સલાહ માગનાર વ્યક્તિ તમારા કરતાં સમજણમાં ઓછી છે એવું માનવાની ભૂલ ક્યારેય ન કરવી : સૌરભ શાહ

કોઈ પણ વ્યકિતને સામે ચાલીને તો સલાહ ન જ આપવી, કોઈ માગણી કરે તોય શિખામણ આપતા પહેલાં બે વાર વિચાર કરવો.

સલાહ, અભિપ્રાય અને માર્ગદર્શન પણ શિખામણના ભાઈભાંડુ છે, ફરક એટલો કે તેઓ થોડા વધુ રૂપાળાં છે. તમારી જગ્યાએ હું હોઉં તો હું આમ કરું અને આમ ન કરું—કોઈકના જીવનમાં ચંચુપાત કરવા માટેનો વિઝા આ વાક્યમાં છે.

અહીં આવી શિખામણની વાત નથી. કોઈ સામેથી, ખરા હ્રદયથી અને પૂરા વિશ્વાસ સાથે તમને કહે કે તમે મારા વતી નિર્ણય લો ત્યારે તમારે શું કરવાનું?

નિર્ણય લેવાને બહાને એ વ્યક્તિ પર જોહુકમી ચલાવવાની? કે પછી સામેવાળી વ્યક્તિની ભાવના સમજીને તમારે તમારાં નિરીક્ષણો રજૂ કરી પાછળ હટીને એને જે કરવું હોય તે કરવા દેવાનું?

પોતે કરવા ધારેલા નિર્ણયને સમર્થન મળે અથવા તો ન કરવા ઇચ્છતા નિર્ણયથી દૂર રહેવાનું બળ મળે તે માટે વ્યક્તિ બીજાઓ પાસે સલાહસૂચન, માર્ગદર્શન, શિખામણ માગે છે.

સલાહ-શિખામણની જરૂર પડે છે મનની અનિર્ણયાત્મક પરિસ્થિતિ વખતે. મન ડહોળાયેલું લાગતું હોય ત્યારે, કશું જ સ્પષ્ટ ન દેખાતું હોય અથવા તમામ વિકલ્પ સારા કે તમામ વિકલ્પ નઠારા જણાતા હોય ત્યારે, કોઈ દબાણ હેઠળ અણગમતા નિર્ણયો કરવા પડે ત્યારે.

આવા સમયે એક બાજુ મન પોતે કરવા ધારેલા નિર્ણયને વળગી રહેવા માગતું હોય છે પણ વ્યવહારુ અક્કલ મજબૂરીને કારણે લેવાઈ રહેલા નિર્ણયો તરફ વળી જાય છે.

આ સતત ચાલી રહેલા દ્વંદ્વનો અંત લાવવાની શક્તિ વ્યક્તિના પોતાનામાં હોય છે જ, પણ આ પ્રકારના અત્યંત વલ્નરેબલ પ્રસંગોએ એ શક્તિ ઢંકાઈ જાય છે. બેઉ વિરોધાભાસી વિચારોને જોખી-તોળી જોવાની વૃત્તિને ક્યારેક લોકો અનિર્ણાયક મનોદશા ગણીને નકારાત્મક વૃતિ તરીકે ખપાવી દે છે.

પોતે કરવા ધારેલા નિર્ણયને સમર્થન મળે અથવા તો ન કરવા ઇચ્છતા નિર્ણયથી દૂર રહેવાનું બળ મળે તે માટે વ્યક્તિ બીજાઓ પાસે સલાહસૂચન, માર્ગદર્શન, શિખામણ માગે છે. મારે શું કરવું એની મને સમજ પડતી નથી એવું કોઈ તમને કહે ત્યારે માની લેવાનું કે એણે નક્કી તો કરી નાખ્યું છે કે શું કરવું પણ એ કરવા આડેનાં વિધ્નો કેવી રીતે દૂર કરવા એ માટેની અથવા તો એ વિધ્નો દ્વારા સર્જાનારાં જોખમોને કેવી રીતે સહન કરી લેવા એ માટેની સલાહ તમારી પાસે માગવામાં આવે છે. આટલી વાત સમજવી બહુ જરૂરી છે. ખરી દ્વિધા હું આમ કરું કે તેમ કરું-ની નથી હોતી. હું આમ જ કરવા માગું તો એમાં કઈ રીતે આગળ વધવું એ સલાહ પૂછવામાં આવતી હોય છે.

