( લાઉડ માઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 10 જૂન 2026)
જેફ્રી આર્ચરની ઉંમર 86 વર્ષ છે, બ્રિટિશ લેખક છે. આ વર્ષે એમની નવી નવલકથા ‘આદમ ઍન્ડ ઇવ’ આવી રહી છે. બાવન વર્ષ પહેલાં એમની સૌપ્રથમ નવલકથા ‘નૉટ અ પેની મોર નૉટ અ પેની લેસ’ પ્રગટ થઈ. એ પછીના પાંચ દાયકા દરમિયાન એમણે કુલ 47 પુસ્તકો લખ્યાં. સમજો ને કે લગભગ દર વર્ષે એક. આમાંથી 31 નવલકથાઓ છે, અડધો ડઝન જેટલા વાર્તાસંગ્રહો છે. ત્રણ નાટક છે અને ત્રણ જેલવાસના અનુભવોની ડાયરી છે. ચાર પુસ્તકો બાળ સાહિત્યનાં પણ લખ્યાં છે. એમની લેટેસ્ટ નવલકથા એમની છેલ્લી હશે એવું જાણવા મળ્યું છે. આ વર્ષે ઑક્ટોબરની છઠ્ઠી તારીખે એ પ્રગટ થશે. જાન્યુઆરીમાં જ પ્રકાશક હાર્પર કૉલિન્સ્ એના અગોતરા ઑર્ડર લેવાની શરૂઆત કરી દીધી હતી. 29 જાન્યુઆરીએ અમે પણ સાડા ચારસો રૂપિયા આપીને હાર્ડ બાઉન્ડ એડિશન બુક કરાવી દીધી છે.
71 વર્ષના અમેરિકન રાઇટર જ્હૉન ગ્રિશમની ‘અ ટાઇમ ટુ કિલ’ 1989માં પ્રગટ થઈ. એ પછી એમણે દર વર્ષે એક નવલકથા લખી અને એ ઉપરાંત એમણે યંગ એડલ્ટ્સ માટે પણ પુસ્તકો લખ્યાં. ટુંકી વાર્તાઓ પણ લખી. એમની એક નૉન ફિક્શન ‘ધ ઇનોસન્ટ મૅન’ પણ બેસ્ટ સેલર બની છે. એમની દસ નવલકથાઓ પરથી હૉલીવુડમાં ફિલ્મો બની છે અને કેટલીક ટીવી સિરીઝ પણ બની છે. ગયા વરસે નવેમ્બરમાં એમની બે નવલકથાઓ પ્રગટ થઈ—‘કેલિકો જો’ અને ‘ધ વિડો’. ગયા મહિને એમણે વાચકોને મોકલેલા ઇમેઇલમાં પોતાની સૌથી જાણીતી નવલકથા ‘ધ ફર્મ’ની પાંત્રીસમી વર્ષગાંઠ નિમિત્તે એની સર્જનકથા શેર કરી હતી.
‘ધ નોટબુક’વાળા નિકોલસ સ્પાર્ક્સ પણ એમના ન્યૂઝ લેટર દ્વારા વાચકોને જાણ કરતા રહે છે કે પોતાની નવી નવલકથાની રિલીઝ નિમિત્તે યોજાયેલી એમની સાઈનિંગ ટૂરનો શું પ્રોગ્રામ છે.
સ્ટીફન કિંગ પણ નિયમિત સાઈનિંગ ટૂર કરીને એના ફોટા અને અનુભવોનું બ્રીફ ડિસ્ક્રિપ્શન એમના ફેસબુક પેજ પર શેર કરતા હોય છે. અલમૉસ્ટ 100 દળદાર પુસ્તકો પ્રગટ થયા છે એમનાં. એમના ચાહકોની મીઠી ફરિયાદ હોય છે કે એમનાં પુસ્તકો વાંચવાની અમારી સ્પીડ કરતાં એમની લખવાની સ્પીડ વધારે હોય છે!
જે. કે. રોલિંગ હૅરી પોટર સિરીઝની સાત ન ભૂતો ન ભવિષ્યતિ નવલકથાઓ પછી અલમોસ્ટ એક દાયકા બાદ આઠમી વાર્તા આવી – નાટકની સ્ક્રિપ્ટરૂપે: ‘હૅરી પોટર ઍન્ડ ધ કર્સડ ચાઈલ્ડ’ નાટકે લંડનના વેસ્ટ એન્ડમાં ધૂમ મચાવી હતી. મહિનાઓ સુધીનું ઍડવાન્સ બુકિંગ થઈ ગયું હતું. ટિકિટના બ્લૅક બોલાયા. પુસ્તક ઈન્ડિયા સહિત જગત આખામાં બેસ્ટ સેલર થઈ ગયું. મારી પાસે પણ આવી ગયું. પણ પછી રિપોર્ટ્સ એવા આવ્યા કે જે. કે. રોલિંગે હૅરી પોટર આ સિરીઝનું આ આઠમું સર્જન પથ્થર પર પટકીને મરી જવા દીધું હોત તો સારું થાત. હૅરી પોટરના આર્ડન્ટ ચાહકો રોલિંગકાકી પર સખ્ખત ગુસ્સે ભરાયા.
પાઉલો કોએલોએ ‘આલકેમિસ્ટ’ પછી બીજી કોઈ નવલકથા ન લખી હોત તો પણ એમની સાત પેઢી સુધી ચાલે એટલું ધન હોત. પાઉલો કોએલો એમની માતૃભાષા પોર્ટુગીઝમાં લખે છે પછી એમનાં પુસ્તકો અંગ્રેજીમાં ટ્રાન્સલેટ થાય છે. બાય ધ વે, પોર્ટુગીઝ ભાષા ભલે એક હોય પણ પોર્ટુગલમાં બોલાતી-લખાતી પોર્ટુગીઝ અને બ્રાઝિલમાં બોલાતી-લખાતી પોર્ટુગીઝ ભાષા વચ્ચે ઘણું મોટું અંતર છે. ક્યારેક તો એમાંની એક જ ભાષાના જાણકારને બીજી સમજવામાં તકલીફ પડી જાય એટલું મોટું અંતર છે. પાઉલો કોએલો બ્રાઝિલના વતની છે અને તેઓ બ્રાઝિલિયન પોર્ટુગીઝમાં લખે છે. જોકે, આજકાલ તેઓ સ્વિત્ઝર્લેન્ડમાં ઘર ખરીદીને રહે છે (એ પેટનું બળ્યું કોણ બોલ્યું કે ‘આપણે તો આંયાં માથેરાન જવાના ય ફાંફાં છે’)
ઘર આંગણે તો અંગ્રેજીમાં લખનારા આપણા ઘણા બધા બેસ્ટ સેલર રાઈટરો છે જેમાંના કેટલાક વાંચવા ગમે તેવા પણ છે. ઍમેઝોન દાવો કર્યા કરે છે કે પ્રિ ઑર્ડર, આગોતરા બુકિંગમાં, ઑન લાઈન હિસ્ટરીમાં ફલાણા પુસ્તકે રેકોર્ડ બ્રેક કર્યો છે.
ગુજરાતી નવલકથાનું માર્કેટિંગ કરવાનું પ્રકાશકોને બહુ મન ના થાય એ સ્વાભાવિક છે. ઇંગ્લિશનું માર્કેટ વર્લ્ડ વાઈડ. પ્રથમ આવૃત્તિની જ લાખો કૉપીઝની ડિમાન્ડ હોવાની. ગુજરાતીમાં તો હવે નવા નવા સ્માર્ટફોન વાપરતા થયેલાઓ કોઈ પણ ગુજરાતી પુસ્તક (પછી એ નવું હોય કે જૂનું) વિશે પૂછપરછ કરતા રહે છે: ફ્રી ડાઉનલોડ કરવા માટેની સાઈટ કઈ? ગાંઠિયા સાથે બે વાર ચટણી મેળવવાની આદતવાળા કેટલાક વાચકોએ મફતિયા પુસ્તકો વાંચવાનો શોખ પોષવાને બદલે ગાંઠિયાના પડીકા માટે વપરાતા છાપાનું કાગળિયું વાંચીને જ પોતાનો વાચનશોખ પૂરો કરી લેવો જોઈએ.
ગુજરાતી નવલકથાઓનું માર્કેટ અંગ્રેજી સરખામણીએ મિનિસ્ક્યુલ હોવાથી પ્રકાશકોને એના પ્રમોશનમાં ભલે રસ ના પડે પણ જેમની નવલકથાની આતુરતાથી વાચકો રાહ જુએ એવા નોવેલિસ્ટ આપણે ત્યાં કેટલા?
ગુજરાતી વાચકોને લગાડવામાં આવેલી ખોટી આદતો વિશે બે જુદા જુદા પ્રસંગે ગુજરાતના બે જુદા જુદા શહેરોના મિત્રોએ વાત કરી. એક મિત્રે કહ્યું કે છાપામાં કૉલમો લખનારા ટોચના ટ્વેન્ટી રાઈટરોએ જો એક સાથે નક્કી કરી લે એમણે છાપામાં નથી લખવું પણ ડાયરેક્ટ ઑન લાઈન લખવું છે તો એ રાઈટરો મહિને લાખો રૂપિયા કમાય એટલું પોટેન્શ્યલ અત્યારે ગુજરાતી વાચનબજારમાં છે.
બીજા મિત્રે કહ્યું કે ગુજરાતી પુસ્તકો કે ઈ-બુક્સની ડિમાન્ડ જેટલી હોવી જોઈએ એટલી નથી કારણ કે રાઈટરોએ વાચકોને બધું મફતમાં આપી દેવાની ટેવ પાડી છે. છાપામાં છપાતી કૉલમો દ્વારા અને ફેસબુક પર કે વૉટ્સઍપના ગ્રુપ્સમાં રેગ્યુલર મુકાતી કૉલમોના લેખો દ્વારા વાચકોનું પેટ ભરાઈ જાય છે, એમનો સમય પણ ખર્ચાઈજાય છે એટલે પછી જ્યારે પુસ્તક પ્રગટ થાય ત્યારે માંડ થોડી હજાર નકલો વેચાય કે ઈ-બુક બહાર પડે તો ગણીગાંઠી નકલો વેચાય.
આ બંને સહૃદયી મિત્રોના અભિપ્રાયો વિશે એમની સાથે વિસ્તારથી ચર્ચા કરી. એમના અમુક મુદ્દા સાથે હું સહમત નથી, અમુક સાથે છું.
ગુજરાતીમાં પુસ્તકો મોંઘા છે એ વાત સાથે હું અગાઉ પણ સહમત નહોતો અત્યારે પણ નથી. ભારતની બીજી ભાષાઓનાં પુસ્તકો જે કિંમતે વેચાય છે, લગભગ તે જ કિંમતે ગુજરાતીમાં પણ વેચાય છે અને હવે તો મિનિમમ બસો-ત્રણસો રૂપિયાના એક પિત્ઝા કે એટલી જ કિંમતની મલ્ટીપ્લેક્સની એક ટિકિટ પાછળ પૈસા ખર્ચાય છે તો પુસ્તક કેવી રીતે મોંઘું ગણાય?
પણ બીજી એક દલીલ હું ક્યારેય નહીં કરું કે ગુજરાતીઓ પિત્ઝા ખાવામાં કે પિક્ચર જોવામાં જેટલા પૈસા ખર્ચી નાખશે એટલે પૈસામાં પુસ્તક નહીં ખરીદે.
શું કામ ખરીદે? દરેકને પોતાની પ્રાયોરિટી હોય. રેડીમેડ ગાર્મેન્ટવાળો શું ફરિયાદ કરે છે કે ગુજરાતીઓ ગોવા જશે પણ મેં બનાવેલાં છ શર્ટસ નહીં ખરીદે! મર્સીડીઝ વેચવાવાળો ફરિયાદ કરે છે કે ગુજરાતીઓ ફ્લેટ ખરીદશે પણ મારી ગાડી નહીં લે! સ્ટેશન પર બૂટ પૉલિશ કરવાવાળો પણ ફરિયાદ નથી કરતો કે ગુજરાતીઓ વડાપાંઉ ખાશે પણ એટલા જ રૂપિયામાં બૂટને પૉલિશ નહીં કરાવે.
કોણે ક્યાં પૈસા ખર્ચવા તે જેના ગજવામાં પૈસા છે તેની મુનસફીની વાત છે. કેવી રીતે ખર્ચવા તે પણ એની મરજીની વાત છે. ગુજરાતી નાટકો પાછળ દર અઠવાડિયે પાંચસો-સાતસો રૂપિયાની ટિકિટ ખર્ચનારો માણસ તમારી બસો રૂપિયાની ચોપડી નહીં લે તો નહીં જ લે. એને ચાર ગણા પૈસા ખર્ચીને જે મજા આવે છે તે મજા પોણા ભાગના પૈસા બચાવ્યા પછી પણ તમારી ચોપડીમાંથી નથી આવતી તો નથી આવતી. શું કરશો તમે? એમ તો નાટકવાળાઓ પણ ફરિયાદ કરતા હોય છે કે દર અઠવાડિયે ફેમિલી સાથે મલ્ટીપ્લેક્સમાં જઈને નકામી ફિલ્મ પાછળ બે હજાર રૂપિયા વેડફી આવનાર ગુજરાતીઓ અમારું આટલું સરસ નાટક જોવા કેમ નથી આવતા? નથી આવતા તો નથી આવતા. તમે ભાવ અડધા કરી નાખશો તોય નહીં આવે અને બસો રૂપિયાની ચોપડી વીસમાં આપશો તોય એ નહીં વાંચે તો નહીં જ વાંચે.
દરેકને પોતાની પ્રાયોરિટી હોય છે. મને જે ચીજ નથી જ જોઈતી તે કોઈ ફ્ફ્ટિી પર્સેન્ટ ડિસ્કાઉન્ટમાં પણ આપે તોય હું નથી લેવાનો. અને જે ચીજ મારા માટે જરૂરી છે તે લેવા હું સમય-પૈસા ખર્ચીને પણ લાંબો થવાનો અને જે ભાવે મળતી હશે તે ભાવે એને ઘરભેગી કરવાનો.
પચ્ચીસેક શબ્દના આ છેલ્લા ફકરામાં એક ઑપરેટિંગ વર્ડ છે. તે કયો?
એ શોધી કાઢો એટલે એના આધારે પુસ્તકો વિશે —વિશેષ કરીને ગુજરાતી પુસ્તકો વિશે —માંડેલી આ વાતનો કનક્લુડિંગ પાર્ટ તમને આવતા અઠવાડિયે આપીએ – વિનામૂલ્ય!
સાયલન્સ પ્લીઝ!
પુસ્તક એક એવી ગિફ્ટ છે જેને તમે વારંવાર ખોલી શકો છો.
– ગૅરિસન કિઈલર (૧૯૪૨, ઑથર, વૉઈસ એક્ટર.)
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો












