(‘ગુડ મૉર્નિંગ’, ન્યુઝપ્રેમી ડૉટ કૉમ: શુક્વાર, ૬ જૂન ૨૦૨૫)
‘ઑપરેશન સિંદૂર’ 7 મે 2025ના રોજ થયું. આજથી એક મહિના પહેલાં. એ પછી ભારત-પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ થવાની શક્યતા વિશે ચર્ચા- ભવિષ્યવાણીઓ થવા માંડી. આ વિષય પર મેના અંતમાં/ જૂના આરંભે બે મૅગેઝિનોએ કવર સ્ટોરી કરી અરુણ પુરીના ‘ઇન્ડિયા ટુડે’એ અને નગેન્દ્ર વિજયના ‘સફારી’એ. એક અંગ્રેજી વીકલી છે. બીજું ગુજરાતી મન્થલી છે. એકની પાસે તંત્રી વિભાગમાં વાર્ષિક કરોડો રૂપિયા જેમના પગાર પર ખર્ચાય છે એવા ડઝનબંધ પત્રકારો છે. (એ ત્રેવડ કેવી રીતે ઊભી થઈ તે નહીં પૂછતા.) બીજા મૅગેઝિન પાસે માત્ર એક માણસનું લશ્કર છે. બેઉ મૅગેઝિનો થોડા જ દિવસના અંતરે બજારમાં આવે છે-સેઈમ સબ્જેક્ટની કવર સ્ટોરી સાથે. બેઉ વાંચીને તમને ખ્યાલ આવે છે કે ‘ઇન્ડિયા ટુડે’નું વિશ્લેષણ કેટલું ઊભડક, ઉતાવળિયું, છિછરું અને ઊડઝુડિયું છે. ‘સફારી’માં નગેન્દ્ર વિજય બારીકીભર્યા ઊંડાણથી, પૂરી ગંભીરતાથી અને સચોટ દલીલોથી સમજાવે છે. આ કવર સ્ટોરી લખવાની શરૂઆત તો નગેન્દ્રભાઈએ ‘ઇન્ડિયા ટુડે’ સ્ટૉલ પર મૂકાયું તેના કેચલાય દિવસો પહેલાં કરી હશે અને પ્લાનિંગ તો એનાથી પણ પહેલાં કર્યું હશે. નગેન્દ્રભાઈના હાર્ડકોર ચાહકોને ખબર છે કે કોઈપણ મેજર કરન્ટ ટૉપિક પર ‘સફારી’માં એક મહિના પછી પણ વાંચીશું તો એ લખાણ તાજગીભર્યું જ લાગવાનું છે કારણ કે તેમાં મૅરયૉર્ડ કલમ દ્વારા લખાયેલાં મૌલિક અર્થઘટનો વાંચવા મળશે, અટપટી માહિતીઓના ઢગલાને ચાળીને સીધીસાદી રીતે સમજાવવામાં આવશે અને ઑથેન્ટિક હકીકતોને તર્કપૂર્ણ રીતે પેશ કરવામાં આવશે. કોઈ ગુજરાતી સાપ્તાહિકના તંત્રી કે પત્રકારનું ગજું નથી કે એક મહિનો રાહ જોયા પછી પણ આવું લખાણ પીરસીને પોતાના વાચકોને સંપૂર્ણ સંતોષ આપી શકે. ગુજરાતી બાજુએ મૂકો અંગ્રેજીવાળાઓમાં પણ આવો દમ નથી. નગેન્દ્ર વિજય અંગ્રેજીમાં લખતા હોત તો રાષ્ટ્રીય નહીં, આંતરરાષ્ટ્રીય ફલક પર તેઓ પોંખાતા હોત.
‘સફારી’ના 369મા અંકમાં ‘સફારી’ની સફર હવે બંધ થાય છે એવો તંત્રીલેખ પ્રગટ થયા પછી નગેન્દ્રભાઈ તેમ જ ‘સફારી’ વિશે મેં એક લેખ લખવા ધાર્યું હતું, પણ એ લેખ એટલો લાંબો થયો કે મારે એને બે ભાગમાં વહેંચવો પડ્યો, બીજો ભાગ મૂકતી વખતે એમાં થોડાક મુદ્દા ખૂટે છે એમ વિચારીને ઉમેરા લખવાનું શરૂ કર્યું અને એટલા બધા મુદ્દાઓ યાદ આવ્યા કે ત્રીજો લેખ બનાવવો પડ્યો.
૨, ૩ અને ૪ જૂને પ્રગટ થયેલા ત્રણ લેખની સિરીઝ પૂરી થઈ ગઈ છે.
એક દિવસના જાણીજોઈને લીધેલા વિરામ પછી હવે જે લેખ લખી રહ્યો છું તે એ શ્રેણીનો ભાગ નથી, સ્વતંત્ર લેખ છે. એમાં ‘સફારી’ અને નગેન્દ્રભાઈની વાતો આવતી હોવા છતાં કોઈએ આ લેખને પેલી શ્રેણી સાથે સાંકળવો નહીં કારણ કે આમાં ઘણી બધી મારી વાતો, મારી માન્યતાઓ અને મારા અનુભવો આવે છે. માટે કોઈએ એવું વિચારવાની જરૂર નથી કે નગેન્દ્ર વિજય તથા ‘સફારી’ વિશેની લેખશ્રેણીમાં આ બધી વાતો ક્યાંથી આવે. માટે જ આને સ્વતંત્ર લેખ ગણવો, સિરીઝમાંનો ચોથો લેખ ન ગણવો. અને આટલી સ્પષ્ટતા પછી કોઈએ આને સિરીઝનો જ હિસ્સો ગણવો હોય તો ગણે એમાં મારું શું જાય છે?
હં, તો આગળ વધીએ. ‘સફારી’ બંધ થાય છે એવા સમાચાર જાણીને આઘાત પામેલા હજારો નગેન્દ્રપ્રેમીઓમાંના એકની જ હું વાત કરું. બે દિવસ પહેલાં મુંબઈના ઉપનગર જેવા બની ગયેલા થાણેના એક વાચકનો સવારના સાડા છ વાગ્યે મારા ફોન પર મેસેજ આવ્યો. મારા લેખો વાંચીને ‘સફારી’ વિશે તેઓ ચિંતિત હતા, વ્યથામાં હતા એવું સંદેશામાં લખ્યું હતું. સામાન્ય રીતે અજાણ્યા વાચકો સાથે હું ફોન પર કમ્યુનિકેશન ટાળું છું. પણ એમણે વાપરેલા ‘વ્યથા’ શબ્દને કારણે મને અર્જન્સી સમજાઈ અને મેં એમને સાત-સાડા સાતે ફોન કર્યો. નૉર્મલી હું પર્સનલ મિત્રો કે સ્વજનોને પણ ફોન કરું તો સવારે 11 પછી કરું. પણ અહીં વાત જુદી હતી. એમણે મેસેજમાં જે વાત લખેલી તે મારામાં ચાલી રહેલા ઉદાસીના-વ્યથા અને વેદનાના ભાવ સાથે મૅચ થતી હતી. મેં એમને ફોન પર કહ્યું પણ ખરું કે સાહેબ, તમારા જેવી જ માનસિક અવસ્થા મારી છે અને આપણા જેવા બીજા હજારો ‘સફારી’ પ્રેમીઓની, નગેન્દ્રપ્રેમીઓની છે. મેં એમને કહ્યું કે આ સમાચાર જાણ્યા પછી હું ત્રણ રાતથી સૂતો નથી, મારું રૂટિન કામકાજ ખોરવાઈ ગયું છે. મારે ત્રણ પુસ્તકો પૂરાં કરવાનાં છે, ડેડલાઈન નજીક છે, મારા પબ્લિશર્સ બંદૂક લઈને મારી પાછળ દોડી રહ્યા છે પણ મારું મગજ ભમ્મ થઈ ગયું છે, ખોરાક સાવ ઘટી ગયો છે. આખો દિવસ ‘સફારી’અને નગેન્દ્ર વિજયના જ વિચારો આવ્યા કરે છે.