કોઈ તમારી પાસે આવીને સલાહ માગે, ત્યારે તમને આપોઆપ તમારું સ્ટેટસ વધી ગયેલું લાગે છે. તમે આવનાર વ્યક્તિને, એ જે મુદ્દો ચર્ચવા માગે છે તેના વિશે જ નહિ પરંતુ એણે બૂટને પૉલિશ કેટલા દિવસે કરવી જોઇએ તે વિશે પણ બે શબ્દો કહેવાની લાલચ રોકી શકતા નથી. જ્યોતિન્દ્ર દવેના ‘મુરબ્બી’ બનવાની અભિલાષા દરેક વ્યક્તિમાં છુપાયેલી હોય છે.

સલાહ માગનાર વ્યક્તિ સમાજમાં કે અક્કલમાં કે પુખ્તતામાં કે અનુભવમાં તમારા કરતા ઊણી છે એવું માનવાની ભૂલ ક્યારેય ન કરવી. તમે એ વિષયના નિષ્ણાત કન્સલ્ટન્ટ છો એટલે મોંઘી ફી આપીને તમારી સલાહ લેવા કોઈ નથી આવતું. તમે એના પરિચિત અથવા મિત્ર અથવા આત્મીય છો એટલે એ આવે છે.

જેમને તમે નજીકથી જાણો છો એવી વ્યક્તિ તમારી શિખામણ માગે ત્યારે હાઈવે પર આવતા ચાર રસ્તા પરના દિશાસૂચક પાટિયાંઓને યાદ કરીને એ વ્યક્તિને માહિતી આપી દેવાની કે એ જે પરિસ્થિતિમાં છે ત્યાંથી એ કઈ કઈ દિશામાં જઈ શકે છે, કઈ દિશામાં કયાં કયાં સ્થળો આવેલાં છે અને એ દરેક સ્થળ અહીંથી કેટલું દૂર છે.

સામેથી કોઈ શિખામણ લેવા આવ્યું છે એટલે જે બાબતે શિખામણ આપવાની હોય એ બાબત ઉપરાંત એના જીવનની બાગડોર હાથમાં લઈ લેવાની લાલચ થઈ આવે તો એવી લાલચ પર લગામ નાખવી. અનિર્ણયમાં ફસાયેલી વ્યક્તિ પરાધીનતા મહેસૂસ કરે છે. એ પોતાનું માનસિક સ્વાતંત્ર્ય મેળવવાની કોશિશમાં તમારી પાસે આવીને સલાહ માગે છે અને તમે એના સમગ્ર જીવનને જાણે કાબૂમાં લઈ લેવા માગતા હો એવું વર્તન કરી એને સાવ જ ગુલામ બનાવી દેવાનું કેવી રીતે વિચારી શકો?

સામેથી સલાહ માગવા આવનાર અપરિચિત વ્યક્તિને સલાહ આપવા બેસી જવાય નહીં. એ કામ વ્યવસાયી સાઈક્યાટ્રિસ્ટ અથવા કાઉન્સેલરોનું. તમારી પાસે અપરિચિત વ્યક્તિને પ્રશ્નો કરીને એ મુદ્દાને લગતી તમામ માહિતી મેળવી લેવાની નિપુણતા કે આવડત ન હોય, એટલો સમય પણ ન હોય. જેમને તમે નજીકથી જાણો છો એવી વ્યક્તિ તમારી શિખામણ માગે ત્યારે હાઈવે પર આવતા ચાર રસ્તા પરના દિશાસૂચક પાટિયાંઓને યાદ કરીને એ વ્યક્તિને માહિતી આપી દેવાની કે એ જે પરિસ્થિતિમાં છે ત્યાંથી એ કઈ કઈ દિશામાં જઈ શકે છે, કઈ દિશામાં કયાં કયાં સ્થળો આવેલાં છે અને એ દરેક સ્થળ અહીંથી કેટલું દૂર છે.

સલાહ માગનાર વ્યક્તિ પોતે પોતાની દિશા પસંદ કરીને એ દિશાએ આવતું સ્થળ નક્કી કરી શકે. તમારા સૂચન મુજબનું જ એ સ્થળ હોય તે જરૂરી નથી. એવો આગ્રહ પણ ન હોય. હાઈવે પર કાર ચલાવતો મુસાફર આવા જંકશન પર ઘડી ભર ઊભો રહીને અનેકમાંનો એક વિકલ્પ પસંદ કરે તો બાકીના વિકલ્પસૂચક પાટિયાઓએ માઠું લગાડવાનું ન હોય અને આને કારણે બાકીના પાટિયાઓની ઉપયોગિતામાં રજમાત્રનો ઘટાડો નથી થતો.

