બાબરીથી ગોધરા સુધી

ગુડ મૉર્નિંગસૌરભ શાહ

( મુંબઇ સમાચાર : સોમવાર, 10 ડિસેમ્બર 2018)

આજથી ૨૫ વર્ષ પહેલાં, ન તો ટીવીની ન્યૂઝ ચૅનલો હતી, ન ઈન્ટરનેટનો વપરાશ સામાન્ય પ્રજા કરતી હતી, ન વૉટ્સઍપ કે ફેસબુક જેવાં સોશ્યલ મીડિયા હતાં, ન જાણકારી મેળવવા માટે ગૂગલ કે અન્ય સર્ચ ઍન્જિનો હતાં.

માહિતીનો એકમાત્ર સોર્સ પ્રિન્ટ મીડિયા હતું. છાપાં- મૅગેઝિનો દ્વારા જ સામાન્ય લોકો પોતાને જોઈતી, વર્તમાન જગતમાં બનતા બનાવો વિશેની માહિતી મેળવી શકતા. સરકારી નિયંત્રણો ધરાવતાં દૂરદર્શન તથા આકાશવાળી જેવાં માધ્યમો પણ હતાં જેની વિશ્ર્વસનીયતા ડાઉટફૂલ રહેતી.

આમ તો પ્રિન્ટ મીડિયાની પણ ક્રેડિબિલિટી અંગે પણ સંદેહ હતો, પણ પ્રજાના મનમાં હજુય એવું ઠસી ગયેલું કે છાપાંમાં જે છપાય તે સત્ય હોય, સત્ય સિવાય બીજું કશું ન હોય.

આવા જમાનામાં છાપામાં સત્ય સિવાયનું શું છપાય છે તે શોધીને એ વિશે જાહેરમાં કહેવું ઘણું કપરું કામ હતું.

૧૯૯૨ની છઠ્ઠી ડિસેમ્બર પછી સર્જાયેલા કોમી તનાવને બઢાવો આપવામાં ભારતનાં અંગ્રેજી અખબારોએ નિ:શંક ખૂબ મોટી અને ભૂંડી ભૂમિકા ભજવી હતી. ૧૮ ડિસેમ્બર, ૧૯૯૨ના રોજ અંગ્રેજીમાં જી. પાલકર નામના એક વાચકનો પત્ર છપાયો: ‘અયોધ્યાના મામલામાં (અંગ્રેજી) અખબારો એકતરફી દૃષ્ટિકોણ ધરાવતાં થઈ ગયા હોય એવું લાગે છે.’

૨૪ ડિસેમ્બર, ૧૯૯૨ના રોજ આઈ. એમ. હુસૈન (એમ. એફ. નહીં) નામના વાચકનો પત્ર અંગ્રેજીમાં છપાયા બાદ ‘મુંબઈ સમાચાર’એ એનું પુન:પ્રકાશન કર્યું હતું. ‘દેશમાં ચાર ચાર પેઢીથી જેના વડવાઓ વસ્યા છે એવો હું ભારતીય મુસ્લિમ છું. મેં લગભગ દરેક ઈસ્લામિક રાષ્ટ્રનો પ્રવાસ કર્યો છે. મારા જાતઅનુભવ પરથી હું કહી શકું છું કે આ દેશના (ભારતના) મુસ્લિમોેને સૌથી વધુ લાડ લડાવવામાં (પૅમ્પર્ડ) આવે છે. એમને અહીં સૌથી વધુ સ્વતંત્રતા મળે છે, સલામતી મળે છે અને ઈસ્લામ ધર્મ પાળવાનો સંપૂર્ણ હક્ક મળે છે… ભારતીય મુસ્લિમોએ અલ્લાહનો આભાર માનવો જોઈએ કે તેઓ એવા દેશમાં રહે છે, જ્યાં હિંદુઓ એમને સહન કરતા રહ્યા છે… બાબરી મસ્જિદ ફરી બાંધવાથી કોઈ અર્થ નથી સરવાનો?

બી. કુમાર નામના એક વાચકે અંગ્રેજી દૈનિકના તંત્રીની અયોધ્યાનીતિનો નમ્ર ભાષામાં વિરોધ કરતાં લખ્યું: ‘તમે લખો છો કે દેશમાં સેક્યુલરિઝમનો દુરુપયોગ થયો છે. એનાં કારણો હું તમને આપું: દેશમાં હિન્દુ મંદિરો તોડી પાડવામાં આવે અને સરકાર એની નોંધ ન લે, શાહબાનુ કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને સરકાર માન્ય ન રાખે અને કૉમન સિવિલ કોડની માગણી પ્રત્યે સરકાર ધ્યાન ન આપે ત્યારે અને એવા દરેક બનાવ વખતે સેક્યુલરિઝમનો દુરુપયોગ થયો છે?

