ડૉ. મનુભાઈ પટેલ (૧૯૨૭-૨૦૨૧) પપ્પાના પાડોશી અને પાર્ટનર : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ પર્સનલ ડાયરી, બુધવાર, ચૈત્ર વદ નોમ, વિક્રમ સંવત ૨૦૭૭, 5 મે 2021)

સોમવાર, ૩જી મેના ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’નું પાંચમું પાનું. જમણી બાજુએ ઉપરના ખૂણે ક્વાર્ટર પેજની તોતિંગ જાહેરખબર. શ્રદ્ધાંજલિની આ જાહેરખબરમાંનો ચહેરો એકદમ પરિચિત અને નામ પણઃ ડૉ. મનુભાઈ પટેલ. નીચે સ્વજનોનાં નામ: ભાનુબેન, સૌરીન, કલ્યાણી… બધાં જ નામો બાળપણ સાથે સંકળાયેલાં. છેલ્લે મિશિગન એન્જિનિયરિંગનું નામ હતું. એ વાંચીને કન્ફર્મ થઈ ગયું કે મનુકાકા ગયા.

જે વ્યક્તિ તમારા ઘોર સંકટ વખતે અડીખમ બનીને તમારી પડખે ઉભી હોય એ આ દુનિયા છોડીને જતી રહે ત્યારે એમની સ્મૃતિને તમે આંસુથી છલકાયા કરતી આંખો સાથે આખો દિવસ વાગોળતા રહો છો.

ડાર્ક રૂમમાં એન્લાર્જરની નીચે ગોઠવેલા કોરા ફોટો પેપર પર કેમેરામાંથી કાઢેલા ફિલ્મના રોલની નેગેટિવ એકસ્પોઝ થઈ ગઈ છે. એ જાડા કાગળને ફિક્સરમાં નાખતાં પહેલાં ડેવલપરના દ્રાવણની ટ્રેમાં ચીપિયા વડે ડુબાડો. ધીમે ધીમે એ કાગળ પર એક તસવીર ઉભરાવા માંડે છે. શરૂમાં ધૂંધળી દેખાતી ઇમેજ પૂરેપૂરી ડેવલપ થઈ ગયા પછી લાલ લાઇટના ઝાંખા અજવાળામાં સ્પષ્ટ દેખાવા માંડે છે.

ડિસેમ્બર, ૧૯૬૦. પપ્પા આઠ મહિનાની ઉંમરના એમના બીજા દીકરા સૌરભને લઇને મુંબઈ આવ્યા. મોટો પરાગ પોણા ત્રણ વર્ષનો હતો અને અપેક્ષાના જન્મને આઠ વર્ષની વાર હતી. શિવાજી પાર્ક નજીક આવેલા સિટીલાઇટ સિનેમાની સામે દીનાથવાડીના ‘એ’ બિલ્ડિંગમાં બીજા માળે પાંચ ફલેટ. પહેલો સાવંતકાકા અને ચન્દ્રિકામાસીનો, બીજો મનુકાકા અને ભાનુમાસીનો, ત્રીજામાં  હેમરાજકાકા અને શાન્તામાસી, ચોથામાં ઘનશ્યામકાકા અને જયામાસી, પાંચમો અમારો.

મનુકાકાને એક દીકરો અને દીકરી – સૌરીન અને કલ્યાણી. સૌરીન મારા કરતાં એક વર્ષ નાનો અને મારી જન્મતારીખના બે દિવસ પહેલાં એનો બર્થ ડે આવે જે રંગેચંગે ઉજવાય. સૌરીન ઇંગ્લિશ મિડિયમમાં ભણે, હું ગુજરાતી માધ્યમમાં એટલે આપણને ભારે ઇન્ફિરિયોરિટી લાગે. લગભગ સરખી ઉંમરના હોવા છતાં એનું ફ્રેન્ડ સર્કલ જુદું, મારું મિત્રવર્તુળ અલગ. 

પપ્પાએ ૧૯૭૭માં દીનાથવાડીનો ફ્લેટ કાઢીને સાંતાક્રુઝમાં મોટી જગ્યા લીધી. મનુકાકા અર્લી સેવન્ટીઝમાં દીનાથવાડી છોડીને બ્રીચ કેન્ડી પર અમેરિકન એમ્બેસીની બાજુમાં બંધાયેલા વૈભવી  સ્કાય સ્ક્રેપરમાં રહેવા ગયા. પપ્પા સાથેનો એમનો સંપર્ક ચાલુ. બેઉ સિવિલ એન્જિનિયર. પપ્પા વલ્લભ વિદ્યાનગરથી બી.ઇ. (સિવિલ) થયેલા. મનુકાકા ઘણું બધું  ભણેલા. અમેરિકા જઇને સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગમાં પીએચ.ડી. કરીને આવેલા —એટલે એમના નામની આગળ ડૉક્ટર અને એટલે એમની કંપની મિશિગન એન્જિનિયરિંગ. મુંબઇમાં ફ્લાયઓવર્સ અને સબ-વે જેવાં શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વિકસાવતા અનેક કોન્ટ્રાક્ટ મિશિગનને મળતા.

સાંતાક્રુઝ આવ્યા એ પહેલાંના દાયકાથી પપ્પાએ પોતાનો સ્વતંત્ર બિઝનેસ શરૂ કરી દીધેલો —મોટા ભાગે રસ્તા બનાવવાના કૉન્ટ્રાક્ટ લેતા. આ જ ગાળામાં પપ્પાની કંપની અને મનુકાકાની કંપનીએ જોઇન્ટ વેન્ચર કર્યું એ પછી મનુકાકાની શાખ, આવડત અને એમના અનુભવને કારણે પપ્પાને પણ રસ્તા બનાવવાનાં કામો ઉપરાંત ફ્લાય ઓવર વગેરેનાં મોટાં મોટાં કામોનો અનુભવ મળતો થયો. લગભગ એક દાયકા સુધીની મનુકાકા સાથેની ભાગીદારીમાં ભાયખલાનો ‘વાય’ ફલાયઓવર, ચેમ્બુર, કાંજુરમાર્ગના બ્રિજ, હાજી અલીનો સબવે વગેરે ઘણાં કામ કર્યાં. એ દાયકો પપ્પાની કરિયરનો અને એમની લાઇફનો પણ શ્રેષ્ઠ દસકો હતો.

1978ના નવેમ્બરમાં હું પુસ્તક સમીક્ષાના માસિક ‘ગ્રંથ’ અને જનરલ નૉલેજના પખવાડિક ‘પરિચય પુસ્તિકા’ પ્રગટ કરતી સંસ્થા પરિચય ટ્રસ્ટમાં જોડાયો. ઘરે કોઇનેય કહ્યાકર્યા વગર નોકરી લઈ લીધી હતી. રાત્રે જમતી વખતે ડરતાં ડરતાં પપ્પાને વાત કરી. એમણે ધમકાવી નાખ્યો મને.

બીજે દિવસે સવારે હું  ચૂપચાપ નોકરીએ જવા માટે ઘરેથી નીકળી ગયો. બારેક વાગ્યે પપ્પા પરિચય ટ્રસ્ટની ઑફિસે આવ્યા. મને ધ્રાસકો પડયો. તંત્રી યશવંત દોશીની કેબિનમાં ગયા. મને બોલાવવામાં આવ્યો પપ્પાએ યશવંતભાઇને કહ્યું કે આ છોકરાને તમે નોકરીમાંથી કાઢી મૂકો. એ હજુ તો ભણી રહ્યો છે. કૉમર્સ પૂરું કરીને સી.એ. બનવાનું છે એણે. યશવંત ભાઈ કહે કે એ ભણશે અને નોકરી પણ કરશે. તેજસ્વી છે. જે કામ કરશે એમાં એની કારકિર્દી ઉજ્જવળ છે.

પપ્પા કહે આજનો દિવસ એને રજા આપો તો હું એને મારી સાથે લઈ જઉં.

ભલે, યશવંતભાઇએ કહ્યું.

હું પપ્પા સાથે ગયો. ખબર નહીં કે પપ્પા મારું શું કરવાના હતા. આમ તો પપ્પા બહુ ઉમદા માણસ હતા. પણ ગુસ્સો બહુ ભારે. ‘પરિચય ટ્રસ્ટ’ની ઑફિસમાંથી બહાર નીકળો એટલે સામે જ અરબી સમુદ્ર ઘૂઘવતો દેખાય. પિતા ગમે એટલા ગુસ્સાવાળા હોય અને દીકરો ગમે એટલો વંઠી ગયેલો હોય તોય પપ્પા એવું કંઈ તો નહીં જ કરે એની મને ખાતરી હતી. 

મારી ઑફિસ છોડીને અમે પપ્પાની ઑફિસે આવ્યા. ફ્લોરા ફાઉન્ટનના ફુવારાથી હોર્નિમન સર્કલ જતા રસ્તા તરફ માથું કરો તો સામે જ કૉર્નર પર બે જૂનાં ભવ્ય મકાનો દેખાય. જમણી તરફ યુસુફ બિલ્ડિંગ, ડાબી તરફ ઇસ્માઇલ બિલ્ડિંગ. પપ્પાની ઑફિસ યુસુફ બિલ્ડિંગમાં ચોથે માળે. નીચે ગ્રાઉન્ડ ફલોર પર અકબરઅલીઝનો ડિપાર્ટમેન્ટલ સ્ટોર. 

ઑફિસે આવીને પપ્પા મને સીધા મનુકાકાની કેબિનમાં લઈ ગયા. ઑફિસમાં સૌથી મોટી અને સૌથી વધારે હવાઉજાસવાળી કેબિન એમની. બાજુમાં પપ્પાની. પપ્પાએ મનુકાકા આગળ મારી ફરિયાદ કરી. મનુકાકા સ્મિત સાથે સાંભળ્યા કરે. પછી મને સમજાવે. પહેલાં ભણવાનું પૂરું કરી લે. સી.એ. થઈ ગયા પછી તારે જે કરવું હોય તે કરજે—આ એમની અડધો કલાકની વાતનો સાર. પોતે કેવી ગરીબીમાં ઉછર્યા, સ્કૉલરશિપ લઇને ભણ્યા છેક અમેરિકા જઈને પીએચ.ડી. કરી— એ બધી વાત ટૂંકમાં કરી. પપ્પાની સાથે એમના ત્રીજા પાર્ટનર બટુકકાકા ઉર્ફે શાન્તિભાઈ પણ જોડાયા. કહેવા લાગ્યા, ‘મનુભાઇની વાત સો ટકા સાચી છે. હું નથી ભણ્યો. મનુભાઇની અને તારા પપ્પાની સાથે છું તો મોટા મોટા પ્રોજેક્ટ્સ લઈ શકું છું. મનુભાઈ ન હોત તો નાનામોટા રસ્તા બાંધવાનાં કામો કરીને જ સંતોષ માનતો હોત.’

પપ્પાની ઑફિસમાં ઠંડી મેન્ગોલા પીને હું બીજા દિવસથી પાછો નોકરીએ ચડી ગયો.

કટ ટુ ૨૦૦૨. ચોવીસ વર્ષ પછીનો એક દિવસ. હું ‘મિડ-ડેમાં તંત્રી હતો. ‘મિડ-ડે’ની સાતમી વર્ષગાંઠની ઉજવણી કરવા શહેરભરના સાત વિસ્તારોના સાત જુદા જુદા સભાગૃહોમાં સળંગ એક અઠવાડિયાના કાર્યક્રમો. પહેલો પ્રોગ્રામ ચોપાટી પરના ભારતીય વિદ્યાભવનમાં. કાર્યક્રમોના પાસ એડવાન્સમાં જ ખલાસ થઈ ચૂકેલા. ભવન્સનો કાર્યક્રમ શરૂ થાય એ પહેલાં હું કોઇક કારણસર ગ્રીન રૂમમાંથી બહાર આવ્યો. ફૉયરમાં ચિક્કાર ગિર્દી. હજુ દરવાજા ખુલ્યા નહોતા. અચાનક મારી નજર બંધ દરવાજાને અડીને ઉભેલા મનુકાકા – ભાનુમાસી તરફ ગઈ. ભીડ ચીરીને હું એમની પાસે પહોંચી ગયો. પગે લાગીને એમનો હાથ પકડીને કહ્યું : તમે મારી સાથે ચાલો. બૅક સ્ટેજમાં લઈ જઇને એમની સાથે બે મિનિટ વાત કરી તો ખબર પડી કે તેઓ રોજ  ‘મુંબઈ સમાચાર’માં મારી ‘ગુડ મૉર્નિંગ’ કૉલમ વાંચતા અને ‘મિડ-ડે’માં જોડાયો છું એ પણ જાણે છે. હું એમને સ્ટેજ પરથી સાઇડના દરવાજે થઈને ઑડિટોરિયમમાં પહેલી હરોળમાં બેસાડી આવ્યો. મનુકાકાને મેં એ છેલ્લી વાર જોયા. 

એ ચોવીસ વર્ષના ગાળા દરમ્યાન ૧૯૯૬ની આસપાસ બનેલો એક પ્રસંગ કયારેય નહીં ભૂલું. એ બનાવનો હું સાક્ષી નથી પણ પપ્પા પાસે વારંવાર સાંભળ્યો છે. 

એઇટીઝના અંતમાં પપ્પાએ મનુકાકા સાથેની ભાગીદારી છોડીને સ્વતંત્ર કામ શરૂ કર્યું હતું. તે વખતે અમદાવાદ-વડોદરા વચ્ચે એક્સપ્રેસ વે નો પ્રોજેક્ટ બની રહ્યો હતો. એમાં વડોદરા પાસે છાણી નજીક એક રેલ ઓવર બ્રિજ બાંધવાનો હતો. નીચેથી રેલ્વે લાઇન જાય, ઉપરથી રસ્તો. બીજો એક આણંદ પાસે હતો. પપ્પાને  આ બે આરઓબી બનાવવાનો કોન્ટ્રાકટ રેલ્વેએ આપ્યો હતો. ૧૯૯૩માં ગલ્ફ વૉર દરમ્યાન સ્ટીલના ભાવ ગજબના વધી ગયા અને બ્રિજની ડિઝાઇન બનાવનારા કન્સલ્ટન્ટની ભૂલોને કારણે સ્ટીલની કવોન્ટિટી ખૂબ વધારે વપરાઈ. આ બંને કારણોને લીધે પપ્પાને આ પ્રોજેક્ટમાં ઘણી મોટી ખોટ આવી. નફો નુકસાનમાં પલટાઈ ગયો. મૂડી ધોવાઈ ગઈ એટલું જ નહીં દેવું થઈ ગયું. આર્બિટ્રેશન લાંબું ચાલ્યું પણ ઝાઝું કંઈ વળ્યું નહીં. ૧૯૯૬માં મોટો ભાઈ પરાગ એના ફેમિલી સાથે અમેરિકા સેટલ થયો. એ પણ એન્જિનિયર. અત્યાર સુધી ધંધામાં પપ્પાની સાથે હતો. પરાગના ગયા પછી પપ્પા એકલા પડી ગયા. હાથમાં કોઈ કામ હતું નહીં, મૂડી વિના નવો કૉન્ટ્રાકટ પણ કેવી રીતે લેવાય. વ્યાજના અને ઘરના ખર્ચા ચડ્યા કરતા હતા. 

એક દિવસ પપ્પા મનુકાકાને મળવા તાડદેવની એમની ઑફિસે ગયા. સરદારની પાઉંભાજીથી હાજી અલી તરફ જતાં વચ્ચે મિશિગનની ઑફિસ આવે. મનુભાઈને મળીને એ ઘરે પાછા આવવા નીકળી ગયા. એ જ વખતે શહેરની બીજી એક મોટી સિવિલ કન્સ્ટ્રકશનની કંપની— વિચારે ઍન્ડ કંપનીના માલિક મનુકાકાની ઑફિસે આવ્યા. નવી મુંબઈનો વિસ્તાર ઝડપથી વિકસતો જતો હતો. હાર્બર લાઇનમાં વાશી અને જુઇનગર વચ્ચે સાનપાડા સ્ટેશન પાસે એક મોટો  ફ્લાયઓવર આવી રહ્યો હતો. એનો કૉન્ટ્રાકટ વિચારે લેવા માગતા  હતા. પણ ફલાયઓવર બાંધવાનો કોઈ અનુભવ કે એકસપર્ટીઝ એમની પાસે નહીં એટલે મનુકાકાને આ કામમાં પાર્ટનર બનાવવાની ઑફર લઇને આવ્યા હતા. મનુકાકા પાસે બધી જ સગવડ હતી પણ એમણે વિચારેને કહ્યું કે મને અત્યારે અનુકૂળતા નથી, તમને જોઇએ તો એક મદદ કરી શકું. મારા એક્સપાર્ટનર અશ્વિનભાઈ શાહ તમને કામ લાગશે. વિચારે પપ્પાને ઓળખતા ખરા પણ ઝાઝો સંપર્ક નહીં. અશ્વિનભાઈ ક્યાં મળે? વિચારેએ પૂછ્યું. હમણાં જ બોલાવી આપું, કહીને મનુકાકાએ પ્યૂનને બોલાવીને કહ્યું કે તાબડતોડ નીચે જા અને અશ્વિનભાઇને બોલાવી લાવ. વિચારેએ કહ્યું કે પણ એ તો તમને મળીને પોતાના ઘરે જવા નીકળી ગયા —તમે જ તો કહ્યું. 

મનુકાકા બોલ્યા: અશ્વિનભાઈ પાસે હવે કાર નથી અને એમને હું જાણું છું —એ ટેક્સીમાં ઘરે નહીં જાય.બસ સ્ટૉપ પર ઊભા હશે. 

પ્યૂન બસ સ્ટૉપ પર જઇને પપ્પાને શોધી લાવ્યો. વિચારે સાથેની વર્કિંગ પાર્ટનરશિપમાં પપ્પાએ કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું નહોતું . વાટાઘાટના અંતે પપ્પાએ વિચારેને કહ્યું કે મારા ભાગે જે પૈસા આવશે એમાંથી દર મહિને મને ઉપાડ રૂપે અમુક રકમ આપો તો મારું ઘર ચાલે. સાનપાડાનું કામ પપ્પાને ખૂબ ફળ્યું. એમના જીવનનું એ છેલ્લું કામ. દસ વરસ પહેલાં પપ્પા ગુજરી ગયા. મનુકાકા પપ્પાના પાડોશી હતા, પાર્ટનર હતા અને… કોઈ વિશેષણ નથી જડતું પણ એ પણ હતા. 

પાંચ દાયકા કરતાં વધુ સમયથી મનુકાકા અને ભાનુમાસી બ્રીચ કેન્ડીના એ જ ઘરમાં રહે. સૌરીન વાલેકશ્વરમાં. મનુકાકા પહેલી મેએ રાત્રે જમીને હાથ ધોવા માટે ડાઇનિંગ ટેબલ પરથી ઉભા થવા ગયા અને ઢળી પડ્યા. કાર્ડિયાક અરેસ્ટ. ૯૩ વર્ષની ભવ્ય આવરદા ભોગવી. આ ઉંમરે પણ રોજ ઑફિસે જતા. સાઇટ પર પણ આંટો મારવાનો. 

‘ટાઇમ્સ’માં છપાયેલો મનુકાકાનો જે ફોટો છે એ જ મનુકાકા મારી સ્મૃતિમાં છે. બાળપણથી મોટા થયા સુધી એમનો આ જ ચહેરો મેં  જોયો છે. એમને જોઇને કોઇને પણ લાગે કે જિંદગીથી છલોછલ એવી આ વ્યક્તિ છે. તમામ તડકીછાંયડી જોયા પછી પોતાના ઘટાદાર વૃક્ષના છાંયામાં બીજાને આકરા તાપમાંથી વિશ્રામ અપાવતા વ્યક્તિત્વને નજીકથી ઓળખવાનો લહાવો બધાને નથી મળતો. આવી વ્યક્તિ પરલોક સિધાવે છે ત્યારે એમની સાથે સંકળાયેલી બધી જ યાદો ગળામાં ડૂમો બાઝીને ઉમટી પડે છે. એક તબક્કે આ ડૂમો ઓગળવા માંડે છે.આંખો દ્વારા ખળખળ વહેવા લાગે છે.

•••

13 COMMENTS

  1. Khub Saras,
    Manubhai ne rubru malya hoi
    Evu lage
    Jordar vyaktitva
    Saurabhbhai na jivan na nava
    Prushtho vanchva malya.

  2. સાહેબ, સૌ‌ પ્રથમ તો દિવ્યાત્મા દિવંગત મુ મનુભાઇને પ્રણામ સહ વંદના…‌ અને સાથે સાથે આપને ૧૦૦ સલામ… કેમ ? જે નજીકની દિવંગત વ્યક્તિએ પોતાના અંગત અને નજીકના સગાઓના જીવનમાં જે ઉતક્રૃષ્ટ ભાગ ભજવ્યો તેને સુંદર રીતે યાદ કરી શબ્દદેહે રજુ કરવા બદલ…..ઇષ્વર આપને સ્વસ્થ દિર્ઘાયુ બક્ષે તે પ્રાર્થના….

  3. ૐ શાંતિ શાંતિ શાંતિ:. હ્રદય માં થી નીકળતા શબ્દો વાળી લાગણી સભર સુરેખ વર્ણન કરતી શ્રધ્ધાંજલિ. મનુકાકા ને અમારા વંદન પ્રણામ. ઈશ્વર દિવંગત પવિત્ર આત્મા ને પરમ શાંતિ પ્રદાન કરે એવી પ્રાર્થના અને એમના પરિવાર ને આવી પડેલ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના. ?️??️??️??️

  4. વરસોથી તમારી કલમનો ચાહક રહ્યો છું.
    શ્રદ્ધાંજલિના બે શબ્દની જગ્યાએ સ્વ.મનુભાઈનું શબ્દરૂપે પૂરેપુરું જીવનચરિત્ર આલેખી દીધુ.
    સલામ છે.

  5. ઉમદા વ્યક્તિ ને ઉમદા શ્રદ્ધાંજલિ … ૐ શાંતિ

  6. શ્રી સૌરભભાઈ,
    ખૂબજ સરસ રીતે આપે આપના સ્વ.પિતાના ઉમદા મિત્ર એવા સ્વ.મનુભાઈને જે રીતે શબ્દો દ્વારા શ્રધ્ધાંજલિ અર્પણ કરી છે જે અવર્ણનીય છે.સામાન્ય રીતે માણસો બીજા એ કરેલા ઉપકારને ભૂલી જતા હોય છે, પરંતુ આપની અંદર રહેલા કૃતજ્ઞતાના ગુણ દ્વારા શ્રી મનુભાઈ વિશે વિવિધ જાણકારી તથા આપના વિશે પણ જાણવાનો અવસર મળ્યો.

  7. I our Deep condolences
    U hv picturised the way like whole thing comes as a picture we can imagine everything the struggle relations and how kind family relations u had
    Still u maintain in city like Mumbai at this time
    Wondering hats off to you all

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here