(‘ન્યુઝવ્યુઝ’, Newspremi .com : શુક્રવાર, 21 ફેબ્રુઆરી 2025)
આમ આદમી પાર્ટીની સ્થાપના વખતે કિરણ બેદી, કપિલ મિશ્રા અને અશ્ર્વિની ઉપાધ્યાય જેવા નક્કર અને આજની તારીખેય આદરપાત્ર એવા લોકો અરવિંદ કેજરીવાલ સાથે જોડાયેલા. વખત જતાં આ લોકો પણ બીજા ઘણાઓની સાથે કેજરીવાલથી દાઝીને છુટા થઈ ગયા. શું કારણ હશે કે ભ્રષ્ટ, લાલચુ અને તકવાદી લોકો ઉપરાંત બેદી, મિશ્રા અને ઉપાધ્યાય જેવા અનેક નિષ્ઠાવાન લોકો પણ કેજરીવાલથી અંજાઈને ‘આપ’ના એજન્ડાને સ્વીકારવા લાગ્યા? કંઈક તો કેજરીવાલમાં એવું હોવું જોઈએ કે આટલા બધા લોકો પર એ ભુરકી નાખી શક્યો. બેદી, મિશ્રા, ઉપાધ્યાય વગેરે કંઈ નોવિસ નહોતાં, સિઝન્ડ લોકો છે. બાળબુદ્ધિ ધરાવતા હોત તો જુદી વાત છે. આ ત્રણેય અને એમના જેવા બીજા ઘણામાં નીરક્ષીર વિવેક હતો અને છે. ઘઉંમાંથી કાંકરા વીણવાનો એ સૌને અનુભવ છે. તો પછી કેજરીવાલની બાબતમાં તેઓ કેવી રીતે થાપ ખાઈ ગયા?
આ સવાલોના જવાબમાં આ તબક્કે હું તમારી સમક્ષ વિનોદ મહેતાને રજુ કરવા માગું છું, માય લૉર્ડ.
વિનોદ મહેતાની નાનકડી ઓળખાણ આપી દઉં. પત્રકારત્વમાં રસ ધરાવનારા ગુજરાતીઓને તો વિનોદ મહેતા વિશે ખબર હોવાની જ.
9 માર્ચ 2015ના રોજ 73 વર્ષની વયે વિનોદ મહેતાનું અવસાન થયું. 1980માં તેઓ ‘સન્ડે ઑબ્ઝર્વર’ના સ્થાપકતંત્રી બન્યા એના પહેલાંથી અમે એમના નામથી-કામથી પરિચિત. અમારી ટીનએજમાં એમના તંત્રીપદે પ્રગટ થતું ‘ડેબોનેર’ માસિક ખૂબ જોવાતું અને વંચાતું—એમાં છપાતા અર્ધનગ્ન સેન્ટરસ્પ્રેડ જોવાના અને એમાં પ્રગટ થતા લાંબા લાંબા ઇન્ટલેક્ચુઅલ ઈન્ટરવ્યુઝ વાંચવાના. ‘ડેબોનેર’ પછી ‘સન્ડે ઑબ્ઝર્વર’ આવ્યું અને પછી વિવિધ પ્રકાશનોના તંત્રીપદ સંભાળ્યા બાદ છેલ્લે ‘ઇન્ડિયા ટુડે’ને હંફાવનારા સાપ્તાહિક ‘આઉટલુક’ સુધીની એમની સુદીર્ઘ જર્નીનો એમના એક વાચકભક્ત તરીકે હું સાક્ષી રહ્યો છું.
વિનોદ મહેતાની સંપાદનકળા અને એમની લેખનકળાના હસમુખ ગાંધી જેવા વેટરનથી માંડીને મારા જેવા નૌસિખિયા પત્રકારો જબરદસ્ત ચાહક રહ્યા છે .
જોકે, મહેતાજીનો હું અંધ-ભક્ત નહોતો. 1992માં બાબરી વિધ્વંસ પછી વિનોદ મહેતાના સ્ટૅન્ડ વિશે મેં જાહેર ટીકા કરી હતી (‘અયોધ્યાથી ગોધરા’ પુસ્તકમાં છે). 2002ના ગોધરા હિંદુ હત્યાકાંડ પછીના ગાળામાં ‘આઉટલુક’ના અને વિનોદ મહેતાના જર્નલિઝમે ભૂંડી ભૂમિકા ભજવી હતી. એમના સેક્યુલર વિચારોનો કચકચાવીને વિરોધ કરવા છતાં એમના એડિટિંગ તેમ જ એમની લેખનકળા વિશેનો મારો આદરભાવ અક્ષુણ્ણ રહ્યો.
મૃત્યુના છએક મહિના પહેલાં વિનોદ મહેતાએ એક લેખ લખ્યો હતો. જુલાઈ 2014 અને નવેમ્બર 2014ની વચ્ચે લખાયેલા આ લેખનું શીર્ષક છે : ‘અરવિંદ કેજરીવાલ: ફ્રોમ હીરો ટુ નિયરલી ઝીરો.’
મહેતાસાહેબના આ યાદગાર લેખનો આરંભ આ રીતે થાય છે :
“મને લાગતું હતું કે એડિટર તરીકેના 40 વર્ષના અનુભવે મારામાં એટલી સમજ તો આવી ગઈ છે કે મને તરત ખબર પડી જાય કે (પબ્લિક લાઇફમાં) કોણ ફ્રૉડ છે, કોણ ઘોખેબાજ છે, કોના ફુગ્ગામાં બહુ હવા ભરેલી છે, કોણ પોતાની જાતને દેવનો દીધેલ માને છે, કોણ પબ્લિકને ટોપી પહેરાવે છે, કોણ પાકો ધૂર્ત છે. મારી આ ટેલન્ટ પર હું ત્યાં સુધી મુસ્તાક હતો જ્યાં સુધી અરવિંદ કેજરીવાલનો ઉદય નહોતો થયો. આ માણસે મને ગજબનો ચોમુ બનાવ્યો—હી કમ્પલીટલી બૅમ્બુઝલ્ડ મી.
“2012-13ના ગાળામાં કેજરીવાલ અને એમના આમ આદમીઓ ધમાધમ કરીને આગળ ધસમસતા હતા ત્યારે મેં મારી કલમ વડે જાહેરમાં જોકરવેડા કરીને મારો તમાશો કરી નાખ્યો હતો. કેજરીવાલનાં અને એણે બનાવેલા સંગઠનનાં હું છાપરે ચડીને વખાણ પર વખાણ કર્યા કરતો હતો. સમજોને કે મારી ડાગળી સાવ ચસકી ગઈ હતી. એ વખતે જો કેજરીવાલે દાવો કર્યો હોત કે પોતે પાણી પર ચાલી શકે છે તો મેં આંખ મીંચીને એ પણ માની લીધું હોત.
“એ વખતે આવેશમાં આવીને મેં જે કંઈ લખ્યું હતું તે આજે ફરી વાંચું છું ત્યારે મને ધરતી મારગ આપે તો સમાઈ જવાનું મન થાય છે. એ વખતે મેં જે રીતે શબ્દોના સાથિયા પૂર્યા અને વિશેષણોનાં તોરણિયાં લટકાવ્યાં એ બદલ હું અત્યારે ભોંઠપ અનુભવું છું. મને આશ્ર્ચર્ય થાય છે કે એ લખતી વખતે મારી મતિ ક્યાં મરી ગઈ હતી. અગ્નિ અને પૈડાની શોધ પછી આ દુનિયામાં કેજરીવાલનું અવતરણ થવું એ સૌથી મોટી ઘટના છે એવી મારી તે વખતની માન્યતા બદલ અત્યારે મને મારા પગમાં પહેરેલું જૂતું કાઢીને મારા માથે ફટકારવાનું મન થાય છે.
“મારા આ પારાવાર પસ્તાવાને સમજવા મેં એ વખતે શું લખ્યું હતું એનાં સૅમ્પલ તમારે વાંચવા પડે :
1. ‘ખાડે ગયેલા આ દેશમાં વાસંતી વાયરો વાઈ રહ્યો છે.’
(હવે પછીનાં પાંચ સેમ્પલ અંગ્રેજીમાં વાંચવાની મઝા છે જે વાંચ્યા વગર જ આગળ વધી જશો તોય કશું ગુમાવવાનું નથી.)
2. `Hope, optimism, expectation, and a sense of common destiny dangle tantalising before our republic.’
3. ‘The irresistible rise of Arvind Kejriwal is nothing short of a miracle.’
4. ‘All right thinking citizens will welcome his entry into the political arena and wish him bon voyage.’
5. ‘Arvind’s determination, drive, energy, organisational ability are an object lesson on how to start from behind and end up in front.’
6. ‘Each day brings news of CEOs, film stars, taxi drivers, eunuchs, university professors, journalists lining up to join the party.’
