રાજ કપૂર સારા માણસ હતા? : સૌરભ શાહ

(‘ગુડ મૉર્નિંગ’, Newspremi.com : ગુરુવાર, 12 ડિસેમ્બર 2024)

24 વર્ષની ઉંમરે એમણે પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યુ. એ પહેલાં અડધોએક ડઝન ફિલ્મોમાં અભિનય કરેલો. પણ ફિલ્મનું દિગ્દર્શન કરવાનો કોઈ અનુભવ નહીં, પ્રોડક્શનનો પણ કોઈ અનુભવ નહીં. 1924માં જન્મ અને 1948માં જિંદગીની પહેલી ફિલ્મ પ્રોડ્યુસ કરી, ડિરેક્ટ કરી, હીરોનો રોલ પણ કર્યો. 6 ઑગસ્ટ 1948ના રોજ ‘આગ’ રિલીઝ થઈ. ૮ જ મહિનામાં, 22 એપ્રિલ 1949ના દિવસે આર. કે. ફિલ્મ્સના બૅનરની બીજી ફિલ્મ રિલીઝ થઈ. ‘બરસાત’ સુપરહિટ પુરવાર થઈ. અશોક કુમારના ડબલરોલવાળી ફિલ્મ ‘કિસ્મત’ (1943) દ્વારા સર્જાયેલો કલેક્શનનો રેકૉર્ડ રાજ કપૂરે ‘બરસાત’ દ્વારા તોડ્યો.

રાજ કપૂરે પોતાનું પ્રોડક્શન હાઉસ જ નહીં ચેમ્બુરમાં પોતાનો સ્વતંત્ર સ્ટુડિયો પણ શરૂ કર્યો. ‘બરસાત’ અને ‘આવારા’ની સફળતા પછી સવા બે એકરની જગ્યામાં ઘણું મોટું બાંધકામ કર્યું. આર. કે. સ્ટુડિયો મુંબઈની લૅન્ડમાર્ક જગ્યા હતી. સાતઆઠ વર્ષ પહેલાં અંદાજે 200 કરોડ રૂપિયામાં રાજસા’બના વારસદારોએ આ સ્ટુડિયો ગોદરેજ કંપનીને રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ માટે વેચી દીધો. ત્યાંના શાનદાર વૈભવશાળી ફ્લેટોના રહેવાસીઓને રાજ કપૂર આજીવન યાદ રહેશે.

પરમ દિવસે, 14મી ડિસેમ્બરે રાજ કપૂરની જન્મ શતાબ્દી ઉજવાશે. કપૂર પરિવારના સભ્યો ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણથી એમને મળ્યા.

રાજ કપૂરની જન્મશતાબ્દીના પ્રસંગને ઉજવવા મુંબઈમાં રાજ કપૂરની ૧૦ ફિલ્મો રેટ્રોસ્પેક્ટિવરૂપે થિયેટરમાં મોટા પડદા પર ત્રણ દિવસ માટે રિ-રિલીઝ થશે. ગુજરાત સહિત ભારતનાં અનેક રાજ્યોમાં આ ફેસ્ટિવલ થશે. આ ૧૦ ફિલ્મો છે : આગ (1948), બરસાત (1949), આવારા (1951), શ્રી 420 (1955), જાગતે રહો (1956), જિસ દેશ મેં ગંગા બહતી હૈ ( 1960), સંગમ (1964), મેરા નામ જોકર (1970), બૉબી (1973) અને રાજસા’બની છેલ્લી ફિલ્મ રામ તેરી ગંગા મૈલી (1985). 1988 ની બીજી જૂને એમનું અવસાન થયું. 63 વર્ષની ઉંમરે.

‘ચોરી ચોરી’, ‘અનાડી’, ‘છલિયા’ અને ‘તીસરી કસમ’ કેમ નહીં હોય? કારણ કે એ ફિલ્મોમાં રાજ કપૂર માત્ર હીરો હતા. પ્રોડ્યુસર કે ડાયરેક્ટર નહોતા. આર. કે. ફિલ્મ્સે પ્રોડ્યુસ કરેલી રાજસા’બના (કે બીજાના) ડિરેક્શનવાળી બાકીની ફિલ્મો કેમ નહીં હોય? રાઈટ્સ નહીં મળ્યા હોય. કદાચ. બીજાં ઘણાં કારણો હોઈ શકે.

આપણે તો જે ફિલ્મો મોટા પડદા પર ક્યારેય જોઈ નથી, માત્ર ટીવી પર, ડીવીડી પર જ માણી છે, એ બધી જ ફિલ્મો જોવી છે. મેરા નામ જોકર, બૉબી અને રામ તેરી મોટા પડદા પર ભલે જોઈ હોય પણ એક જમાનો વીતી ગયો. ફરી એકવાર જોઈશું. ત્રણ દિવસ સુધી ચાલનારા ફિલ્મ ફેસ્ટિવલમાં ૧૦માંની સાત ફિલ્મોનું બુકિંગ થઈ ગયું છે. બીજી બેનું ગોઠવાશે તો એ પણ જોઈ લઈશું. એક નથી જોવી.

હિંદી સિનેમા બોલતું થયું એ પછી કુન્દલાલ સાયગલ અને અશોક કુમાર ફિલ્મ ઉદ્યોગના સૌથી પહેલા સુપરસ્ટાર્સ હતા. એ પછી રાજ કપૂર, દેવ આનંદ અને દિલીપકુમારની ત્રિપુટીએ રાજ કર્યું. ત્યાર બાદ રાજેશ ખન્ના, એમના પછી અમિતાભ બચ્ચન અને એ પછી શાહરૂખ ખાન. અફકોર્સ સફળ અભિનેતાઓમાં તો હજુ બીજાં અનેક ડઝન નામ ઉમેરી શકાય. ઉમેરી લેજો. મારે હિસાબે આ આઠ-નવ જે નામ ગણાવ્યાં તે હિંદી સિનેમાના સૌથી મોટા, સૌથી સફળ, સૌથી લોકપ્રિય સુપર સ્ટાર્સ.

મુંબઈમાં અમિતાભ બચ્ચનની 80મી વર્ષગાંઠ નિમિત્તે અને દેવ આનંદની 100મી જન્મજયંતિ નિમિત્તે જે ફિલ્મોત્સવ થયો તે માણ્યો. હવે આ વીક એન્ડ રાજ કપૂરની સંગતમાં ગાળીએ.

રાજ કપૂરની કારકિર્દીમાં, એમની સફળતામાં, પોતાની મહેનત અને પોતાની ટેલન્ટ ઉપરાંત સૌથી મોટો ફાળો કોનો? તમે શું વિચારો? મારે હિસાબે એમની ફિલ્મોના સંગીત વિભાગનો. અર્થાત્ આ છ વ્યક્તિઓનો. શંકર, જયકિશન, શૈલેન્દ્ર, હસરત, લતાજી અને મૂકેશજી. આ ઉપરાંત બીજા ઘણાં નામ ગણાવી શકો. રાજસા’બની સફળતામાં સંગીત ઉપરાંતનાં ફેક્ટર્સ પણ ગણાવી શકો. પણ સંગીત એમાં શિરમોર અને સંગીત સાથે સંકળાયેલી આ છ વ્યક્તિઓ સૌથી અગત્યની.

રાજ કપૂરની સૌથી પહેલી ફિલ્મ ‘આગ’માં રામ ગાંગુલીનું સંગીત હતું. ગીતો બધા બેહઝાદ લખનવીનાં હતાં. માત્ર એક ગીત દીપકે લખેલું. મોટા ભાગના ગીતો શમશાદ બેગમે ગાયેલાં. મેલ સિંગર્સમાં રફી અને મૂકેશ હતા. બીજી ફિલ્મ ‘બરસાત’, જે ‘આગ’ના 8 જ મહિના પછી રિલીઝ થઈ, એમાં રાજ કપૂરે સંગીત વિભાગમાં આખી બાજી જ પલટી નાખી. હિંમત જોઈએ. શંકર-જયકિશનને સંગીતકાર બનવાની સૌપ્રથમ તક આપી અને આજીવન (એટલે કે જયકિશનના અકાળે અવસાન પર્યંત) એમને વળગી રહ્યા. (‘જાગતે રહો’ જેવામાં સલિલ ચૌધરીને લીધા અને એક ફિલ્મમાં એસજેના આસિસ્ટન્ટ દત્તરામને—એવા અપવાદને બાદ કરવાના). બીજું કામ કર્યું નવા ગીતકારોને લાવવાનું. અડધોઅડધ ગીતો હસરત જયપુરી પાસે લખાવ્યાં અને બે ગીતો શૈલેન્દ્ર પાસે (ટાઈટલ સોંગ અને પતલી કમર હૈ). હસરત અને શૈલેન્દ્રએ પણ શંકર-જયકિશન આર.કે. સાથે હતા ત્યાં સુધી રાજ કપૂર માટે કામ કર્યું.

