ગુડ મૉર્નિંગ એક્સક્લુઝિવ: સૌરભ શાહ
(સોમવાર, ૮ ઑક્ટોબર ૨૦૧૮)
‘વન મિનિટ, પ્લીઝ’ ૩૩૨મું પુસ્તક છે આચાર્ય વિજયરત્નસુંદરસૂરિ મહારાજ સાહેબનું. ગુરુદેવના સૌથી જાણીતા પુસ્તક ‘લખી રાખો આરસની તકતી પર’ની અત્યાર સુધી કુલ ૬૧ આવૃત્તિરૂપે સાડા ત્રણ લાખ નકલ ગુજરાતીઓના ઘરેઘરે પહોંચી ચૂકી છે. ‘વન મિનિટ,પ્લીઝ’ ભવિષ્યમાં આ રેકોર્ડ તોડીને નવો વિક્રમ સ્થાપી શકે તેવું પોટેન્શ્યલ ધરાવતું જબરજસ્ત પુસ્તક છે. એના એકએક વાક્યે તમારે રોકાઇને કલાકો નહીં દિવસો સુધી ચિંતન કરવું પડે. એક લીટીનો સવાલ અને એક લીટીનો જવાબ- આ ફોર્મેટમાં ૫૦૪ સવાલ-જવાબ એમાં છે. દરેક પંક્તિ એક સૂત્ર છે, શ્લોક છે જેનું વિષ્લેષણ કરવા માટે ત્રણ કલાકનું પ્રવચન પણ ઓછું પડે એટલી સમજ સૂત્રરૂપે અપાયેલા એકએક ઉત્તરમાં ઠાંસી ઠાંસીને ભરેલી છે. જીવન, પ્રેમ, પરમાત્મા, અધ્યાત્મ, સંબંધો, મન, વિચારો, દુર્ગુણો, સમય, ધન અને વિજ્ઞાન જેવા વિવિધ વિષયો પરનું મૌલિક ચિંતન આ પુસ્તકમાં છે.
સલાહ આપવી સૌ કોઇને ગમે. એમાંય કોઇની માઇનસ સાઇડ તમને ખબર પડી જાય કે તરત તમે એ વ્યક્તિને સુધારવાનો ઈજારો તમારો જ છે એવું માનીને એણે શું કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ, એણે ક્યાં ભૂલ કરી વગેરે નો મારો ચલાવવા તત્પર રહો છો. વ્યક્તિ તમારા કરતાં ઉંમરમાં નાની હોય તો ઠપકો આપવા બેસી જાઓ છો. આવા સમયે સામેની વ્યક્તિની મનોદશાનો આપણને ભાગ્યે જ ખ્યાલ રહેતો હોય છે. મહારાજ સાહેબ પાસે પ્રશ્ન છેઃ ‘કોઈને ઠપકો આપતી વખતે રાખવા જેવી સાવધગીરી?’ મહારાજ સાહેબનો ઉત્તર છેઃ ‘ટાંકણા લગાવતાં પથ્થર તૂટી ન જાય.’
છ જ શબ્દોમાં કેટલી મોટી વાત ગુરુદેવે કહી દીધી. લાઘવ આ પુસ્તકનો મોભો છે. મા સરસ્વતીના ચારેય હાથ માથા પર હોય ત્યારે જ આ કક્ષાનું લખાતું હોય છે.
ઘણા લોકોને બહુ હોંશ હોય છે પોતાની આસપાસના લોકોને સદાય ખુશ રાખવાની, લોકો સતત મારા વિશે સારું બોલે એની. પ્રશ્ન છેઃ ‘જગતને પ્રસન્ન રાખવાનો ઉપાય?’ ઉત્તરઃ ‘જગત્પતિને પ્રસન્ન કરી શકાય છે, જગતને નહીં.’
અને પ્રભુને પ્રસન્ન કરવા એટલે શું? જાતને પ્રસન્ન કરવી. આપણે પોતે જો પ્રસન્ન હોઇશું તો જ આપણી આસપાસના જગતને એ પ્રસન્નતાની મહેક પહોંચાડી શકીશું. આપણાં પોતાનામાં જો ક્લેશ, કંકાસ, કજિયો ભર્યો હશે તો કેવી રીતે આપણે બીજાઓને પ્રસન્ન કરી શકવાના છીએ?