પોતાના જ લેખમાંથી આટલાં બધાં સૅમ્પલિયાં ક્વોટ કરીને વિનોદ મહેતા આગળ લખે છે :
“ડિસેમ્બર 2013માં દિલ્લી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું હતું એ દિવસે હું નોઈડાના ટાઈમ્સ નાઉના સ્ટુડિયોમાં હતો. (ચર્ચા દરમ્યાન મેં કેજરીવાલ અને ‘આપ’ વિશે જે કહ્યું તે વિશે) ‘ફર્સ્ટપોસ્ટ’ની વેબસાઈટ પર મારા માટે જે ટિપ્પણ થઈ તે બિલકુલ વાજબી હતી : ‘…વિનોદ મહેતા બેશરમ બનીને ‘આપ’નો એજન્ટ થઈ ગયો છે.’
“પાછળ જોઉં છું ત્યારે મને વિચાર આવે છે કે હું કેવી રીતે કેજરીવાલના ઝાંસામાં આવી ગયો હોઈશ? જરા તપાસીએ. 2012ના સપ્ટેમ્બરમાં અરવિંદ કેજરીવાલ અને અણ્ણા હજારે વચ્ચે ફૂટ પડી. કેજરીવાલે ‘આપ’ની સ્થાપના કરીને ચૂંટણી લડવાની તૈયારી કરી. ત્યારે એણે જે સલુકાઈથી પ્રોપેગેન્ડા કર્યા અને જે રીતનો ક્રાંતિકારી એજન્ડા રજૂ કર્યો એનાથી હું જબરદસ્ત ભરમાઈ ગયો હતો. ‘લોકોની સેવા કરવાની’ એની નોખી અદાથી હું પ્રભાવિત થઈ ગયો હતો. હવે પછી ભારતમાં લોકશાહીનો અર્થ દર પાંચ વર્ષે ચૂંટણી કરવી એવો નહીં થાય, પણ સરકાર કેવું કામ કરી રહી છે એનો તાગ લોકો (મહોલ્લા સભામાં) નિયમિત રીતે ભેગા મળીને સતત મેળવતા રહેશે (એવું કેજરીવાલ કહેતો અને મેં માની લીધેલું).
“(દિલ્લીના મુખ્યમંત્રી બન્યા પછી તરત જ) કેજરીવાલે જે કહ્યું હતું તેનો અમલ કરવાનું શરૂ કરી દીધું. આખા દિલ્લીમાં મહોલ્લા સભાઓની રચના થઈ; ફાળો ઉઘરાવવાની પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા એની વિગતો ઑનલાઈન ઉપલબ્ધ કરવામાં આવી. કોઈપણ મતદાતા પોતે ચૂંટેલા પ્રતિનિધિ પાસે જઈને જવાબ માગી શકે એવી વ્યવસ્થા ગોઠવાઈ. જનભાગીદારીવાળી લોકશાહીનું વચન તો અગાઉ અનેકવાર આપવામાં આવેલું પણ હવે એ વાતનો વાસ્તવિક્તામાં અમલ થઈ રહ્યો છે એની ખાતરી થઈ. કેજરીવાલે સૌને એક ઝલક દેખાડી દીધી કે પોતે કેવી રીતે કામ કરશે.”
વિનોદ મહેતાસાહેબના કબૂલાતનામાવાળા અદ્દભુત લેખને આટલી બધી અહેમિયત આપવાનું કારણ શું? કેજરીવાલ જો વિનોદ મહેતા જેવા ઘાટ ઘાટનાં પાણી પી ચૂકેલા સિઝન્ડ પત્રકારને બૅમ્બુઝલ્ડ કરી શકતો હોય તો બીજા કરોડો નૉર્મલ ભોળા ભારતવાસીઓને ચોમુ બનાવવામાં સફળ થાય એમાં કોઈ આશ્ચર્ય ના હોવું જોઈએ. તો હવે ધ્યાન રાખવાનું.
ભવિષ્યમાં દેશમાં કોઈ નવો કેજરીવાલ ફૂટી નીકળે ત્યારે યાદ રાખીએ કે જેમ વિનોદ મહેતા ઉલ્લુ બની ગયા એમ આપણે ના બનીએ.
