( ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ: સોમવાર, 21 સપ્ટેમ્બર 2020)
(‘મોદીની લોકપ્રિયતા અને મોદીના વિરોધીઓ’ મિનિ સિરીઝનો ભાગ: 5)
હાજી મસ્તાને તમારી દીકરીની મોટી માંદગી વખતે હોસ્પિટલનો બધો જ ખર્ચો આપીને એને બચાવી લીધી હોય કે દાઉદ ઇબ્રાહિમની ભલામણથી તમારા દીકરાને શહેરની શ્રેષ્ઠ સ્કૂલમાં એડમિશન મળી ગયું હોય એટલે તમે તમારા ઘરના ખૂણામાં એમના ફોટા સામે દીવો-અગરબત્તી કરો તો તે તમારી મરજી છે. પણ આના કારણે તમે એવું કહેતા થઈ જાઓ કે દેશ માટે આ ‘મહાનુભાવો’ કેટલા ઉપયોગી છે ત્યારે તમે પોતે જ ઉઘાડા પડી જતા હો છો.
આ જ રીતે એક જમાનામાં જેમ ગોવિંદ રાઘવ ખૈરનાર હતા એવા કોઈ પ્રામાણિક મ્યુનિસિપલ અફસરે તમારી દુકાન કે હોટેલ દ્વારા ફૂટપાથ પર કરવામાં આવેલું અતિક્રમણ બુલડોઝર ફેરવીને તોડી પાડ્યું હોય એટલે તમે એ અફસરને ગાળો આપતાં થઈ જાઓ ત્યારે તમારી જ જાત ઉઘાડી પડી જતી હોય છે.
તમારા વિસ્તારમાંથી ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત કે નગરપાલિકા કે કોર્પોરેશન કે વિધાનસભા કે લોકસભામાંથી ચૂંટાઈને આવેલા કોંગ્રેસી ઉમેદવારે એક પૈસો લીધા વિના તમારી કોઈ જેન્યુઇન સમસ્યા હલ કરી આપી હોય એવું બને. તમારી જ નહીં, બીજા સૌની સમસ્યાઓને એ ચૂંટાયેલા કોંગ્રેસી ઉમેદવાર નિઃસ્વાર્થભાવે હલ કરી આપતા હોય એવું પણ બને. આની સામે તમારા વિસ્તારમાં ગ્રામ પંચાયતથી માંડીને લોકસભા સુધીના કોઈ પણ એક કાર્યક્ષેત્રમાંથી ચૂંટાઈ આવેલા ભાજપના ઉમેદવારે તમારું એક ટકાનું કામ ન કર્યું હોય એવું પણ બને. ભાજપનો એ ચૂંટાયેલો ઉમેદવાર આઉટ એન્ડ આઉટ કરપ્ટ હોય એવું પણ બને. આવું બને ત્યારે જો તમે એમ કહેતા થઈ જાઓ કે આ દેશમાંથી ભાજપને ઉખાડી ફેંકો, મોદીને ફરી વાર પીએમ ન બનવા દેવાય અને હવે તો કોંગ્રેસ જ આ દેશનો તારણહાર છે, ‘વિના પપ્પુ નહીં ઉદ્ધાર’—તો એ તમારી ટૂંકી દ્રષ્ટિનું પરિણામ છે.
સ્વચ્છ અને કાર્યક્ષમ ઉમેદવાર કોઈ પણ પક્ષનો હોય તેને જીતાડવો અને ભ્રષ્ટ તથા કામચોર ઉમેદવાર કોઈ પણ પક્ષનો હોય તેને હરાવવો તે દરેક મતદારની પવિત્ર ફરજ છે પણ પહેલાં જોઈ લેવાનું કે જેની સામે આક્ષેપો થાય છે તે સાચા છે કે ખોટા. સામાન્ય નાગરિક તરીકે તમે કંઈ દરેક ઉમેદવારની કુંડળી તપાસવા જઈ શકવાના નથી. જેઓ ભાજપના શાસન દરમિયાન તમને ભાજપના ‘કૌભાંડો’ ગણાવે છે એ લોકોને એટલું તો પૂછી શકો છો કે ભઈલા, આ ‘કૌભાંડો’ થયા ત્યારે તમે પપ્પુપ્રેમીઓ ક્યાં હતા? કઈ પોલીસ તપાસ કે કયા કોર્ટ કેસમાં ભાજપે આ ‘કૌભાંડો’ કર્યા છે તે પુરવાર થયું? અરવિંદ કેજરીવાલની જેમ દિવસ-રાત બીજાઓ પર મનફાવે તેવા આક્ષેપો લગાવવા સહેલા છે. કેજરીવાલે આખી જિંદગી એ જ કર્યું અને એમાંથી કરિયર બનાવી, પણ સ્વ. અરુણ જેટલીએ કેજરીવાલ પર બદનક્ષીનો જડબેસલાક દાવો માંડ્યો ત્યારથી કેજરીવાલની બોલતી બંધ થઈ ગઈ.
