કોઈ તમારી સાથે દલીલબાજી કર્યા કરતું હોય તો એને રિસ્પોન્સ નહીં આપવાનો : સૌરભ શાહ

( લાઉડ માઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 27 ફેબ્રુઆરી 2025 )

સ્વભાવ એટલે આપણે જેને માણસનો નેચર કહીએ છીએ તે અને સ્વભાવ એટલે માણસની પર્સનાલિટી, એનું વ્યક્તિત્વ. બાહ્ય નહીં, આંતરિક વ્યક્તિત્વ. કોઈ દેખાવડી વ્યક્તિને જોઈને એની પર્સનાલિટી બહુ સરસ છે એવું કહીએ એ અર્થમાં વ્યક્તિત્વ નહીં, પણ કોઈનો સ્વભાવ તમને ન ગમતો હોય ને તમે કહો કે મને એની પર્સનાલિટી નથી ગમતી તે અર્થમાં. સ્વ-ભાવ એટલે તમે અંદરથી જે છો તે.

તમારે જો સમજવું હોય કે અંદરથી તમે કેવા છો તો એ સમજવાની બે રીત છે: ૧. તમારી અંદર ઊતરીને જોવું અને ૨. તમારામાંથી જે બહાર આવે છે એનું નિરીક્ષણ કરવું. તમારી આ બેઉ બાબતોને તમે ફાઈન ટ્યૂન કરી શકો છો. તમને તમારામાં જે ન ગમતું હોય તેનું પ્રમાણ ઘટાડી શકો છો. તમને તમારામાં જે વધારે ગમતું હોય તેનું પ્રમાણ હજુ વધારી શકો એમ છો.

કેવી રીતે? થોડીક બહુ જ સરળ ટિપ્સ છે. કોઈ તમને વાતવાતમાં ઉતારી પાડવાની કોશિશ કરતું હોય, તમારી સાથે દલીલબાજી કર્યા જ કરતું હોય તો એને રિસ્પોન્સ નહીં આપવાનો. સોશિયલ મીડિયામાં આવું બધું ઘણું ચાલતું હોય છે. તમને ઉશ્કેરવામાં આવે તો તમારે શાંત રહેવું બીજાઓ તમારા વિશે શું વિચારે છે તેની દરકાર નહીં રાખવાની. બીજાઓને ખુશ કરવાની જવાબદારી તમારી નથી, તમારી પહેલવહેલી જવાબદારી તમને ખુશ કરવાની છે એવું દૃઢપણે માનવાનું.

જેના ને તેના પર આવેશમાં કે લાગણીથી દોરવાઈને વિશ્ર્વાસ મૂકી દેવાની ટેવ ખોટી. વગર કારણે (કે ઈવન કારણ હોય તો પણ) કોઈનીય સાથે તોછડાઈથી વર્તવાની જરૂર નથી. એવું કરવાથી તમે વધારે ડિસ્ટર્બ થાઓ છો. સામેની વ્યક્તિને તમારી માપપટ્ટીથી માપવાનું બંધ કરી દેવાનું. એ ભલી, એની દુનિયા ભલી. તમારે શું કામ એની હર કોઈ વાત વિશે ન્યાય તોળવાનો. તમે તમારું કામ કરો. એને એનું કરવા દો. ભવિષ્યમાં તમારી જિંદગીમાં આવું જ બનવું જોઈએ ને આવું નહીં એવી આશા ભલે રાખો, આગ્રહ નહીં, જીદ નહીં. જીદ પૂરી કરવા માટેના ધમપછાડામાં સફળતા મળે તોય ઝૂંટવીને લીધેલાં એ પરિણામોનો સ્વાદ ફિક્કો બની જાય છે.

બધાની સાથે એકસરખું વર્તન રાખવાની જરૂર નથી, બિલકુલ જરૂર નથી. તમે જેવા છો એવા દેખાવાની જરૂર બધે નથી હોતી. સામેવાળી વ્યક્તિ કોણ છે અને અત્યારે કેવા સંજોગો છે તે પ્રમાણે તમારા વર્તનમાં તમે ફેરફાર કરો તેને કારણે કંઈ તમે દંભી નથી થઈ જતા. દંભ આખી જુદી જ વાત છે.

બીજાઓ પાસેથી ઉષ્માભરી લાગણી કે પોતાનાં વખાણ મેળવવાની સતત ભૂખને કારણે તમારું વ્યક્તિત્વ આળું અને અન્ય પર આધાર રાખનારું થઈ જશે. વખત જતાં તમારું સમગ્ર લાગણીતંત્ર તમે બીજાના હાથમાં સોંપી દેશો અને પસ્તાશો.

બધા મારા વિશે સારું સારું જ બોલે એવી મેન્ટાલિટી છોડી દેવાની. તમે ચિંતામાં હો તે છતાં પ્રસન્નતામાં ગળાડૂબ રહી શકો છો એવું અનુભવે સમજાતું હોય છે. બહારનાં કોઈ પણ પરિબળો તમારી અંદરની મધુરતાને ખલેલ પહોંચાડતાં અટકી જાય એવી અવસ્થાને ખરી મૅચ્યોરિટી કહેવાય જે માત્ર ઉંમર વધવાની સાથે ન આવે.

સતત ભૂતકાળના અને ભવિષ્યના વિચારોમાં હીંચકા ખાધા કરતા માણસ પાસે વર્તમાન જેવું કશું બચતું નથી અને વર્તમાન રહેતો નથી એટલે એના ભૂતકાળમાં કશું ઉમેરાતું નથી, એના ભવિષ્યમાં કશું ઉમેરાતું નથી. એની સમૃદ્ધિ ધીમે ધીમે ઘસાવા આવે છે. પોતાના વર્તમાનને જે વ્યક્તિ સમૃદ્ધ નથી કરી શકતી તેની આ જ હાલત થવાની.

લોકો તમને સાચા અને સારા દેખાવા માટે પ્રોત્સાહન આપતા હોય છે, સાચા અને સારા હોવા માટે નહીં. લોકોની મોહજાળમાં ફસાવાનું નહીં.

શરદી દૂર કરવાના ઈલાજો વિશેનો કોઈ વૈદરાજનો લેખ છાપામાં વાંચી લેવાથી તમારી શરદી ગાયબ થઈ જતી નથી. પૉઝિટિવ થિન્કિંગનાં પુસ્તકો, છૂટક લેખો, નિયમિત કૉલમો વાંચીને કે પછી મોટિવેશનલ પ્રવચનો સાંભળીને ‘ખૂબ શીખવા મળ્યું’ એવું કહી દેવાથી માણસનો સ્વભાવ બદલાઈ જતો નથી.

સારા વિચારોનો તૈયાર છોડ ઉછીનો લાવીને મનમાં રોપી દેવાથી કોઈ અર્થ સરતો નથી. એ છોડ એના પોતાનામાં ગમે એટલો ઉત્તમ હોય, ઘટાદાર વૃક્ષ બનવાની ખાતરી આપનારો હોય, છતાં એને તમારી ભૂમિ – એ ગમે એટલી ફળદ્રુપ હોય તો પણ – માફક ન આવે એ શક્ય છે. તૈયાર છોડ લાવીને રોપી દેવાને બદલે સારા વિચારોનાં બીજ શોધી શોધીને વાવવાં જોઈએ અને રોજ એની કાળજી લેવી જોઈએ. આ રીતે ઉગેલા કોઈ પણ છોડનાં મૂળિયાંની જમીન પરની પકડ મજબૂત રહેવાની. મામૂલી ઝંઝાવાતો સામે તો એ સહેલાઈથી ટકી શકશે જ, જબરદસ્ત આંધી વખતે પણ એ ઊખડી નહીં પડે. આપણે પોતે ઉછેરેલા વિચારોનો સૌથી મોટો ફાયદો એ કે એ વિચારો મુજબનું વર્તન કરવાના પ્રયત્નોમાં નિષ્ઠા આપોઆપ આવી જાય. એ વિચારો મુજબનું આચરણ કરવાના પ્રયત્નોમાં દિલચોરી કરવાનું મન ન થાય.

