તને તો મિયાઉં, તારા બાપને પણ મિયાઉં : સૌરભ શાહ

(લાઉડ માઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 6 માર્ચ 2024)

હમણાં એક જાણીતી કહેવતનું થોડું નવું વર્ઝન બનાવીને મથાળામાં મૂક્યું એ પછી વિદ્વાન લેખક અને પ્રખ્યાત નાટ્યકાર પ્રવીણ સોલંકીનો ફોન આવ્યો. એમણે કહ્યું કે ચલણમાં ભલે શબ્દો બદલાઈ ગયા હોય પણ મૂળ કહેવત છે: વર વરો, કન્યા વરો પણ ગોરનું તરભાણું ભરો.

મને પ્રવીણભાઈની વાત લૉજિકલ લાગી. ગોર શું કામ કોઈને મરવાનું કહે, એનું કામ તો પરણાવવાનું. અને વર્ષો જતાં ‘વરો’નું ‘મરો’ કરી નાખવામાં આવ્યું હોય એ બિલકુલ શક્ય છે.

મેં રેફરન્સ માટે રતિલાલ સાં. નાયક સંપાદિત ‘કહેવતકોશ’ જોયો જેમાં વર મરો – વાળું વર્ઝન છે. જોકે, આ કોશ ૨૦૦૮માં છપાયેલો છે. ભગવદ્ ગોમંડળ ૧૯૪૮માં છપાયેલો છે પણ એમાંય ‘વર’ શબ્દની એન્ટ્રીમાં આ કહેવત છે તેમાં મરો-વાળું જ વર્ઝન છે. આનો અર્થ એ થયો કે વરો-વાળું વર્ઝન એનાથીય જૂનું હશે પણ દાયકાઓથી લુપ્ત થઈ ગયું હશે. પ્રવીણ સોલંકીની સ્મૃતિમાં એ સચવાઈ ગયું તે સારું થયું.

કહેવતો કેવી રીતે બોલચાલની ભાષામાં આવી એની પાછળ વાર્તાઓ જોડી કાઢવામાં આવતી હોય છે. અરવિન્દ નર્મદાશંકર શાસ્ત્રીએ રચેલો આવો જ એક દળદાર સંગ્રહ ‘બૃહદ્ કહેવત કથાસાગર’ મારી પાસે છે. વર મરો, કન્યા મરોવાળી કહેવતનો રેફરન્સ એમાં શોધતો હતો, એનો સંદર્ભ ક્યાંય દેખાયો નહીં પણ એક નવી કહેવત વાંચવા મળી: તને તો મિયાઉં પણ તારા બાપને પણ મિયાઉં…

આ વળી કઈ કહેવત. વાંચતાં ખબર પડી કે ભેંસનાં શીંગડાં ભેંસને ભારે કે હાથનાં ર્ક્યાં હૈયે વાગે એનું જ આ સ્વરૂપ છે. વાર્તા વાંચો:

એક વેપારીને એના બીજા એક વેપારીમિત્રે યુક્તિ બતાવી કે તારી પાસે કોઈ લેણદાર રકમ માગવા આવે ત્યારે એને જવાબમાં કંઈ કહેવાનું નહીં, માત્ર ‘મિયાઉં’ બોલવાનું. આથી લેણદારો માનશે કે આ બિચારો ગાંડો થઈ ગયો છે, તો પડ્યા પર પાટુ ક્યાં મારવી? એટલે તેઓ ઉઘરાણી કરતાં બંધ થઈ જશે.

અને પછી તો એ વેપારી જે કોઈ ઉઘરાણીએ આવે એને કહેતો, ‘મિયાઉં.’

એક લેણદાર ગયો, બીજો આવ્યો: ‘મારી રકમ આપો.’

‘મિયાઉં.’

લેણદારો ગમે એટલાં મહેણાંટોણાં મારે એમને ‘મિયાઉં’ સિવાય બીજું કંઈ સાંભળવા ના મળે. છેવટે બધા આને પાગલ સમજીને જતા રહેતા. વેપારી ઘરમાં બૈરી-છોકરાં: આગળ પણ માત્ર ‘મિયાઉં’ જ બોલતો.

છેવટે આ સલાહ જે વેપારી મિત્રે એને આપી હતી તે આવ્યો, ‘તેં ઠીક વેશ ભજવ્યો. લોકો તને ગાંડો જ સમજી બેઠા છે. હવે ક્યારેય તારી પાસે નહીં આવે. લાવ, મારા પિતાએ તારી પાસે જે પૈસા લેવાના નીકળે છે એ મને આપી દે એટલે હું જાઉં.’