જીવનની વ્યાખ્યા દરેક મહાપુરુષે પોતપોતાના ચિંતનના પરિપાકરૂપે આપી હોય છે. ગુરુદેવનો નજરિયો શું છે? ‘અપાર શક્યતા અને અગણિત અનિશ્ચિતતા એનું નામ જીવન છે.’ જીવનને લગતા કોઇપણ પ્રશ્નો મૂંઝવતા હોય ત્યારે આ વ્યાખ્યા યાદ કરવી. કોઇનેય મળ્યા વિના, કોઇનીય સાથે તમારી સમસ્યાની ચર્ચા કર્યા વિના, સાઇકીઆટ્રિસ્ટ પાસે ગયા વિના તમને ઉકેલ મળી જશે જો જીવનમાં રહેલી અપાર શક્યતાઓ અને અગણિત અનિશ્ચિતતાઓવાળી ગુરુદેવની કન્સેપ્ટનું ચિંતન મનમાં કર્યું હશે તો. ગમે તેવી દાહક પરિસ્થિતિમાં નિતાંત શાતા આપે એવી આ વ્યાખ્યા છે.
જીવન છે તો મુસીબતો છે, વિઘ્નો છે. ઘણીવાર માણસ આ અડચણોથી થાકી જાય છે, હારી જાય છે. મારા માથે કેટલી બધી, કેટલી મોટી સમસ્યાઓનો બોજ છે એ વિચારવાથી એ હતાશ થઇને રસ્તા પર બેસી રહે છે. પ્રશ્નઃ ‘સમસ્યાની પજવણીથી બચવાનો ઉપાય?’ ઉત્તરઃ ‘સમસ્યા પજવવા નહીં, પણ પકવવા આપી છે એ સ્વીકારી લેવું.’
કુંભાર કાચી માટીનો ઘડો ચાકડેથી ઉતારીને ભઠ્ઠીમાં પકવવા મુકે છે. એ તાપ સહન કર્યા પછી જ ઘડાને પોતાનું ઘડાપણું મળે છે, એ પોતાનું કર્તુત્વ બજાવવાને લાયક બને છે. ઘડાનું કર્તુત્વ શું? એનો જન્મ શા માટે થયો છે? પાણીનો સંગ્રહ કરવા. જે ઘડામાં તિરાડ હોય, જે ઘડામાં પાણી ભરતાં જ એ પાણી બહાર નીકળી જાય તે ઘડો નકામો છે. ભઠ્ઠીમાં પકવ્યા પછી જ ઘડો પોતાનું કામ કરવા માટે સક્ષમ બને છે. જીવનમાં આવતી કોઇપણ સમસ્યા આપણને પજવવા નથી આવતી એ સમજી જઇએ એવું ગુરુદેવ કહે છે. ભગવાન શું કામ આપણને પજવે? છતાં એ સમસ્યાઓ મોકલ્યા કરે છે. કારણ શું એનું? એ જાણે છે કે આપણો ઘડો હજુ કાચો છે, માટી હજુ ભીની છે. આપણે ભવિષ્યમાં ઘણાં મોટાં કાર્યો કરવાનાં છે. કેટલાંક ભગીરથ કાર્યો કરવા માટે ઉપરવાળાએ આપણી પસંદગી કરીને આ પૃથ્વી પર મોકલ્યા છે. પોતાનું સર્જન કાચું ન રહી જાય એ માટે ભગવાન આપણને સમસ્યાઓના તાપમાં પકવવા માગે છે. તપીને તૈયાર થઇને, ટકોરાબંધ બની જઇએ. સમસ્યાઓનો આ જ તો હેતુ હોય છે.
જીવનમાં ડગલે ને પગલે સાવધાની રાખવાની હોય. સ્વાભાવિક છે, ફૂટપાથ પર ચાલતાં ચાલતાં ખાડો આવે ત્યારે, સાવધાની રાખીને ચાલતા હોઇશું તો પગ નહીં મચકોડાય એ આપણે સમજીએ છીએ. પણ પ્રશ્ન છેઃ ‘ખૂબ સાવધ ક્યારે રહેવું?’ ગુરુદેવનો ઉત્તર છેઃ ‘વાત અને વાતાવરણ બગડે ત્યારે.’ કોઇની સાથે વાત કરતાં હો અને અચાનક સામેની વ્યક્તિ દલીલબાજી પર ઉતરી પડે ત્યારે સાવધ થઈ જવું. વાતાવરણમાં અચાનક પલટો આવી જાય ત્યારે સાવધ થઈ જવું. અંગત જીવનની પરિસ્થિતિમાં બદલાવ આવતો જણાય તો સાવધ થઈ જવું. બિઝનેસનું-માર્કેટનું વાતાવરણ બગડે ત્યારે સાવધ થઈ જવું — આવા પરિવર્તનકાળમાં જેટલા વહેલા સાવધ થઈશું એટલું નુકસાન ઓછું થશે.
સફળતા મળે છે ત્યારે માણસ અધ્ધર ચાલવા માંડે છે. આજ કલ પાંવ ઝમીં પર નહીં પડતે મેરેવાળી લાગણી પ્રેમમાં સફળતા મળે છે ત્યારે થવા માંડતી હોય છે. આજ મૈં ઉપર, આસમાન નીચે, આજ મૈં આગે, ઝમાના હૈ પીછેના તબક્કામાંથી પસાર થતી જિંદગી કોઇ કાચી ક્ષણ આવે ને ભોંય પર પટકાઇને વેરવિખેર ન થઇ જાય એ માટે શું કરવું. બિઝનેસ સડસડાટ ઉપર તરફ જતો હોય. ચારે દિશામાંથી ધન વરસતું હોય. આવા સંજોગોમાં છકી ન જઇએ એ માટે શું કરવું? પ્રશ્ન થાય છેઃ ‘આસમાનમાં ઊડી રહેલા પતંગની સલામતી ક્યાં સુધી?’ જવાબ મળે છેઃ ’જમીન પર ઊભેલાના હાથમાં એનું નિયંત્રણ હોય ત્યાં સુધી.’
સમય સારો આવે, પવન અનુકૂળ હોય ત્યારે ઊડવામાં કશો જ વાંધો નથી, ઊડવું જ જોઇએ. પણ ઊડ્ડયનને નિયંત્રિત કરનારી વ્યવસ્થા જો ગોઠવી નહીં હોય તો દિશાહીન થઇ જઇને ગમે ત્યાં પટકાઇશું. પગ જમીન પર રાખવાનો મતલબ છે વ્યવહારજગતને ભૂલવું નહીં. પતંગનો દોર ફિરકી સાથે જોડાયેલો રહે એનો મતલબ એ કે પવન પડી જાય કે વાતાવરણ વિપરીત બની જાય ત્યારે આપણે એને દોરી ખેંચીને સમયસર નીચે લાવી શકીએ છીએ. નિયંત્રણનો આ ફાયદો છે. જિંદગીમાં ગમે એટલી સફળતા મળે, ગમે એટલા જલસા કરીએ પણ એ બધું જ લિમિટમાં હોય, આપણા કાબૂમાં હોય. આપણે જ્યારે આપણા પોતાના નિયંત્રણમાં નથી હોતા ત્યારે બીજું કોઇક તમને નિયંત્રણમાં લઇ લે છે, તમને પરતંત્ર બનાવી દે છે. સ્વતંત્ર રહેવું હશે તો સ્વેચ્છાએ જ પોતાની સ્વતંત્રતા પર કાપ મૂકવો પડશે.
સંગ તેવો રંગ એની બધાને ખબર છે. છતાં જીવનમાં એનો અમલ થતો નથી. ક્યારેક બે આંખની કૃત્રિમ શરમ નડે છે તો ક્યારેક ઈમોશનલ બ્લૅકમેઇલિંગના ભોગ બનતા હોઇએ છીએ એટલે ડરીએ છીએ. જિંદગીમાં જ્યાં છીએ એના કરતાં ઊંચે જવું હશે તો અત્યારે જે લોકો આસપાસ છે એમને ત્યજવા પડશે. કારણકે જેવી તમે ઉડાન ભરશો કે તરત એ લોકો તમને રોકશે. તેઓ તમને એમના જેવા બનાવવા માગે છે. એમાં જ એમની ઈમોશનલ સિક્યુરિટી છે. તમારી ઝૂંપડીની બાજુની ઝૂંપડીમાં રહેતા પડોશીને તો તમે બંગલે રહેવા જશો તો ઈર્ષ્યા આવવાની જ છે. અમે રહી ગયા વાળી લાગણી એ ઈર્ષ્યા નું જન્મસ્થાન હોય છે. તમે એમના કરતાં ઊંચા, જુદા, બહેતર પુરવાર થશો તો લોકો એમને પૂછશે કે ધીરુભાઈ અંબાણી તો તમારી સાથે સ્કૂલમાં ભણતા હતા ને? તો એ ક્યાંના ક્યાં પહોંચી ગયા ને તમે કેમ અહીંના અહીં રહી ગયા? એમનામાં કશુંક નથી એ વાત ખુલ્લી પડી જશે. તેઓ તમારા કરતાં ઊણા ઊતરે છે, કોઇક બાબતે ઈન્ફિરિયર છે એવું જગતને ખબર પડી જશે. એટલે જ તેઓ તમને નિરુત્સાહ કરતા રહે છે. તમને આગળ વધતાં અટકાવે છે, ડરાવે છે. તમે કશુંક અજુગતું કરવા જઈ રહ્યા છો એવો અહેસાસ કરાવે છે. પોતાની નાસમજને ડહાપણમાં ખપાવીને તમને સિદ્ધિપ્રાપ્તિના પંથે રોકે છે. તમારી હાંસી પણ ઊડાવે છે.
