પડતીના કાળમાં જાતને સંભાળી લીધી તો ચડતી આપમેળે આવવાની’ : સૌરભ શાહ

( જિંદગી જીવવાનાં દસ સુવર્ણ સૂત્રો: પાર્ટ સેવન )

( Newspremi.com : રવિવાર, 12 જુલાઈ 2020)

જિંદગી જીવવાનું દસમું સુવર્ણસૂત્ર મને મારી પોતાની જિંદગીમાંથી જડ્યું છે. એ સૂત્ર તમે બે વાર વાંચી લો પછી એના વિશે વાત કરીએ: ‘જે મળે છે અથવા જે મળી શકે એમ છે એના વિના ચલાવી લેવાથી જીવવાની સ્વતંત્રતા વધે છે.’

આ સૂત્ર મારા અનુભવો પરથી મેં રચેલું છે. સપનાં અને તરફડાટો તેમ જ મહત્ત્વાકાંક્ષા અને લાલચો વચ્ચેનો ભેદ જાણ્યા પછી હું એ નિર્ણય પર આવ્યો છું કે સ્વતંત્ર રીતે જીવવું હોય તો જે મળે છે તે કાલ ઊઠીને નહીં હોય તો પણ કોઈ ફરક પડવો ન જોઈએ. એટલું જ નહીં, જે મળી શકે એમ છે તે નહીં મળે તો પણ જિંદગી બદલાવી ન જોઈએ.

જે છે તે ઝૂંટવાઈ જશે એવી માનસિક અસલામતી તમને પરિસ્થિતિના ગુલામ બનાવી દે છે. કાયમી કશું હોતું નથી આ જિંદગીમાં – આપણે બધા જ જાણીએ છીએ. છતાં એક વખત પ્રાપ્ત થઈ ગયેલી વસ્તુ હવે જિંદગીમાં પરમેનન્ટ છે એવી ભાવનાથી આપણે એને વળગી પડીએ છીએ. મનમાં છૂપો ડર પેસી જાય છે— છીનવાઈ ન જાય. આને કારણે બંધિયાર થઈ જવાય છે. ક્ષિતિજો સંકોચાઈ જાય છે.

મારામાં આ સમજ રાતોરાત નથી આવી. આવી શકે પણ નહીં. વર્ષોની તડકીછાંયડી બાદ આવી સમજ ઊગે તો ઊગે. હું નસીબદાર કે મારામાં ઊગી. આને કારણે હવે મને ભવિષ્યની અસલામતી સતાવતી નથી.

એક વખત મેઘાના પપ્પાએ એમના ફેમિલીના મેડિક્લેઈમના રિન્યુઅલ વખતે મેઘાને પૂછેલું : આપણે સૌરભભાઈનું નામ પણ એમાં ઉમેરાવી દઈએ તો?

મેઘાએ ના પાડી હતી. એને ખબર છે કે હું મેડિક્લેઈમમાં જ નહીં લાઈફ ઈન્શ્યોરન્સમાં પણ નથી માનતો. દાયકાઓ પહેલાં મારા પપ્પાએ મારા નામે લાઈફ ઈન્શ્યોરન્સની પૉલિસી કઢાવીને મને આપી હતી. મેં એમને કહ્યા વગર વાર્ષિક પ્રીમિયમ ભરવાનું બંધ કરી પૉલિસીને લેપ્સ થવા દીધી હતી.

હું જાણું છું કે હું જો ભવિષ્ય સિક્યોર કરવા જઈશ તો શું થશે. મેં લખેલા જે નાટકે સો શોની ઉજવણી કરી એ ‘સેકન્ડ ઈનિંગ્સ’ના બીજા અંકમાં હીરોના મોઢે મેં એક ડાયલોગ બોલાવડાવ્યો છે : ‘મારી આવતી કાલોની ચિંતા કરતો હોત તો મારી આજો આટલી સુંદર ન હોત.’

આ મારા દિલની વાત હતી. હું માનું છું કે કરિયરની શરૂઆતથી જો મેં આવતી કાલની ચિંતા રાખી હોત તો હું ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બની ગયો હોત અને આજે એટલીસ્ટ મારી પાછલી જિંદગીમાં જલસાથી જીવી શકું એટલા પૈસા તો બનાવી જ દીધા હોત. છતાં ઈન્સિક્યોર્ડ હોત: કાલ ઊઠીને મારાં ઈન્વેસ્ટમેન્ટ્સ ધોવાઈ ગયા તો? કાલ ઊઠીને કંઈક એવું બન્યું કે માંદગી માટે બચાવેલા રૂપિયા ઓછા પડ્યા તો? માંદગી લાંબી ચાલી ને વધારે પૈસાની જરૂર પડી તો? ઈન્ફલેશન વધી ગયું અને પાછલી ઉંમરે મને કાર/એરકન્ડિશનર/ વિમાન પ્રવાસ નહીં પોસાય તો?

હું આવી કોઈ પળોજણમાં પડ્યો નથી એટલે અત્યારે મને એવી કોઈ અસલામતી બિલકુલ પજવતી નથી કે ભવિષ્યમાં હું માંદો પડ્યો તો સારવારના પૈસા ક્યાંથી આવશે, મારી લક્ઝરીઝના ખર્ચા કેવી રીતે નીકળશે? કારણ કે અત્યારે જ મેં મારા ખર્ચા ઓછા રાખ્યા છે. માંદગીનો મને ભય નથી કારણ કે એવા ભયથી જીવીશ તો અત્યારની સારી હેલ્થવાળી જિંદગીનો સંતોષ નહીં લઈ શકું. મને ખબર છે કે હું ગમે એટલી હેલ્ધી લાઈફ સ્ટાઈલ રાખીશ તો પણ મોટી ઉંમરે વાર્ધક્યને કારણે શરીરમાં જે કંઈ બદલાવ આવવાના છે તે આવશે જ. અલ્ઝાઈમર કે કેન્સર કે પક્ષાઘાત કે બીજા અનેક મોટા તેમજ નાના શારીરિક વિઘ્નો ઉમેરાવાનાં જ છે. હું ગમે એટલી પ્રાર્થના કરું અને ઈચ્છા રાખું કે જ્યાં સુધી જીવું ત્યાં સુધી સાજાસમા રહેવું છે – પણ એ કંઈ મારા હાથમાં થોડું છે? મારે તો ખૂબ લાંબું જીવવું છે – પૂરાં સો વર્ષ. પણ મારી પાસે અંબાણી વત્તા બિલ ગેટ્સ જેટલા પૈસા હશે તો પણ મારી એ વિશ પૂરી થાય એવી કોઈ ગૅરન્ટી નથી. અને એ લોકોના પટાવાળા જેટલી બચત પણ મારી પાસે નહીં હોય તોય કદાચ હું એટલું જીવી જાઉં એવું બને, કોને ખબર?

આમ જુઓ તો એક જ સપનું છે : મારે વધારે સારા લેખક બનવું છે

જિંદગીમાં મેં ચઢાવ-ઉતરાવ જોયા છે. ઘણા જોયા છે. તીવ્ર પ્લસ-માઈનસ જોયા છે. મારી જ નહીં, બીજા ઘણાની જિંદગીમાં. શમ્મી કપૂરે આર.ડી.બર્મન વિશેની ડૉક્યુમેન્ટરીમાં કહ્યું હતું ‘હી (આર.ડી.) જસ્ટ સકમ્બ્ડ. આર.ડી. હિંમત હારી ગયા. (બાકી) જો તમે તમારી પડતીના કાળમાં જાતને સંભાળી લો તો ચડતી એની મેળે આવતી જ હોય છે…’

ચડતી સમયે તો ઝાઝી કોઈ તૈયારી રાખવાની નથી હોતી. ભરતી સાથે તણાઈ જવાનું હોય છે. ભરતીનું મોજું આપમેળે તમને ઉપર ઉછાળશે. ઓટ વખતે ધ્યાન રાખવાનું હોય છે કે તમે ઘસડાઈ ન જાઓ.

અને એટલે જ સપનાં અને તરફડાટો તેમજ મહત્ત્વાકાંક્ષા અને લાલચો વચ્ચેની બારીક ભેદરેખા મેં સમજી લીધી છે. મને ખબર છે કે મારાં સપનાં કયાં છે. આમ જુઓ તો એક જ સપનું છે : મારે વધારે સારા લેખક બનવું છે. એ સપનું સાકાર કરવા હું તમામ પ્રયત્નો કરી રહ્યો છું – દિવસરાત મહેનત કરી રહ્યો છું. ભવિષયમાં અત્યારે જ્યાં છું ત્યાં જ હોઈશ તો પણ મને અફસોસ નહીં હોય. ઈવન અત્યારે જ્યાં છું ત્યાં પણ નહીં હોઉં, તો પણ કોઈ ફરિયાદ નહીં હોય. કારણ કે એક વધારે સારા લેખક ‘બનવા’ માટે જે કંઈ કરવું જોઈએ તે હું કરું છું પણ એક વધારે સારા લેખક તરીકે લોકોની આંખોમાં ‘સ્થાપિત’ થવા માટે જે કંઈ કરવું પડે તે હું નથી કરતો. લેખન દ્વારા મને મારા મહેનતાણાના પૈસા ઉપરાંત અત્યારે બીજું ઘણું ઘણું મળી શકે એમ છે, પણ તે માટે હું પ્રયત્ન નથી કરતો. આ બધા પ્રયત્નો ન કરવાને કારણે મને લખવાની, જીવવાની વધારે સ્વતંત્રતા મળે છે. મારે કોઈની મોહતાજી નથી અનુભવવી પડતી. ‘કામના’ માણસોને મળતી વખતે મારી લાળ ક્યારેય ટપકતી નથી.

ભવિષ્યની સલામતીનો વિચાર જ નહીં બીજું ઘણું બધું છોડી શક્યો છું અને એને લીધે મારી જીવવાની સ્વતંત્રતામાં ઉત્તરોત્તર વધારો થતો ગયો છે.