પછી જે રસ્તો પસંદ થાય તેના પર બને એટલી રોડ સાઈન્સ મૂકી આપવાની. આગળ ડાબી તરફનો વળાંક છે, બમ્પર આવે છે, રેલવેનો ચોકીદાર રહિત ફાટક છે, પુલ છે, રસ્તો સાંકડો છે, વેગમર્યાદા છે ઇત્યાદિ. સલાહ લેનારી વ્યક્તિએ આ ટ્રાફિક સાઈન્સની મનોમન નોંધ રાખવાની હોય. સલાહ આપનારી વ્યક્તિએ આવી દરેક સાઈન મૂકતી વખતે બૂમાબૂમ કરીને ધ્યાન દોરવાનું ન હોય.

અને છેલ્લે, એ માર્ગ પર અમુક અંતરે માઈલસ્ટોન્સ મૂકી આપવાના જેથી વ્યક્તિને ખબર પડે કે પોતે કેટલી આગળ વધી રહી છે. આ માઈલસ્ટોન્સની સદંતર અવગણના એણે કરવી હોય તો એ એની મરજી.

તમારે આમ જ કરવું અને આમ તો બિલકુલ જ ન થાય એવાં અંતિમવાદી વચનો સલાહ આપનારના મોઢામાં ન શોભે. તમે આમ પણ કરી શકો, ધારો તો આમ પણ થઈ શકે એવા ખુલ્લાંત (ઓપન એન્ડેડ) વિકલ્પો સૂચવી શકાય.

સાચી રીતે અને સારી રીતે સલાહ આપ્યા પછી કેટલીક વાર શિખામણ માગનાર વ્યક્તિની જ નહીં શિખામણ આપનારની પણ વણકહી સમસ્યાઓ આપમેળે ઊકલી જતી હોય છે.

સલાહ વિશેની એક છેલ્લી સલાહ.

દુનિયા બહુ ક્રૂર છે અને જેવા સાથે તેવા થયા વિના છૂટકો નથી એવું લાગવા માંડે ત્યારે ફરીફરીને એક જ વ્યક્તિની સલાહ લેવાની —ચાણક્યની.

ખૂબ બધાં કામ ચઢી ગયાં હોય ત્યારે પ્રાયોરિટી કયા કામને આપવી એની ઘણી વખત સૂઝ પડતી નથી. ચાણક્ય સહેલો ઉકેલ આપે છે: જે કામમાંથી સૌથી વધુ ફાયદો થવાનો હોય તે સૌથી પહેલાં કરવું.

તદ્દન સીધી વાત છે.

અને ક્યારેક લાગે કે આ બધાં નકામાં કામ છે, કશાંમાંથી ફાયદો થાય તેમ નથી તો શું કરવું?

એ માટે ચાણક્યને પૂછવા જવાની જરૂર નથી. પોતાનો ફાયદો જેમાં ન થતો હોય એવાં નકામાં કામ કરવાની કશી જરૂર નથી એવું કોઈ પણ ગુજરાતી તમને કહેશે.

કેટલીક વાર તમને નવાઈ લાગે એટલી હૂંફાળી વર્તણૂક તમારા શત્રુઓ કે અપરિચિતો દેખાડે છે. એમની આ મતલબી ઘનિષ્ઠતા વિશે ચાણક્ય વારંવાર લાલબત્તી ધરે છે. અનેક સૂત્રો દ્વારા આ વાત એ આપણા મગજમાં ખોસવા માગે છે કે શરાબીના હાથે દૂધનો પ્યાલો પીવો નહીં.

દુષ્ટો ચાલાક હોય છે, તમને મદદ કરવા માટે લંબાયેલો એમનો હાથ ક્યારે તમારી ગળચી પકડી લેશે એ કહેવાય નહીં. કોઈ વ્યક્તિ તમારું વધું પડતું સન્માન કરવા લાગે કે લળીલળીને વાત કરવા લાગે તો તમારે સાવધ થઈ જવું, આવી દેખાડુ નમ્રતા પાછળ નક્કી એનો સ્વાર્થ હોવો જોઈએ.

કોઈ કંઈક પૂછે તો ફટ દઈને એનો જવાબ ના આપી દેવાય. પ્રશ્ન પાછળનો હેતુ શો છે તે વિશે વિચારવું.

કોઈ પણ કાર્ય કરતી અગાઉ ક્યારેક પણ જેની સાથે દુશ્મનાવટ થઈ ચૂકી હોય એવી વ્યક્તિની મદદ ના લેવાય એવું ચાણક્યે ગાઈબજાવીને કહ્યું છે.

ચાણક્યની બીજી એક સલાહ પણ ખાસ યાદ રાખવાની કે કોઈ પણ માણસ તમારી પાસે કશું માગવા આવે ત્યારે એની ઉપેક્ષા કરવી નહીં. એ વખાનો માર્યો હશે તો જ તમારી પાસે હાથ લંબાવતો હશે. નસીબે એને ઝાપટો મારી હોય ત્યારે એને સહાય કરાઅને બદલે એનું અપમાન કરીને એની હેરાનગતિમાં ઉમેરો કરવાની ભૂલ ક્યારેય કરવી નહીં.

ચાણક્ય કહે છે કે શત્રુની સાથે ગમે તેવી દુશ્મનાવટ હોય તોય એની આજીવિકા નષ્ટ ના કરવી.

કોઈ પણ વ્યક્તિને ભીંતસરસી ધકેલી દેવાથી, એની પાસેથી તમામ દિશાઓ છીનવી લેવાથી, એ જીવ પર આવીને તમારા પર હુમલો કરશે. તમે શત્રુની રોજીરોટી છીનવી લેશો તો એ આજે નહીં પણ દસ વર્ષે એનો બદલો લેશે જ.

કોઈ કંઈક પૂછે તો ફટ દઈને એનો જવાબ ના આપી દેવાય. પ્રશ્ન પાછળનો હેતુ શો છે તે વિશે વિચારવું. પ્રશ્નકર્તાની દાનત તપાસવા તમારે પ્રતિપ્રશ્ન કરવો. શઠ લાગતા લોકોની આદત હોય છે કે નિર્દોષ લાગતા સવાલો પૂછીને પોતાની ધારી વિગતો કઢાવી લેવી. માટે જ ચતુર લોકો સીધો જવાબ આપવાને બદલે મોઘમ ઉત્તર આપીને વણબંધાયેલા રહે છે. આ સલાહ ચાણક્યે રાજનીતિના સંદર્ભમાં આપી છે. રોજિંદા વ્યવહારમાં પણ ઘણા એનો અમલ કરે છે.

ધન વિશે ચાણક્યે કહ્યું છે કે માણસ પોતે અમર છે એમ માનીને એણે ધનનો સંગ્રહ કરવો જોઈએ. અર્થાત્ ‘આજે નહીં તો કાલે, મરવાનું તો નિશ્ચિત છે. ક્યાં આ બધી લક્ષ્મી છાતીએ બાંધી લઈ જવાની છે’ એવા વિચારો કરીને માણસે ઉદ્યમ કરવામાં આળસ કરવી નહીં. પૂરતા ધન વિના, જો વૃદ્ધાવસ્થા લંબાય તો, જીવન આકરું બની જાય છે.

ચાણક્ય માને છે કે ચતુર માણસને કયારેય રોજી-રોટીનો ભય નથી સતાવતો. પોતાની વ્યવહારકુશળતાથી એ ગમે તેવા કપરા સંજોગોમાં પણ આજીવિકા મેળવી લે છે.

ધન વિષેની એક કડવી સચ્ચાઈ ચાણક્ય પાસેથી જાણી લઈએ. એ કહે છે કે પૈસા વિનાના માણસની સાચી શિખામણ કોઈ ધ્યાને ધરતું નથી.

ચાણક્યનીતિના ગ્રંથમાં જે સૂત્ર સોનાના અક્ષરે લખાવું જોઈએ તે હવે આવે છે: સબંધો સ્વાર્થને આધિન છે. ‘બે રાજ્ય વચ્ચેના કે બે વ્યક્તિઓ વચ્ચેના, સબંધો પરસ્પર સ્વાર્થ ન હોય તો બંધાતા જ નથી. પ્રયોજન વિનાનો, હેતુ વિનાનો, સબંધ હોઈ શકે જ નહીં.’

આજના પૂરતું આટલી સલાહ ઘણી છે.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

7 COMMENTS

  1. Beauuuuuuuutiful article .
    સલાહ માગનાર ભલે દમદાર સંબધ કહી શકાય એવી નજીક ની વ્યક્તિ હોય, સલાહકારે દાનવીર કર્ણ થવા નો અભરખો ન રખાય.
    કારણકે એવું પણ બને કે સલાહ માગનાર નું જ હિત હૈયે રાખી સલાહકાર પોતે છીન્નભીન્ન થઈ જાય અને સલાહ માગનાર એની પરવા કે ચિંતા કર્યાં વગર પોતે ( already પસંદ કરેલા ) પોતાના રસ્તે ચાલતો રહે. ગજબ નો વિષય હાથ માં લીધો તમે આ લેખ માટે.
    Thanks …n how I wish this write up reaches to each and every genuine advisor.

  2. એવું લાગે છે કે મારા જ વિચારો તમે રજુ કરી રહ્યા છો

  3. આ વિષય પર ઘણા બધા,ઘણું બધુ લખી ચૂક્યા છે,છતાં આ લેખમાં તાજગી નો અનુભવ થાય છે.
    માટે મારી”સલાહ” છે કે આવા લેખો લખતા રહો.☺️☺️

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here