું હતું. હરકિસનભાઈએ જવાબદારી લઈ લીધી મારું ગૌરવ જાળવવાની. જેમણે તમારા અહમને પણ પંપાળ્યો એમને કેવી રીતે ભૂલી શકો તમે?

અને અમે એકલા થોડા હતા જેમની કારકિર્દીના કેટલા બધા માઇલસ્ટોન્સ હરકિસનભાઈએ ચણી આપ્યા હોય. ગુજરાતીમાં એવા કેટલાય નવલકથાકારો છે, પત્રકારો છે, લેખકો છે જે સૌના માટે હરકિસનભાઈએ આ કામ કર્યું. એ દરેકે એટલી જ તીવ્રતાથી પેલા મનહૂસ શુક્રવારે જિંદગીમાં મોટી  ખોટ આવી હોવાની લાગણી અનુભવી. અને એમનાં સ્વજનો, એમનો સ્ટાફ અને એમના મિત્રવર્તુળે પણ. અને વાચકો? બહુ ઓછા ખુશનસીબ લેખકોને જોયા છે જેમને લાખો વાચકોનો પ્યાર મળ્યો હોય અને અવિરત મળ્યો હોય. અને એ પ્રેમને પચાવીને, મગજમાં કોઈ જાતની હવા રાખ્યા વગર, ધરતી પર પગ રાખીને, પોતે લીધેલી જવાબદારીઓને પૂરેપૂરી શક્તિઓ નિચોવીને પૂરી કરી શકે એવું જવલ્લે જોવા મળે.

હરકિસનભાઈની કાર્યનિષ્ઠા બેજોડ હતી. એમના જીવનનું એકમાત્ર ધ્યેય ‘ચિત્રલેખા’ની ઉન્નતિ હતું. ઘણી વખત જોવા મળે  કે આવા ધ્યેયલક્ષી માણસો તદ્દન શુષ્ક જીવન જીવતા થઈ જાય. હરકિસનભાઈમાં શુષ્કતા સહેજે નહોતી. અજાણ્યાઓને કે ઓછા પરિચિતોને એમનું વર્તન બરછટ લાગે ક્યારેક. પણ એ ખૂબ જલસાથી જીવ્યા, ભરપૂર જીવ્યા અને અડીખમ જીવ્યા. સખત કામની સાથોસાથ સખત આનંદ પણ લીધો જીવનનો. અને કામ કરતી વખતે તેમ જ રિલેક્સ થતી વખતે ક્યારેય ખુમારી ગુમાવી નહીં એમણે. કોઇનીય મોહતાજી ભોગવી નહીં. પાયાના સિદ્ધાંતો સાથે મોટી  છૂટછાટો લીધી નહીં. કૉલેજકાળમાં સેવેલા ઘણાબધા આદર્શોને તેઓ જીવનભર વળગી રહ્યા. કદાચ એ આદર્શો જ એમના ટેકારૂપ રહ્યા, એણે જ એમને અડીખમ રાખ્યા. જ્યાં અને જ્યારે સમાધાનો કરવાં પડ્યાં હોય ત્યારે કર્યાં પણ એમાંય તેઓ પારદર્શક રહ્યા. લખવાની પેન અને ખિસ્સામાં શોભા માટે રાખવાની પેન—એમના માટે જુદી જુદી નહોતી. કેટલાય લેખકો માટે હોય છે. પણ એમણે એક જ કલમવાદી તરીકે પોતાનું તંત્રીપદ, પોતાનું પત્રકારત્વ જાળવ્યું.

વિશ્વાસ મૂકતાં એમને આવડતું અને વિશ્વાસ સાચવતાં પણ આવડતું. અહીંની વાત ત્યાં ને ત્યાંની વાત અહીં કે પર્સનલ પોલિટિક્સભરી કૂથલીઓ ક્યારેય એમના મોઢે સાંભળી નથી.

મારું સદભાગ્ય એ કે એમની તંત્રી તરીકેની કારકિર્દીના એક ઉત્તમ દાયકા દરમ્યાન મને એમના માર્ગદર્શન હેઠળ ફ્રીલાન્સ રિપોર્ટર, કૉલમનિસ્ટ તથા નવલકથાકાર તરીકે કામ કરવાનું મળ્યું. મારાં એ ઘડતરનાં વર્ષો દરમ્યાન મને તંત્રી તરીકે હરકિસનભાઈ ન મળ્યા હોત તો લેખક-પત્રકાર તરીકેના મારા ઉછેરમાં ખામી રહી જાત એવું મને ત્યારે લાગતું. આજે વધારે  લાગે છે.

1990થી શરૂ થયેલો દસકો, વિશેષતઃ આ છેલ્લાં ચાર-પાંચ વર્ષ, હું એમના પરિઘની બહાર હતો. મારી પાસે મારાં કારણો હતાં, એમની પાસે એમનાં. પણ એને કારણે ન તો એમણે મારી કારકિર્દીમાં આપેલા ફાળાનું મૂલ્ય ઓછું થતું હતું, ન મારાં એમના માટેનાં પ્રેમ અને આદર. છેલ્લાં વર્ષોમાં એમની ફ્લેક્સિબિલિટી ખાસ્સી ઓછી થઈ ગઈ હતી અને એને કારણે આવેલી રિજિડિટીથી પોતે જ કશુંક સહન કરી રહ્યા હોય એવું જ્યારે પણ ઔપચારિક સમારંભોમાં એમને મળવાનું થતું ત્યારે લાગતું.