સૌથી મોટો બ્રેક લતા મંગેશકરને મળ્યો. લતાજીની કારકિર્દીમાં ‘બરસાત’ લેન્ડમાર્ક ફિલ્મ પુરવાર થઈ અને ‘બરસાત’ની સફળતામાં લતાજીનો અવાજ એક મહત્ત્વનો સ્તંભ પુરવાર થયો. નવ ગીતો લતાજીએ ગાયા. એક ગીત મેલ સિંગરનું સોલો હતું જે રફીએ ગાયું. લતાજીના 9માંના 7 ગીતો સોલો હતા. બે ડ્યુએટ મૂકેશજી સાથે ગાયાં (પતલી કમર અને છોડ ગયે બાલમ).

લતાજીને ‘બરસાત’ માટે આર. કે. ફિલ્મ્સમાંથી કહેણ આવ્યું ત્યારે એક સોહામણા છોકરો એ સંદેશો લાવ્યો હતો. લતાજીને લાગ્યું કે આર. કે. સ્ટુડિયોમાં કામ કરતો છોકરો હશે. છોકરો હતો એકદમ શાલીન, સંસ્કારી અને દેખાવડો. લતાજીને લાગ્યું કે કપૂર પરિવાર પોતાના જેવા જ ખાનદાન લોકોને નોકરી પર રાખતા હશે. બેએક દિવસ પછી લતાજી આર. કે. ફિલ્મ્સની ઑફિસે ગયા. તે વખતે આરકે ફિલ્મ્સની ઑફિસ મહાલક્ષ્મીમાં હતી. ઑફિસમાં પેલો છોકરો પણ હાજર હતો. ઓળખાણ કરાવવામાં આવી : ‘આ જયકિશન છે!‘ પછી તો શંકર સાથે ઓળખાણ કરાવવામાં આવી. હસરત જયપુરી અને શૈલેન્દ્ર પણ હાજર હતા. મૂકેશજી ઉપસ્થિત હતા. નરગીસજી પણ હતાં.

થોડા દિવસ પછી તાડદેવના ફેમસ સ્ટુડિયોમાં ‘બરસાત’નું પહેલું ગીત રેકોર્ડ થયું : જિયા બેકરાર હૈ, છાયી બહાર હૈ; આજા મોરે બાલમા તેરા ઇન્તજાર હૈ…. શબ્દો હસરત જયપુરીના અને ‘છાયી’ના ઉચ્ચારમાં કરેલી કમાલ લતાજીની.

રાજ કપૂરે 1978માં એક ફિલ્મ બનાવી તેના ઘણાં વર્ષો પહેલાં આ ફિલ્મની પટકથા લખી હતી. તે વખતે એમણે લતા મંગેશકરને કહ્યું હતું કે ‘આ ફિલ્મ મેં તમારા પરથી લખી છે અને તમારે એમાં હીરોઇનનો રોલ કરવાનો છે.’

આ વાત ખુદ લતા મંગેશકરે એક ઈન્ટરવ્યુમાં કહેલી છે. લતાજીએ રાજસા’બને કહ્યું હતું કે તમતમારે ફિલ્મ બનાવો, હું એમાં ગીતો ગાઈશ પણ એમાં રોલ કરવાનું કામ મારું નહીં, પડદાની પાછળ જ હું રહીશ, પડદા પર હું આવવા નથી માગતી. રાજ કપૂર બહુ નારાજ થયા હતા પણ પછી માની ગયા હતા. દાયકાઓ વીતી ગયા બાદ એમણે એ જ સ્ક્રિપ્ટ પરથી ઝીનત અમાનને લઈને ફિલ્મ બનાવી—સત્યમ્ શિવમ્ સુન્દરમ્.

રાજ કપૂર લેજન્ડ હતા. એમના વિશે અનેક લોકોએ ઘણું લખ્યું છે. એમના નરગીસજી સાથેના સંબંધો વિશે, પત્ની કૃષ્ણાજી સાથે વધતા ગયેલા અંતર વિશે, બેફામ પીવાતી બ્લૅક લેબલ વિશે, સ્વાસ્થ્યની ચિંતા કર્યા વિના ખાણીપીણીના શોખ વિશે, જીવનમાં અવરજવર કર્યા કરતી અનેક સ્ત્રીઓ વિશે.