કોંગ્રેસ કેજરીવાલના પગલે ચાલી રહી છે. મનફાવે તેવા આક્ષેપો ભાજપ પર કરી રહી છે. જુઠ્ઠા આંકડાઓ અને ખોટા સર્વે ટાંકીને પ્રજાને ગુમરાહ કરી રહી છે. જે આક્ષેપોને લઈને ક્યારેય ભાજપ પર કોર્ટ કેસ થયા નથી એવા આક્ષેપો ફરી એકવાર ઉછાળવામાં આવી રહ્યા છે.
લાર્જર પિક્ચર જોવું જોઈએ. કોંગ્રેસ હતી ત્યારે આ દેશની હાલત શું હતી અને મોદીના આવ્યા પછી દેશની શું હાલત છે તે જોવું જોઈએ. તમારી જિલ્લા પંચાયતનો ભાજપનો સભ્ય નકામો હશે તો હશે જ, પણ એને કારણે રાષ્ટ્રીય સ્તરે ભાજપ કે મોદી નકામા નથી થઈ જતા. તમારી તાલુકા પંચાયતનો કોંગ્રેસી સદસ્ય દૂધે ધોયેલો હશે તો હશે જ, પણ એને કારણે રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસ દૂધે ધોયેલી નથી થઈ જતી કે ગાંધીનગર અથવા દિલ્હીમાં કોંગ્રેસનું રાજ્ય આવી જાય તો ત્યાંની ગાદી પર બેસનારાઓ દૂધે ધોયેલા નથી હોવાના.
દેશનું ભવિષ્ય મોદીના હાથમાં સલામત છે, રાહુલ ગાંધીના હાથમાં નહીં. રાજ્યોનું ભવિષ્ય યોગી આદિત્યનાથોના હાથમાં સલામત છે, મમતાઓ કે ઉદ્ધવોના હાથમાં નહીં.
મોદીવિરોધીઓની દસ કેટેગરીઓના વિશ્લેષણ પછી પૂર્ણાહુતિ રૂપે ગાઈ-બજાવીને કહેવું છે કે જેઓ એમ કહેતા ફરે છે કે ‘હું તો મોદી હોય તો મોદી અને રાહુલ હોય તો રાહુલ, કોઈનીય સાડીબાર રાખ્યા વિના માત્ર ઈશ્યૂ બેઝ્ડ એમની પ્રશંસા કે ટીકા કરું છું’ —એમનાથી સાવધાન રહેવું. પોતે બાયસ્ડ નથી એવું તમારા મનમાં ઠસાવવા તેઓ આડેધડ કોઈની પણ ટીકા કરતા રહે છે.
દેશમાં કોંગ્રેસનું શાસન હતું ત્યારે કોંગ્રેસની પાસે કેવી પ્રચંડ તાકાત હતી કે એણે સીબીઆઈનો ઉપયોગ કરીને કેન્દ્રના ગૃહપ્રધાન (જેઓ એ વખતે ગુજરાતના ગૃહ પ્રધાન ઉપરાંત જેલખાતાના પણ પ્રધાન હતા) અમિત શાહને જેલમાં પૂરી દીધા. એટલું જ નહીં, ત્યારના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પણ જેલમાં મોકલવાના ખૂબ ધમપછાડા કર્યા. અગાઉની એક પણ કેન્દ્ર સરકારે આ દેશની રાજ્ય સરકારના વડાઓ સાથે આવો દુર્વ્યવહાર ક્યારેય નહોતો કર્યો. નહેરુ કે ઇન્દિરા કે રાજીવે પણ પોતાના પક્ષની રાજ્ય સરકાર ચલાવતા ન હોય એવા રાજ્યના મુખ્યમંત્રી કે ગૃહમંત્રી સાથે આવી ઘટિયા હરકતો નહોતી કરી જે સોનિયાની સરકારે કરી. શું તમારે એ જ સરકાર 2024માં પાછી આવે એવું જોઈએ છે? શું તમારે તિસ્તા સેતલવાડ સામેના ભ્રષ્ટાચારના બધા કેસીસ પાછા ખેંચાઈ જાય અને એ ફરી ગુજરાતમાં પોતાનું કામ શરૂ કરીને મુસ્લિમોને ઉશ્કેરીને હિંદુઓના માથે તબલાં વગાડવાનું શરૂ કરી દે એવું જોઈએ છે?
