જો મને ક્યારેક ખબર પડી જાય કે આ વ્યક્તિને મારું ગાયન પસંદ નથી તો હું એને સમજાવવાની કોશિશ નથી કરતો: પંડિત જસરાજ

(ગુડ મૉર્નિંગઃ બુધવાર, 19 ઑગસ્ટ 2020)

અમદાવાદનું પાડોશી સાણંદ નગર એક જમાનામાં રજવાડું હતું. ત્યાંના રાજા પંડિત જસરાજના આધ્યાત્મિક ગુરુ હતા, સંગીતના બહુ મોટા જાણકાર હતા. ગુન્દેચા બંધુએ ‘સુનતા હૈ ગુરુ જ્ઞાની’ પુસ્તકમાં જસરાજજીની જે મુલાકાત લીધી છે એમાં આરંભમાં જ પંડિતજી કહે છેઃ ‘1944 સે 1949 તક (એમનો જન્મ 1930માં) હમ વહીં થે.’

જસરાજજી 14 વર્ષની ઉંમરથી 19 વર્ષની વય સુધી પ્રેક્ટિકલી આખી ટીન એજ દરમ્યાન સાણંદ રહ્યા. મહારાજાએ પંડિતજીને કહ્યું હતું કે તમારા મોટાભાઈને કાલિમાતાની કૃપાથી એમનો અવાજ પાછો મળી જશે અને જે દિવસે કહ્યું હતું એ જ દિવસે (1944ના વર્ષમાં) પંડિત જસરાજના મોટાભાઈનો અવાજ પાછો આવી ગયો હતો.

જસરાજજીના બે મોટાભાઈ મણિરામ પંડિત અને પ્રતાપ નારાયણ પંડિત. પિતા મોતીરામ પંડિત હૈદરાબાદમાં નવાબ ઉસ્માન અલી ખાનના રાજમાં દરબારી ગાયક નિયુક્ત થવાના જ હતા તે પહેલાં 1939માં અચાનક એમનું મૃત્યું થયું. એમની જગાએ પુત્ર મણિરામ દરબારી ગાયક બન્યા. પિતાની ગેરહાજરીમાં મોટાભાઈ મણિરામે હૈદરાબાદમાં જસરાજજીની પરવરિશ કરી, એમને તાલીમ આપી. 1948માં મણિરામ પંડિત કલકત્તા ગયા. બે દાયકા ત્યાં રહ્યા, 1963માં પરિવાર સાથે મુંબઈ આવ્યા. પછી અહીં જ રહ્યા. 1985માં 74 વર્ષની વયે એમનું અવસાન થયું. મણિરામ પંડિતના બે પુત્રોમાંના સૌથી મોટા પુત્ર વિનોદ ગાયક હતા. અભિનેત્રી દીપ્તિ નવલ સાથે એમણે લગ્ન કર્યાં હતાં. વિનોદ પંડિત 2001માં કૅન્સરને કારણે ગુજરી ગયા ત્યારે 49 વર્ષના હતા. નાના પુત્ર દીનેશ પંડિત લંડનમાં છે પરકશનિસ્ટ છે, અરેન્જર અને કંપોઝર છે.

મણિરામ પંડિતથી નાના પણ જસરાજજીથી મોટા એવા વચેટ ભાઈ પ્રતાપ નારાયણનાં સંતાનોમાંનાં બે પુત્રો જતીનલલિત ફિલ્મ સંગીતકાર બન્યા અને બે પુત્રીઓ સુલક્ષણા પંડિત અને વિજયેતા પંડિત અભિનેત્રી બની- બંને સારું ગાતી પણ ખરી. આ બધી વાતો હવે જાણીતી છે.

1963માં પંડિત જસરાજ પણ મોટાભાઈની સાથે જ કલકત્તાથી મુંબઈ આવીને સ્થાયી થયા. મુંબઈમાં દાયકાઓ સુધી તેઓ પોતાના શિષ્યોમાં સંગીતનું જ્ઞાન વહેંચતા રહ્યા. શાસ્ત્રીય કંઠ્યસંગીતમાં આજે ઘણું જાણીતું બનેલું નામ છે સંજીવ અભ્યંકર. ફિલ્મના પ્લેબેક સિંગિંગમાં સાધના સરગમને તમે જાણો છો. આવા અનેક શિષ્યો પંડિત જસરાજની પરંપરાને આગળ વધારી રહ્યા છે.

“મને એ વખતે ક્યાં ખબર હતી કે મહારાજા મને ઘડી રહ્યા હતા.”

જસરાજજીની તાલીમ મેવાતી ઘરાનાની. પણ જેમ જેમ તેઓ આગળ વધતા ગયા તેમ તેમ અન્ય ઘરાનાઓની ગાયકીનું સુભગ મિશ્રણ તેઓ કરતા ગયા. વાડાબંધીમાં માનતા સંગીતકારોએ શુદ્ધતાના નામે એમનો ઘણો વિરોધ કર્યો પણ વખત જતાં બે અલગ અલગ ઘરાનાની ગાયનપદ્ધતિને એકરસ કરીને ગાવાનો ટ્રેન્ડ શરૂ થયો. આ ટ્રેન્ડના ટ્રેન્ડસેટર પંડિત જસરાજજી 90 વર્ષની ઉંમરે વિદેશી શિષ્યોને સ્કાયપી દ્વારા તાલીમ આપતા. આ વર્ષના આરંભે યુએસ ગયા હતા. અમેરિકામાં અને કૅનેડામાં એમના નામે બે સંગીત વિદ્યાલયો છે. લૉકડાઉનને કારણે એમનું ભારત પાછા આવવાનું ઠેલાતું રહ્યું. સત્તર ઑગસ્ટે ત્યાંની પરોઢે સવા પાંચ વાગ્યે ન્યુ જર્સીમાં એમના પોતાના ઘરમાં હૃદય બંધ પડી ગયું.

એકાદ વર્ષ પહેલાં, ગાંધીજીની 150મી જયંતિની ઉજવણી પ્રસંગે દિલ્હીમાં પંડિતજીએ એમના શિષ્ય અને વિખ્યાત ગાયક રતન મોહન શર્મા સાથે દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણથી એક કૉન્સર્ટ કરી હતી. ટીવી પર લાઇવ હતી.

સાણંદમાં વીતાવેલા ટીનએજનાં વર્ષોને યાદ કરીને જસરાજજી કહે છેઃ ‘સાણંદના મહારાજાને ત્યાં મોટા મોટા સંગીતકારો અઠવાડિયાઓ-મહિનાઓ સુધી મહેમાન બનીને રહેતા. એ જમાનામાં ત્યાં ગાવા-વગાડવાનું ખૂબ થતું. એ પછી એના પર લાંબી ચર્ચાઓ પણ થતી. હું તો ત્યારે માત્ર તબલાં વગાડતો હતો. મહેફિલ પૂરી થાય એટલે હું વિચારતો કે હવે ગાવા-વગાડવાનું તો છે નહીં, હવે લાંબી ચર્ચાઓ ચાલશે. બે-ત્રણ કલાક વીતી જશે. હું ત્યાંથી ઊભો થઈને ઊંઘવા જતો રહેતો. પણ મહારાજા મને યાદ કરીને બોલાવતાઃ જસરાજ ક્યાં છે, એને બોલાવો. મને કંટાળો આવતો કે ગાવા-વગાડવાનું તો પૂરું થઈ ગયું છે તો હવે ચર્ચામાં મારી શું જરૂર છે. પણ મને એ વખતે ક્યાં ખબર હતી કે મહારાજા મને ઘડી રહ્યા હતા. ચર્ચા થતી કે રાગ દરબારીમાં ગન્ધાર કેવો હોવો જોઈએ (તીવ્ર કે કોમળ), એમાં ઝૂલા ક્યાંથી શરૂ થાય, મિયાં કી મલ્હાર અને દરબારી કાનડાના ગન્ધારની ચર્ચા થાય. બેઉમાં કેટલું અને કેવું અંતર છે એની વાતો ચાલે. એ જે બધી વાતો મારા કાને પડી એને કારણે આજે મારું સંગીત સમૃદ્ધ છે.’

જસરાજજી ત્રીસ વર્ષના હતા ત્યારની એક વાત એમણે આ ઇન્ટરવ્યુમાં કહી છે. 1960માં જસરાજજી તો કલકત્તા, મોટાભાઈ સાથે, રહેતા હતા. પણ મુંબઈમાં આકાશવાણી દ્વારા યોજાયેલા રેડિયો સંગીત સંમેલનમાં ગાવા માટેનું આમંત્રણ હતું એટલે જસરાજજી મુંબઈ આવ્યા હતા. 1960માં જ પંડિતજી વી. શાંતારામનાં દીકરી મધુરાને પહેલવહેલીવાર મુંબઈમાં મળ્યા હતા. 1962માં લગ્ન થયાં. લગ્નનું નક્કી કરતાં પહેલાં ભાવિ સસરાએ એમને પૂછ્યું હતું ‘મહિને કેટલા કમાઓ છો?’ ભાવિ જમાઈએ જવાબ આપ્યો હતોઃ બસો-ત્રણસો રૂપિયા.’

‘ભવિષ્યમાં આવક વધશે ખરી?’ વી. શાંતારામે પૂછ્યું હતું. જવાબમાં જસરાજજીએ કહ્યું હતુઃ ‘કદાચ ઘટે પણ ખરી!’

શાસ્ત્રીય સંગીતના આરાધકો પાસેથી આપણા જેવાઓએ જે શીખવા જેવું છે એમાં સૌથી પહેલી વાત આવે છે- રિયાઝ અને તાલીમની. યોગ્ય માર્ગદર્શન મેળવવું અને પછી જે શીખ્યા હોઈએ એની સતત પ્રેકટિસ કરવી.

રેડિયોના સંગીત સંમેલન માટે મુંબઈ આવીને જસરાજજી ઉસ્તાદ બડે ગુલામ અલી ખાંને મળવા ગયા. ઉસ્તાદજીને એ જ ગાળામાં હાર્ટ એટેક આવ્યો હતો એટલે એમને જોવા જવાનું બહુ મન હતું. પોતાના ઘરે એ એકલા જ આડા પડયા હતા.જસરાજ એમનાં ચરણો પાસે બેસી ગયા. મિત્ર ડૉક્ટર મુકુન્દ લાઠ પણ જસરાજજીની સાથે હતા. જસરાજજી કહે છે કે ‘(ઉસ્તાદ બડે ગુલામ અલી ખાંસાહેબ) એટલા મોટા ગાયક હતા કે સિર્ફ ‘સા’ લગાતે હી દિલ કો નિચોડ કર રખ દેતે થે.’

જસરાજજી કહે છે કે, એ વખતે ઉસ્તાદજીને મારા પર એટલો બધો પ્રેમ ઉમટી આવ્યો કે એમણે મને કહ્યું: ‘જસરાજ, તું મારો શાગિર્દ બની જા.’

જસરાજજીએ આવું તો કોઈ દિવસ વિચાર્યુ પણ નહોતું અને એ સમયે આવી કોઈ મનોસ્થિતિ પણ નહોતી. જસરાજજી કહે છેઃ ‘મેરી તો બોલતી બન્દ હો ગયી. મૈં ક્યા જવાબ દૂં!’

જસરાજજીએ ઉસ્તાદજીને કહ્યું, ‘ચાચાજાન, મૈં આપસે ગાના નહીં સીખ સક્તા.’ એમણે પૂછ્યું, ‘કેમ?’

જસરાજજીએ ફોડ પાડીને કહ્યું: ‘ચાચા યે મેરી તકદીર મેં નહીં હૈં. ક્યોંકિ મૈં મેરે પિતા કો ઝિન્દા કરના ચાહતા હૂં.’

આવું કહ્યું એટલે ઉત્સાદજી એકદમ ભાવુક થઈ ગયા, આંખમાંથી આંસુ સરી પડયા, બોલ્યાઃ ‘અલ્લાહ તેરે મન કી મુરાદ પૂરી કરે.’

