વિશ્વભરમાં ભારતીયોનો સોફ્ટ પાવર ઊભો કરવામાં ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી એક લાખ સંસ્થાઓમાંથી પરિવર્તનનો પવન ફૂંકાય તે જરૂરી છે: સૌરભ શાહ

ગુજરાતી સાહિત્ય પરિષદની ચૂંટણીને આ વખતે આટલું બધું મહત્ત્વ શું કામ મળી રહ્યું છે ? આ કંઈ લોકસભાની કે વિધાનસભાની ચૂંટણી નથી તો પછી આટલો બધો દેકારો શા માટે?

જવાબ આપતાં પહેલાં જાણી લેવું જોઈએ કે અન્ય દેશોની જેમ ભારતમાં પણ શિક્ષણ, કળા, સંસ્કૃતિ, સાહિત્ય, ફિલ્મ, નાટક, ઇતિહાસ જેવાં અનેક ક્ષેત્રોમાં નહીંનહીં તોય એક લાખ જેટલી સંસ્થાઓ હશે જે પોતપોતાના ક્ષેત્રમાં કામ કરી રહેલા લોકોને તાલીમ-માર્ગદર્શન આપવાનું કામ કરે છે, એમને પ્રોત્સાહન આપવાનું અને એમને રેકગ્નાઇઝ કરીને માન-સન્માન-અકરામ આપવાનું કામ કરે છે—અનેક ઠેકાણે એમને પાર્ટલી કે પૂરેપૂરી રીતે આર્થિક ટેકો, સ્કૉલરશિપ કે પગાર આપીને રોજીરોટીની ચિંતામાંથી મુક્ત કરે છે.

પોતાની રીતે દાતાઓ શોધીને ખર્ચાપાણી ચલાવતી સંસ્થાઓ ઉપરાંત સરકાર દ્વારા સ્થપાયેલી સંસ્થાઓ પણ આ બધાં ક્ષેત્રોમાં કાર્ય કરતી હોય છે જે નાટક, સાહિત્ય, સંસ્કૃતિ વગેરેને પ્રોત્સાહન આપવા બની હોય છે. આ ઉપરાંત સરકારે શિક્ષણ વગેરેની વ્યવસ્થા સુચારુરૂપે ચાલે તે માટે વિવિધ મિનિસ્ટરીમાં વિવિધ ડિપાર્ટમેન્ટ હેઠળ આવી સંસ્થાઓ ઊભી કરી હોય છે.

નેશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રિસર્ચ ઍન્ડ ટ્રેનિંગ (એન.સી.ઈ.આર.ટી.) કે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ હિસ્ટરોરિકલ રિસર્ચ (આઈ.સી.એચ.આર.) જેવી અનેક સંસ્થાઓ એના દાખલા છે. ફિલ્મ-નાટ્ય માટે દિલ્હીમાં નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામા (એન.એસ.ડી.) તથા પૂણેમાં ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (એફ.ટી.આઈ.આઈ.) છે. મીડિયાના નિયમન અને દેખરેખ માટે સરકારે રચેલી પ્રેસ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા અને ખાનગી ધોરણે ચાલતી એડિટર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયા જેવી સંસ્થાઓ પણ છે. દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો દ્વારા જે માહિતી અને મનોરંજન તૈયાર થાય છે તેના નિયમન માટે તથા સેન્સર બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (સીબીએફસી અથવા સેન્સર બોર્ડ) છે.