વાત વાતમાં ફરિયાદ કરવાથી પોતે સંપૂર્ણતાનો કરેલો આગ્રહ રાખે છે એવું સ્થપાઈ જશે એ પ્રકારનો વહેમ ઘણા લોકોને હોય છે. વાત વાતમાં વાંકું પાડવું કે સ્વભાવે જ વાંકદેખા હોવું આ બધાં લક્ષણોના મૂળમાં વારંવાર ફરિયાદ કરવાની આદત રહેલી છે. આપણે એ કૅટેગરીમાં ન મુકાવું.

મન થાય એ બધું જ કરવું કે મેળવી લેવું જરૂરી નથી હોતું જીવનમાં. કઈ ઈચ્છાને કાચના શોકેસમાં ગોઠવાયેલી કોઈ આકર્ષક ચીજની માફક દૂરથી જ નિહાળીને આગળ નીકળી જવું અને કઈ ઈચ્છાને પ્રયત્નપૂર્વક, સમજાવી પટાવીને પાછી વાળવી અને ન માને તો એની અંતિમક્રિયા કરી નાખવી એ સમજી લેવું જરૂરી છે. જે કંઈ મેળવવાની ઈચ્છા પ્રગટે એ બધું જ પ્રાપ્ત કરી લેવું જરૂરી નથી. અત્યાર સુધી જન્મેલી અને સંતોષાઈ ચૂકેલી અડધો અડધ ઈચ્છાઓ અત્યારે એના પરિણામ સામે તમારા મનના ભંડકિયામાં ધૂળ ખાતી પડી છે. એને પૂરી કરવામાં તમારો ઘણો અમૂલ્ય સમય ખર્ચાઈ ગયો, શક્તિઓ નીચોવાઈ ગઈ અને બદલામાં મળ્યું શું? ટોટલ વેસ્ટેજ.

તમારા વ્યવસાયના ક્ષેત્રમાં તમારો અસલ સ્વભાવ કે તમારું અસલ વ્યક્તિત્વ પ્રગટ થાય તે જરૂરી નથી. વ્યક્તિનો વ્યવસાય એના અંગત જીવન પર પહેરાયેલો બુરખો હોય છે. અસલ ચહેરાની ખામીઓ છુપાવવા માટેનો નહીં, અસલ ચહેરાની કુમાશને જાળવી રાખવા માટેનો. અંદરનું એકાંત ક્યાંક ઢોળાઈ ન જાય એ માટેનો.

જિંદગીની તેજીમાં સડસડાટ ચાલતો કાફલો કાળની થપાટ સમી મંદીની આંધીમાં વેરવિખેર થઈ જાય ત્યારે શાણો માણસ આગળ વધવાને બદલે બે ડગલાં પાછળ જવામાં ડહાપણ સમજે.

ભાવિ વિશેની ગણતરી ખોટી પડી રહી છે તેવું લાગે ત્યારે આખેઆખો દાખલો ખોટો પડે ત્યાં સુધી રાહ જોવાને બદલે પાછા જઈને નવેસરથી દાખલો માંડવાનો હોય.

આગળ વધવાના વધુ રસ્તાઓ ખૂલે એ માટે ક્યારેક પીછેહઠ કરવી જરૂરી. પછડાટો અને પીછેહઠો નામોશીભરી નથી. જેઓ સાહસિક છે, તમન્નાવાળા છે એમના જ જીવનમાં એ આવે.

સાયલન્સ પ્લીઝ!

તમને જે ગમે તે રીતે જીવવાનું. દોડધામ કરવી ન ગમે તો બીજાનું જોઈને રેસમાં નહીં ઉતરી પડવાનું, ઊંડાણ ગમતું હોય તો બહુ પસારો કરીને છીછરા થઈ જવાની જરૂર નથી અને એક સમયે એક જ કામમાં ખૂંપી જવાની મઝા આવતી હોય તો દેખાદેખીથી મલ્ટિ ટાસ્કિંગમાં જિંદગી ખર્ચી નાખવાની કોઈ જરૂર નથી.
-અજ્ઞાત

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here