કોંગ્રેસીઓ આજે મીડિયા કે મીડિયાકર્મીઓ મોદીનાં વાજબી રીતે વખાણ કરે છે તેમને ‘મોદીભક્ત’ કહે છે. છો કહે. પણ 2014 પહેલાં છેક 2002થી જે મીડિયા દિવસરાત સોનિયા સરકારના ઇશારે સતત મોદીને ધોલધપાટ કર્યા કરતું હતું એને તમે શું કહેશો? જે મીડિયા જગદગુરુ શંકરાચાર્યની દિવાળીના દિવસે ધરપકડ થયા પછી એમણે ખૂન કર્યું હોવાની કબૂલાત કરી છે એવા બનાવટી સમાચારો દેખાડતું હતું એને શું કહેશો? (‘સ્ટાર ન્યૂઝે’ એવા સમાચાર આપ્યા હતા.) જે મીડિયા ડાંગમાં એક ઝૂંપડીમાં બે વાંસડાથી બનાવેલો ક્રોસ અથડામણમાં તૂટી ગયો ત્યારે ‘ચર્ચ તૂટ્યું, ચર્ચ તૂટ્યું’ એવી બૂમરાણ મચાવીને વેટિકનને વહાલા થવાની કોશિશ કરતું હતું તેને શું કહેશો? જોઈએ છે એવું મીડિયા ફરી પાછું તમને? આજે ચારેકોર મોદીની પ્રશંસા થાય છે એવા વાતાવરણમાં કેટલાક ગાંડિયાઘેલાઓએ માની લીધું છે કે હું જમાના કરતાં કંઇક જુદું બોલીશ તો જ મારો અવાજ સંભળાશે અને તો જ મારું મહત્વ સ્થપાશે. આવું માનનારા લોકોને એમની સમજ મુબારક. કેટલાક લોકો એવા પણ છે જેમને ગમે ત્યાં હાથ સાફ કરવાની આદત પડી ગઈ છે. રસ્તા પર કોઈ ખિસ્સાકાતરુ પકડાયો હશે તો પોતાનું ગમે એટલું અર્જન્ટ કામ પડતું મૂકીને તેઓ ટોળામાં ઘૂસીને ખિસ્સાકાતરુને બે-ચાર લાત-લપડાક મારીને પોતાની જિંદગીના પર્સનલ ફ્રસ્ટ્રેશનને વાચા આપશે (‘મુન્નાભાઈ એમબીબીએસ’નો સુનીલ દત્તની એન્ટ્રીવાળો સીન યાદ કરો). એ જ રીતે મોદી સામે બડબડાટ કરતી મંડળીમાં જોડાઈને તેઓ મોદીને બે-ચાર લગાવી દેશે, આગળ-પાછળનું કંઈ સમજ્યા વિના.
ટૂંકા ગાળાના ફાયદા-ગેરફાયદા જોવાને બદલે આ દેશનું હિત લાંબા ગાળે કોના હાથમાં સલામત છે એવો સવાલ તમારે તમારા અંતરાત્માને પૂછવાનો. જો જવાબમાં ‘મોદી’ એવું ન સંભળાય તો તરત જ કબાટમાંથી તમારો પાસપોર્ટ કાઢીને પાકિસ્તાનની એમ્બસીમાં જઈને વિઝા માટે અરજી આપી દેવાની.
વિરોધ અને મતભેદ વિશે થોડી સ્પષ્ટતા કરીને આ મિનિ સિરીઝનું સમાપન કરીએ.
વિરોધ અને મતભેદ વચ્ચે ઘણો મોટો ફરક છે. વિરોધ કરતી વખતે તમારા મનમાં એક જ ટાર્ગેટ હોય છે – સામેવાળાના ઉપયોગી વિચારોને પણ તોડવાના છે, એણે કરેલાં સારાં કામોને પણ વખોડવાનાં છે. મતભેદ દર્શાવતી વખતે તમે સ્વસ્થ હો છો. તમારી અને એમની વિચારસરણી વચ્ચે મેળ ન ખાતો હોય એવા મુદ્દાઓ વિશે તમે તમારી બાજુ પ્રગટ કરો છો. મતભેદ દર્શાવતી વખતે તમે પર્સનલ નથી થતા અને તે વખતે જે મુદ્દાઓની ચર્ચા કરવાની છે તે પૂરતી જ તમારી વાત સીમિત રાખો છો.