સરકારની આર્થિક મદદ વિના કે સરકાર તરફથી થોડીક આર્થિક મદદ લઈને કે પૂરેપૂરી સરકારી ખર્ચે ચાલતી સંસ્થાઓ ઘણી બધી છે. મુંબઈની એશિયાટિક સોસાયટી અને પુ.લ.દેશપાંડે નાટ્ય અકાદમીથી લઈને ફાર્બસ ગુજરાતી સભા જેવી સેકડો સંસ્થાઓ માત્ર આ એક જ શહેરમાં છે. મહારાષ્ટ્ર રાજ્યના અનેક શહેરો, જિલ્લાઓમાં કુલ મળીને આવી હજારો સંસ્થાઓ છે. ગુજરાતમાં ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમી છે. મલ્લિકા સારાભાઈની દર્પણ એકેડમી છે. ભાવનગર, સુરત, વડોદરા, જુનાગઢ, અમરેલી, મહુવા વગેરે અનેક શહેરોમાં આવી સંસ્થાઓ છે. ગુજરાતમાં પણ કુલ મળીને હજારો સંસ્થાઓ છે.

ભારતનાં 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગણવા જઈએ તો આવી એક લાખ કરતાં વધુ સંસ્થાઓ હશે. વળી આ બધી સંસ્થાઓના સંચાલકોના, કર્તાહર્તાઓના તથા કાર્યકર્તાના પ્રભાવને લીધે દેશની યુનિવર્સિટીઓ તથા શાળાઓ જ નહીં પણ પ્રોફેશનલ વ્યક્તિઓ માટે બનેલી સંસ્થાઓ પર પણ પ્રભાવ પડતો હોય છે. જેમ કે ડૉક્ટરો માટેનાં એસોસિએશન, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો, એન્જિનિયરોનાં સંગઠનો, ઇવન વેપારીઓ, બિઝનેસમેનોનાં સંગઠનો પર પણ સીધો કે આડકતરો પ્રભાવ પડતો હોય છે.

દેશનું પ્રગટ રાજકારણ લોકસભા, વિધાનસભા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, મ્યુનિસિપલ કોર્પોરેશન વગેરેની ચૂંટણી પર પ્રભાવ પાડે છે. અને આ લાખેક સંસ્થાઓમાં થતી ગતિવિધિઓ પ્રત્યક્ષ-અપ્રત્યક્ષપણે દેશના રાજકારણ પર પ્રભાવ પાડે છે. કેવી રીતે?

સમજીએ.

સુરજિત દાસગુપ્તા ભારતના એક જાણીતા પત્રકાર છે. હિન્દુસ્તાન સમાચાર, સ્ટેટ્સમેન, પાયોનિયર જેવા દૈનિકોમાં કામ કરી ચૂક્યા છે. પોતાની ઓળખાણ આપતાં તેઓ કહેતા હોય છે કે ન તો હું દુષ્ટ ડાબેરી છું ન ભોળો જમણેરી છું!

સુરજિત દાસગુપ્તાએ દસ દિવસ પહેલાં ડગ્લસ ક્રુગરની એક નાનકડી ક્લિપ ટવિટર પર મૂકી. ડગ્લસ ક્રુગર લેખક છે, ફેમસ પ્રવચનકાર છે ‘ઇઝ યૉર થિન્કિગ કીપિંગ યુ પુઅર: 50 વેઝ ધ રિચ થિન્ક ડિફરન્ટલી’ અને ‘હાઉ ટુ મેક યૉર પોઈન્ટ વિધાઉટ પાવર પોઈન્ટ: 50 વેઝ ટુ પ્રેઝન્ટ ઇફેક્ટિવલી’ અને ‘વિકેડ સ્માર્ટ: બ્રિલિયન્ટ વેઝ ટુ ડુ જસ્ટ અબાઉટ એવરીથિંગ બેટર’ એમનાં કેટલાંક જાણીતાં પુસ્તકો છે જે એમેઝોન પર ઉપલબ્ધ છે.

સુરજિત દાસગુપ્તાએ ડગ્લસ ક્રુગરના વીડિયોની જે ક્લિપ મૂકી છે તેમાં જે વાત કરવામાં આવી છે તે આપણા માટે નવી નથી, આપણે સમજીએ જ છીએ, પણ અહીં બહુ જ ઓછા શબ્દોમાં એકદમ સટીક રીતે ડગ્લસે મૂકી આપી છે. ડગ્લસ ક્રુગરે પોલેન્ડના નોબેલ પારિતોષિક વિજેતા કવિ અને અમેરિકામાં પોલેન્ડના રાજદૂત રહી ચૂકેલા ચેસ્લો મિલોફ ( Czelaw Miloz)ના 1953માં પ્રગટ થયેલા પુસ્તક ‘ધ કેપ્ટિવ માઇન્ડ’ના આધારે આ વાત કરી છે (પુસ્તક એમેઝોન પર મળે છે) બાય ધ વે, 1980માં આ કવિને નોબેલ મળ્યું ત્યારે હું જેમના હાથ નીચે સબ-એડિટર તરીકે કામ કરતો હતો તે ‘જન્મભૂમિ પ્રવાસી’ દૈનિકના તંત્રી કવિ હરીન્દ્ર દવેએ ચેસ્લો મિલોફની કવિતાઓના સુંદર અનુવાદ કર્યા હતા જે કવિ સુરેશ દલાલે તે સમયે ‘કવિતા’ દ્વૈમાસિકમાં પ્રગટ કર્યા હતા.

ડગ્લસ ક્રુગર કહે છે : “બંદૂકની એક પણ ગોળી છોડ્યા વિના તમારે એક આખી સંસ્કૃતિનો નાશ કરીને ક્રાંતિ કરવી હોય તો તે કેવી રીતે કરી શકાય? ધારો કે, મારે તમારા દેશની સંસ્કૃતિનો વિનાશ કરવો છે, દેશ પર લશ્કરી આક્રમણ કરીને નહીં, બૉમ્બ કે મિસાઈલ ફેંકીને નહીં, તમારા દેશની સરહદ તોડીને લશ્કર મોકલીને પણ નહીં. અત્યંત શાલીન અને શાતિર તરીકાથી આ કામ કરવું હોય તો કેવી રીતે થાય? મારે માત્ર એટલું જ કરવાનું કે તમારી સંસ્કૃતિ જેને કારણે મહાન ગણાય છે, તે જે પાયા પર ઊભી છે તે બધી બાબતો માટે, તમારી પ્રજા શરમ અનુભવતી થઈ જાય, ક્ષોભ અનુભવતી થઈ જાય એટલું જ મારે એ લોકોને શીખવાડવાનું છે. પછી મારે રાહ જોવાની છે.”

ડગ્લસ ક્રુગર કવિ ચેસ્લો મિલોફની વાત આ રીતે સમજાવે છે: “તમે ધારો તો એક આખા રાષ્ટ્રને લશ્કરની મદદ લીધા વિના હરાવી શકો. તમારે માત્ર પ્રજામાં હીન માનસિકતા ઊભી કરવાની —એમને જે સંસ્કૃતિ, જે પરંપરા, જે સંસ્કાર માટે ગૌરવ છેતેના માટે એમનામાં લઘુતાગ્રંથિનો ભાવ, નીચાજોણાની લાગણી ઊભાં કરવાનાં છે. 1953માં પોલિશ કવિ ચેસ્લો મિલોફે એક રિમાર્કેબલ પુસ્તક લખ્યું— ‘ધ કેપ્ટિવ માઈન્ડ’. એમણે ઈસ્ટર્ન યુરોપમાં વધતા જતા સોવિયત પ્રભાવનો અનુભવ કર્યો છે. આ સોવિયત પ્રભાવ કેવી રીતે પડ્યો તેની વાત કરતાં ચેસ્લો મિલોફે લખ્યું છે કે પૂર્વીય યુરોપના શહેરોમાં ટિપિકલ ટાઉનહૉલ મીટિંગો થતી હોય તેમાં કમ્યુનિસ્ટોના પ્રતિનિધિઓ આવતા અને સામાન્ય નાગરિકોને સંબોધીને પ્રવચનો કરતા. આ કમ્યુનિસ્ટોને માર્કસવાદી દલીલો કરવાની જબરજસ્ત તાલીમ આપવામાં આવેલી હોય. આ પ્રવચનકારો નિર્હેતુક નહોતા આવતા. તેઓ ચોક્કસ હેતુ, એજન્ડા સાથે આવતા. આ પ્રવચનકારો છાતી ઠોકીને ગજબના આત્મવિશ્વાસ સાથે સમજાવતા કે અહીં જે શ્રોતાઓ બેઠા છે એમની પરંપરા-સંસ્કૃતિ જૂનવાણી અને અત્યારના સમય માટે અપ્રસ્તુત છે, નકામી છે, એને ફેંકી દેવી જોઈએ, આવી સડેલી વિચારધારાનું આજના આધુનિક યુગમાં કોઈ સ્થાન નથી. આ પ્રવચનકારો શ્રોતાઓને એ પણ સમજાવતા કે અમારી (સામ્યવાદી) વિચારસરણી કેટલી પ્રગતિશીલ છે, લિબરલ છે, સમય સાથે કદમ મિલાવનારી છે અને આજના વૈજ્ઞાનિક યુગમાં આ ડાબેરી વિચારો જ ઉપયોગી છે જેનાં ઐતિહાસિક પ્રમાણો પણ છે.”

