તમારું સૌથી મોટું નુકસાન કોણ કરતું હોય છે? તમારી જે સૌથી વધુ નજીક હોય છે એ લોકો. અથવા તમે જેમને તમારી નજીક આવવા દો છો એ લોકો. : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : શનિવાર, ૬ માર્ચ ૨૦૨૧)

દોઢેક વર્ષ પહેલાં નેટફ્‌લિક્‌સ પર માર્ટિન સોર્સેસીની ‘ધ આઇરિશમૅન’ ફિલ્મ રિલીઝ થઈ. એ પહેલાં આ ફિલ્મ જે બુક પરથી બની છે તે ચાર્લ્સ બ્રાન્ડની ‘આય હર્ડ યુ પેઈન્ટ ધ હાઉસીસ’ નામની સ્મરણકથા વાંચી અને જે વિચાર મનમાં ઘોળાતા કરતો હતો તે અહીં શેર કરું છું. બુકમાં અને મૂવીમાં ફ્રેન્ક શીરન નામના ગૅન્ગસ્ટરની સ્મરણકથા છે(જે ચાર્લ્સ બ્રાન્ડે લખી છે). ફ્રેન્ક શીરન રસેલ બફેલિનો નામના ડૉન માટે કામ કરે છે અને ક્રમશઃ જિમી હોફા નામના વિખ્યાત ટ્રેડ યુનિયન લીડર( જેને અંડરવર્લ્ડ સાથે સીધો સંપર્ક છે અને જેને અમેરિકાના કેટલાક ટોચના રાજકારણીઓ સાથે ઓપન દુશ્મનાવટ છે, કેટલાક સાથે દોસ્તી છે)ની નિકટ આવે છે. વખત જતાં ફ્રેન્ક શીરન જિમી હોફાના જીવનું રક્ષણ કરવાની જવાબદારી મેળવે છે. પણ પેલી બાજુ રસેલ બફેલિનો અને જિમી હોફા વચ્ચેના મતભેદો તીવ્ર બનતા જાય છે.

કથા સત્ય છે, અને બહુ ઈન્ટરેસ્ટિંગ છે પણ આપણો હેતુ અહીં વાર્તામાં રહેલું મનોરંજન માણવાનો નથી. કોઈ અનુભવી, ઘડાયેલા અને ધીટ માણસ જેને પોતાનો બૉડી ગાર્ડ બનાવે તો એમને એમ તો ન જ બનાવે. વિશ્વાસ જીત્યો હોય તો જ બનાવે. બીજું, આ વિશ્વાસ જીતવાના કામમાં ક્યાંય બનાવટીપણું પણ નથી કે ભૈ, ચલો આનો વિશ્વાસ જીતી લઈને એની નજીક જઈએ અને પછી પૂર્વયોજિત કાવતરાને અમલમાં મૂકીએ. ના. વિશ્વાસ મૂકાયો ત્યારે એવી કોઈ વાત સામેવાળાના મનમાં નહોતી – પણ વખત જતાં પરિસ્થિતિ પલટાઈ. પોતે જેના અજીવન ૠણ હેઠળ છે એ વ્યક્તિએ એના સ્વાર્થ ખાતર દબાણ કર્યું, અલમોસ્ટ બ્લૅકમેલની અણી પર, જાન લેવાની ગર્ભિત ધમકી પણ આપી. (પિક્‌ચરમાં એ વાત એકદમ મોઘમ છે, બુકમાં મુખરિત છે).

હવે રિયલ લાઈફની વાત કરીએ. રિયલ એટલે પેલી ફિલ્મની વાર્તા પણ રિયલ જ છે પણ આપણા માટે રિયલ એટલે રોજબરોજની લાઈફ સાથે સંકળાઈ હોય એવી. આપણી નજીકના જે લોકો આપણું નુકસાન કરી જાય છે એમનો ઈરાદો એવો નથી હોતો કે ચાલો આપણે એમની નજીક જઈએ અને પછી નુકસાન કરીએ. એવું પણ થતું હોય છે ક્યારેક, જ્યારે નુકસાન કરવાના ઈરાદાથી કોઈ નજીક આવે, તમારો વિશ્વાસ જીતી લે અને પછી અગાઉથી નક્કી કર્યા મુજબ તમારું નુકસાન કરીને પોતાની જાત દેખાડે. પણ એ અલગ મુદ્દો થયો. અહીં આપણે એની સાથે ડીલ નથી કરતા.

તમારા પાર્ટનર, લાઈફ પાર્ટનર કે તમારા લોહીનાં સગાં જેવાં કે કાકા, મામા, ફોઈ, માસી, પિતા, માતા, સંતાનો કે પછી એકદમ નજીકના કે ખૂબ જૂના મિત્રો-પડોશીઓ કે પછી સગા કરતાં પણ જેમને વિશેષ ગણ્યા હોય એવા ઑફિસ કલીગ્સ અથવા અન્ય કોઈ પણ એવી વ્યાક્તિ જેમની સાથે તમારે ગાઢ આત્મીયતા થઈ ગઈ હોય જેમની કંપની વિના તમને ચેન ન પડતું હોય એવા લોકો આપણા સૌના જીવનમાં હોવાના જ.

આમાંની જ કોઈ વ્યક્તિ તમારી સાથે વિશ્વાસઘાત કરે છે ત્યારે એમનો ઈરાદો વિશ્વાસઘાત કરવાનો નથી હોતો. તમારી નિકટ આવવાનું કારણ તમારો ફાયદો ઉઠાવવાનું કે તમારી સાથે દગો કરવાનું નથી હોતું. પણ વખત જતાં આમાંનું કોઈક પ્રિસાઈસલી એવું કંઈક કરે છે જેને તમે વિશ્વાસઘાત કે દગો સિવાય બીજું કોઈ નામ ન આપી શકો. પણ એમના માટે એ મજબૂરી હોય છે. એ કોઈક એવી પરિસ્થિતિમાં મૂકાયા હોય છે. જેને કારણે એ કંઈક એવું કરી બેસે છે જે તમારા માટે દગો કે વિશ્વાસઘાત પુરવાર થાય.
તો હવે શું કરવું? જિંદગીમાં કોઈના પર વિશ્વાસ જ ન મૂકવો? એ તો ખોટું કહેવાય. પરસ્પરના વિશ્વાસ વિના જિંદગી આગળ વધી જ ન શકે. સતત શંકાશીલ બનીને જીવવા કરતાં તો મોત ભલું. આજુબાજુની દરેક પ્રિય વ્યક્તિને શંકાની નજરે જોતાં થઈ જઈશું તો જીવન ઝેર બની જશે. વિશ્વાસ તો મૂકવો જ પડે.

વિશ્વાસ મૂકવામાં અને આપણા જીવનની લગામ કોઈને સોંપી દેવામાં જમીનાઅસમાનનું અંતર છે. તમારા જીવનનું સ્ટિયરિંગ તમારા અને એક માત્ર તમારા જ હાથમાં હોવું જોઈએ. તમારા જીવનની ગતિ, દિશા અને મંઝિલ પર એક માત્ર તમારો પોતાનો જ કન્ટ્રોલ હોવો જોઈએ. હેવિંગ સેઇડ ધૅટ, હવે જોઈએ કે વિશ્વાસ મૂકવો એટલે શું.
સૌથી મોટો ભરોસો તો આપણને ભગવાન પર, કહો કે કુદરત પર હોવો જોઈએ કે એ આપણા માટે જે કંઈ કરે છે તે સારા માટે જ કરે છે. અને આપણું ભલું કરવા માટે જ એણે આપણને ગમતા, આપણે જેમને ચાહીએ છીએ એવા આપણી આસપાસના લોકોને બનાવ્યા છે. આ બધા જ પ્રિયજનો આપણી જિંદગી ક્યારેક ટપકું તો ક્યારેક પીપડું ભરીને સુખ, આનંદ અને હર્ષની પળો લાવીને આપણને સમૃધ્ધ કરતાં હોય છે. બદલામાં આપણે પણ આપણો ટાઈમ, ઍનર્જી અને મની એમના માટે ખર્ચીને સદ્‌ભાવનો બદલો સદ્‌ભાવથી આપતાં હોઈએ છીએ.

હવે આવામાં કોઈની મતિ ફરે, કોઈની પરિસ્થિતિ બદલાય કે પછી એના પર બીજી કોઈ વધારે મહત્વની વ્યક્તિ તરફથી પ્રચંડ દબાણ આવે ત્યારે એ નાછૂટકે વિશ્વાસઘાતી બને અને તમારી સાથે દગો કરે ત્યારે શું કરવું?

પ્રિવેન્શન ઈઝ બેટર ધૅન ક્યોર. કોઈ વિશ્વાસઘાતી બની શકે એવી પરિસ્થિતિ ન સર્જાય તે જોવાનું કામ તમારું છે. કેવી રીતે?

