બોલવા માટે વાણી જોઈએ,ચૂપ રહેવા માટે વિવેક: વાજપેયી

સન્ડે મૉર્નિંગસૌરભ શાહ

બલરામપુર કૌવાપુર અને ઈંટિયાઠોકની વચ્ચેનું સ્ટેશન છે. નેપાળ જનારા મુસાફરો અહીં વિશ્રામ કરતા હોય છે. બલરામપુર એક જમાનામાં નાનકડું રજવાડું હતું. ઘાઘરા નદીના કિનારે આવેલું છે. ૧૯૪૭માં ઉત્તર પ્રદેશમાં ભળી ગયું. ભારતીય જન સંઘનો જન્મ આઝાદી પછી થયો. ૧૯૫૧ના ઑક્ટોબરની ૨૧મીએ શ્યામાપ્રસાદ મુખર્જી અને દીનદયાળ ઉપાધ્યાય જેવા દિગ્ગજ નેતાઓએ ભારતીય જન સંઘ નામના રાજકીય પક્ષની સ્થાપના કરીને પ્રજાને કૉન્ગ્રેસનો વિકલ્પ આપ્યો હતો.

બલરામપુરનું રજવાડું ૧૯૪૭માં લોકતંત્રમાં ભળી ગયું હતું પણ એ પ્રદેશમાંથી જમીનદારી હજુ દૂર નહોતી થઈ. અનેક જમીનદારો મુસલમાન હતા. તેઓ પ્રજાનું આર્થિક શોષણ તો કરતા જ હતા, ધાર્મિક ભેદભાવ પણ ભયંકર કરતા.

અટલ બિહારી વાજપેયીએ બલરામપુરમાં ચૂંટણી પ્રચાર કરતાં જોયું કે અનેક વિસ્તારોમાં મંદિરમાં ડંકા અને શંખ વગાડવા પર આ મુસ્લિમ જમીનદારોએ પ્રતિબંધ લાદ્યો હતો. સ્વતંત્રતા પછી આ પરિસ્થિતિમાં થોડોઘણો બદલાવ આવ્યો હતો પણ દૂર દૂરના પ્રદેશોમાં હજુય પરિસ્થિતિ એની એ જ હતી. નાના અને મધ્યમ કક્ષાના ખેડૂતો મુસ્લિમ જમીનદારોના આતંકથી પરેશાન થઈને જન સંઘને સપોર્ટ આપતા થઈ ગયા હતા. બલરામપુરની લોકસભાની ચૂંટણીમાં વાજપેયી ચૂંટાઈ આવ્યા. આ એમની પહેલવહેલી ચુનાવી જીત હતી. બલરામપુર મતદાન ક્ષેત્રમાં કુલ ૪,૮૨,૮૦૦ મતદાતાઓ હતા. આમાંથી ૨,૨૬,૯૪૮ મતદારોએ મતદાન કર્યું. વાજપેયીને ૧,૧૮,૩૮૦ મત મળ્યા. કૉન્ગ્રેસના ઉમેદવાર હૈદર હુસૈન લગભગ ૧૦,૦૦૦ મતથી હારી ગયા. કૉન્ગ્રેસે જો કોઈ હિન્દુને ઊભો રાખ્યો હોત તો કદાચ પોતે ચૂંટણી જીતી ન શક્યા હોત એવું વાજપેયીએ પોતે નોંધ્યું છે.

પણ મથુરા તથા લખનૌમાંથી વાજપેયી હારી ગયા. મથુરામાં તો એમની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ. લખનૌમાં જન સંઘનો દેખાવ સારો રહ્યો. કૉન્ગ્રેસના વિજયી ઉમેદવાર પુલિન બિહારી બેનર્જીને ૬૯,૫૧૯ મત મળ્યા. વાજપેયીને ૫૭,૦૩૪ મત મળ્યા. ત્રીજો ઉમેદવાર કમ્યુનિસ્ટ પાર્ટીનો હતો. વાજપેયીએ નોંધ્યું છે કે આ કમ્યુનિસ્ટને જો થોડાક વધારે વોટ મળ્યા હોત તો કૉન્ગ્રેસ હારી ગઈ હોત અને જન સંઘને ફાયદો થયો હોત. વાજપેયીએ એ પણ નોંધ્યું છે કે જન સંઘને હરાવવા માટે કમ્યુનિસ્ટોને સપોર્ટ કરનારાઓએ પણ કૉન્ગ્રેસના ઉમેદવારને મત આપીને જીતાડ્યો હતો.

વાજપેયીનું આ નિરીક્ષણ આજે પણ એટલું જ સત્ય ઉજાગર કરે છે. ભાજપને હરાવવા માટે વિપક્ષો ‘હું તો મરું પણ તને રાંડ કરું’ વાળી જૂની ગુજરાતી કહેવતને અનુસરતા રહ્યા છે. ૧૯૫૭ની લોકસભાની ચૂંટણીમાં વાજપેયી સહિત જન સંઘના કુલ ચાર ઉમેદવારોની જીત થઈ. ૧૯૫૭માં લોકસભાની સાથે દેશનાં વિવિધ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ થઈ હતી એની નોંધ લેવી જોઈએ.

ભારતીય જન સંઘના વાજપેયી સહિતના ચારેય સાંસદો સૌ પ્રથમવાર ચૂંટાયા હતા. આમાંના કોઈ પણ સાંસદને અગાઉ વિધાનસભાનો પણ અનુભવ નહોતો. સંસદ માર્ગદર્શન આપવાવાળું પણ કોઈ નહોતું. વાજપેયીને તે વખતે સંસદમાં છેલ્લી પાટલીઓ પર બેસવું પડતું. બીજા ત્રણ સાથીઓ પણ એમની સાથે બેસતા. લોકસભાના સ્પીકરનું ધ્યાન પોતાના તરફ ખેંચવાનું કામ અઘરું હતું. સંસદમાં કોઈ પણ પ્રશ્ર્નની ચર્ચા થતી હોય ત્યારે દરેક સાંસદને એમના પક્ષના કેટલા સભ્યો ચૂંટાયા છે એ પ્રમાણે સમયની ફાળવણી થતી હોય છે. જન સંઘના માત્ર ૪ જ સભ્યો હોવાથી વાજપેયીના ભાગે બોલવાનો સમય બહુ ઓછો આવતો.

વાજપેયીને પહેલેથી વિદેશનીતિમાં રસ પડતો. એ જમાનામાં સંસદમાં આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ પરની ચર્ચાઓ થતી હોય ત્યારે સૌ કોઈ ધ્યાનથી સાંભળતું. પંડિત નહેરુ પ્રધાનમંત્રી તો હતા જ, વિદેશ મંત્રી પણ હતા. ચર્ચા દરમ્યાન જન સંઘના ભાગે માંડ બે-ચાર મિનિટ આવતી. વિદેશ નીતિ પરના વાજપેયીના પહેલા જ ટૂંકા પ્રવચને સભાગૃહમાં બધાનું ધ્યાન ખેચ્યું હતું. સામાન્ય રીતે વિદેશ નીતિ પરની ચર્ચાઓ અંગ્રેજીમાં થતી, વાજપેયીએ શુદ્ધ અને સડસડાટ હિંદીમાં પ્રવચન કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

૨૦ ઑગસ્ટ ૧૯૫૮નો દિવસ. આજથી બરાબર ૬૦ વર્ષ પહેલાંની એ વાત. વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ વિદેશ નીતિ વિશેની ચર્ચાનો લંબાણપૂર્વક અંગ્રેજીમાં જવાબ આપ્યા પછી સ્પીકર પાસે હિંદીમાં થોડુંક બોલવાની અનુમતિ માગી. સભાગૃહમાં હાજર રહેલા તમામ સંસદસભ્યોએ નહેરુની આ પ્રપોઝલને તાળીઓથી વધાવી લીધી. નહેરુએ વાજપેયીનું નામ લઈને હિન્દીમાં બોલવાનું શરૂ કર્યું અને ફરી તાળીઓના ગડગડાટ. નહેરુના એ હિન્દી શબ્દોને વાજપેયીએ પોતાની સ્મૃતિમાંથી ટાંક્યા છે. આપણ એ શબ્દોને યથાવત્ રાખીને માણીએ:

“કલ જો બહુત સે ભાષણ હુએ ઉન મેં સે એક ભાષણ શ્રી વાજપેયીજી કા ભી હુઆ. અપને ભાષણ મેં ઉન્હોંને એક બાત કહી થી ઔર યે કહા થા, મેરે ખ્યાલ મેં, કિ જો હમારી વૈદેશિક નીતિ હૈ, વહ ઉન કી રાય મેં, સહી હૈં. મૈં ઉન કા શુક્રગુઝાર હૂં કિ ઉન્હોંને યહ બાત કહી. લેકિન એક બાત ઉન્હોંને ઔર ભી કહી ઔર કહા કિ બોલને કે લિયે વાણી હોની ચાહિયે લેકિન ચૂપ રહને કે લિયે વાણી ઔર વિવેક દોનોં ચાહિયે. ઈસ બાત સે મેં પૂરી તરહ સે સહમત હૂં.

વાજપેયી એ પછીના વર્ષોમાં પ્રખર વક્તા તરીકે ખૂબ જાણીતા થયા. એમનામાં સાહસિક વાણી તો હતી જ અને ક્યારે ચૂપ રહેવું એનો વિવેક પણ હતો.

કાગળ પરના દીવા

મૈં હંમેશાં સે હી વાદે લેકર નહીં આયા, ઈરાદે લેકર આયા હૂં.

અટલ બિહારી વાજપેયી

( મુંબઇ સમાચાર : રવિવાર, 19 ઓગસ્ટ 2018)

10 COMMENTS

  1. Thanks for reminding our Indians for not valueing person alive. Lesson for us to value and importance of our present prime minister Shri Modiji.

  2. very nice article, loving this series.I am from younger generation so getting very beautiful and authentic info about our greatest leader. please do continue this series.

  3. આજનો આપનો …”બાજપેયીજી “નો લેખ …..મારા માટે સવાર નું “શિરામણ” રૂપી અતિ સુંદર રહ્યો.આવી સત્ય હકીકત આપની “કલમ” માંથી જ પીરસાઇ એજ ખરેખર “ગર્વ”રૂપી છે.સવાર ની “એનર્જી”પુરી પાડવા બદલ આપ સાહેબ ને લાખો સલામ.

  4. બહું સરસ. ખુબ આનંદ લેખ વાંચ્યો અને જાણે એ યાત્રાામાં સૌરભ ભાઈ ની સાથે જ ન હોઈએ એવી અનુભૂતિ થઈ.

  5. saheb vajpeyi ji nehru ni vidhesh nitin na aalochak hata Samantha k nahi…. aa vaat television interview ma kahi che … ane ek vat ni haji nondh Lejo ke teo e kyarey indira ne durga nathi kidhi. …

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here