એ પાંચ અને આ પાંચ: નર્મદ, સ્વામી આનંદ, મેઘાણી, વિનોદ ભટ્ટ અને વીનેશ અંતાણી : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ , ‘ ન્યુઝપ્રેમી ડૉટ કૉમ’ : બુધવાર, ૨૩ ઑગસ્ટ ૨૦૨૩)

ગઈકાલે વાડીલાલ ડગલી, રમેશ પારેખ, સ્વામી સચ્ચિદાનંદ, ગાંધીજી અને ચંદ્રકાંત બક્ષી – આ પાંચ ગમતા લેખકોનાં ગમતાં પુસ્તક વિશે વાત કરી. આજે ટૉપ ટેનની મારી પ્રથમ યાદીમાંના બીજા પાંચ ગમતા લેખકોનાં ગમતાં પુસ્તકો પર નજર ફેરવીએ તે પહેલાં ચંદ્રકાંત બક્ષી વિશેની બે વાત જે બાકી રહી ગઈ હતી તે પૂરી કરીને આગળ વધીએ.

બક્ષીની ‘કુત્તી’ નામની ટૂંકી વાર્તા વિશે ઘણાને કુતૂહલ છે. બે મિત્રો કલકત્તાના સોનાગાછી નામના રેડ લાઈટ એરિયામાં એક ચીપ સેક્સ વર્કર સાથે સમથિંગ કરે છે એવો પ્લોટ છે. વાર્તા મીડિયોકર છે. બક્ષીની શ્રેષ્ઠ 25 વાર્તાઓની સરખામણીએ તો તો સાવ કચરો છે.

ગુજરાત સરકારે એને અશ્લીલ ગણીને એના પર કેસ કર્યો. સરકારની આ મૂર્ખામી હતી. વાર્તામાં અશ્લીલ જેવું કશું છે જ નહીં. બક્ષીમાં એ પ્રકારનું, મન્ટો વગેરે જેવું, અશ્લીલ લખવાની કોઈ હિંમત કે તાકાત પણ નહીં.

આ કેસને લગતી વાતોમાં બક્ષીએ પોતે કેવી બહાદુરી દેખાડી એવું આપણને બક્ષીના લખાણો પરથી લાગે. વાસ્તવમાં આ કેસને લીધે બક્ષી ડરી ગયા હતા. બક્ષીના પ્રકાશકમિત્ર અને સુરતની કોર્ટમાં દાખલ થયેલા આ કેસ વખતે જેઓએ બક્ષીને તમામ પ્રકારની મદદ કરી તે નાનુભાઈ નાયક તથા બીજાઓ પાસેથી મેળવેલી વિગતો પુરવાર કરે છે કે બક્ષીએ આ કેસ પાછો ખેંચાવડાવવા કેટલા ધમપછાડા કરેલા અને કેસ થયો તે વખતે તેઓ કેટલા ડરી ગયેલા. છેવટે સરકારની માફી માગીને બક્ષી આ કેસ લડ્યા વગર છૂટી ગયા.

તે વખતે કોઈ ગુજરાતી સાહિત્યકારે પોતાને સાથ આપ્યો નહીં એવી વાયકા બક્ષીએ ફેલાવી છે જે સદંતર જુઠ્ઠી છે. જુહુની ફાર્બસ લાયબ્રેરીમાં જઈને ‘ગ્રંથ’ માસિકના જૂના અંક ઉથલાવશો તો સત્ય બહાર આવશે કે બીજા સાહિત્યકારોને ‘હીજડા’ કહેનારા બક્ષી પોતે કેટલા મર્દ હતા.

બક્ષીની વાર્તાઓ, બક્ષીની કેટલીક નવલકથાઓ અને બક્ષીના કેટલાક ધારદાર, નેત્રદીપક, માહિતીસભર તથા જ્ઞાનવર્ધક લેખો વાંચ્યા વિના ગુજરાતી સાહિત્ય વિશેનું તમારું એક્સપોઝર અધૂરું છે. પણ બક્ષીની જે ન વાંચવા જેવી કૃતિ છે તે એમની ત્રણ ભાગમાં (બે નહીં,ત્રણ) છપાયેલી આત્મકથા છે. ‘બક્ષીનામા’ જેવી આછકલી , અતિશયોક્તિ ભરેલી તેમ જ અમુક જગ્યાએ સંપૂર્ણ ગપગોળા ચલાવતી આત્મશ્લાઘાથી ભરપૂર તથા બીજાઓને ઉતારી પાડવાના આશયથી લખાયેલી , પોતે એકમેવ છે એવો મધ્યસૂર રેલાવતી આત્મકથા મેં ગુજરાતીમાં બીજી કોઈ વાંચી નથી.

બક્ષી એ આવી ઝેરીલી લાગણીથી અનેક સાહિત્યકારો વિશે લખ્યું છે જેનો મેં એમના જીવતેજીવ સખત વિરોધ કર્યો છે – ખૂબ લખ્યું છે એમની આ એટિટ્યુડ વિરુદ્ધ

બક્ષીના ચાહકોમાં જે જેન્યુઇન છે એમણે બક્ષીનું તમામ સાહિત્ય પોતાના ઘરમાં વસાવ્યું છે- તમામ. આવા ચાહકો કુલ ચાહકોમાંથી એકાદ ટકો હશે. બીજા આઠદસ ટકા ચાહકો એવા હશે જેમણે બક્ષીના એક કે એક કરતાં વધારે પુસ્તકો ખરીદીને વસાવ્યા હશે અથવા લાયબ્રેરીમાંથી કે કોઈની પાસેથી ઉછીના લઈને વાંચ્યા હશે.

બાકીના નેવું ટકા જેટલા વાચકો માત્ર બક્ષીની કેટલીક કોલમો વાંચીને ( કે પછી એ પણ વાંચ્યા વગર) હઇસો હઇસો કરીને બક્ષીબાબુ બક્ષીબાબુ કહેતા ગામમાં ફરે છે. પણ આ બધા પાછા કહેશે કે અમે ‘બક્ષીનામા’ વાંચી છે. સારું છે. બક્ષીના વૉટ્સઍપ પર ફરતા ક્વોટેશન્સ તમારી પાસે આવ્યા હોય એ વાંચીને તમે બક્ષીના ‘વાચક’નથી બની જતા.

‘બક્ષીનામા’ની એક વિગત વિશે ઊંડાણથી વાત કરીને આગળ વધીએ. બક્ષી માટે વિખ્યાત શિક્ષણશાસ્ત્રી અને માતૃભાષામાં શિક્ષણ આપવાની ઝુંબેશના પાયોનિયર અમૃતલાલ યાજ્ઞિક ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ હતા.

કલકત્તા છોડીને બક્ષી ગુજરાતમાં સેટલ થવા આવ્યા પણ 1969ના રમખાણોમાં બહાદુર બક્ષી અમદાવાદ છોડીને ઊભી પૂંછડીએ ભાગીને મુંબઈ આવ્યા ત્યારે એમની પાસે નોકરી નહીં, ઘર નહીં. યાજ્ઞિકસાહેબે, પોતે જ્યાં વાઇસ પ્રિન્સિપાલ હતા તે વિલેપાર્લાની પ્રતિષ્ઠિત મીઠીબાઈ કૉલેજમાં બક્ષીને સારા પગારે લેક્ચરરની નોકરી આપાવી. યાજ્ઞિકસાહેબે ગુલાબદાસ બ્રોકરને કહીને ( જેમણે બક્ષીના પહેલા વાર્તાસંગ્રહની પ્રસ્તાવના લખી જે બક્ષીએ પછીની આવૃત્તિઓમાંથી કઢાવી નાખી)એમને કહીને પોતાની વગ તથા ઓળખાણથી એક સિંધિ મકાનમાલિકનો ફ્લેટ ( 25, સંગમ, બૅન્ગાલ કેમિકલ્સ પાસે, વરલી) બક્ષીને મામુલી પાઘડી, મામુલી ભાડે રહેવા માટે અપાવ્યો.

એટલું જ નહીં 1981ના અરસામાં સાન્તાક્રુઝમાં નવી ખુલી રહેલી કોલેજમાં ( તે વખતે સાધના કોલેજ કહેવાતી , હવે રાહેજા કોલેજ તરીકે ઓળખાય છે) બક્ષીને પ્રિન્સિપાલની નોકરી અપાવી. આ જ કોલેજમાંથી બક્ષીને જ્યારે સસ્પેન્ડ કરવામાં આવ્યા ત્યારે મેં , ૧૯૮૨માં, બાવીસ વરસની ઉંમરે ‘નિખાલસ’ નામના સાપ્તાહિકમાં બક્ષી અને યાજ્ઞિકસાહેબનો ઇન્ટરવ્યુ બબ્બેવાર લઈને બેઉ પક્ષોના મુદ્દા રજૂ કરતો રિપોર્ટ લખ્યો હતો જેનાથી બક્ષી અને યાજ્ઞિકસાહેબ બેઉ ખુશ હતા. આ વિવાદ પછી બહુ ચગ્યો અને છેવટે બક્ષીએ શિક્ષણક્ષેત્ર છોડીને માત્ર લખીને તેમજ શેરબજારમાં રોકાણ કરીને ગુજરાન ચલાવવાનું નક્કી કર્યું. બક્ષીને યાજ્ઞિકસાહેબ જેવા, મુંબઈમાં પોતાના રહેનૂમા બનેલા અને હજારો વિદ્યાર્થીઓ તથા મુંબઈના સંસ્કાર જગતના અગ્રણીઓના આદરને પાત્ર બનેલા, પ્રતિષ્ઠિત શિક્ષણશાસ્ત્રી સામે એવો તે શું રોષ હતો કે એમણે ‘બક્ષીનામા’માં આ કિસ્સાનું એકતરફી બયાન કરીને, યાજ્ઞિકસાહેબને વિલન ચીતરીને કંઈક આ મતલબનું લખ્યું કે: હું એક સપનું જોઉં છું જેમાં અમૃતલાલ યાજ્ઞિકની લાશ ચિતા પર પડી છે અને એ લાશના ખુલ્લા મોઢામાં હું પેશાબ કરી રહ્યો છું…

અમૃતલાલ યાજ્ઞિકની લાશના ખુલ્લા મોઢામાં પેશાબ…’સમકાલીન’માં ધારાવાહિકરૂપે છપાઈ ત્યારે અને પુસ્તકરૂપે છપાઈ ત્યારે પણ આ જ શબ્દો હતા—લાયબ્રેરીમાં જઈને ચેક કરી લેજો. કેટલાક નાસમઝ, મવાલી અળવીતરા અળસિયાઓ તો અહીં પણ બક્ષીનો બચાવ કરીને ઝિંગાલાલાની જેમ નૃત્ય કરશે. ભલે.

બક્ષી એ આવી ઝેરીલી લાગણીથી અનેક સાહિત્યકારો વિશે લખ્યું છે જેનો મેં એમના જીવતેજીવ સખત વિરોધ કર્યો છે – ખૂબ લખ્યું છે એમની આ એટિટ્યુડ વિરુદ્ધ. એક વાત કહી દઉં- મેં ક્યારેય બક્ષીના સાહિત્યની ટીકા નથી કરી. કરી શકું પણ નહીં કારણકે હું એમના સાહિત્યનો ઘણો મોટો ચાહક છું.

‘બક્ષીનામા’માં યાજ્ઞિકસાહેબ વિશેની પેશાબવાળી ટિપ્પણી વાંચ્યા પછી જ્ઞાનપીઠ વિજેતા સાહિત્યકાર રઘુવીર ચૌધરીએ એક જગ્યાએ લખ્યું હતું કે બક્ષીએ આવી વાત જો કોઈ અન્ય વિશે લખી હોત તો બક્ષીનું ‘મૂતરવાનું સલામત રહ્યું હોત?’

અહીં ‘મૂતરવાનું’ શબ્દ રઘુવીર ચૌધરીએ ક્રિયાપદ નહીં પણ એ ક્રિયા કરવાના શરીરના એક અંગની અવેજીમાં વાપર્યો છે એ તરફ તમારું ધ્યાન દોરવાનું.

