સદાબહાર મેઘાણીનાં વિચારરત્નો:સૌરભ શાહ

आजे झवेरचंद मेघाणीनी १२२मी जन्मजयंति निमित्त्ते एक क्लासिक लेख।

(મુંબઈ સમાચાર : રવિવાર, 19 એપ્રિલ 2015)

મહાન લેખક એ છે જેના વિચારો, જેનું સર્જન કાળ, સ્થળ અને સંદર્ભો બદલાઈ ગયા પછી પણ જીવતું હોય, જાગતું હોય, તાજું અને પ્રેરણાદાયી હોય. ગુજરાતી સાહિત્યના ઈતિહાસમાં ઝવેરચંદ મેઘાણી એક એવું નામ છે જેમના વિચારો આજે પણ પ્રસ્તુત છે, રિલેવન્ટ છે. લેખક બનવા માગતા કે પછી સારા વાચક બનવા માગતા કોઈપણ ગુજરાતીને મેઘાણી પાસે ગયા વિના નહીં ચાલે.

પિતા ઝવેરચંદ મેઘાણીના જ નહીં, ગુજરાતીના ઉત્તમોત્તમ સાહિત્યને દુનિયાના ખૂણે ખૂણે વસતા ગુજરાતી વાચકોના ઘર સુધી લઈ જવાનું આજીવન યજ્ઞકાર્ય કરનારા મહેન્દ્ર મેઘાણીએ આ વર્ષે ‘ઝવેરચંદ મેઘાણીની વિચારકણિકા’ના નામે એક ઔર મેઘાણીમોતી ગુજરાતી પ્રજાને આપ્યું છે. નિવેદનમાં તેઓ કહે છે: ‘જીવન અને સાહિત્યને લગતા ઝવેરચંદ મેઘાણીના વિચારોમાંથી વીણેલી થોડીક કણિકાઓ…માં લેખકોને, ભાષા અને સાહિત્યના અભ્યાસીઓને રસ પડશે એવી આશા છે.’

મેઘાણી બંગાળી ભાષા કેવી રીતે શીખ્યા. ૧૯૧૭માં કલકત્તાની જીવણલાલ કંપની નામની પેઢીના એલ્યુમિનિયમનાં વાસણ બનાવવાના કારખાનાના મેનેજર તરીકે મેઘાણી જોડાયા. તે વખતે એમની ઉંમર માંડ વીસ વર્ષની. કલકત્તા જતાં જ થોડા દિવસમાં, બજારનાં સાઈન બોર્ડ વાંચી વાંચીને બંગાળી શીખી ગયા. પછી બંકિમચંદ્રની નવલકથાઓ સડસડાટ વાંચતા થઈ ગયા. બંગાળી નાટકો જોતા. દ્વિજેન્દ્ર રાયનાં નાટકો વાંચવાની ફાવટ આવી ગઈ. બ્રાહ્મોસમાજની રવિવારની ઉપાસનામાં જતા, ત્યાંથી પણ ભાષા આવડી. કારખાનાના મજૂરની માફક સવારે સાતથી સાંજના સાત સુધી નોકરી કરતા અને વચ્ચે અડધા કલાકના ભોજન વિરામ દરમ્યાન વીસ મિનિટ બચાવી દ્વિજેન્દ્ર રાય, રવીન્દ્રનાથ ટાગોર વગેરેને વાંચતા.

મેઘાણી કહે છે કે એમનું વાચન વિશાળ નહોતું પણ માનવજીવન જેવો મહાગ્રંથ વાંચવા મળ્યો એટલે લખતા થયા. આસપાસની વ્યક્તિઓનો, સમાજનો, દુનિયાનો ફર્સ્ટ હૅન્ડ અનુભવ મેળવીને એમણે ખૂબ લખ્યું. રવિશંકર મહારાજના અનુભવોનો નિચોડ ‘માણસાઈના દીવા’માં આપ્યો. મેઘાણી કહે છે: ‘ટપાલના સોર્ટરની અદાથી માનવીને પણ આપણે બે ખાનામાં વહેંચી નાખીએ છીએ: સારો અને ખરાબ. રવિશંકર મહારાજે એમને સારાં-નરસાનાં ખાનાંમાં નથી નાખ્યાં. કોઈ માણસ નથી એકલો સારો કે નથી નરસો – માનવી તો અજબ મિશ્રણનો બનેલો પિંડ છે.

