‘આપ’ના પાપના ભાગીદારોમાં મોટા ભાગના લોકોની મથરાવટી ત્રણ પ્રકારના કરપ્શનની બાબતમાં મેલી છે ( કેજરીવાલની કલંકકથા: 7 ) : સૌરભ શાહ

(‘ન્યુઝવ્યુઝ’, Newspremi. com : બુધવાર, 19 ફેબ્રુઆરી 2025)

આમ આદમી પાર્ટીની સ્થાપનાથી સંકળાયેલા અને વખત જતાં અરવિંદ કેજરીવાલના દુશ્મન બની ગયેલા ડર્ટી ડઝનમાંના બાકીના ૬નો પરિચય કરી લઈએ. ‘આપ’ની સ્થાપના વખતે કેવા કેવા લખોટાઓ (અને લખોટીઓ) એમાં ઘૂસી ગયેલાં એનો ખ્યાલ આવે તો જ ભવિષ્યમાં આવું કોઈ સંગઠન ઊભું થતું હોય તો આપણે સાવધાન રહી શકીએ. પોતાના કરપ્શનને છુપાવવા માટે ‘ભ્રષ્ટાચાર હટાવ ઝુંબેશ’ શરૂ કરનારા ગઠિયાઓ આ દેશમાં ઘણા છે.

7. ઍડમિરલ એલ. રામદાસ: ‘આપ’ના ઈન્ટરનલ લોકપાલ હતા, હવે નથી. ભારતીય નૌસેનાના નિવૃત્ત વડા લક્ષ્મીનારાયણ રામદાસ સર્વિસમાં હતા ત્યારથી જાહેર ચર્ચાનો એક ભાગ રહ્યા છે. નિવૃત્તિ પછી વધુ ચર્ચાસ્પદ બન્યા. ભારત સરકારે માર્ચ ૨૦૧૨માં લેફ. જનરલ બિક્રમ સિંહને નેક્સ્ટ આર્મી ચીફ બનાવવાની જાહેરાત કરી ત્યારે ઍડમિરલ રામદાસે બીજા કેટલાકનો સાથ મેળવીને સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સામાન્ય રીતે દેશના સંરક્ષણ સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીઓ આવા વિવાદો ઊભા કરીને દેશનું નામ ખરડતા નથી. જોકે, છેવટે બિક્રમ સિંહ જ આર્મી ચીફ બન્યા, પણ ભારતીય ડિફેન્સ દળોમાં ચાલતી ઈન્ટરનલ પોલિટિક્સબાજી ઉઘાડી પડી ગઈ. ૧૯૫૩થી ૧૯૯૩ સુધીની દીર્ઘ અને ચંદ્રકોભરી ઝળહળતી કારકિર્દી ધરાવતા રામદાસે નિવૃત્તિ પછી તમિળનાડુમાં બંધાતા કુડનકુલમ અણુ વીજળીમથકનો જોરશોરથી વિરોધ કર્યો, જેના બદલામાં એમને ૨૦૦૪માં શાંતિ માટેના મૅગ્સેસે ઍવૉર્ડથી નવાજવામાં આવ્યા. એશિયાના નોબેલ પ્રાઈઝ ગણાતા મૅગ્સેસે ઍવૉર્ડની સ્થાપના ફિલિપાઈન્સના પ્રેસિડન્ટ રૅમન મૅગ્સેસેની સ્મૃતિમાં થઈ પણ એનું ટોટલ ફંડિંગ ન્યૂ યોર્કના પ્રતિષ્ઠિત રૉકફેલર બ્રધર્સ ફંડ દ્વારા કરવામાં આવે છે. રૉકફેલર બ્રધર્સ ફંડ વિશ્વશાંતિના નામે છૂપી રીતે દુનિયાના ચળવળિયાઓને પ્રોત્સાહન આપે છે એવો આક્ષેપ છે એની તમને ખબર છે. ‘આપ’ની સ્થાપનાથી જ જોડાયેલા રામદાસ ઉપરાંત ધૂર્ત શિરોમણિને પણ ૨૦૦૬નો મૅગ્સેસે મળી ચૂક્યો છે.

ઍડમિરલ રામદાસ માત્ર અમેરિકાના રૉકફેલર બ્રધર્સ ફંડના જ પ્રીતિપાત્ર નથી, ફૉર્ડ ફાઉન્ડેશનના પણ ચહીતા છે. રામદાસની સૌથી મોટી દીકરી કવિતા રામદાસ ફૉર્ડ ફાઉન્ડેશનની સાઉથ એશિયા રીજનની ચીફ રહી ચૂકી છે. કેજરીવાલને મૅગ્સેસે અપાવવામાં રામદાસનું લૉબીઈંગ કામ કરી ગયું એવો આક્ષેપ છે. કેજરીવાલનો પણ જેમાં હિસ્સો છે તે મનીષ સિસોદિયાની એન.જી.ઓ.ને પણ ફૉર્ડ ફાઉન્ડેશનનું હ્યુજ ફંડિંગ મળ્યું છે.

ભારતના ભૂતપૂર્વ નૅવીચીફના વેવાઈ પાકિસ્તાની હોય એવી કલ્પના કરી છે તમે? કોઈ નાટક, નવલકથા, પિક્ચરમાં પણ આવું કંઈ નાખીએ તો રિવ્યુઅર્સ – વિવેચકો તમારા માથે જૂતાં મારે. રામદાસની આ સેઈમ દીકરી કવિતા ઝુલ્ફીકાર અહમદ નામના પાકિસ્તાનીને પરણી છે. વધારે નવાઈની વાત તો એ છે કે ૧૯૯૦માં આ શાદી થઈ ત્યારે રામદાસ હજુ વાઈસ ઍડમિરલ હતા, પાકિસ્તાનના વેવાઈ બન્યા પછી એમને ઍડમિરલ બનાવવામાં આવ્યા.

એક નાનકડી વાત. ૨૦૦૦ની સાલમાં ઑસ્ટ્રેલિયાની એક ખ્રિસ્તી સંસ્થાએ આંતરરાષ્ટ્રીય ધાર્મિક સંવાદિતા એવૉર્ડ શરૂ કર્યો જેનો પહેલો લાભ ભારતીય દલિતોનું ધર્માંતર કરાવતી સંસ્થાને મળ્યો. ૨૦૦૩માં આ એવૉર્ડ, ગુજરાત રાયટ્સ પછીની આ સાલનો એવૉર્ડ, બે જણમાં વહેંચાયો. એક તો મળ્યો આપણી મશહૂર બહેન તિસ્તા સેતલવાડને ( દાનમાં મળેલા પૈસા અંગત મોજશોખ માટે વાપરવાનો એના પર આરોપ છે અને કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે) અને બીજો હિસ્સો મળ્યો ફૉર્ડ ફાઉન્ડેશનમાં જેમની દીકરી કામ કરે છે તે પાકિસ્તાનના આદરણીય વેવાઈ અને આપણા એક્સ નૅવી ચીફ ઍડમિરલ રામદાસને.

વર્લ્ડ બૅન્કના ફંડિંગથી ચાલતી ૬૦૦ જેટલી એન.જી.ઓ. દુનિયાના ‘ઓછા વિકસિત કે પછાત’ દેશોમાં ઍન્ટી-કરપ્શન મૂવમેન્ટ ચલાવીને પશ્ચિમી દેશો એ રાષ્ટ્રોમાં મૂડીરોકાણ વધારી શકે એવું વાતાવરણ તૈયાર કરે છે. ફૉર્ડ ફાઉન્ડેશન અને રૉકફેલર્સ પણ આમાં સહભાગી છે. ભારત જેવા આર્થિક ક્ષેત્રે સ્વતંત્ર રીતે પગભર થઈ ચૂકેલા રાષ્ટ્રના વિકાસમાં રોડાં નાખવા અમેરિકાના ડીપ સ્ટેટ તરીકે ઓળખાતા ઈન્ટરનેશનલ ગુંડા-મવાલીઓ કેટલા તલપાપડ છે એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ‘આપ’ છે. ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશ ‘આપ’નો પાયાનો મુદ્દો હતો. આ ઝુંબેશ પાછળનું સત્ય ધીમે ધીમે બહાર આવી ગયા પછી લોકોને ખબર પડી કે જેઓ દૂધે ધોયેલા તો નથી જ, પણ જેઓ પોતે એક યા બીજી રીતે કરપ્ટ છે તેઓ આ ઝુંબેશ ચલાવી રહ્યા છે. કરપ્શન એટલે કોઈ સરકારી કર્મચારીએ તમારું કામ કરવા માટે ટેબલ નીચેથી લાંચ લીધી કે પછી તમારું ટેન્ડર પાસ કરાવવા કોઈ પોલિટિશ્યને તમારી પાસે કટ માગ્યો એવું આપણે માનીએ છીએ, કારણ કે આપણે ભોળા છીએ. એનાથી મોટું કરપ્શન એટલે પોતાની એન.જી.ઓ. શરૂ કરીને સેવાના બહાને વિદેશી વેસ્ટેડ ઈન્ટરેસ્ટ્સ તરફથી કરોડો રૂપિયાનું ફંડિંગ મેળવવું એવી સમજ હવે ધીરે ધીરે આપણામાં આવતી જાય છે. આ ઉપરાંત કરપ્શન માત્ર આર્થિક જ નથી હોતું, વૈચારિક અને નૈતિક પણ હોય છે. ‘આપ’ના પાપના ભાગીદારોમાં મોટા ભાગના લોકોની મથરાવટી આ ત્રણેય પ્રકારના કરપ્શનની બાબતમાં મેલી છે.

8. અંજલિ દમણિયા: 2014ની લોકસભા ચૂંટણીમાં ‘આપ’ની ટિકિટ પરથી અંજલિ દમણિયા નાગપુરની બેઠક પરથી નીતિન ગડકરી સામે બાથ ભીડીને પોતાની ડિપોઝિટ ગુમાવી ચૂક્યાં છે. એ પછી અરવિંદ કેજરીવાલ ૪૯ દિવસના શાસનવાળા ગાળામાં કૉંગ્રેસના ૬ વિધાનસભ્યોને ખરીદવા માગતા હતા એવો આક્ષેપ કરીને અંજલિ દમણિયાએ ‘આપ’માંથી રાજીનામું આપી દીધું હતું. આમ આદમી પાર્ટીમાં જોડાતી વખતે અંજલિ કૉમન મૅનની વ્યાખ્યામાં ક્યાંય બેસતાં નહોતાં. એમના પતિ અનીશ દમણિયા એ સમયે એમકે ગ્લોબલ ફિનાન્શ્યલ સર્વિસીઝના વન ઑફ ધ ટૉપના કર્તાહર્તા હતા. અંજલિ પોતે પૅથોલૉજિસ્ટ છે. અંજલિ દમણિયાનો ભૂતકાળ જાણવા જેવો છે.

ગરીબી હટાવના નારા જેવું જ તૂત ભ્રષ્ટાચાર હટાવ ઝુંબેશ છે. ‘ઈન્ડિયા અગેઈન્સ્ટ કરપ્શન’ (આઈ.એ.સી.)ની પ્રવૃત્તિ સાથે આ ‘આપ’વાળા બધા જ એક યા બીજી રીતે સંકળાયેલા. અણ્ણા હઝારે અને અરવિંદ કેજરીવાલથી માંડીને અંજલિ દમણિયા સુધીના કેટલાય. પછી આઈ.એ.સી.માં ભાગલા પડ્યા અને ‘આપ’ શરૂ થઈ. અંજલિ ‘આપ’ના મહારાષ્ટ્ર એકમના કન્વીનર બન્યા.

૨૦૧૨માં ઍક્ટિવિસ્ટ તરીકે બહુ મોટું નામ બનાવી ચૂકેલાં અંજલિ દમણિયા મહારાષ્ટ્રના કરજત તાલુકામાં કરોડો રૂપિયાના ખર્ચે બંધાતા એક બંધમાં થઈ રહેલા કથિત કૌભાંડની સામે ઝુંબેશ ચલાવવા માટે ન્યુઝમાં હતાં.

વાત એમ હતી કે ૨૦૦૭ની સાલમાં અંજલિ દમણિયાએ પોતાનાં પાર્ટનર્સ સ્વીટુ મહેતા અને વનિતા અહલુવાલિયા સાથે આ વિસ્તારની ઉલ્હાસ નદીના કાંઠે ૬૦ એકર જમીન ખરીદી હતી. એકર દીઠ રૂપિયા ૮૦,૦૦૦થી લઈને રૂપિયા પાંચ લાખના ભાવે આ જમીન અનિલ ગોગટે નામના એક વનવાસી ખેડૂત પાસેથી ખરીદવામાં આવેલી, એમ કહીને કે આ જમીન પર ખેતીને લગતું કામકાજ કરવામાં આવશે અને સ્થાનિક લોકોને પણ એમાં રોજીરોટી મળશે. પણ થોડા જ વખતમાં એ જમીન પર શ્રીમંતો ખરીદી શકે એવાં ઘર બનાવીને વેચાણ શરૂ થઈ ગયું.

આ જ ગાળામાં સરકારે ઉલ્હાસ નદી પર રૂા. ૪૩૫ કરોડના ખર્ચે બંધ બાંધવાનું નક્કી કર્યું અને આ વિસ્તારની ૪૧૦ હેક્ટર જમીન ડૂબાણમાં જતી હોવાથી એને બાંધેલા ભાવે એકવાયર કરવાની જાહેરાત થઈ, જેમાં અંજલિ દમણિયા દ્વારા ડેવલપ થઈ રહેલી જમીનનો પણ સમાવેશ થતો હતો. દમણિયાએ આ બંધના પ્રોજેક્ટનો વિરોધ કર્યો અને આદિવાસીઓની જમીન સરકાર સસ્તા ભાવે પડાવી લે તે ન ચાલે એમ કહીને ચળવળ શરૂ કરી. અંજલિ દમણિયાની જમીનને લગતા સાત/બારાના ઉતારામાં ગરબડ છે એવી રજૂઆત સરકાર દ્વારા થઈ. દમણિયા પોતે ખેડૂત હોવાના પૂરતા પુરાવા રજૂ ન કરી શક્યાં અને જમીન જપ્ત થઈ.

અંજલિ દમણિયાએ રાઈટ ટુ ઈન્ફર્મેશન એક્ટ (આર.ટી.આઈ.)નો આશરો લઈને બંધના પ્રોજેક્ટ વિશેની માહિતી કઢાવી અને એ માહિતીના આધારે હાઈ કોર્ટમાં પી.આઈ.એલ. (પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન)ની અરજી દાખલ કરી. અંજલિ દમણિયાએ આ આખા મામલામાં નીતિન ગડકરી સંડોવાયેલા છે એવો પણ આક્ષેપ કર્યો. ગડકરી તે વખતે ભા.જ.પ.ના રાષ્ટ્રીય પ્રમુખ હતા. 2014માં લોકસભાની નાગપુરની બેઠક પરથી થયેલી ચૂંટણીમાં ગડકરી ૫,૮૭,૭૬૭ મતથી જીત્યા, અંજલિ દમણિયાએ ૬૯,૦૮૧ મત મેળવીને ડિપોઝિટ ગુમાવી.

બે વાત. એક તો પાવરફુલ લોકો પૈસાના જોરે કોઈપણ રીતે ચૂંટણી જીતી જાય છે એવી દલીલ કરતાં પહેલાં ‘આપ’પ્રેમીઓએ પોતાની ગિરેબાનમાં ઝાંકીને જોઈ લેવું કે કેજરીવાલે પોતે દિલ્હીમાં ૭૦માંથી ૬૭ બેઠકો જીતી હતી. બીજું, આપણે નથી કહેતા કે આર.ટી.આઈ. અને પી.આઈ.એલ. બિનજરૂરી છે. પણ એનો ‘લાભ’ કેવા કેવા લોકો લે છે એની હવે તો આપણને ખબર છે.

9. આશિષ ખૈતાન: ‘આપ’માં હતા ત્યારે અરવિંદ કેજરીવાલના માનીતા ગણાતા આશિષ ખૈતાને ‘તહલકા’ અને પછી પોતાની વેબસાઈટ ‘ગુલૈલ’ દ્વારા ગુજરાતનાં રમખાણો પછી ઈન્વેસ્ટિગેશનના નામે, સ્ટિંગ ઑપરેશનના નામે, પત્રકારત્વનાં તમામ ધારાધોરણોને તડકે મૂકીને પીળું પત્રકારત્વ કરીને સનસની મચાવવાની કોશિશ કરી. ૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૨ના રોજ સાબરમતી એક્સપ્રેસમાં પ્રવાસ કરી રહેલા ૫૯ હિન્દુ કારસેવકોને જીવતા સળગાવી દેવાનું કાવતરું ગુજરાત રાજ્યની સરકારે મુસ્લિમોને કાળા ચીતરવા માટે ઘડ્યું હતું એવું ‘સંશોધન’ કરીને લંબાણભર્યો લેખ આશિષ ખૈતાને ‘તહલકા’માં લખ્યો હતો. આ ‘સંશોધન’ની અવગણના કરીને અદાલતે ગોધરાકાંડના ગુનેગારોને સજા સંભળાવી દીધી ત્યારે આશિષ ખૈતાનને જરૂર દુ:ખ થયું હશે. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં આશિષ ખૈતાન ‘આપ’ની ટિકિટ પરથી નવી દિલ્હીની બેઠક પર લડ્યા અને ભાજપનાં મીનાક્ષી લેખીના હાથે દોઢ લાખના મતે પરાજય પામ્યા. કૉંગ્રેસના છ વિધાનસભ્યોને ‘ખરીદવાની’ કોશિશ કરનારા કેજરીવાલને વળગી રહેનારા આશિષ ખૈતાન કહેતા કે એને કંઈ ‘હૉર્સ ટ્રેડિંગ’ ન કહેવાય, એ તો ‘પોલિટિકલ રિઅલાઈન્મેન્ટ’ હતું. 2018માં આશિષે વકીલાતના વ્યવસાયમાં આગળ વધવાનું કારણ આપીને આમ આદમી પાર્ટી સાથેનો નાતો તોડી નાખ્યો.

10. મયંક ગાંધી: મુંબઈમાં સમાજસેવક અને ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશ ચલાવનારા ઍક્ટિવિસ્ટ તરીકે જાણીતા મયંક ગાંધી ‘ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન’ સંસ્થા સાથે પણ સંકળાયેલા હતા. આ જ સંસ્થામાં એમની સાથે કામ કરનારા એક અન્ય સદસ્ય વીરેન શાહે મયંક ગાંધી પર ટેક્સચોરીનો ઈલ્જામ લગાવ્યો હતો જેને મયંક ગાંધી બેબુનિયાદ ગણાવે છે.

અંજલિ દમણિયાએ ‘આપ’માંથી મયંક ગાંધીની હકાલપટ્ટી કરવાની માગણી કરી હતી. યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણના ટેકેદાર એવા મયંક ગાંધી એ વિવાદ વખતે ‘આપ’ છોડવાની વેતરણમાં જ હતા. પાર્ટીના પ્રવકતા તરીકે એમને ઑલરેડી હટાવી દેવામાં આવ્યા હતા.

૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં વાયવ્ય મુંબઈની બેઠક પરથી ‘આપ’ની ટિકિટ પર ચૂંટણી લડનારા મયંક ગાંધી ભાજપના ટેકાથી ચૂંટણી લડનારા શિવસેનાના ઉમેદવાર ગજાનન કીર્તિકર સામે ડિપોઝિટ ગુમાવી ચૂક્યા છે. મયંક ગાંધીના તથાકથિત કૌભાંડ વિશે ‘આપ’ના તે વખતના ઈન્ટરનલ લોકપાલ ઍડમિરલ રામદાસ અને આયલિના સેને વિગતે તપાસ કરીને મયંક ગાંધીને ક્લીનચિટ આપી હતી.

કેજરીવાલ પોતાના સાથીઓને વાપરીને ફેંકી દે છે એવું કહીને મયંક ગાંધીએ 2015 માં ‘આપ’ને ગુડબાય કહીને રાજકારણમાંથી વિદાય લીધી. હવે તેઓ પોતાની એનજીઓ દ્વારા સ્વતંત્ર રીતે સમાજસેવા કરે છે.

ડર્ટી ડઝનમાંના બે નામ બાકી છે. આવતી કાલે એમના વિશે વાત કરીને બે મહત્ત્વના મુદ્દા પર ધ્યાન આપવાનું છે: એક તો એ કે શરૂઆતના દિવસોમાં ભલભલા લોકોને ચોમુ બનાવવામાં કેજરીવાલને સફળતા કેવી રીતે મળી? આ સંદર્ભે વિખ્યાત પત્રકાર વિનોદ મહેતાનું કબૂલાતનામું જોવા જેવું છે (આ મહેતા એટલે પંજાબીવાળા, હરકિસનભાઈવાળા નહીં ).

બીજો મુદ્દો યમુનાની સફાઈનો છે. કેજરીવાલ વખતે ન થઈ અને ભાજપના જીત્યા પછી તરત જ સફાઈ શરૂ થઈ ગઈ એવું કેવી રીતે બન્યું? દિલ્લી સ્ટેશન પર થયેલી સ્ટેમ્પેડની દુર્ઘટનામાં ‘આપ’ના નેતાઓ કેવી રીતે જવાબદાર છે તેની ચોંકાવનારી વિગતો જાણવાની છે.

આ ઉપરાંત પણ બીજા ઘણા બધા હાડપિંજરો છે — કેજરીવાલના કબાટમાં.

(ક્રમશઃ)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here