પછી ઉસ્તાદજીએ જસરાજજીના પિતાને યાદ કરીને કહ્યું, ‘સાંભળ, તારા બાપાને કારણે જ હું સંગીતમાં આવ્યો. હું તો પહેલવાન હતો. તારા બાપા, મારા બાપા અને પંડિત શિવકુમાર શર્માના પિતા-ઉમાદત્ત શર્મા- આ ત્રણેય જમ્મુ-કશ્મીર સ્ટેટમાં રહેતા. એક દિવસ તારા પિતાના ગાવાનો કાર્યક્રમ હતો એટલે મારા પિતા મને સાથે લઇને ગયા. મેં કહ્યું: મારે નથી સાંભળવું. આજે મારે કુસ્તી લડવાની છે. હું કોઇનું ગાયનબાયન સાંભળવા નથી રોકાવાનો. આ સાંભળીને તારા પિતાએ (મોતીરામ જેમને કાશ્મીરના મહારાજા ‘મોતીલાલ’ તરીકે ઓળખતા) મને બે ગાળ આપીને કહ્યું: ગાયકનો બેટો થઇને કુશ્તી લડીશ! પછી મારે પરાણે તારા પિતાનું ગાયન સાંભળવા રોકાઈ જવું પડયું. મેં તારા પિતાને ગાતાં સાંભળ્યા ત્યારે નક્કી કર્યું કે જો આટલું સરસ રીતે ગાવાનું હોય તો હું પણ ગાઇશ. બસ, આ જ રીતે તારા પિતાએ મારી કુસ્તી છોડવી દીધી. અલ્લાહ તારા મનની મુરાદ પૂરી કરે.’

જસરાજજી કહે છે કે એ દિવસે આટલું બોલીને ઉસ્તાદજી ધ્રુસકે ધ્રુસકે રડી પડયા હતા.

ગુન્દેચાબંધુ સાથેની મુલાકાતમાં પંડિત જસરાજજીની હવે જે બધી વાતો આવે છે તેમાંની મોટાભાગની આપણને પલ્લે ન પડે એવી ટેક્નિકલ વાતો છે. પણ આ બારીકીઓને સંગીતના ક્ષેત્ર પૂરતી સીમિત ન રાખતાં, એને હું મારા લખવાના વ્યવસાયના સંદર્ભમાં જોઉં, તમે તમારા પોતાના વ્યવસાય-કામકાજના સંદર્ભમાં જોઈ શકો તો એમાંથી ઘણું બધું શીખવા જેવું મળી આવશે.

શાસ્ત્રીય સંગીતના આરાધકો પાસેથી આપણા જેવાઓએ જે શીખવા જેવું છે એમાં સૌથી પહેલી વાત આવે છે- રિયાઝ અને તાલીમની. યોગ્ય માર્ગદર્શન મેળવવું અને પછી જે શીખ્યા હોઈએ એની સતત પ્રેકટિસ કરવી. દિવસરાત એમાં જ રચ્યાપચ્યા રહેવું. રાત્રે સપના પણ એ જ આવવાં જોઇએ. એ હદ સુધી એમાં ઓતપ્રોત થઈ જવું, આપોઆપ એમાં નવું નવું ઉમેરાયા કરશે. ભગવાને તમારામાં જેટલી પ્રતિભા આપી છે એને જાળવવાની, નિરંતર એની ધાર નીકળતી રહે તે જોવાની, એને હંમેશાં માંજી માંજીને ચકચકિત રાખ્યા કરવાની જવાબદારી તમારી છે, તમારી પોતાની. આ કાળજી જો તમે ન લીધી તો થોડેક સુધી પહોંચીને તમારો ગ્રોથ અટકી જશે, પછી તમે જયાં પહોંચ્યા છો, ત્યાંના ત્યાં જ રહી જશો- આગળ નહીં વધી શકો. સ્થગિત થઈ જશો. ધીમે ધીમે વાસી બનતા જશો, આઉટ ઑફ ડેટ બનીને રિડન્ડન્ટ બની જશો, ફેંકાઈ જશો, કાળની ગર્તામાં ધકેલાઈ જશો. ભવિષ્યમાં તો શું વર્તમાનમાં પણ કોઈ તમને યાદ નહીં કરે, કોઈ તમારો ભાવ નહીં પૂછે. અચ્છા અચ્છા લોકો સાથે આવું થતાં જોયું છે તમે.

