ટેન્શનનો રન વે

ગુડ મોર્નિંગ

સૌરભ શાહ

કશ્મીર સિરીઝનો બીજો અધ્યાય શરૂ કરતાં પહેલાં ઝાયકો બદલીએ. થોડાક નવા વિષયો હાથમાં લઈએ.

આજકાલ સ્ટ્રેસ અને માનસિક અશાંતિને દૂર ભગાવનારા ક્ધસલ્ટન્ટ્સ, મોટિવેશનલ સ્પીકર્સને, ઉપદેશકો, પ્રવચનકારો અને આપણા હિતેચ્છુ હોવાનો દેખાડો કરનારા ધંધાદારી સ્પિરિચ્યુઅલ દલાલો ગલીએ ગલીએ જોવા મળે છે. જે અકુદરતી છે એવી પરિસ્થિતિઓ, એવા સંબંધો, એવા આદર્શો અને એવા વિચારો પાછળ આપણને દોડાવવાથી આ બધા લોકોનો ધંધો ધમધોકાર ચાલે છે. આ બધા કૃતક ચિંતકો અને ઢોંગી વિચારકો વ્યવહારની કે વાસ્તવિકતાની ભૂમિ પર રહીને વિચારવાને બદલે અશક્ય એવા અથવા તો બિલકુલ બિનજરૂરી એવા બનાવટી આદર્શોની વાતો કરીને આપણને ભરમાવતા રહે છે, આપણને ખંખેરતા રહે છે. ‘માનસિક શાંતિની ખોજ’ આવી જ એક બનાવટી યાત્રા છે, આવો જ એક ભૂલભરેલો પ્રવાસ છે.

બે સવાલ છે: માણસ માટે શું કાયમની માનસિક શાંતિ શક્ય છે? અને બીજો સવાલ: માની લો કે શક્ય છે, તો શું એ જરૂરી છે? એટલે કે માનસિક શાંતિ કાયમની હોય એ જરૂરી છે?

ચાલો, તપાસીએ.

હદ બહારની માનસિક તંગદિલી જેમ હાનિકારક છે એમ કાયમની માનસિક શાંતિ પણ બિનજરૂરી છે. જીવનમાં ટેન્શન જરૂરી છે. જૂની ઉપમાને વઘાર કર્યા વિના સીધીસીધી વાપરીએ તો સિતારનો તાર ખૂબ તંગ કરવા જઈએ તો તૂટી જાય અને ઢીલો હોય તો સંગીત ન સર્જાય.

માણસ માટે માનસિક તંગદિલીનું-ટેન્શનનું-યોગ્ય પ્રમાણ કયું? પ્લેન ટેક ઑફ થતું હોય તો પાઈલટ ઠંડે કલેજે બેસી રહેતો નથી. એના દિમાગ પર ભયંકર ટેન્શન હોય છે. કોકપીટની ક્ધટ્રોલ પેનલ પર એની આંગળીઓ ડઝનબંધ જગ્યાઓએ સ્પર્શતી રહે છે. એનાં આંખ-કાન-જુબાન પણ ફુલ કૅપેસિટીથી કામ કરતાં રહે છે. પાઈલટ માટે આ ટેન્શન અનિવાર્ય છે. પીસ ઑફ માઈન્ડની ખોજમાં નીકળી પડેલો કોઈ લલ્લુ પાઈલટ આવું ટેન્શન લેવાની ના પાડી દે તો સેંકડો માણસોના જીવ જોખમમાં મુકાઈ જાય. વિમાનને એક ચોક્કસ ઊંચાઈએ પહોંચાડયા પછી ઑટો-પાઈલટ પર મૂકીને ચાલક ઘડી-બે ઘડી રિલેક્સ થઈ શકે, પણ ત્યાં સુધી માનસિક શાંતિથી એણે દૂર રહેવું પડે.

કેટલાક લોકો મેન્ટલ ટેન્શનને અને એકાગ્રતાને એકમેકના દુશ્મન માને છે. ખોટી વાત છે. મન પર તાણ હોવા છતાં માણસ પૂરેપૂરી એકાગ્રતાથી કામ કરી શકે છે. તમે પોતે પણ અનુભવ્યું હશે.