આ બધા પત્રો સેક્યુલરિઝમનો ઝંડો લહેરાવીને હિન્દુદ્વેષ પ્રગટ કરનારા વિવિધ (અંગ્રેજી) દૈનિકોએ ૬ઠ્ઠી ડિસેમ્બરની ઘટનાના ઘણા દિવસો બાદ છૂટાછવાયા પ્રગટ કર્યા, કારણ કે આ છાપાંઓને ડર લાગ્યો કે ક્યાંક અમે વાચકોના રોષનો ભોગ ન બનીએ, વાચકો અમારા છાપાંનો બહિષ્કાર ન કરી બેસે.

બાબરીની ઈમારત તૂટ્યા પછી અંગ્રેજી દૈનિકોએ સૌથી વધુ રડારોડ કરીને મુસ્લિમોમાં બળતાં હૈયામાં પેટ્રોલ રેડવાનું કામ કર્યું. કેટલાંક મરાઠી, એકાદ બે ગુજરાતી તેમ જ ભારતીય ભાષાઓનાં અમુક અખબારોએ હિન્દુત્વનો પક્ષ ઉઘાડેછોગે લેવાનું શરૂ કર્યું ત્યારે એ દરેક રાષ્ટ્રવાદી પ્રકાશનને કોમવાદી કહીને ઉતારી પાડવામાં આવ્યાં. આની સામે દરેકે દરેક ઉર્દૂ દૈનિકે ઈસ્લામતંથીઓનો પક્ષ લીધો હોવા છતાં કોઈ સેક્યુલર પત્રકારે એ દૈનિકો તરફ આંગળી ચીંધી નહીં.

ભારતનું સદ્ભાગ્ય છે કે આ દેશ પર કોણ રાજ કરશે એનો નિર્ણય કરતી હિન્દુસ્તાનની ૭૫ ટકાથી વધુ ગ્રામીણ પ્રજામાંના ૯૭.૯૭ (૯૭ પૂણાંક ૯૭ દશાંશ) ટકા લોકો અંગ્રેજી અખબારો નથી વાંચતા.

રાષ્ટ્રવાદી અખબારોમાંથી ‘મુંબઈ સમચાર’એ ૧૧મી ડિસેમ્બરે ફ્રન્ટ પેજ પર છાપેલા તંત્રીલેખનું મથાળું હતું: ‘લઘુમતી કોમે સાચા અર્થમાં રાષ્ટ્રનાં સંતાનો થવાની જરૂર’ આ જલદ તંત્રીલેખમાં જણાવાયું:

‘હિન્દુ રાષ્ટ્રવાદીઓની ધીરજની પણ મર્યાદા છે, સહનશક્તિની પણ હદ હોય છે… જૂના રીતરિવાજોમાંથી મુક્ત થઈને રાષ્ટ્રને પ્રગતિને પંથે લઈ જવાયું છે. આ કાર્યમાં જો કોઈ પણ લઘુમતી કોમ પોતાના ધર્મના નામે અવરોધ ઊભા કરે તો કોઈ પણ સરકારે તે ચલાવી લેવું નહીં જોઈએ અને મક્કમતાથી કામ લેવું જોઈએ. આજે દેશમાં સમાનતા અને એકતા માટે સમાન નાગરિક કાનૂન (કૉમન સિવિલ કોડ) લાવવાનો છે. એક જ દેશમાં જુદી જુદી કોમ માટે જુદા જુદા કાયદા હોઈ શકે જ નહીં.’

આ તંત્રીલેખ છપાયા પછી વાચકોના અભિનંદનપત્રોથી તે વખતે ઍડિટ પેજનો ‘પ્રજામત’ વિભાગ રોજે રોજ છલકાઈ જતો હતો.

અંગ્રેજી દૈનિકોમાં અપવાદ રૂપે, છેક ૨૮ ડિસેમ્બરે લાલકૃષ્ણ અડવાણીનો ઈન્ટરવ્યૂ છપાયો જેમાં અડવાણીજીએ ભારતના તમામ હિન્દુઓની લાગણીને વાચા આપતા હોય એવું કહ્યું:

‘મુસ્લિમોએ સમજવું જોઈએ કે ભાજપ મુસ્લિમોનો વિરોધ નથી કરતો, પણ મુસ્લિમ પ્રજાનો વૉટ બૅન્ક તરીકે થતા ઉપયોગનો વિરોધ કરે છે. ધાર્મિક નીતિનિયમોના આધારે સરકાર ચલાવવાની નીતિ ભારતમાં ચાલી શકે જ નહીં અને ૧૯૫૦માં ભારતે જે બંધારણનો સ્વીકાર કર્યો છે તે જ બંધારણના સિદ્ધાંતોને સાનૂકૂળ હોય એવી નીતિ વડે આ દેશની સરકાર ચાલી શકે.’

સામાન્ય પ્રજાની એક લાક્ષણિકતા છે કે તે ઈતિહાસને ભૂલી જાય છે. પોતે જેનો એક હિસ્સો હતા એવા નજીકના ભૂતકાળમાં બની ચૂકેલા ઐતિહાસિક બનાવોને પણ લોકો ભૂલી જાય છે. એમને યાદ માત્ર એટલું જ રહે છે જેટલું પ્રચારમાધ્યમોના વિકૃત પડઘમો દ્વારા એમના કાન પાસે વગાડવામાં આવે. તમને ગમે કે ન ગમે, ડાબેરીઓ અને સેક્યુલરવાદીઓ પાસે ૧૯૯૨માં મજબૂત પ્રચાર માધ્યમો હતાં.