પણ જો તમે પંડિત જસરાજ હો (કે પછી પંડિત શિવકુમાર શર્મા- ઉં.વ.82 કે પછી પંડિત હરિપ્રસાદ- ઉં.વ.82) તો તમે આજીવન કરેલી સાધના- આરાધના- તપસ્યાના ફળસ્વરૂપે કોઇપણ ઉંમરે રિલેવન્ટ રહી શકો છો, તમારા અનુભવોના નીચોડરૂપે મળેલાં ફળને તમારી કળા દ્વારા માણતા રહી શકો છો.

પંડિત જસરાજજી કહે છેઃ ‘મને સપનાં પણ આવે છે. તમને પણ આવે છે? મારે કાનડા(રાગ) નું ગાન કરવાનું હતું- એચ.એમ.વી.ના રેર્કોર્ડિંગ માટે મેં 9 પ્રકારના કાનડા ગાયા છે.’

સામાન્યજનોએ કદાચ મધરાતે ગવાતા દરબારી કાનડાનું નામ સાંભળ્યું હશે કે મોડી સવારે (9 થી 12ના પ્રહરમાં) ગવાતા આસાવરી કાનડાનું નામ સાંભળ્યું હશે પણ આ રાગસમુહમાં કુલ 22 પ્રકારના કાનડા છે.

જસરાજજી કહે છેઃ ‘ગુંજી કાનડાની બાબતમાં મને કંઇક સંદેહ હતો કે આમાં શું છે, કેવું છે. ક્યારેક મેં એના વિશેની ચર્ચા સાંભળી હતી. એટલે એની આઉટલાઇન મારા મગજમાં હતી. એક વાત છે કે તમે જો ચર્ચાઓ દરમ્યાન પણ કોઈ રાગ સાંભળ્યો હોય તો તમે ગાઈ શકો છો. હા, એટલી પ્રતિભા તમારામાં હોવી જોઈએ. તો એક દિવસ હું ઊંઘી રહ્યો હતો. મને સપનું આવ્યું અને સપનામાં મારા પિતા મને ગુંજી કાનડા શીખવાડી રહ્યા હતા. (પંડિતજી ગાઇને ગુંજી કાનડાની રચના સંભળાવે છેઃ નૈયા લગા દે મોરી પાર…) આ હું સપનામાં શીખ્યો છું. સોગંદ ખાઇને નથી કહેતો પણ ઇશ્વર જાણે છે. સોગંદ ખાવાની મને આદત નથી તમે તમારા ગુરુને ગુરુ માનો અને (મનોમન) એમના શરણમાં રહો તો એ ક્યાંય પણ હોય, તમને શીખવાડતા રહેશે, માર્ગદર્શન મોકલતા રહેશે.

ઇન્ટરવ્યુ દરમ્યાન જસરાજજીને પૂછવામાં આવે છેઃ આજે જે પ્રકારની ગાયકી થઈ રહી છે, આપણા યુવા ગાયકોમાં જે રીતે ગાવા-વગાડવાનું થઈ રહ્યું છે એમાંનો એક નવો માર્ગ તમે પણ દેખાડયો છે. એના અનુયાયીઓ પણ ઘણા છે અને આખી દુનિયામાં એક બહોળો શ્રોતાસમુદાય તમે તમારી (આ નવા પ્રકારની) ગાયકીથી તૈયાર કર્યો છે. પણ કેટલાક લોકો એવા છે જે તમને સ્વીકારવા તૈયાર નથી. તમને કેવું લાગે છે?’

જસરાજજીઃ ‘જે લોકો નથી સ્વીકારતા તે એ લોકો છે જેઓ સંગીતમર્મજ્ઞ તરીકે ઓળખાય છે, સમજદાર શ્રોતા અને સંગીતરસિયા તરીકે ઓળખાય છે! (પંડિતજી આ વાત દાઢમાં બોલ્યા હશે એવું સંદર્ભો જોડતાં તમને સ્પષ્ટ લાગે.) એ લોકો મને સ્વીકારતા નથી. આ વાત તમે પણ જાણો છો. મને ખબર નથી કે એ લોકો મને કેમ નથી માનતા? બાકી, તો આ (નવી વાતો જે રીતે ફેલાઈ અને સ્વીકારાઈ એ) એક ચમત્કાર છે (ભગવાનના બહુ મોટા આશીર્વાદ છે.)

