(‘ન્યુઝવ્યુઝ’, Newspremi. com : ગુરુવાર, 20 ફેબ્રુઆરી 2025)
આમ આદમી પાર્ટીની સ્થાપના કરવામાં જેમણે અરવિંદ કેજરીવાલને મદદ કરી હતી એમાંથી ઘણી જાણીતી વ્યક્તિઓએ વિવિધ કારણોસર ‘આપ’ છોડી દીધી. આ ડર્ટી ડઝનમાંની બાકીની બે વ્યક્તિઓ વિશે જાણીને આગળ વધીએ.
૧૧. કેપ્ટન જી.આર. ગોપીનાથ: ‘આપ’માંથી સૌપ્રથમ વિદાય લેનારા સ્થાપક સભ્યોમાં શાઝિયા ઇલ્મીની સાથે ‘ઍર ડેક્કન’ના સ્થાપક કૅપ્ટન ગોપીનાથ પણ હતા. 2014ની 24મી મેએ ગોપીનાથે પાર્ટીમાં ‘આંતરિક લોકશાહી’નો અભાવ છે એવું કહીને કેજરીવાલના વિમાનમાંથી પેરેશૂટ પહેરીને ભૂસકો મારી દીધો.
ગોપીનાથ ભારતીય લશ્કરમાં કૅપ્ટન હતા પણ 28 વર્ષની ઉંમરે જ સેવાનિવૃત્તિ લઈને એમણે જાતજાતના ક્ષેત્રોમાં હાથ અજમાવી જોયો- પશુપાલન કરીને દૂધ વેચ્યું, મરઘા ઉછેર કેન્દ્ર ખોલ્યું, બુલેટની મોટરસાયકલો વેચવાથી માંડીને હૉટેલ પણ ખોલી જોઈ. પછી ચાર્ટર્ડ હૅલિકૉપ્ટર સર્વિસ શરૂ કરી અને 2003માં ‘ઍર ડેક્કન’ના નામે સસ્તા ભાડાની ઍર લાઇન્સ શરૂ કરી જે 2007માં વિજય માલ્યાને વેચી દીધી. માલ્યાએ એને પોતાની ‘કિંગફિશર’ ઍરલાઇન્સમાં ભેળવી દીધી. પછી કંઈક લોચાલાપસી થયા બાદ ગોપીનાથ 2009ની લોકસભાની ચૂંટણીમાં બૅન્ગલોર-દક્ષિણની બેઠક પરથી લડ્યા અને હાર્યા. પછી 2014ની ચૂંટણી આમ આદમી પાર્ટીની ટિકિટ પરથી લડ્યા અને હાર્યા. છેવટે કેજરીવાલથી છૂટા થઈને જાહેર જીવનમાંથી નિવૃત્તિ લઈને ફરી ચાર્ટર્ડ વિમાનના વ્યવસાયમાં ઝમ્પલાવ્યું જેમાં વળી કાયદાકીય અડચણો આવી. ગયા વર્ષે એમની જિંદગી પર એક હિન્દી ફિલ્મ આવી, એ પહેલાં તમિળ ફિલ્મ આવી હતી. આજકાલ તેઓ મોટિવેશનલ સ્પીકર બનીને લોકોને પ્રેરણાનાં પિયુષ પીવડાવે છે અને ચિંતનનું ચૂરણ ચટાડે છે. ક્યારેક વર્તમાન રાજકારણ વિશે કમેન્ટ કરતા લેખો પણ લખે છે અને મીડિયા અને ઇન્ટરવ્યૂ પણ આપે છે.
૧૨. અલકા લામ્બા: અખિલ ભારતીય મહિલા કૉન્ગ્રેસની પ્રમુખ અલકા લામ્બા બે દાયકા સુધી કૉન્ગ્રેસમાં રહી. 2014ના ડિસેમ્બરમાં કૉન્ગ્રેસ છોડીને ‘આપ’માં જોડાઈ. 2015ની દિલ્લી વિધાનસભાની ચૂંટણીમાં ‘આપ’ની ટિકિટ પર ચાંદનીચોકમાંથી ચૂંટાઈને એમ.એલ.એ બની. 19 વર્ષની કુમળી ઉંમરે કૉન્ગ્રેસમાં દાખલ થનારી અલકા લામ્બા 2019માં આમ આદમી પાર્ટી સાથે વાંધાવચકા કાઢીને ફરી પાછી કૉન્ગ્રેસમાં જોડાઈ ગઈ.
