ક્યારેક તો 80 વર્ષના થવાના તમે : સૌરભ શાહ

(લાઉડમાઉથ : ‘સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 3 જાન્યુઆરી 2024)

જેમના માટે મને અત્યંત આદર છે, જેમની પાસેથી દાયકાઓથી હું નિર્મળ પ્રેમ પામી રહ્યો છું એવા મારા વડીલો 80 પાર કરી રહ્યા છે. ભગવાન એ સૌને તંદુરસ્તીભર્યું, પ્રવૃત્તિશીલ અને માનસિક સ્વસ્થતાથી ભરપૂર એવું સો વર્ષનું આયુષ્ય આપે.

વાત એમની નથી કરવાની. વાત મારી ને તમારી કરવાની છે, જેઓ અત્યારે આયુષ્યના છ કે સાત દાયકા પાર કરી ગયા છે. એથીય આગળ વધીને વાત એ મિત્રોની કરવાની છે જેઓ અત્યારે ફોર્ટીઝ અને ફિફ્ટીઝમાં છે. અને એ બહાને વાત એ યુવાનો સુધી પહોંચાડવાની છે જેઓ ટ્વેન્ટીઝ અને થર્ટીઝમાં છે – કારણ કે પાકા ઘડે કાંઠા નથી ચડવાના. 20, 30, 40, 50, 60 કે 70 વર્ષની વયે જો તમે સભાન થઈ જશો તો જ તમારી જિંદગીનાં પાછલાં વર્ષોમાં તમે અમુક ભૂલો નહીં કરો.

કઈ ભૂલો ? જે મેં મારા વડીલોમાં જોઈ તે ભૂલો. જે મનોમન મેં નોંધી અને મનોમન નક્કી કર્યું કે હું આવી ભૂલોથી બચવાની કોશિશ કરીશ. આ સમજણ મને બે-ત્રણ દાયકા પહેલાં કે ચાર-પાંચ દાયકા પહેલાં જ આવી ગઈ હોત તો સારું થાત. પણ વાંધો નહીં, દેર આયે દુરસ્ત આયે. ક્યારેક પાકા ઘડે કાંઠા ચડતા હોય છે, મેં ચડાવ્યા છે. સુધરવાની પ્રબળ ઈચ્છા હોય તો કોઈ પણ મુહૂર્ત શુભ જ હોય. મેં જે વાતો મારા વડીલોમાં નોંધી તેને 10 મુદ્દાઓમાં વહેંચીને તમારી સમક્ષ રજુ કરું છું :

1. તમે નાના હો, યુવાન હો ત્યારે તમારી કેટલીક જિદ્દી હરકતો કે તમારી ઈડિયોસિન્ક્રસીઝ બીજાઓ ચલાવી લેતા હોય છે. કેટલીકવાર તમારી અડોડાઈને પ્રોત્સાહન પણ આપવામાં આવતું હોય છે – એવું વિચારીને કે દુઝણી ગાયની લાત ખાઈ લેવાની હોય — માણસ કામનો છે અને ટેલેન્ટેડ છે એટલે એના ધૂની સ્વભાવને તથા વિચિત્ર વર્તનને માફ કરીને એની પાસેથી કામ કઢાવી લેવાનું હોય. પણ મોટી ઉંમરે, ખાસ કરીને તમે 80 વર્ષના થઈ જશો તે પછી, તમારા જડસુ સ્વભાવને કોઈ સહાનુભૂતિપૂર્વક નહીં જુએ. વડીલ હજુય સુધર્યા નહીં એવું વિચારીને તમારી તીવ્ર રીતે ભોંકાય એવી વર્તણુકથી બચવા માટે લોકો તમારાથી સલામત અંતર રાખતા થઈ જશે, તમારાથી દૂર રહેવાનો પ્રયાસ કરશે અને છેવટે તમે વધુ એકલા થઈ જશો.

આમેય આ ઉંમરે તમે થોડાઘણા તો એકલા થઈ જ ગયા હો છો. તમારી ઉંમરના તમારા સમકાલીન મિત્રોમાંથી કેટલાક હવે આ દુનિયામાં રહ્યા નથી. તમે જેમને માન આપતા હતા અને જેમનો પ્રેમ પામતા હતા એવા વડીલોમાંથી પણ ભાગ્યે જ કોઈ બચ્યું હોય છે. તમારા જિદ્દી, હઠાગ્રહી અને બાંધછોડ નહીં કરવાના સ્વભાવને લીધે આમેય છેલ્લા બે-ત્રણ દાયકામાં તમે ઘણા સ્વજનો-પરિચિતોને તમારાથી બહુ દૂર ધકેલી દીધા હોય છે. હવે આ ઉંમરે, 80 પાર કરી રહ્યા છો ત્યારે, જો તમારા સ્વભાવના ખૂણાઓને સુંવાળા બનાવી દેવાને બદલે એવા ને એવા ભોંકાય એવા ધારદાર રાખશો તો તમને કંપની આપવા માટે, તમારું નાનુંમોટું કામ કરવા માટે, તમારી સાથે અલકમલકની વાતો કરવા માટે, તમને પ્રસન્ન રાખવા માટે, તમારાં દુખદર્દ વહેંચીને હળવા કરવા માટે કે પછી જરૂર પડ્યે તમારી સેવાચાકરી કરવા માટે તમારી આસપાસ કોઈ નહીં હોય.

માટે 80 વર્ષના થયા પછી તમારામાં ઈડિયોસિન્ક્રસીઝનું પ્રમાણ શૂન્ય હોવું જોઈએ. બને તો 60 કે 70ના થાઓ ત્યારે જ એને શૂન્ય પર લાવી દેવાનું હોય અને 40 કે 50 વટાવો ત્યારથી આ બાબતે સચેત થઈને સ્વભાવમાંની વિચિત્રતાઓને ઘટાડવાના પ્રયત્નો શરૂ કરી દેવાના હોય. અને 20 કે 30 વર્ષના થાઓ ત્યારથી વિચારવાનું શરૂ કરી દવાનું કે અત્યારે જે અડોડાઈથી કે જે એટિટ્યુડથી તમે બીજાઓ સાથે વર્તો છો તે વર્તણૂક ભલે તમારા સર્કલમાં વખણાતી હશે પણ ભત્રીજા મટીને કાકા થશો ત્યારે એ ઈગો ભારે પડવાનો છે.

2. જેમ જેમ તમારી ઉંમર વધતી જશે એમ તમારા માટેના આદરને લીધે, તમારા માટેના પ્રેમને લીધે તમારું નાનુંમોટું કામ કરવાવાળા મિત્રો-કુટુંબીઓ-સ્વજનો-પચિતિો વધતા જશે. પણ સાવધાન. તમે આવી ટેવ પાડતા નહીં. તમારું કામ તમે જાતે જ કરજો. રિચાર્જ કરાવવાનું હોય, ઘરમાં પાણી પીવું હોય કે પછી સ્નાન કર્યા બાદ બાથરૂમને કોરો કરવાનો હોય ત્યાં સુધીનાં ડઝનબંધ રોજિંદાં કામ જાતે જ કરવાની ટેવ રાખજો. ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિ ન્હાયા પછી પોતે જ બાથરૂમ કોરો કરે છે એવું સુધા મૂર્તિએ કહ્યું’તું.

આ તો બધી નાની વાતો થઈ પણ અગત્યની તો છે જ. એથી થોડીક મોટી વાતો જેમ કે ટ્રેન-પ્લેનની ટિકિટો બુક કરાવવી કે પછી વેકેશન-બિઝનેસ ટ્રિપ માટે હૉટેલો-ટેક્સીઓ બુક કરાવવી કે એ માટેનું શૉપિંગ કરવું કે ઘરનાં બિલો ઑનલાઈન ભરવાં કે ડ્રાઈવિંગ કરવું, ગાડી મિકેનિક પાસે લઈ જવાની હોય, જેવાં કામ જાતે કરવાની ટેવ રાખવી અને 80ના થયા પછી આવી ટેવો જાળવી રાખવી.

આ ઉપરાંત મોટાં કામો જેમ કે ડૉક્ટર કે વૈધ પાસે જઈને શારીરિક તકલીફો કઈ છે તે સમજવું, તેના નિવારણ માટે જે કંઈ ઉપચારો કહેવામાં આવ્યા હોય તેનો અમલ કરવો વગેરે કામ પણ તમારે જાતે જ કરવાં. ક્યાં સુધી તમારી દીકરી કે તમારી પત્ની/તમારા પતિ કે તમારી પુત્રવધુ તમને ડાઈનિંગ ટેબલ પર બીપી-શુગર-હાર્ટ વગેરેની રંગબેરંગી ગોળીઓનો થાળ તૈયાર કરીને પીરસતી રહેશે? ક્યાં સુધી તમે ઓટીટી પર સિરીઝ કે મૂવી જોવા માટે રિમોટનું કયું બટન ક્યારે દબાવવું તે શીખવું ન પડે તેના માટે બીજાઓ પર નિર્ભર રહેશો ?