‘મુઝે તો પૂરા યકીન હૈ કિ ભાઈ, મૈં, મૈં નહીં હું. કોઈ ઔર હૈ. ઉસે આપ અલ્લાહ, ઇશ્વર, રામ, ગૉડ કુછ ભી કહિયે.’

પ્રશ્નઃ ‘એ લોકોને તમારા ગાયનમાં શું કમી લાગે છે?’

ઉત્તરઃ ‘મને જો ખબર હોત તો હું સુધારી ન લેત?’

પ્રશ્નઃ ‘ના, પણ … આમ છતાં… તમને શું ફીલ થતું હોય છે- જો કોઈ વ્યક્તિવિશેષ તમારું ગાયન પસંદ ન કરે ત્યારે?

ઉત્તરઃ ‘એવા લોકોને સમજાવવાની કોશિશમાં હું પડતો જ નથી. ક્યારેય નહીં. જો મને ક્યારેક ખબર પડી જાય કે આ વ્યક્તિને મારું ગાયન પસંદ નથી તો હું એને સમજાવવાની કોશિશ નથી કરતો. ન વાતો દ્વારા, ન ગાઇને, ન કોઈ વ્યવહાર કરીને. એનાથી હું દૂર જ રહેતો હોઉં છું.’

પંડિતજી પાસેથી આપણે આ શીખવાનું છે. આપણા વિરોધીઓ જોડે જીભાજોડી કરીને એમને સમજાવવાની કોશિશ કરવાની કંઈ જરૂર નથી. કેટલાક લોકો તો તમારો વિરોધ એટલા માટે કરતા હોય છે કે તમે તમારું સ્તર છોડીને એમની સાથે કાદવમાં કુસ્તી લડવા આવી જાઓ. કહેવત છે ને કે કાદવમાં પડવાથી તમારાં કપડાં ગંદાં થશે, પણ સુવ્વરોને કાદવમાં આળોટવાની મજા જ આવતી હોય છે. જે લોકો સામેથી આવીને પરાણે તમને કાદવમાં ઘસડવા માગે છે એમનાથી દૂર થઈ જવામાં જ મઝા છે. સોશ્યલ મિડિયાની પાર્લન્સમાં કહીએ તો એવા લોકોને ડીલીટ કરો, બાન કરો, અન્ફ્રેન્ડ કરો કે પછી બ્લૉક કરો. કકળાટ કે કંકાસને ઘરમાંથી બહાર કાઢીને ચાર રસ્તાની ચોકડી પર મૂકી આવવા માટે કાળી ચૌદસની રાહ જોવાની જરૂર નથી કારણ કે આવા ચૌદસિયાઓ તો એકમથી લઇને પૂનમ-અમાસ સુધી ગમે ત્યારે ફૂટી નીકળતા હોય છે. બૅક ટુ જસરાજજી.

આવા નકામા લોકોથી જરા દૂર રહેવાની વાત જસરાજજીએ કરી ત્યારે પ્રશ્નકર્તા બોલ્યાઃ ‘યે તો બડી સાધના હૈ.’ ત્યારે જસરાજજીએ કહ્યું: ‘યે મૈં નહીં કરતા. વો કરવાતા હૈ. મુઝે તો પૂરા યકીન હૈ કિ ભાઈ, મૈં, મૈં નહીં હું. કોઈ ઔર હૈ. ઉસે આપ અલ્લાહ, ઇશ્વર, રામ, ગૉડ કુછ ભી કહિયે.’