એક કરતાં વધુ વિષયોનું ટેન્શન હોય ત્યારે જે મુદ્દાને વધુ ઈમ્પોર્ટન્સ આપો તેના વિશે મન એકાગ્ર થઈ જતું હોય છે. મને સતત નાણાભીડ પજવ્યા કરે છે એવું કોઈ કહે કે પછી પત્ની સાથેના મારા તૂટતા જતા સંબંધોને લીધે હું ચોવીસે કલાક એ વિશે જ વિચાર્યા કરું છું એવું કોઈ કહે કે મારી નોકરી છૂટી જશે એ વિચારથી મને ઊંઘ નથી આવતી એવું કોઈ કહે ત્યારે સમજવાનું કે આ પર્ટિક્યુલર વિષય પર એનું મન એકાગ્ર થઈ ગયું છે. એની એકાગ્રતા કદાચ સાચી જગ્યાએ હોય એવું પણ બને. આને કારણે જ એને એ સમસ્યાનો ઉકેલ પણ મળી જાય. કદાચ કોઈ વખત એ એકાગ્રતા ખોટી જગ્યાએ જઈને ચોંટી છે એવું લાગે તો પણ એનું કોન્સન્ટ્રેશન તો પાકું છે એ વાત તો પુરવાર થઈ જ ગઈ. આવું ભાન થાય ત્યારે એ મુદ્દા પરથી ધ્યાન વિકેન્દ્રિત કરવાની પળોજણમાં પડવાને બદલે કોઈ લાર્જર હિતનું-વિશાળ ફલક પરના કામનું પોઝિટિવ ટેન્શન લઈ લેવાનું જેનું પ્રમાણ અગાઉના નેગેટિવ ટેન્શન કરતાં ઘણું વધારે હોય.

કાયમની માનસિક શાંતિ અશક્ય છે, બિનજરૂરી પણ છે. માનસિક અશાંતિ અને માનસિક અસ્વસ્થતા વચ્ચે ફરક છે. ટેન્શન સમયે પણ મન સ્વસ્થ રહી શકે છે. સંપૂર્ણ અને કાયમી માનસિક શાંતિ માણસને મંદ બનાવી દે. એને સુષુપ્તાવસ્થામાં ધકેલી દે. નિષ્ક્રિયતામાં સરી પડવાનું જોખમ ધરાવતી કાયમી માનસિક શાંતિથી બચવું જોઈએ. જ્યારે જ્યારે જીવનમાં માનસિક શાંતિનો ગાળો આવે ત્યારે એનો ઉપયોગ નવેસરથી ઊભા થનારા ટેન્શન માટેના રન વે તરીકે થવો જોઈએ.

આજનો વિચાર

મુંબઈ પર ઘેરાયેલાં વાદળોને જોતાં લાગે છે કે આજે બરફ પડવાની શક્યતા છે…

…ગ્લાસમાં.

એક મિનિટ!

બકો: કોઈ છોકરીની ઉંમર જાણવી હોય તો શું કરવાનું ખબર?

પકો: શું કરવાનું?

બકો: એને ‘આંટી’ કહીને બોલાવવાની તો એ તરત જ કહેશે: ઓ, હેલ્લો, આયમ જસ્ટ થર્ટી ટુ હં…!

14 COMMENTS

  1. Calculus says more variables create more problems.
    Make life and expectations simple and
    Life can go easy.
    No other person can solve your problems.

  2. નો ટેન્શન
    આજનો વિચાર
    ખૂબજ સરસ
    શાંતિ શાંતિ શાંતિ

  3. વાહ સૌરભભાઈ વાહ……સાહેબ ટેન્શન બાબતે આપના વિચારો સામાન્ય લોકોના વિચારો કરતા જરા હટકે છે, અને વાદળાં છે અને બરફ પડવાનો(ગ્લાસમાં) એ વાંચીને તો ખરેખર મજા આયવી સાહેબ

  4. કાયમી માનસિક શાંતિ જેમ બિનજરૂરી છે, તેમજ કાયમી માનસિક તણાવ પણ જોખમ કારક છે, ડિપ્રેશન તેનું પરિણામ છે. ટેન્શન ભરેલું જીવન કે જીવનમાં યોગ્ય ટેન્શન તે નક્કી કરવું જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here