‘આપ’માં જોડાયા પછી અલકાએ 2015માં બીજેપીના સમર્થકની માલિકીની દારૂની દુકાને જઈને પોતાના મળતિયાઓ સાથે લાઠી, ક્રિકેટ બૅટ વગેરેથી તોડફોડ કરી હતી. દુકાનદારનો બિચારાનો વાંક એટલો જ હતો કે ‘આપ’ના ગુંડાઓએ એની દુકાનની શો વિન્ડો પર અલકા લામ્બા અને ‘આપ’નાં ગુણગાન ગાતાં પોસ્ટરો ચીપકાવી દીધા ત્યારે એણે એનો વિરોધ કર્યો હતો. 2020ની વિધાનસભાની ચૂંટણીમાં અલકા લામ્બા હારી અને 2025ની વિધાનસભામાં આ માથાભારે કૉંગ્રેસણ દિલ્હીની કાલકાજી બેઠક પરથી ચૂંટણી લડી અને હારી.
સૌ કોઈ જાણે છે કે ઝાડુ લઈને દેશમાંથી ભ્રષ્ટાચારની ગંદકી સાફ કરવા નીકળી પડેલા અરવિંદલાલ ઈન્ડિયન રેવન્યૂ સર્વિસીઝ (આઈ. આર. એસ.)માં જોડાઈને ભારત સરકારના આવકવેરા ખાતામાં સનદી અધિકારી તરીકે નોકરી કરતા હતા. પણ હવે પછીની વાત બધાને ખબર નથી.
નવેમ્બર ૨૦૦૦ની સાલમાં કેજરીવાલે બે વર્ષની ‘સ્ટડી લીવ’ માગી જે એ શરતે મંજૂર કરવામાં આવી કે તમે બે વર્ષ પછી પાછા ફરજ પર ચઢો ત્યારે તમારે ઓછામાં ઓછાં ત્રણ વર્ષ કન્ટિન્યુઅસ સર્વિસ કરવાની રહેશે. ૨૦૦૨ના નવેમ્બરમાં કેજરીવાલ પાછા જોડાયા તો ખરા પણ નવેમ્બર ૨૦૦૫માં ત્રણ વર્ષનો બૉન્ડ પૂરો થાય તે પહેલાં, ૨૦૦૪માં જ તેઓ ‘લીવ વિધાઉટ પે’ પર ઊતરી ગયા. એ પછી એણે ફેબ્રુઆરી ૨૦૦૬માં રાજીનામું આપ્યું. તે વખતે સરકારે કહ્યું કે તમે બૉન્ડની શરતોનો ભંગ કર્યો છે માટે તમારે રૂપિયા ૯ લાખ ૨૮ હજાર સરકારમાં ભરવા પડે કારણ કે સ્ટડી લીવનો પગાર તમને એ શરતે આપવામાં આવ્યો હતો કે તમે ફરી પાછા જોઈન થઈને ત્રણ વરસ સુધી કામ કરશો.
કેજરીવાલે કહ્યું કે નવેમ્બર ૨૦૦૨માં ફરી નોકરી પર જોડાઈને છેક ફેબ્રુઆરી ૨૦૦૬માં મેં રાજીનામું આપ્યું છે, ત્રણને બદલે સાડાત્રણ વરસ નોકરી કરી છે, સરકારને મારા તરફથી એક પાઈ પણ પાછી નહીં મળે.
સરકારે સમજાવ્યું કે સાડાત્રણ વર્ષની નોકરી ભલે કરી અને એમાં તમને કેઝ્યુઅલ, મેડિકલ કે પ્રીવિલેજ લીવ જે મળે તે તમારા હક્કની પણ આ ગાળામાં તમે જે ‘લીવ વિધાઉટ પે’ લીધી એની ગણતરી કંઈ સાડાત્રણ વર્ષની નોકરીમાં ન થઈ શકે. છેવટે ફર્જીવાલે નવેમ્બર ૨૦૦૦થી નવેમ્બર ૨૦૦૨ વચ્ચેના ગાળામાં ‘સ્ટડી લીવ’ લઈને એક પણ દિવસ નોકરી કર્યા વિના બે વર્ષનો જે મફતનો પગાર ખાધો તે બધો જ પગાર (રૂ. ૯ લાખ ૨૮ હજાર ૭૮૭) છેક ૩ નવેમ્બર ૨૦૧૧ના રોજ ભારત સરકારની તિજોરીમાં પાછો જમા કરાવવો પડ્યો.
આવી નૈતિકતા, પ્રામાણિકતા ધરાવનારો માણસ આ દેશનું, દિલ્હીનું કે ઈવન પોતાની પાર્ટીનું કેવી રીતે ભલું કરે.
જ્યોર્જ બર્નાર્ડ શૉનું એક જાણીતું વાક્ય ઘણું ક્વોટ થતું હોય છે : પોલિટિક્સ ઈઝ ધ લાસ્ટ રિઝોર્ટ ફૉર ધ સ્કાઉન્ડ્રલ્સ. આ વાક્યમાં ફોકસ પોલિટિશ્યન્સ પર નહીં સ્કાઉન્ડ્રલ્સ પર છે, સમાજના હરામખોરો અને કમીનાઓ પર છે. આવા લોકો માટે રાજકારણ છેવટનો આશરો પૂરો પાડે છે. આ વાક્યનો અર્થ એવો નથી કે પોલિટિક્સમાં બધા જ હરામખોરો છે. અર્થ એ છે કે જે હરામખોરો છે તેઓ સમાજના વિવિધ ક્ષેત્રોમાં ઉધામા કરીને છેવટે રાજકારણનું શરણું લઈને પોતાની જાતને બચાવી લેતા હોય છે અથવા તો કહો કે બચાવવાની કોશિશ કરતા હોય છે.
‘આપ’ના પાપ વિશેની આ લેખમાળા માટે એક ‘આપ’પ્રેમીએ કમેન્ટ કરી કે: ‘શું તમે એમ સાબિત કરવા માગો છો કે ભાજપ અને કૉન્ગ્રેસમાં ફક્ત હરિશ્ચંદ્રોનો સેવાભાવી સમૂહ જ છે?’
પોતાના જ સાથીઓને ગાળાગાળી કરતાં પકડાઈ ગયેલા અરવિંદ કેજરીવાલનો ખુલ્લેઆમ બચાવ કરતા આ ‘આપ’પ્રેમીને મારે જવાબ આપવાની કોઈ જરૂર જ નહોતી, મારું કામ આ સિરીઝ વાંચનારા મિત્રોએ જ કરી આપ્યું: ‘અમને ખબર છે કે કૉન્ગ્રેસ દૂધે ધોયેલી નથી પણ તેઓ પોતાને હરિશ્ચંદ્રનો અવતાર પણ નથી કહેતા. કેજરીવાલ જોડે એક જ ઈશ્યૂ છે- પોતાને હરિશ્ચંદ્ર કહેવડાવવાનો. એમનું કહેવું છે કે એમના સિવાય બીજા બધા જ ચોર છે. બસ, વાંધો અહીંયાં છે.’ આવું એક જણે કહ્યું અને બીજાએ કહ્યું: ‘કૉન્ગ્રેસ, ભાજપ, કમ્યુનિસ્ટ્સ કે કોઈ પણ પાર્ટીમાં કૌભાંડી લોકો તો હોય છે જ. પણ ‘આપ’નો પાયાનો સિદ્ધાંત જ હતો કે કોઈ પણ પ્રકારનું કરપ્શન કે ગોટાળા કરવાવાળા પાર્ટીમાં લેવામાં નહીં આવે… પૉલ્યુશન ફ્રી યુરો-સિક્સ સર્ટિફાઈડ કારથી પૉલ્યુશન થાય તો બૂમ તો પડવાની જ- આટલી સાદી સમજ હોવી જોઈએ.’
ભારતનો કે ફૉર ધૅટ મેટર દુનિયાનો કોઈ પણ રાજકીય પક્ષ સંપૂર્ણપણે ભ્રષ્ટાચારીઓથી મુક્ત હોઈ શકે નહીં. પણ જે પક્ષ ‘ભ્રષ્ટાચાર હટાવ’ના પ્રાયમરી મુદ્દા સાથે ચૂંટણીના મેદાનમાં ઝુકાવે છે, જેની પાસે બીજા પક્ષના રાજકારણીઓ સામે કરપ્શનના આડેધડ આક્ષેપો કરવા સિવાયની બીજી કોઈ પ્રવૃત્તિ નથી, જેની પાસે નક્કર કામ કરવા માટેની બહુમતી મતદારો તરફથી મળી હોવા છતાં ધરણાઓ અને દેખાવો કરવા ઉપરાંતનો કોઈ એજન્ડા નથી તે જ પક્ષમાં ઠાંસી ઠાંસીને એવા લોકો ભર્યા હોય જેઓ માત્ર આર્થિક બાબતોમાં જ નહીં, વૈચારિક અને નૈતિક રીતે પણ ભ્રષ્ટ હોય ત્યારે પ્રજા ચોંકી ઉઠે છે: અમે આ લોકોને અમારા ખભા પર બેસાડ્યા?
કોઈ તમારા શર્ટ પરના ડાઘ સામે આંગળી ચીંધે ત્યારે તમારાથી સામે એમ ન કહેવાય કે સાલા, તારું પણ ગંજી મેલું છે. તમારે એ ડાઘનો સ્વીકાર કરવો પડે અને શક્ય હોય તો પૂરેપૂરા પ્રયત્ન કરીને એને ધોવો પડે. અને ધોયા પછી પણ ડાઘ ન નીકળે તો એ સ્વીકારીને ચાલવું પડે કે આટલો ડાઘ તો હવે કાયમ માટે રહેવાનો, ફરી વાર ભવિષ્યમાં કોઈ ડાઘ ન પડે એ રીતે જીવવાનું. આવી બેઝિક સમજ મારા- તમારા સૌ કોઈનામાં હોવાની. ‘આપ’માં આ સમજ નથી, અરવિંદ કેજરીવાલ અને એમના પિઠ્ઠુઓમાં આ સમજ નથી, આદર્શવાદનો ઝંડો લહેરાવતા ભોળા ‘આપ’પ્રેમીઓમાં આ સમજ નથી.
‘આપ’ની એક ટ્રેઈટ છે. અત્યાર સુધી તેઓ સ્ટિંગ ઑપરેશન કરીને, પ્રેસ કૉન્ફરન્સીઝ બોલાવીને, નિવેદનો કરીને પોતાના વિરોધી રાજકારણીઓ, બિઝનેસમેન, સૌ કોઈના પર મનઘડંત આક્ષેપો કરતા રહ્યા. દિલ્હીનાં ભૂતપૂર્વ ચીફ મિનિસ્ટર શીલા દીક્ષિતના ભ્રષ્ટાચારો સામે અમારી પાસે ઢગલો પુરાવા છે, અંબાણીને અમે ખુલ્લા કરીશું, ફલાણાની વાટ લગાડીશું, ઢીંકણાને લાત મારીશું એવું કહી કહીને ‘આપ’ના નેતાઓએ આખું ગામ ગજવ્યું અને જ્યારે તોતિંગ બહુમતીથી સત્તા મળી ત્યારે પ્રજા માટેની જવાબદારીનું ભાન રાખીને કામ કરવાને બદલે દસ દિવસ માટે બૅન્ગલોર ઉપડી જવું, પાછા આવીને સરકારમાં બેસીને કામ કરવાને બદલે પાર્ટીના ટંટા-ફિસાદમાં બિઝી થઈ જવું, એટલું ઓછું હોય એમ એલજી સામેના દેખાવોનું પ્લાનિંગ કરવું.
બીજાઓ સામે બેફામ અને બેબુનિયાદ આક્ષેપો કરનારા ‘આપ’વાળા જ્યારે પોતાની સામે આક્ષેપો થતા હોય છે ત્યારે શું કહેતા હોય છે? પુરાવા લાવો. તમારા સ્ટિંગ ઑપરેશની સીડી સાચી છે કે નહીં એની ફોરેન્સિક જાંચતપાસ કરાવો. આક્ષેપો જાહેર કરતાં પહેલાં જો અમને જણાવ્યું હોત, અમારો સંપર્ક કર્યો હોત તો અમે એમને ડૉક્યુમેન્ટ્સ સાથે સાબિત કરી આપ્યું હોત કે આ બધી વાતો ખોટી છે, સીધા જાહેર જનતા સમક્ષ શું કામ ગયા તમે?
