આ માહિતીયુગ છે કે પછી ગેરમાહિતીનો જમાનો છે : સૌરભ શાહ

કહેવા ખાતર તો આ જમાનો માહિતીયુગ કહેવાય છે. ઈન્ફર્મેશન એજ. પણ ક્યારેક પ્રતીત થાય છે કે આ મિસઈન્ફર્મેશનનો યુગ છે. અહીં માહિતી કરતાં ગેરમાહિતીની પ્રચૂરતા વધારે છે, સ્પીડ પણ વધારે છે.

એક જમાનો હતો જ્યારે અમેરિકાથી લખેલો પત્ર સી-મેઈલ દ્વારા દોઢ-બે મહિને ભારત પહોંચતો. હવે ઘડીના છઠ્ઠા ભાગમાં ઈ-મેઈલ કે વૉટ્સએપ દ્વારા મળી જાય છે.

માહિતી જેટલી ઝડપથી પ્રસરતી થઈ છે એટલી જ ઝડપથી ગેરમાહિતીઓ પણ પ્રસરી રહી છે. તકલીફ મોટી એ છે કે માહિતી યાદ રહે કે ન રહે, ગેરમાહિતી તરત જ દિમાગમાં અંદર સુધી ઘૂસી જાય છે, કાયમની ચિપકી જાય છે.

ગેરમાહિતીઓ પ્રસરી ગયા પછી તમે ગમે એટલા ખુલાસાઓ કરો એ ઝટ દઈને ભૂસાતી નથી. શું કારણ એનું?

ગેરમાહિતીઓ મોટેભાગે નિંદારસથી ભરેલી હોવાની. અને નિંદારસ ત્યારે જ જન્મી શકે જ્યારે તમે કોઈને એના કદ કરતાં નાના ચીતરવાની કોશિશમાં સફળ જાઓ. રાજનેતા હોય, ફિલ્મ અભિનેતા હોય, ક્રિકેટર કે બિઝનેસમૅન હોય કે પછી તમારા જ ક્ષેત્રનો તમારો હરીફ હોય કે તમારો મિત્ર હોય જેની તમને અદેખાઈ આવતી હોય – તમારે કરવાનું એટલું જ કે એમના વિશે કોઈ પણ કપોળકલ્પિત વાત ફેલાવવાની – કોણ ચકાસવા જવાનું છે. એ વ્યક્તિની આભાને, ઈમેજને તોડી નાખવા માટે થોડાક શબ્દો જ પૂરતા છે કારણ કે તમારા જેવા બીજા અગણિત લોકો તમારા એ શબ્દો પર ભરોસો મૂકવા આતુર હોવાના. તેઓ તમારી આ ગેરમાહિતીને ચકાસ્યા વિના તાબડતોબ આગળ ધકેલી દેશે, તમારે કહેવું પણ નહીં પડે.

આવી ડઝનબંધ ગેરમાહિતીઓનો આપણે શિકાર બનીએ છીએ. અફવાઓ આ જ રીતે ફેલાવવામાં આવતી હોય છે. અતિશયોક્તિઓ જ નહીં, તદન જુઠ્ઠી ખબરોને આપણે ‘કદાચ સાચું પણ હોય’ એમ કહીને માની લેતા હોઈએ છીએ.

કોઈના વિશેની સચ્ચાઈ માનવા કરતાં એમના વિશેનું જુઠ્ઠાણું માનવાની લાલચ કુદરતે ઠાંસી ઠાંસીને આપણા સૌનામાં ભરેલી છે. એટલે જ એ જુઠ્ઠાણાઓ વિશેની સ્પષ્ટતાઓ ગમે એટલી જલદી કે ગમે એટલી જોરદાર રીતે થઈ હોવા છતાં આપણા મોઢામાં તો પેલો જુઠ્ઠાણાનો સ્વાદ જ કાયમનો રહી જતો હોય છે.

ગેરમાહિતીથી બચવા શું કરવું જોઈએ? એનો સાવ સહેલો અને સચોટ ઉપાય છે. માહિતીથી બચવું. અર્થાત્ માહિતીના ધોધમાર વરસાદથી બચવું. આપણા પર ડઝનબંધ સોર્સમાંથી માહિતીઓનો મારો થતો રહે છે. આમાંની ૯૯ ટકા માહિતી આપણા કામ માટે નકામી હોય છે, આપણા જીવનને સ્પર્શતી નથી હોતી. શ્રીલંકામાં અત્યારે જે કંઈ બની રહ્યું છે તે દુખદ અને આઘાતજનક છે પણ એ ઘટનાને અહીં આપણી સાથે શું લેવાદેવા? ફૉર ધૅટ મૅટર એક જમાનામાં પ્રિન્સ ખાડામાં ભરાઈ ગયેલો એ ન્યુઝ સાથે પણ આપણે શું લેવાદેવા? હું જો કોઈ દહાડો પ્લેનમાં પ્રવાસ કરતો ન હોઉં તો વરસાદને કારણે વિમાન વ્યવહાર ખોરવાયો છે કે નહીં તે જાણીને મારે શું કામ? હું જો આ ગાળામાં ટ્રેનમાં મુંબઈની બહાર ન જવાનો હોઉં અને મારે ત્યાં પણ કોઈ આવવાનું ન હોય તો નાલાસોપારામાં અટવાઈ ગયેલી શતાબ્દી એક્સપ્રેસના કમનસીબ ઉતારુઓની જેન્યુઈન તકલીફો વાંચીને મારે શું કામ જીવ બાળવાનો?