ડગ્લસ કહે છે : “શ્રોતાઓ આ બધી વાતો ચુમાઇને સાંભળી લેતા. શ્રોતાઓને મનોમન લાગતું કે આ ડાબેરી પ્રવચનકારોની વાતોમાં ક્યાંક કશુંક ખોટું છે, પ્રવચનકારોની દલીલોમાં જુઠ્ઠાણું છે, એમનો તર્ક બનાવટી છે. શ્રોતાઓ આ વાતો સાંભળીને તરત જ સભાન થઈ જતા કે અમારી પાસેથી આ લોકો અમારું કંઈક પ્રેશ્યસ છીનવી લઈ જઈ રહ્યા છે. પણ શ્રોતાઓ સમજી શકતા નહોતા કે આ પ્રવચનકારોની દલીલોનું ખંડન કેવી રીતે કરવું. આ શ્રોતાઓને પોતાને વારસામાં મળેલી સંસ્કૃતિના ફાયદાઓ શું છે એ વિશે ક્યારેય કોઈએ કહ્યું જ નહોતું, એટલે તેઓ પોતાના બચાવમાં યોગ્ય માહિતી ટાંકીને સચોટ દલીલ કરવા અસમર્થ હતા. તેઓ જે કંઈ દલીલ કરતા તે તદ્દન પાંગળી રહેતી, તે સાચી હોવા છતાં તેનો કોઈ પ્રભાવ પડતો નહીં.”

કવિ ચેસ્લો મિલોફની વાતને યાદ કરતાં ડગ્લસ છેલ્લે કહે છે : “સામેવાળાને પોતાના વશમાં લેવા તમારે પોતે એની સંસ્કૃતિને ધ્વસ્ત કરવા જવાનું નથી. તમારે એમને, એમના સંતાનોને, નવી પેઢીને (જેન ઝીને ) માત્ર એટલું જ સમજાવવાનું રહે છે કે આ જરીપુરાણી સંસ્કૃતિને ધ્વસ્ત કરવાની જરૂર છે. આટલું સમજાવીને વેઇટ ઍન્ડ વૉચ. તેઓ પોતે જ પોતાની સંસ્કૃતિ નષ્ટ કરી નાખશે. તમારી સંસ્કૃતિના પાયા જ ખોટા છે એવી દલીલ કરીને તમારા પુરાતન સંસ્કારો આધુનિક યુગ માટે હાનિકારક છે એવું કોઈ કહે તો શું તમે છાતી ઠોકીને, તર્કબદ્ધ પુરાવાઓ સાથે જવાબ આપી શકો એટલી સજ્જતા છે તમારામાં? તમારી ગેરહાજરીમાં તમારી નવી પેઢી સમક્ષ આ સવાલો મુકાય ત્યારે એમનામાં જવાબ આપવાની સજ્જતા, ક્ષમતા કેળવાય એવું વાતાવરણ આપ્યું છે તમે એમને? ”

અહીં ડગ્લસ ક્રુગરની નાનકડી ક્લિપનો અંત આવે છે. આપણી વાત શરૂ થાય છે.

અત્યારે ફ્રાન્સ, જર્મની, સ્પેન, ઇટલી કે બ્રિટનના અનેક શહેરોમાં, અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં જે કંઈ થઈ રહ્યું છે તેના માટે સૌ પ્રથમ વાંક તે તે દેશમાં રહેતા ડાબેરીઓનો છે —એમણે જ મુસ્લિમ દેશોના તોફાની તત્વોને આશ્રય આપવા માટે રાજકીય પક્ષો પર દબાણ કર્યું. ઘુસપેઠિયાઓનો વિરોધ કરવાને બદલે તેમને રક્ષણ આપવા માટે સરકાર પર દબાણ કર્યું. ભારતમાં ડાબેરીઓ આ જ પ્રકારની સ્થિતિ પેદા કરવા માગે છે. આ ડાબેરીઓએ ઑલરેડી પોતાની ઇકો સિસ્ટમ દ્વારા ભારતની યુવા પેઢીને, જેન ઝીને ભરમાવાનું શરૂ કરી દીધું છે —તમારી દિવાળી પર ફટાકડા ફોડીને તમે પ્રદૂષણ ફેલાવો છો, હોળી પર પાણીનો બગાડ કરો છો, મકરસંક્રાંતિના દિવસે પક્ષીઓને હેરાન કરો છો. નવરાત્રિને હવે ટાર્ગેટ કરવામાં આવી રહી છે. ડાબેરીઓએ હનુમાનજી અને ગણેશજીની ભદ્દી મજાકો કરી છે. મા સરસ્વતી અને માતા સીતાનાં અભદ્ર ઉલ્લેખો કર્યાં છે , અશ્લીલ ચિત્રો બનાવ્યાં છે. સ્ટેન્ડ અપ કોમેડિયનો અને સ્ટેન્ડ અપ મોટિવેશનલ સ્પીકરો દ્વારા આવી હરકતોને પ્રોત્સાહન આપવામાં આવે છે. આપણા તહેવારો અને આપણી પરંપરા સાથે જોડાયેલી માન્યતાઓને અંધશ્રદ્ધા કહેવામાં આવે છે. સંસ્કૃત ભાષાના શુદ્ધ ઉચ્ચારોને અભડાવવાના પ્રયાસો કરવામાં આવે છે. જોડણી સહેલી બનાવવાના ઓઠા હેઠળ એક ‘ઇ’ અને એક ‘ઉ’ના જંગલી નિયમોને પ્રોત્સાહન આપવાના રાક્ષસી પ્રયોગો પણ થયા.

ભારતને આઝાદી મળી તે પહેલાં અંગ્રેજોએ આપણી સંસ્કૃતિ માટે આપણને ગૌરવ ન થાય, આપણને શરમ આવે એવી શિક્ષણપ્રથા દાખલ કરી. ગુરુકુળોના આ દેશમાં મૅકોલેની શિક્ષણ વ્યવસ્થા આવી. આ શિક્ષણ લેનારા વિદ્યાર્થીઓ મોટા થઈને જે જે ક્ષેત્રોમાં ગયા— આર્ટ્સથી માંડીને મેડિકલ-એન્જિનિયરિંગ વગેરે— ત્યાં એમણે સભાન કે અભાનપણે આ જ શિક્ષણ દ્વારા પ્રાપ્ત કરેલી વિચારધારા દાખલ કરી.

