ક્લાસ અને માસ: લોકપ્રિયતા તથા ગુણવત્તા: સૌરભ શાહ

શું લોકપ્રિયતા કોઈ ચીપ, છીછરી ચીજ છે? અને શું જે વાત બહુજન સમાજ એટલે કે માસીસ સુધી, આમ પ્રજા સુધી ન પહોંચે પણ અમુક ગણ્યાગાંઠ્યા લોકો સુધી જ પહોંચે તે વાત આપોઆપ ઉચ્ચ કક્ષાની થઈ જાય? ક્લાસ બની જાય?

આ બે મુદ્દાઓને એક કરતાં વધારે પાસાં છે. જે લોકો કળામાં અર્થાત્ સાહિત્ય-સંગીત-ચિત્રકળા-નૃત્ય-ફિલ્મ-નાટક-કટારલેખન વગેરેમાં લોકપ્રિય થઈ શકતા નથી તેઓ લોકપ્રિયતાને ઉતારી પાડે છે. જેઓ આ ક્ષેત્રોમાં લોકચાહના મેળવી રહ્યા હોય તેઓ ચીપ કામ કરી રહ્યા છે એવું માને છે અને બીજાને મનાવવાની કોશિશ કરે છે.

પહેલી વાત તો એ સમજી લેવી જોઈએ કે ક્વૉલિટીવાળું કામ પણ લોકપ્રિય થઈ શકતું હોય છે, પરંતુ જે કંઈ લોકપ્રિય થયું હોય એ બધું જ કામ ક્વૉલિટીવાળું હોય તે જરૂરી નથી. અર્થાત્ કચરપટ્ટી કક્ષાનું કામ પણ લોકપ્રિય થતું હોય છે. અગેઈન, જે કંઈ લોકપ્રિય થતું હોય તે બધું જ કામ કંઈ કચરપટ્ટી કક્ષાનું હોતું નથી. તારણ એ કાઢવાનું કે લોકપ્રિયતા મેળવનારા સર્જકો બે પ્રકારના હોય – એક, ક્વૉલિટી કામ કરનારા અને બે, કચરપટ્ટી કામ કરનારા.

હવે આની સામેના છેડે જઈને જોઈએ. જે લોકો લોકપ્રિય નથી થતા માત્ર ગણ્યાગાંઠ્યા લોકોમાં જ પુછાય છે તેઓ બધા શું આપોઆપ ક્લાસી છે એવું કહી શકાય? એમની ગુણવત્તા એટલી બધી ઊંચી છે કે આમ જનતાની એમાં ચાંચ ડૂબી શકતી નથી એવું સર્ટિફિકેટ આવા લોકોને આપોઆપ મળી જાય? ના. આ કેટેગરીમાં પણ કચરપટ્ટી કામ કરનારા હોય જ છે. કદાચ લોકપ્રિયતાવાળી કેટેગરી કરતાં અહીં પર્સન્ટેજ પ્રમાણે ગણીએ તો વધારે લોકો કચરપટ્ટી કામ કરનારા હોય છે અને જ્યારે એમનું ‘સી’ ગ્રેડ કામ લોકો વખોડે છે ત્યારે તેઓ મિયાં પડ્યા પણ ટંગડી ઊંચીના ન્યાયેે કોલર ઊંચા રાખીને ફરતા રહીને કહ્યા કરે છે કે ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે? (અહીં ખાખરા એટલે જીરાળું કે મેથીના મસાલા સાથે ખવાતા ખાખરા નહીં પણ ખાખરના ઝાડનાં પાન, જેમાંથી પડિયા-પતરાળાં બને. હવે, નવી જનરેશનને કેવી રીતે સમજાવવું કે પડિયા-પતરાળાં કઈ બલા છે? વેલ, ધે આર ડિસ્પોઝેલ ઍન્ડ બાયો ડિગ્રેડેબલ ડિશીઝ ઍન્ડ બોલ્સ વિચ અવર ફોરફાધર્સ યુઝ્ડ નાતનું જમણ … જવા દો, યાર. નહીં ફાવે).

જે લોકોને ક્વૉલિટી કામ કરતાં નથી આવડતું અને એમના એવા નબળા કામને લીધે તેઓ ખૂબ બધા લોકો સુધી પહોંચી શકતા નથી એવા સાહિત્યકારો, નાટ્યકારો, ફિલ્મકારો, વગેરેકારો લોકપ્રિયતાને વખોડતા રહે છે, લોકપ્રિયતા તો ચીપ મીન્સથી-છીછરાં કામ કરીને જ મળતી હોય છે એવી ભ્રમણા ફેલાવતા રહે છે.

પણ આપણે જોયું છે કે સારું-ઊંચી કક્ષાનું કામ કરીને ટોચની લોકપ્રિયતા મેળવી જ શકાતી હોય છે. હવે આનો ગેરલાભ કોણ લે છે? એવા લોકો જેઓ છીછરાં-ચીપ સર્જનો કરીને લોકપ્રિયતા મેળવે છે તેઓ. એ લોકો પોતાની લોકપ્રિયતાને ક્વૉલિટેટિવ કામ કરનારાઓની સાથે સરખાવતા થઈ જાય છે અને માનવા માંડે છે કે અમે બંને સરખાં છીએ. હૃષિકેશ મુખર્જી અને ડેવિડ ધવન બેઉ આદરણીય સર્જકો, બેઉ લોકપ્રિય પણ બેઉની કક્ષા કે ગુણવત્તા એકસરખી નથી આ સમજવાનું છે. તેરે બિના ઝિંદગી સે શિકવા અને ચાર બજ ગયે ફિર ભી પાર્ટી અભી બાકી હૈ – બેઉ ગીતો લોકપ્રિય અને બેઉના સર્જકોને સલામ પણ બેઉની ગુણવત્તા એકસરખી નથી. શરદચંદ્રની નવલકથાઓ અને ગુલશન નંદાની નવલકથાઓ બેઉ પોપ્યુલર અને બેઉ મોટા ગજાના લેખકો પણ કક્ષા બેઉની સરખી નથી. આવા તો કેટલાય દાખલા સર્જનના એ કળાના દરેક ક્ષેત્રમાં તમે આપી શકો.

એ જ રીતે જેઓ લોકપ્રિય નથી, માસીસના માણસ નથી એવા બધા સર્જકોનું સર્જન એકસરખી કક્ષાનું નથી હોતું. આમાંના કેટલાક સર્જકો ખરેખર ઉચ્ચ કક્ષાનું સર્જન કરી ગયા પણ એકાધિક કારણોસર લોકપ્રિય ન બન્યા. આમાંના બીજા ઘણા સર્જકો સાવ ઊતરતી કક્ષાનું સર્જન કરી ગયા અને લોકો સુધી વાજબી રીતે જ ન પહોંચી શક્યા. સિન્સ આ બેઉ પ્રકારના સર્જકો લોકપ્રિય ન થયા એટલે એ બંનેનું સર્જન સરખી કક્ષાનું છે એમ કહીને બેઉને વખાણી (કે વખોડી) શકાય નહીં. વખાણાય એમને જ જેમની ક્વૉલિટી ઉચ્ચ કક્ષાની છે.

આપણી આસપાસની દુનિયામાં ક્લાસ અને માસ વચ્ચેની ક્વૉલિટી માત્ર લોકપ્રિયતાના માપદંડે જોખાય તે ખોટું છે. જે લોકપ્રિય છે તે બધું જ ચીપ છે એવી વાયકા કોણે વહેતી કરી હશે? જેઓ પોતાને ક્લાસમાં ગણાવે છે અને ઊતરતી કક્ષાનું સર્જન કરે છે એમણે.

કળાનાં તમામ માધ્યમોમાં થતાં સર્જનને પારખવા માટેનો માપદંડ માત્ર લોકપ્રિયતા ન હોઈ શકે, લોકપ્રિયતામાં ગુણવત્તા પણ ઉમેરાયેલી હોવી જોઈએ. અને સાથોસાથ, જે લોકપ્રિય નથી એ બધું જ સર્જન ઉચ્ચ કક્ષાનું છે, આમ પ્રજાની સમજણ બહારનું છે, ક્લાસ છે એવું પણ માની લેવું નહીં. નાટકની ભાષામાં કહીએ તો પ્રાયોગિક રંગમંચ પર ભજવાતું બધું જ ઉચ્ચ કક્ષાનું હોય અને કૉમર્શ્યલ રંગભૂમિ પર ભજવાતું બધું જ નિમ્ન કક્ષાનું હોય એવું માનીને ચાલવું નહીં.

‘… આણિ ડૉ. કાશીનાથ ઘાણેકર’ નામની મરાઠી ફિલ્મમાં એક લાઈન આવે છે કે : “તાળીઓ મા સરસ્વતીએ આપેલો શાપ છે.”

આ વાત સાથે આપનો વિશ્ર્વાસુ ક્યારેક સહમત છે અને ક્યારેક સહમત નથી. આ સ્પષ્ટતા મારા પોતાના મનમાં સર્જાઈ જે તમારી સાથે વહેંચી.

પાન બનાર્સવાલા

પરિસ્થિતિઓ પર ભલે મારો કાબુ ના હોય, પણ એ સંજોગોમાં મારે શું કરવું અને શું ન કરવું એના પર મારો સંપૂર્ણ કાબુ છે.

-અજ્ઞાત

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

1 COMMENT

Leave a Reply to Rekha Shah Cancel reply

Please enter your comment!
Please enter your name here