જો હું મારા માટે નકામી એવી માહિતીઓથી દૂર રહેતાં શીખીશ તો જ હું ગેરમાહિતીઓથી સલામત અંતર રાખતાં શીખી શકીશ.

આપણને મળતી કે આપણા સુધી પહોંચતી ગેરમાહિતીઓ પાછળ કોઈકને કોઈક વ્યક્તિનો દુરાશય હોવાનો. કાં તો એ પોતાનો ધંધો વધારવા માગે છે, કાં તમને ભડકાવવા માગે છે, ઉશ્કેરવા માગે છે, તમારો દૃઢ વિચાર પાંગળો બનાવવા માગે છે કે પછી તમારા મનમાં રહેલી કોઈ વ્યક્તિ/ પ્રદેશ/ ક્ન્સેપ્ટ વિશેની છાપને ધૂંધળી કરવા માગે છે.

આવી ગેરમાહિતીઓના મારાનું એક સ્વરૂપ છે મિસઈન્ટરપ્રીટેશન. માહિતી સાચી હોય પણ એને મૂળ સંદર્ભથી દૂર લઈ જઈને એનું ખોટું વિશ્ર્લેષણ કરવામાં આવે ત્યારે એ મિસઈન્ટરપ્રીટેશન અત્યંત ભરોસાપાત્ર વાઘા પહેરીને આપણા સુધી પહોંચી જાય છે. આંકડાઓ અને સર્વેક્ષણની બાબતમાં આવું ખાસ બનતું રહે છે. ટીવી ખોલીને, છાપાંનાં પાનાં ફેરવીને, સોશ્યલ મીડિયામાં રચ્યાપચ્યા રહીને જે લોકો બેસી રહે છે તેઓ ગેરમાહિતીઓના સૌથી ઈઝી શિકાર હોય છે. વાસ્તવમાં તો આ લોકો નવરી બજારમાં આંટા મારીને ઘરાકી વધારનારા હોય છે. એવા લોકોની કોઈએ દયા ન ખાવાની હોય. માત્ર એટલું જ ધ્યાન રાખવાનું કે આવા લોકોમાં ક્યાંક આપણો સમાવેશ ન થઈ જાય.

આપણે ખાતી વખતે ધ્યાન રાખીએ છીએ. શરીરને પોષણ મળે એવો ખોરાક, પૌષ્ટિક આહાર લઈએ છીએ. ક્યારેક શરીરને નુકસાનકારક હોય એવું ખાવાનું પેટમાં પધરાવીએ છીએ ત્યારે તરત એની માઠી અસરો સહન કરવી પડે છે અને ફરી વાર આવું ન થાય એનું ધ્યાન રાખીએ છીએ.

જેટલું ધ્યાન આપણે ખાવામાં રાખીએ છીએ એટલું જોવામાં, વાંચવામાં, સાંભળવામાં રાખીએ છીએ ખરા?

મીડિયા, સોશિયલ મીડિયા અને આસપાસના લોકો – આ ત્રણ મુખ્ય સોર્સ છે આપણામાં કચરો ઠાલવતા. ટીવીની મનોરંજનની ચેનલો અને ન્યૂઝની ચેનલો ડે ઇન ને ડે આઉટ ગાર્બેજ ઠાલવતી રહે છે, જેમાં જાહેરખબરોનો પણ સમાવેશ થઈ જાય. આમાંથી ભાગ્યે જ કશું આપણા કામનું હોય છે, છતાં આદતવશ આપણે ટીવીની સામે બેસી રહીએ છીએ, સર્ફિંગ કરતા રહીએ છીએ. ઈવન ડિસ્કવરી કે નેશનલ જ્યોગ્રાફિક જેવી ચેનલો પર વાઘને હરણની પાછળ દોડતાં ન જોયો કે ઈટલીના કોઈ શહેરની રેસ્ટૉરાંમાં બનતી એક્ઝોટિક વાનગી વિશે ન જાણ્યું તો આપણા જીવનમાંથી શું ઓછું થઈ જવાનું છે? ટીવીની મનોરંજન ચેનલો પર ક્રાઈમ, ફેમિલી ડ્રામા કે કૉમેડી સિરિયલો જોઈને આપણને શું મળતું હોય છે? મનોરંજન? શું આપણે આ કક્ષાના મનોરંજનને લાયક છીએ? અને ન્યૂઝ ચેનલો પરનો કકળાટ કાનમાં નાખીને ક્યાં સુધી ડિસ્ટર્બ થયા કરીશું? જે કિસ્સાને સમજતાં અદાલતોને વર્ષો લાગી જાય એ કિસ્સા વિશે ટીવીની મચ્છી માર્કેટમાં બરાડા પાડતા લોકો રાતોરાત ચુકાદો જાહેર કરી દેતા હોય છે. શું આપણે આવા લોકોની ચર્ચાના આધારે આપણા મંતવ્યો બાંધવાના છે. પ્રિન્ટ મીડિયા પણ મોર ઑર લેસ ઈલેકટ્રોનિક મીડિયા જેવું જ થઈ ગયું છે. ઈન્ટરનેટ પરની નવી નવી ન્યૂઝ વેબસાઈટ્સ આ પ્રદૂષણમાં ઉમેરો કરતી રહે છે. આ બધામાં સોશિયલ મીડિયા એક નવું દૂષણ છે. વૉટ્સઍપ પર મળતા ૯૯ ટકા સંદેશાઓ નજર નાખવાને પણ લાયક હોતા નથી. ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ પર ટાઈમપાસ કરનારાઓ પાસે જીવનમાં કશુંય નક્કર કરવાનો સમય કે શક્તિ બચતાં નથી.

જોવા, સાંભળવા અને વાંચવાનું આપણું આ વાતાવરણ વધારે બગાડે છે આપણી આસપાસના લોકો. એ લોકે જ તમને ફૉરવર્ડિયાઓના ઉકરડા મોકલતા રહે છે. રિસ્પોન્સ ન આપો તો રિસાઈ જાય અને વળતો વાટકી વ્યવહાર કરો તો ખુશ થઈ જાય.

અપચો, કબજિયાત કે લૂઝ મૉશન માત્ર ખોટું ખાવાથી જ થાય છે એવું માની લીધું છે. ખોટું વાંચવાથી, ખોટું સાંભળવાથી પણ આવા જ રોગો થાય છે જેની તમને જાણ તાત્કાલિક થતી નથી. વર્ષો વીતતાં જાય છે ત્યારે ખ્યાલ આવે છે કે તમારું વ્યક્તિત્વ ખોખલું છે એનું કારણ આ બધી ટેવો છે, એમાં રચ્યાપચ્યા રહ્યા એટલે સારું સંગીત સાંભળવાનો સમય જ ક્યાં છે તેવું તમે કહેતા થયા. વૉટ્સઍપમાં રચ્યાપચ્યા રહ્યા એટલે સારું પુસ્તક વાંચવાનો સમય જ ક્યાં છે એવું બહાનું કાઢતા રહ્યા. ટીવી સામે ચીટકી રહ્યા એટલે વરસને વચલે દહાડે આવતી બે સારી ફિલ્મો જોવા માટેનો સમય કાઢી ન શક્યા. જેની ને તેની સાથે ફોન પર ગપ્પાં મારતા રહ્યા એટલે મળવા જેવા અને માણવા જેવા માણસોથી તમે દૂર થતા ગયા.

પેટના રોગોનો ઈલાજ કરવા માટેના ડૉક્ટરો ઘણા મળી રહેશે. એવા રોગો ન થાય એ માટેની સલાહ આપનારા ન્યૂટ્રિશ્નિસ્ટ અને ડાયેટિશ્યન્સ પણ મળી રહેશે. પણ અકરાંતિયાની જેમ જોનારા, વાંચનારા તથા સાંભળનારાઓને વારવામાટે ન તો કોઈ ડૉક્ટર છે, ન કોઈ વૈદ્ય. આપણે આપણું પ્રિસ્ક્રિપ્શન જાતે જ લખવું પડશે.

પાન બનાર્સવાલા

જિંદગીમાં જે ઉમેરાતું હોય તેને આવવા દઈએ, જે ઓછું થતું હોય તેને જવા દઈએ, પછી જોઈએ કે છેવટે શું રહે છે.

—અજ્ઞાત્

( તડકભડક : ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ. રવિવાર, 17 જુલાઈ 2022)

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

5 COMMENTS

  1. Yes. Very articulated. Need a movement resolution for this fact you wrote. May be a reminding article every now and then ….

  2. સૌરભ ભાઈ આપ ના દરેક લેખ વાંચતી વખતે ખુબ આનંદ આવે છે.
    આપ આવું જબરજસ્ત લખતા રહો અને અમને સૌને ઇન્સ્પિરેશન આપતા રહો એવી શુભેચ્છા.

    • જોરદાર વાત કરી છે તમે સાહેબ !! વાસ્તવિકતા એ છે કે આપણે શું જાણવું અને શું ના જાણવું એ ખબર જ નથી. હકીકતે માહિતી યુગ ( ઇન્ફોર્મેશન ટેકનોલોજી) નો આ બહુ મોટું નુકશાન છે. ઈન્ટરનેટ ઉપર સર્ફિંગ થાય છે પણ આપણા પરિવાર ની દેખભાળ નથી થતી.

Leave a Reply to Mannav V Cancel reply

Please enter your comment!
Please enter your name here