રાજા હરિ સિંહનો ખયાલી કશ્મીરી પુલાવ

ગુડ મોર્નિંગ

સૌરભ શાહ

એક ગામમાં એક વિદેશી આવે છે ગામના એક દુકાનદારને બીજા દુકાનદાર સાથે લડાવીને બેઉનો માલ પચાવી પોતાના વતનભેગો થઈ જાય છે. આવી જ વાર્તાનો પ્લૉટ જમ્મુ-કશ્મીરની બાબતમાં રચાયો. જમ્મુના ડોગરા મહારાજા ગુલાબ સિંહને પંજાબના શીખો સાથે લડાવીને અંગ્રેજોએ જમ્મુ-કશ્મીરને પંજાબ સલ્તનતથી વિખૂટું પાડી દીધું અને ગુલાબ સિંહ સાથે સંધિ પર સહીસિક્કા કરીને જમ્મુ-કશ્મીર ગુલાબ સિંહને સોંપ્યું, પણ છેવટનો દોર પોતાના હાથમાં રાખ્યો. ગુલાબ સિંહ સપ્ટેમ્બર ૧૮૮૫માં મૃત્યુ પામ્યા અને બ્રિટિશ સરકારે તરત જ એમના પુત્ર મહારાજા પ્રતાપ સિંહને કહેવડાવ્યું કે હવે તમારા રાજ્યમાં એક રેસિડન્ટ પોલિટિકલ ઑફિસર રહેશે. રાજ્યમાં બ્રિટિશ રેસિડન્સી ઊભી થઈ એના ત્રણ જ વર્ષમાં મહારાજા પ્રતાપ સિંહ જેમને પોતાના મિત્ર માની બેઠા હતા એ રેસિડન્ટ કર્નલ પૅરી એસ. નેસ્બેટે પોત પ્રકાશ્યું. કર્નલ નેસ્બેટે જાહેર આક્ષેપ કર્યો કે પ્રતાપ સિંહે બ્રિટિશ તાજને દગો આપવાનું કાવતરું ઘડતા પત્રો રશિયાના ઝારને, મહારાજા દિલીપસિંહને તેમ જ જમ્મુ-કશ્મીરમાં રહેતા પોતાના વફાદારોને લખ્યા છે અને એ પત્રો અત્યારે બ્રિટિશ સરકારના તાબામાં છે. મહારાજા પ્રતાપ સિંહે કહ્યું કે આવા કોઈ પત્રો પોતે કે પોતાના વતી બીજા કોઈએ લખ્યા જ નથી, બ્રિટિશ તરફથી ગોઠવાયેલું આ છટકું છે. પ્રતાપ સિંહનો હાથ મરડીને એમની પાસે પોતાનું ધાર્યું કરાવવા બ્રિટિશ સરકારે ઘડેલા આ છટકામાં પ્રતાપ સિંહ બરાબર સપડાઈ જાય એ માટે ખુદ પ્રતાપ સિંહના જ નાના ભાઈ અમર સિંહને લાલચ આપીને બ્રિટિશરોએ અમર સિંહ પાસે સોગંદનામું કરાવ્યું કે આ પત્રો નકલી નથી, સાચા છે.

આ પછી અર્થાત્ ૧૮૮૮ના ગાળામાં જમ્મુ-કશ્મીરમાં જે રાજકીય આંધી સર્જાઈ એનો અંજામ બ્રિટિશરો જેવો લાવવા માગતા હતા એવો જ આવ્યો.

મહારાજા પ્રતાપ સિંહે રાજગાદી છોડવી પડી એટલું જ નહીં, પોતે સામે ચાલીને ગાદી છોડે છે અને પોતાના બે ભાઈઓ રાજા અમર સિંહ તથા રાજા રામ સિંહ સહિતની ‘વ્યવસ્થાપન સમિતિ’ રાજ્યના શાસનને જવાબદારી સોંપી દે છે એવું લખાણ લખી આપીને પોતાનાં કાંડાં પોતાના હાથે જ કાપી આપવા પડ્યાં. મહારાજા પ્રતાપ સિંહની આ ‘ઑફર’ બ્રિટિશ સરકારે સ્વીકારી લીધી. સંપૂર્ણ સત્તા છિનવાઈ ગયા પછી મહારાજા પ્રતાપ સિંહને બ્રિટિશ તરફથી સત્તાના થોડાક ટુકડા નાખવામાં આવ્યા અને મજબૂર બની ગયેલા પ્રતાપ સિંહે લાચારીપૂર્વક એ ટુકડાઓ સ્વીકારી લેવા પડ્યા. સિંહ ભૂખ્યો રહેશે પણ ઘાસ નહીં ખાય એવી ખુમારી પર સંજોગોના હથોડા એ રીતે ઉપરાછાપરી પડતા હોય છે કે છેવટે ભૂખના માર્યા ઘાસ ખાવા સુધીની તૈયારી સિંહ બતાવે ત્યારે આ ઘાસ પણ એને નસીબ થતું નથી.

મહારાજા પ્રતાપ સિંહ કદાચ આ વાત સારી રીતે સમજતા હતા. પ્રતાપ સિંહના વારસદાર મહારાજા હરિ સિંહ ૧૯૨૫માં જમ્મુ-કશ્મીરની ગાદીએ આવ્યા. ૧૯૪૮માં કશ્મીરે ભારત સાથે ભળી જવાનો નિર્ણય કર્યો ત્યારે હરિ સિંહની સત્તા હતી. હરિ સિંહના પુત્ર ડૉ. કરણ સિંહ ભારતના એક બૌદ્ધિક રાજકારણ તરીકે અને વિશ્ર્વ હિન્દુ પરિષદના એક સ્થાપક તરીકે જાણીતા થયા. ૩૬ વર્ષની યુવાન વયે કેન્દ્રીય મંત્રી બનનારા તે વખતના તેઓ સૌપ્રથમ રાજકારણી હતા.

કશ્મીર પહેલેથી જ મુસ્લિમ બહુમતીનો એવો પ્રદેશ રહ્યો જેના પર દાયકાઓ સુધી જમ્મુના ડોગરા વંશના રાજકર્તાએ શાસન કર્યું. ડોગરા-શાસન. મહારાજા હરિ સિંહ ગાદીએ આવ્યા કે તરત જ એમણે કશ્મીરની પ્રજાના પ્રશ્ર્નો પર સમગ્ર ધ્યાન કેન્દ્રિત કર્યું, પણ કમનસીબે હિન્દુ રાજા પોતાની મુસ્લિમ રૈયતનો પ્રેમ, એમનો વિશ્ર્વાસ સંપાદન કરવામાં ઝાઝા સફળ રહ્યા નહીં.

૧૯૩૧માં જમ્મુ-કશ્મીર રાજ્યના ઈતિહાસમાં નોંધાયેલું પ્રથમ સૌથી મોટું કોમી રમખાણ ફાટી નીકળ્યું. ૧૯૩૧માં જ પ્રગટ થયેલા ‘રિપોર્ટ ઑફ ધ શ્રીનગર રાયટ કમિટી’ના દસ્તાવેજોમાં આ મુસ્લિમ-હિન્દુ રમખાણની તમામ વિગતો મોજૂદ છે. એક બાજુ મુસ્લિમ પ્રજા અને બીજી બાજુ ડોગરા શાસકો તથા કશ્મીરી પંડિતો – એવા બે પક્ષ પડી ગયા. મુસ્લિમ પ્રજાએ આ બનાવના એક વર્ષ પછી પોતાને વધુ સંગઠિત કરવાનું નક્કી કર્યું. નવેમ્બર ૧૯૩૨માં શ્રીનગરમાં યોજાયેલી ત્રણ દિવસીય પરિષદમાં આખા રાજ્યમાંથી ડેલિગેટ્સને નિમંત્રવામાં આવ્યા. ત્રણ દિવસના અંતે જમ્મુ અને કશ્મીર મુસ્લિમ કૉન્ફરન્સની સ્થાપના થઈ અને એ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી ચૂપ રહેલી મુસ્લિમ પ્રજા વતી બોલી શકે એવા યુવાન મુસ્લિમ નેતાનો ઉદય થયો. શેખ મોહમ્મદ અબદુલ્લા. જવાહરલાલ નેહરુએ શેખ અબદુલ્લા પ્રત્યે શરૂઆતમાં બનાવટી મતભેદો દેખાડ્યા બાદ એમને જે છૂટો દોર કશ્મીરમાં આપ્યો તે નીતિ આજની કશ્મીર સમસ્યાનું મૂળ છે. શેખ અબદુલ્લાના પુત્ર ફારૂખ અબદુલ્લાએ બાપની ગાદી સંભાળી હતી. રંગીન મિજાજ ફારૂખ અબદુલ્લા શબાના આઝમીને પોતાની મોટર સાઈકલ પર સૈર કરાવતા હતા. ફારૂખ અબદુલ્લાના પુત્ર ઓમર અબદુલ્લાએ બાપદાદાની આ વિરાસતને આગળ લંબાવીને એક જાણીતી અંગ્રેજી ન્યૂઝ ચેનલની એન્કર સાથે પ્રેમ કર્યો.

૧૯૪૭માં ભારત આઝાદ થયું. મહારાજા હરિ સિંહે ઑક્ટોબર ૧૯૪૮માં પાકિસ્તાને કબાઈલીઓના વેશમાં મોકલેલા સૈનિક દળોના આક્રમણથી બચવા માટે ભારત સાથે જોડાવાનો વાજબી નિર્ણય લીધો. હરિ સિંહ એક વખત જમ્મુ-કશ્મીરને એક સ્વતંત્ર અને નિરપેક્ષ રાજ્ય – સ્વિટ્ઝરલૅન્ડ જેવું બનાવવાનું સપનું જોતા હતા. એક એવું કશ્મીર જે ન તો ભારતમાં ભળી ગયેલું હોય, ન પાકિસ્તાનના પડખામાં ઘૂસી ગયેલું હોય. એ તો ખૈર એક નામુમકિન સપનું હતું. રાજા હરિ સિંહનો એ ખયાલી કશ્મીરી પુલાવ હતો. હરિ સિંહની ઈચ્છા મુજબનું કશ્મીર રચાયું હોત તો થોડાંક જ વર્ષમાં ભારત કે પાકિસ્તાન નહીં, પણ ચીન કે રશિયા એના પર સત્તા જમાવી બેઠું હોત. કશ્મીરની ભૌગોલિક રચનાને કારણે એના પડોશીઓને તેમ જ દુનિયાનાં તમામ શક્તિશાળી રાષ્ટ્રોને એને હડપ કરવામાં ભારે રસ પડે એ સ્વાભાવિક હતું.

કશ્મીરની આ વિશિષ્ટતાને કારણે, એના આ ઈતિહાસ તેમ જ એની સામાજિક પરિસ્થિતિને કારણે, ઉપરાંત નેહરુની ટૂંકી દૃષ્ટિને કારણે, ભારતીય સંવિધાનમાં ૩૭૦મી કલમ ઘડવામાં આવી. આ કલમમાં એવી એવી વાતો નેહરુ અને એમના મળતિયાઓ દ્વારા ઉમેરવામાં આવી જેની ખિલાફ ન સિર્ફ સરદાર વલ્લભભાઈ પટેલ હતા, ખુદ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે પણ કેટલીક બાબતો સામે પ્રગટપણે વિરોધ નોંધાવીને નેહરુનો ખોફ વહોરી લીધો હતો.

આ કલમની અપ્રસ્તુત થઈ ગયેલી જોગવાઈઓ વિશે સમજી લઈએ તો એને શું કામ રદ કરવી અનિવાર્ય છે તે સમજી શકીએ.

આજનો વિચાર

ભૂતકાળમાં જ્યારે જ્યારે કૉન્ગ્રેસે કેન્દ્રમાં અને રાજ્યોમાં ટેકા પાછા ખેંચી લીધા હતા ત્યારે કેમ કોઈ મીડિયાવાળા પૂછતા નહોતા કે ભાઈ, તમે ટેકો આપ્યો જ કેમ હતો.

– વૉટ્સઍપ પર વાંચેલું

એક મિનિટ!

બકા: અલ્યા પકા, આ જાહેરાત વાંચી તેં?

પકો: શેની?

બકો: ફેક આઈડી વેચવાનું છે.

પકો: શું લખે છે?

બકો: લખે છે: ૩૪૪૫ ફ્રેન્ડ્ઝ, ૨૨૭૮ ફોલોઅર્સ અને ચાર કાકાઓ પણ છે જે દર મહિને પાંચસોનું રીચાર્જ કરાવી આપે છે!

3 COMMENTS

  1. હરિસિંહ પહેલાનો કાશ્મીરનો ઇતિહાસ કદાચ ઇતિહાસના અભ્યાસુઓ અગરતો કાશ્મીર સમસ્યાના અભ્યાસુઓનેજ ખબર હશે. આપની આ કોલમ મારફતે આ દેશના હિતમાં આ દેશના સામાન્ય નાગરિકે પણ જનવા જેવી વિગતો પ્રાપ્ત થાય છે. ખૂબ ખૂબ ધન્યવાદ સર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here