હવેની વાતો જરાક વધુ ટેક્નિકલ લાગશે પણ એમાંથી શું શીખવાનું છે તે તમને અગાઉ કહી દીધું છે એટલે ધ્યાનથી વાંચજો, સમજજો. હું આ બધું બે-ત્રણવાર વાંચીને પણ પૂરેપૂરું સમજી નથી શકયો પણ જેટલી સમજ પડી એ વાતોએ મારા દિમાગમાં ઘણો મોટો પ્રકાશ પાથર્યો છે- મારા લખાણના સંદર્ભમાં. ખાસ કરીને ઑટોમેટિક ગિયરવાળી જે વાત આવે છે તે ગજબની છે. સાંભળોઃ

પ્રશ્નકર્તાઃ ‘પંડિતજી, આમતૌર સે આપ સભી પ્રચલિત રાગ ગાતે હૈં, જેસે આપને કલ મિયાંમલ્હાર ગાયા. બહુત સુંદર ગાયા, મિયાં મલ્હાર વૈસા હી જૈસા હોના ચાહિયે.’

જસરાજજીઃ ‘ભાઈ, વૈસા હી ગા લેં તો ક્યા કમ હૈ!’

પ્રશ્નકર્તાઃ ‘નહીં, મેરે કહને કા મતલબ—ઉસમેં લાલિત્ય ભી થા ઔર પાંડિત્ય ભી. આપ રાગ ગાતે સમય ક્યા આમતૌર સે પ્રચલિત ધારણાએં — જૈસે વાદી, સંવાદી ઔર રાગ કા મુખ્ય સ્વરબંધ—ઇન બાતોં કા ધ્યાન રખતે હૈં?’

આ પ્રશ્નના જવાબમાં પંડિતજી જે વાત કહે છે તે સમજવા જેવી છે. ગોખણપટ્ટીના જ્ઞાનમાં અને આત્મસાત્ કરેલા જ્ઞાનમાં કેટલો મોટો ફરક છે એ તમને સમજાશે. ઓરિજનલ હિંદીમાં જ રાખીએ.

પં. જસરાજઃ યદિ આપકો રાગ કી શિક્ષા હૈ તો યે ચીઝેં સ્વતઃ હી આ જાતી હૈં. યદિ આપને રાગ કો વિધિવત સીખા હૈ તો ફિર આપકો ઇન ચીઝોં કો ધ્યાન દેકર ઔર પકડકર ગાને કી ઝરૂરત નહીં. રાગ કા સંવાદ સ્વતઃ હી ઉસકો પોષિત કરતા રહતા હૈ. ઔર યદિ શિક્ષણ નહીં તો આપ કુછ ભી કરતે રહિએ…. (શું ફરક પડે છે!)

શાસ્ત્રીય સંગીત હોય કે લેખન કે પછી કોઈ પણ કળા કે કોઇપણ વ્યવસાય, રોજગાર, કામકાજ. ગોખણપટ્ટી કરીને બીજાઓને પ્રભાવિત કરી દેવાનું કામ આસાન છે.

પ્રશ્નકર્તાઃ યાનિ આપને સુનકર જિસ તરહ સીખા હૈ ઉસે હી પ્રસ્તુત કરતે હૈં, વાદી-સંવાદી સોચકર નહીં ગાતે?

પં.જસરાજઃ જી, બિલકુલ ઠીક, વાદી-સંવાદી સોચકર કભી નહીં ગાતા. વાદી-સંવાદી તો અપને આપ હોતા ચલા જાતા હૈ. જૈસે અબ રાગ મિયાં મલ્હાર કો લીજિયે. યદિ આપને બંદિશ કે સ્થાયી અંતરે કો ઠીક સે સીખા હૈ તો રાગ અપને આપ ખિલ જાયેગા.

આ પછી એક વાત આવે છે— રાગના આકારની અને એની સરગમની. આ વાત કાગળ પર સમજાવી શકું એવી મારી કોઈ હેસિયત નથી પણ હું સમજી ગયો છું કે અહીં વાત કઈ છે શું કહેવા માગે છે. તમે તમારી રીતે સમજી લોઃ

પ્રશ્નકર્તાઃ કહા જાતા હૈ કિ પુરાની ગુરુ-શિષ્ય પરંપરા કી શિક્ષાપદ્ધતિ મેં રાગ કી શિક્ષા સરગમ સે નહીં દી જાતી થી. રાગ કો કેવલ આકાર સે સિખાતે થે. કુછ ઘરાનોં મેં ઐસા હોતા થા. ઉનકે યહાં સરગમ કા તરીકા થા હી નહીં.

પં.જસરાજઃ જબ તક આપ રાગ કે વાદી-સંવાદી ઑટોમૅટિક ગિયર મેં સ્વતઃ હી નહીં બેઠેંગે તબ તક આપ સિર્ફ ‘રાગ’ ગાયેંગે ઔર વો રંજક નહીં હોંગા.’

પકડાઈ વાત? ટેક્નિકલ નિપૂણતા ગમે એટલી હોય, એ તો ગોખણપટ્ટીથી પણ આવી જાય, પણ જ્યાં સુધી તમે તમારા કામમાં ઓતપ્રોત થઈને, સાહજિક રીતે એ કામ કરતા ન થઈ જાઓ, કૉન્શ્યસ થયા વિના (કે ‘સા’ પછી ‘પા’ પર જવાનું છે કે નિષાદ પછી ગંધાર લેવાનો છે) ગાઓ છો કે કંઇ પણ કામ કરો છો ત્યારે એ ખીલી ઊઠે છે. ટેક્નિકલ શુષ્કતામાં ભાવ ઉમેરાય તો જ તે લોકોના હૃદયમાં વસી જાય. બાકી એમાં પાંડિત્ય ભલે દેખાય, લાલિત્ય જો ન ઉમેરાય તો કળા શુષ્ક રહી જાય. કળા જ નહીં કોઈપણ કામ શુષ્ક બની જાય, વેઠ ઉતારવા જેવું બની જાય.

પંડિતજીને પૂછવામાં આવે છેઃ ‘આપને રાગોં કો સરગમ સે સીખા યા આકાર સે.’

પંડિતજી કહે છેઃ ‘હું આકારથી જ શીખ્યો. મારા મોટાભાઈના ગાયનમાં ક્યારેય તમને સરગમ સાંભળવા નહીં મળે. તમે સાંભળજો એમનું ગાયન. અમે જેમની પાસે શીખ્યા એ ક્યારેય સરગમ ગાતા જ નહોતા. જયાં અમને સમજ નહોતી પડતી ત્યાં અમારા માથે હાથ ફેરવીને જણાવતા કે આની સરગમ આ છે, બસ એટલું જ. કયારેય અમને એવું કહીને શીખવાડવામાં નથી આવ્યું કે આની સરગમ આ છે. બસ આટલું જ કરતા. એ ક્યારેય એવું કહીને ન શીખવાડે કે આનો વાદી સ્વર અમુક છે અને સંવાદી અમુક…’

શાસ્ત્રીય સંગીત હોય કે લેખન કે પછી કોઈ પણ કળા કે કોઇપણ વ્યવસાય, રોજગાર, કામકાજ. ગોખણપટ્ટી કરીને બીજાઓને પ્રભાવિત કરી દેવાનું કામ આસાન છે. બહુ ઝડપથી તમે આવું કરી શકો. ઝાઝી વાર ન લાગે—‘પંડિત’માં ખપી જતા. પણ જેમનામાં જ્ઞાનને આત્મસાત કરવાની ધીરજ છે, ત્રેવડ છે અને આવડત છે —એમના કામની પ્રશંસા ધીમે ધીમે શરૂ થાય છે અને છેવટે આસમાનની ઊંચાઇઓને આંબે છે. રાતોરાત પ્રખ્યાત થઈ જતા કોઈ પણ ક્ષેત્રના લોકોમાં અને જિંદગીના અંત સુધી જેમનું કામ તરોતાઝા રહે એવા લોકોમાં પાયાનો ફરક હોય છે. અને આ તફાવત શું હોય છે તે વિશે પંડિત જસરાજ આપણને શીખવાડતા ગયા. એનો કેવી રીતે અમલ કરવો એ આપણા પર છે. પંડિતજીના ફેવરિટ શબ્દ પ્રયોગથી એમને અંજલિ આપીએ:

જય હો!

આજનો વિચાર

ક્યારેક જો જિંદગી યુદ્ધ જેવી લાગે તો શું કરવાનું? યુદ્ધને માણવાનું.

—અજ્ઞાત

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here