જાનદાર અને શાનદાર પુસ્તક ‘સર્જકનાં સાથીદાર વિશેનો ત્રીજો અને અંતિમ રસપ્રદ લેખ : સૌરભ શાહ

( ગુડમૉર્નિંગ : સોમવાર, ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૩)

ડૉ. આઇ. કે. વીજળીવાળા લિખિત 24 પુસ્તકોની કુલ પોણા આઠ લાખ જેટલી નકલો વેચાઈ છે. ડૉક્ટરસાહેબ ન સિર્ફ ગુજરાતીના સૌથી વધુ વંચાતા લેખક છે, તેઓ ઘરની દરેકે દરેક ચીજ રિપેર કરી જાણે છે – લૅપટોપથી માંડીને બાથરૂમના નળ સુધીનું બધું જ – એવું ડૉક્ટર વીજળીવાળા અને એનાં પત્ની કૃતિકાબહેનનાં દીકરી તર્જની કરે છે. સુખ્યાત વિવેચક તથા લેખક શરીફા વીજળીવાળાનાં તેઓ મોટાભાઈ થાય.

`અધીર’ અમદાવાદી અશોક દવે અને લલિત લાડ ઉર્ફે મન્નુ શેખચલ્લીના અનુગામી હાસ્યસાહિત્યકાર છે. લોકપ્રિય ગુજરાતી લેખકોમાં `અધીર’ કદાચ સૌથી વધુ ભણેલાગણેલા છે. સિવિલ એન્જિનિયરિંગમાં બે-બે માસ્ટર્સ ડિગ્રી છે અને તેઓ પીએચ.ડી. પણ છે. નામ ડૉ. દેવાંશુ પંડિત. અમદાવાદની `સેપ્ટ’માં પ્રૉફેસર છે. `અધીર’ભાઈએ વર્ષો સુધી `ઑરકુટ’ અને એ પછી `ફેસબુક’ પર લખ્યું. ગુજરાતી વર્તમાનપત્રોની કચેરીઓમાં ખૂબ ધક્કા ખાધા. પણ કોઈએ એમની સામું પણ જોયું નહીં. છેક 2010માં `મુંબઈ સમાચાર’નાં તે વખતનાં બાહોશ તંત્રી પિન્કી દલાલે સામેથી એમનો સંપર્ક કરીને `અધીર’ અમદાવાદીની `લાતની લાત અને વાતની વાત’ કૉલમ શરૂ કરી. એ પછી તો `અભિયાન’ અને `સંદેશ’માં લખ્યું. હવે `નવગુજરાત સમય’માં પોતાના ભાઈ `બધીર’ અમદાવાદી (રક્ષિત પંડિત)ની સાથે મળીને દર બુધવારે કૉલમ લખે છે.

કવિ અનિલ ચાવડાનું નામ નવી પેઢીના ગુજરાતી ગઝલકારોમાં પ્રથમ હરોળમાં આવે. અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારોથી પોંખાયેલા આ કવિનાં પત્ની રંજનબહેન કહે છે કે, `એ લખવા બેસે ત્યારે જો હું આજુબાજુમાં આંટા મારતી હોઉં કે ભૂલેચૂકેય કમ્પ્યુટરમાં જોવા માંડું તો એ પોતાની કવિતા સંતાડી દે.’ સ્ટ્રગલના દિવસો યાદ કરતાં કવિ અનિલ ચાવડા કહે છેઃ `રોજના ત્રીસ-ચાળીસ રૂપિયામાં કપાસ વીણવા, બાજરી વાઢવા, નીંદવા, છાણ ભરવા, રસ્તા સાફ કરવાની મજૂરી હું મારી મા સાથે કરતો. સુરેન્દ્રનગર, વઢવાણ, રાજકોટ જિલ્લાના સાંગણવા, મેંગણી જેવાં ગામોમાં મેં મજૂરી કરી છે. નર્મદાની કૅનાલ પાસેથી કોઈવાર પસાર થાઉં તો યાદ આવી જાય કે આ કૅનાલની ઈંટો અને સિમેન્ટનાં તગારાં મેં ઉપાડ્યાં છે. અમદાવાદનું એકેય એવું બસસ્ટૉપ નહીં હોય જ્યાં મેં રાતવાસો નહીં કર્યો હોય.’

વિખ્યાત કવિ વિનોદ જોશીએ શિખરિણી છંદમાં લખેલું એક કાવ્ય બચુભાઈ રાવતે `કુમાર’માં છાપ્યું તે વખતે કવિ દસમા ધોરણમાં ભણતા હતા. 24 વર્ષની ઉંમરે પીએચ.ડી. થયેલા વિનોદ જોશીનાં પત્ની વિમલબહેન પણ પીએચ.ડી. છે. લગ્ન પહેલાં કવિ ભાવિ પત્ની વિમલને રોજ પત્ર લખે અને અઠવાડિયે એકવાર એ બધા પત્રો પરબીડિયામમાં બંધ કરીને વિમલબહેનને પોસ્ટ કરે. દર વખતે પરબીડિયું ભારે થઈ જાય અને ટપાલી સામે છેડે દંડના ડબલ પૈસા વસૂલ કરે ત્યારે વિમલબહેનનાં બા જયાબહેન અકળાઈને કહે કે, આ પહેલેથી વજન કરીને પૂરતા રૂપિયાની ટિકિટ લગાડીને પોસ્ટ કેમ નથી કરતા?

