શું, ક્યારે, કેટલું અને કેવી રીતે જવા દેવું, પકડી રાખવું : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : બુધવાર, ૩ ફેબ્રુઆરી ૨૦૨૧)

મક્કમતા અને જીદ વચ્ચે ફરક છે. જેમ ઉપવાસમાં અને ભૂખ્યા રહેવામાં, મૌનમાં અને અબોલામાં તથા એકાંત અને એકલવાયાપણામાં ફરક છે એવો જ આ ફરક છે. દ્રઢ સંકલ્પ કર્યા પછી એ સંકલ્પ તોડીએ છીએ ત્યારે દરેક સંજોગોમાં આપણો વિલ પાવર ઓછો છે એવું માની લેવું નહીં. ક્યારેક સમજાય કે આપણું મન ખોટી જીદ કરી રહ્યું છે (જીદ હંમેશાં ખોટી જ હોય, સાચી હોય તો તેને આગ્રહ અથવા મક્કમતા કહેવાય) ત્યારે આપણે આપણા નિર્ણય બદલ ફેરવિચાર કરવો પણ પડે. આનો અર્થ એવો નથી કે આપણે હારી ગયા કે તૂટી ગયા. આપણે સમજણભેર આઘા ખસીને બીજાને જગ્યા કરી આપીએ ત્યારે અન્ય કોઈ ભલે આપણે સમાધન કરી લીધું એવું માને પણ આપણે માનવું કે આવું કરીને આપણે આપણા આગળ વધવા માટેના રસ્તા પર આવતા અંતરાયોને-વિઘ્નોને દૂર કરી રહ્યા છીએ. જીદ પર અડીને ત્યાંને ત્યાં પડ્યા રહેવું અને જીંદગીનો કિંમતી સમય, આયુષ્યમાં મળેલી અન્ય અમૂલ્ય તકો તથા કુદરતે આપેલી ઍનર્જીનો વેડફાટ કરવાને બદલે બહેતર એ છે કે એ બધાનો સદુપયોગ કરીએ, આપણી પ્રગતિ થાય એ માટે એ બધાને કામે લગાડીએ, નહીં કે કોઈને બતાવી આપવામાં એનો ઉપયોગ કરીએ.

આમેય જિંદગીમાં અગત્યના નિર્ણયો લેવાનું કામ ભારે કપરું હોય છે. અત્યારે જે નિર્ણય લઈએ છીએ તે બદલ ભવિષ્યમાં અફસોસ થયો તો? આ સવાલ નિર્ણય લેતી વખતે આપણા મગજ પર સવાર થયેલો હોય છે અને દિલ જે નિર્ણય લેવા માગે છે એને દિમાગ રોકી રાખે છે. બીજો સવાલઃ મારો નિર્ણય ખોટો પુરવાર થયો તો મારી આસપાસના લોકો મને શું કહેશે? અને એમાંય જો એ લોકોની સલાહને અવગણીને તમે નિર્ણય લેવા જશો તો પહેલી ચિંતા એ કોરી ખાશે કે ભવિષ્યમાં જરૂર પડી ત્યારે આસપાસના આ લોકો સપોર્ટ સિસ્ટમ બનીને મારી પડખે નહીં રહે તો મારે એકલાં એકલાં કોઈ કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડશે.

આવા કલ્પિત ભયને કારણે આપણે દિલના નિર્ણય પર દિમાગને છવાઈ જવા દઈએ છીએ.

શું જતું કરવું, શું પકડી રાખવું? જેની રિપ્લેસમેન્ટ મળી શકે એમ હોય એ બધું જ જતું કરવું. કોઈ ચીજ, કોઈ સંબંધ કે મિલકત-પૈસા-પ્રતિષ્ઠા માટે તમને એવું લાગે કે જિંદગીમાં એ ફરી ક્યારેય નહીં મળે તો માનવાનું કે જો નહીં મળે તો ભગવાને જ નક્કી કર્યું હ્શે કે હું એને લાયક નથી. જિંદગીમાં બધું જ રિપ્લેસેબલ છે. બધું જ. આ ઘડીએ અને આ સંજોગોમાં જે અનિવાર્ય લાગતું હોય તે સમય-સંજોગો બદલાતાં અનિવાર્ય નથી લાગવાનું. લખી રાખજો.

શું જતું ન કરવું અને પકડી રાખવું? મનની પ્રસન્નતા અને મનની મોજ જતી નહીં કરવાની. એ દુર્લભ છે. તમને સહજ રીતે મળી હોય તો એને ભગવાનના આશીર્વાદ ગણીને જીવની જેમ સાચવજો. સ્વભાવની સરળતા, ભોળપણ, નિર્દોષતા, સહજ વિસ્મય અને કરૂણા-દયા આ બધૂ જ મોંઘી જણસ સમાન છે. એનો ભોગ ક્યારેય ન અપાય. ક્યારે જતું કરવું? જે વાત મન પર સવાર થઈને વારંવાર તમને અકળાવનારી હદે પહોંચી જાય એ સમયે માની લેવું કે એ વાતને વિદાય આપવાનો સમય આવી ગયો છે. કોઈ ચિંતાજનક મુદ્દો વખત વીતતાં મનનો કકળાટ, કંકાસ કે કજિયો બની જાય ત્યારે એને વખતસર વિદાય આપી દેવી.

ક્યારે જતું ન કરવું અને પકડી રાખવું? જિંદગીમાં આપણે સ્વીકારેલા પાયાના નીતિનિયમો, સિધ્ધાંતો સાથે બહુ બાંધછોડ કરવી પડે એમ હોય ત્યારે મક્કમ બનીને આપણી જીદ પકડી રાખવી. નાની નાની બાંધછોડો તો થતી રહેતી હોય છે અને એ કરવાની જ હોય. પણ પાયાની બાબતોમાં જિંદગીના મૂળભૂત સિધ્ધાંતો તથા નિયમોની બાબતમાં બહુ મોટી બાંધછોડ ક્યારેય કરવાની નહીં.

કેટલું જતું કરવું? પૂરેપૂરું. જેને છોડી દેવું છે તેને પૂરેપૂરું છોડી દેવું. અને કેટલું પકડી રાખવું? બને એટલું વધારે. એમાં પૂરેપૂરું પકડી રાખવાનો આઅગ્રહ રાખવાનો નહીં. અને કેવી રીતે જતું કરવું? મન પર એ બાબતના ઘા કાયમી નિશાની છોડીને ન જાય એનું ધ્યાન રાખીને જતું કરવું. જ્યારે નક્કી જ કર્યું છે છોડી દેવાનું તો હસતાં હસતાં કેમ ન છોડવું. જતાં જતાં શું કામ નકામો કકળાટ કરવો, કોઈને સંભળાવી દેવાની લાલચ રાખવી? એના કરતાં સામેવાળાને લાગે કે એની જીત થઈ છે તો ભલે લાગે. સારું ઊલટાનું. હસીને જતું કરવું.

અને પકડી રાખવું હોય તો કડવાશભરી દલીલો કરીને નહીં પણ પ્રસન્નતાપૂર્વક આપણા આગ્રહો પાછળનો તર્ક રજૂ કરીને પકડી રાખવું. પછી એ તર્ક સામેવાળી વ્યક્તિને ગળે ઊતરે છે કે નહીં એની પરવા નહીં કરવાની, ગળે ઊતરે છતાં એ તમારી વાતને ન સ્વીકારે એવું પણ બને. એની પણ પરવા નહીં કરવાની. તમારે તમારી મક્કમતા પ્રસન્ન રહીને જતાવ્યા કરવાની.

બહુ કપરું હોય છે કપરાં સમયમાં નિર્ણયો લેવાનું. પણ આટલું જો ધ્યાન રાખીશું તો નિર્ણયપ્રક્રિયા સાવ સહેલી ભલે ન બને, ઓછી કપરી તો જરૂર થવાની.

આજનો વિચાર

ડરના માર્યા કોઈ નિર્ણય કરવો નહીં. લાલચથી પ્રેરાઈને કોઈ નિર્ણય કરવો નહીં. અને કોઈના કહેવાથી કોઈ નિર્ણય લેવો નહીં.

— અજ્ઞાત

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here