વિરોધના આવેશમાં આ પ્રમાણભાન ચૂકી જવાતું હોય છે. તમારો આ મુદ્દો ખોટો છે એવું કહેવાના બદલે ‘તમે ખોટા છો’ અર્થાત્ આખેઆખા ખોટા છો એવી એટિટ્યૂડ થઈ જાય છે. એ વ્યક્તિ સાથેના પુરાણા મતભેદોને તમે વચ્ચે લઈ આવો છો અને વર્તમાન મુદ્દાની વાત બાજુએ ધકેલાઈ જાય છે.
મોદીની આર્થિક નીતિઓ કે કૃષિ નીતિઓની ચર્ચા ચાલતી હોય ત્યારે 2002નાં રમખાણોમાં મોદીએ કેટલો ખરાબ ભાગ ભજવ્યો એવી જુઠ્ઠી દલીલો કરતા થઈ જાય છે. આ વિરોધીઓ થયા. તમે કંઈ પણ કરો તમારી સામે જ પડવાના. તમે જે મુદ્દાઓ રજૂ કરો છો એ મુદ્દાઓ સામે એમની પાસે કંઈ કહેવાનું નહીં હોય ત્યારે તેઓ તમારા શર્ટના કલરની અને તમારાં જૂતાંની પોલિશની ટીકા કરશે.
જેમણે પોતાનો જેન્યુઇન મતભેદ વ્યક્ત કરવો હોય તેઓ સામે કઈ વ્યક્તિ છે, એનું બેકગ્રાઉન્ડ શું છે તે બધું જ નજરઅંદાજ કરીને માત્ર વાતના મુદ્દા પર ધ્યાન આપશે. મુદ્દાસર દલીલ કરશે અને દલીલો-અભિપ્રાયોની ફેંકાફેંક કરવાને બદલે પોતાની વાતના સમર્થનમાં જે કંઈ નકકર માહિતી પોતાની પાસે ઉપલબ્ધ હશે તે રજૂ કરશે.
પણ વિરોધીઓને જ્યારે લાગે કે પોતાની પાસે કોઈ તાર્કિક દલીલ બચી નથી ત્યારે તેઓ કાં તો મુદ્દો ચાતરી જશે, કાં એ વિષયનો એટલો બધો લાંબો-પહોળો પથારો કરશે કે મૂળ મુદ્દો ગૂંચવાઈ જાય, કાં પછી છેલ્લું હથિયાર વાપરશે. કયું? સમજાવું. ડૉ. પ્રકાશ કોઠારી જેવા જગવિખ્યાત સેક્સોલોજિસ્ટે જે શબ્દ લાખો ગુજરાતી વાચકોમાં છાપાં-મેગેઝિનો દ્વારા પ્રચલિત કર્યો છે, એ જ શબ્દની આગળ બીજો શબ્દ મૂકીને નવો ફ્રેઝ કોઈન કરું છું કે બુદ્ધિની દલીલો ખૂટતી લાગે ત્યારે વિરોધીઓ છેલ્લા હથિયારરૂપે ‘ઇન્ટલેક્ચ્યુઅલ માસ્ટરબેશન’ શરૂ કરશે. પોતાનામાં રહેલી તમામ અક્કલનું કોઈ પરિણામ આવવાનું નથી તે જાણવા છતાં તેઓ આવી મિથ્યા પ્રવૃત્તિ શરૂ કરશે. વિરોધીઓની આ ખાસિયત હોય છે. ટી.વી. પરની ડિબેટ્સમાં, છાપાંની કોલમોમાં કે ચર્ચાપત્રોમાં કે ચાની લારી પર થતી ચર્ચાઓમાં તમે જોયું હશે કે કોઈ મુદ્દા સામે ભિન્નમત વ્યક્ત કરતાં-કરતાં દલીલો ખૂટી પડે ત્યારે કેટલાક સેક્યુલર-મિયાંઓ તદ્દન બેબુનિયાદ આર્ગ્યુમેન્ટ્સ કરીને પડ્યા પછી પણ પોતાની ટાંગ ઊંચી રાખવાની કોશિશ કરતા રહેશે. આવા લોકો હાસ્યાસ્પદ લાગતા હોય છે. જાહેરમાં આવું અશોભિત કૃત્ય કરનારાઓને ખબર નથી હોતી કે આમાં એમની પોતાની જ અંદરની વિકૃતિઓ બહાર આવીને બધા આગળ પ્રગટ થઈ જતી હોય છે.
દલીલબાજોથી દૂર રહેવાનું. ગંભીર ચર્ચા કરવી હોય કે એકબીજાનો મત સમજવો-સમજાવવો હોય તો એના માટે હંમેશાં તત્પર, રહીએ તે સારું જ છે. કારણ કે તો જ તો તમારા દિમાગની સીમાઓ વિસ્તરે. વર્ષોની ‘ચર્ચાસભાઓ’ પછી તમારી ધ્રાણેન્દ્રિય સતેજ થઈ જાય છે. મતભેદ કરનારાઓ અને વિરોધ કરનારાઓ વચ્ચેનો ભેદ પ્રથમ દસ સેકન્ડમાં જ તમે પારખી જાઓ છો. ક્યારેક તો મતભેદથી શરૂઆત કરીને વિરોધ પર પહોંચી જવાવાળાને પણ તરત જ પારખી લો છો. જેઓ તમારો મુદ્દો સમજવા જ ન માગતા હોય, જેઓ પોતાના પીળાં ચશ્માંમાંથી જ દુનિયાને જોવા માગતા હોય, જેમની નજરની બેઉ બાજુએ ડાબલા બાંધી રાખ્યાં હોય અને જે દેડકાંઓને પોતાનાં કૂવામાંથી બહાર આવવાની જરાસરખી ઇચ્છા ન હોય એવા લોકોની આગળ તમારા મતના સમર્થનમાં દલીલો કરતાં રહેવું એટલે ભેંસ આગળ ભાગવતનું પઠન કરવું. આવા લોકો તમારી સામે દલીલો પર દલીલો કરીને તમારી શક્તિને નિચોવી કાઢવામાં પાશવી આનંદ મેળવતા હોય છે. એમનાથી છૂટા પડ્યા પછી તમારે માનસિક આરામ માટે બે દિવસ હવા ખાવાના સ્થળે જવું પડે એવી હાલત થતી હોય છે.
મતભેદો આપસમાં પ્રગટ થાય ત્યારે પ્રસન્નતા જન્મતી હોય છે.તમે જે વિશે વિચાર્યું નહોતું એવી માહિતી, એવી દલીલો, એવા વિચારો જાણવા મળે ત્યારે ખરેખર પ્રસન્નતા મળતી હોય છે. તમે એ વિચારો સાથે સહમત થાઓ તો તમારી ભૂલો સુધરતી હોય છે અને જો સહમત ન થતા હો તો સામેવાળાને પોતાની ભૂલો સુધારવાની તક મળતી હોય છે. મતભેદોને જો ફિલોસોફિકલ અંદાજમાં લઈએ તો એને જૈન ધર્મના સ્યાદવાદ કે અનેકાંતવાદ સાથે સરખાવી શકીએ. મતભેદો એકબીજાથી ઓછા પરિચિત હોય એવા લોકોને પણ નજીક લાવી શકે. વિરોધમાં તો નજીકની વ્યક્તિઓ પણ દૂર થઈ જાય.
લોકશાહીમાં ડિસ્સેન્ટનું – ભિન્નમતનું ઘણું મહત્વ છે. પણ પોલિટિક્સમાં ઓપોઝિશનનું – વિરોધનું જ મહત્વ રહે છે. આપણા દેશમાં રાજકારણને લોકશાહી વિના અને લોકશાહીને રાજકારણ વિના ચાલે એમ નથી. આમ છતાં આપણે મતભેદના નામે વિરોધ કરતા રહીએ છીએ, કંઈ સમજ્યા-કર્યા વગર.
આજનો વિચાર
ક્રિકેટમાં કોઈ બેટ્સમેન
ઓછા રન કરીને આઉટ થઈ જાય
ત્યારે લોકો એટલા દુખી નથી થતા
પણ સચિન તેન્ડુલકર 90 રન પર
આઉટ થઈ જાય
તોય એમની આલોચના થતી હોય છે.
કારણ કે લોકો એમનું મૂલ્યાંકન
અલગ સ્તરે કરતા હોય છે.
હું ખુશ છું કે મને પણ લોકો
પોતાના આકાંક્ષા ત્રાજવે તોળે છે,
મને મળતા યશ-અપયશના માપદંડથી મને જોતા નથી.
—વડાપ્રધાન નરેન્દ્ર મોદી
••• ••• •••
આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.
‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ
પ્રિય વાચકો,
ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.
તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.
‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.
વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.
‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.
આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.
કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)
‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.
તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.
દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.
‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.
‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.
‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/