વીનેશ અંતાણી અને પુષ્પા અંતાણી બેઉ સર્જક છે, બેઉએ દાયકાઓ સુધી આકાશવાણીમાં કામ કર્યું. પુષ્પાબહેન કહે છેઃ `આ માણસ દુનિયાદારીનો માણસ નથી. એ સર્જક છે, એને એની સર્જકતાની આડે કંઈ જ ન આવે એવું મેં ધ્યાન રાખ્યું છે.’ વર્તમાન ગુજરાતી નવલકથાકારો-સાહિત્યકારોમાં મોખરાનું સ્થાન ધરાવતા વીનેશ અંતાણીએ બત્રીસ વર્ષની ઉંમરે લખેલી `પ્રિયજન’ નવલકથા ગુજરાતની અનેક કૉલેજો/યુનિવર્સિટીમાં પાઠ્યપુસ્તક તરીકે ભણાવવામાં આવે છે. વીનેશભાઈ કહે છેઃ `એક જ બેઠકે નવલકથા લખી લઉં… કોઈ કારણોથી લિન્ક તૂટે તો જેટલું લખાયું હોય એ ફરીથી લખવા બેસું. એક નવલકથાનાં મેં 160 પાનાં લખી નાખ્યાં હતાં. પણ કોઈ કારણોથી લિન્ક તૂટી તો એ 160 પાનાં મેં ફરીથી લખ્યાં ત્યારે જ મને સંતોષ થયો.’

`ગુજરાત સમાચાર’ના સિનિયર પત્રકાર અને દાયકાઓથી `શતદલ’ પૂર્તિમાં `વિવિધા’ તથા `રવિપૂર્તિ’માં `હોરાઇઝન’ નામની અતિ લોકપ્રિય કૉલમો લખતા ભવેન કચ્છીની ઉંમર 14 વર્ષની હતી ત્યારનો એક કિસ્સો તમારી આંખ ભીની કરી દે. પિતા સનતભાઈને અલ્સરની બીમારી. બોટાદથી ટ્રેનમાં અમદાવાદ જવાનું હતું. હૉસ્પિટલમાં કદાચ લાંબો સમય રહેવું પડે એ વિચારે પિતાએ દીકરા ભવેનને કહેલું કે બે-ત્રણ ભાગમાં જે નવલકથા હોય એ લઈને સ્ટેશને આવી જજે, મારો સમય પસાર થઈ જશે. ટ્રેનના છૂટવાનો સમય સમજવામાં કંઈ ગરબડ થઈ ગઈ. 14 વર્ષનો દીકરો ભવેન હાથમાં હરકિસન મહેતાની `જગ્ગા ડાકુનાં વેરનાં વળામણાં’ નવલકથાના ત્રણ ભાગ હાથમાં લઈને ઊભો હતો અને પિતાએ દુનિયામાંથી વિદાય લઈ લીધી.

ગુર્જર પ્રકાશનના એડિટર અને અનેક માતબર દૈનિક-સામયિકોમાં નિયમિત કૉલમો લખનારા રોહિત શાહ જે જમાનામાં શાળામાં ભણાવતા ત્યારનો એક કિસ્સો છે. એક પોલીસ અધિકારીનો દીકરો પિતાના નામે સ્કૂલમાં દાદાગીરી કરતો. રોહિતભાઈએ પિતાને બોલાવીને ફરિયાદ કરી. પિતાનો પિત્તો ઉકળી ઊઠ્યો. એમણે સ્કૂલ ડ્રેસમાં ઊભેલા પોતાના દીકરાને લાફો રવા હાથ ઉગામ્યો. રોહિતભાઈએ હાથ રોકીને કહ્યું : `સાહેબ, આ મારી પ્રિમાઈસીસ છે. તમે અહીં ના મારી શકો.’ આટલું કહીને રોહિત શાહ પોલીસ અધિકારી પિતાની હાજરીમાં સટ્ટાક દઈને વિદ્યાર્થીના ગાલ પર થપ્પડ ચોડી દીધી.

હર્ષદ ત્રિવેદી અને બિંદુ ભટ્ટ. ગુજરાતી સાહિત્યકારોમાં આ દંપતિનું ખૂબ મોટું નામ. બિંદુ ભટ્ટની નવલકથાઓ `મીરાં યાજ્ઞિકની ડાયરી’ અને `અખેપાતર’ ગુજરાતી નવલકથા સાહિત્યનાં માઇલસ્ટોન છે. હર્ષદ ત્રિવેદી કવિ છે, લેખક છે. એમણે વહેલી નિવૃત્તિ લીધી ત્યારે બિંદુબહેને એક શરત કરી હતી કે તમારે રોજ કંઈક લખવાનું. જે દિવસે તમે નહીં લખો એ દિવસે હું નહીં જમું. ઑફિસેથી બિંદુ ભટ્ટ ઘરે આવે અને દરવાજામાંથી દાખલ થાય એટલે પૂછે કે, `આજે મારે જમવાનું છે?’ બિંદુ ભટ્ટ જ્યોતિ ઉનડકરને મુલાકાત આપતાં કહે છેઃ `…મારે એકેય વખત ભૂખ્યા નથી રહેવું પડ્યું.’

ફોટોગ્રાફર અને ગાંધીજી સ્થાપિત `નવજીવન’ ટ્રસ્ટના મૅનેજિંગ ટ્રસ્ટી વિવેક દેસાઈની `બનારસ ડાયરી’ ઘણી ફેમસ છે. એમનાં પત્ની લેખિકા શિલ્પા દેસાઈને જ્યોતિ ઉનડકટે પૂછ્યું : `તમને એવું લાગે કે આ માણસ સાધુ થઈ જશે…’ શિલ્પાબહેન કહે `હા… દિલના એક ખૂણામાં આ સવાલ સતત પજવતો રહે…’ જોકે, વિવેક દેસાઈ કહે છે, `ના, હું ફોટોગ્રાફર છું અને મને મારું કર્મ ખબર છે. એમની (તાંત્રિકો-અધોરીઓ) સાથે એમની જેમ રહેતો ત્યારે ઘણું જાણવા મળતું…’

અમી શાહ અને મૃગાંક શાહની સંયુક્ત કૉલમ `નવગુજરાત સમય’માં નિયમિત પ્રગટ થાય છે. ગુણવંત શાહનાં દીકરી અમીએ જ્યોતિ ઉનડકરને કહ્યું, `ભાઈ (ગુણવંત શાહ) એવું કહે કે અમી વગર મૃગાંક રખડી જાત પણ અમી માટે મૃગાંક જેવી વ્યક્તિ જ યોગ્ય છે. ભાઈ એવું પણ ઉમેરે કે મૃગાંક સાચો જ નહીં પણ સાચુકલો માણસ છે.’ કવિ મૃગાંક શાહની આ કવિતા ગુજરાતી વાચકોના દિલમાં વસી ગઈ છેઃ `ભલે ઝઘડીએ, ક્રોધ કરીએ, એકબીજા પર તૂટી પડીએ / એકબીજા પર દાદાગીરી કરવા છેલ્લે તો આપણે બે જ હોઈશું.’

વિખ્યાત મનોવિજ્ઞાની પ્રશાંતભાઈ ભીમાણી તથા સુપ્રસિદ્ધ ગાયક-સંગીતકાર અરવિંદભાઈ વેગડાની મુલાકાતો સાથે `સર્જકનાં સાથીદાર’નું સમાપન થાય છે.

જ્યોતિ ઉનડકટે જીવ રેડીને આ પુસ્તક તૈયાર કર્યું છે. એમની મહેનત લેખે લાગી છે. પ્રતિભા સંપન્ન યુવાન લેખક અંકિત દેસાઈને અર્પણ કરવામાં આવેલા આ પુસતકની ટૂંક સમયમાં જ નવી આવૃત્તિ થવાની. નેક્સ્ટ એડિશનમાં જ્યોતિ ઉનડકટે બે કામ ઉમેરવાનાં. એક તો અંકિત અને મિલી દેસાઈની મુલાકાત ઉમેરવાની. બીજું, અંકિત પાસે એક લેખ લખાવીને ઉમેરવાનો—જ્યોતિ ઉનડકટ અને એમના હોનહાર સાથી સિનિયર પત્રકાર, બેસ્ટ સેલર રાઇટર તથા ચિંતક-પ્રવચનકાર કૃષ્ણકાન્ત ઉનડકટના પ્રસન્ન સહજીવન વિશેનો. આ પુસ્તક ખરીદવું જ જોઈએ તમારે. આ રહી વિગતો :

(‘સર્જકનાં સાથીદાર’ : જ્યોતિ ઉનડકટ. પૃષ્ઠ ડેમી સાઈઝના 286 કિંમત રૂા. 300. પ્રકાશક : આર. આર. શેઠ.)

પ્રાપ્તિસ્થાનો :
૧. www.rrsheth.com , વૉટ્સઍપ નં. 83200 37279

૨. લોકમિલાપ: વૉટ્સઍપ નં.87349 18888

૩. બુકપ્રથા www.Bookpratha.com: વૉટ્સઍપ નં. 90335 89090

૪. નવભારત સાહિત્ય મંદિર : વૉટ્સઍપ નં. 98211 46034

૫. પ્રેમ પુસ્તક ભંડાર : વૉટ્સઍપ નં.98796 30387

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

4 COMMENTS

  1. Our society wrt writers/poets is also dominated with MALES. Wish FEMALES get enough opportunity to share this profession.

  2. ખરેખર ખૂબજ જહેમત પૂર્વક વિવેચન…. નહિ
    પણ સ્મરણમાં રહી જાય તેવી વિવરણ… બદલ સૌરભબાબુ
    આપને દિલથી સલામ તો બંને જ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here