એકલો જાને રે: સૌરભ શાહ

 

( ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ: શુક્રવાર, 4 સપ્ટેમ્બર 2020)

મૅન ઈઝ અ સોશ્યલ ઍનિમલ એવું ગળથૂથીમાંથી આપણને કહેવામાં આવ્યું. માણસ એક સામાજિક પ્રાણી છે. સૌથી પહેલો વાંધો તો આ મહામૂલી મનુષ્યજાતિના એક સભ્યને પ્રાણી કે જાનવર તરીકે ઓળખવા સામે જ મારો વાંધો છે અને મારા આ વાંધા સામે પી.ઇ.ટી.એ. – પીપલ ફૉર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઑફ ઍનિમલ્સ – ‘પેટા’ વાળાને વાંધો હોઈ શકે છે, ખૈર.

શું માણસ સોશ્યલ કે સામાજિક છે? કે પછી માણસે વખાના માર્યા, ગરજના માર્યા જખ મારીને સોશ્યલ કે સામાજિક બનવું પડે છે?

સોશ્યલનો વિરોધી શબ્દ એન્ટીસોશ્યલ ન થાય અ-સોશ્યલ થાય. સામાજિકનો વિરોધાર્થી શબ્દ અસામાજિક ન હોય, બિનસામાજિક હોઈ શકે. અસામાજિક એટલે સમાજને કનડતો, ગુંડા-મવાલી જેવો, ચોરઉચ્ચકો માણસ, જેને લીધે સમાજના વ્યવહારો જોખમમાં મુકાઈ જાય કે સમાજ વિખેરાઈ જવાનો ખતરો ઊભો થાય.

બિનસામાજિક એટલે એવો માણસ જે સમાજના વ્યવહારોથી અલિપ્ત છે, સમાજનું કોઈ નુકસાન કરતો નથી. ઑન ધ કૉન્ટરરી, સમાજથી દૂર રહીને એ જે કંઈ કરે છે તેમાંની ઘણીબધી પ્રવૃત્તિઓને લીધે સીધી કે આડકતરી રીતે સમાજનું કલ્યાણ થતું હોય એવું બને, કોઈ કાળે નુકસાન તો નથી જ થતું સમાજને – એના બિનસામાજિકપણાને કારણે.

એ ડર ખોટો છે કે જો તમે આવી પ્રવૃત્તિઓમાંથી વિથ્ડ્રો થઈ જશો તો એકલા પડી જશો.

આસપાસના સમાજ સાથે હળવુંભળવું કંઈ ખોટું નથી. નવા નવા લોકો સાથે ઓળખાણો કરવામાં પણ કંઈ ખોટું નથી. એની સામે, બિનસામાજિક હોવું એ પણ કંઈ ગુનો નથી. જ્યાં ને ત્યાં લોકોના સામાજિક પ્રસંગોમાં જઈ જઈને ‘શોભામાં અભિવૃદ્ધિ’ કરવાની કોઈને હોંશ ન હોય તો ન હોય. કોઈના સારામાઠા પ્રસંગે તમે નહીં જાઓ તો તમારે ત્યાં કોણ આવશે એવી ફિકર ઘણાને હોય છે. કોઈ માંદું હોય ને તમે એની ખબર નહીં કાઢો તો તમે પથારીવશ હશો તો કોણ તમારી ખબર કાઢવા આવશે એવી અસલામતીથી પીડાઈને તમે દરેક જણની ખબર કાઢવા જાઓ છો, એમના ચાંદલા-વિવાહ-લગ્નપ્રસંગોમાં જાઓ છો. મરણ વખતે સ્મશાને અને બેસણામાં જાઓ છો, ભલું પૂછો તો બારમા-તેરમામાં પણ હાજરી આપો છો, શોકસભાઓ અટેન્ડ કરો છો, જનોઈ-ગણેશ સ્થાપના અને બર્થડે તથા પારણાં કરાવવાના પ્રસંગે પહોંચી જાઓ છો.

કારણ કે તમારે સમાજમાં રહેવું છે. તમને ડર છે, ઈન્સિક્યોરિટી છે કે આવું બધું નહીં કરો તો તમને કોઈ બોલાવશે નહીં, તમારી સાથે લોકો બોલશે નહીં, તમે એકલા પડી જશો. તમે તમારું કામ ખોટી કરીને, સમય-શક્તિ-પૈસાનો વ્યય કરીને, તમારી ‘સામાજિક ફરજ’ બજાવતા રહો છો.

સારું છે. જેમની પાસે આવા સમય-શક્તિ-નાણાં હોય તેઓ આવી પ્રવૃત્તિઓમાં રચ્યાપચ્યા રહે એ સારું જ છે. પણ જેમની પાસે એવો સમય, એવી શક્તિ કે એવી આર્થિક સજ્જતા નથી એમનું શું? અથવા તો જેમની પાસે છે પણ જેઓ પોતાના સમય-શક્તિ-નાણાં આ રીતે ખર્ચવા નથી માગતા એમનું શું?