૧૬ ડિસેમ્બર, ૧૯૯૨ના રોજ મજા આવી. હિન્દુઓની ધાર્મિક લાગણીને રોજ પગ તળે કચડી નાખનારા દૈનિકે નક્કી કર્યું કે આજે મુસ્લિમોને લવિંગ કેદી લાકડીએ ફટકારીએ. મોળી ભાષામાં હળવી પણ સાચી) ટીકા કરતાં લખવામાં આવ્યું:

‘બાંગ્લાદેશી શરણાર્થી તરીકે આવી ચડેલા મુસ્લિમો પણ અત્યારની પરિસ્થિતિ માટે જવાબદાર છે અને હિન્દુ-મુસ્લિમે ભારતની એક સંસ્કૃતિના છડીદાર બનીને હળીમળીને રહેવું જોઈએ વગેરે વગેરે..’

પણ આટલી અમથી ટપલીથી વિખ્યાત મુસ્લિમ કોમવાદી અને ધર્મઝનૂની સૈયદ શાહબુદ્દીનનું લીલું લોહી ઊકળી ઊઠયું. (૨૦૧૭માં તેઓ સ્વર્ગવાસી થયા. ૨૦૧૨માં સી. એમ. નરેન્દ્ર મોદીને સંબોધીને લખેલા જાહેર ધિક્કારપત્ર બદલ એમની આકરી ટીકાઓ થયેલી. કૉલેજના જમાનામાં તેઓ કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઈન્ડિયાની યુવા પાંખ સાથે જોડાયેલા હતા. એ પછી પંડિત નહેરુની મહેરબાનીથી સરકારમાં જોડાયા. લોકસભામાં પણ ચૂંટાયા હતા.)

સૈયદ શાહબુદ્દીને હળવી ટીકાના જવાબમાં જડબાતોડ શબ્દો ઉચ્ચારીને પેલા સેકયુલર તંત્રીની ખબર લઈ નાખી: ‘બાબરી તૂટી એના કરતાંય વધારે દુ:ખ તમારો આ લેખ વાંચીને મને લાગ્યું… ભારતીય મુસ્લિમો કોઈ કાળે કૉમન સિવિલ કોડ નહીં સ્વીકારે. આવો કાયદો શરિયતની વિરુદ્ધ છે.’

ટપલીના જવાબમાં લપડાક ખાધા પછી સેક્યુલર તંત્રી મુસ્લિમોનું નામ લેવાનું ભૂલી ગયા. એટલું જ નહીં, સૈયદ શાહબુદ્દીનની માફી માગવામાં આવતી હોય એમ બીજી જાન્યુઆરી, ૧૯૯૩ના રોજ આ સેક્યુલર તંત્રીએ લખ્યું: ‘બાબરી મસ્જિદ તૂટવાને કારણે ઘવાયેલી મુુસ્લિમોની લાગણી વાજબી છે.’

આવા તો અસંખ્ય કાંડ સેક્યુલર મીડિયાએ ૧૯૯૨ની છઠ્ઠી ડિસેમ્બર પછી કર્યા, પણ એટલું નક્કી કે બાબરી તૂટ્યા પછી દેશનો એક નૉર્મલ હિન્દુ સમજી ગયો કે સેક્યુલર મીડિયા અને ડાબેરીઓ આ દેશનું ભલું નથી કરવાના. એમનો આ મત ૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૨ના ગોધરા હિન્દુ હત્યાકાંડ પછીના દિવસોમાં સેક્લુયર મીડિયા તથા ડાબેરી આતંકવાદીઓએ મળીને ગુજરાતની તથા દેશની ઈમેજની જે દુર્દશા કરી તે ગાળામાં શતપ્રતિશત સાચો પુરવાર થતો ગયો. વધુ કાલે.

આજનો વિચાર

દરેક માણસ એની જીભની પાછળ છુપાયેલો હોય છે. જો એને સમજવો હોય તો એને બોલવા દો.

– વૉટ્સઍપ પર વાંચેલુ

એક મિનિટ!

ગ્રાહક: ફટાકડા વેચો છો?

દુકાનદાર: હા. બોલો, કયા કયા આપું?

ગ્રાહક: ના, વપરાય તો ૧૧મી ડિસેમ્બર પછી પાછા લેશો?

દુકાનદાર: કૉંગ્રેસ પાર્ટીની ઑફિસથી આવો છો?

3 COMMENTS

  1. અંગ્રેજી મીડિયા અને સુડો સેક્યુલરો ની ખૂબ સરસ ધુલાઈ કરી સાહેબ.

  2. You are not a writer you have no logic you can only modi’s no 1 spoon and remember I am not any political party last 2014 I have my vote bjp but steel desh me hindu muslim k alava bhi kuch hona hai ya hindu ko Muslim k saath ladana hai murti banvayenge mandir banvayenge ye kaam karne k liye hum bjp ko laye hai sharam karo

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here