‘ન્યુઝપ્રેમી’ના રસોડામાં-ભાગ બીજો: સૌરભ શાહ

(ન્યુઝપ્રેમી ડૉટ કૉમઃ ગુરુવાર, 20 ઑગસ્ટ 2020)

(કટિંગ ચાય સિરીઝઃ છઠ્ઠી પ્યાલી + પાર્લે-જી)

મારી પાસેનાં પુસ્તકોની સંખ્યા કેટલી છે એવું મેં ક્યારેય ગણ્યું નથી, ક્યારેય અંદાજ પણ નથી લગાવ્યો. આ પુસ્તકો પાછળ મેં કેટલો ખર્ચ કર્યો છે એની પણ ખબર નથી. દસ-અગિયાર વર્ષ પહેલાં અમદાવાદ છોડીને પાછો મુંબઈ આવી રહ્યો હતો ત્યારે મૂવર્સ એન્ડ પેકર્સવાળાઓએ પુસ્તકોનાં કાર્ટનો ગણીને-જોખીને બે ટન કરતાં વધુ છે એવું મને કહ્યું હતું. આ દસકામાં જે પુસ્તકો ઉમેરાયાં તે કેટલા હશે એ ભગવાન જાણે. દસ વર્ષથી એક જ જગ્યામાં રહું છું. બીજે ક્યાંય શિફ્ટ થવાની જરૂર નથી, ઇચ્છા તો બિલકુલ નથી. આમ છતાં જો જવું પડ્યું તો ત્યારની વાત ત્યારે. એ વખતે મૂવર્સ એન્ડ પેકર્સવાળા કેટલું વજન કહે છે તે સાચું.

સાચું કહો તો તમારી પાસે કેટલાં પુસ્તકો છે એની સંખ્યા કોઈ દિવસ ગણવાની જ ન હોય. એ પુસ્તકોમાંથી તમે શું પામ્યા છો, પામી રહ્યા છો, પામવાના છો—તે અગત્યનું છે. જે જમાનામાં બોરીવલીમાં મારો સ્ટડીરૂમ હતો ત્યારે કોઇ વાચક ભોળાભાવે મને પૂછી બેસતા કે આ બધાં જ પુસ્તકો તમે વાંચ્યાં છે? શું તમે આમાંથી જોઈ જોઈને તમારી કૉલમો લખો છો?

પ્રકાશકો તરફથી ભેટ આવતાં પુસ્તકો મેં વર્ષોથી બંધ કરાવી દીધાં છે. મને જરૂર હશે ત્યારે હું ખરીદીને તમારી પાસેથી લઈશ-એવું કહી દીધું બધાને. મારા પોતાના પ્રકાશકોને પણ સૂચના આપી દીધી કે તમારે ત્યાં પ્રગટ થતાં પુસ્તકોની યાદી કે સૂચિ મને જરૂર મોકલજો પણ એની રિવ્યૂ નકલ કે ભેટ નકલ મોકલશો નહીં. મેં ખરીદીને મગાવ્યાં ન હોય પણ કોઈ ઉત્સાહી નવોદિતે સામેથી પોતે લખેલાં પુસ્તકો મોકલ્યાં હોય એ રેપર ખોલ્યા વિના સીધા જ પસ્તીમાં જતાં હોય છે. મારો સમય, મારી એનર્જી ક્યાંય વેડફાય નહીં એટલી કાળજી રાખું તો જ હું એકાગ્રતાપૂર્વક આટલું બધું અને આ કક્ષાનું કામ કરી શકું.

મને ખૂબ ગમતા લેખકોને હું વારંવાર વાંચતો રહું છું.

