ક્યારેક તો 80 વર્ષના થવાના તમે : સૌરભ શાહ

(મારા ફેસબુક મિત્ર અને જે ફિલ્મ મેં થિયેટરમાં કુલ ૧૦ વાર જોઈ તે ‘ઊંચાઈ’ના લેખક સુનિલ ગાંધી તેમ જ બીજા વાચકોના સુચનથી ત્રણ હપતામાં ‘સંદેશ’માં છપાયેલી લેટેસ્ટ સિરીઝને સળંગ વાંચવા માટે એક લાંબા લેખરૂપે મૂકી છે.)

જેમના માટે મને અત્યંત આદર છે, જેમની પાસેથી દાયકાઓથી હું નિર્મળ પ્રેમ પામી રહ્યો છું એવા મારા વડીલો 80 પાર કરી રહ્યા છે. ભગવાન એ સૌને તંદુરસ્તીભર્યું, પ્રવૃત્તિશીલ અને માનસિક સ્વસ્થતાથી ભરપૂર એવું સો વર્ષનું આયુષ્ય આપે.

વાત એમની નથી કરવાની. વાત મારી ને તમારી કરવાની છે, જેઓ અત્યારે આયુષ્યના છ કે સાત દાયકા પાર કરી ગયા છે. એથીય આગળ વધીને વાત એ મિત્રોની કરવાની છે જેઓ અત્યારે ફોર્ટીઝ અને ફિફ્ટીઝમાં છે. અને એ બહાને વાત એ યુવાનો સુધી પહોંચાડવાની છે જેઓ ટ્વેન્ટીઝ અને થર્ટીઝમાં છે – કારણ કે પાકા ઘડે કાંઠા નથી ચડવાના. 20, 30, 40, 50, 60 કે 70 વર્ષની વયે જો તમે સભાન થઈ જશો તો જ તમારી જિંદગીનાં પાછલાં વર્ષોમાં તમે અમુક ભૂલો નહીં કરો.

કઈ ભૂલો ? જે મેં મારા વડીલોમાં જોઈ તે ભૂલો. જે મનોમન મેં નોંધી અને મનોમન નક્કી કર્યું કે હું આવી ભૂલોથી બચવાની કોશિશ કરીશ. આ સમજણ મને બે-ત્રણ દાયકા પહેલાં કે ચાર-પાંચ દાયકા પહેલાં જ આવી ગઈ હોત તો સારું થાત. પણ વાંધો નહીં, દેર આયે દુરસ્ત આયે. ક્યારેક પાકા ઘડે કાંઠા ચડતા હોય છે, મેં ચડાવ્યા છે. સુધરવાની પ્રબળ ઈચ્છા હોય તો કોઈ પણ મુહૂર્ત શુભ જ હોય. મેં જે વાતો મારા વડીલોમાં નોંધી તેને 10 મુદ્દાઓમાં વહેંચીને તમારી સમક્ષ રજુ કરું છું :

1. તમે નાના હો, યુવાન હો ત્યારે તમારી કેટલીક જિદ્દી હરકતો કે તમારી ઈડિયોસિન્ક્રસીઝ બીજાઓ ચલાવી લેતા હોય છે. કેટલીકવાર તમારી અડોડાઈને પ્રોત્સાહન પણ આપવામાં આવતું હોય છે – એવું વિચારીને કે દુઝણી ગાયની લાત ખાઈ લેવાની હોય — માણસ કામનો છે અને ટેલેન્ટેડ છે એટલે એના ધૂની સ્વભાવને તથા વિચિત્ર વર્તનને માફ કરીને એની પાસેથી કામ કઢાવી લેવાનું હોય. પણ મોટી ઉંમરે, ખાસ કરીને તમે 80 વર્ષના થઈ જશો તે પછી, તમારા જડસુ સ્વભાવને કોઈ સહાનુભૂતિપૂર્વક નહીં જુએ. વડીલ હજુય સુધર્યા નહીં એવું વિચારીને તમારી તીવ્ર રીતે ભોંકાય એવી વર્તણુકથી બચવા માટે લોકો તમારાથી સલામત અંતર રાખતા થઈ જશે, તમારાથી દૂર રહેવાનો પ્રયાસ કરશે અને છેવટે તમે વધુ એકલા થઈ જશો.