‘મિયાઉં’ વેપારી બોલ્યો. મિત્રે પૂછ્યું, ‘તું મને મિયાઉં કહે છે, તું?’ વેપારીએ કહ્યું, ‘તને તો મિયાઉં પણ તારા બાપને પણ મિયાઉં.’

મિત્ર પસ્તાયો. હાથનાં કર્યાં હૈયે વાગે એમ વિચારીને ઉઘરાણી લીધા વિના જ પગથિયાં ઊતરી ગયો.

બીજી એક કહેવત પહેલી વાર વાંચી. રતિલાલ સાં. નાયકવાળા કોશમાં છે: ‘તાંબાની તોલડી તેર વાનાં માગે.’ એની પાછળની કથા કંઈક આવી છે: એક ભાઈ રોજ ઘરમાં બધાંને ધમકી આપતા કે, ‘હું જુદો નીકળી જઈશ. તમારી સાથે મને નહીં ફાવે.’

છેવટે બધાંએ એને જુદા રહેવાની છૂટ આપી. ભાઈ તો ખુશખુશાલ થઈ જુદા રહ્યા. એકાદ દિવસ તો રાંધ્યું, ખાધું પીધું ને મજા કરી. બીજે દહાડે ઉત્સાહ ન રહ્યો. ત્રીજે દિવસે નરમ પડ્યા. ચોથે દહાડે ભૂખ્યા રહ્યા અને પાંચમે દહાડે ઘરે પાછા આવ્યા.

બધાંએ પૂછ્યું: ‘કેમ ભાઈ, તમે તાંબાની તોલડી લઈને ગયા હતા તે રાંધીને ખાવું’તું ને!’

ભાઈસાહેબ બોલ્યા, ‘રાંધવાની તો હરકત નહોતી, પણ એ તોલડી બીજાં તેર વાનાં માગે છે.’

મતલબ કે બીજાં ઘણાં વાસણો જોઈએ, સાવરણી ને રાખોડી પણ જોઈએ. ઘર સાફ કરવું પડે. વસ્તુઓ ઠેકાણે મૂકવી પડે. જાતે કામ કરવું પડે. એટલે આ કહેવત પડેલી: તાંબાની તોલડી તેર વાનાં માગે!

રતિલાલ સાં. નાયકે આ ઉપરાંત એક ‘રૂઢિપ્રયોગ કોશ’નું પણ સંપાદન કર્યું છે. ‘કાલાં કપાઈ જવાં’ એટલે? કાલામાંથી બહાર દેખાતો કપાસ કોઈ કાપી જાય અને જેવું નુકસાન થાય તેવું નુકસાન થવું; મોટો બગાડ થવો; અનર્થ થવો; કાલાં કપાઈ જવાથી જેવી અસર થાય એવી અસર થવી – હોશ ઊડી જવા, હિંમત હારી જવી.

‘મઠને છાંયડે મઝા કરવી’ એટલે નહીં જેવી મઝા કે નજીવી ગમ્મત કરવી. મઠનું ઝાડ નહીં પણ છોડ હોય એટલે એનો છાંયો હોઈ હોઈને કેટલો હોવાનો?

૧૯૫૧માં ‘દુનિયાનાં ડહાપણ’ નામની એક નાનકડી ચોપડી એન. એમ. ઠક્કરની કંપનીએ પ્રગટ કરી હતી. દેશવિદેશની કહેવતોનો એમાં સંગ્રહ છે. એમાં એક કચ્છી કહેવત છે: ‘પાણી પીને મૂતર જોખેતો.’ આનું એક વર્ઝન ખાવાના ગોળ સાથે પણ સંકળાયેલું છે જેની જાણકારી મારા એક કચ્છી મિત્ર પાસેથી મને મળી હતી. જોકે, એ વર્ઝન લખાય એવું નથી! બીજી એક કચ્છી કહેવત છે: ‘લફેતી લંગોટી ને મીઆં ફત્તેખાન.’

ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીએ ઈ.સ. ૧૮૯૮માં એટલે કે આજથી લગભગ સવાસો વર્ષ પહેલાં કડીની તાલુકા સ્કૂલના હેડમાસ્તર ભોગીલાલ ભીખાભાઈ ગાંધી સંપાદિત ‘રૂઢિપ્રયોગ કોશ’ પ્રગટ કર્યો હતો જેની કિંમત પોણા બે રૂપિયા હતી. મારી પાસે એની એક નકલ સચવાઈને પડી છે.

આજનો તડીપાર શબ્દ ક્યાંથી આવ્યો હશે? ભોગીલાલભાઈના કોશમાં ‘તરી પાર કરવું’ રૂઢિપ્રયોગનો અર્થ આપ્યો છે: તરીને અથવા હોડીમાં બેસીને પેલી પાર જવું; ગુન્હેગારને વહાણમાં બેસાડી બીજે દેશ મોકલી દેવો, દેશ નિકાલ કરવો.

કહેવતો ક્યારેય જૂની થતી નથી. જૂની કહેવતોને માંજીને ચકચકિત કરીને આજના સંદર્ભમાં એનો ઉપયોગ કરવાનો કસબ પત્રકારશિરોમણિ હસમુખ ગાંધી પાસે હતો. ‘સમકાલીન’ના ફ્રન્ટ પેજનું મથાળું આજેય એમના ચાહકોને યાદ છે: ‘કાં તો બાપ દેખાડ, કાં શ્રાદ્ધ કર.’

કહેવતો સામાન્ય રીતે ડેરોગેટરી જ હોવાની. કોઈને ઉતારી પાડવા કે કોઈના વિશે ઘસાતું બોલવા માટે જ વપરાવાની. ભગવદ્ ગો મંડળમાં ‘કહેવત’ શબ્દની એન્ટ્રીમાં એક કહેવત વાંચી જેમાં ‘કહેવત’ શબ્દ સામેલ છે. એના પરથી ખાતરી થઈ ગઈ કે કહેવતો ક્યારેય કોઈનાં વખાણ કરવા માટે નથી વપરાતી. ભગવદ્ ગો મંડળ કોશના ત્રીજા ભાગના ૨,૦૮૮મા પાને કહેવતનો પ્રથમ અર્થ આપ્યો છે – ઉક્તિ, લોકોક્તિ. બીજો અર્થ છે – ઉદાહરણ, દૃષ્ટાંત. ત્રીજો અર્થ છે – કોયડો, ઉખાણું. અને ચોથો અર્થ છે – બદનામી, કલંક, આળ. પછી એને વાક્યમાં વાપરીને દાખલો આપ્યો છે: માથે કહેવત આવવી એટલે કલંક આવવું, આળ ચડવું, બદનામ થવું.

હવે કોઈને શુભેચ્છા આપવી હોય તો શું કહેવાનું? ભગવાન કરે, તમારે માથે ક્યારેય કહેવત ન આવી પડે.

સાયલન્સ પ્લીઝ!

જે જમીન પર સૂવે છે તેને પડવાની બીક હોતી નથી.
– ચેકોસ્લોવેકિયાની કહેવત

ટાલિયો સુંદર ટોપી પહેરે છે.
– સર્બિયાની કહેવત

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Paytm-
90040 99112

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

2 COMMENTS

  1. આબરુ અને અંઞ ઢાંકેલા સારા

  2. આ કચ્છી કહેવત “પાણી પી ને મૂતર જોખતો!” વાંચી એક વાત યાદ આવી.
    સુરેશ દલાલ સાહેબ ની “ઝલક” શ્રૃંખલા નાં એક ભાગ માં મરાઠી ભાષાનાં કવિયત્રી વૃંદા કરાંદિકર નાં એક કાવ્યનો ઉલ્લેખ હતો. ગુજરાતીમાં કંઇક આવું ભાષાંતર / અનુવાદ હતો:
    એક દિવસ એણે દરિયામાં પેશાબ કર્યો,
    અને બાકીની આખી જિંદગી એણે દરિયાની સપાટી કેટલી ઊંચી આવી એ માપવામાં કાઢી નાંખી!

    કેહવતો જ્યારે રાજ્ય બદલે, ત્યારે કદાચ રચનાનું સ્વરૂપ પણ બદલાઈ જતું હશે. કેહવતમાંથી કાવ્ય કે વાર્તા બની જતાં હશે.
    મારા દાદી ને મારા કાકી સાથે ચકમક ઝર્યા કરતી. દાદી હંમેશા કહેતા કે “આ માથે છાણા થાપે છે!” મને હજી બરાબર નથી સમજાયું કે દાદી આ એમને પોતાને પડતી તકલીફના સંદર્ભ માં કેહતા હતા, કે પછી કાકી કઈ ખોટું કરીને એમના પોતાના માથે આફત નોતરે એ સંદર્ભમાં કહેતા હતા! 😄

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here