મારી પાસે અનેક રેફરન્સ બુક્સ છે. એમાંની ભાગ્યે જ કોઈ માહિતી તમને વિકીપીડિયા પર કે ગૂગલમાં મળે. વિવિધ વિષયોની આ રેફરન્સ બુક્સમાંથી જ્યારે જરૂર પડે ત્યારે ટકોરાબંધ માહિતી મને મળી જતી હોય છે. દાખલા તરીકે ‘ગાંધીજીનો અક્ષરદેહ’. એના 100થી વધુ વૉલ્યુમ્સ મારી કને છે. પાછળનાં ગ્રંથો અંગ્રેજીમાં જ છે, હજુ ગુજરાતીમાં ટ્રાન્સલેટ નથી થયાં. આ બધાં જ વૉલ્યુમ્સ વેલ થમ્બ્ડ છે, વપરાઈ-વપરાઈને એનાં પાનાંઓની કિનારી ઘસાઈ ગઈ છે, ઠેકઠેકાણે અંડરલાઇનો, હાઇલાઇટ્સ જોવા મળશે, માર્કિંગ અને પોસ્ટ-ઇટના ફ્લેગ જોવા મળશે. આ ગ્રંથોની સીડી બહાર પડી ત્યારે એટલી ભૂલોવાળી હતી કે બજારમાંથી એને પાછી ખેંચીને નષ્ટ કરવી પડી, એ પછી હવે નવેસરથી રિલીઝ થઈ છે કદાચ, પણ મારા માટે આ ગ્રંથો રિફર કરવા ઘણા આસાન છે કારણ કે એના પાને પાનને હું પિછાણું છું. આ જ રીતે ભગવદ્ ગોમંડળ કોશના નવ વૉલ્યુમ્સ જે હવે ઑનલાઇન મફતમાં રિફર કરી શકાય છે. પણ હું આ વોલ્યુમ્સમાંથી વધુ ઝડપથી જોઇતી માહિતી મેળવી શકું છું. આ ઉપરાંત ભારતના ઇતિહાસને લગતા, હિન્દુ-ઇસ્લામ-ઇસાઈ-બૌદ્ધ-જૈન-શિખ ધર્મોને લગતાં ખૂબ પુસ્તકો છે, મારે જ્યારે રિફર કરવાં હોય ત્યારે તે હાથવગાં રહે છે. ડિક્શનરીઓ ખૂબ છે. અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, મરાઠી, સંસ્કૃત, ઉર્દૂ- છ ભાષાની અલગ અલગ અનેક પ્રકારની ડિક્શનરીઓ છે. મારી પાસેના આ શબ્દકોશો વિશે એક વખત મેં ખૂબ લાંબો લેખ લખ્યો હતો. મારા કોઇક પુસ્તકમાં છે.

મારું જે કંઈ ઇન્વેસ્ટમેન્ટ છે તે માત્ર આ પુસ્તકોમાં છે, બીજે ક્યાંય નથી.

અંગ્રેજી-હિન્દી-ગુજરાતી-મરાઠી નવલકથાઓ-નાટકોનો ભંડાર છે. મને ખૂબ ગમતા લેખકોને હું વારંવાર વાંચતો રહું છું. ચાર્લ્સ ડિકન્સથી માંડીને વીનેશ અંતાણી સુધીના લેખકોની એકની એક નવલકથા મેં એકથી વધુ વાર વાંચી છે, માણી છે. એરિક સેગલ, જેફ્રી આર્ચર, સ્ટીફન કિંગ, જ્હોન ગ્રિશમ, ગેબ્રિયલ ગાર્સિયા – પ્યોર લિટરેચરથી માંડીને પલ્પ સાહિત્ય સુધીના અનેક લેખકોનો પ્રશંસક છું. એક બાજુ આઈન રેન્ડ તો બીજે છેડે અગાથા ક્રિસ્ટી—બેઉ લેખિકાનાં પુસ્તકોનો સંપૂર્ણ સેટ મારી પાસે છે. મહાદેવ દેસાઈ અને કાકા કાલેલકરથી માંડીને વીર સાવરકર સુધીના મહાપુરુષોના સમગ્ર સાહિત્યની ગ્રંથાવલિઓ છે. અલગ અલગ જાતનાં મહાભારત-રામાયણ તથા વેદઉપનિષદો તથા એના પરની ટીકા ટિપ્પણીનાં સંખ્યાબંધ પુસ્તકો છે. કેલ્વિન ઍન્ડ હોબ્સની કાર્ટૂન પટ્ટીઓનાં તમામ ગ્રંથો છે અને ટિનટિન તથા એસ્ટ્રિક્સની કૉમિક બુક્સના ફુલ સેટ લેવાની તૈયારીમાં છું.

પણ મને જોઈએ એવા હાર્ડ બાઉન્ડ-કાચા પૂંઠાવાળાં નહીં- સેટ કોરોનાને લીધે ઇમ્પોર્ટ કરવામાં દેરી થવાની છે. ભલે, દેર આયે દુરસ્ત આયે. આ તો માત્ર દસેક ટકા પુસ્તકોની વાત થઈ.