સાઠ, સિત્તેર કે એંશી વર્ષે તમે બીજાઓ પર ભારરૂપ ન બનો એ જોવાની જવાબદારી તમારી પોતાની. કારણકે એક તો તમારી જવાબદારી લેનારી તમારી સિસ્ટમો ક્યારેય કકડભૂસ થઈ જાય તેનો કોઈ ભરોસો નહીં. દીકરી પરણી જાય, પત્ની/પતિ તમને મૂકીને સ્વર્ગે સિધાવી જાય, દીકરો-વહુ નવું ઘર માંડે. બીજું, સતત બીજાઓ પાસે તમારું કામ કરાવ્યા કરશો તો બીજાઓ તો ત્રાસી જ જશે, તમે પોતે પણ અધીરા અને આકરા થઈ જશો – ક્યારનો કહું છું કે મારા માટે નહાવાનું પાણી તૈયાર કરો, કોઈ સાંભળતું કેમ નથી મારું!

બને ત્યાં સુધી તો ઉંમર મોટી થતી જાય એમ તમારે બીજાઓનાં કામ તમારા માથે લઈ લેવા જોઈએ – સ્ટેશન સુધી જાઉં છું, બજારમાંથી કંઈ લાવવાનું છે? આજે દીકરાની વહુની તબિયત સારી નથી તો એને કહી દે જે કે નાનકાને ક્લાસમાં લેવા-મૂકવા જવાની ચિંતા ન કરે, હું જઈશ.

3. દુરાગ્રહોને જ નહીં, આગ્રહોને પણ છોડી દેવાના. જિંદગી આખી તમે તમારી પસંદગી, તમારો મૂડ, તમારી સગવડોને પ્રાધાન્ય આપ્યું: મને દાળઢોકળીની સાથે આવું જ તેલ જોઈએ, સવારસવારમાં કોઈએ મને ડિસ્ટર્બ કરવાનો નહીં, હું નહાવા જાઉં તે પહેલાં મારો ટુવાલ બાથરૂમમાં પહોંચી જવો જોઈએ – આ બધું ઠીક હતું જ્યારે તમે 60-70-80 એ પહોંચ્યા નહોતા ત્યાં સુધી. ખરું પૂછો તો ત્યારે પણ ઠીક નહોતું. દાળઢોકળી બની તે દિવસે ઘરમાં તલનું તેલ ખલાસ થઈ ગયું હતું તો શિંગતેલથી ચલાવી લેવાનું, દેશી ઘી લેવાનું અથવા એમનેમ ખાઈ લેવાની. સવારના તમે તમારા મૂડમાં હો પણ કોઈએ કંઈ કામ માટે ક્યારેક તમને ફોન કર્યો કે બાજુમાંથી પાડોશી આવી ચઢ્યા તો એમાં આટલા બેબાકળા શું કામ થઈ જવાનું ? અને કોઈ તમને શું કામ બાથરૂમમાં ટુવાલ મૂકી આપે? આ ઘર છે, કંઈ હૉટેલ નથી.

ચાલશે, કશો વાંધો નહીં, નો પ્રૉબ્લેમ—આ બધા શબ્દપ્રયોગોનો ઉપયોગ કરવાનું વહેલી ઉંમરે જ શીખી જઈએ. 80ના થયા પછી પણ જો આ શબ્દો વાપરવાની ટેવ ન પડી તો સમજજો કે જીવન ખૂબ આકરું થઈ જશે.

આજે આટલી ૩ વાત પૂરતી છે. બાકીની ૭ વાત પછી.

સાયલન્સ પ્લીઝ!

દરેક વડીલની અંદર એક યુવાન છુપાયેલો હોય છે જે વિચારે છે કે: આ શું થઈ ગયું!

-અજ્ઞાત

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Paytm-
90040 99112

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

હવે તમે તમારું કૉન્ટ્રિબ્યુશન આ QR કોડ સ્કેન કરીને પણ મોકલી શકો છો.

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

2 COMMENTS

  1. સો ટકા સાચી વાત છે. આવો દૂરંદેશી ભર્યો લેખ લખવા બદલ ધન્યવાદ.

  2. Sir, thanks for sharing this article. It has come in my right time. I will wait for the next 7 very egarly.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here