એમની પાસે ચૉઈસ છે. એમની પાસે આ બધામાં પરાણે નહીં ખેંચાવાનો વિકલ્પ છે. એ ડર ખોટો છે કે જો તમે આવી પ્રવૃત્તિઓમાંથી વિથ્ડ્રો થઈ જશો તો એકલા પડી જશો. એવી અસલામતી રાખવાની કોઈ જરૂર હોતી નથી. આમેય તમે, જ્યારે જ્યારે તમને અંદરથી ધક્કો લાગે ત્યારે આવા કોઈ પ્રસંગે હાજરી આપી જ શકો છો. પણ જ્યાં આમંત્રણ મળે ત્યાં બધે જ પહોંચી જવું જરૂરી નથી હોતું. આવું કરવાથી ક્રમશ: આમંત્રણો મળતાં ઓછા થઈ જવાના અને તે સારું જ છે તમારા માટે. તમારા માટે એટલે જેમને બિનસામાજિક થઈ જવું છે એમના માટે. એમને પોતાના માટેનો સમય હવે વધારે મળશે.

માણસે પોતાની જરૂરિયાતો માટે સામાજિક બનવું પડે છે. પણ માણસે પોતાની જરૂરિયાતો પૂરી કરવાના બદલામાં કેટલા સામાજિક બનવું અને કેટલા નહીં તે નક્કી કરવાનું હોય છે. અને આ વાત આપણે ભૂલી જતા હોઈએ છીએ. અને એટલે જ સામાજિક વ્યવહારોમાં તદ્દન બિનજરૂરી રીતે એટલા ઊડાં ખૂંપી જઈએ છીએ કે એમાંથી બહાર આવવાનો વિચાર પણ નથી આવતો, સામાજિક વ્યવહારોને સંતુલિત કરવાનો ખ્યાલ પણ નથી આવતો.

માણસ પ્રાણી નથી, જાનવર નથી. એ માણસ છે. ચોપગાં પ્રાણી કરતાં દરેક બાબતે અનેકગણો આગળ છે. માણસના માણસપણાનો આદર કરવાનો હોય, એને જનાવર કહીને ઉતારી પાડવાનો ન હોય. અને એ સામાજિક પ્રાણી તો હરગિજ નથી. સમાજ માણસની સર્વાઈવલ સિસ્ટમનો એક હિસ્સો છે, એની સંપૂર્ણ સર્વાઈવલ સિસ્ટમ નથી. સર્વાઈવ થવા માટે માણસ પાસે સમાજ સિવાયનું કે સમાજ ઉપરાંતનું બીજું ઘણું બધું હોવું જોઈએ. (શું શું? એ જુદો વિષય છે, ફરી ક્યારેક). માણસનું સર્વાઈવલ એના સામાજિકપણા પર આધારિત છે એવો વિચાર માણસના અસ્તિત્વને સંકુચિત બનાવી દે, કુંઠિત કરી નાખે. માણસ માટે સમાજ કંઈ એનું સર્વસ્વ નથી, એના અસ્તિત્વનો આધાર પણ નથી. માણસ પોતાની રીતે, પોતાની શરતે સમાજ સાથે વ્યવહાર રાખીને સમાજમાં રહી શકે છે અને એ રીતે રહેવાની ચાવી એને ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે આપી હતી જેનો સુંદર અનુવાદ મહાદેવભાઈ દેસાઈએ આપણને આપ્યો. લેખનું શીર્ષક ફરી એક વાર વાંચી જાઓ અને પછી આજના વિચાર પર નજર નાખી લો.

આજનો વિચાર

તારી જો હાક સુણી કોઈ ના આવે, તો એકલો જાને રે.
એકલો જાને, એકલો જાને, એકલો જાને રે.
જો સોનાં મોં સિવાય
ઓરે ઓરે ઓ અભાગી, સૌના મોં સિવાય
જ્યારે સૌએ બેસે મોં ફેરવી, સૌએ ડરી જાય
ત્યારે હૈયું ખોલી, અરે તું મન મૂકી તારા મનનું ગાણું એકલો ગાને રે!

જો સૌએ પાછાં જાય
ઓરે ઓરે ઓ અભાગી, સૌએ પાછાં જાય,
જ્યારે રણવગડે નિસરવા ટાણે સૌ કોરે સંતાય,
ત્યારે કાંટા રાને તારે લોહી નીગળતે ચરણે
ભાઈ એકલો ધા ને રે.

જ્યારે કોઈ દીવો ન ધરે કોઈ
ઓરે ઓરે ઓ અભાગી દીવો ન ધરે કોઈ
જ્યારે ઘનઘેરી તુફાની રાતે બાર વાસે તને જોઈ ત્યારે આભની વીજે તું સળગી જઈને સૌનો દીવો એકલો થને રે.

– રવીન્દ્રનાથ ટાગોર (આ ગીત બંગાળીમાં ઘણાએ ગાયું છે. કિશોરકુમાર અને સોનુ નિગમના અવાજમાં પણ છે. ગુજરાતીમાં પણ ગવાયું છે. યુટ્યુબ પર મળી જશે).

1 COMMENT

  1. ” Man is a social animal” is a term said in biological way. All members of mankind are interdependent. Many other species are social too at some degree.
    “Eklo Jane Re” prompts inspiration to pursue some noble mission.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here