વિનોદ મહેતાના લખાણને અહીં અટકાવી દઈએ. વિનોદ મહેતાએ મહોલ્લા સભાનો ઉલ્લેખ કર્યો. તમને યાદ હશે કે કેજરીવાલને મહોલ્લા સભાનો આઈડિયા કોણે આપ્યો હતો. 4 ફેબ્રુઆરીના લેખ (‘કેજરીવાલની કુંડળીમાં 8 ફેબ્રુઆરી પછી આજીવન તિહારયોગ છે’)માં આનો ઉલ્લેખ છે :
“2009 : કેજરીવાલને લાખો રૂપિયા મોકલ્યા પછી ‘ડીપ સ્ટેટ’નું ખરું કામ હવે શરૂ થાય છે. ન્યુયોર્ક યુનિવર્સિટીની રિસર્ચર શિમરીત લી નામની યુવતી ભારત આવીને ફૉર્ડ ફાઉન્ડેશન તરફથી જંગી રકમ પ્રાપ્ત કરનારી સિસોદિયા-કેજરીવાલની એન.જી.ઓ. ‘કબીર’માં જોડાઈ. એણે કેજરીવાલનો જમણો હાથ બનીને ‘સમાજસેવા’નું કામ શરૂ કર્યું. 2011માં આ શિમરીત લીએ ઇજિપ્ત જઈને ત્યાંની પ્રજામાં ‘આરબ સ્પ્રિંગ’ના નામે જાણીતાં થયેલા આંદોલનોનો પલીતો ચાંપ્યો હતો. આ જ મૉડલ એણે કેજરીવાલના ગળામાં પહેરાવીને મહોલ્લા કમિટીઓનું તૂત શરૂ કરાવ્યું હતું. આ ભાંગફોડિયા પ્રવૃત્તિ થકી ભારતીય રાજકારણમાં કેજરીવાલનું વિધિસર લૉન્ચિંગ થયું.”
૪ ફેબ્રુઆરીવાળો આ લેખ Newspremi પર મૂક્યો છે. એક રીતે જોઈએ તો કલંકકથા સિરીઝની પ્રસ્તાવનાની ગરજ સારે એવો એ લેખ છે.
કેજરીવાલને માર્ગદર્શન આપવા ભારત આવેલી શિમરીત લી કહેવા ખાતર તો ન્યુયોર્ક યુનિવર્સિટીની રિસર્ચ સ્ટુડન્ટ હતી, પણ હકીકતમાં એ અમેરિકન ‘ડીપ સ્ટેટ’ તરફથી મોકલવામાં આવેલી એજન્ટ હતી. ‘આરબ સ્પ્રિંગ’ માટે પણ ‘ડીપ સ્ટેટ’ તરફથી આ જ યુવતીને મોકલવામાં આવી હતી. શિમરીત લી સીઆઈએની એજન્ટ છે એવો ધડાકો મોદીની કેબિનેટમાં લાંબા સમય સુધી સેવા આપનારા સિનિયર નેતા હર્ષવર્ધને એક જાહેરસભામાં કર્યો હતો. સાલ હતી 2014. સીઆઈએ તરફથી ભારતની સરકારને ઉથલાવવા માટે શિમરીતને કેજરીવાલ પાસે મોકલવામાં આવી છે એવું હર્ષ વર્ધનજીએ કહ્યું હતું. આ યુવતીએ અનેક આરબ દેશોમાં રિસર્ચ કરવાને બહાને પ્રવાસ કર્યો છે એવું પણ હર્ષવર્ધને કહેલું.
કેજરીવાલની મહોલ્લા સમિતિઓ પાછળ કેવા કેવા મનસૂબા હશે તેનો તમને ખ્યાલ આવશે તો તમે ધ્રૂજી ઊઠશો. મહોલ્લા સમિતિઓ બનાવવાની શિમરીત લીની સલાહને અમલમાં મૂકીને પ્રથમ દિલ્હીમાં અને વખત જતાં આખા દેશમાં ‘આરબ સ્પ્રિંગ’ લાવવાનો એજન્ડા હતો. આ ‘આરબ સ્પ્રિંગ’ કઈ બલા છે?
‘આરબ સ્પ્રિંગ’ નામે ઓળખાતી ઘટનાઓનો આરંભ ૯૯ ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા ટ્યુનિશિયા નામના લિબિયાની બાજુમાં આવેલા ગરીબ ટચુકડા દેશમાં થયો. 2010ના ડિસેમ્બરમાં. ઉત્તર આફ્રિકાના આ નગણ્ય ગણાતા દેશમાં મોહમ્મદ લુઆઝિઝિ નામના 26 વર્ષના ફેરિયાએ સ્થાનિક સરકારી અધિકારીઓના ‘જુલમ’ના વિરોધમાં જાહેર આત્મદહન કર્યું. આ ફેરિયાના મોતના સમાચાર પર મીઠુંમરચું ભભરાવીને ટ્યુનિશિયાના મીડિયાએ આખા દેશની પ્રજાને ભડકાવી. રસ્તા પર નીકળી પડેલા હજારો-લાખો દેખાવકારોને ખાળવા ટ્યુનિશિયાની સરકારે પણ હિંસક પગલાં લેવા પડ્યાં. આને લીધે આગ ઔર ભડકી. તે ત્યાં સુધી કે દેશના રાષ્ટ્રપતિ પ્રેસિડન્ટ ઝાઈન અલ-અબિદિન બેન અલીએ રાજીનામું આપી દેવું પડ્યું એટલું જ નહીં જીવ બચાવવા 2011ની 14મી જાન્યુઆરીએ દેશ છોડીને ભાગી જવું પડ્યું. નવ મહિના પછી ચૂંટણી થઈ. નવી સરકાર આવી. જૂના કૉન્સ્ટિટ્યુશનને ફગાવીને દેશનું બંધારણ નવેસરથી ઘડવામાં આવ્યું.
ટ્યુનિશિયામાં ફેરિયાવાળી ઘટના બની તે પહેલાં જ ભારેલો અગ્નિ હતો. સરકાર કરપ્ટ છે, દેશની આર્થિક દુર્ગતિ થઈ રહી છે, ગરીબી વધી રહી છે, શાસકો સરમુખત્યાર બની ગયા છે, મોંઘવારીએ માઝા મૂકી છે, રાજકારણીઓ બેફામ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, યુવાનો બેકારીથી ત્રસ્ત છે, સામાજિક સ્તરે ભેદભાવો થઈ રહ્યા છે—આ બધાં કારણો આપીને આંદોલનો તો ક્યારનાં શરૂ થઈ ગયાં હતાં. ફેરિયાના આત્મદહનને કારણે ભારેલા અગ્નિમાં પેટ્રોલનું ટેન્કર ઢોળાયું અને એની આગ આખા દેશમાં ભભુકતી થઈ ગઈ.
ટ્યુનિશિયન સરકારનો વિરોધ કરનારા કહેતા રહ્યા કે અમે તો સત્યાગ્રહ કરીને સરકારનું ધ્યાન દોરવામાં માનીએ છીએ, શાંતિપૂર્વક દેખાવો કરીએ છીએ. વિરોધીઓ એવું પણ કહેતા રહ્યા કે અમે દેશમાં સાચી લોકશાહી સ્થાપના કરવા માગીએ છીએ, ચૂંટણીમાં થતી ગોલમાલને રોકીને ન્યાયી-નિષ્પક્ષ ચૂંટણી વ્યવસ્થા ગોઠવવા માગીએ છીએ, બેકારી દૂર કરીને દેશમાં ક્રાંતિ કરવા માગીએ છીએ, વર્તમાન સરકારને હટાવીને સુશાસન સ્થાપવા માગીએ છીએ.
આ બધું ક્યાંક સાંભળેલું-સાંભળેલું લાગે છે?
ટયુનિશિયા પૂરતી જ આ ‘ક્રાંતિ’ સીમિત ના રહી. લિબિયા, ઇજિપ્ત, યમન, સિરિયા અને બાહરિનમાં પણ આ પ્રલયથી બરબાદી આવી. લિબિયામાં મુઅમ્મર ગદાફીએ સત્તા છોડવી પડી. ઇજિપ્તમાં હોસ્ની મુબારક તથા યમનમાં અલી અબ્દુલા સાલેહે પણ સત્તા છોડવી પડી.
સડક પરના દેખાવો, રમખાણો અને ગૃહયુદ્ધ, અરાજકતા, હિંસા વગેરે આટલાં રાષ્ટ્રો પૂરતાં સીમિત ન રહેતાં મોરોક્કો, ઇરાક, અલ્જિરિયા, લેબેનોન, જોર્ડન, કુવૈત, ઓમાન અને સુદાન સુધી પ્રસર્યા. હિંસામાં કુલ મળીને 61,000નાં મોત થયાં.
મહોલ્લા સમિતિઓ રચીને ટયુનિશિયા જેવી જ પરિસ્થિતિ દિલ્લીમાં ઊભી થવાની શક્યતા હતી. ભલું થજો ભારતનું કે કેજરીવાલ 28 ડિસેમ્બર 2013માં પ્રથમ વખત દિલ્લીનો મુખ્યમંત્રી બન્યો તેના છ જ મહિનામાં નરેન્દ્ર મોદી આ દેશના વડાપ્રધાન બન્યા. ‘ડીપ સ્ટેટ’ના ભારતીય એજન્ટોના પ્લાનિંગ મુજબ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનો કરીને, બેકારી-મોંઘવારી વગેરેના પ્રશ્નોથી પ્રજાને ભરમાવીને ભારતમાં ‘આરબ સ્પ્રિંગ’ શરૂ થાય એ પહેલાં મોદીએ વડાપ્રધાનપદના શરૂઆતના બેઅઢી વર્ષમાં પાંચ જબરજસ્ત મોટાં કામ કરીને ભારતને ટ્યુનિશિયા બનતાં બચાવી લીધું. કરોડો જનધન બૅન્ક અકાઉન્ટ, આધાર કાર્ડ, યુપીઆઈ, નોટબંધી અને જીએસટી. આ પાંચેય વિરુદ્ધ વિપક્ષોએ અનેક ગેરસમજો ફેલાવી, જાતજાતના બનાવટી આંકડા અને કુતર્કોનો પ્રચાર-પ્રસાર કર્યો તે છતાં ભારતના સામાન્ય નાગરિકોએ આ પાંચેય પગલાં સામે કોઈ વિરોધ દેખાવો કર્યા નહીં ( જે છૂટમુટ થયા તે કેટલાક રાજકીય પક્ષોના જમુરિયાઓએ કર્યા ). સામાન્ય નાગરિકે આ પાંચેય પગલાંથી આ ઘણી મોટી આર્થિક અને સામાજિક રાહત અનુભવી.
ભારતમાં ‘આરબ સ્પ્રિંગ’નો ગેમપ્લાન નિષ્ફળ ગયા પછી ‘ડીપ સ્ટેટ’ના એજન્ટોએ ભુરાંટા થઈને શાહીનબાગ કર્યું, દિલ્લીમાં રાયટ્સ કર્યા, ખેડૂત આંદોલન કર્યું. મોદીએ શાહીનબાગ સામે ધીરજથી અને સંયમથી કામ લીધું- આંદોલનકારીઓએ વારંવાર સરકારને ઉશ્કેરી છતાં મોદીએ પોલીસ-અર્ધલશ્કરી દળોના હાથ બાંધેલા રાખ્યા. છેવટે આંદોલન ઓસરી ગયું. કડક પગલાં લઈને દિલ્લીના રમખાણો ડામી દીધાં. બંને ફાર્મર્સ બિલ પાછા ખેંચી લઈને મોદીએ ખેડૂત આંદોલનના ફુગ્ગામાંથી હવા કાઢી નાખી.
વિચાર કરો કે મોદીએ પોતાની સૂઝબુઝ અને બહાદુરીથી આ પાંચ વત્તા ત્રણ ક્રાંતિકારી પગલાં ન લીધાં હોત તો ભારતમાં કયા લેવલનું ‘આરબ સ્પ્રિંગ’ થયું હોત. વિચારશો તો રૂંવાડાં ઊભા થઈ જશે. કરોડરજ્જુમાંથી ભયનું લખલખું પસાર થઈ જશે.
આજે જ્યારે આપણે વિશ્વની ટોચની મહાસત્તાઓની હરોળના દેશો સાથે ફુલ સ્પીડમાં સડસડાટ પ્રગતિના મહામાર્ગ પરના વિકાસ-સેતુને પસાર કરીને આગળ વધીએ છીએ ત્યારે બારીની બહાર નજર કરતાં નીચે ખીણમાં ડઝન બંધ અકસ્માતગ્રસ્ત વાહનોનો કાટમાળ દેખાય છે જેમાંના એક પર લખ્યું છે ટ્યુનિશિયા, બીજા પર લિબિયા, ત્રીજા પર ઈજિપ્ત, ચોથા પર યમન, પાંચમા પર સિરિયા, છઠ્ઠા પર…
દિલ્લી ટયુનિશિયા બનતું રહી ગયું અને ભારતનાં બાકીનાં રાજ્યોમાં લિબિયા, ઈજિપ્ત, યમન, સિરિયા વગેરેની જેમ ‘ક્રાંતિ’ નો પવન ન ફૂંકાયો,આમ આદમી પાર્ટી અને અરવિંદ ગોવિંદરામ કેજરીવાલના હાથે દેશ બરબાદ થતાં થતાં બાલબાલ બચી ગયો.
(ક્રમશઃ)
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો