નિર્ણયો પછીના અફસોસો : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : શનિવાર, 23 મે 2020)

જે થયું તે સારા માટે એવું આશ્વાસન માણસને હંમેશાં સાંત્વન આપી શકતું નથી. માણસ જોઇ શકે છે કે જે કંઈ થઈ ગયું છે એને કારણે પોતાને કેટલું નુકસાન થઈ ચૂક્યું છે. બની ચૂકેલા બનાવોને કારણે થયેલી તારાજી અનુભવી રહેલા માણસની પીડાને ‘જે થયું તે સારા માટે’ ના શબ્દો શમાવી શકતા નથી. તો પછી ભૂતકાળમાં બની ચૂકેલી ઘટનાઓ પ્રત્યેનો અફસોસ મિટાવવા શું કરવું?

એ અફસોસ ભૂંસવો જરૂરી છે. કારણકે પાછલી જિંદગીના પસ્તાવાઓનો બોજ, આગળ વધવાની ગતિ મંદ કરી નાખે છે. અફસોસને કારણે મનમાં જન્મતી શરમની લાગણી વર્તમાનની પ્રસન્ન ઘટનાઓને મન ભરીને માણતાં રોકે છે. અફસોસ છૂટી જવા જોઇએ એનું વધુ એક મહત્વનું કારણ આપણે ભ્રમણાઓમાંથી બહાર આવી જઈએ એ પણ ખરું. કેટલાક લોકો અફસોસ કરીને કહેતા હોય છે કે ધંધામાં મને અમુક તક મળી પણ મેં તે વખતે એને ઝડપી નહીં, બાકી હું પણ ધીરુભાઈ જેટલું કમાઈ શક્યો હોત અથવા તો મધ્યવયસ્ક સ્ત્રી અફસોસ કરતાં પોતાની પુત્રીને કહે કે મને તો એ વખતે ફલાણાનું માગું હતું પણ હું તારા પપ્પાના પ્રેમમાં હતી એટલે ત્યાં ના પાડે દીધી.બાકી હું આજે પેલા મોટા માણસની પત્ની હોત. આવા અનેક અફસોસ મનમાં સંઘરી રાખ્યા હોય છે.

પાછળ નજર કરતાં દરેકને વિચાર આવે કે મેં આવું નહીં પણ તેવું કર્યું હોત તો અત્યારે જિંદગી ક્યાંની ક્યાં પહોંચી ગઈ હોત.

કેટલાક લોકો સાચા પસ્તાવારૂપે કહેતા હોય છે કે મારી જીદને કારણે મેં મારા પુત્રને ફેક્ટરી ચાલુ કરવા અમુક રકમ આપી નહીં, મારી પાસે એટલા પૈસા સાવ ફાજલ પડ્યા હતા છતાં આપ્યા નહીં. કેટલાકને પસ્તાવો થતો હોય છે કે મા-બાપ હયાત હતાં ત્યારે મેં એમને માટે આમ ન કર્યું, તેમ ન કર્યું. કેટલાકને અફસોસ હોય છે કે તે વખતે મેં થોડો વધારે પ્રયત્ન કર્યો હોત તો મને એન્જિનિયરિંગને બદલે મેડિકલમાં એડમિશન મળી ગયું હોત. કેટલાકને અફસોસ હોય છે કે નવ સત્તાવનવાળી ગાડી પકડી એને બદલે નવ બાવનવાળી પકડી હોત તો બારી પાસે બેસવાની જગ્યા મળી જાત.

નાનામોટા અફસોસો પારાવાર હોવાના જીવનમાં. પાછળ નજર કરતાં દરેકને વિચાર આવે કે મેં આવું નહીં પણ તેવું કર્યું હોત તો અત્યારે જિંદગી ક્યાંની ક્યાં પહોંચી ગઈ હોત.

જિંદગીમાં જે કંઈ બની ચૂક્યું છે તે એ જ રીતે બનવાનું હતું. અત્યારે ભલે તમને લાગે કે મેં આમ નહીં પણ તેમ કર્યું હોત તો કેટલું સારું થાત. પરંતુ હકીકત એ છે કે આ વિચાર તમને પાછળથી આવ્યો છે. તે વખતે તમે આમ નહીં પણ તેમ કરવાનું વિચારી શક્યા જ નહોતા એટલે જ તમે આમ કર્યું તે સ્વાભાવિક હતું. અત્યારે તમને લાગતું હોય કે ના, મેં તો તેમ કરવાનું વિચાર્યું હતું તો એનો અર્થ એ થયો કે તેમ કરવાનું વિચાર્યા પછી પણ તમે આમ જ કર્યું, કારણ કે તે વખતનાં તમને કાબૂમાં રાખનારાં પરિબળોમાં તમે આમ કરો એવાં પરિબળોની સંખ્યા વધારે હતી.

માણસના નિર્ણયોનું પરિણામ એના પોતાના માટે કે બીજાઓના માટે સારું કે ખરાબ આવી શકે પણ નિર્ણય પોતે સ્વતંત્રપણે સારો ખરાબ નથી હોતો.

માણસ કોઈ પણ નિર્ણય લે, તે સાવ નાનો હોય કે પછી જિંદગી પર કાયમી છાપ છોડી શકે એટલો મોટો હોય, ત્યારે એ નિર્ણય પર અસર કરનારાં કે નિર્ણયને કાબૂમાં રાખનારાં અનેક પરિબળો હોય છે. સગવડ માટે કમચલાઉ ટર્મ કંટ્રોલિંગ ફૅક્ટર્સ એવી પાડીશું. તમને અત્યારે તરસ લાગી છે તો ઊભા થઈને પાણી પીવા જવું કે પછી પ્યૂન પાસે કે ઘરના કોઈ સભ્ય પાસે પાણી મંગાવવું, ઠંડું પાણી પીવું કે સાદું, પ્યાલામાં પીવું કે સીધું બોટલમાંથી જ પીવું, પાણી પીવું કે કશુંક ઠંડું બનાવીને કે મંગાવીને પીવું,  કે પછી પાણી પીવું જ નહીં અને તરસ્યા રહેવું – આવા નાના અમથા નિર્ણયને પણ અનેક કન્ટ્રોલિંગ ફૅક્ટર્સ હોવાનાં. કયા કયા તેની કલ્પના તમે જાતે કરી શકો છો. આવા નાના નિર્ણયોથી માંડીને પ્રેમ, લગ્ન, કારકિર્દી ઈત્યાદિ સંબંધી ખૂબ મોટા નિર્ણયોને પણ એના કન્ટ્રોલિંગ ફૅક્ટર્સ હોવાનાં.

આજે મને લાગતું હોય કે તે વખતે મારામાં અક્કલ નહોતી, અત્યારે હું એવું ન કરું તો એનો અર્થ એ કે હું પોતે કબૂલ કરું છું કે એ બાબતની અક્કલ મારામાં પાછળથી આવી. પેલો નિર્ણય લેવાયો એ વખતે એવી અક્કલ નહોતી, હોત તો મેં જુદો નિર્ણય લીધો હોત પણ નહોતી. એટલે અક્કલના અભાવે કે જેટલી અને જેવી હતી એવી અક્કલના આધારે, મેં એ સંજોગોમાં મને જે શ્રેષ્ઠ લાગ્યો એ નિર્ણય લીધો. શ્રેષ્ઠતમ આવડતના આધારે લેવાયેલા એ નિર્ણયને કારણે મારે સહન કરવું પડ્યું તે વાત અલગ છે, પણ એ નિર્ણય અંગેનો મારો અફસોસ બિલકુલ અસ્થાને છે. કારણ કે નિર્ણય લેવાયો ત્યારે મેં ઉતાવળ કરી હતી એવું તો મને આજે લાગે છે, નિર્ણય લેતી વખતે નહોતું લાગ્યું. નિર્ણય લેવાયો તે વખતે મેં મારી જાતને નહોતું કહ્યું કે હું ઉતાવળિયું કે બેવકૂફીભર્યું પગલું ભરી રહ્યો છું. તે વખતે તો મારે મન એ સમજદારીભર્યો, સ્વસ્થ  નિર્ણય હતો. આજે હવે એ ચોક્કસ વાતને લગતા કન્ટ્રોલિંગ ફૅક્ટર્સમાં ફેરફારો થયા છે ત્યારે મને વિચાર આવે છે કે એ નિર્ણય મેં ન લીધો હોત તો સારું થાત.

માણસના નિર્ણયોનું પરિણામ એના પોતાના માટે કે બીજાઓના માટે સારું કે ખરાબ આવી શકે પણ નિર્ણય પોતે સ્વતંત્રપણે સારો ખરાબ નથી હોતો. એ લેવાયો હોય છે ત્યારે લેનારની દાનત પોતાના પૂરતી તો શુભ જ હોય છે. નિર્ણય લેવાતો હોય ત્યારે માણસની આસપાસ એને કાબૂમા રાખનારાં જે પરિબળો હોય છે એને સભાન કે અભાનપણે ધ્યાનમાં રાખીને જ લેવાય છે. ભવિષ્યમાં અમુક સંજોગોમાં હું અમુક જ નિર્ણય કરીશ એવું પણ અત્યારથી માનીને બેસાય નહીં. તે વખતનાં કન્ટ્રોલિંગ ફૅક્ટર્સ ક્યા હશે, કોને ખબર. કોઇ વ્યક્તિએ અમુક નિર્ણય લીધો છે એવું આપણને કહેવામાં આવે ત્યારે ઘણી વખત આપણે કહી બેસતા હોઈએ છીએ કે એની જગ્યાએ હું હોઉં તો એવું ન કરું. આપણને ખબર નથી હોતી કે આવું બોલવા / વિચારવાનો અર્થ નથી કારણ કે તે વ્યક્તિએ પેલો નિર્ણય લીધો તે વખતે એનાં કન્ટ્રોલિંગ ફૅક્ટર્સ કયા હતાં. એ અંગેની પૂરેપૂરી જાણ આપણને ક્યારેય નથી હોતી. ક્યારેક બહુ બહુ તો બે–પાંચ કન્ટ્રોલિંગ ફૅક્ટર્સ અંગે ખબર ન હોય એવું બને.

નિર્ણયો લેવાઈ જાય છે ત્યારે સારું કે ખોટું એનું પરિણામ પણ આવી જાય છે, પણ નિર્ણયો લઈ શકાય એવું ન હોય ત્યારે? મન અનિર્ણિત દશામાં, અવઢવમાં રહેતું હોય ત્યારે લમણે પિસ્તોલ તકાયેલી હોય એવા સંજોગો પણ જીવનમાં આવે છે. એ વખતે સાચો કે ખોટો શીઘ્ર નિર્ણય કરવો જ પડતો હોય છે. પણ મોટાભાગની પરિસ્થિતિઓ અબઘડી નિર્ણય  લેવા માટે મજબૂર કરતી હોય એવી નથી હોતી.આવા સંજોગોમાં અનિર્ણીત દશામાં થોડો વખત રહેવું સારું. દાદર સ્ટેશન પર ઊભા રહીને તમે નક્કી ન કરી શકતા હો કે તમારે ચર્ચગેટની ટ્રેન પકડવી છે કે વીટીની, બોરીવલીની ટ્રેન પકડવી છે કે થાણેની, તો શું કરવું ? કલાકેક વધુ આંટા મારીને સમય પસાર થવા દેવો. પાંચ મિનિટમાં જ નિર્ણય કરીને બોરીવલીની ટ્રેનમાં ચડી જવું અને પછી પસ્તાવું કે મારે તો ચર્ચગેટ જવું હતું એના કરતાં થોડો સમય વીતી જવા દઈને ગાડી પકજવી સારી. કોઈ કહેશે કે કલાક પછી પણ નિર્ણય ન લઈ શકાય તો શું દાદરના પ્લેટફૉર્મ પર જ આખી રાત ગાળવી? નિર્ણય ખોટો છે એવું બોરીવલીની ગાડીમાં પોણો કલાક બેઠા બાદ સમજાય તો?

બસ એટલે જ. એટલે જ દાખલાઓ અને ઉદાહરણો આપવાનું અમે ટાળીએ છીએ. ઉદાહરણોને કારણે મૂળ વાત સમજવાને બદલે લોકો ભળતીસળતી ગાડીમાં ચડી જાય છે.

12 COMMENTS

  1. It’s not a person but the circumstances and certain factors are also responsible for the decisions which had been taken, right one but still we repent a lot for many decisions of the past and it’s not we that repent but sometimes the people or the relatives around us make us to think or compel us to look back and say that other than these decisions could have been better. so it’s not all the time we but many other also are responsible for our looking back into the past and mourn for the things which are no more in our hands to control or change

  2. માણસ નિર્ણય ન લે તો તે ક્યારે પણ આગળ વધી શકતો નથી. માણસે પોતાની દિનચર્યા સવારથી તે સાંજ સુધી જે કાર્ય કરે તેમાં એની સમજ અને સંજોગો ને આધીન નિર્ણય લેવું જ પડે. અગર તે એમ વિચારે કે આ નિર્ણય લાભ આપશે કે ખોટ તો તે દાદર સ્ટેશન પર જ ઉભો રહી જાય.

    સૌરભ ભાઈ તમારો આ લેખ સચોટ અને એવરગ્રીન રહશે.

  3. ધારદાર.સમજદાર..ને બેફામ..જે છે એ આછે..ગજબ સાહેબ.. એકદમ જબરજસ્ત લેખ.. આપણે દરેક વ્યક્તિ એ આ લેખ ની અલગ અલગ દ્રષ્ટિ થી જોઇ છે.. ક્યારે પણ આ લેખ પર સર્વે ની સહમતી ન થઈ શકે.. મને ખુબ પ્રભાવીત કરી જનાર આ લેખ છે. આભાર સૌરભ ભાઈ ?વંદન સાથે આપ નો વાચક મિત્ર.

  4. હું તમારો ચાહક વાચક છું. મોટા ભાગના તમારા લેખો , વિષયો વિચાર પ્રેરક અને જ્ઞનવર્થક હોય છે.
    આજનો વિષય પોતેજ મારી દૃષ્ટિએ જૂના નિર્ણયો ના અફસોસ માફક તેનું પિશ્ટપ્રેશ્ણ લાગે .
    સમજી શકું છું કે તેવા અફસોસ કરતા લોકોની સમજણ માટે આ લેખ જરૂરી લાગે, બાકી આ બઘું માણસમાં આદત / વ્યસનની જેમ રૂઢ હોય છે તેથી તેઓ તેમાંથી બહાર આવી શકતાં નથી અને ફરી ફરીને આવા જ વિચારો કરતા હોય છે.
    તમારો લેખ તેઓ માટે દીવાદાંડી સમાન ગણી શકાય.

    • આ લેખમાં જે વાતો છે તે તદ્દન નવી અને મૌલિક કન્સેપ્ટ છે. અત્યાર સુધી ગુજરાતીમાં જ નહીં દુનિયામાં કોઈ વિચારક કે ચિંતકે આવું કહ્યું નથી. દરેક નિર્ણય જ્યારે લેવાય છે ત્યારે સમજી વિચારીને, તે વખતનાં તમારા કન્ટ્રોલિંગ ફેક્ટર્સ અનુસાર જ લેવાતો હોય છે. એનું પરિણામ તમે ધાર્યું હતું એવું ન આવે ત્યારે તમે ભૂલી જાઓ છો કે તે વખતે કન્ટ્રોલિંગ ફેક્ટર્સ કયા હતા અને તમે અફસોસ કરવા માંડો છો. માટે અફસોસો કરવા વ્યર્થ છે. મારી આ મૌલિક વાત પછી અનેક લોકોએ આ કન્સેપ્ટને જ નહીં, આ લેખના વાક્યોને, અરે લેખના હેડિંગને સુધ્ધાં પોતાના નામે ચઢાવી દેવાની કોશિશ કરી છે. ભગવાન એમના ઘરનો ચૂલો પણ જલતો રાખે. દરેક નવા અને મૌલિક વિચારને સમજવા વારંવાર એની પાસે જવું પડે. તમે પણ જશો તો ધીમે ધીમે સમજ પડતી જશે. મારા આ પ્રકારના લેખો અર્ક જેવા હોય છે. કૉન્સન્ટ્રેટેડ હોય છે. એમાં દૄષ્ટાંતો, કિસ્સાઓ કે દાખલા-ટુચકા ધીબેડીને ‘આસ્વાદ્ય’બનાવવાની મને ટેવ નથી. એ બધું કામ બીજાઓ ભલે કરતા. હા, એવો મસાલો ઉમેર્યો હોત તો તમે કહો છો એમ લેખ ચોક્કસ ‘વધુ ઈન્ટરેસ્ટિંગ થઈ શક્યો હોત’. પણ મારા તમામ લેખો આવા, ઓછા ઈન્ટરેસ્ટિંગ જ હોવાના?

      • બે ધડક જવાબ…I like it
        ઇન્ટરેસ્ટીંગ કરતા વધુ ઉપયોગી પ્રેક્ટિકલ હોવુ છે.

  5. Samay ,Sanjog n Paristhiti pramane lidhela nirnayo kyarek sacha athva kyarek khota pan pade chhe .Parinam Ishver per chhodi do to bahetar. Thanks.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here