ભણવું, ભણાવવું, અભ્યાસ અને સ્વાધ્યાય

લાઉડ માઉથ: સૌરભ શાહ

(‘સંદેશ’, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, બુધવાર, ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૯)

ડ્રાઈવિંગ સ્કૂલમાં શીખ્યા પછી આર.ટી.ઓ.માં લાયસન્સ લેવા જતાં તમે સૌએ પરીક્ષા આપી હશે. કેટલાક સવાલોના જવાબ પૂછવામાં આવ્યા હશે. સ્કૂટરવાળાઓ માટે આઠડો બનાવવાનું કહેવામાં આવ્યું હશે અને કારવાળાઓને રિવર્સમાં લઈને પાર્કિંગ કરવાનું કહેવામાં આવ્યું હશે. અમેરિકા અને બીજા કેટલાક દેશોમાં તો ડ્રાઇવિંગ લાયસન્સ માટેની પરીક્ષા એટલી અઘરી હોય છે કે ઘણી વખત છ-છ ટ્રાયલ આપવા પડે અને લાયસન્સ મળી ગયા પછી જિંદગીની કોઈ મોટી અચિવમેન્ટ સેલિબ્રેટ થતી હોય એમ પાર્ટી કરવામાં આવે.

ડ્રાઈવિંગની પરીક્ષા માટે તૈયરી કરતી વખતે આપણા મનમાં ક્યારેય એવું નથી હોતું કે આ બધી મહેનત માત્ર પરીક્ષા આપવા માટે થાય છે. ડ્રાઈવિંગ આપણે પરીક્ષા આપીને લાયસન્સ મેળવવા નથી શીખતા પણ આખી જિંદગી ગાડી ચલાવી શકીએ તે માટે શીખીએ છીએ. અલ્ટિમેટ હેતુ ગાડી ચલાવતાં આવડી જાય એ હોય છે, પરીક્ષા અને લાયસન્સ તો એક અનિવાર્ય ફૉર્માલિટી છે.

પરીક્ષાની સીઝન ચાલે છે એટલે ખાસ આ વાત યાદ આવી છે. આખું વરસ જે કંઈ ભણીએ છીએ તે શું કામ ભણીએ છીએ? માત્ર પરીક્ષામાં સારા માર્કે પાસ થઈ જવા? કે પછી કંઈક એવું શીખીએ જે ભવિષ્યની જિંદગીમાં કામ આવશે એના માટે?

પરીક્ષાઓ મહત્વની છે. ભણવાનાં વર્ષો દરમ્યાન જ નહીં, જિંદગીમાં દરેક તબક્કે કસોટીઓ આવતી રહેવાની. દરેક વખતે એમાં પાસ થઈએ જ એવું જરૂરી નથી, ક્યારેક ઉત્તીર્ણ ન પણ થવાય. જે મહત્વનું છે તે શીખવાનું છે. શીખેલું જ કામ આવવાનું છે. લાગવગ લગાડીને કે પછી બીજી કોઈ રીતે તમે પરીક્ષા પાસ કરીને લાયસન્સ લઈ પણ લીધું પરંતુ જો ગાડી ચલવતાં આવડતું જ ન હોય તો એ લાયસન્સ શું કામનું, એ ડિગ્રીઓ શું કામની?

ભણતરનો ભાર ઘણી વખત ભણાવનારાઓ વધારી દેતા હોય છે. કોચિંગ ક્‌લાસીસમાં શું કામ અમુક શીખવનારાઓના ક્‌લાસ ભરવા માટે લાઈન લાગતી હોય છે? કારણ કે એમને ભણાવતાં આવડતું હોય છે. તેઓ વેઠ ઉતારતા હોય એમ ભણાવતાં નથી. એમની પાસે એમના વિષયનું પૂરેપુરું જ્ઞાન હોય છે અને વિદ્યાર્થી સમજી શકે એવી હસતીરમતીહળવી શૈલીમાં એ જ્ઞાનનો પ્રસાર કરતાં એમને આવડતું હોય છે.

ભણાવાનો ભાર મા બાપ અને વડીલોની ઍટિટ્યુડને કારણે વધી જતો હોય છે. એસ.એસ.સી.ની પરીક્ષા આપનારી દીકરીની મમ્મીનું વજન વગર ડાયેટિંગે ઘટી જતું હોય છે. પરીક્ષા પહેલાં ઘરનું વાતાવરણ કૃત્રિમ રીતે તંગ બનાવી દેવામાં મમ્મીઓનો બહુ મોટો ફાળો હોય છે.

સંસ્કૃતમાં અભ્યાસ એટલે પ્રેક્ટિસ કે અમલમાં મૂકવું, અને આપણે જેને અભ્યાસ કે સ્ટડી કહીએ છીએ તેને સંસ્કૃતમાં સ્વાધ્યાય કહેવાય છે. સ્વ-અધ્યાય. જાતે ભણવું. જે વિદ્યાર્થીએ શિક્ષક પાસેથી શીખી લીધું છે તે જ સ્વાધ્યાય કરી શકે. આવડતું જ ન હોય તે વિદ્યાર્થી સ્વાધ્યાય ક્યાંથી કરી શકે? આખું વરસ ભણવાની કોઈ જરૂર નથી, પરીક્ષાના બે મહિના પહેલાં વાંચીને પાસ થઈ જવાશે એવી માનસિકતાવાળા વિદ્યાર્થીઓ જ્યારે ભણી લીધા પછી રિયલ વર્લ્ડમાં પ્રવેશે છે ત્યારે એમને આ મેન્ટાલિટી ભારે પડે છે.

શીખવું પડતું હોય છે. જીવનમાં દરેક તબક્કે શીખવું પડતું હોય છે. સ્કૂલ-કૉલેજ-યુનિવર્સિટી આપણને શીખવું કઈ રીતે- એની તાલીમ આપતી હોય છે. જો આ તાલીમ ઠીક રીતે લીધી હશે તો આખી જિંદગી કામ લાગશે, જીવનની દરેક કસોટી વખતે કામ લાગશે.

અભ્યાસક્રમ કરતાં પણ વધુ અગત્યની છે શીખવાની ક્રિયા. પાઠ્યપુસ્તકો કરતાં વધુ મુલ્યવાન છે એમાંની માહિતીને કારણે જાગૃત થતી વિદ્યાર્થીની ક્યુરિયોસિટી, નવું નવું જાણવાની અને શીખવાની તમન્ના. આ કૌતુક, આ વિસ્મય એને આખી જિંદગી ફ્રેશ રાખશે, કદીય વાસી નહીં થવા દે.

પણ આજના તથાકથિત શિક્ષણકારોને સેમિનારોમાં જઈ જઈને નેટવર્કિંગ કરવામંથી ફુરસદ નથી મળતી. વાટકીવ્યવહાર કરીને પરદેશના પ્રવાસોમાંથી જેઓ ઊંચા નથી આવતા એ શિક્ષણકારો આપણા શિક્ષણની તરાહ બદલી શકવાના નથી. શિક્ષકોને તૈયાર કરનારા શિક્ષણકારોની નવી પેઢી તૈયાર થઈ રહી છે. એમના માટે નવી પૉલિસી ઘડાઈ રહી છે. આગામી દસકામાં નવી દ્રષ્ટિવાળા શિક્ષણકારો આવશે એટલે શિક્ષકો તૈયાર કરવાની નીતિમાં પણ સુધરો થશે. આદર્શ શિક્ષકો પેદા થશે એટલે આદર્શ વિદ્યાર્થીઓ જન્મશે. ભારત ફરી એકવાર વિશ્વ આખામાં શિક્ષણનું કેન્દ્ર બને એ દિવસો દૂર નથી, ક્ષિતિજ પર તો દેખાઈ જ રહ્યા છે. ભારતીય શિક્ષણનો સુવર્ણયુગ પાછો આવશે ત્યારે એક અફસોસ આપણને જરૂર થવાનોઃ સાલા, થોડા મોડા જન્મ્યા હોત તો!

સાયલન્સ પ્લીઝ!

દુનિયામાં બદલાવ લાવવાનું સૌથી શક્તિશાળી શસ્ત્ર છે – શિક્ષણ.

_નેલ્સન મન્ડેલા

2 COMMENTS

  1. excellent!! Salu kharekhar lekh vachya pachi em Thai che Ke thoda late janamya hot toh kevu Saru!!!
    ????

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here