ઘણાને આ બધું વાંચવાની મજા આવતી હશે. મને નથી આવતી. કેટલીય વખત જાણીતી હસ્તીઓને પૂછવામાં આવ્યું છે કે તમારા ગયા પછી લોકો તમને કેવી રીતે યાદ રાખે એવું તમે ઈચ્છો છો. ઇનવેરીએબલી જવાબ મળે : ‘એક સારી વ્યક્તિ તરીકે’.

હું કહું છું કે મારે કિશોરકુમારને એક સારી વ્યક્તિ તરીકે યાદ રાખવા કે એક સારા ગાયક તરીકે ? લતાજીને, આરડીને કે પછી સુનિલ ગાવસ્કરને, સચિન તેંડુલકરને કે પછી હરકિસન મહેતાને, હસમુખ ગાંધીને— આ સૌને મારે કેવી રીતે યાદ રાખવા ? એમણે એમના ક્ષેત્રમાં જે અભૂતપૂર્વ ઊંચાઈઓ મેળવી એના માટે યાદ રાખવાના હોય. આ પૃથ્વી પર આ સૌએ કે એમના જેવા બીજા હજારો-લાખો લોકોએ કંઈ ‘સારા માણસ તરીકે’ પંકાવા જન્મ નહોતો લીધો. ભગવાને એમનામાં એક ચોક્કસ પ્રતિભા મૂકી જેને કારણે તેઓ એ ક્ષેત્રમાં પોતાની મહેનતથી, લગનથી ટોચ પર પહોંચ્યા. કોઈ દેવાળિયો, દારૂડિયો, જુગારી, રંડીબાજ- ‘સારો માણસ’ ના હોય તો ના હોય. એનું સર્જન દોઢસો-બસો વર્ષ પછી પણ સાહિત્યને ઉજાળી રહ્યું છે કે નહીં એ જ એના જીવનની ખરી કસોટી છે નહીં કે એ ‘સારો માણસ’ હતો કે નહીં. ગાલિબની ગઝલો વાંચીને તમે ઝૂમો છો. ગાલિબના જમાનાના કેટલા ‘સારા માણસો’ તમને યાદ આવે છે.

‘સારા માણસ’ હોવું ગૌણ છે. મોટે ભાગે તો એ પબ્લિસિટી સ્ટંટનો એક હિસ્સો હોય છે. એક ફસાડ, એક નકાબ, એક મોહરું હોય છે— વિરોધીઓ, ઈર્ષાળુઓ અને વિઘ્નસંતોષીઓ ફોલી ના ખાય એ માટેનો દેખાડો હોય છે.

રાજ કપૂરે કેવી ફિલ્મો બનાવી એ જ મારા માટે એમને મૂલવવાનો એકમાત્ર માપદંડ છે. આ વીકએન્ડમાં રિ-રિલીઝ થતી એમની બધી ફિલ્મો ત્રણ દિવસમાં નહીં જોઈ શકું, દોડધામ કરીને પણ છેવટે બેએક ફિલ્મ તો રહી જ જશે એનો અફસોસ છે. કોઈ ફિલ્મ સર્જકે 60-70 વર્ષ પહેલાં બનાવેલી ફિલ્મોમાંથી એકાદબે ફિલ્મ નહીં જોઈ શકવાનો અફસોસ આજના એમના કોઈ ચાહકને થતો હોય તો માની લેવું કે એ સર્જક દુનિયા માટે ‘સારા માણસ’ જ હતા.

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

4 COMMENTS

  1. રાજ કપુર સાબ – the greatest showman. માનવીય સંવેદના ને ઉજાગર કરનાર ઉત્કૃષ્ટ સર્જક.

  2. જીના યહા મરના યહા , ઈસકે સીવા જાના કહા. જિ ચાહે જબ હમકો આવાઝ દો. હમ હૈ યહી હમ હૈ યહા.

  3. ગીરને ડરતા હૈ કયુ , મરને સે ડરતા હૈ કયુ, જબ તુ ઠોકર ન ખાયેગા , પાસ કીસી ગમ કો ન જબ તક ના બુલાયેગા, જીદગી કયા હૈ નહી જાન પાયેગા, રોતા હુઆ આયા હે રોતા ચલા જાયેગા. એ ભાઈ જરા દેખ કે ચલો.

  4. ઈક બીક જાયેગા માટી કે મોલ , જગ મે રહ જાયેંગે પ્યારે તેરે બોલ. દૂજે કે હોઠોપે દેકર અપને ગીત, કોઈ નિશાની છોડ ફીર દુનિયા સે બોલ….લા લા લલલા લા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here