દ્રોણ અને દ્રુપદ— બે મિત્રો, ચાર ભૂલ: સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ: શુક્રવાર, 10 એપ્રિલ 2020)

‘મહાભારત’ સિરિયલમાં ગઈ કાલે તમે દ્રોણ અને દ્રુપદવાળો એપિસોડ જોયો. આજે એના પરથી બેચાર નવી વાત શીખીએ.

પ્રતિભાવંત માણસ પણ પોતાના ક્ષણિક સ્વાર્થ અને ટૂંકી દ્રષ્ટિને કારણે ખોટા માણસોનો સાથ લઇ લે છે ત્યારે એ પોતાની જિંદગી સાથે અને આખી સૃષ્ટિ સાથે કેટલો મોટો અન્યાય કરે છે એનું ઉત્તમ ઉદાહરણ મહાભારતના એક પાત્રમાં જોવા મળે છે. દ્રોણ.

દ્રોણ અને દ્રૌપદીના પિતા દ્રુપદ એક જમાનામાં ખાસ દોસ્તાર હતા. પાછળથી બેઉ એકબીજાના કટ્ટર દુશ્મન બની ગયા. દ્રુપદ અને દ્રોણ એક જ આશ્રમમાં ભણ્યા. દ્રુપદ પંચાલ રાજ્યના રાજકુમાર અને દ્રોણ ભરદ્વાજ ઋષિના પુત્ર. અભ્યાસ પૂરો થયા પછી છૂટા પડતી વખતે દ્રુપદે દ્રોણને કહ્યું હતું : ‘હું રાજવી બનું ત્યારે તને મારી સાથે રાખીશ અને આપણે જીવનભર મિત્રો બનીને રહીશું.’

બ્રહ્મચર્યાશ્રમ પૂરો થયા પછી દ્રોણનાં લગ્ન ઋષિ ગૌતમની પુત્રી કૃપી સાથે થાય છે. અશ્વત્થામા નામનો પુત્ર જન્મે છે. પરશુરામ પાસે દ્રોણ સર્વ શસ્ત્રો પર પ્રભુત્વ અપનારી વિદ્યા શીખે છે, પણ દ્રોણની ગરીબી યથાવત્ છે. નાનો અશ્વત્થામા એક દિવસ દૂધ પીવાની જીદ કરે છે જે પૂરી કરવી દ્રોણના ગજા બહારની વાત છે. માતા લોટમાં પાણી રેડીને પીવડાવે છે એવી કથા જાણીતી છે. દ્રોણને મિત્ર દ્રુપદ યાદ આવે છે. દ્રોણ-દ્રુપદનું આ મિલન સુદામા-કૃષ્ણના મિલન જેવું સુખદ અંત ધરાવતું નથી. રાજમહેલમાં દ્રોણની વ્યથા સાંભળ્યા પછી દ્રુપદ જે વચનો ઉચ્ચારે છે તે મિત્ર પાસે મદદ માગવાનો વિચાર કરતી દરેક વ્યક્તિએ મનમાં કોતરી રાખવા જેવાં છે. સત્તા અને સંપત્તિ પામી ચૂકેલા રાજા દ્રુપદ બાળપણના મિત્રને કહે છે : ‘શું તમને ખબર નથી કે મિત્રતા સમાન કક્ષાએ જ સંભવે છે? બે ગરીબ મનુષ્યો અથવા બે ધનવાન મનુષ્યો જ મિત્રો બની શકે. કૃપા કરી અહીંથી ચાલ્યા જાવ. વર્ષો પહેલાં અપાયેલા કાલ્પનિક વચનની યાદ અપાવીને હવે ફરી ક્યારેય મારી પાસે આવતા નહીં.’

દ્રોણ અપમાનિત થઇને ચૂપચાપ સાંભળી લે છે. એક પણ અક્ષર બોલ્યા વિના ત્યાંથી વિદાય લે છે. અંદરથી દ્રોણ ભડકે બળે છે. વિચારે છે કે ગર્વથી અંધ બની ગયેલો દ્રુપદ પોતે આપેલા વચનને ભૂલી ગયો છે એટલે એના પર વેર લેવું જોઇએ. દ્રોણને વધારે એ વાતનું લાગી આવ્યું કે દ્રુપદે ‘હું ભિખારી હોઉં તેમ મારું અપનામ કર્યું.’ આ અપમાનનો બદલો લેવા દ્રોણે ક્ષત્રિય યુવાનોને ધનુર્વિધા શીખવવાનો નિર્ધાર કર્યો, જેથી ભવિષ્યમાં દ્રુપદ સાથે લડીને આ અપમાનનો બદલો લઇ શકાય.

મહાભારતની આ પેટાકથામાં અહીં જરા વાર રોકાઇને વિચારીએ. બે વ્યક્તિઓએ ભૂલોની પરંપરા અહીં સર્જી છે. ચાર ભૂલ ઊડીને આંખે વળગે છે :

પહેલી ભૂલ:
ભાવાવેશમાં કોઇનેય જીવનભરનો મિત્ર બનાવાય નહીં. મિત્રો વચન આપવાથી નહીં, વર્તન કરવાથી સર્જાતા હોય છે. મૈત્રી જીવનભર ટકી રહે ત્યારે જ પાછળ જોઇને એ મૈત્રીની લંબાઇ-ઊંડાઇ માપી શકાય. મૈત્રીના આરંભના તબક્કામાં એના લાંબા-પહોળા નકશા ન બનાવાય. દ્રુપદે આશ્રમના વિદાય સમારંભ વખતે દ્રોણને વચન આપતાં કહ્યું તે આવેગમાં ઉચ્ચારાયેલું કહેણ હતું. દ્રુપદે તો દ્રોણને એવું પણ વચન આપ્યું હતું કે, ‘તને મારા રાજ્યમાં હિસ્સો આપીશ.’ આવાં વચનો ઉચ્ચારાયા ન હોત તો દ્રોણમાં કોઇ આશાઓ જાગી જ ન હોત. આ થઇ પહેલી ભૂલ જે દ્રુપદની હતી.

મારે લાયક કંઇ પણ કામ હોય તો કહેજો એવા બોલ ત્યારે જ ઉચ્ચારવાના જ્યારે તમે સામેવાળી વ્યક્તિનું કંઇ પણ કામ કરવાની લાયકાત ઉપરાંત દાનત પણ ધરાવતા હો. અન્યથા જયશ્રી કૃષ્ણ કહીને છૂટા પડવાનું.

બીજી ભૂલ:
આ દ્રોણની ભૂલ છે. વર્ષો વીત્યાં પછી દરિદ્રી બ્રાહ્મણ તરીકેની સ્થિતિ સુધરી નહીં ત્યારે દ્રોણને દ્રુપદ યાદ આવે છે. હું ને ધીરુભાઇ તો ભુલેશ્વરની ચાલીમાં બાજુ બાજુની રૂમમાં રહેતા હતા અને આજે જુઓ એના દીકરાઓ ક્યાંના ક્યાં પહોંચી ગયા એવું કોઇ કહે ત્યારે આવું બોલનારે વિચારવું જોઇએ કે ધીરુભાઇના દીકરાઓ તો ક્યાંના ક્યાં પહોંચી ગયા પણ તમે ત્યાંના ત્યાં શીદને રહ્યા?

મોટા માણસો પાસે જઇને જૂના સંબંધોના દાવે કશું પણ કામ કઢાવવાની વૃત્તિ ખોટી. દરેક સંબંધનું સત્ય તે સ્થળ અને કાળ પૂરતું જ મર્યાદિત હોય છે. સમય અને સ્થળ બદલાતાં હોય છે, પરિસ્થિતિ બદલાતી હોય છે અને સાથે સંબંધો પણ. બદલાયેલા સંદર્ભોમાં, વ્યક્તિના વિચારોમાં અને એના વર્તનમાં પણ પરિવર્તન આવવાનું. મૂકેશ-અનિલ પાસે જઇશ તો એ મને એમના બાપા સાથેના જૂનાં સંબંધોનું માન રાખીને માલામાલ કરી દેશે એવી વૃત્તિ ન રખાય.

ધીરૂભાઇ તમને એટલા માટે યાદ છે કે સમાજમાં એમનું ને એમના કુટુંબનું નામ થઇ ગયું. તેઓની નામના ન થઇ હોત તો આજે તમે એમને યાદ કરતા હોત? ન કરતા હોત. અને શક્ય એ પણ છે કે એમના સંઘર્ષકાળ વખતે એમણે તમારી પાસે કોઇ મદદની અપેક્ષા રાખી હોત તો તમે આ મુફલિસનો ભરોસો કેવી રીતે થાય એમ વિચારીને પાંચ હજાર રૂપિયા પણ ઉછીના ન આપ્યા હોત.