બક્ષીબક્ષી કહીને જેમનું ગળું નથી સુકાતું એવા પેલા ૯૦ ટકા વાચકોને-ચાહકોને કહેવાનું કે તમે બક્ષીને વાંચો. બક્ષીની બધી જ ટૂંકી વાર્તાઓ વાંચો, ‘પેરેલિસિસ’ કે ‘આકાર’ કે ‘જાતકકથા’જેવી એમની અગાઉની નવલકથાઓ વાંચો. એમની કૉલમો માટે લખાયેલા કેટલાક ઉત્તમ લેખો વાંચો. ‘બક્ષીનામા’માં લખાયેલી પોતાની બહાદુરીની, મર્દાનગીની બનાવટી વાતોવાળી અને અતિસંસ્કારી ખાનદાની વ્યક્તિત્વવાળી ઈમેજના ઝાંસામાં આવી જવાને બદલે એને તડકે મૂકીને જે ખરેખર અપનાવવા જેવા છે એવા એક સશક્ત કલમના માલિક તથા ગુજરાતી ભાષાના ઉપાસક એવા સાહિત્યસાધક ચંદ્રકાંત બક્ષીને ઓળખો અને અપનાવો. તમારું ભલું થશે.

ટૉપ ટેન લેખકો/પુસ્તકોની યાદી આગળ વધારીએ.

પાંચ વિશે ગઈકાલે લખ્યું. પાંચ વિશે આજે. અને આ ઉપરાંતની બીજી 10 ટૉપ ટેન યાદીઓ બનાવી શકાય એવા લેખકો વિશે ભવિષ્યમાં ક્યારેક.

નર્મદે કયા કપરા સંજોગોમાં આટલા બહોળા સાહિત્યનું સર્જન કર્યું હતું તેનું બયાન તમને એની આત્મકથા ‘મારી હકીકત’માંથી મળે છે.

6. નર્મદની આત્મકથા ‘મારી હકીકત’. આવતીકાલે નર્મદની જન્મજયંતિ છે . ‘મારી હકીકત’ વિશે મેં મુંબઈમાં આપેલું પ્રવચન યુટ્યુબ પર છે . નર્મદને આપણે કવિ નર્મદ કહીએ છીએ પણ એ એની અધુરી ઓળખાણ છે. નર્મદે ઉત્તમ નિબંધો પણ લખ્યા, નર્મદે ઉત્તમ પત્રકારત્વ કર્યું- ‘ડાંડિયો’ના તમામ ઉપલબ્ધ અંક ડૉ. રમેશ મ. શુક્લના ઇનિશ્યેટિવથી સુરતની સંસ્થાએ પ્રગટ કર્યા છે- તે અને રમેશભાઈને કારણે ફરી છપાયેલા નર્મદનાં બીજાં પુસ્તકો વાંચો તો ખ્યાલ આવે કે 53 વર્ષની ઉંમરે ગુજરી ગયેલા નર્મદે કેટલું વિશાળ કામ કર્યું છે.

‘નર્મકોશ’ આપણી ભાષાની સૌ પ્રથમ ડિક્શનરી છે . નર્મદના મિત્ર નાનાભાઈ રાણીનાના કોશને પણ ઘણા લોકો પ્રથમ ડિક્શનરી ગણે છે. નર્મદે કયા કપરા સંજોગોમાં આટલા બહોળા સાહિત્યનું સર્જન કર્યું હતું તેનું બયાન તમને એની આત્મકથા ‘મારી હકીકત’માંથી મળે છે. આ આત્મકથા એણે જીવતે જીવ બેચાર જણાને વાંચવા આપી પણ પોતાના મૃત્યુ પછી જ લોકો સુધી પહોંચે એવો આગ્રહ રાખ્યો. નર્મદની સમગ્ર કવિતાનું સવાસો વર્ષ કરતાં પહેલાં છપાયેલું દુર્લભ વૉલ્યુમ મારા પુસ્તકસંગ્રહમાં છે.

નર્મદ ગુજરાતી સાહિત્યમાં અર્વાચીનોમાં આદ્ય તરીકે ઓળખાય છે તે વાજબી જ છે. નર્મદનું પત્રકારત્વ પણ બેમિસાલ હતું. નર્મદનું ગદ્ય એના પદ્ય જેટલું જ પાવરફુલ હતું. નર્મદના માથે મા સરસ્વતીના ચારેય હાથ હતા અને એ આશીર્વાદનો નર્મદે ભરપૂર ઉપયોગ કરીને ગુજરાતી સાહિત્યને ખૂબ સમૃદ્ધ કર્યું.

નર્મદના ચાર ગુણ, જે એણે પોતે ગણાવ્યા છે- વીર, સત્ય, રસિક, ટેકીપણું- એ વિશે વિગતે વાત કરતો મારો લેખ આવતીકાલે, નર્મદજયંતિ નિમિત્તે પોસ્ટ કરીશ.

નર્મદને તે જમાનાના નવલકથાકાર નંદશંકર તુળજાશંકર ( જેમણે સૌ પ્રથમ ગુજરાતી નવલકથા ‘કરણઘેલો’ લખી) સાથે કોઈ વાતે ચડભડ થઈ ગઈ ત્યારે નંદશંકરને લખેલા એક પત્રના અંતે આ મશહૂર થઈ ગયેલા વાક્યો લખ્યા: ‘તમારા મનમાં મારે વિષે સ્વર્ગ જેટલો ઊંચો કે પાતાળ જેટલો નીચો વિચાર હો, તમે મારા કટ્ટા વિરોધી કે સાચા સ્નેહી હો, તો પણ હું તમારા શહેરમાં એક ક્યારેક્ટર છઉં, પછી ગમે તેવો.’

7. સ્વામી આનંદે ‘કુળકથાઓ’માં ઓગણીસમી સદીમાં મુંબઈ આવીને વસેલા કચ્છી ભાટિયા કુટુંબોની હૃદયસ્પર્શી કુટુંબકથાઓ લખી છે. ગાંધીજીને આત્મકથા લખવાની પ્રેરણા સ્વામી આનંદે આપી એવું ગાંધીજીએ ‘સત્યના પ્રયોગો’ની પ્રસ્તાવનામાં નોંધ્યું છે . સ્વામી આનંદ ગુજરાતી ભાષાના ખૂબ મોટા ગદ્યકાર. પોતે સાધુ અને સમાજસેવામાં તનમનધનથી દાયકાઓ લાગી જીવન ઘસી કાઢ્યું. સાથે લખ્યું પણ ઘણું. પ્રવાસ કર્યો. એ વિશે પણ લખ્યું. સામાન્ય લોકો વિશે લખ્યું. મહાન વિભૂતિઓ વિશે લખ્યું. ‘કુળકથાઓ’માં ધનીમા વિશેનો લેખ ગુજરાતી રેખાચિત્રોના સાહિત્યપ્રકારમાં પહેલી પંગતમાં મૂકવો પડે. સ્વામી આનંદે ‘કુળકથાઓ’ ઉપરાંત ‘સંતોના અનુજ’ અને ‘સંતોનો ફાળો’માં પણ યાદગાર રેખા ચિત્રો લખ્યા છે. ‘સંતોનો ફાળો’માં એમણે ‘મારા પિતરાઈઓ’ શીર્ષકથી ત્રણ ભાગનો લેખ પોતે જોયેલા-જાણેલા સારા નરસા સાધુઓ અને સંતો વિશે લખ્યો છે. સ્વામી આનંદની ગુજરાતી ભાષા તાજગીભરી છે. અનુકરણ કરવાનું કોઈને પણ મન થાય છતાં અનુકરણ કરવાનું કોઈનું ય ગજું નહીં એવી એમની શૈલી છે.

સ્વામી આનંદના સમગ્ર સાહિત્યમાંથી ઉત્તમમાં ઉત્તમ લેખો પસંદ કરવાનું કામ મહેન્દ્ર મેઘાણીએ મૂળશંકર મો. ભટ્ટને સોપ્યું અને ‘લોકમિલાપ’ તરફથી એ સંપાદન ‘ધરતીની આરતી’ના નામે પ્રગટ થયું. ખૂબ વેચાયું, આ સંપાદનને કારણે જ સ્વામી આનંદ હજારો ગુજરાતીઓના ઘરમાં પહોંચ્યા અને લાખો વાચકોના દિલમાં વસી ગયા.

‘નવજીવન’ ટ્રસ્ટ તરફથી અપૂર્વ આશરના સંપાદન હેઠળ સ્વામી આનંદના તમામ પુસ્તકો નવેસરથી ( પણ જૂની ઢબછબથી) પ્રગટ થઈ રહ્યાં છે. જરૂર મગાવજો. સ્વામી આનંદે દેશી ગુજરાતીના શબ્દો સાથે અંગ્રેજી અને ઉર્દૂ ભાષાના શબ્દોને પણ સાહજિક રીતે વણીને આગવી શૈલી ઊભી કરી. એમણે ‘જૂની મૂડી’ નામના એક શબ્દકોશની પણ રચના કરી છે જેમાં ઓછા વપરાતા ગુજરાતી શબ્દોનો પરિચય કરાવ્યો છે. દાખલા તરીકે: બજારબગદું એટલે? હાલીમવાલી ટોળું. ‘દોથો’ શબ્દ ઘણાએ વાપર્યો હશે, મોટેભાગે ગલત અર્થમાં. ‘દોથો’ એટલે સ્વામી આનંદ નોંધે છે એમ, ‘ખોબો’ નહીં પણ એક હાથનાં આંગળાં અને અંગૂઠા વચ્ચે માય તેટલું ( આટો વગેરે) એટલે દોથો- મુઠ્ઠી ભરીને કે ખોબો ભરીને નહીં.

સ્વામી આનંદ અને કાકા સાહેબ કાલેલકરે સાથે એક પ્રવાસ કર્યો . કાકાસાહેબે ‘હિમાલયનો પ્રવાસ’ લખ્યું અને એ જ પ્રવાસનું વર્ણન સ્વામી આનંદે ‘હિમાલયના તીર્થસ્થાનો’માં કર્યું. આ બંને પુસ્તકો અત્યાર સુધી વાચનરસિકો વાંચતા અને એકમેક સાથે કમ્પેર કરતા. હવે ‘નવજીવન’ ટ્રસ્ટ માટે અપૂર્વ આશરે ભારે જહેમત ઉઠાવીને બેઉને એક પુસ્તક રૂપે પ્રગટ કરી અંદર ચિક્કાર રેફરન્સ-ક્રોસ રેફરન્સ આપીને વાચકોને ન્યાલ કરી દીધા છે.

ગુજરાતી લેખનકાર્યમાં જેઓ સિરિયસલી આગળ વધવા માંગે છે અને જેઓ ઑલરેડી આગળ વધી ગયા છે તે તમામ લેખકો માટે સ્વામી આનંદનું ગદ્ય વાંચીને, એમના વિચારો વિશે મનન કરીને, એમની શૈલી-ભાષા-શબ્દ પસંદગીનું વિશ્લેષણ કરીને આગળ વધવું અનિવાર્ય છે એવું હું માનું છું . ફાયદો થશે.

જ્યારે જ્યારે મેં આ પત્રો વાંચ્યા છે અને એના વિશે લખ્યું છે (અનેકવાર લખ્યું છે) ત્યારે ત્યારે મારી આંખમાંથી લોહીનાં આંસું ટપક્યાં છે

8. ‘લિખિતંગ હું આવું છું: ઝવેરચંદ મેઘાણી. નર્મદજયંતિ 24 ઑગસ્ટે , મેઘાણીજયંતિ 28 ઑગસ્ટે. મેઘાણી નર્મદ કરતાંય ઓછું આયુષ્ય પામ્યા. 50 વર્ષે વિદાય લીધી. આટલી ટૂંકી આવરદામાં બીજો કોઈ સાહિત્યકાર સાત જન્મેય ન કરી શકે એટલું વ્યાપક કાર્ય કર્યું મેઘાણીએ. ‘લિખિતંગ હું આવું છું’ એમણે લખેલા પત્રોનો સંચય છે. ખૂબ મહેનતથી થયેલું સંપાદન છે. જ્યારે જ્યારે મેં આ પત્રો વાંચ્યા છે અને એના વિશે લખ્યું છે (અનેકવાર લખ્યું છે) ત્યારે ત્યારે મારી આંખમાંથી લોહીનાં આંસું ટપક્યાં છે: આટલા ઉચ્ચ કોટિના સાહિત્યકાર સાથે દુનિયાએ કેવો કેવો વ્યવહાર કર્યો? મેઘાણીએ આ બધું જ સહન કર્યું અને સતત સર્જન કર્યું.

લોકસાહિત્યના સંશોધનમાં એમણે પાયાનું કામ કર્યું. મૌલિક નવલકથાઓ, વાર્તાઓ, કાવ્યોની રચના કરી. અદ્‌ભુત અનુવાદો કર્યા. સાહિત્ય વિવેચનની સાથે જેન્યુઇન પત્રકારત્વ-સંપાદનકાર્ય કર્યું. ઝવેરચંદ મેઘાણીના સમગ્ર સાહિત્યમાંથી કોઈ પણ પુસ્તક ઉપાડીને કલાક એનું વાંચન કરો, તમને ગૌરવ થશે કે તમારી માતૃભાષા ગુજરાતી છે. ‘કોઈનો લાડકવાયો’ અને ‘મોર બની થનગાટ કરે’ એમના અનુવાદનાં કાવ્યો છે એવું જરાય લાગે નહીં એવી એમની ગુજરાતી ભાષા પરની પક્કડ. ઓફિસમાં કે ટેબલ પર નહીં પણ ગામ-પરગામમાં ફરીને, જોખમો ખેડીને એમણે પત્રકારત્વ કર્યું, સાથે લોકસાહિત્યનું સંશોધન કર્યું. સતત કામ કર્યું. બહાદુરીથી કામ કર્યું. રમખાણો વખતે તમંચો સાથે રાખીને ફરતા.

ધૂમકેતુ જેવા સમકાલીનો અને ઉમાશંકર જોશી જેવા અનુગામીઓનો પ્રેમ-આદર પામ્યા. અન્ય સાહિત્યકારો-લેખકોને પોતાના કામમાં બેઇમાની કરવા સામે વારંવાર ચેતવણીઓ આપી. એ અર્થમાં મેઘાણી નર્મદના ખરા વારસદાર. વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ધરાવતા લોકોને પાળીપોષીને વૈભવશાળી જિંદગી જીવનારા પોતાના જ ક્ષેત્રના જાણીતા લોકો માટેનો તુચ્છકાર નર્મદની જેમ મેઘાણીએ પણ બેઝિઝક પ્રગટ કર્યો. મેઘાણીના પુત્રોએ, પૌત્રોએ અને પ્રપૌત્રોએ પોતાના આ જાયન્ટ પૂર્વજને ન્યાય આપે એવું કામ ગુજરાતી સાહિત્ય માટે કર્યું, કરી રહ્યા છે.

9. વિનોદ ભટ્ટ રચિત ‘વિનોદની નજરે’. ગુજરાતી સાહિત્યમાં રમણભાઈ નીલકંઠ અને જ્યોતીન્દ્ર દવે પછીની પેઢીમાં બકુલ ત્રિપાઠી, તારક મહેતા અને વિનોદ ભટ્ટ આવ્યા. અત્યારે અશોક દવે અને લલિત લાડ ( ‘મન્નુ શેખચલ્લી’) આ ઉજ્જવળ પરંપરાને આગળ ધપાવી રહ્યા છે.

વિનોદ ભટ્ટે હાસ્ય સાહિત્યકાર તરીકે જીવનચરિત્રોથી માડીને શહેરો વિશે લખ્યું, કટાક્ષ કથાઓ અને વ્યંગ લેખો લખ્યા, આત્મકથા પણ લખી. ‘એવા રે અમે એવા’ એમની આત્મકથાનું ટાઈટલ. ‘વિનોદની નજરે’માં બચુભાઈ રાવતના મહામૂલા માસિક ‘કુમાર’ માટે વિનોદ ભટ્ટે ગુજરાતી સાહિત્યકારોના રેખાચિત્રો લખ્યાં. ખૂબ વખણાયાં. સાહિત્યકારોની લાક્ષણિકતાઓને વિનોદ ભટ્ટે કોઈ દંશ વિના હળવી કલમે વર્ણવી.

વિનોદ ભટ્ટે 40 જેટલાં પુસ્તકો લખ્યાં અને 20 જેટલાં સંપાદનો કર્યાં. `વિનોદની નજરે’ એમાં શિરમોર. 1976થી 1979ના ગાળામાં આ શબ્દચિત્રો `કુમાર’માં લખાયાં, અને અનેકવાર આ પુસ્તકનાં પુનર્મુદ્રણો/આવૃત્તિઓ થયાં. કુલ 31 રેખાચિત્રોમાં ઉમાશંકર જોશી અને ચન્દ્રકાન્ત બક્ષીથી માંડીને નિરંજન ભગત, રઘુવીર ચૌધરી તથા ખુદ વિનોદ ભટ્ટ સુધીનાં ટોચના ગુજરાતી સાહિત્યકારો વિશે વિનોદ ભટ્ટે લખ્યું છે.

ચંદ્રવદન ચી. મહેતા વિશે વિનોદ ભટ્ટ લખે છે કે, ચં. ચી. પરણવા નહોતા માગતા છતાં મહામુસીબતે એમને વિલાસ સાથે પરણાવવામાં આવેલાં. પોતાનાથી છૂટકો અપાવીને ચં.ચીએ પોતાના દોસ્ત સાથે વિલાસને પરણાવી. દોસ્ત ઑલરેડી ચં.ચી.ની પત્નીના ગળાડૂબ પ્રેમમાં હતો. વિનોદ ભટ્ટ લખે છેઃ `વિલાસનું અવસાન થયું તે વેળાએ તેનો એક હાથ એના વર્તમાન પતિના હાથમાં હતો (જે ચં.ચી.નો મિત્ર હતો) અને બીજો હાથ ચં.ચી.ના હાથમાં! વિલાસ મૃત્યુ પામી ત્યારે પેલો મિત્ર ચં.ચી.ના ખભા પર માથું મૂકીને છુટ્ટે મોંએ રડવા માંડ્યો. ત્યારે, કહે છે કે, ચં.ચી.એ તેને આશ્વાસન આપેલું: `રડ નહીં, હું બીજી વાર પરણવાનો છું.’

વિનોદ ભટ્ટની હ્યુમરની આ ઊંચાઈ હતી. `કહે છે કે’ શબ્દો પર ધ્યાન ન ગયું હોત તો લાગે કે ખરેખર ચં.ચી. આ શબ્દો બોલ્યા હશે.

વિનોદ ભટ્ટની આત્મકથા `એવા રે અમે એવા’ જ્યારે હરીન્દ્ર દવેના તંત્રીપદે છપાતા `જન્મભૂમિ પ્રવાસી’માં દર રવિવારે ધારાવાહિક સ્વરૂપે પ્રગટ થતી હતી ત્યારે એમાંનું એક પ્રકરણ વાંચીને હું ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો

ચંદ્રકાન્ત બક્ષી વિશે વિનોદ ભટ્ટે `કુમાર’માં નવેમ્બર 1977માં લેખ લખ્યો એ પછી બક્ષી માટે વિનોદ ભટ્ટ એમના સગા દુશ્મન બની ગયા. વિનોદ ભટ્ટની ભદ્દી મજાક કરતો એક લેખ એમણે `વિનોદ ભટ્ટઃ ચંદ્રકાન્ત બક્ષીની દૃષ્ટિએ’ લખ્યો જેમાં સંસ્કારિતાની તમામ હદ વટાવી દેવામાં આવી હતી.

વિનોદ ભટ્ટે બક્ષી વિશે `કુમાર’માં સાચું જ લખ્યું હતું કે, `(બક્ષી) ઉસ્તાદ સેલ્સમેન છે, પોતાનો માલ તે બહુ સારી રીતે વખાણી-વખાણીને વેચી શકે છે… બક્ષી વિશે કેટલાક લોકો એવી ફરિયાદ કરે છે કે, તે બિલકુલ થેન્કલેસ-નગુણો માણસ છે. તેમનું ભલું કરનારનેય પેટ ભરીને ગાળો આપે છે… બક્ષી બેજવાબદાર છે, સેલ્ફિશ છે, મની માઇન્ડેડ છે, અંતિમવાદી છે, ભીરુ છે…’

નિરંજન ભગત આજીવન અપરણિત રહ્યાં. વિનોદ ભટ્ટ નોંધે છેઃ `અમે શાકવાળાની દુકાને ગયા… શાકવાળાને તેમણે કહ્યું, `આ બે શાક આપો.’ `કેટલાં?’ પેલાએ પૂછ્યું. `ગયે વખતે કેટલાં આપેલાં?’ `યાદ નથી…’ `હું એકલો જ છું… એકલા માણસને કેટલાં જોઈએ?’ `બસો ગ્રામ ચાલે…’

વિનોદ ભટ્ટે ટાંકેલો આ કિસ્સો ચિત્તમાં હજુય ચોંટેલો છેઃ એકલા માણસને કેટલું શાક જોઈએ!

`વિનોદની નજરે’માં વિનોદ ભટ્ટે સુરેશ જોષીવિશે કેમ ન લખ્યું તેની ખબર નથી. બકુલ ત્રિપાઠી વિશે શા માટે નથી લખ્યું તેની ખબર છે.

વિનોદ ભટ્ટની આત્મકથા `એવા રે અમે એવા’ જ્યારે હરીન્દ્ર દવેના તંત્રીપદે છપાતા `જન્મભૂમિ પ્રવાસી’માં દર રવિવારે ધારાવાહિક સ્વરૂપે પ્રગટ થતી હતી ત્યારે એમાંનું એક પ્રકરણ વાંચીને હું ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો. મારાથી રહેવાયું નહીં ત્યારે મેં વિનોદભાઈને એસ.ટી.ડી. કૉલ કરીને મારી લાગણી ઠાલવી. એ પ્રકરણમાં પિતાજીનાં પગરખાં વિશેનો કિસ્સો હતો. તમે જ્યારે એ આત્મકથા વાંચશો અને એ પ્રકરણ સુધી પહોંચશો ત્યારે તમારા ગળે પણ ડૂમો તો ચોક્કસ ભરાશે, કદાચ ધ્રુસકે ધ્રુસકે રડી પણ પડો.

અને હવે ટૉપ ટેનની યાદીમાં બાકી રહેલા મારા પ્રિય નવલકથાકારનું નામ આવે છે – વીનેશ અંતાણી. અશ્ચિની ભટ્ટ અને હરકિસન મહેતા ઉપરાંત ગુજરાતી નવલકથાકારોમાં મારા અનેક પ્રિય નવલકથાકારો છે, જેમના લેખનથી હું પ્રભાવિત થયો છું, પ્રોત્સાહિત થયો છું અને નવલકથાકાર બનવા માટે પ્રેરિત થયો છું. ભવિષ્યમાં એ સૌના વિશે વાત કરીશું – અશ્વિની ભટ્ટ અને હરકિસન મહેતા વિશે તો ઑલરેડી ઘણીવાર લખી ચૂક્યો છું. હરકિસનભાઈની એક દીર્ઘ મુલાકાત તમને `ન્યૂઝપ્રેમી ડૉટ કૉમ’ પર વાંચવા મળશે – જરૂર વાંચજો.

પણ અત્યારે વીનેશ `પ્રિયજન અંતાણી વિશે.’

`પ્રિયજન લખતો હતો તે બધી જ ક્ષણો દરમિયાન મારી અંદર જાણે એક સંતૂર બજતું હતું અને રાગ કલાવતીનું વાતાવરણ મારા શ્વાસોમાં ઘૂંટાતું રહ્યું હતું, એક દરિયો ઉછળતો હતો’

10. વીનેશ અંતાણીએ 1979માં `પ્રિયજન’ નવલકથા લખી, 1980માં પ્રગટ થઈ અને 2023 સુધીમાં વીસથી વધુ વખત એનાં નવી આવૃત્તિઓ/પુનર્મુદ્રણ થયાં. લગભગ 20,000 નકલો વેચાઈ ચૂકી છે.

ગુજરાતીમાં `પૉપ્યુલર’ નવલકથા હોય કે `સાહિત્યિક’ નવલકથા હોય – આ આંકડો એક વિક્રમ કહેવાય. `પ્રિયજન’ને હું `પૉપ્યુલર સાહિત્યિક’ નવલકથા કહીશ.

`જીવનને ભરપૂર જીવી લીધું હોય, બધું જ સભર હોય છતાં પાછલી જિંદગીની એક નમતી સાંજે એકાદ ચહેરો મનમાં છલકાઈ જાય, એવું બને ત્યારે પ્રશ્ન થાય કઈ ક્ષણ સાચી? કે પછી બંને જ સાચી?’

તેંત્રીસ વર્ષની ઉંમરે લખાયેલી `પ્રિયજન’ નવલકથાનો આરંભ `ચારુ બારીમાંથી દરિયો જોઈ રહી-’થી થાય છે અને અંત આ વાક્યથી આવે છે: `-ટ્રેનની ચીસ: આવતી અને જતી.’ આ બે વાક્યો વચ્ચે ચારુ અને નિકેતનો પ્રેમ એક કરતાં વધારે વાર પુનર્જીવન પામે છે.

નવલકથાની સર્જનપ્રક્રિયાની કેફિયતમાં વીનેશભાઈ લખે છે: `પ્રિયજન લખતો હતો તે બધી જ ક્ષણો દરમિયાન મારી અંદર જાણે એક સંતૂર બજતું હતું અને રાગ કલાવતીનું વાતાવરણ મારા શ્વાસોમાં ઘૂંટાતું રહ્યું હતું, એક દરિયો ઉછળતો હતો, દરિયા પરથી આવતા પવનમાં સરુના વૃક્ષો ધીરે ધીરે ડોલતાં રહ્યાં હતાં, નાળિયેરીના થડનો ખરબચડો સ્પર્શ થયા કરતો હતો, અદૃશ્ય ખૂણામાં ઉગેલી રાતરાણીનાં ફૂલોની સુગંધ મહેકતી રહી હતી, ભીની રેતી જેવું કશુંક મારી અંદર સતત ઝરતું રહ્યું હતું.’

`પ્રિયજન’ પહેલાં વીનેશ અંતાણી `નગરવાસી’, `એકાન્તદ્વીપ’ અને `પલાશવન’ લખી ચૂક્યા હતા. એ પછી એમણે લગભગ 20 જેટલી નવલકથાઓ લખી. વાર્તાઓ પણ ખૂબ લખી. દસ જેટલા વાર્તાસંગ્રહો છે. નિબંધકાર તરીકે પણ વીનેશ બેજોડ છે. એમના સૌપ્રથમ નિબંધસંગ્રહ `પોતપોતાનો વરસાદ’માં કુટુંબ-પરિવારથી દૂર રહેવાની વેદનાનાં ચિત્રો ઘણી નાજુકાઈથી આલેખાયાં છે. એ વખતે વીનેશ અંતાણી `આકાશવાણી’ના મુંબઈ કેન્દ્રમાં ઉચ્ચ હોદ્દો ધરાવતા હતા. પરિવાર વડોદરા. વીકઍન્ડમાં મળવા જાય. `પોતપોતાનો વરસાદ’ની પ્રસ્તાવનામાંનું આ વાક્ય મને હંમેશાં યાદ રહેશે:

`વડોદરાના પ્લેટફૉર્મ પરથી રાત્રે 11 વાગ્યે ટ્રેન ઉપડે છે અને પાંચ મિનિટ પછી બે ઘટના એકસામટી બને છે: મને તમારાથી છૂટા પડ્યે પાંચ મિનિટ વીતી ચૂકી હોય છે અને તમને ફરી મળવાના સમયમાંથી પાંચ મિનિટ ઓછી થઈ ચૂકી હોય છે.’

77 વર્ષની ઉંમરે ગળાડૂબ લેખનકાર્ય કરી રહેલા વીનેશ અંતાણી આજના સમયના સતત લખનારા​ સૌથી મોટા ગુજરાતી સાહિત્યકાર છે.

ગુજરાતી સર્જકોમાંથી મને ગમતા સાહિત્યકારોના દસ પુસ્તકો વિશે લખ્યું. ભવિષ્યમાં આ ઉપરાંતના દસ સર્જકોનાં સર્જન વિશેની ઝલક શેર કરીશું. એ ​પછી બીજા દસ, વધુ દસ… ગુજરાતી સાહિત્યમાં ન ખૂટે એવો ખજાનો છે. નવું વાંચવાનું ન ગમે તો અગાઉનું વાંચો, પણ વાંચો. વંચાશે તો નવું લખાશે, સારું પણ લખાશે.

*
તાજા કલમ: ગુજરાતી સાહિત્યનાં પુસ્તકો ક્યાં મળે? આ પ્રશ્ન હવે કોઈનેય ન થવો જોઈએ. ગુગલ સર્ચ કરો. એકએકથી ચડિયાતા પુસ્તક વિક્રેતાઓ છે, આપણે ત્યાં. સૌ પોતપોતાની રીતે વાચકોને રિઝવવાની કોશિશ કરે છે. ઓનલાઇન બુકસ્ટોર્સ પણ ઘણા છે. એમેઝોન તથા ફ્લિપકાર્ટ પણ ગુજરાતી પુસ્તકો વેચે છે.

મારી પર્સનલ ચૉઇસ તમને કહું. મારા પ્રકાશકો છે: આર. આર. શેઠ, નવભારત સાહિત્ય મંદિર, પ્રવીણ પ્રકાશન અને હવે ​સત્ત્વ પ્રકાશન. એમનો સંપર્ક કરીને તમે તમારાં મનગમતાં પુસ્તકો ઑર્ડર કરી શકો.

મારી પર્સનલ ચૉઇસ કહું તમને. ઝવેરચંદ મેઘાણીના જ્યેષ્ઠ પુત્ર મહેન્દ્ર મેઘાણીના પુત્ર ગોપાલ મેઘાણી તથા ગોપાલભાઈના પુત્ર યશ મેઘાણી `લોકમિલાપ’ દ્વારા એક્સલેન્ટ અને ઝડપી સર્વિસ આપે છે.

ઝવેરચંદ મેઘાણીના બીજા એક પુત્ર જયંત મેઘાણીના પુત્ર નીરજ મેઘાણી `બુકપ્રથા’ દ્વારા એવી જ એક્સલન્ટ અને ઝડપી સર્વિસ આપે છે. બેઉ ઇક્વલી ભરોસાપાત્ર બુકસેલર્સ છે. પોતે પણ પુસ્તકના પ્રેમીઓ છે એટલે વાચકોની નાનામાં નાની જરૂરિયાત પર ધ્યાન આપે છે. `લોકમિલાપ’ માટે યશ મેઘાણીનો તમે 8734918888 પર વૉટ્સએપ દ્વારા સંપર્ક કરી શકો. `બુકપ્રથા’ માટે નીરજ મેઘાણીનો તમે 9033589090 પર વૉટ્સએપ મેસેજથી કૉન્ટેક્ટ કરી શકો. બુકપ્રથાની વૅબસાઇટ અને ફિઝિકલ બુકસ્ટોર પણ છે. મુંબઈમાં મારે અર્જન્ટલી કોઈ પુસ્તક જોઈતું હોય તો નવભારત સાહિત્ય મંદિરની જેમણે સ્થાપના કરી તે ધનજીભાઈના પુત્ર અશોક શાહ (+91 98211 46034) તાબડતોબ ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરી આપે છે (તમને પણ પહોંચાડશે) અને પ્રિન્સેસ સ્ટ્રીટના એમના એરકંડિશન્ડ શોરૂમમાં જઈ ચડું તો ગરમાગરમ ફરાળી પેટિસ પણ ખવડાવે છે ( તમને પણ ખવડાવશે).

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

9 COMMENTS

  1. સૌરભજી…. હું “શબ્દ ” સાથે બક્ષીના “શીલ “નો.. પણ ચાહક હતો…… (આજ દિન સુધી )પણ… આપ દ્વારા બક્ષીની “અજાણી” વાતો “જાણી “ને એમના વ્યક્તિત્વની “ટણી “ની “અણી ” બુઠ્ઠી કરવામાં તમે આધારભૂત નિમિત્ત બન્યા તેનો આનંદ આ ક્ષણે..
    (રાજેન્દ્ર પટેલ. આ. શિક્ષક અમદાવાદ મ્યુનિસિપલ શાળા,
    અમદાવાદ )

  2. તમારા ગુજરાતી સાહિત્ય અને સાહિત્યકારો વિશે ના અદ્ભુત લેખો વાંચ્યા પછી એવું લાગે છે કે, આટલું Gujarati saahitya વાંચ્યા પછી પણ તમારી સરખામણી માં તો, હું તો ગુજરાતી સાહિત્ય ને જરાક સ્પર્શ્યો જ છું, જ્યારે તમે તો પુરેપુરું આચમન કરીને બેઠા છો!!
    દિનકર જોષી, ગિરીશ ગણાત્રા અને ચંદુલાલ સેલારકા બહુ ગમે! બીજા પણ ગમે જ! આ ત્રણેય લગભગ સરખી લખતા. દિનકર ભાઈ વધારે વિદ્વાન!

  3. બક્ષીસાહેબને બરોબર ઉધાડા પાડ્યા.જરુરી હતું.

  4. ખૂબ ખૂબ આભાર સૌરભ સર.
    આપનું આ લિસ્ટ પહેલા પણ વાંચેલ છે. પરંતુ આ વખતે ફરી વાંચવાની મજા પડી.
    દરેક લેખક ની વિશેષતાઓ વિષે વિસ્તાર પૂર્વક જે વિવેચન આપેલું છે, તેના દ્વારા કયા લેખક શા માટે વાંચવા જોઈએ તેની ખૂબ જ સ્પષ્ટતા મળે છે.
    અને ખાસ તો આ લેખ ના અંતે આપેલ સંપર્કો ના લીધે તો જાણે સોના માં સુગંધ ભળી.
    આમ તો લોકમિલાપ માંથી લગભગ રેગ્યુલર પુસ્તકો મંગાવીએ છીએ, અને બુકપ્રથા માંથી પણ પુસ્તકો મંગાવીએ છીએ, પણ નવભારત સાહિત્ય નો સંપર્ક આપવા બદલ ખૂબ ખૂબ આભાર.

    એક મમુંજવણ હતી, જે વિષે પૂછવા માંગુ છું.
    તમારા ગઈ કાલ ના લેખ માં બક્ષી સાહેબ વાળ ભાગ માં તમે તેમના “ક્રમશઃ” વાર્તા સંગ્રહ વિષે લખેલ છે. તો પ્રશ્ન એ છે કે એ પાંચમો અલગ વાર્તા સંગ્રહ છે કે એમાં આગળના વાર્તા સંગ્રહો નો સમાવેશ કરેલ છે?

    જવાબ ની આશા રાખું છું.

    • એ એક સ્વતંત્ર વારતાસંગ્રહ છે.
      ૧૩૯ વાર્તાઓનું જે કલેક્શન છે એમાં છએ છ વાર્તાસંગ્રહોમાંની બધી વાર્તાઓ છે.

  5. ગુણવંતરાય આચાર્ય વિષે તમારુ શુ માનવુ છે એને તમે ક્યા નંબરે મૂકશો?

    • ભાઈ, મેં પ્રથમ હપ્તામાં જ ક્લિયર કર્યું છે કે આ કોઈ બિનાકા ગીતમાલા જેવું આગલી પાયદાનવાળું લિસ્ટ નથી, નંબરગેમ નથી પણ રેન્ડમલી અપાયેલા ક્રમાંક છે, વાંચવાની સગવડ પૂરતા જ. અને મેં એક કરતાં વધારેવાર લખ્યું કે આવી જ બીજી ૧૦ યાદીઓ થઈ શકે. બેઉ લેખ ફરી વાંચશો, આ વખતે જરા વધારે ધ્યાનથી.

Leave a Reply to ડૉ આશિષ સપરિયા Cancel reply

Please enter your comment!
Please enter your name here