દીવાલ પર લખેલું વંચાય છે, હસ્તરેખાઓ નથી વંચાતી

ગુડ મૉર્નિંગસૌરભ શાહ

અડવાણી લખે છે: ‘તેઓ (વાજપેયી) ભારતીય જનસંઘના યુવા સક્રિય કાર્યકર્તા તરીકે રાજસ્થાનના કોટા સ્ટેશનેથી પસાર થઈ રહ્યા હતા. હું તે વખતે એ પ્રદેશમાં (રાષ્ટ્રીય સ્વયંસેવક) સંઘનો પ્રચારક હતો. (એ વખતે, 1952માં અડવાણીની ઉંમર પચ્ચીસેક વર્ષની) વાજપેયી નવા રચાયેલા પક્ષ જનસંઘને લોકપ્રિય બનાવવા માટેની ડૉ. શ્યામાપ્રસાદની રેલયાત્રામાં સાથે હતા. એ વખતે વાજપેયી ડૉ. મુખર્જીના રાજનીતિક સેક્રેટરી હતા. અતીતમાં ઝાંકું છું તો મારા મનમાં એમની (વાજપેયીની) સૌથી જીવંત છબિ યુવા રાજકીય કાર્યકર્તાના રૂપમાં ઉપસતી દેખાય છે. એ વખતે તેઓ મારા જેવા કૃશકાય હતા પણ હું એમના કરતાં વધુ દુબલોપતલો દેખાતો, કારણ કે મારી શારીરિક હાઈટ એમના કરતાં વધારે હતી. હું સહેલાઈથી કહી શકું એમ છું કે એમનામાં આદર્શવાદની ભાવના ઠાંસીઠાંસીને ભરેલી હતી અને એમના સમગ્ર વ્યક્તિત્વમાં એક કવિની આભાનું તેજ હતું, એક એવા કવિ જેને નિયતિએ રાજકારણમાં પ્રવૃત્ત કરી દીધા. એમની અંદર કોઈ આગ હતી જેની જ્વાળા એમના ચહેરા પર શોભતી હતી. એ વખતે એમની ઉંમર 27-28 વર્ષની હશે. આ પહેલી યાત્રાના અંતે મેં મારી જાતને કહ્યું હતું કે આ એક અસાધારણ યુવક છે અને મારે એના વિશે વધારે જાણવું જોઈએ.

અટલજી 1948માં રાષ્ટ્રવાદી સાપ્તાહિક ‘પાંચજન્ય’ના સ્થાપકસંપાદક બન્યા. એમના નિયમિત વાચકોમાં અડવાણી પણ ખરા અને એટલે વાજપેયીના નામથી સારી રીતે પરિચિત. વાજપેયી ‘પાંચજન્ય’માં તંત્રીલેખો લખતા અને વારતહેવારે કવિતા પણ લખતા. અડવાણી એ બધાથી બહુ જ પ્રભાવિત. આ જ સાપ્તાહિકને કારણે અડવાણીને પંડિત દીનદયાળ ઉપાધ્યાયના વિચારો વિશે જાણવા મળ્યું. દીનદયાળજીએ રાષ્ટ્રવાદી સાહિત્યના પ્રકાશન માટે ‘રાષ્ટ્રધર્મ પ્રકાશન’ નામની સંસ્થા શરૂ કરી હતી જેના નેજા હેઠળ ‘પાંચજન્ય’ છપાતું. અડવાણીને બહુ મોડેથી ખબર પડી કે વાજપેયી આ સાપ્તાહિકમાં માત્ર તંત્રીની જ નહીં, પ્રૂફરીડર – કંપોઝિટર – બાઈન્ડર તથા મૅનેજરની જવાબદારી પણ નિભાવતા અને અલગ અલગ ઉપનામોથી પણ એમાં લખતા.

વાજપેયી – અડવાણીની કોટાની પ્રથમ મુલાકાત પછી થોડા વખતમાં વાજપેયી ફરી રાજસ્થાનના રાજકીય પ્રવાસે આવ્યા. આ સમગ્ર પ્રવાસમાં અડવાણી વાજપેયીની સાથે રહ્યા. પ્રવાસના દિવસો દરમ્યાન અડવાણી વાજપેયીને નિકટથી જાણી શક્યા. બીજી વારની મુલાકાત દરમ્યાન પ્રથમ વખતની ઓળખાણ વખતે એમના વિશે મનમાં પડેલી છાપ વધુ દૃઢ થઈ.

અડવાણી લખે છે: ‘ઉનકા અનૂઠા વ્યક્તિત્વ, અસાધારણ ભાષણશૈલી, ઉનકા હિંદી ભાષા પર અધિકાર તથા વાક્ચાતુર્ય ઔર વિનોદપૂર્ણ તરીકે સે ગંભીર રાજનીતિક મુદ્દોં કો પ્રભાવશાલી ઢંગ સે મુખરિત કરને કી ક્ષમતા – ઈન સભી ગુણોં કા મુઝ પર ગહરા પ્રભાવ પડા. દૂસરે દૌરે કી સમાપ્તિ પર મૈંને અનુભવ કિયા કિ વહ નિયતિ પુરુષ એવં ઐસે નેતા હૈં, જિસે એક દિન ભારત કા નેતૃત્વ કરના ચાહિએ.’

1957માં વાજપેયી બલરામપુરની બેઠકમાંથી ચૂંટાઈને લોકસભામાં પ્રવેશ્યા ત્યારે દીનદયાળ ઉપાધ્યાયે અડવાણીને રાજસ્થાન છોડીને દિલ્હી જવાની જવાબદારી સોંપી જેથી સંસદીય કામકાજમાં અડવાણી વાજપેયીની મદદ કરી શકે. ત્યારથી વાજપેયી અને અડવાણી જનસંઘનો વિકાસ કરવામાં અને વર્ષો પછી ભાજપનો વિકાસ કરવામાં એકબીજાને સાથ આપતા રહ્યાં. 1968માં દીનદયાળ ઉપાધ્યાયનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું જેનો ભેદ હજુ સુધી ઉકેલાયો નથી. જનસંઘના અધ્યક્ષપદની જવાબદારી વાજપેયી પર આવી. પાંચ વર્ષ પછી વાજપેયીએ આ જવાબદારી અડવાણીને સોંપી.

1975ના જૂનની 26મી તારીખ. બૅન્ગલોરની રાજકીય મુલાકાતે ગયેલા વાજપેયી અને અડવાણીની ‘મિસા’ હેઠળ ધરપકડ થઈ. 19 મહિનાના જેલવાસ પછી જનસંઘ જેમાં વિલીન થઈ ગયો તે જનતા પાર્ટીનું સર્જન થયું. વાજપેયી નવી દિલ્હીની લોકસભા બેઠક પરથી ચૂંટાઈને વડા પ્રધાન મોરારજી દેસાઈની કેબિનેટમાં વિદેશ મંત્રીનું સ્થાન પામ્યા. અડવાણીને 1970માં દિલ્હીમાંથી રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા. 1976માં એમની રાજ્યસભાની મુદત પૂરી થતી હોવાથી એમને ગાંધીનગરથી રાજ્યસભામાં મોકલવામાં આવ્યા. (1970માં અડવાણીએ ‘મિસા’ના આરોપી તરીકે પોલીસ પહેરા હેઠળ બૅન્ગલોરથી ગુજરાત જઈને રાજ્યસભાનું ઉમેદવારીપત્રક ભરવું પડ્યું હતું, જેનું રોમાંચક વર્ણન એમણે પોતાના જેલના અનુભવોના પુસ્તકમાં કર્યું છે). મોરારજીભાઈની કેબિનેટમાં અડવાણીને સૂચના તથા પ્રસારણ મંત્રીની જવાબદારી સોંપવામાં આવી.

જનતા પાર્ટી વિખેરાઈ ગઈ અને 1980માં વાજપેયી તથા અડવાણીના નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ. 1984ની ચૂંટણીમાં આ નવોદિત પક્ષને લોકસભામાં માત્ર બે જ બેઠકો મળી. અડવાણી આત્મકથામાં લખે છે: ‘હમને સિર્ફ દો સીટેં જીતી: યહાં તક કિ ગ્વાલિયર સે અટલજી ચુનાવ હાર ગએ. તથાપિ ઈસ હાર કા મુખ્ય કારણ ઈંદિરા ગાંધી કી હત્યા કે બાદ દેશ મેં ઉત્પન્ન ‘સહાનુભૂતિ લહર’ રહી. યહ વાસ્તવ મેં લોકસભા કા ચુનાવ નહીં બલ્કિ ‘શોક સભા’ ચુનાવ થા, જહાં સારી સહાનુભૂતિ રાજીવ ગાંધી કે સાથ રહની સ્વાભાવિક થી.’

એ પછી ભાજપની આકસ્મિક પ્રગતિનું માધ્યમ અયોધ્યા આંદોલન રહ્યું એવું જણાવીને અડવાણી કહે છે કે એ વખતે અટલજીએ અપેક્ષાકૃત ઓછા સક્રિય રહેવાનો નિર્ણય લીધો.

1990માં અયોધ્યા આંદોલન માટે જનસમર્થન ભેગું કરવા અડવાણીએ રામ રથયાત્રાનું આયોજન કર્યું. એ વખતે મીડિયાએ અટલજીને અને અડવાણીજીને અલગ-અલગ ઢંગથી પેશ કરવાનું શરૂ કર્યું એવી નોંધ અડવાણીએ આત્મકથામાં કરી છે: ‘અટલજી કો ઉદાર બતાયા, વહીં મુઝે ‘કટ્ટર હિંદુ.’ પ્રારંભ મેં ઈસ્સે મુઝે બહુત પીડા પહુંચી ક્યોંકિ મૈં જાનતા થા કિ યથાર્થ મેરી ઈસ છબિ કે એકદમ વિપરીત હૈ.’

વાજપેયી વિશેનું પ્રકરણ લખતી વખતે અડવાણીએ એમાં એક પેટામથાળા હેઠળ કેટલીક સ્ફોટક વાતો લખી છે. એ સબહેડિંગ છે: ‘કુછ મતભેદ.’

વધુ કાલે.

આજનો વિચાર

મુઝે દૂર કા દિખાઈ દેતા હૈં,
મૈં દીવાર પર લિખા પઢ સકતા હું,
મગર હાથ કી રેખાએં નહીં પઢ પાતા.

અટલ બિહારી વાજપેયી (1993ના જન્મદિવસે લખેલી કવિતામાંથી).

( મુંબઇ સમાચાર : શુક્રવાર, 31 ઓગસ્ટ 2018)

4 COMMENTS

  1. ગુડ મોનિઁગ મારા માટે હેપી મોનિઁગ બંને છે.keep it up Saurabh Shah saheb

  2. ખૂબ આભાર, સૌરભભાઈ.સારા પુસ્તક અને સારા વ્યક્તિત્વ ની વિશે આચમન કરાવવાં બદલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here