1988માં હરકિસન મહેતાની ષષ્ટિપૂર્તિ ઊજવવાની હતી. ખૂબ મોટા પાયે આયોજન થઈ રહ્યું હતું. એ વખતનાં ચાર-પાંચ વર્ષ હું સુરતનાં પ્રકાશનોમાં નોકરી કરતો હતો. એક દિવસ હરકિસનભાઈનો કૉલ આવ્યોઃ ‘તમે મુંબઈ આવી શકો, બે-ત્રણ દિવસ માટે?’ ‘તમે કહો ત્યારે, ખાસ શું કામ છે?’ ‘અરે ભાઈ, આ લોકો એક સુવેનિયર બહાર પાડવા માગે છે ષષ્ટિપૂર્તિ પ્રસંગે ને હરીન્દ્રભાઈને એસ. વેંકટનારાયણ એનું એડિટિંગ સંભાળવાના છે. એમનો આગ્રહ છે કે સુવેનિયરમાં મારો એક લાંબો ઇન્ટરવ્યૂ છાપવો અને તમારે જ લેવો એવું નક્કી થયું છે. ફાવશે?’

૧૯૮૮માં સાઠ વર્ષની ઉજવણીની કેક કાપતી વખતે હરકિસન મહેતાની જમણે કલાબહેન અને પત્રકાર-લેખક મહેન્દ્ર દેસાઈ અને ડાબે હાથમાં ગ્લાસ સાથે પત્રકાર એસ. વેન્કટનારાયણ.

ન ફાવે એવી વાત જ ક્યાં હતી, હરકિસનભાઈ? મુંબઈમાં એમના ઘરે, ‘ચિત્રલેખા’ની ઑફિસમાં, કારમાં- કુલ મળીને સાત-આઠ કલાકની પ્રશ્નોત્તરી રેકૉર્ડ કરી જેમાંથી મેગેઝિન સાઇઝના પૂરાં સત્તર પાનાંનો ઇન્ટરવ્યૂ બનાવ્યો અને સ્મરણિકામાં પ્રગટ થયો. એ મુલાકાત અહીં અવિકલ (અનએડિટેડ, કોઈ કાપકૂપ વિના) પ્રગટ થઈ રહી છે. મુલાકાત આપતી વખતે ઘણીવાર એ કહેતા, ‘સૌરભ. હવે તમને એક ઓફફ ધ રેકૉર્ડ વાત કહું છું. પણ તમે ટેપ ચાલુ રાખજો.બસ, લખતા નહીં.’ વિશ્વાસ મૂકતાં એમને આવડતું અને વિશ્વાસ સાચવતાં પણ આવડતું. અહીંની વાત ત્યાં ને ત્યાંની વાત અહીં કે પર્સનલ પોલિટિક્સભરી કૂથલીઓ ક્યારેય એમના મોઢે સાંભળી નથી. જેના વિશે જે કહેવું હોય તે એને મોઢામોઢ કહી દેતા. કદાચ, એટલે જ એમનો સ્વભાવ આકરો છે એવી છાપ ઊભી થતી હતી. પત્રકારમિત્રો વર્ષા પાઠક અને દેવાંશુ દેસાઇની હાજરીમાં એમણે મને પણ મોઢામોઢ ઘણું કહી નાખ્યું હતું. આટલા સંબંધો પછી હરકિસનભાઈ મને આવું કહે? એ રાત્રે મારી આંખો ભીની હતી. આજે જોઉં છું તો ખ્યાલ આવે છે કે એમણે ટ્રાન્સપેરન્ટ બનીને મારી જ હાજરીમાં મારા વિશે કહ્યું. ધાર્યું હોત તો મારી ઉપસ્થિતિ વિના એ ઘણાબધાને ઘણુંબધું કહીને મને હર્ટ કરી શક્યા હોત. પણ પારદર્શકતા એમની પાસે હતી અને એ જણસ આજકાલ દરેકમાં જોવા નથી મળતી તમને.

મૃત્યુના દોઢેક મહિના પછી, 25 મે 1998ના રોજ એમણે 70 વર્ષ પૂરાં કર્યાં હોત. આયુષ્ય એમણે ભોગવ્યું. પરંતુ એમની સો-બસો પ્રકરણ જેટલી લાંબી નવલકથાઓના અંત પછી વાચકો તરફથી જે ફરિયાદ આવતી તે જ ફરિયાદ એમની આયુષ્ય કિતાબનું છેલ્લું પૃષ્ઠ લખાઈ ગયા પછી એમના ચાહકો કરતા રહ્યા . ક્યાંક કશુંક અધૂરું મૂકીને તમે છોડી દીધું હોય એવું લાગે છે, હજુ જરાક આગળ લંબાવ્યું હોત તો.

(અહીં પ્રસ્તાવના પૂરી. સવારે દસ વાગ્યે ઇન્ટરવ્યૂનો પહેલો હપતો.)

6 COMMENTS

  1. Aflatoon, as usual… Thanks for posting…!!! અવિકલ ગુજરાતી શબ્દ છે કે?

    • વિકલ એટલે જેના પરથી વિકલ+અંગ=વિકલાંગ શબ્દ બને છે તે, ખંડિત અથવા અપૂર્ણ. અવિચલ એટલે ખંડિત ન હોય, પૂર્ણ હોય એવું.

  2. ખરેખર ગજબ, આગળ વધુ વાંચવા માટે ઉત્સુક.

  3. Prastavana jj ae rite Chitri Chhe ke ,
    Chitralekha na Maha Manav na Interview mate 10. O’Clock ni Rah Jovi Padase …

    • સર , આપ અમારી સાથે શ્રી હરકીશન મહેતાની જન્મજયંતિ ઉજવવાના છો એ જાણીને જ અત્યંત આનંદ થયો.. ખૂબ ઉત્તેજના છે એમના વિશે નવી વાતો જાણવાની….. હવે , રોજ ન્યુઝપ્રેમીની રાહ જોવી થોડી અઘરી પડશે !!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here