દ્રોણે દ્રુપદ પાસે મદદ માગવા જવાને બદલે પોતે પ્રાપ્ત કરેલી ધનુર્વિદ્યાનો ઉપયોગ કરીને આજીવિકા રળી લેવી જોઇતી હતી. અને જો એ શક્ય ન હોત તો બાળઅશ્વત્થામાને દૂધથી વંચિત રાખવાનો હતો.

ત્રીજી ભૂલ:
ગમે એટલા મોટા થઇ ગયા હોઇએ તો પણ કોઇ મદદ માગવા આવે ત્યારે એનું અપમાન ન થાય. મદદ માગનારી વ્યક્તિ અજાણી હોય તો ય એનું અપમાન ન થાય. દ્રુપદે આ ભૂલ કરી જે પાછળથી એને ભારે પડી. દ્રુપદે દ્રોણને મદદ તો નથી જ કરી, એમની હાંસી પણ ઉડાવી : ‘વિદ્યાર્થીકાળમાં મિત્ર બનાવેલો રાંક બ્રાહ્મણ મારી સાથે મિત્રતાનો દાવો કરે છે તેથી મને હસવું આવે છે… તમે જે વિલક્ષણ મૈત્રીની વાત કરો છો તે માત્ર સ્વપ્ન જ છે.’

પડ્યા પર પાટુ મારવું તે આનું નામ. આર્થિક બેહાલીને કારણે આમે ય માણસ ત્રસ્ત હોય, ઉપરથી આવાં કઠોર વચન સાંભળવાના. સ્વાભાવિક રીતે જ રોષ જાગે. દ્રુપદે આ સમજવું જોઇતું હતું.

દ્રુપદ રાજા હતા. દ્રોણને સહેલાઇથી મદદ કરી શકે એમ હતા. બાળપણની મૈત્રી તો હતી જ. માણસ જ્યારે સ્થિતિ સંપન્ન હોય ત્યારે એણે બીજાના નહીં તો પોતાના સંતોષને ખાતર પણ અન્યને મદદ કરવી જોેઇએ. એણે સમજવું જોઇએ કે કોઈ વ્યક્તિ સ્વમાન છોડીને હાથ લંબાવે છે ત્યારે એ જરૂર કોઈ ગંભીર સંકટમાં રહેંસાઇ રહી હશે. વ્યક્તિ અજાણી હોય તો ય એને મદદ કરવાની હોય, અહીં દ્રોણ તો દ્રુપદથી પરિચિત છે. માત્ર પરિચિત નહીં, એક જમાનાના ગોઠિયા પણ છે. નાનપણના દોસ્તને દ્રુપદે કેવાં કડવાં વચનો કહ્યાં.

મદદ ન થઇ શકે એમ હોય કે એવી વૃત્તિ ન હોય તો સલુકાઇથી, શાલીનતાથી કહી શકાય કે હું દિલગીર છું, તમારી પરિસ્થિતિ માટે મને સહાનુભૂતિ છે પણ હાલના સંજોગોમાં મારાથી એ શક્ય નહીં બને. દ્રુપદ આ વિવેક ચૂક્યા. એમણે દ્રોણને ઝાળ લાગી જાય એવા શબ્દો સંભળાવ્યા. એટલું જ નહીં ‘હવે કદી મારી પાસે આવશો નહીં’ એવું કહીને દ્રોણનું હડહડતું અપમાન કર્યું. આ ત્રીજી ભૂલ, જે દ્રુપદની હતી.

ચોથી ભૂલ:
ચોથી ભૂલ થઇ દ્રોણની. મદદની અપેક્ષા હોય અને તે ન મળે ત્યારે માણસે પોતાની લાચારી બદલ ચૂપચાપ મનોમન બે આંસુ સારી લેવાનાં અને આંખ લૂછી નાખીને પોતાની પ્રતિભા તથા મહેનત દ્વારા આર્થિક બેહાલી દૂર કરવાના પ્રયત્નો શરૂ કરવાના. મદદ ન મળે ત્યારે પ્રતિક્રિયા ન હોય કારણ કે આખરે તો કોઇએ તમને મદદ જ નથી આપી, તમારો હક્ક તો નથી ડુબાડ્યો. તમારો હક્ક કોઇ છીનવી લે કે તમને પાછો ન આપે ત્યારે તમે એની સામે વેર રાખીને ભવિષ્યમાં તમારો હક્ક પાછો મેળવવાની પ્રતિજ્ઞા કરો એ સ્વાભાવિક છે. પરંતુ અપેક્ષિત મદદ ન મળે ત્યારે વેર વાળવાનું નક્કી કરીને તમારી આખી જિંદગીને ખોટા માર્ગે લઇ જાઓ તે સરાસર અન્યાય છે – સામેની વ્યક્તિ માટે તેમ જ તમારા પોતાના માટે પણ. દ્રોણને આ વેર લેવાની જીદ ભારે પડી.

એ પછીની આખી વાર્તા જાણીતી છે. મહાભારતમાં તમે વાંચી છે. છતાં કુતૂહલ હોય તો કાલે મળીએ.

આજનો વિચાર

જિંદગીમાં શું બને છે એનું મહત્ત્વ નથી, પણ એ બનાવોમાંથી તમે શું યાદ રાખો છો અને કેવી રીતે યાદ રાખો છો એનું મહત્ત્વ છે.

-ગેબ્રિયલ ગાર્સિયા માર્કેઝ

(નોબેલ પારિતોષિક વિજેતા નવલકથાકાર : ૧૯૨૭-૨૦૧૪)

25 COMMENTS

  1. Amazing
    Excellent
    What a great observation

    Actually every single mistake can be a series of articles itself. Beautifully put together.

  2. બહુજ સરસ વાત. વૈભવ ના મદ માં મિત્રતા ક્યારે શત્રુતા માં ફેરવાઈ જય એ કહેવાય નહીં

  3. excellent elaboration.
    Admit n Admired ur effort.

    but pls dont give it that this is the root cause of mahabharat.

  4. દરેક બાબતની ઊંડી સમીક્ષા કરી છે. પ્લસ અને માઇનસ દરેક વાતો લખી કરીને ઊંડી સમજણ આપેલ છે. આપને આવા વિધવતા સભર લેખ લખવા બદલ ખુબ ખુબ અભિનંદન…

  5. ખુબ જ સુંદર સમજાવ્યું
    મિત્રતા કરતાં પહેલાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો ની છણાવટ

  6. Very nice article sir , in second mistake we have to learn and teach our child that how to adjust in limited things which we have.

  7. Very good story to learn the practical part of reality….I admit your effort Saurabh bhai….Keep it up..I personally recommend with your media….That for succession of your business more depends on your image view and clarity of mind you want to serve to the society …Thanks and all the best…

  8. સચોટ વાત દરેક જણે જીવનમાં ઉતારવી જોઈએ

  9. Very good,must follow during current period to avoid misunderstanding due to that and get peace instead of crises

  10. બહુજ સરસ, બે મિત્રો નું સમય પરાંત મિલન મુલાકાત અને બને મિત્રો એ કરેલ ૪ ભૂલ. દરેક ઘટનાઓ ને મુલવવી એ એટલે તેમાં થી નવનીત મળે.
    ફરી થી બહુજ સુંદર મનોમંથન .અપેક્ષા અને અવમાનના અવહેલના અને પ્રતિશોધ માં જીવન હોમાય જાય તેનું ૫૦૦૦ વર્ષ પૂર્વે નું ઉપનિષદો સમર્થિત જ્ઞાન બદલ આભાર.
    જય જય ગરવી ગુજરાત. વંદે માતરમ્.ભારત માતાકી જય.

  11. Great Sirji,
    માનવીય ભાવ, સ્વભાવ, વાણી, વર્તન અને વેર ઝેર નું simply superb assessment.
    Rajendra Shah

  12. Analysis of fourth mistake of Dron is perfect and guiding fector for me. I like it and your other observation too.???????????
    Thanks n regards….
    Dilip Lotia

    • ખૂબ જ કડવી વાસ્તવિકતા. હાલ તમામ ક્ષેત્રમાં દ્રુપદ કરતા પણ વધારે ખરાબ મિત્રો( કહેવાતા) પ્રવર્તમાન છે. દ્રુપદે તો મદદની માત્ર ના પાડી હાલ તો તમારી સાથે રહી તમારા પર પગ મૂકી ને ઉપર જવા વાળા અનેક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here