આમેય આ ઉંમરે તમે થોડાઘણા તો એકલા થઈ જ ગયા હો છો. તમારી ઉંમરના તમારા સમકાલીન મિત્રોમાંથી કેટલાક હવે આ દુનિયામાં રહ્યા નથી. તમે જેમને માન આપતા હતા અને જેમનો પ્રેમ પામતા હતા એવા વડીલોમાંથી પણ ભાગ્યે જ કોઈ બચ્યું હોય છે. તમારા જિદ્દી, હઠાગ્રહી અને બાંધછોડ નહીં કરવાના સ્વભાવને લીધે આમેય છેલ્લા બે-ત્રણ દાયકામાં તમે ઘણા સ્વજનો-પરિચિતોને તમારાથી બહુ દૂર ધકેલી દીધા હોય છે. હવે આ ઉંમરે, 80 પાર કરી રહ્યા છો ત્યારે, જો તમારા સ્વભાવના ખૂણાઓને સુંવાળા બનાવી દેવાને બદલે એવા ને એવા ભોંકાય એવા ધારદાર રાખશો તો તમને કંપની આપવા માટે, તમારું નાનુંમોટું કામ કરવા માટે, તમારી સાથે અલકમલકની વાતો કરવા માટે, તમને પ્રસન્ન રાખવા માટે, તમારાં દુખદર્દ વહેંચીને હળવા કરવા માટે કે પછી જરૂર પડ્યે તમારી સેવાચાકરી કરવા માટે તમારી આસપાસ કોઈ નહીં હોય.

માટે 80 વર્ષના થયા પછી તમારામાં ઈડિયોસિન્ક્રસીઝનું પ્રમાણ શૂન્ય હોવું જોઈએ. બને તો 60 કે 70ના થાઓ ત્યારે જ એને શૂન્ય પર લાવી દેવાનું હોય અને 40 કે 50 વટાવો ત્યારથી આ બાબતે સચેત થઈને સ્વભાવમાંની વિચિત્રતાઓને ઘટાડવાના પ્રયત્નો શરૂ કરી દેવાના હોય. અને 20 કે 30 વર્ષના થાઓ ત્યારથી વિચારવાનું શરૂ કરી દવાનું કે અત્યારે જે અડોડાઈથી કે જે એટિટ્યુડથી તમે બીજાઓ સાથે વર્તો છો તે વર્તણૂક ભલે તમારા સર્કલમાં વખણાતી હશે પણ ભત્રીજા મટીને કાકા થશો ત્યારે એ ઈગો ભારે પડવાનો છે.

2. જેમ જેમ તમારી ઉંમર વધતી જશે એમ તમારા માટેના આદરને લીધે, તમારા માટેના પ્રેમને લીધે તમારું નાનુંમોટું કામ કરવાવાળા મિત્રો-કુટુંબીઓ-સ્વજનો-પચિતિો વધતા જશે. પણ સાવધાન. તમે આવી ટેવ પાડતા નહીં. તમારું કામ તમે જાતે જ કરજો. રિચાર્જ કરાવવાનું હોય, ઘરમાં પાણી પીવું હોય કે પછી સ્નાન કર્યા બાદ બાથરૂમને કોરો કરવાનો હોય ત્યાં સુધીનાં ડઝનબંધ રોજિંદાં કામ જાતે જ કરવાની ટેવ રાખજો. ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિ ન્હાયા પછી પોતે જ બાથરૂમ કોરો કરે છે એવું સુધા મૂર્તિએ કહ્યું’તું.

આ તો બધી નાની વાતો થઈ પણ અગત્યની તો છે જ. એથી થોડીક મોટી વાતો જેમ કે ટ્રેન-પ્લેનની ટિકિટો બુક કરાવવી કે પછી વેકેશન-બિઝનેસ ટ્રિપ માટે હૉટેલો-ટેક્સીઓ બુક કરાવવી કે એ માટેનું શૉપિંગ કરવું કે ઘરનાં બિલો ઑનલાઈન ભરવાં કે ડ્રાઈવિંગ કરવું, ગાડી મિકેનિક પાસે લઈ જવાની હોય, જેવાં કામ જાતે કરવાની ટેવ રાખવી અને 80ના થયા પછી આવી ટેવો જાળવી રાખવી.

આ ઉપરાંત મોટાં કામો જેમ કે ડૉક્ટર કે વૈધ પાસે જઈને શારીરિક તકલીફો કઈ છે તે સમજવું, તેના નિવારણ માટે જે કંઈ ઉપચારો કહેવામાં આવ્યા હોય તેનો અમલ કરવો વગેરે કામ પણ તમારે જાતે જ કરવાં. ક્યાં સુધી તમારી દીકરી કે તમારી પત્ની/તમારા પતિ કે તમારી પુત્રવધુ તમને ડાઈનિંગ ટેબલ પર બીપી-શુગર-હાર્ટ વગેરેની રંગબેરંગી ગોળીઓનો થાળ તૈયાર કરીને પીરસતી રહેશે? ક્યાં સુધી તમે ઓટીટી પર સિરીઝ કે મૂવી જોવા માટે રિમોટનું કયું બટન ક્યારે દબાવવું તે શીખવું ન પડે તેના માટે બીજાઓ પર નિર્ભર રહેશો ?

સાઠ, સિત્તેર કે એંશી વર્ષે તમે બીજાઓ પર ભારરૂપ ન બનો એ જોવાની જવાબદારી તમારી પોતાની. કારણકે એક તો તમારી જવાબદારી લેનારી તમારી સિસ્ટમો ક્યારેય કડડભૂસ થઈ જાય તેનો કોઈ ભરોસો નહીં. દીકરી પરણી જાય, પત્ની/પતિ તમને મૂકીને સ્વર્ગે સિધાવી જાય, દીકરો-વહુ નવું ઘર માંડે. બીજું, સતત બીજાઓ પાસે તમારું કામ કરાવ્યા કરશો તો બીજાઓ તો ત્રાસી જ જશે, તમે પોતે પણ અધીરા અને આકરા થઈ જશો – ક્યારનો કહું છું કે મારા માટે નહાવાનું પાણી તૈયાર કરો, કોઈ સાંભળતું કેમ નથી મારું!

બને ત્યાં સુધી તો ઉંમર મોટી થતી જાય એમ તમારે બીજાઓનાં કામ તમારા માથે લઈ લેવા જોઈએ – સ્ટેશન સુધી જાઉં છું, બજારમાંથી કંઈ લાવવાનું છે? આજે દીકરાની વહુની તબિયત સારી નથી તો એને કહી દે જે કે નાનકાને ક્લાસમાં લેવા-મૂકવા જવાની ચિંતા ન કરે, હું જઈશ.

3. દુરાગ્રહોને જ નહીં, આગ્રહોને પણ છોડી દેવાના. જિંદગી આખી તમે તમારી પસંદગી, તમારો મૂડ, તમારી સગવડોને પ્રાધાન્ય આપ્યું: મને દાળઢોકળીની સાથે આવું જ તેલ જોઈએ, સવારસવારમાં કોઈએ મને ડિસ્ટર્બ કરવાનો નહીં, હું નહાવા જાઉં તે પહેલાં મારો ટુવાલ બાથરૂમમાં પહોંચી જવો જોઈએ – આ બધું ઠીક હતું જ્યારે તમે 60-70-80 એ પહોંચ્યા નહોતા ત્યાં સુધી. ખરું પૂછો તો ત્યારે પણ ઠીક નહોતું. દાળઢોકળી બની તે દિવસે ઘરમાં તલનું તેલ ખલાસ થઈ ગયું હતું તો શિંગતેલથી ચલાવી લેવાનું, દેશી ઘી લેવાનું અથવા એમનેમ ખાઈ લેવાની. સવારના તમે તમારા મૂડમાં હો પણ કોઈએ કંઈ કામ માટે ક્યારેક તમને ફોન કર્યો કે બાજુમાંથી પાડોશી આવી ચઢ્યા તો એમાં આટલા બેબાકળા શું કામ થઈ જવાનું ? અને કોઈ તમને શું કામ બાથરૂમમાં ટુવાલ મૂકી આપે? આ ઘર છે, કંઈ હૉટેલ નથી.

ચાલશે, કશો વાંધો નહીં, નો પ્રૉબ્લેમ—આ બધા શબ્દપ્રયોગોનો ઉપયોગ કરવાનું વહેલી ઉંમરે જ શીખી જઈએ. 80ના થયા પછી પણ જો આ શબ્દો વાપરવાની ટેવ ન પડી તો સમજજો કે જીવન ખૂબ આકરું થઈ જશે.

૪. ચોથો મુદ્દો એ છે કે 80 વર્ષે તમને ‘સાચવવા’ ન પડે એવી તમારી તન-મન-ધનની અવસ્થા હોવી જોઈએ. આ ત્રણેયને તમે તમારી યુવાનીમાં, મિડલ એજમાં અને વૃદ્ધાવસ્થામાં પ્રવેશતી વખતે સાચવ્યાં હશે તો જ તમે 80ના થશો ત્યારે તમને આ ત્રણ બાબતોમાં સાચવવા નહીં પડે.

ધનની વાત લઈએ. વડીલ બન્યા પછી કોઈની આગળ હાથ લાંબો કરવાનું તમને શોભશે નહીં. 80 વર્ષના થયા પછી તો હરગિજ નહીં. અત્યારે જેટલી સગવડો સાથે તમે જીવો છો એ જ સગવડો સાથે જિંદગીની ઉત્તરાવસ્થામાં અને જિંદગીના છેલ્લા શ્ર્વાસ સુધી જીવી શકો એવી આર્થિક વ્યવસ્થા ગોઠવવા માટેનું આયોજન પહેલેથી જ કરી લેવું. બહુ કંઈ ભયભીત થવાની જરૂર નથી. લહેરથી જીવવું હોય તો લહેરથી કમાઈ લેવું. સાત પેઢીની ચિંતા કર્યા વગર વાપરી નાખવું પણ પોતાની ચિંતા કરી રાખવી.

તન અને મનને યુવાનીથી સાચવ્યાં હશે તો જ 80 એ પહોંચીને તમે સ્વસ્થ રહેશો. પહેલું સુખ તે જાતે નર્યાની કહેવત કંઈ અમસ્તી આટલી લોકપ્રિય નથી થઈ. ખાવા-‘પીવા’માં કાળજી લીધી હશે અને કસરત-યોગ-પ્રાણાયમ વગેરેની નિયમિતતા જાળવી હશે તો 80 પછીય કંઈ નથી થવાનું એની ખાતરી રાખજો. ઉંમર વધવાની સાથે શરીરને જે ઘસારો લાગવાનો છે તે લાગશે પણ જિંદગીના ફર્સ્ટ હાફમાં સાચવી લીધું હશે તો પાછળથી બહુ તકલીફ નહીં પડે અને જો પડી તો તમારા તનની નબળાઈઓને તમારા મનની શક્તિથી ઓવરપાવર કરી શકશો. 80 પછીનાં વર્ષોમાં એ જ વધારે કામ લાગશે – તમારું મન. શરીરની ક્ષમતા ઓછી થતી જતી હોય ત્યારે મનની દૃઢતા એ ક્ષતિને પૂરી કરી દેતી હોય છે. અનેક કર્મયોગી વ્યક્તિઓના કિસ્સામાં તમે આ જોયું હશે.

એંશીના થઈએ ત્યારે તન-મન-ધનથી આપણને કોઈએ ‘સાચવવા’ ન પડે એ માટેની તૈયારી અત્યારથી જ શરૂ કરી દઈએ. અત્યારથી એટલે અત્યારથી. જાગ્યા ત્યારથી સવાર.

૫. જિંદગી આખી ગમેએટલાં મોટાં કામ કરીને પ્રખ્યાત થયા હો, મોટામોટા પદ પર રહીને માનપાન મેળવ્યાં હોય, ખૂબ સુંદર લખીને લોકપ્રિય થયા હો, ખૂબ સુંદર ગાઈને વિખ્યાત ગાયક બન્યા હો પણ મોટી ઉંમરે આ ભવ્ય ભૂતકાળના જોરે કોઈની પાસેથી માન મેળવવાની અપેક્ષા રાખવાની નહીં. કોઈ તમને અગાઉના જેટલાં જ આદરસન્માન આપશે એવું માનવાનું નહીં.

આ ઉંમરે માન જોઈતું હોય તો તમારા વ્યવહારો અને વિચારો એવા હોવા જોઈએ કે બીજાઓને સામેથી તમને માન આપવાનું મન થાય. ‘અમારા જમાનામાં તો આમ હતું ને તેમ હતું’ એવી વાતોથી કે ઈવન એવા વિચારોથી પણ, દૂર જ રહેવાનું’. એ જમાનો પૂરો થઈ ગયો કાકા, હવેના જમાનામાં જો રિલેવન્ટ રહેશો તો જ બે માણસમાં તમારો ભાવ પૂછાશે, નહીં તો તમે પણ ધકેલાઈ જશો કાળની ગર્તામાં. કે. કા. શાસ્ત્રી, ખુશવંત સિંહ કે નગીનદાસ સંઘવી જેવા સારસ્વતો રિલેવન્ટ હતા એટલે જ સો વર્ષની ઉંમરે પણ એમને માનપાન મળતાં રહ્યાં.

૬. 80 વર્ષે જગત આખાનું ડહાપણ તમારામાં આવી ગયું છે એવું તમને લાગવા માંડે છે અને વાત સાચી પણ છે. આઠ-આઠ દાયકા પછી દુન્યવી વ્યવહારોને લગતું બધું જ ડહાપણ તમારામાં આવવાનું જ છે. ધર્મ-અધ્યાત્મ-તત્ત્વજ્ઞાનમાં રસ હશે તો એને લગતું જ્ઞાન પણ તમારી પાસે આવી જવાનું છે. ક્યારે શું કરવું ને ક્યારે શું ન કરવું એનો નીરક્ષીર વિવેક તમારામાં દૃઢ થઈ જવાનો જ છે.

પણ એનો અર્થ એ નથી કે આ ઉંમરે તમે જેને ને તેને સલાહ-શીખામણ આપ્યા કરો. તમારી ઉંમરના કે તમારાથી નાના કે સાવ યુવાન લોકોને તમારું આ ડહાપણ વહેંચ્યા કરવાની આદતથી મુક્ત રહેજો. તમારાં સંતાનો કે એમનાં સંતાનોને ટોક્યા કરવાનાં નહીં, તેઓ ભૂલ કરતાં હોય તો પણ નહીં. સામેથી કોઈ તમારી સલાહ લેવા આવે તો તમારા ડહાપણનો ભંડાર ખોલીને બધાં જ સલાહ-સૂચનો ઠાલવી દેવાને બદલે ટૂંકમાં એક-બે મુદ્દા કહી દેવાના. પછી વધારે આગ્રહ કરે તો હજુ એકબે મુદ્દા અને હજુય વધારે આગ્રહ થાય તો કહેવાનું કે : બસ, આથી વધુ મારે કંઈ કહેવાનું નથી.

દરેક સમયની, દરેક જમાનાની અને દરેક પેઢીની જરૂરિયાતો જુદી જુદી હોય છે. દરેક વ્યક્તિની પરિસ્થિતિ, એના સંજોગો જુદા હોય છે. એમના વિચારોનું ઘડતર જુદું હોય છે, એમના અનુભવો અને ભવિષ્ય માટેની એમની અપેક્ષાઓ જુદાં હોય છે. માટે જ, તમારી સલાહ તમારી પાસે રાખવી.

૭. ભૂતકાળમાં તમે ઘણો સંઘર્ષ કર્યો હશે, ભૂતકાળમાં તમે ઘણી સિદ્ધિઓ મેળવી હશે. પણ 80 વર્ષની ઉંમરે એવી આશા નહીં રાખવાની કે તમારી સાથે વ્યવહાર કરનારા સૌ કોઈને તમારા એ સંઘર્ષ-સિદ્ધિ યાદ હશે કે પછી એની કદર હશે. સંઘર્ષો સૌના જીવનમાં હોવાના. નાનીમોટી સિદ્ધિઓ પણ સૌના જીવનમાં હોવાની. 80ની ઉંમરે તમે જો કોઈ પ્રવૃત્તિમાં ગળાડૂબ હશો તો એ પ્રવૃત્તિના પરિણામના આધારે લોકો તમારી સાથે વ્યવહાર રાખશે, નહીં કે તમારા ભૂતકાળના આધારે-એવી આશા રાખવી જ નકામી.

80 વર્ષે તમારે બીજાઓને યાદ દેવડાવ્યા કરવું નહીં કે તમે કેટલા મહાન હતા, તમારા જમાનામાં તમારાં કામનાં કેટલાં વખાણ થતાં, કેવી કદર થતી. તમારે પોતે પણ એ બધું હવે યાદ રાખવાની જરૂર નથી કે તમારા જમાનામાં તમારે કેવા મોટા મોટા માણસો સાથે ઓળખાણો હતી, કેવી મોટી મોટી ઈવેન્ટ્સ/પાર્ટીઓમાં તમને આમંત્રણો મળતાં. આજની તારીખે જો આ બધું તમારી પાસે ન હોય તો એ જૂની યાદો તમને સતાવ્યા કરશે અને એ યાદોની વાતો થકી તમે બીજાઓને સતાવ્યા કરશો. માટે એ વિશે ચૂપ રહેવું. આમેય તમારી સિદ્ધિઓ વિશે તમે પોતે બોલો એના કરતાં બીજાઓ બોલે તેમાં જ શોભા હોય છે – 80ની ઉંમરે જ નહીં, 20-30-40-50-60-70, કોઈ પણ ઉંમરે.

૮. આઠમો મુદ્દો તે ઉદારતા. ઉંમર વધતી જાય એમ ઉદારતા વધતી જવી જોઈએ, સ્વાર્થ અને સંકુચિતતા ઘટતાં જવાં જોઈએ. આમ તો નાના હોઈએ ત્યારથી જ આ ટેવ પડી જવી જોઈએ. માબાઓપે પહેલેથી જ સંતાનોને ઉદાર સ્વભાવના બનવાની તાલીમ આપવી જોઈએ. ઉપનિષદની આ વાતને વ્યવહારમાં મૂકવાનું નાનપણથી જ આવડી જવું જોઈએ કે તેન તક્તેન ભૂંજીથા: જેનો વ્યાપક અર્થ એ થાય છે કે જે મળે છે તેને સૌની સાથે વહેંચીને વાપરવું જોઈએ.

ઉંમર વધતી જાય એમ સ્વભાવની કૃપણતા પણ ઘટતી જવી જોઈએ. 80 વર્ષની ઉંમરે ‘મારું-મારું’ કરવાને બદલે ‘મારી પાસે જે કંઈ છે તે તમારા સૌનું છે’ એવી ભાવના રાખીને તમારી માલિકીની ચીજવસ્તુઓને ઉદારતાપૂર્વક આસપાસનાઓમાં તેમ જ અપરિચિતોમાં પણ, પ્રસાદરૂપે વહેંચ્યા કરવાની હોય, વહેંચવાનો આનંદ લીધા કરવાનો હોય. સંઘરવાનો આનંદ લેવાની ઉંમર હવે પૂરી થઈ ગઈ. તમારી પાસેના પૈસા, તમારી અન્ય સંપત્તિઓ, તમારા શોખ થી અને તમારી પૅશનથી તમે વસાવેલી ચીજવસ્તુઓ – આ સઘળું હવે ક્રમશ: બીજાઓમાં બાંટતાં જવું જોઈએ. પોતાની જરૂરિયાતો પૂરતું ધન અને તમારી અન્ય સગવડો સચવાય એટલું ભલે તમારી પાસે રહે (રહેવું જ જોઈએ, અન્યથા પરવશ બની જશો) પણ અમુક હદથી વધારાનું જે ભેગું કર્યું છે તે તમારા મર્યા પછી બીજાઓ લઈ જાય એને બદલે તમારા જીવતેજીવ તમારા હાથે જ બીજાઓને ભેટ આપી દેશો તો જેમને મળ્યું છે તે લોકો તમને યાદ રાખશે. મારા વડીલ પત્રકાર કાન્તિ ભટ્ટને એમની વર્ષગાંઠે પગે લાગવા જતો ત્યારે તેઓ આગ્રહ કરીને મને એમની સમૃદ્ધ લાયબ્રેરીમાંથી મને ગમતું કોઈપણ પુસ્તક પસંદ કરવાનું કહેતા અને પોતાના હસ્તાક્ષર કરીને મને આશીર્વાદ સાથે ભેટરૂપે આપતા.