‘આપ’વાળાઓએ ક્યારેય જેમના વિરુદ્ધ આક્ષેપો કર્યા છે એમને પ્રેસ કૉન્ફરન્સમાં સાથે રાખ્યા છે? પોતાનો પક્ષ રજૂ કરીને ખુલાસા કરવાની તક આપી છે? ‘આપ’નો હેતુ ભ્રષ્ટાચાર દૂર કરવાનો ક્યારેય નહોતો, માત્ર બીજાઓ પર ભ્રષ્ટાચારના સાચાખોટા આરોપો લગાવવાનો જ હતો. જનલોકપાલ બિલનું પૂંછડું પકડી રાખનારા ‘આપ’વાળાઓને પહેલેથી જ ખબર હતી કે ભ્રષ્ટાચાર રોકવા માટે ભારતીય સિસ્ટમમાં ઈલેક્શન કમિશન, કૅગ, ઈ.ડી. અને એ.સી.બી.થી માંડીને સીબીઆઈ-પોલીસ-કોર્ટ સુધીની તમામ વ્યવસ્થા છે. આ આખીય સિસ્ટમ છીંડાવાળી છે છતાંય જો આ સિસ્ટમ સાથે સંકળાયેલા લોકો ધારે તો લાગતાવળગતા ક્ષેત્રનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડી, ગુનેગારોને સજા કરી, એટલું કરપ્શન ઓછું કરી શકે એમ છે. પણ મન હોય તો માળવે જવાય. જનલોકપાલ બિલ વિના ભ્રષ્ટાચાર દૂર કરવો અશક્ય છે એવું આપણા દિમાગમાં ઠસાવવાની કોશિશ અણ્ણા હઝારે, અરવિંદ કેજરીવાલ અને બીજાઓએ કરી. જનલોકપાલની આખી પૅરેલલ સિસ્ટમ આખરે તો માણસો દ્વારા જ ચાલવાની છે. કૅગ, એસીબી, કોર્ટ, પોલીસ વગેરેમાં ભરતી કરવામાં આવતી વખતે કંઈ આડેધડ ભરતી નથી થતી. ઉમેદવારોને ચાર ગળણીએ ગાળવામાં આવે છે. જનલોકપાલની સિસ્ટમ ચલાવનારા લોકો પણ ભ્રષ્ટાચારી થવાના. જનલોકપાલની સિસ્ટમ દ્વારા ભ્રષ્ટાચારનો પૅરેલલ માર્ગ ખુલવાનો. બેઝિકલી તો જનલોકપાલ લોકોની આંખોમાં ધૂળ નાખવાની કોશિશ છે કે જુઓ, અમે ભ્રષ્ટાચાર હટાવવા શું શું કરીએ છીએ.
‘આપ’ને દિલ્લીમાં દસેક વર્ષ માટે સત્તા મળી. આ દરમિયાન ‘આપ’ના અનેક નેતાઓ અને અનેક કાર્યકર્તાઓએ યથાશક્તિ ભ્રષ્ટાચાર કર્યો. કૉન્ગ્રેસે આઝાદી પછી જે રાજ કર્યું એમાં પણ એના પોતાના નેતાઓ- કાર્યકર્તાઓ ન્યાલ થયા, દેશ ત્યાંનો ત્યાં રહ્યો અને સામાજિક સંવાદિતા ઘટી.
ભાજપ-એનડીએના રાજમાં પણ નીચલા સ્તરે ક્યાંક ભ્રષ્ટાચાર થવાનો, પણ ભાજપની સર્વોચ્ચ નેતાગીરી, ભારત સરકારની લગામ જેમના હાથમાં છે તેમાંના કોઈ નેતા ભ્રષ્ટ નથી. આ ઉપરાંત ભાજપનો પ્લસ પૉઈન્ટ એ છે કે એ વિદેશી મહાસત્તાઓ સામે ઝૂકશે નહીં અને ઘર આંગણે આ દેશની સંસ્કૃતિ અને એકતા સામે થતા પ્રહારો સામે ઝીંક ઝીલશે. ભાજપના કેટલાક નાના નેતાઓ- કેટલાક સ્થાનિક કાર્યકર્તાઓ કદાચ પોતાનાં ગજવાં ભરે તો પણ ઓવરઑલ ભાજપની સર્વોચ્ચ નેતાગીરી આ દેશની તિજોરીને સુરક્ષિત રાખશે અને કૉન્ગ્રેસના જમાનામાં જે રીતે ખાલી થઈ જતી તેમ ખાલી નહીં થવા દે. ભારતને આર્થિક રીતે મજબૂત અને સામાજિક રીતે પ્રોગ્રેસિવ જોવા ન ચાહતી વિદેશી મહાસત્તાઓનાં પ્યાદા જેવા ‘આપ’ના સત્તાધીશોને ભવિષ્યમાં દેશદ્રોહી તરીકે ઓળખવામાં આવશે.
એક નાનકડી વાત. પાકિસ્તાનમાં ક્યારેય ભારતના રાજકારણ પરથી પ્રેરણા લેવાઈ નથી- એક અપવાદ સિવાય. પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલીવાર ત્યાંની એક પાર્ટીએ પોતાનું નામ બદલીને ‘પાકિસ્તાન મુજાહિર લીગ’માંથી ‘આમ આદમી પાર્ટી’ કરી નાખ્યું છે. વિચાર કરો, કેજરીવાલ કેવા કેવા લોકોના પ્રેરણાદાતા છે.
‘આપ’માં કેટલાક ખરેખર સારા લોકો પણ જોડાયેલા. એ બિચારાઓ કેજરીવાલના પ્રચારથી ભરમાઈ ગયેલા. એવા ત્રણ લોકો અત્યારે યાદ આવે છે. આ ત્રણેય હવે ‘આપ’ સાથે નથી. કેજરીવાલે કેવા કેવા લોકોને ચોમુ બનાવ્યા એની ગાથા આવતી કાલે.
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો