એકસામટી નહીં, ટુકડે ટુકડે જિવાતી હોય છે જિંદગી

(‘લાઉડમાઉથ’: ‘સંદેશ’ અર્ધ સાપ્તાહિક પૂર્તિ, બુધવાર ૩ જુન ૨૦૨૦)

ફિલ્મોમાં, ટીવી પરની જાહેરખબરોમાં તમે રૂપાળી, પરફેક્ટ ફિગરવાળી, ગોર્જસ કપડાં પહેરેલી, મળતાવડી, જોતાંવેંત વહાલીવહાલી લાગે એવી છોકરીઓ જોઈ છે. તમારે પણ એવા થવું છે.

તમે હેન્ડસમ, સક્સેસફુલ, યંગ, એનર્જેટિક, એથ્લેટિક અને સૌની કાળજી લે એવા છોકરાઓ પણ જોવા છે અને તમારે એવા બનવું છે.

તમારા ડ્રીમમાં કાં તો તમે ભવિષ્યમાં એવા હશો અથવા તમારો/તમારી લાઈફ પાર્ટનર એવાં હશે એવું તમે ધારી લીધું છે. પણ રિયલ લાઈફમાં તમારે વેલ મેનિક્યોર્ડ નેઈલ્સ હોય તોય રસોડામાં જઈને રોટલીનો લોટ બાંધવો પડે છે. રિયલ લાઈફમાં તમે રોજ સવારે ઘરની બહાર પગ મૂકો છો ત્યારથી મોડી સાંજે ઘરે પાછા આવો છો ત્યાં સુધી ધૂળ, પરસેવાવાળા વાતાવરણમાં કામ કરવું પડે છે. રિયલ લાઈફમાં તમે સદા હસમુખા નથી, ક્યારેક ચીડચીડા થઈ જાઓ છો, ક્યારેક મોઢું ચડાવીને બેસી જાઓ છો, ક્યારેક તમારી આંખોમાં-અવાજમાં એવી કરડાકી પ્રવેશી જાય છે જાણે સાક્ષાત રાવણ પ્રગટ થવાનો હોય.

સિનેમાના પડદા પર આગથી દાઝી જતા કે ખૂબ માર ખાતા કે કાર ચેઝ પછીની અથડામણમાં ઘાયલ થતા લોકોની તમને દયા નથી આવતી, એમના માટે અનુકંપા નથી થતી કારણ કે તમને ખબર છે કે આ બધું બનાવટી છે. વાર્તાના પ્રવાહમાં તમને ખેંચી જવા માટે આવા ટ્રેક્સ વાર્તામાં ઉમેરાતા હોય છે. પણ ફિલ્મોમાં કોણીનો ગોરો રંગ જેના ચહેરાના ગોરા રંગ સાથે મેચ થતો હોય એવી એક્ટ્રેસની તમને મીઠી ઈર્ષ્યા આવે છે. બેકલેસ ડ્રેસ પહેરેલી એક્ટ્રેસની પીઠ પર એકપણ ડાઘ નથી, ચોખ્ખીચણાક છે એવું જોઈને તમે પણ પાર્લરમાં જઈને બેકપૉલિશ કરાવી આવો છો પણ થોડાક દિવસો બાદ પીઠ ફરી પાછી એ હતી એવી ને એવી થઈ જાય છે.

ફિલ્મોમાં, નવલકથાઓમાં, છાપા-મેગેઝિનમાં છપાતા લાઈફસ્ટાઈલ તથા ઈન્ટિરિયર ડેકોરેશનના વિશેના લેખોના ફોટામાં તમે જે જીવનશૈલી જોઈ છે એવી તમારે પણ જોઈએ છે. પણ આ લોકોએ તમને કહ્યું નથી કે સક્સેસફુલ લોકોમાંથી કેટલાને અનિદ્રા, એસિડિટી અને કબજીયાતના વર્ષો જૂના રોગ છે. આ લોકોએ તમને કહ્યું નથી કે જે બ્યુટીફુલ કે વેલ મેઈન્ટેઈન્ડ છોકરીઓ તમને એમાં જોવા મળે છે એમનો વ્યવસાય છે સુંદર દેખાવાનો. અને એટલે તેઓ સુંદર દેખાવા માટે રોજના છથી આઠ કલાક ગાળી શકે છે. અમુક ગાળા પૂરતો ક્રેશ ડાયેટ કરીને કર્વેશ્યસ બની શકે છે. એમને સુંદર દેખાડવા માટે એક આખી ફોજ હોય છે. અને એ પછી કેમેરા એન્ગલ્સ તથા લાઈટિંગથી તેઓને વધારે સુંદર બનાવવામાં આવે છે. છપાયેલી તસવીરો પર ફોટો શૉપની પીંછીઓ ફરતી હોય છે. આ લોકોની જે લાઈફસ્ટાઈલ જાહેરખબરોમાં જોવા મળે છે, તેમાં એમનું જે ઘર દેખાય છે તે એમનું ઘર નથી હોતું, એમનો જે સોહામણો પતિ દેખાય છે તે એમનો પતિ નથી હોતો – એ એમના જેવો જ ભાડૂતી માણસ છે જેની સાથે રોજના આઠ કલાકના હિસાબે કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો છે. પતિ-પત્નીનું જે તંદુરસ્ત, હસતું-રમતું બાળક છે તેનાં મા-બાપ કોઈક જુદાં જ છે. એમની આસપાસ ટોળે વળતાં મિત્રો-સગાં વગેરેને પણ કાસ્ટિંગ એજન્સીએ ચુની ચુનીને ભેગા કર્યા હોય છે. એમના ચહેરા પર ચિંતાની એકેય લકીર નથી અને એમની જિંદગી ખુશખુશાલ હોય એવું દેખાડવા એમના ચાલવામાં બાઉન્સ બતાવવામાં આવે છે. તેઓ જિંદગીમાં ક્યારેય થાકી-હારી નથી જતા એટલી બધી મેન્ટલ-ફિઝિકલ એનર્જી એમનામાં ભરી પડેલી છે.

અને તમે ભોળવાઈ જાઓ છો. તમારા રિયલ વર્લ્ડમાં તમને આ બધું જ જોઈએ છે. અને વર્ષો સુધી પ્રયત્નો કર્યા પછી આમાંનું કશું જ નથી મળતું ત્યારે તમે ફ્રસ્ટ્રેટ થાઓ છો, ભાંગી પડો છો, ડિપ્રેશનમાં સરી પડો છો, સાઈકીએટ્રિસ્ટની ટ્રીટમેન્ટ લઈને એમણે પ્રિસ્ક્રાઈબ કરેલી ભયંકર ગોળીઓનો લાઈફટાઈમ કોર્સ શરૂ કરી દો છો. ક્રમશઃ એ દવાની માત્રામાં વધારો થતો રહે છે અને તમારું જીવન હતું એના કરતાંય બદતર થઈ જાય છે. શેરડીના રસહીન કુચા જેવું બની જાય છે. રહ્યોસહ્યો રસ પેલી દવાઓએ ચૂસી લીધો હોય છે.

આ આખુંય વર્ણન જરા એકસ્ટ્રીમ છે. બધાંની સાથે આવું નથી થતું પણ આમાંથી ફિફ્ટી પર્સેન્ટ કે તેથી વધુ પરિસ્થિતિઓ દરેકની જિંદગીમાં સર્જાયેલી હોવાની, સર્જાતી રહેવાની. આનું કારણ શું? અને આનું નિવારણ શું?

કારણ એ કે આપણને બધું તૈયાર ભાણે જોઈએ છે. આપણે માની લીધું છે કે આ હીરોઈનોએ માત્ર ફુલફટાક થઈને ફરવાનું હોય છે. આ કરોડપતિ ઉદ્યોગપતિઓએ બોર્ડ મીટિંગમાં જઈને ચેરમેનની ખુરશી પર બેસીને થોડાક નિર્ણયો લઈને બાકીનું કામ એમની હાથ નીચેના માણસોને સોંપીને ગોલ્ફ રમવા નીકળી પડવાનું હોય છે, શેમ્પેઈનની રેલમછેલવાળી પાર્ટીઓમાં મહાલવાનું હોય છે અને સ્વર્ગથી ઊતરી આવી હોય એવી ટુ પીસ બિકીનીવાળી અપ્સરાઓ સાથે સ્વિમિંગ પુલમાં ધીંગામસ્તી કરવાની હોય છે.

કારણ એ કે કેટલે વીસે સો થાય છે એની તમને ખબર જ નથી. તમને ખબર નથી કે આ લોકોની લાઈફસ્ટાઈલ આવી છે એટલે એમની આટલીબધી કમાણી છે એવું નથી. એમની કમાણી એવી છે, એમનું કામ એવું છે એટલે એમની લાઈફસ્ટાઈલ આવી છે. તમારે સૌથી પહેલાં એવું કામ કરવું પડશે, એ કામના પરિણામે આવતી કમાણીને એટલી હદે ઊંચે લઈ જવી પડશે જ્યાં જઈને તમને આવી લાઈફસ્ટાઈલ અફૉર્ડ થાય. તમારું કામ એટલું મૂલ્યવાન હોવું જોઈશે કે એ કામની સરાહનાના પરિણામ સ્વરૂપે તમારું નામ એવડું મોટું થાય. એ કામ એટલું વ્યાપક હોય, એટલા બધા લોકોને ટચ થાય એવું હોય જેથી તમે તમારા બિલ્ડિંગની સોસાયટીમાં જ નહીં તમારા સમાજ, તમારી જ્ઞાતિમાં પણ ફેમસ થાઓ. તમારા શહેરમાં પણ ફેમસ થાઓ. આખા દેશમાં ફેમસ થાઓ. ઈન્ટરનેશનલ સ્તરે તમારું નામ ગાજે.

તમે કામ કર્યા વિના નામ કમાવવા માગો છો. તમે કામ કર્યા વિના દામ કમાવવા માગો છો. કારણ કે તમારા જે રોલમૉડેલ્સ છે એમણે કરેલાં કામ તમે જોતા નથી, માત્ર એમની રિચ એન્ડ ફેમસ લાઈફસ્ટાઈલ જ જુઓ છો.

તમારી પાસે વારસામાં મળેલું ચિક્કાર ધન હોય તો કદાચ તમે વગર મહેનતે રિચ હોઈ શકો પણ ફેમસ બનવા માટે તમારે પોતે મહેનત કરવી પડે. તમારા પૂર્વજો કે આ જન્મમાં તમારાં માતા-પિતા, પતિ-પત્ની કે સગાં-મિત્રો ફેમસ હશે તો તમે ફલાણાનાં દીકરી કે ઢીકણાંની પત્ની તરીકે ચાર જણ આગળ વટ પાડી શકશો પણ ખરેખર નામ કમાવવું હશે તો કામ કરવું પડશે. ખુદ ગાંધીજીના પુત્રો, પૌત્રો, ભત્રીજાઓ, વગેરેઓમાંથી જેમણે કંઈક કામ કર્યું તે જ જાણીતા થયા. બાકીનાઓ ફિફ્ટીન મિનિટ્સની મીડિયા ફેમ પામીને કાળની ગર્તામાં ધકેલાઈ ગયા.

નિવારણ. મોટા માણસ બનવું હોય તો મોટાં કામ કરવાં પડે. મોટાં કામની શરૂઆત નાનાં નાનાં કામથી થાય જે રોજ કરવાં પડે. થાક્યા વિના અવિરત કરવાં પડે. તમે માત્ર મારે એવરેસ્ટના શિખરે પહોંચવું છે એવું ખ્વાબ સેવ્યા કરો, એને લગતી ચોપડીઓ વાંચ્યા કરો, એને લગતા ટીવી પ્રોગ્રામ્સ જોયા કરો તો દસ વર્ષેય એવરેસ્ટ સર નહીં કરી શકો. એના માટે તમારે ઘરની બહાર નીકળીને પહેલાં તો શરીર ફિટ બનાવવા જિમ જોઈન કરવું પડશે, ચાલવું-દોડવું પડશે. પછી પર્વતારોહણની તાલીમ લેવી પડશે. ટ્રેકિંગનો અનુભવ મેળવવો પડશે. વર્ષોના અનુભવ અને તાલીમ પછી તમે એવરેસ્ટ આરોહણની ટુકડીમાં તમે નામ લખાવી શકશો જેના માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવાની તૈયારી રાખવી પડશે. અને નામ લખાવ્યા પછી તમે સડસડાટ શિખરે પહોંચી જશો એવી કોઈ ગેરન્ટી નથી. બેઝ કેમ્પ જતાં સુધીમાં જ અનેક અગવડોનો સામનો કરવાનો આવશે. બેઝ કેમ્પથી શિખરે જતાં જતાં કેટકેટલીય કુદરતી આપત્તિઓનો સામનો કરવાનો આવશે. આ બધું જ કરવા માટે તમારે તન-મન-ધનથી નીચોવાઈ જવું પડે.


ન્યુઝપ્રેમીને સપોર્ટ કરવા આ લિન્ક પર જાઓ

તમારા દીવા સ્વપ્નોમાં જે રૂપાળી છોકરીઓ અને હેન્ડસમ છોકરાઓ દેખાય છે, જે ફેમસ સ્ત્રી-પુરૂષો દેખાય છે તે બધાએ પોતપોતાનાં તન-મન-ધન નીચોવેલાં છે. આમાનું કોઈ એક ધડાકે એવરેસ્ટ પર ચડી ગયું નથી. તમારે અધીરા બન્યા વિના, ડેસ્પરેટ બન્યા વિના, રોજ એકએક ડગલું મહેનત કરવી પડશે. ડગલું ભરીને તરત મેઝરમેન્ટ નહીં લેવાનું કે કેટલે સુધી પહોંચ્યા. ડગલાં ભર્યાં કરવાનાં. રોજ. સાતેય દિવસ. બારે માસ. આજે આ તકલીફ આવી અને કાલે પેલો નડી ગયો એવા બહાનાં કાઢ્યાં વિના ચાલતાં રહેવાનું. કેપેસિટી વધારતાં જવાનું. શારીરિક તેમ જ માનસિક કેપેસિટી- બેઉ વધારતાં જવાનું.

જિંદગી એટલી મોટી છે કે એકસામટી કોઈ જીવી શકે નહીં. આ એટલો મોટો લાડવો છે કે આખેઆખો મોઢામાં નહીં મૂકી શકાય. રોજ એક એક કણ તોડીને મોઢામાં મૂકવી પડે. અધીરા બનવા જશું તો આખો લાડવો હાથમાંથી સરી જશે અને આવેલી તક વેડફાઈ જશે.

ગ્લેમરસ લાઈફ જીવતાં પહેલાં અનેક બિન ગ્લેમરસ કામ કરવાની તૈયારી છે તમારી? તો જ એવાં સપનાં જોવાનાં. અન્યથા જે છે એમાં ખુશ રહેવાનું, નહીં તો જે છે તે તેનોય સ્વાદ જતો રહેશે.

સાયલન્સ પ્લીઝ!

હું આવતી કાલે સર્જાનારા કોઈ અકળ ભવિષ્ય માટે બેસી નહીં રહું. કંઈક બને એવી રાહ નહીં જોઉં. એમાં તો આખી જિંદગી વીતી જવાની અને જિંદગીના અંતે કંઈ જ નહીં બને. હું આજે શરૂઆત કરીશ, અહીંથી જ આરંભ કરીશ. રોજ કંઈક એવું કર્યા કરીશ જેને કારણે મને જે જોઈએ છે એવું ભવિષ્ય મને દેખાય.

– લુઈ લે’મૉર

(1908-1988, અમેરિકન નોવેલિસ્ટ, વાર્તાકાર)

•••   •••   •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરો

‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, ભરોસાપાત્ર  તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે એટલે  એને તમારા સપોર્ટની જરૂર છે. ‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે એટલે એને તમારા સપોર્ટની જરૂર છે. વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે ‘ન્યુઝપ્રેમી’ને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય તો મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, એમને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ  જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

‘ન્યુઝપ્રેમી’ દરેક બાબતમાં સંપૂર્ણપણે સ્વતંત્ર છે. ‘ન્યુઝપ્રેમી’ રાષ્ટ્રમાં ભાગલા પડાવતી પ્રત્યેક તોફાની હિલચાલનો બુલંદ અવાજે વિરોધ કરે છે. ‘ન્યુઝપ્રેમી’ સસ્તી લોકપ્રિયતા મેળવવા પ્રવાહ સાથે તણાઈ જતું નથી. ‘ન્યુઝપ્રેમી’ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા પવન પ્રમાણે સઢ ફેરવીને વાચકોને ગુમરાહ કરવામાં માનતું નથી. ‘ન્યુઝપ્રેમી’ અમુક વર્ગનો રોષ વહોરીને પણ સમાજ માટે, રાષ્ટ્ર માટે જે સાચું છે અને સારું છે એનો પક્ષ લઈને પોતાનો ધર્મ— પોતાની ફરજ બજાવવામાં માને છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય, ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ  આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટે  અનુવાદ મુંબઈ – અમદાવાદમાં થાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટ વિના ટકી શકવાનું નથી, વધુ વાચકો સુધી પહોંચી શકવાનું નથી, સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકવાનું નથી. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક  સહયોગ અનિવાર્ય છે. તમારા તરફથી મળનારી નાનામાં નાની રકમ પણ ‘ન્યુઝપ્રેમી’ને ચલાવવા ઉપયોગી છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની  લિન્ક મૂકાય છે. દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે. ‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે અન્ય માર્ગે રકમ મોકલીને સ્ક્રીન શોટ 9004099112 પર વૉટ્સએપ કરો. એક જ મિનિટનું કામ છે.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવાની બીજી પણ બે રીત છે. ‘ન્યુઝપ્રેમી’ના વૉટ્સઍપ ગ્રુપમાં તમને જે લિન્ક મળે છે તે મૅક્સિમમ મિત્રો/કુટુંબીજનોને તમારા પર્સનલ રેકમેન્ડેશન સાથે ફૉરવર્ડ કરો અથવા ‘ન્યુઝપ્રેમી’ના લેખોના આરંભે મૂકાતાં વૉટ્સઍપ, ફેસબુક, ટ્વિટરનાં આયકન દ્વારા લેખ શેર કરો. સપોર્ટ કરવાની હજુ એક રીત છે- કમેન્ટ કરવાની. દરેક લેખની નીચે તમારો અભિપ્રાય લખશો તો તમારો મત અન્ય હજારો વાચકો સુધી પહોંચશે. ‘ન્યુઝપ્રેમી’ના પ્લેટફૉર્મ પર  ટ્રોલિંગ અલાઉડ નથી, પણ સંસ્કારી ભાષામાં નક્કર સૂચનો તથા સૌને  ઉપયોગી થાય એવા અભિપ્રાય આવકાર્ય છે. ‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

5 COMMENTS

  1. Jivanma naam ane daam kamava hoi to khub
    મહેનત કરવી પડશે તે વિના બધુજ અશક્ય છે અને ત્યાર પછીજ મોજ મઝાથી જીવન જીવી શકાય
    લેખમાં બહુ સરસ સમાજ આપી છે આભાર

  2. ખુબજ સુંદર લેખ..
    ઉપયોગી માહિતી આપી છે ન્યુઝ પ્રેમી…

    • આજના યુગમાં સૌને ઓછી મહેનતે વધુ સફળતા મેળવી લેવી છે. અને આ વાતમાં નીષ્ફળ જવાતાં જ વ્યક્તિ હારીને બેસી જાય છે કે પછી એ માટે દોષનો ટોપલો બહુ સહેલાઈથી બીજાના માથે નાખી દે છે. સર , આપે ખૂબ સરસ રીતે, પૂરી છણાવટ સાથે આ વાત સમજાવી છે. દરેકને આ લેખ વાંચીને મગજમાં ઉતારવાની જરૂર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here