ઉદારતા કોઈ પણ ઉંમરની વ્યક્તિ માટે એક ઘરેણું છે અને 80 પ્લસની વ્યક્તિઓ માટે તો એ એક સોનાના મુગટ જેવો સદ્ગુણ છે.

૯. નવમો મુદ્દો એ કે આ ઉંમરે તમારા જે કંઈ આગ્રહ હોય તેને જો ઓગાળી ન શકતા હો તો તેને પૂરા કરવાની જવાબદારી તમારા શિરે રાખવી, બીજાઓ પર આધાર ન રાખવો. ચાદર પર એક પણ કરચલી વગરની પથારી જોઈતી હોય અને બીજાઓ તમારી પથારી પાથરી આપવામાં લોચાલાપસી કરતા હોય તો કચકચ કરવાને બદલે જાતે પથારી પાથરી લેવી અન્યથા જેવી પથરાઈ હોય તેવી ચલાવી લેવી. અમારા બાપદાદાઓના જમાનાથી જે પારિવારિક વડીલ હતા તે નટુકાકા (એન.સી.શાહ)ને મેં અમારા વતન દેવગઢ બારિયામાં 102 વર્ષની ઉંમરે સવારે પોતાના માટેના આયુર્વેદિક કાઢા, ચૂર્ણ અને ભસ્મ વગેરે જાતે બનાવતાં જોયા છે – એમની સહાય માટે ચોવીસે કલાક એક સેવક હતો તે છતાં. તેઓ પોતાની ચા પણ જાતા બનાવીને પી લેતા.

80 પ્લસની ઉંમર પછી પણ હરવાફરવાનો શોખ હોય તે સારું જ છે, હોવો જ જોઈએ. પણ પ્રવાસ માટેની બૅગ તૈયાર કરવાથી માંડીને જરૂરી દવા-નાસ્તા સાથે લેવા માટે બીજાઓ પર નિર્ભર રહેવાને બદલે – આ કેમ નથી લીધું, આ આટલું બધું લેવાની શું જરૂર છે – પોતાની રીતે જ તૈયારીઓ કરી લેવી. પરતંત્રતા કોઈપણ ઉંમરે ન હોવી જોઈએ. 80 પછી તો બિલકુલ નહીં. એ ઉંમરે સારાં કપડાં, શૂઝ વગેરે પહેરવાનો શોખ હોય તે સારું જ છે પણ એની જાળવણીની જવાબદારી પણ તમારે જાતે જ ઉપાડવી પડે. બીજાઓ પર આધાર રાખશો તો ફ્રસ્ટ્રેટ થઈ જશો અને આ ઉંમરે જો સ્વભાવમાં કડવાશ પ્રવેશી જશે તો એને પ્રયત્નપૂર્વક બહાર કાઢવા માટેનો પૂરતો સમય તમારી પાસે નહીં હોય.

તમારી અન્ય ચીજવસ્તુઓની જાળવણી માટે, તમારાં વાહન-ઘર-બગીચા-બેડરૂમની જાળવણી માટે, પણ તમારે જાતે જ ધ્યાન રાખવું પડે, સમય ફાળવવો પડે, એટલે શારીરિક શક્તિ પણ તમારી પાસે હોય તે જરૂરી છે.

૧૦. દસમી અને છેલ્લી વાત. જિંદગી આખી તમે તમારી શરતોએ જીવ્યા. ભલે. પણ હવે તમારા આગ્રહોને ઓગાળીને બીજાઓ સાથે અનુકૂળ થઈને જીવવું અનિવાર્ય છે. જો તમે હવે બીજાઓને કે તમારી આસપાસના વાતાવરણને અનુકૂળ થઈને નહીં જીવો તો આઉટડેટેડ થઈને સાવ ખૂણામાં ધકેલાઈ જશો અને લોકો રાહ જોતા થઈ જશે કે ક્યારે આ વડીલનું રામનામ સત્ય થઈ જાય.

ઘરમાં જુવાનિયાઓ પાર્ટી કરીને ઘોંઘાટ કરતા હોય તો સહન કરી લેજો – ભલે આ ઘર તમારી માલિકીનું હોય. તમારાં પૌત્ર-પૌત્રીને ખુશ કરવા તમારાં દીકરા-વહુ નાતાલ વખતે ક્રિસમસ ટ્રી લાવીને ડ્રોઈંગ રૂમને શણગારે તો ચલાવી લેજો – ભલે તમે આજીવન સનાતન સંસ્કૃતિને ચાહી હોય. પિત્ઝા, પાસ્તા કે મેંદાવાળી વાનગીઓની હાનિકારકતા વિશે ઉપદેશ આપવાને બદલે તમે પણ ક્યારેક એમની સાથે બટકું એ ખોરાક ખાઈને બીજા દિવસે ઉપવાસ કે ફળાહાર કરી લેજો. છોકરાંઓ એમની બર્થડે પર મંદિરે જવાને બદલે કે ઘરમાં દીવો પ્રગટાવવાને બદલે કેક લાવીને ફૂંક મારવાનો કાર્યક્રમ ગોઠવતા હોય તો એમને ઠપકો કે સલાહ આપવાને બદલે તમે પણ શંકુ આકારની પૂંઠાની ટોપી પહેરીને હોંશે હોંશે હૅપી બર્થડે ટુ યુનું ગાન કરજો.

(એક આડ વાત: ૨૦૧૫માં અમારા નટુકાકાની ૧૦૦મી વર્ષગાંઠ દેવગઢ બારિયાની ચબુતરા શેરીની પડોશમાં આવેલી ચંપાવાડીમાં એમના અમેરિકાવાસી પુત્રો રશ્મિભાઈ-રસેષભાઈ સહિત અમે સૌએ રંગેચંગે ઉજવી ત્યારે નટુકાકાએ કેક કાપી અને બટકું ખાધી પણ ખરી. મારા દાદા સાથે મુંબઈની વિલ્સન કૉલેજમાં ભણીને બારિયા સ્ટેટના એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના ફોજદાર બનીને ઘોડેસવારી કરી પંચમહાલનાં ગામડાઓમાં ફરજ બજાવવા જતા નટુકાકા ૧૯૪૭ના મર્જર પછી ૧૯૫૦-૬૦ના દાયકામાં મુંબઈ આવ્યા. એમનું કુટુંબ અને અમારું કુટુંબ શિવાજી પાર્ક વિસ્તારની સિટી લાઈટ સિનેમા સામે આવેલી દીનાથવાડીમાં વર્ષો સુધી રહ્યાં. પાછલી ઉંમરે નટુકાકા અને તારામાસી બારિયા ગયા. ડિસેમ્બર 2020માં 105 વર્ષનું સ્વાસ્થ્યસભર આયુષ્ય પૂરું કરીને નટુકાકા સ્વર્ગસ્થ થયા.)

યાદ રાખજો કે તમારી પછીની જનરેશનોને તમારે જે સંસ્કાર આપવાના હતા તે આપી દીધા છે. જો એ સંસ્કાર બરાબર ન ઝીલાયા હોય તો એમાં થોડોઘણો વાંક તમારો પણ હશે.

80 વર્ષે તમને લાગવાનું છે કે કાશ તમે 60 વર્ષના હોત તો ? તો કેટકેટલી વાતોનું તમે ધ્યાન રાખતા થઈ ગયા હોત! 60 વર્ષે તમને વિચાર આવશે કે અમુક વાતો તમે 50 વર્ષના હતા ત્યારે જ અમલમાં મૂકી દીધી હોત તો ? 50 વર્ષે તમને લાગવાનું છે કે 40 વર્ષે જ આટલી વાત સમજાઈ ગઈ હોત તો અને 40 વર્ષે… અનંત છે આ બધું. કદાચ 100મી વર્ષગાંઠ ઉજવતી વખતે વિચાર આવી જશે કે 80 વર્ષના થયા ત્યારે આ દસ બાબતે સાચવી લીધું હોત તો!

*************

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર 90040 99112 પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Paytm-
90040 99112

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

હવે તમે તમારું કૉન્ટ્રિબ્યુશન આ QR કોડ સ્કેન કરીને પણ મોકલી શકો છો.

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here