પુસ્તકો વાંચવાનું નાનપણથી જ ગમે છે. પુસ્તકોવાળા ઘરમાં રહેવા મળે છે એ મારું ઘણું મોટું નસીબ છે. મારું જે કંઈ ઇન્વેસ્ટમેન્ટ છે તે માત્ર આ પુસ્તકોમાં છે, બીજે ક્યાંય નથી. નૉર્મલી ડહાપણ એને કહેવાય કે તમે એવી ચીજોમાં ઇન્વેસ્ટ કરો જેની મૂલ્યવૃદ્ધિ થતી હોય. આ પુસ્તકો વેચવા જઉં તો કિલોનો ભાવ આવે. મૂલ્યવૃદ્ધિની વાત તો જવા દો, પુસ્તકોની જાળવણી પાછળ મારે ખાસ્સાં એવાં સમય-શક્તિ નાણાં ખર્ચવાં પડે છે. પણ એનો મને કોઈ વાંધો નથી, ફરિયાદ નથી. કારણ કે આ જ તો મારો પ્રાણવાયુ છે.

લખવાની જેમ વાંચવાનું પણ બે પ્રકારનું હોય છે.

તો શું તમે આ પુસ્તકોમાંથી ઉતારા કરી કરીને લખો છો? મહર્ષિ વેદ વ્યાસે કયા પુસ્તકના ઉતારા કરીને ‘મહાભારત’ લખ્યું? વાલ્મીકિએ ‘રામાયણ’ની રચના માટે ક્યાંથી તફડંચી કરી? શેક્સપિયર, ચાર્લ્સ ડિકન્સ, નર્મદ, ધૂમકેતુ, ઉમાશંકર, ચંદ્રકાંત બક્ષી ( આજે એમની વર્ષગાંઠ. 1932ની 20મી ઑગસ્ટે એમનો જન્મ. વંદન. ) રમેશ પારેખ, લાભશંકર ઠાકર, ધ્રુવ ભટ્ટ, અશ્વિની ભટ્ટ, હરકિસન મેહતા, વીનેશ અંતાણી, રઘુવીર ચૌધરી, મનુભાઈ પંચોળી—હજુ આવાં બીજાં સેંકડો નામો તમને ગણાવું. શું આ બધાએ બીજાં પુસ્તકો વાંચી વાંચીને એમાંથી ઉતારા કર્યા? તો પછી એમની જેમ હું પણ મૌલિક લેખક છું એવી તમને કેમ સમજ નથી પડતી? આવી જીભાજોડી હું કંઈ સામાન્ય વાચકો સાથે ક્યારેય નથી કરતો કારણ કે તેઓ સાવ નિર્દોષ અને ભોળા હોય છે. પાઠ્યપુસ્તકની સાથે ગાઈડ ગોખીને કરેલા ભણતર પછી એમની પ્રજ્ઞા કુંઠિત થઈ ગયેલી હોય છે. કદાચ એવું પણ હોય કે એમની આસપાસ એમણે અનેક ઉઠાંતરિયા લેખકોને જોયા હોય, ભલું પૂછવું તો તેઓ પોતે જ ઉઠાંતરી કરીને લેખક/લેખિકા બની જવા માગતા હોય. કોને ખબર.

મારો એક લેખ સામાન્ય રીતે હજાર-બારસો શબ્દનો હોય છે. એને લખવાની ફિઝિકલ પ્રોસેસ લગભગ કલાક સુધી અખંડ, એકધારી ચાલતી હોય છે. પણ મોટાભાગના લેખો લખતાં પહેલાં કલાકો સુધી મગજમાં ગડમથલ ચાલતી હોય છે. કેટલીક વાર દિવસો સુધી એના મુદ્દા મગજમાં ચકરાવા લેતા હોય છે. ક્યારેક એક જ લેખ માટે લેખથી પણ લાંબી એવી નોટ્સનો ઢગલો થતો હોય છે.અમુક પ્રકારના લેખો પૂરતા રેફરન્સ વિના નથી લખાતા. અધકચરું કે કાચુંપાકું ન લખાઈ જાય એ માટે આધારભૂત માહિતી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એ લેખો રસોડાની બહાર નથી નીકળતા, તમારા ડાઇનિંગ ટેબલ પર નથી પીરસાતા. કેટલાક લેખો માટે જાણકારો સાથે લાંબી વાતચીત કરીને મુદ્દાની સ્પષ્ટતાઓ કરવી જરૂરી બનતી હોય છે. દર વખતે એ કાર્ય ફોન પર શક્ય નથી હોતું. આપણા પુરાણો વિશેની મારા મનની ગૂંચવણો દૂર કરવા હું ટ્રેન પકડીને મુંબઈથી મોડી રાત્રે સાણંદ પહોંચ્યો અને રાત ગેસ્ટ હાઉસમાં રોકાઈને વહેલી સવારે પેટલાદના પાદરે આવેલા દંતાલીમાં સ્વામી સચ્ચિદાનંદના આશ્રમે ગયો હતો. બે દિવસ રહીને મારી બધી જ મૂંઝવણો વિશે સ્પષ્ટ થઈ ગયા પછી ચારેક હપ્તાની સિરીઝ મેં મારી કૉલમમાં લખી હતી.

કાગળ પર લખું છું. બે સારાં લેપટોપ ઘરમાં છે પણ લખવાનું કામ માત્ર કાગળ પર. મૂડ હોય ત્યારે ફાઉન્ટન પેનથી. મૂડ બદલાય ત્યારે પેન્સિલથી.

લખવા-વાંચવામાં મારો આખો દિવસ વ્યતીત થતો હોય છે. મારો સ્ટડીરૂમ મને ખૂબ પ્યારો છે. મારી ડેસ્ક મારું વિશ્વ છે. લખવા માટે ખંડાલા, પંચગીની કે માથેરાન-મહાબળેશ્વર ઉપડી જવાની મારે જરૂર નથી હોતી. મારો સ્ટડી રૂમ જ મારું હિલ સ્ટેશન છે.

મારું લખવાનું બે પ્રકારે થાય છે. એક, જે આજે ને આજે જ કે આવતી કાલે કે પછી બેચારછ દિવસમાં તમારા સુધી પહોંચવાનું હોય છે તે. બીજું, જે ચાર છ મહિને કે પછી વર્ષે-બે વર્ષે તમારા સુધી પહોંચી શકે છે તે— નવલકથાનાં પ્રકરણો હોય કે પછી બુક પ્રોજેક્ટ હોય.

લખવાની જેમ વાંચવાનું પણ બે પ્રકારનું હોય છે. એક, જે મારાં લખાણોમાં રેફરન્સ તરીકે ઉપકારક થાય તે. બીજું, જેના વિશે હું ક્યારેય લખવાનો નથી હોતો અથવા તો જે વાંચન હું લખવાના ઇરાદે નથી કરતો એવાં પુસ્તકો. આવાં પુસ્તકો માત્ર મનની મોજ માટે, અંદરથી છલોછલ થવા માટે વંચાતાં હોય છે. હમણાં જ મેં રસ્કિન બૉન્ડના પુસ્તકોની એક આખી થપ્પી પૂરી કરી નાખી. કદાચ રસ્કિન બૉન્ડ વિશે હું ક્યારેય લખું પણ નહીં (ના, એ જેમ્સ બૉન્ડના કશું ન થાય).

રોજ લખવું મારા માટે ફરજિયાત છે. મિનિમમ એક લેખ. ક્યારેક બે અને કોઈ વખત બહુ સોલો ઉપડે તો સળંગ ત્રણ-ચાર-પાંચ કે છ સુધી પણ લેખો લખ્યા છે. પણ રોજ નહીં, શક્ય નથી, જરૂરી પણ નથી. રોજના મિનિમમ હજાર-પંદરસો શબ્દો લખાવા જોઈએ એવો મારો આગ્રહ છે. મિનિમમ. બાકી ત્રણથી ચાર હજાર શબ્દોની એવરેજ ઉતરવી જોઈએ. ટફ કામ છે આ. આંગળીઓ લિટરલી દુખી જાય.

કાગળ પર લખું છું. બે સારાં લેપટોપ ઘરમાં છે પણ લખવાનું કામ માત્ર કાગળ પર. મૂડ હોય ત્યારે ફાઉન્ટન પેનથી. મૂડ બદલાય ત્યારે પેન્સિલથી. બંનેની જાણે વારાફરતી સિઝન આવતી હોય છે મારા માટે. આજકાલ પેન્સિલથી લખવાની સિઝન ચાલે છે. બે રૂપિયાની બૉલપેનથી ન્યુઝ પ્રિન્ટના રોલમાંથી વધેલા ફાળામાં થી બનાવેલા પેડ પર પણ એટલું જ સારું લખી શકું છું. પરંતુ સારો કાગળ, સારી ફાઉન્ટન પેન, સારી ઇન્ક, સારી પેન્સિલ, સારું શાર્પનર—આ બધાં મારી પ્રસન્નતામાં અભિવૃદ્ધિ કરતાં મારાં ઓજારો છે. ‘નવનીત સમર્પણ’ના સંપાદક અને મારા મિત્ર દીપક દોશીને મેં પ્રોમિસ આપી રાખ્યું છે કે મારી ફાઉન્ટન પેનો વિશે જ્યારે પણ લખીશ ત્યારે એ લેખ તમને મોકલીશ.

વિચારોની ઊંચાઈ જાળવીને અને ભાષાની ગરિમાને હાનિ ન પહોંચે એ રીતે લખ્યું છે.

લખતી વખતે બીજા કશાની જરૂર નથી પડતી. સિગરેટ-ડ્રિન્ક્સ કરતો હતો ત્યારે પણ લખતી વખતે મારા માટે એ જરૂરી નહોતાં. છોડી દીધાં પછી એની અવેજીમાં ચા-કૉફીની પણ અનિવાર્યતા નથી હોતી. લખતી વખતે કોઈ ડિસ્ટર્બ ન કરે તે જરૂરી છે. પણ વખત આવ્યે ધમધમતી કૉફી શૉપના ધમાલમસ્તીભર્યા યંગ વાતાવરણમાં કે રેલ્વે સ્ટેશન પરની ભીડ વચ્ચે કે શ્રીનાથજીના મંદિરમાં દર્શન માટે રાહ જોતાં કમલ ચોકમાં બેસીને—આવી તો પચાસ-સો જગ્યાઓએ લખાણ કર્યું છે. મેઘાને તસવીરો પાડવાનો શોખ છે. એ ચૂપચાપ મારી તસવીરો ખેંચી લે, મને ખબર પણ ન પડે. વિવિધ સ્થળે બેસીને લખતા લેખકની આ તસવીરોનું એક આખું આલબમ એણે તૈયાર કર્યું છે.

દરેક લેખ લખાઈ ગયા પછી ‘ન્યુઝપ્રેમી’ પર મૂકાતાં કલાકો નીકળી જાય છે. સૌથી પહેલાં તે લેખનાં તમામ પાનાં સ્કેન કરીને ટાઇપસેટરને ઇમેલ થાય. ટાઇપસેટિંગ થઈને મેટર અઆવે એટલે એમાં રહી ગયેલી પ્રૂફ રીડિંગની ભૂલો સુધારતાં સુધારતાં હું એમાં ઘણા બધા સુધારાવધારા કરતો રહું. એકવાર, બેવાર ક્યારેક ત્રણ-ચાર વાર આખો લેખ વાંચીને એડિટિંગ થાય. પછી સંતોષ થાય કે ન થાય, ટાઈમ થઈ ગયો હોય એટલે એને અપલોડ કરવાની પ્રોસેસ શરૂ થાય. એમાંથી ક્વોટ કાઢવાના, એની સાથે જાય એવી કૉપીરાઇટફ્રી તસવીરો શોધવાની હોય. ‘ન્યુઝપ્રેમી’ની સાઇટ પર પોસ્ટ કરીને તમામ વૉટ્સએપ ગ્રુપોમાં એના વિશેની માહિતી પહોંચાડ્યાની. ક્યારેક ઉતાવળમાં ખોટી લિન્ક મૂકાઈ જાય. ડબલ ચેકિંગ પછી પણ ભૂલ થઈ ગઈ હોય કે પછી ‘ન્યુઝપ્રેમી’ના એડમિન પેજ પર શેડ્યુલિંગનો ટાઇમ ગલત નખાઈ ગયો હોય અથવા ‘પબ્લિશ’નું બટન દબાવવાનું રહી ગયું હોય તો તરત જ વાચકોના સંદેશા આવવા માંડે. ફરી પાછું ઠીક કરવું પડે. એફબી અને ટ્વીટર પર આ લેખ મૂકવાની પ્રોસેસ પૂરી કરવાનું ભુલાઈ ન જવું જોઈએ. લેખ પબ્લિશ થઈ ગયા પછીની થોડીક મિનિટો ઉચાટની હોય. (કોઈ ફરિયાદ ન આવે એનો મતલબ એ કે વાચકો અત્યારે લેખ વાંચવામાં મગ્ન થઈ ગયા હશે.) પછી નિરાંતનો શ્વાસ લઈને, થાકી જવાને બદલે ઊલટાની વધારે સ્ફૂર્તિ-સંતોષ અનુભવતા થઈ જાઓ. કમેન્ટ્સઆવવાની શરૂ થાય. દરેક કમેન્ટ હું વાંચી જાઉં. અને નેક્સ્ટ લેખ લખવા માટે તૈયાર.

મને હંમેશાં લાગ્યું છે અને મેં વારંવાર આ કહ્યું પણ છે કે મા સરસ્વતીના આશીર્વાદ છે ત્યારે આ બધું કામ આટલા મોટા પ્રમાણમાં અને આટલી કક્ષા જાળવીને થાય છે. બાકી, આપણે એકલા કશી મોટી ધાડ નથી મારી શકવાના. એ જે વિચારો આપે છે તે હું લખું છું. એ જ મારો હાથ પકડીને મારી પાસે લખાવે છે.

વર્ષો સુધી એકધારું લખ્યું છે. ખૂબ સારું લખ્યું છે. કોઈ કૉમ્પ્રોમાઇઝ કર્યા વિના લખ્યું છે. વિચારોની ઊંચાઈ જાળવીને અને ભાષાની ગરિમાને હાનિ ન પહોંચે એ રીતે લખ્યું છે. નર્મદ, મુનશી, મેઘાણી અને બક્ષી મારા સૌથી પ્રિય લેખકો છે. 40 વર્ષ બાદ, મારા મર્યા પછી આમાં પાંચમું નામ મારું ઉમેરાય એ માટે, ઑટોમેટિક શાર્પનરમાં પેન્સિલ છોલાય અને સરસ અણી નીકળે એ રીતે જાતને સતત છોલીછોલીને ધાર કાઢીને લખ્યું છે.

આ બધી વાતો હું તમને તમારા મનોરંજન માટે નથી કરી રહ્યો. ‘ન્યુઝપ્રેમી’ ચાલશે તો હું ચાલીશ અને હું ચાલીશ તો ‘ન્યુઝપ્રેમી’ ચાલશે એ વાત તમારા દિલ-દિમાગમાં કોતરાઈ જાય એવા આશયથી કહી રહ્યો છું. તમે કૉન્ટ્રિબ્યુશન માટેની મારી અપીલનો અનુકૂળ પ્રતિસાદ આપશો એવી આશાએ કહી રહ્યો છું.

‘કટિંગ ચાય સિરીઝ’નો આ છઠ્ઠો લેખ છે. બેત્રણ લેખ હજુ આવશે. એ પછી આ સિરીઝ પૂરી. ત્યારબાદ દર મહિને એકવાર તમને વૉટ્સએપ ગ્રુપમાં નાનકડી અપીલ મૂકાતી રહેશે જેમાં આ સિરીઝની લિન્ક પણ કદાચ હશે. કદાચ તમને સૌને ઇન્ડિવિજ્યુઅલી મહિને એકવાર નાનકડી અપીલ રિમાઇન્ડરરૂપે મળતી રહેશે. ‘ન્યુઝપ્રેમી’માં લેખની વચ્ચે વચ્ચે આવતી જાહેરખબરનું ન્યુસન્સ નથી. એટલે કૉન્ટ્રિબ્યુશનની, અપીલની પ્લેટ કે ટીકડી (દરેક લેખની ઉપર કે નીચે કે વચ્ચે મૂકાશે. રોજની કટિંગ ચાના માસિક ખર્ચ કરતાં પણ ઓછી રકમ ‘ન્યુઝપ્રેમી’ના દરેક દરેક વાચકને દર મહિને પોસાય એમ છે એવું હું માનું છું. ગુજરાતી ભાષામાં આવો માલ તમને બીજે ક્યાંય નહીં મળે એવી મારી ગેરન્ટી છે. મારી ફેક્ટરી ડબલ શિફ્ટમાં કામ કરીને તમને આવી અફલાતૂન પ્રોડક્ટ ઘેરબેઠાં પહોંચાડતી રહે એ માટે, તમને કોઈપણ પ્રકારની શરમમાં નાખ્યા વિના, અરજ કરું છું કે જો પોસાતું હોય તો દર મહિને સોને બદલે હજાર કે દસ હજાર મોકલવાનું નક્કી કરો. બે અંતિમો વચ્ચેની કોઈ પણ શુભ રકમનો આંકડો નક્કી કરો અને દર મહિને તમારી હૂંફ મારા સુધી પહોંચાડો. રાજ્યાશ્રયથી, સામે ચાલીને દૂર રહેનારો લેખક પોતાની ખુમારી અકબંધ રહે એ માટે, એને જે વાચકો પર પાકો ભરોસો છે અને જે વાચકોને એના પર પૂરો વિશ્વાસ છે એમની પાસે, સામે ચાલીને લોકાશ્રય માટે અપીલ કરી રહ્યો છે.

નવું ડિજિટલ મિડિયા ભારત સહિત દુનિયાભરમાં યુઝર્સ કૉન્ટ્રિબ્યુશન પર ટકે છે, સમૃદ્ધ થાય છે, વિકસે છે, આગળ વધે છે. ‘ન્યુઝપ્રેમી’ એમાનું એક હોવા છતાં બધી રીતે એકમેવ છે.

આ સાથે ઉપરનીચે આપેલી લિન્ક તમને બેન્ક ટ્રાન્સફર કે પેટીએમ, ગૂગલ પે કરવા માટેનું માર્ગદર્શન આપશે. તમારા જેવા, વન પેન આર્મીના અડીખમ સપોર્ટરનું, આવતી કાલે આ જગ્યાએ ફરીથી સ્વાગત કરવા એક નવા લેખ સાથે હાજર થાઉં છું. ત્યાં સુધી આવી રહેલી ગણેશ ચતુર્થીના પાવન તહેવારની તૈયારીઓ માટે તેમ જ સંવત્સરીના શુભ અવસરની ઉજવણીની તૈયારીઓ માટે શુભેચ્છાઓ.

આજનો વિચાર

બીજાઓની સાથે કોઈ કકળાટ વિના રહેવું હોય તો આપણા પોતાનામાં ધુંધવાતો કકળાટ દૂર કરવો પડે.

—અજ્ઞાત

11 COMMENTS

  1. આપની એ વાત બિલકુલ સાચી છે કે તમે જે કક્ષાનુ લખો છો એ ગુજરાતીમાં મળવુ ખૂબ અઘરુ છે. અન એટલે જ વાચકો તરીકે અમારા સૌની ફરજ અને જવાબદારી છેકે Newspremi ને શકય હોય તેટલો સહકાર આપીએ.

  2. સૌરભભઈ આપને મા સરસ્વતી શતાયુ સુધી આવી જ રીતે લખાવે એવી પ્રાથઁના.

  3. હીમ્મતે મર્દા તો મદદે ખુદા.
    યાહોમ કરીને પડો ફતેહ છે આગે.

  4. મેઈન સ્ટ્રીમ મીડિયા ના મોટા મોટા હજીરા નિભાવવા તોતિંગ ખર્ચા થતા હોય છે એટલે એમને રાજ્યાશ્રય થી લઈને જે તે મીડિયા સંસ્થા ચલાવનારાઓની નૈતિકતા પ્રમાણે બીજા અનેક આશ્રયો લેવાતા હોય છે એટલે સ્વતંત્ર પત્રકારત્વ/લેખન ને બદલે એજન્ડા કે એક ચોક્કસ લાઈન વાળું પત્રકારત્વ અને લેખન સામાન્ય બની ગયું છે.
    વાચકો એ હોવે આ પરિસ્થિતિ થી છૂટવા ન્યૂઝપ્રેમી જેવા પ્લેટફોર્મ ને ખુલા દિલથી કોન્ટ્રીબ્યુટ કરવુ જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here