ચાણક્ય નીતિ કહે છે કે શત્રુ સામેથી મદદ કરવા આવે તો પણ એ સ્વીકારવી નહીં : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ: સોમવાર, 6 એપ્રિલ 2020 )

દુનિયા બહુ ક્રૂર છે અને જેવા સાથે તેવા થયા વિના છૂટકો નથી એવું તમને લાગવા માંડે ત્યારે તમારે ફરીફરીને એક જ વ્યક્તિની સલાહ લેવાની. ચાણક્યની.

ચાણક્યનાં કેટલાંક સૂત્રો લોકજીભે છે. એનો રોજબરોજ ઉપયોગ કરનારને ખબર પણ નહીં હોય કે આશરે બે હજાર વર્ષ પહેલાં ચાણક્યે આ સૂત્રો રચ્યાં હતાં. સિંહ ભૂખ્યો થાય તો પણ ઘાસ ખાતો નથી કે લોઢું જ લોઢાને કાપે કે શત્રુનો શત્રુ મિત્ર કે સ્તુતિ દેવોને પણ વહાલી કે મૂર્ખ મિત્ર કરતાં શાણો શત્રુ વધારે સારો જેવાં ઑલટાઈમ ગ્રેટ સુવાક્યો પરનો કૉપીરાઈટ ચાલુ હોત તો આજે ચાણક્યના વારસદારો ભારતના સૌથી ધનિક નાગરિકો હોત.

પત્નીએ પતિને વશ રહેવું કે સ્ત્રીનો વિશ્વાસ ક્યારેય ન કરવો એવાં અનેક ચાણક્ય સૂત્રો આજના વખત માટે અપ્રસ્તુત છે. આ કે આવાં કેટલાંક સૂત્રોની અવગણના કરીએ તો બીજો ઘણો મોટો ખજાનો ચાણક્ય પાસેથી તમને પ્રાપ્ત થાય. ચાણક્ય આજની તારીખે જીવતો હોત તો મલ્ટિનેશનલ કંપનીઓના મૅનેજમેન્ટ ક્ન્સલ્ટન્ટથી માંડીને પ્રાઈમ મિનિસ્ટરના પોલિટિક્લ ઍડવાઈઝર સુધીના જૉબ એના માટે ખુલ્લા હોત. અને સાઈડમાં ચિંતક-વિચારક તરીકેનાં એનાં પ્રવચનો ગોઠવવા માટે લાયન્સ-જાયન્ટ્સ-રોટરી અને ગુજરાતી જ્ઞાતિઓનાં સોશ્યલ ગ્રુપ્સ એની કુટિરની બહાર લાઈન લગાવતાં હોત.

ચાણક્યે કૌટિલ્યના નામે અર્થશાસ્ત્રનો ગ્રંથ લખ્યો જેનો અંગ્રેજી અનુવાદ પૅન્ગિવિન જેવી આંતરરાષ્ટ્રીય પ્રકાશન સંસ્થાના બેસ્ટ સેલર્સના લિસ્ટ પર કંઈ કેટલાય વખતથી છે. ચાણકયને કેટલાક લોકો અનૈતિક અને સ્વાર્થી વાતોના પ્રચારક તરીકે ઓળખે છે. ચાણકયનાં સૂત્રોને જોવાનો એ એક દૃષ્ટિકોણ છે. દુનિયામાં તમે જેવા સાથે તેવા થવા માગતા હો ત્યારે ચાણકય તમને અન્એથિકલ કે ઈમ્મોરલને બદલે પ્રૅક્ટ્કિલ વધુ લાગશે. પોતાનું કે પોતાના રાષ્ટ્રનું હિત સાચવવાની સલાહને સ્વાર્થી બનવાની સલાહ કોઈ ગણતું હોય તો ભલે ગણે. ચાણકયના બે હજાર વર્ષ બાદ થઈ ગયેલી અમેરિકન વિદુષી ઍય્ન રૅન્ડ (‘ધ ફાઉન્ટનહેડ’ અને ‘એટલસ શ્રગ્ડ’ નૉવેલ્સ ફેઈમ) એ ‘ધ વર્ચ્યુ ઑફ સેલ્ફિશનેસ’ પુસ્તક નથી લખ્યું?

ખૂબ બધાં કામ ચડી ગયાં હોય ત્યારે પ્રાયોરિટી કયા કામને આપવી એની સૂઝ નથી પડતી. ચાણકય આ મૂંઝવણનું સિમ્પલ સૉલ્યુશન આપે છે: જે કામમાંથી સૌથી વધુ ફાયદો થવાનો હોય તે સૌથી પહેલાં કરવું.

ક્યારેક લાગે કે આ બધાં જ કામ નકામાં છે, કશામાંથી ફાયદો થાય એમ નથી તો શું કરવું? એ માટે ચાણક્યને પૂછવા જવાની જરૂર નથી. પોતાનો ફાયદો જેમાં ન થતો હોય એવાં કામ કરવાની કશી જરૂર નથી એવું કોઈ પણ ગુજરાતી તમને કહેશે. ઑન અ સીરિયસ નોટ, જે કામ ન કરવાથી સૌથી મોટું નુકસાન થઈ શકે એમ હોય તે પહેલાં કરવું.

કેટલીક વાર તમને નવાઈ લાગે એટલી હૂંફાળી વર્તણૂક તમારા શત્રુઓ કે અપરિચિતો દેખાડે છે. એમની આ મતલબી ઘનિષ્ઠતા વિશે ચાણક્ય વારંવાર લાલબત્તી ધરે છે. અનેક સૂત્રોમાં ફેરવી ફેરવીને આ વાત એ આપણા દિમાગમાં ઠસાવવા માગે છે કે શરાબીના હાથે દૂધનો પ્યાલો પીવો નહીં, એમાં શરાબ હોવાની શક્યતા નકારી શકાય નહીં. દુષ્ટો ચાલાક હોય છે, તમને મદદ કરવા માટે લંબાયેલો એમનો હાથ કયારે તમારું ગળું પકડી લે એ કહેવાય નહીં. કોઈ વ્યક્તિ તમારું વધુ પડતું સન્માન કરવા લાગે કે અચાનક લળીલળીને વાત કરવા લાગે તો તમારે સાવધ થઈ જવું. આ દેખાડુ નમ્રતા પાછળ નક્કી એનો સ્વાર્થ હોવો જોઈએ.

કોઈ પણ કાર્ય કરતી વખતે અગાઉ ક્યારેક પણ જેની સાથે દુશ્મનાવટ થઈ ચૂકી હોય એવી વ્યક્તિની મદદ ન લેવાય એવું ચાણક્યે ગાઈબજાવીને કહ્યું છે. સામેથી સપોર્ટ આપવા આવે તો પણ નો, થૅન્ક યુ કહીને એને પાછો કાઢવાનો. કારણ કે એ તમને એટલા માટે ટેકો આપવા માગે છે કે કાલ ઊઠીને તમે એના સહારે હો ત્યારે એ ટેકો ખસેડીને તમને પાડી નાખવાની એને તક મળે અને જૂના હિસાબોની વસૂલી થઈ જાય.

ચાણક્યની બીજી એક વાત ખાસ યાદ રાખવાની કે કોઈ માણસ તમારી પાસે કશું માગવા આવે તો એની ઉપેક્ષા કરવી નહીં. એ વખાનો માર્યો હશે તો જ તમારી સામે હાથ લંબાવીને ઊભો હશે. નસીબે એને ઝાપટો મારી હોય ત્યારે એને સહાય કરવાને બદલે એનું અપમાન કરીને એની હેરાનગતિમાં ઉમેરો કરવાની ભૂલ ક્યારેય કરવી નહીં. પણ અહીં ચાણક્યના આ સૂત્ર સાથે અન્ય સૂત્રો પણ મૂકવાં જરૂરી છે. કાયદામાં જેમ ફલાણી કલમને ઢીંકણી કલમના સંદર્ભમાં વાંચવાની હોય એવું જ કંઈક અહીં પણ છે. મદદ માગનારને તરછોડવો નહીં એવી સલાહ સામે ચાણક્યે અગાઉ એમ પણ કહ્યું છે કે નીચ કે દુષ્ટ માણસ પર ક્યારેય ઉપકાર કરવો નહીં. સાપને દૂધ પિવડાવવાથી એનામાં રહેલા ઝેરની જ વૃદ્ધિ થાય છે. (જોકે, સાપ દૂધ પીતો જ નથી એવું સ્વ. વિજયગુપ્ત મૌર્ય પચાસ વખત લખી ગયા, છતાં આપણામાંથી એ અંધશ્રદ્ધા ગઈ નથી.) દુષ્ટ પર ઉપકાર કરવાનો વિરોધ કરતાં ચાણક્ય કહે છે કે એવા માણસોને આપણે કરેલા તમામ ઉપકાર ઓછા લાગે છે અને એટલે એ આપણા ઉપકારને પોતાનું અપમાન સમજી બેસે છે. માટે એવા લોકોને મદદ કરવાથી દૂર જ રહેવું. ટૂંકમાં યાચકની અપેક્ષા સંતોષતાં પહેલાં તમારી કોઠાસૂઝ અને તમારા પૂર્વાનુભવથી જાણી-પારખી લેવું કે તમારું દાન, તમારી મદદ સુપાત્રે જાય છે કે કુપાત્રે.

ચાણક્ય કહે છે કે શત્રુની સાથે ગમે તેવી દુશ્મનાવટ થઈ હોય તોય એની આજીવિકા નષ્ટ ન કરવી. કોઈ પણ વ્યક્તિને ભીંતસરસી ધકેલી દેવાથી, એની પાસેથી તમામ દિશાઓ છીનવી લેવાથી, એ જીવ પર આવીને, મરણિયો બનીને તમારા પર હુમલો કરશે. પોતાનામાં રહેલી તમામ તાકાત નિચોવીને હુમલો કરશે. બમ્બૈયા હિન્દીમાં એને મરતા ક્યા નહીં કરતા ફિનોમિનન કહેવાય છે, તમે શત્રુની રોજીરોટી પણ છીનવી લેશો તો એ આજે નહીં તો દસ વર્ષે એનો બદલો લેશે જ. એવા ઘણા બધા દાખલા આપણી આસપાસ પડ્યા છે. તો હવે ધ્યાન રાખવું.

બીજું, એરંડા જેવાં તકલાદી વૃક્ષોનો સહારો લઈને હાથીને ક્રોધિત ન કરવો. મહાશક્તિશાળી સામે બાંયો ચડાવવી હોય તો પહેલાં તપાસી લેવું કે એવો જ શક્તિશાળી ટેકો તમને છે કે કેમ? હાથીને ગુસ્સે કર્યા પછી છુપાઈ જવાનું આવે ત્યારે એરંડા કરતાં વટવૃક્ષની આડશ વધારે ઉપયોગી નીવડતી હોય છે. સાચી વાત? બિલકુલ સાચી વાત.

કોઈ કંઈક પૂછે તો એનો ફટ દઈને જવાબ ન આપી દેવાય. પ્રશ્ન પાછળનો હેતુ શું છે તે વિચારવું. પ્રશ્ન કર્તાની દાનત તપાસવા તમારે પ્રતિપ્રશ્ન કરવો. શઠ લોકોની આદત હોય છે કે નિર્દોષ લાગતા સવાલો પૂછીને પોતાની ધાર્યી વિગતો કઢાવી લેવી. માટે જ ચતુર લોકો સીધો જવાબ આપવાને બદલે મોઘમ ઉત્તર આપીને વણબંધાયેલા રહે છે. આ સલાહ ચાણક્યે રાજનીતિના સંદર્ભમાં આપી છે. રોજિંદા વ્યવહારમાં પણ ઘણા એનો અમલ કરે છે.

ચાણક્યના કયા વિચારોને જીવનમાં ઉતારવા અને કયા છોડી દેવા એનો નિર્ણય વાંચનારે પોતે કરવાનો. ચાણક્યની ડહાપણભરી વાતોમાં હજુ રસ પડે છે? તો આવતી કાલે હજુ બીજી થોડી વાતો.
• • •

2 COMMENTS

  1. શ્રી સૌરભભાઈ,
    અદભુત વાણી આપની. આપે સેવાનુ બિડું ઉઠાવેલ લાગે છે. ફ્રી ડાઉનલોડ ઉપલબ્ધ કરાવી આપવા બદલ આપનો ધન્યવાદ. આવા અલભ્ય પુસ્તકો વાંચી ચોક્કસ નવો ચાણક્ય આ દેશના હિતમાં પેદા થશે. હાલ તો, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીમાં ચાણક્યનીતિ નાં દર્શન થાય છે.રાષ્ટ્ર પ્રથમ અને રાષ્ટ્ર જ માતા પિતા એ સૂત્ર જો સામાન્ય માનવી સમજી જાય તો ભારત વિશ્વગુરુ બનશે.
    ” मैं रहूं या ना रहूं पर भारत रहना चाहिये।જય ભારત.વંદે માતરમ્.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here