હાય રે વિશ્વાસ મેરે, હાય મેરી આશા

સન્ડે મોર્નિંગસૌરભ શાહ

( મુંબઇ સમાચાર : રવિવાર, 9 ડિસેમ્બર 2018)

‘ગાઈડ’નાં ગીતો – આ શીર્ષકથી લખેલા આ શ્રેણીના સૌપ્રથમ લેખમાં જે ભૂલ થઈ ગઈ તે હવે આ છેલ્લા લેખમાં સુધારી લઈએ. ‘મોસે છલ કિયે જા’ અને ‘પિયા તોસે નૈના લાગે’ આ ગીતોનો ઉલ્લેખ કરતી વખતે એક ગીતની વિગતો બીજામાં ઘૂસી ગઈ. સંગીતકાર ઉત્તમ સિંહે કહ્યું છે કે ‘પિયા તોસે નૈના લાગે રે’ રૂપક સાત માત્રામાં કમ્પોઝ થયેલું ગીત છે. અને હજુ સુધી નૃત્યગીતને રૂપક સાત માત્રામાં કંપોઝ કરવાની હિંમત કોઈ સંગીતકારે બતાવી નથી. ન ભૂતો, ન ભવિષ્યતિ જેવું આ ગીત છે. (મેં ભૂલથી ‘મોસે છલ કિયે જા’ માટે આ વિગત લખી હતી. ક્ષમા.) અને સંતૂરવાદક પંડિત શિવકુમાર શર્માએ ‘પિયા તોસે નૈના લાગે’ માટે તબલાં વગાડ્યાં હતાં (‘મોસે છલ માટે’ નહીં. એમાં મારુતિ કીરેે વગાડ્યાં છે). તો આ બંને સરતચૂક બદલ માફ કરશો અને સુધારીને વાંચશો જેથી ભવિષ્યમાં મારો આ લેખ શ્રેણીમાંથી કોઈ ક્વૉટ કરે તો સાચી માહિતી ક્વૉટ કરે, ભૂલભરેલી નહીં.

અંતભણી આગળ વધીએ.

સાચા ઈરાદાથી કરેલા ખોટા કામનો અંજામ પણ ખોટો આવે છે એ સાબિત થઈ ગયું. રોઝી તો તૈયાર હતી રાજુ બે વરસની જેલ કાપીને બહાર નીકળે ત્યાં સુધી રાહ જોવા. એવું ફિલ્મમાં છે. મૂળ નવલકથામાં તો એમ છે કે રાજુ જેલમાં મદ્રાસનું ‘હિન્દુ’ દૈનિક વાંચતો જેમાં વીકએન્ડ પૂર્તિમાં રોઝીના ઠેકઠેકાણે યોજાતા કાર્યક્રમોની તસવીરો છપાયા કરતી. રાજુએ સ્વીકારી લીધું કે રોઝી હવે ઠેકાણે પડી ગઈ હશે, અને મારું કંઈ કામ નહીં હોય. નવલકથામાં રાજુને જેલ થાય પછી રોઝી (કે રાજુની મા) રાજુને મળ્યાં નથી. રાજુ સ્વામી થઈ ગયો એ પછી પણ મળ્યાં નથી. મા અને રોઝીનાં પાત્રોનું કામ જેલવાસ પહેલાં જ પૂરું થઈ જાય છે. મારે હિસાબે એ જ બરાબર છે. પણ ફિલ્મની વાત જુદી છે. મા અને રોઝી રાજુના સ્વામી અવતાર પછી જો ન આવ્યાં હોત તો એક પ્રેક્ષક તરીકે મને જરા અધૂરું અધૂરું લાગ્યું હોત. ‘ગાઈડ’ના નવલકથાકાર આર. કે. નારાયણને ફિલ્મનો એન્ડ નહીં ગમ્યો હોય. સ્વાભાવિક છે. પણ ફિલ્મમાં જે છે એ ફેરફારો જરૂરી હતા.

ફિલ્મનો આરંભ જેમ એસ. ડી. બર્મનના કંઠે ગવાયેલા ગીતથી (‘વહાં કૌન હૈ તેરા’ જેના વિશે એક આખો સેપરેટ લેખ આ જ કોલમમાં લખાઈ ગયો છે) એમ ફિલ્મના અંતમાં જે બે ગીતો આવે છે તેમાંના એક ગીતમાં પણ એસ. ડી. બર્મન સંભળાય છે.

દુકાળના દિવસોમાં સ્વામી (રાજુ)એ પરાણે કરવા પડેલા ઉપવાસમાં ગામવાસીઓ પ્રાર્થના કરે છે ‘અલ્લાહ મેઘ દે, પાની દે, છાયા દે, શ્યામા મેઘ દે, રામા મેઘ દે… હાય રે વિશ્ર્વાસ મેરા, હાય મેરી આશા…’ 

રાજુથી ઉપવાસની ભૂખ સહન થતી નથી. પરસાદની થાળીમાં પડેલાં કેળા – સાકરિયા મુઠ્ઠીમાં લે છે, છોડી દે છે. ત્યારે આ ગીત શરૂ થાય છે. ગીત પૂરું થયા પછી રાજુની મા પણ ભીડ ચીરીને એનાં દર્શને આવે છે.

રાજુનું મનોમંથન શરૂ થાય છે. રાજુએ પરાણે શરૂ કરવા પડેલા ઉપવાસ પછી એની આત્મશુદ્ધિ થઈ રહી છે. રાજુની શારીરિક શક્તિ હણાઈ રહી છે પણ એનું મનોબળ વધી રહ્યું છે. પથારીવશ રાજુની ચાકરી કરતી માનું દૃશ્ય આવે છે. ‘માં, સેવા તો મુઝે કરની ચાહિયે તુમ્હારી. જાઓ, સો જાઓ.’

ફિલ્મમાં હજુ સુધી સસ્પેન્સ છે. શું થશે. વરસાદ આવશે. રાજુ પારણાં કરી શકશે? મા આવી, રોઝી કેમ ન આવી.

અને રોઝી આવે છે. બેકગ્રાઉન્ડમાં ‘લાખ મના લે દુનિયા, સાથ ન યે છૂટેગા… આ કે મેરે હાથોં મેં હાથ ન યે છૂટેગા’નાં આવર્તનો સંભળાય છે. રોઝી રાજુને અલમોસ્ટ ભેટી પડે છે, એની માફી માગતી હોય એમ. ‘… ઓ મેરે જીવનસાથી, તેરે મેરે સપને અબ એક રંગ હૈ…’

આપણને લાગે છે કે આ હેપ્પી એન્ડિંગનું બૅકગ્રાઉન્ડ બંધાઈ ગયું. કોણ ઈચ્છા ન કરે કે વિખૂટાં પડેલા રાજુ અને રોઝી ફરી એક થાય અને સાથે જીવન ગાળે. ખાધું પીધું ને રાજ કીધુંવાળા અંતવાળી વાર્તાઓ બાળપણમાં ગમતી અને મોટા થયા પછી પણ ગમે છે. ખબર છે કે દરેક વાર્તાનો અંત એવો નથી હોતો. હવે તો અનુભવ પણ થવા લાગ્યો છે. છતાં મનમાં એક જ તાંતણે ટકી રહેલી આશા તૂટતી નથી. ત્યાં સુધી નથી તૂટતી જયાં સુધી બે તાંતણા સાથે આશા બંધાયેલી રહે છે. પણ જેવી આશા નીચે પડી અને તાંતણો હવામાં અધ્ધર ઝૂલવા લાગ્યો કે તરત આશાની સાથે આપણે પણ જમીનદોસ્ત થઈ જઈએ છીએ.

‘ગાઈડ’નો બહુ વખણાયેલો ક્લાઈમેક્સનો સીન હવે આવે છે. સ્વામી બની ગયેલા રાજુ અને રાજુ ગાઈડ વચ્ચેનો આ સંવાદ છે. બેઉ તરફની દલીલો છે. બેઉ સાચી લાગે એવી છે. પર્સનલી મને આ સીન બહુ ગમતો નથી પણ ચાલે. ફિલ્મ જબરજસ્ત છે એટલે ચાલે. બાકી બહુ બોલકો છે, ઓવર ધ ટૉપ જઈને સંવાદો લખાયા છે, આટલી બધી વળ ચડાવવાની કે ગીતાની ફિલસૂફી ઝાડવાની જરૂર નહોતી. બહુ ટૂંકમાં સચોટ સંવાદો લખી શકાયા હોત. થ્રુ આઉટ ધ ફિલ્મમાં આવું લાઘવભર્યું અને સચોટ કામ સંવાદોની બાબતોમાં થયેલું જ છે. કેટલા પાવરફુલ સંવાદો, કેવો પાવરફુલ સ્ક્રીન પ્લે. 1966ના ‘ફિલ્મફેર’ અવૉર્ડ્સમાં ‘ગાઈડ’ને સૌથી વધારે (7) અવૉર્ડ્સ મળ્યાં જેમાંનો એક બેસ્ટ સંવાદો માટે વિજય આનંદને મળ્યો હતો. બેસ્ટ સ્ટોરી માટે આર. કે. નારાયણને મળ્યો હતો. બાકીના પાંચમાં: બેસ્ટ ફિલ્મ – ‘ગાઈડ’ (પ્રોડ્યુસર દેવ આનંદ માટે), બેસ્ટ ડિરેકટર:- ‘ગાઈડ’ (દિગ્દર્શક વિજય આનંદ માટે), બેસ્ટ એકટર – (હીરો દેવ આનંદ માટે), બેસ્ટ એક્ટ્રેસ – (હીરોઈન વહીદા રહેમાન માટે) અને બેસ્ટ કલર સિનેમેટોગ્રાફી (કેમેરામૅન ફલી મિસ્ત્રી માટે).

સાત – સાત ફિલ્મફેર અવૉર્ડ્સ ‘ગાઈડ’ને મળ્યા પણ આ ફિલ્મનો જે સૌથી સશકત ડિપાર્ટમેન્ટ છે તે મ્યુઝિક (અને તેની સાથે સંકળાયેલા ગીતકાર તથા ગાયકોને) તો સાવ નિગ્લેક્ટ કરવામાં આવ્યા. એ વર્ષે સંગીત માટેનો અવૉર્ડ સચિનદાને બદલે ‘સૂરજ’ માટે શંકર-જયકિશનને મળ્યો. ગીતકાર તરીકે ‘ગાઈડ’માં શૈલેન્દ્રએ લખેલાં ગીતોને અવગણીને હસરત જયપુરીએ ‘સૂરજ’ માટે લખેલા ‘બહારોં ફૂલ બરસાઓ’ને મળ્યો અને ગાયક તરીકે મોહમ્મદ રફીને ‘બહારોં ફૂલ બરસાઓ’ ગાવા માટે અવૉર્ડ મળ્યો.

નો ડાઉટ ‘બહારોં ફૂલ બરસાઓ મેરા મહેબૂબ આયા હૈ’ સરસ ગીત છે, સુપરહિટ પણ છે અને રાજેન્દ્રકુમાર પર ફિલ્માવવામાં આવ્યું હોવા છતાં જોવાનું ગમે એવું ગીત છે. પણ ક્યાં ‘કાંટોં સે ખીંચ કે યે આંચલ’, ‘ગાતા રહે મેરા દિલ’, ‘ક્યા સે ક્યા હો ગયા’, ‘પિયા તોસે નૈના’, ‘મોસે છલ’ અને ‘દિન ઢલ જાયે’ ઉપરાંત ‘વહાં કૌન હૈ તેરા’. છોગામાં ‘અલ્લાહ મેઘ દે’ અને મન્નાડેના કંઠમાં ‘હે રામ’ની ધૂન… આ બધાં સર્જનોની આગળ ‘સૂરજ’નાં ગીત-સંગીત-ગાયકી પાણી ભરે. પણ અવૉર્ડ મળવા ન મળવાથી કંઈ સર્જનની શ્રેષ્ઠતા પુરવાર થતી નથી. વારંવાર આ વાત સાબિત થઈ ચૂકી છે. હજુ પણ થતી રહે છે. સંગીત અને બ્લેબૅક સિંગિંગ માટે ‘ગાઈડ’ને નૉમિનેશન તો હતું, ગીતો માટે તો એય નહીં. શૈલેન્દ્રને ‘સજન રે ઝૂઠ મત બોલો’ (‘તીસરી કસમ’) માટે નૉમિનેશન મળ્યું. તમે જ નક્કી કરો કે ગાઈડના કોઈ પણ ગીતની સામે ‘સજન રે ઝૂઠ મત બોલો, ખુદા કે પાસ જાના હૈ, ન હાથી હૈ, ન ઘોડા હૈ, વહાં પૈદલ હી જાના હૈ’ જેવું પેડેસ્ટ્રિયન ગીત ઝીંક ઝીલી શકે? પણ ઠીક છે. થતું રહેવાનું આવું બધું.

‘ગાઈડ’ની સ્ટોરી અમર છે, અમર રહેવાની છે. ‘ગાઈડ’ આખેઆખી ફિલ્મ – એનું દિગ્દર્શન, એમાં દેવસા’બ, વહીદાજી, કિશોર સાહુની એક્ટિંગ તમારા ચિત્ત પરથી ક્યારેય ભૂંસાવાની નથી. એના ડાયલોગ્સ તમે ક્યારેય ભૂલવાના નથી. અને સચિનદા, શૈલેન્દ્ર, મોહમ્મદ રફી, લતાજી, કિશોરકુમારે સર્જેલાં ગીતો તમે મરતાં દમ સુધીુહગ્ા ેદલુ ગણગણવાના છો, છેલ્લા શ્ર્વાસ સુધી ગાતા રહેવાના છો કે આજ ફિર જીને કી તમન્ના હૈ.

કાગળ પરના દીવા

ઘરમાં કોઈપણ કામ એટલું પરફેકટ ન કરો કે પત્ની દર વખતે એ તમારી પાસે જ કરાવે: ચાણકયનો કામચોર વિદ્યાર્થી.

– વૉટ્સઅપ પર વાંચેલું

સન્ડે હ્યુમર

કરસનકાકાને કોઈએ કહ્યું કે શાંતાક્લોઝ આવશે પણ આખો ડિસેમ્બર રાહ જોયા પછી પણ શાંતા ક્લોઝ આવી જ નહીં

3 COMMENTS

  1. It was really nice to read about “Guide” series. Definitely it qualifies for one of the greatest movie of Indian Cinema. I’ve not seen English version. Just in case you can add something. Otherwise it’s rare that any movie is made very close to perfection. Though International community may not have sensitivity of Indian psyche, but still the story has universal appeal. The difference between actual story and movie storyline was necessary to make it reach and accepted by wider audience. Chetan Anand remains one of the best, when it comes to song picturization. Hrisikesh Mukharjee is another stalwart in this genre which comes to mind. Thanks for your time and effort. It was worth indeed

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here