મોટાં સપનાં જોવાની ના નથી પણ એકસામટાં સપનાં જોઈ નાખવાનાં ન હોય : સૌરભ શાહ

( ‘લાઉડમાઉથ’, સંદેશ, અર્ધ સાપ્તાહિક પૂર્તિ : બુધવાર, ૪ ડિસેમ્બર ૨૦૨૪)

માણસને પોતાના પર ભરોસો ન હોય ત્યારે એ બીજાના દોરવ્યે દોરવાઈ જતો હોય છે. એ જ્યારે પોતાની જિંદગીની દિશા જાતે નક્કી કરવા અસમર્થ બની જાય ત્યારે બીજાઓ જે તરફ આંગળી ચીંધે તે દિશામાં આગળ વધે છે. બીજાઓમાંના કેટલાક એને આ તરફ જવાનું કહેશે, કેટલાક પેલી તરફ તો વળી બાકીના કેટલાક તદ્દન જુદી જ દિશા તરફ આંગળી ચીંધશે. તમે મૂંઝાઈ જશો. કઈ દિશામાં જવું? સેલ્ફ કૉન્ફિડન્સ હોય તો આવી કોઈ મૂંઝવણ ના થાય. આત્મવિશ્વાસ હોય તો બીજાઓના દોરવ્યે દોરવાઈ જવાને બદલે તમે પોતે નક્કી કરેલા માર્ગે આગળ વધતા રહો છો.

અહીં પહેલાં ઈંડું કે પહેલાં મરઘી જેવી પરિસ્થિતિ છે. તમે જાતે નક્કી કરેલા માર્ગે વધતા હશો તો જ તમારામાં આત્મવિશ્વાસ આવશે અને આત્મવિશ્વાસ હશે તો જ તમે જાતે નક્કી કરેલા માર્ગે આગળ વધી શકશો.

આ કેચ-ટ્વેન્ટી ટુ જેવી પરિસ્થિતિમાં એક વાત કોમન છે – માર્ગ. બીજાઓ તમને એમને મનગમતા માર્ગે દોરી ન જાય એ માટે તમે તમારો માર્ગ પસંદ કરી લીધો હોવો જોઈએ. અવઢવમુક્ત થઈને, જોખમ ખેડીને પણ, તમારે તમારો માર્ગ નક્કી કરી લેવો પડે : મારે જીવનમાં શું કરવું છે, માટે અમુક પરિસ્થિતિ ઊભી થાય તો એને કેવી રીતે ડીલ કરવી છે, મારી જિંદગીમાં અમુક-અમુક વ્યક્તિઓનું સ્થાન ક્યાં છે, એમનું મહત્ત્વ મારા માટે કેટલું છે… આ અને આવા અનેક પ્રશ્નો જે મનમાં ઉદ્દભવતા હોય તે દરેક વિશેની સ્પષ્ટતા એટલે જીવનનો માર્ગ નક્કી કરવો પડે. આ નિર્ણયો તમે કોઈના દબાણવશ ન લઈ શકો. આ નિર્ણયો લેવા તમારે ભયમુક્ત બનવું પડે.

આત્મવિશ્વાસ કેળવવા માટે ટેઈક ઑફ લીધા પછી જે પહેલું કામ કરવાનું તે ભયમુક્ત બનવાનું. આ કામ સહેલું નથી અને રાતોરાત કોઈ ભયમુક્ત થઈ શકવાનું પણ નથી. સંપૂર્ણપણે ભયમુક્ત કોઈ હોઈ શકે પણ નહીં. આપણો પ્રયત્ન બને એટલા જલ્દી અને બને એટલી વધુ બાબતમાં ભયમુક્ત થવાનો હોવો જોઈએ. મારે હિસાબે વ્યવહારુ જગતમાં આપણને સૌથી મોટો ડર ખોટા પડવાનો હોય છે. મારું આ પગલું નિષ્ફળ જશે તો લોકો મને ફોલી ખાશે. મારો આ અભિપ્રાય, ઓપિનિયન, મત ખોટો પુરવાર થયો તો મારી માનહાનિ થશે. ખોટા પડવાનો ડર મનમાંથી કાઢી નાખવા માટે લોકો પાસેથી સતત તમને માનપાન મળ્યા કરે એવી ઈચ્છાને ભોંયમાં દાટી દેવી પડે. લોકો તમારા પ્રત્યેક વિચારને, પ્રત્યેક વ્યવહારને સમર્થન આપે, સતત તમારી સામે રહે એવી ઈચ્છામાંથી મુક્તિ એટલે ભયમુક્તિની દિશામાં ભરેલું પ્રથમ વિરાટ પગલું.