આળસમાં કે બેદરકારીમાં આપણે આપણા જીવનની લગામ બીજાના હાથમાં સોંપી દઈએ છીએ અને પછી વિચારીએ છીએ કે હું એમને કેટલો પ્રેમ કરું છું, એમના પર મને કેટલો ભરોસો છે તેના પુરાવારૂપે મેં મારી લગામ એમના ભરોસે સોંપી દીધી છે. આ આપણો એસ્કેપ છે. પોતાના જ પગ પર કુહાડો મારવો આને કહેવાય. જિંદગીને એ હદ સુધી ક્યારેય ન લઈ જવી જ્યાં આપણું અસ્તિત્વ કોઈ બીજાના હાથમાં હોય. સમગ્ર અસ્તિત્વ કે પછી અસ્તિત્વનો કોઈ એક અંશ. ક્યારેક લાગણીવશ બનીને આપણે વધુ પડતો વિશ્વાસ મૂકી દેતા હોઈએ છીએ. કોઈકે આપણને આપણા કપરા કાળમાં સાચવી લીધા હોય એના બદલામાં ૠણસ્વીકારરૂપે આપણે સમગ્ર જીવનની લગામ એના હાથમાં મૂકી દેવાની ભૂલ કરતા હોઈએ છીએ. સામેની વ્યક્તિની ઈચ્છા ન હોય, ક્યારેક તો સ્પષ્ટ નામરજી હોય તોય આપણે એમના પર વધુ પડતા વિશ્વાસનો બોજો નાખી દેતા હોઈએ છીએ, વધુ પડતો ભરોસો રાખીને એમની મરજી વિરુધ્ધ એમને આપણી નિકટ લાવવાના પ્રયત્નો કરતા હોઈએ છીએ.

આવું નહીં કરવાનું.

વિશ્વાસ દરેક પર રાખવાનો પણ કોઈના વિના પરવશ થઈ જઈએ કે અપંગ બની જઈએ એ રીતે જિંદગી નહીં ગોઠવવાની. ન કરે નારાયણ ને પેલી વ્યક્તિ આ દુનિયામાં રહી જ નહીં તો? તો વગર વિશ્વાસઘાતેય તમારી જિંદગી તો પડી ભાંગવાની ને? માટે જ કોઈના પર એટલા બધા ડિપેન્ડન્ટ ન રહેવું કે એ તમારી જિંદગીને કન્ટ્રોલમાં લઈ શકે, એમના વિના તમારી જિંદગી શૂન્ય બની જાય. પગભર બનવું. આત્મ નિર્ભર રહેવું. એક કરતાં વધુ સિસ્ટમો ઊભી કરવી જેથી એક ખોટકાય તો તાબડતોબ બીજી કાર્યરત થાય અને જિંદગી વણથંભી ચાલ્યા કરે. મહાનુભાવોની સુરક્ષા વ્યવસ્થામાં વિવિધ લેયર્સ હોય છે જેથી કોઈ એક જગ્યાએ છીંડું પડે તો અન્ય લોકો તરત જ એ છીંડાંને કારણે થનાર નુકસાનને ભરપાઈ કરી શકે. તમારી પાસે પણ રોજબરોજની જિંદગી જીવવા માટે આવી લેયર્સવાળી વ્યવસ્થા હોવી જોઈએ જેથી કોઈ એકના પર તમારે સમગ્રપણે નિર્ભર રહેવું ન પડે. જિમી હોફાએ ફ્રેન્ક શીરન એકલા પર પોતાની જિંદગીને બચાવવાનો ભાર ન નાખ્યો હોત તો ૬૨ વર્ષને બદલે એ ઘણું લાંબુ આયુષ્ય ભોગવી શક્યો હોત. અંડરવર્લ્ડની દુનિયામાંથી પણ આપણા જેવા સાદાસીધા મિડલ ક્‌લાસ માણસો કંઈક તો શીખી શકે.

આજનો વિચાર

રોજ સવારે ઊઠીને આજે શું કામ કરવાનો મૂડ છે, મૂડ છે કે નહીં – એવું બધું વિચારવાને બદલે ઊભા થઈને કામે લાગી જવાનું. જિંદગી સાચી રીતે જીવવાનો, નિયમિતપણે જીવવાનો આ જ એકમાત્ર રસ્તો છે.

— અજ્ઞાત

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

3 COMMENTS

  1. Suuuuuuuuuuperb….
    Beauuuuuutiful write up ..

    THANKS ભાઈ…તમારો લેખ સંબંધો ની સર્થકતા પુરવાર કરે છે

    સાચી દોસ્તી …સાચા સંબંધો મા વિશ્વાસ….ભરપુર છલકાય છે તમારા લેખ મા. ..

    થૅન્ક્સ ફ્રોમ ધ depth ઓફ હાર્ટ ?❤⚘??‍♂️

  2. સૌરભ ભાઈ,
    તમારા મનનશીલ લેખો વાંચતા હું ધરાતો જ નથી..
    સુજ્ઞેશુ કિંમ બહુના…

  3. અદ્ભુત લેખ
    સાચી સલાહ જે स्त्रियों માટે વધારે જરૂરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here