આજના તમામ નામી, પ્રતિષ્ઠિત અને ઈનામઅકરામથી લદાયેલા ગુજરાતી સાહિત્યકારોને ગાલ પર જોરદાર થપ્પડ વાગે એવું ઝવેરચંદ મેઘાણી દાયકાઓ પહેલાં લખી ગયા: ‘સહેલાઈથી સાહિત્ય સર્જાવી નાખવામાં મેં માન્યું નથી, અને એવા સતત પરિશ્રમની વચ્ચે મેં કોઈ પણ બાહ્ય પ્રલોભનને આવવા દીધું નથી. સભાઓનાં પ્રમુખસ્થાનો, જાહેર ચર્ચાઓની વાંઝણી કડાકૂટ, મોખરે સ્થાન મેળવવાની મહત્ત્વાકાંક્ષા, બંધારણોના ઝઘડા – એ બધી સાહિત્યના તપોવન પર ત્રાટકનારી અપ્સરાઓનાં રૂપોમાં હું અંજાયો નથી. એને મેં સાહિત્યકારની તપશ્ર્ચર્યાને ધૂળમાં મેળવનાર ગણી છે… પરિષદો, સંમેલનો અને સંવત્સરીઓ એ બધાં આજકાલની સાહિત્યની દુનિયાનાં ગણાતાં અંગોમાં અમને બહુ રસ નથી. ત્યાં સમુદાયના ઘોંઘાટ સિવાય બીજો નાદ બહુ અલ્પ છે.’

સોશિયલ મીડિયાના આગમન પછી ગુજરાતી ભાષામાં પણ ‘લેખકો’ અને ‘કવિ’ઓનો રાફડો ફાટી નીકળ્યો છે. સારું છે. પણ આમાંથી ઘણાને પોતાની ‘ચોપડી’ છપાવવાની ચળ ઊપડે છે. પછી તેઓ આ ચોપડીઓ લાગતાવળગતાને માથે ઠોકે છે. આ નવોદિતોએ મેઘાણીનું મંથન પચાવવાની કોશિશ કરવી જોઈએ. લેખક બનવા નીકળી પડેલા તમામ પ્રકારના લોકોને મેઘાણી કહે છે:

‘આપણે લખનારાઓ આપણી જાતને તેમ જ બીજાઓને છેતરીએ છીએ; એ છેતરપિંડીનું સ્વરૂપ સૂક્ષ્મ હોય છે. કોઈ પુસ્તકની પ્રસ્તાવનામાં લખશે: ‘કલાબલાની મને પરવા નથી, પાંચ-પચાસ સાક્ષરોને છો આમાં અણઘડપણું દેખાય. હું તો લાખોનાં જીવનમંથનોને ઉચ્ચારણ આપી રહ્યો છું.’ તો કોઈ થોથાં ને થોથાં લખીને બચાવ કરે છે: ‘હું કંઈ વિદ્વાન નથી!’ … આવા બચાવોમાં છલ રહેલું છે. વિદ્વાન હોવાના ઈનકાર માત્રથી ચાહે તેવાં રસહીન – કલાહીન લખાણો લોકોની પાસે મૂકવાનો હક્ક આપણને સાંપડતો નથી… કોઈ કહે છે: ‘આ તો ભાઈ, મારાં કાલાંઘેલાં છે. હૃદયમાં જે ઊભરા આવી ગયા ને, ભાઈ, તે મેં તો ઠાલવી નાખ્યા છે. આ તો મેં કેવળ નિજાનંદને ખાતર લખ્યું છે: આ મારું પુસ્તક સાહિત્યમાં ભલે અમર ન રહે, મેં તો ગૂર્જરી માતને ચરણે ધરી દીધું છે.’ … પોતાની કૃતિની સજાવટમાં રહેતી કચાશ પર આવાં ઢાંકણો ઢાંકવાનો કોઈ પણ લેખકને હક નથી. લખો છો તો ખરાને? નિજાનંદ ખાતર લખતા હો તો પછી છપાવો છો શા માટે? ઊભરા ઠાલવવા હોય તો એકાન્તે જઈને કાં ઠાલવી કાઢતા નથી? કલા ખાતર નથી લખતા, તો શું કઢંગાઈ માટે લખો છો? તમે જો વિદ્વાન નથી, એટલે કે જે કાંઈ લખો છો તેના જ્ઞાતા નથી, તો પછી દુનિયાને શું તમારું અજ્ઞાન આપવા નીકળ્યા છો?’

આટલું કહીને મેઘાણી માસ્ટર સ્ટ્રોક મારે છે: ‘છટકી ન જઈએ, સીધી વાત સમજી લઈએ: આપણું લખ્યું આપણે અન્યને, હજારો-લાખોને, વંચાવવું છે, તેમના દિલ હરવાં છે, ધારી અસર નિપજાવવી છે. વધુમાં વધુ સચોટ અસર નિપજાવવાની કોઈ પણ પ્રવૃત્તિ કલાવિધાન માગે છે કે નહીં? લક્ષ્યવેેધી તીરંદાજની કમાનને બેવડ વળી જવું પડે છે કે નહીં? દેવની મૂર્તિ છે માટે એનું શિલ્પવિધાન ગધેડાને મળતું હશે તો ચાલશે, એમ નથી કહી શકાતું.’

મેઘાણીને રંજ છે કે આવા લેખકો ‘પોતાની કંગાલ કૃતિઓનાં અવલોકન ન લેવાય તેની રાવ કરવામાં સમય ગુમાવે છે. તેમને નથી ભાસતો એક ફક્ત પોતાનો દોષ. તેમને પોતાની કલમ પરિપક્વ થઈ ગઈ જણાય છે. તેમની ખૂબીઓ કોઈના ખ્યાલમાં વસતી નથી, આવો ખીજવાટ તેમની અભ્યાસવૃત્તિને આવરી બેસે છે.’

આ લેખકોને માર્ગદર્શન આપવાની ફરજ નિભાવતાં મેઘાણી દાખલો આપે છે કે એક વિદ્યાર્થીને મેટ્રિક થતાં સાત વર્ષ લાગે છે, ગ્રેજ્યુએટ બનતાં ચાર વરસ લાગે છે. આવી કોઈ પણ પૂર્વતૈયારી લેખનના ધંધામાં થવી જોઈએ એટલી વાતને લેખનનો ઉમેદવાર માત્ર સાહિત્યક્ષેત્રમાં જ સ્વીકારવા તૈયાર નથી… એક કૃતિનું બે કે ત્રણ વાર પુનર્લેખન કરવાનું એ જરૂરી ગણતો નથી. જગતસાહિત્યના ઉત્કૃષ્ટ ગ્રંથોને કે એના થોડા ખંડોને, કેવળ હથોટી બેસારવા માટે ગુજરાતીમાં ઉતારી પછી ફાડી નાખવા એ તૈયાર નથી. પોતાનું લખેલું તદ્દન માલ વિનાનું છે, એવું એને મોંયે ચડીને કહેવામાં આવે છે છતાં એ કોઈ પણ હિસાબે એક વાર, બસ, પુસ્તકરૂપ ધરે એવી કંગાલ ખ્વાએશને સંતોષવા માટે એ પ્રકાશકોની લાચારી કરે છે.

મેઘાણીએ માત્ર નવોદિત લેખકોની કે લેખક બનવા માગનારાઓની જ ટીકા નથી કરી. એક વાર લખીને ફરી વાંચ્યા વિના, મઠાર્યા વિના, રિ-રાઈટ કર્યા વિના પોતાના લેખોને કે સર્જનને પુસ્તકરૂપે છપાવી દેતા એસ્ટાબ્લિશ્ડ સાહિત્યકારોને પણ લપડાક મારી છે: ‘મુદ્રણ શુદ્ધિને માટે ગ્રંથકારો કેટલી કેટલી સંભાળ રાખે છે તે જુઓ: વિક્ટર હ્યુગો પોતાની કૃતિઓનાં પ્રૂફ બાર-બાર વાર તપાસવા માગતા ને છેલ્લાં પાંચ-છ પ્રૂફોમાં તો એ અલ્પવિરામ ને પૂર્ણવિરામની જ ભૂલો સુધારતા… લેખકે પોતાની કૃતિઓનું પ્રૂફવાચન પોતે જ કરવું જોઈએ, કેમકે પ્રત્યેક પ્રૂફવાચન અક્કેક નવી આવૃત્તિ જેટલું મહત્ત્વ ધરાવે છે. કેટલીક ખૂબીઓ તો પ્રૂફ તપાસતી વેળાએ જ સ્ફૂરે છે અને કેટલાક વિચારદોષો પણ પ્રૂફવાચન વખતે પકડાઈને દૂર થઈ શકે છે. હાથનું લખેલું લખાણ તમે ત્રણ વાર છેકભૂંસ કરીને તૈયાર કરશો તો પણ તેમાં અમુક શૈથિલ્ય રહી જશે. પછી એનાં પ્રૂફ તમારી સામે રજૂ થશે ત્યારે જાણે તમે કોઈક બીજાની કૃતિ વાંચતા હો તેવી તટસ્થતાવાળી સમીક્ષકવૃત્તિ તમારામાં જન્મ પામશે.’

સો વાતની એક વાત. લેખક નવો હોય કે જૂનો, ઓછો જાણીતો હોય કે લોકપ્રિય – મહેનત કરવી પડે, સખત મજૂરી કરવી પડે. દિવસરાત પરિશ્રમ કરવો પડે. આ નોટ સાથે મેઘાણીની વાત પૂરી કરતાં પહેલાં એમનો આ વિચાર મનમાં સંઘરી લઈએ:

‘પરિશ્રમ મને પ્રિય છે. પરસેવો પાડીને મેળવેલું પરિણામ જે આવે તે મીઠું લાગે છે. હું એક કામ પૂરું કરું ત્યારે મારો સંતોષ એ હોય છે કે મારી શક્તિની સમગ્ર મર્યાદા આવી રહ્યા સુધી મેં મહેનત કરી છે; આથી વધુ સારું હું ન જ કરી શક્યો હોત. પણ હું મારી જાતને કદી એમ સમજાવી લેતો નથી કે મારી જે પ્રતિષ્ઠા થઈ ગઈ છે તેને આધારે હું જે કાંઈ ઘસડીને ફગાવીશ તે લોકો ચલાવી લેશે. અગાઉ તમે ખૂબ અચ્છી કૃતિઓ આપી છે એટલે એકાદ નબળી લોકો નિભાવી લેશે, એમ કદી ગણશો નહીં. એથી ઊલટું, અગાઉ તમે લોકોને જે આસ્વાદ કરાવ્યો હશે તેથી વધુ ઉમદા વાચનની લોકો તમારી તરફથી અપેક્ષા રાખીને બેસશે. માટે બહેતર છે કે કંઈ વધુ ન આપો, પણ જે કાંઈ આપો તે તમારા સો ટકા શ્રમનું જ પરિણામ હોવું જોઈએ. પછી શક્તિ જે નવા સીમાડા સર નથી કરી શકતી તે માટે વલખાં પણ શાં?’

કાગળ પરના દીવા

જે લોકો સ્વયંપ્રકાશિત છે એમને સ્પૉટલાઈટની જરૂર નથી પડતી.

– ફેસબુક પર ફરતું

સન્ડે હ્યુમર

માણસ જ્યારે રૂપિયાની નોટો ગણતો હોય છે ત્યારે એ કોઈ જગ્યાએ ધ્યાન નથી આપતો.

પણ માળાના મણકા ગણે છે ત્યારે એનું ધ્યાન બધે જ ભટકે છે.

– વૉટ્સઍપ પર વાંચેલું

1 COMMENT

Leave a Reply to Hemendra Cancel reply

Please enter your comment!
Please enter your name here