થાણેના વાચકનું નામ ચંપકભાઈ સાલિયા. સદ્ધર કચ્છી વેપારી છે. તેઓ નગેન્દ્રભાઈને રૂ.50,000 મોકલવા માગે છે. આ ઉપરાંત એમના કચ્છી સમાજમાં ટહેલ નાખીને ઘણી મોટી સંખ્યામાં લવાજમો ઉઘરાવવા માગે છે. મેં એમને વસ્તુસ્થિતિ સમજાવી. મારા લેખોને ટાંકીને સમજાવી. એમણે વાંચ્યા જ હતા છતાં ફરી સમજાવ્યું કે ‘સફારી’ને આર્થિક મદદની કે લવાજમોની જરૂર નથી, વાચકોની જરૂર છે. પછી લેખમાં જે ઊદાહરણ ટાંક્યું હતું તે દોહરાવ્યું કે કોઈ ઉદાર અને સખાવતી સ્વભાવની વ્યક્તિ ઑડિટોરિયમની બધી સીટોની ટિકિટો ખરીદીને નાટ્યમંડળીને આર્થિક રીતે મદદરૂપ થાય પણ એમાં જો જોવાવાળા જ ન હોય તો ખાલી ભેંકાર હૉલના તખ્તા પર અભિનેતાને કેવી રીતે પોતાની કળા દેખાડવાની હોંશ થાય? આવકજાવકના બે છેડાઓ તો કેમેય કરીને ભેગા થઈ જાય પણ નગેન્દ્રભાઈએ તંત્રીલેખમાં લખ્યું છે એમ: ‘…વાચકોના અભાવને લીધે વરતાતો ખાલીપો હવે કલમને ચાલવા દેતો નથી…’
ચંપકભાઈને સધિયારો આપતાં મેં કહ્યું કે તમારી વાત હું જરૂર યોગ્ય જગાએ પહોંચાડીશ.
મિત્રો, આગળ વધતાં પહેલાં મારું એક નિરીક્ષણ તમારી સમક્ષ મૂકું. સોશ્યલ મીડિયાનો પ્રભાવ વધવા માંડ્યો તે પછી, છેલ્લાં પંદરવીસ વર્ષ દરમ્યાન, ગુજરાતીના કેટકેટલા દિગ્ગજ આદરણીય પત્રકારો-સાહિત્યકારો–લેખકો-કવિઓને આપણે ગુમાવ્યા છે. સૌના માટે શોક વ્યક્ત થયો છે, પણ ‘સફારી’ના બંધ પડી જવાની ઘટનાના સમાચાર સાંભળીને વિદ્યમાન નગેન્દ્ર વિજયને જીવતેજીવ જે તીવ્ર ટ્રિબ્યુટ્સ મળી રહી છે તે દિવંગત દિગ્ગજોને મળેલી શ્રદ્ધાંજલિઓ કરતાં સોગણી અધિક અને હજારગણી હૃદયસ્પર્શી છે. માણસના મર્યા પછી યોજાતી શોકસભા કે ગુણાનુવાદ સભામાં પણ આટલાં વખાણ નથી થતાં, માણસના જીવતેજીવ તો આટલાં વખાણ નથી જ થતાં. નગેન્દ્રભાઈ વીસ વર્ષ પછી સોમું વર્ષ ઉજવીને આપણી વચ્ચેથી વિદાય લેશે ત્યારે એમના કૉન્ટ્રિબ્યુશન વિશે શું શું બોલાશે, લખાશે અને છપાશે તેની ઝલક એમને પોતાની હયાતી દરમ્યાન જ મળી ગઈ. આ બાબતમાં એ ઘણા સદ્દભાગી ગણાય.
મારે ‘સફારી’ અને નગેન્દ્ર વિજયની વિરુદ્ધ કેટલાક મચ્છરોએ શરૂ કરલા ગણગણાટ વિશે વિગતે વાત કરવી છે. એક એવો નરેટિવ વહેતો મૂકવાની કોશિશ થઈ રહી છે જે ત્રણ ભાગમાં વહેંચાયેલો છે: 1. નગેન્દ્રભાઈની આર્થિક ઉન્નતિ અને ‘સફારી’ની સફળતા 2018માં પિતાથી છુટા પડેલા પુત્ર હર્ષલ પુષ્કર્ણાને આભારી હતી. હર્ષલ ન હોત તો નગેન્દ્રભાઈ દેવામાં ડૂબી ગયા હોત અને ‘સફારી’ ક્યારનુંય પોઢી ગયું હોત એવી છાપ ઉપસાવવાની કોશિશો સેક્યુલર અંડરવર્લ્ડના બૌદ્ધિક માફિયાઓ દ્વારા થઈ રહી છે. 2. બીજો મુદ્દો એવો ઉછાળવામાં આવે છે કે નગેન્દ્ર વિજય તો રાઈટ વિંગના માણસ છે, વિજ્ઞાનના મૅગેઝિનમાં હિંદુ કોમવાદી લખાણો લખતા હતા અને એટલે જ વાચકો એમની સાથે નથી રહ્યા, ‘સફારી’ થી દૂર થઈ ગયા. 3. ત્રીજો બકવાસ એ ચાલે છે કે પિતાપુત્રના સંબંધો વણસ્યા એટલે ‘સફારી’ બંધ પડી ગયું. પિતાએ જો પુત્રને કાઢી ના મૂક્યો હોત તો આજે ‘સફારી’ 75,000માંથી દસ-પંદર હજાર પર પહોંચી જવાને બદલે એક લાખ કૉપીનો ફેલાવો ધરાવતું થઈ ગયું હોત અને નગેન્દ્રભાઈ પચ્ચીસ એકરના ફાર્મ હાઉસમાં સો કરોડનો બંગલો બનાવીને રૉલ્સ રૉયલમાં ફરતા હોત અને એમનો ઘરચાકર મર્સીડિસમાં કોથમીર ખરીદવા જતો હોત.
પોતાને વામપંથના બેતાજ બાદશાહ સમજનારા ડાબેરી ચિરકુટો આ ત્રણેય મુદ્દાઓને ભવિષ્યમાં વધુ ને વધુ આગળ ધપાવવાના જ છે. મારે વિગતે આ વિશે વાત કરીને આ તદ્દન વાહિયાત અને ટોટલી બેપાયાદાર નરેશન કોણે કોણે શરૂ કર્યું, કેવી રીતે શરૂ કર્યું અને ખાસ તો શા માટે શરૂ કર્યું તેની સમજ ‘સફારી’ના વાચકો સમક્ષ તેમ જ નગેન્દ્ર વિજય માટે પૂજ્યભાવ ધરાવતા ગુજરાતીઓ સમક્ષ મૂકવી છે.
આ ઉપરાંત પણ બીજા મુદ્દાઓ છે કે ‘સફારી’એ ડિજિટલ પ્લેટફોર્મ કેમ ના અપનાવ્યું, ‘સફારી’એ શીંગડું કરવું જોઈએ-પૂછડું કરવું જોઈએ-આવું કહેનારા આર્મચૅર સલાહકારો વિશે પણ થોડી વાત કરવી છે.
મને લાગે છે કે મારે હજુ એકાદબે લેખ લખવા પડશે.
ઊભા રહો, લખું છું.
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો