જે છે એને માણવામાં કે પછી કંઈક કરી નાખવામાં જીવન વિતાવી દેવું : સૌરભ શાહ

(લાઉડ માઉથઃ ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ, બુધવાર, ૧૬ જૂન ૨૦૨૧)

ક્યારેક લાગે કે કંઈક કરી નાખવાના ધખારા છોડીને દુનિયામાં ઑલરેડી જે કંઈ છે એને માણવામાં જ સમય વિતાવવો જોઈએ.

કેટલું બધું છે જેને માણવાનું તમે ગુમાવી દો છો. તમારા કરતાં લાખ દરજ્જે સારું લખનારા કેટલાય થઈ ગયા. એમને વાંચવા માટે સાત જનમનો સમય ઓછો પડે. તો વાંચો એમનાં પુસ્તકો. લખવામાં શું કામ ટાઈમ બગાડવાનો. ગમે એટલું લખશો તોય તમે ચાર્લ્સ ડિકન્સ, જુલે વર્ન, જ્યૉર્જ સિમેનોન કે સ્ટીફન કિંગ અને જેફ્રી આર્ચર જેવું તો લખી શકવાના નથી. આ તો પાંચ નામ છે. નમૂના સ્વરૂપે. બીજાં પાંચસો નામ લખી શકાય, પણ પછી કૉલમ એમાં જ પૂરી થઈ જાય. જે ખરેખર વાંચવા જેવું છે એ તો લખાઈ ગયું છે— મહાભારત સ્વરૂપે, રામાયણરૂપે, ઉપનિષદો-વેદોના સ્વરૂપમાં. રોજેરોજ બારથી સોળ કલાક વાંચતા રહો તો ય જિંદગીના છેલ્લા દિવસ સુધી આમાંનું કેટલું બધું વંચાયા વિનાનું રહી જાય.

વાંચવું ન હોય અને ખાલી ફિલ્મો જ જોવી હોય તો જગતમાં એટએટલી જોવા જેવી ફિલ્મો બની છે કે રોજના બાર-સોળ કલાક એ જ કામ કરો તોય ના ખૂટે. ફિલ્મ જુઓ, એની સાથે એના એક્સ્ટ્રા ફીચર્સ જુઓ, ડિરેક્ટર્સ કમેન્ટરી સાથે જુઓ. ફિલ્મ વિશે અને એના સર્જકો વિશેની માહિતી, એમના ઈન્ટરવ્યૂઝ ફિલ્મવિષયક વિવિધ પુસ્તકોમાં વાંચો. ફિલ્મો ખાલી જુઓ જ. એના વિશે લખો નહીં. એના વિશે લખવામાં જેટલો સમય વાપરશો એટલો સમય ફિલ્મ જોવાના તમારા ક્વોટામાંથી ઓછો થઈ જશે.

અને સાંભળવાનું કેટકેટલું છે. માત્ર રજનીશજીનાં જ પાંચ હજાર કલાકનાં પ્રવચનો એક હાર્ડ ડિસ્કમાં છે. શાસ્ત્રીય સંગીતથી માંડીને હિન્દી ફિલ્મ મ્યુઝિક અને બીથોવન-મોઝાર્ટથી માંડીને હૉલિવુડિયા ફિલ્મોનાં થીમ મ્યુઝિક સુધીની સીડીઓ તમારી રાહ જુએ છે. ક્યારે સાંભળવાની? આજે જ. પણ લખવાનું નહીં એના વિશે, કારણ કે એના વિશે લખવા બેસી જશો તો…

જોવા માટે ડૉક્યુમેન્ટરીઝથી લઈને ‘ગાલિબ’ વિશે બનાવેલી ગુલઝારની સિરિયલ સુધીની હજારો કલાકની સામગ્રી છે. થોડાં વર્ષો પહેલાં વૉર ફિલ્મો વિશે લખ્યું ત્યારે નવી સામગ્રીમાં બીબીસીની બે ડૉક્યુમેન્ટરીઝ મગાવી. એક તો ‘વૉર ઑફ ધ સેન્ચ્યુરી’ જેમાં હિટલર રશિયાના સરમુખત્યાર જોસેફ સ્તાલિન સામે કેવી રીતે લડ્યો એના ચાર એપિસોડવાળી ત્રણ કલાકથી વધુ સમયની ડીવીડી. અને બીજી ડીવીડી હતી જીરેમી કલાર્કસનની ‘વૉર સ્ટોરીઝ’. જીરેમી ક્લાર્કસન તમને યાદ હોય તો ‘ટૉપ ગિયર’ નામના મોટર શોનો વર્ષો જૂનો જગવિખ્યાત હૉસ્ટ જેને તદ્દન ફાલતુ કારણોસર પાંચેક વર્ષ પહેલાં શોમાંથી હટાવી દેવામાં આવ્યો ત્યારે એનું ઉપરાણું લેતો એક આખો લેખ મેં લખ્યો હતો. પણ આવું લખવામાં સમય વિતાવીએ છીએ ત્યારે ખરેખર જે જોવાનું છે, માણવાનું છે તે ચૂકી જવાય છે. યુ ટ્યુબ પર તો જોવા જેવી વસ્તુઓનો ખજાનો છે. ટેડ ટૉક્સની ક્લિપ્સ જ હજારો કલાક ચાલે એટલી હશે. અને ટેડ ટૉક્સ તો યુ ટ્યુબના મહાસાગરમાંનું એક ટીપું માત્ર. બાકી વિપુલ ગોયલની સ્ટેન્ડ અપ કૉમેડીથી માંડીને નાનાં ગલૂડિયાઓ નવજાત શિશુઓ સાથે રમતા હોય એવા વીડિયોની કેટલી લાંબી યાદી થાય અને હવે તો યુ ટ્યુબ પણ ક્યાં એકલું છે? એના નવા રાઈવલ્સમાં નેટફિલક્સ અને અમેઝોન પ્રાઈમ સહિતનાં બે ડઝન સશક્ત ઓટીટી માધ્યમો છે જેમાંની સિરિયલો, વેબ સિરીઝો, નવા નવા કાર્યક્રમો જોવા બેસો તો પાર ના આવે.

કોરોનામાં જો ઘરની બહાર પગ મૂકવાની ઈચ્છા થાય, જે ભાગ્યે જ થતી હોય છે, તો ખબર પડે કે એક ખાલી આ મુંબઈ શહેરમાં જ કેટલું બધું જોવાનું, જાણવાનું છે. જે શહેરમાં તમે જન્મથી ઊછર્યા એ શહેર છ દાયકા પછી પણ વિસ્ફારિત નયને જોઈ શકાય એવું વિસ્મય ભરેલું લાગે છે. મુંબઈનો ઈતિહાસ સમજાવતી કન્ડક્ટેડ વૉકિંગ ટૂર્સની તમને જરૂર નથી, કારણ કે એ તમામ જગ્યાઓ તમે એક કરતાં વધુ વાર વિઝિટ કરી ચૂક્યા છો અને એ જગ્યાના મહાત્મ્ય વિશે શારદા દ્વિવેદીથી માંડીને મૂલચંદ વર્મા તથા અમૃત ગંગરનાં પુસ્તકોમાં વાંચી ચૂક્યા છો. આમ છતાં દરેક નવી વિઝિટે જાણે તમે પ્રથમ વાર એ જગ્યાની મુલાકાત લેતા હો એવો રોમાંચ થતો હોય છે. હવે તો વિરારનીય પેલે પાર અને મુલુંડનીય પેલે પાર વિસ્તરેલું મુંબઈ છે. આ વિશાળ, બૃહદ્ મુંબઈની ગલીએ ગલીએ પરિચય કરવા માટે અને દરેક ગલીની સ્પેશ્યાલિટી વાનગીઓ ચાખવા માટે તમને કેટલા જન્મારા જોઈએ?

મુંબઈની બહાર નીકળવું હોય તો મહારાષ્ટ્રમાં જ એટએટલાં સ્થળો છે કે જ્યાં જઈને તમે અઠવાડિયું-પંદર દિવસ રહીને એની આસપાસના પરિસર સાથે પરિચય કેળવો તો નાખી દેતાં પચીસ-પચાસ વર્ષ વીતી જાય. એટલાં જ વર્ષો ગુજરાતને અને એટલાં જ પ્રેક્ટિકલી ભારતના મોટા ભાગનાં રાજ્યોને એક્સપ્લોર કરવામાં વીતી જાય.

સાત ગુણ્યા સાત જન્મારા તો આ બધામાં જ વીતી જાય. પછી નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાનનો વારો આવે અને યુરોપ-અમેરિકા-ઑસ્ટ્રેલિયા તો એ પછી આવે. આફ્રિકાના દેશો, એશિયાના દેશો અને આરબ કન્ટ્રીઝ તો હજુય બાકી રહે. નિરાંતે આખા વિશ્વનું પરિભ્રમણ કરવું હોય, દરેક દેશમાં દરેક પ્રાંતની સ્થાનિક પ્રજા સાથે આછો-પાતળો પરિચય કેળવીને એ સમાજને સમજવાની થોડીઘણી કોશિશ કરવી હોય તો કેટલા જન્મારા જોઈએ?

હિસાબમાંય ન બેસે એટલા. એટલે જ એવો વિચાર ફરકી ગયો કે કંઈક કરી નાખવાના ધખારા છોડીને આ દુનિયામાં ઑલરેડી જે કંઈ છે એને માણવામાં જ સમય વિતાવવો જોઈએ.

પણ લખવાનું છૂટવાનું નથી, કારણ કે આ દુનિયામાં ઑલરેડી જે કંઈ માણવા જેવું છે એમાં ઉમેરો કરી રહ્યા હોવાનો ભ્રમ તૂટવાનો નથી.

સાયલન્સ પ્લીઝ

તમારી જિંદગી અને તમારા કામ વચ્ચે સમતુલા જાળવવાના ફાંફાં મારવાનું છોડી દો. કરવા જેવાં તમામ કાર્યો કરતી વખતે જિંદગી ખોરવાઈ જ જવાની છે.

— અલાં દ’ બોતોં (સ્વિસ રાઈટર અને સ્પીકર. જન્મ: 20 ડિસેમ્બર 1969)

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

6 COMMENTS

  1. લખાણ લાખેણું જેઓ લખી ગયા છે, તેને માણવાનો વિચાર સુંદર છે, પરંતુ creativity ખતમ ન થઈ જાય માટે આછું પાતળું લખીએ તો કેમ?
    ◆ મોહન મોર ….

  2. કૈંક કરતા રહીને જીવન માં જે કઈ માણવાં લાયક છે એનો આનંદ ઉઠાવવામાં જ જીવનનો ખરો મકસદ હોવો જોઈએ.

  3. Well said..amazingly same thought came to my mind since last 3 months !!! I am staying in Dubai ..lot many things have to do ..we need to experience nature and surrounding…many life we needed !!!

  4. અમે લખતા તો કશું જ નથી. પણ તમારા લેખો વાંચી ને માણીએ છીએ. 🙏🏽🙏🏽

  5. આપણાં શાસ્ત્રોમાં કહ્યું છે..કે…
    જેને જાણ્યા પછી દુનિયામાં કશું જાણવાનું બાકી રહેતું નથી. એ જાણવું જ માનવ જીવનનું અંતિમ લક્ષ્ય છે…

    આપનો લેખ ખૂબ સરસ છે… જય હિન્દ..

  6. Classic…!! સૌરભભાઈ,
    તમારા આલેખન મુજબની જિંદગી જીવવા માટે ભીષ્મ પિતામહની જેમ ઈચ્છા મૃત્યુનું વરદાન જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here