જરૂરી નથી કે તમારે તમારી જીવવાની સ્વતંત્રતા વધારવા માટે મેડિક્લેઈમ કે લાઈફ ઈન્શ્યોરન્સ વગેરેનો ત્યાગ કરવો જોઈએ. આ મારો રસ્તો છે. તમારો રસ્તો કોઈ બીજો પણ હોઈ શકે છે. છેવટનો ગોલ તો જીવવાની સ્વતંત્રતા વધારવાનો છે – જે મળે છે એના વિના ચલાવી લેવાની વાત છે અને વધારે અગત્યની વાત તો એ છે કે જે મળી શકે એમ છે એના વિના પણ ચલાવી લેવું.

જિંદગી જીવવાનાં દસ સુવર્ણસૂત્રો સાથે મેં મારા જીવનની થોડી ઘણી વાતો સાંકળી છે. તમારા જીવનની ધારામાં ક્યાં ક્યાં આ સૂત્રો તમને થોડાઘણા પણ ઉપયોગી થઈ શકે એમ છે તે તમે વિચારી જો જો. મને ખાતરી છે કે આ સૂત્રોનું હાર્દ સમજીને હૃદયમાં ઊંડે સુધી કોતરી લેવાથી આજે નહીં તો કાલે એના સુંદર પરિણામો જોવા મળવાનાં. અત્યાર સુધીના છ લેખોમાં (અને આ સાતમામાં) જે દસ સૂત્રોની વાત કરી તે તમામનું એક રી-કેપ કરી લઈએ અને આ લેખશ્રેણીની પૂર્ણાહુતિ કરીએ.

10. ‘જે મળે છે અથવા જે મળી શકે એમ છે એના વિના ચલાવી લેવાથી જીવવાની સ્વતંત્રતા વધે છે.’
– સૌરભ શાહ

9. દુનિયામાં કંઈકનો હું કરજદાર છું ‘મરીઝ’
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધારે દે
– ‘મરીઝ’

8. જે જે થતો પ્રાપ્ત ઉપાધિયોગ
બની રહ્યો તે જ સમાધિયોગ
– ઉમાશંકર જોશી

7. ‘પડે છે ત્યારે સઘળું પડે છે.’
-‘ધૂમકેતુ’

6. ન હોતા ગર જુદા તન સે,
તો ઝાનૂ પર ધરા હોતા
– ‘ગાલિબ’

5. ‘દોસ્તી પૈસા જેવી છે, પૈસા બનાવવા આસાન છે, સાચવી રાખવા અઘરું કામ છે, મૈત્રીનું પણ એવું જ’ – સેમ્યુઅલ બટલર

4. લે દે કે અપને પાસ ફક્ત એક નઝર તો હૈ
ક્યૂં દેખેં ઝિન્દગી કો કિસી કી નઝર સે હમ
– ‘સાહિર’ લુધિયાનવી

3. ‘અપને મન કા હો તો અચ્છા, ન હો તો ઔર ભી અચ્છા’
– હરિવંશરાય ‘બચ્ચન’

2. ‘જેના કરી રાખેલા વિચારને બીજા કોઈ (લોકો) જાણતા નથી પણ, જેના સિદ્ધ થયેલા કાર્યને જ બીજાઓ જાણે છે તે જ પંડિત કહેવાય છે.’
– વિદુરનીતિ

1. ‘સિંહ ભૂખ્યો થાય, પણ ઘાસ ન ખાય.’
– ચાણક્યનીતિ

આજનો વિચાર

જિંદગીમાં આગળ વધવા માટે ચડતી-પડતી અનિવાર્ય છે. સીધી લીટીની ગતિ મૃત્યુ સમાન છે એવું ઈ.સી.જી. કહે છે!
– રતન ટાટા

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

5 COMMENTS

  1. Thank you very much for open-heartedness in all your articles.
    With the ten points, you have celebrated your “Shashti Purti” due in2020.
    Wishing many more Purtis ahead.

  2. જે છે તે ઝુટવાઈ જશે……ક્ષિતિજો સંકોચાઈ જશે.બેસ્ટ લેસન. ગીતા વર્ણિત અવસ્થા માટે વ્રજ ની છાતી જોઈ એ.એ માટે પરિવાર નો સાથ પણ જરૂરી.

  3. Gustakhi maaf , your all 10 rules of life are perfect , we all can add 1 more rule is ‘ Jab tak jeevan hai , Sangharsh hai aur Rahega , uske saath hi jeena hai ‘ courtesy – Great Amitabh & Haricanshrai Bachhan.

  4. Posituve thinking,jevu male tevu jivi levay te badhi vaato sari chhe.Pan sachi nathi.Jyare kamata ho tyare bhavisya ni security mate vicharvu joi e j.Ane particularly lambu jivava to khas.My father was a great lawyer,a vicechacellor,ajudge and president salestaxtribunal.Above all he was a great orator.Unfortunately after retierment since last three years,he has alzimer.For his care lot of money is required.This is first hand experiance.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here