તમારે જો જીવનમાં મોટાં કાર્યો કરવાં હશે તો કાં તો તમારી સાથે જે લોકો છે એમને પ્રેરણા આપીને, તેઓ જ્યાં છે ત્યાંથી ઊંચે ઉઠાવીને, એમને તમારી સાથે પ્રવાસ કરવા માટે તૈયાર કરવા જોઈએ, અને જેઓની એવી ક્ષમતા નથી એવા લોકોને પડતા મૂકીને તમારી ક્ષમતા વધારવામાં ઉપયોગી થાય એવા લોકો સાથેની ઉઠબેસ તમારે વધારવી જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપણા સૌની સામે સર્જાયેલો દાખલો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક પ્રચારકમાંથી દેશના વડાપ્રધાન બનીને જગતના અતિ શક્તિશાળી દેશોના મહારથી એવા નેતાઓ સાથેની ઉઠબેસ સુધીની યાત્રાને તમે જુઓ. ક્યા ક્યા લોકોને એમણે પડતા મૂક્યા. કોની કોની ક્ષમતા વધારીને એમની સાથે લીધા. અને પોતાની ક્ષમતા વધારવા એમણે ક્યા ક્યા ખમતીધરો સાથે ઉઠબેસ કરવાનું શરૂ કર્યું. તમારી નજીકના, તમારા ઓળખીતાઓમાં પણ જેઓ ક્રમશઃ ઉપર ને વધુ ઉપર જતા ગયા છે એમની લાઈફસ્ટાઈલ પણ જુઓ. અને સામે એ લોકોને પણ નિહાળો જેમનામાં ક્ષમતા હોવા છતાં, જેમનામાં ભરપુર પોટેન્શ્યલ હોવા છતાં તેઓ હજુય ત્યાંના ત્યાં જ રહ્યા છે. આનું કારણ શું? ગુરુદેવે ‘ઉત્તમ બન્યા રહેવાનો ઉપાય?’ એ પ્રશ્નના ઉત્તરમાં જીવનભર ગાંઠે બાંધી રાખવા જેવી વાત કહી છેઃ ‘ગરુડ બનવું હોય તો ચકલીઓની સોબત છોડો.’
આચાર્ય વિજયરત્નસુંદરસૂરિ મહારાજ સાહેબે લખેલા પુસ્તક ‘વન મિનિટ, પ્લીઝ’ વિશે લખવા ધારેલી લઘુશ્રેણીનું હજુ આ તો પ્રથમ પગથિયું જ છે. જીવનની અનેક અઘરી લાગતી બાબતોને ગુરુદેવે સાહજિક અને આકર્ષક શૈલીમાં આ પુસ્તકમાં લખી છે. વધુ આવતી કાલે.
આજનો વિચાર
પ્રઃ જાગરણ-નિદ્રાને સફળ બનાવવાની પ્રક્રિયા?
ઉઃ અરમાન સાથે ઊડવું અને સંતોષ સાથે સૂવું.
_આચાર્ય વિજય રત્નસુંદરસુરિ
( ‘વન મિનિટ પ્લીઝ’ પુસ્તકમાં)
Aacharye saheb na ek line na javab apvani kushadta adbhut ane jivan upyogi…atti sunder ????
SUPERB, EXCELLENT. ULTIMATE.
અદ્ભુત