અંગ્રેજો ગયા અને નહેરુ જેવા કાળા અંગ્રેજોના હાથમાં શાસન આવ્યું, જેમણે પ્રથમ શિક્ષણ પ્રધાન મૌલાના અબુલ કલામ આઝાદ જેવા કટ્ટર મુસ્લિમવાદીને બનાવ્યા. નહેરુ પોતે પોતાના પર લાગતા કમ્યુનિસ્ટના લેબલથી ડરતા એટલે પોતાને સોશ્યલિસ્ટ ગણાવતા, સમાજવાદી ગણાવતા. (સમાજવાદી જનતા પાર્ટી તરીકે ઓળખાતી મુલાયમ સિંહ અખિલેશ યાદવની ગુંડા ટોળકીએ યોગીરાજ પહેલાં અતિક અહમદ જેવા અનેક ગુંડા સરદારો સાથે મળીને યુપીની શું હાલત કરી હતી તે તમને ખબર છે. )

નહેરુ માત્ર કમ્યુનિસ્ટ હોવાના લેબલથી આઘા રહેતા બાકી કમ્યુનિસ્ટ સોવિયત રશિયા સાથે એમનો ઘરોબો હતો. એક જમાનામાં નહેરુ-સોવિયત પુરસ્કાર મેળવવા બૌદ્ધિકો પડાપડી કરતા. નહેરુનાં પુત્રીએ આ વારસો જાળવ્યો અને કમ્યુનિસ્ટોને મોકળું મેદાન આપ્યું.

કમ્યુનિસ્ટ, માર્કસિસ્ટ, સોશ્યલિસ્ટ, માઓવાદી, નકસલવાદી, ડાબેરી, વામપંથી આ બધાનાં લેબલ જુદા પણ અંતે તો આ બધાંય કાકા-બાપાનાં પોરિયાં. માત્ર નામરૂપ જૂજવાં, અંતે તો કથીરનું કથીર હોયે.

મુંબઈમાં 1943માં ‘ઇપ્ટા’ શરૂ થઈ. ઇન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિએશન, જે હજુ ચાલે છે. એનાં મૂળ પ્રોગ્રેસિવ રાઇટર્સ એસોસિએશન (1936)માં હતાં. ડાબેરીઓ પ્રોગ્રેસિવ, લિબરલ વગેરે વિશેષણો વાપરવામાં ઉસ્તાદ હોય છે. જો તમારે પ્રોગ્રેસિવમાં, પ્રગતિવાદીમાં ગણાવું હોય તો એમની સાથે જોડાવું પડે અન્યથા તમે જુનવાણી છો, સંકુચિત છો, લિબરલ નથી.

ક્રમશઃ આ સંક્રામક રોગ એન.એસ.ડી., દિલ્હીની સાહિત્ય અકાદમી જેવી અનેક સંસ્થાઓમાં પ્રસરતો ગયો. દરેક જગ્યાએ ભારતીય સંસ્કૃતિનું અપમાન કરતા ડાબેરીઓનું વર્ચસ્વ વધવા લાગ્યું. આપણે ત્યાંના ડાબેરીઓ રશિયાથી પૂર્વીય યુરોપના દેશોમાં પ્રવચનો કરવા આવનારા સામ્યવાદીઓ કરતાં વધારે શાણા, વધારે શાતિર હતા. તેઓ પોતાનું નામ સીતારામ રાખે પણ ભારતની સંસ્કૃતિની ઘોર ખોદે. મોઢામાં અલ્લાનું નામ હોય, પણ બગલમાં બકરાને કાપવાનો છુરો હોય. દેખાડા ખાતર ભારતની મહાન સંસ્કૃતિની વાતો કરે, રામાયણ-મહાભારતની વાતો કરે પણ એ જ ઇતિહાસનાં પાત્રોની બનાવટી કથાઓ રચીને એકલવ્ય, કર્ણ, જટાયુથી લઈને સૈરંધ્રીની કવિતાઓ કરે,નાટકો-ફિલ્મો કરે. નવી પેઢીમાં એક ચોક્કસ એજન્ડાનું બીજ રોપી દે. તમારી પોતાની સંસ્કૃતિ માટે તમારામાં હીનભાવ પેદા કરે. તમારામાં લઘુતાગ્રંથી ઊભી કરે. તમે ગમે એટલા ટેલેન્ટેડ હો છતાં જ્યાં સુધી તમે એમના પાલામાં ન બેસો ત્યાં સુધી ન તો તમને કોઈ રેકગ્નિશન મળે, ન મદદ, ન માનસન્માન. ઉલટાનું તમારા માર્ગમાં અવરોધો-અડચણો ઊભી કરે. તમારે એમને બાપા કહીને સ્વીકારવા પડે, એમની તાકાત અને વગ આગળ ઝૂકી જઈને તમારું અસ્તિત્વ જાળવવું પડે અન્યથા તમે ફેંકાઈ જાઓ.

છેલ્લા 60-70 વર્ષમાં મીડિયા, સાહિત્ય, ફિલ્મ-નાટક જ નહીં, શિક્ષણ અને ઇતિહાસથી લઈને કોર્પોરેટ ક્ષેત્રોમાં આ સડો વ્યાપી ગયો. ક્યારેક તમને થતું હશે કે ભલે પેલો માણસ લેફ્ટિસ્ટ હોય પણ કામ તો સારું કરે છે—તો એનું કારણ એ કે એ જો એ ડાબેરીઓની ગેંગના લોકોમાં ન ભળ્યો હોત તો એને કામ કરવાની કોઈ તક મળી જ ન હોત. ફેકાઈ ગયો હોત પોતાના ક્ષેત્રમાંથી. અને આમ છતાં ટકી ગયો હોત તો એને કોઈ પોંખનારું ન હોત કારણ કે ડાબેરીઓ પોતાની ઇકોસિસ્ટમની બહારના લોકોને ક્યારેય રેકગ્નિશન નહીં આપે, માનકરામથી દૂર રાખશે.

સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ વડાપ્રધાન ન બન્યા તેનું સૌથી મોટું નુકસાન દેશને એ થયું કે ભારતને પ્રથમ શિક્ષણ પ્રધાન તરીકે કનૈયાલાલ મુન્શીના મળ્યા. આજે વિધિની વક્રતા તો જુઓ-ભારતની સંસ્કૃતિના ગૌરવ માટે મુન્શીએ જે સંસ્થા સ્થાપી અને ઉછેરી તે ભારતીય વિદ્યાભવન નામની ગૌરવવંતો વારસો ધરાવતી સંસ્થા પર ડાબેરીઓનું વર્ચસ્વ છે!

2014 પછી એનએસડી, એફટીઆઈઆઈ અને સેન્સર બોર્ડ જેવી સંસ્થાઓમાં ધીમું પણ ચોક્કસ પરિવર્તન આવી રહ્યું છે જેની કયારેક ઝાંખીપાંખી તો ક્યારેક પ્રચંડ અને પ્રભાવશાળી અસર આપણા સુધી પહોંચતી દેખાય છે. ગુજરાતી સાહિત્ય પરિષદ પણ ભારતની એક લાખ જેટલી ગૌરવવંતી સંસ્થાઓમાંની એક છે જેના ભવ્ય વારસા પર ડાબેરીઓએ લાલ રંગનો કૂચડો ફેરવી દીધો છે. સામ્યવાદી વિચારધારા ધરાવતા અને કોંગ્રેસના મતદાર હોવામાં ગૌરવ અનુભવતા આ ‘લિબરલ અને પ્રોગ્રેસિવ’ લોકોએ દાયકાઓથી સાહિત્ય જગતને અને ફિલ્મ તથા નાટ્ય જગતને તેમ જ અનેક અન્ય બિનરાજકીય ક્ષેત્રોને રાજકારણનો અખાડો બનાવી દીધો છે.

સામ્યવાદી વિચારધારા દ્વારા ભારતના ગૌરવને હણીને આપણા સમૃદ્ધ વારસાને બદનામ કરી સમાજમાં અંધાધૂંધી ફેલાવવા માગતા બદમાશો જ્યારે ગુજરાતી સાહિત્ય પરિષદની ચૂંટણીમાં ‘પરિવર્તન મંચ’ને ફુલ્લી ઍક્ટિવ થયેલો જુએ છે ત્યારે એમના પેટમાં, એમના આકાઓના પેટમાં અને એમના ચેલાચપાટાઓના પેટમાં તેલ રેડાય છે. પરિવર્તન મંચની જ્વલંત સફળતા વિશે હવે જ્યારે કોઈ આશંકા રહી નથી ત્યારે વરસોથી પરિષદના કારભાર પર ચપ્પટ બેસી ગયેલા ડાબેરીઓને અને લિબ્રાન્ડુઓને ડરામણાં સપનાં આવતાં થઈ ગયાં છે કે ગોવર્ધન ભવનની કમ્પાઉન્ડ વૉલ પર પોતે ફેરવી દીધેલો લાલ રંગ હવે ધોવાઈ જશે, દીવાલ ભગવા રંગે રંગાઈ જશે અને પરિષદ હવે સંઘ તથા ભાજપના રાજકારણનો અડ્ડો બની જશે.

સાહિત્યના લાભાર્થે સ્થપાયેલી સંસ્થા કોઈ પણ સાહિત્યેતર કાર્ય ન કરે અને ડાબેરીઓ દ્વારા તથા કોંગ્રેસીઓ દ્વારા સર્જાયેલો સડો દૂર થાય એવો એક માત્ર આશય પરિવર્તન મંચનો છે. ભારતમાં આવી લાખેક સંસ્થાઓ છે. આ દરેકમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે. અમુક સંસ્થાઓમાં આજે નહીં તો કાલે ફૂંકાશે. 26 નવેમ્બર 1804ના રોજ જેની સ્થાપના થઈ તે ભારતની સૌથી જૂની સાંસ્કૃતિક સંસ્થાઓમાંની એક એવી મુંબઈના અભિમાનસમી એશિયાટિક સોસાયટી લાયબ્રેરીમાં હવે કુમાર કેતકર જેવા જાણીતા સેક્યુલરોનું વર્ચસ્વ ઘટી રહ્યું છે અને નવા રાષ્ટ્રવાદી પ્રમુખ વિનય સહસ્ત્રબુદ્ધેના આગમન પછી ભારતીય સંસ્કૃતિનું સન્માન કરવાવાળાઓનો પ્રભાવ વધી રહ્યો છે.

ભારતનું રાજકારણ દેશને સમગ્ર દુનિયામાં સૌથી પાવરફૂલ બનાવશે. ભારતની જે લાખેક બિનરાજકીય સંસ્થાઓ છે તે ભારતના સોફ્ટ પાવરને આંતરરાષ્ટ્રીય નકશામાં સ્થાન અપાવશે. આ બેઉ પ્રકારની તાકાત સાથે હશે તો જ ભારત વિશ્વગુરુ બનશે. ગુજરાતી સાહિત્ય પરિષદ 1905માં સ્થપાયેલી આવી જ એક ગૌરવશાળી સંસ્થા છે જેના પ્રથમ પ્રમુખ ‘સરસ્વતીચંદ્ર’ના મહાન નવલકથાકાર ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી હતા. પરિષદની ત્રિવાર્ષિક ચૂંટણી આ વખતે શા માટે આટલી ચર્ચામાં છે તેનો ખ્યાલ આવ્યો તમને?

સરસ.

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID :
saurabhshvin@ybl
hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here