લોક-સમર્થનની ખ્વાહિશમાંથી મુક્તિ મેળવવા માટે એક જ નિર્ણય કરી લેવો કાફી છે – મારા વિચારો, મારા વર્તન, મારા વ્યવહારો બદલ મારે જો કોઈ પછડાટ સહન કરવો પડશે તો તે માટે હું તૈયાર છું. ઊંધે માથે પટકાઈશ તો પટકાઈશ, મારી તૈયારી છે. લોહીલુહાણ હાલતમાં પણ લડવાની ખુમારી રાખનારાઓમાં જ આત્મવિશ્વાસ ઉછરી શકે. જરાક અમથો ઘા થયો અને તરત પાટાપીંડી કરવા માટે જે રણમેદાન છોડીને તંબુભેગો થઈ જાય છે, તેનામાં ક્યારેય વીરતાનો ગુણ જન્મી શકતો નથી. સેલ્ફ કૉન્ફિડન્સ કેળવવા માટે વીરતા જરૂરી છે. સંઘર્ષોનો જેણે સામી છાતીએ સામનો કરવાની ટેવ કેળવી હોય તે જ સેલ્ફ કૉન્ફિડન્ટ બની શકે.

હવે આના પરથી હવે બીજા પગથિયે જવું આસાન બનશે. સંઘર્ષોનો સામી છાતીએ સામનો કરવાની વૃત્તિ તમારામાં ક્યારે જન્મે? જ્યારે તમે તમારી કપરી પરિસ્થિતિ બદલ બીજાઓને દોષિત ગણવાનું છોડી દો ત્યારે. જિંદગીમાં સર્જાતી કોઈપણ વિષમ પરિસ્થિતિ વખતે સૌથી પહેલું આપણું રીએક્શન શું હોવાનું? આને કારણે આવું થયું. આ વ્યક્તિએ સાથ ન આપ્યો, આ વ્યક્તિઓ આડે આવી, આણે મારા વિરુદ્ધ કાવતરું રચ્યું એટલે આ બધી ગરબડ ઊભી થઈ. ક્યારેક વ્યક્તિ નહીં પણ સંજોગોનો વાંક કાઢીશું, કુદરતનો કે નસીબનો દોષ કાઢીશું. દરેક વિષમ પરિસ્થિતિ સમયે આપણે પોતાની જાત સિવાય બીજા તમામ લોકોનો, સંજોગોનો વાંક કાઢવા માટે આતુર હોઈએ છીએ. આવું કરવાને લીધે આપણી પોતાની ભૂલ કે ભૂલો ઢંકાઈ જાય છે એટલે આપણે ગિલ્ટ ફીલ કરવામાંથી ટેમ્પરરી ઊગરી જઈએ છીએ. પણ આ કામચલાઉ રાહત લાંબા ગાળે મોંઘી પુરવાર થાય છે. આપણે કરેલી ભૂલ શું કામ થઈ, કેવી રીતે એને ભવિષ્યમાં સુધારી શકાય – એવા અમુલ્ય બોધપાઠમાંથી આપણે વંચિત થઈ જઈએ છીએ.

આપણી જિંદગીમાં કશુંક ખોટું થાય છે ત્યારે સૌથી પહેલી અને સૌથી મોટી જવાબદારી આપણી પોતાની હોય છે. બીજાઓને તમારી વિષમ પરિસ્થિતિ વકરાવવાનો ચાન્સ ત્યારે જ મળે છે જ્યારે તમે ગાફેલ બનો છો, જ્યારે તમે ઓવર કૉન્ફિડન્ટ બનીને કેટલીક ઝીણી સંભળાતી સાયરનોને સાંભળવાનું ભૂલી જાઓ છો. સામે જ દેખાતા સ્પીડ લિમિટના પાટિયાને નજરઅંદાજ કરીને તમે ભલે સલામત ડ્રાઈવિંગ કરો છો એવા વિચારમાં ફુલ સ્પીડે આગળ વધતા હો પણ કોઈ બીજાની ભૂલને કારણે અકસ્માત થાય તો પણ પહેલો વાંક તમારો હોય છે. સ્પીડ લિમિટને અવગણવાની ભૂલ તમે પહેલાં કરી.

જિંદગીમાં કશુંક સારું થાય છે ત્યારે મનોમન સૌથી પહેલી પીઠ તમે કોની થાબડો છો? તમારી પોતાની. મારી મહેનત ફળી. મેં આટલું આટલું કર્યું તેને લીધે મને આ પરિણામ મળ્યું. વિષમ પરિસ્થિતિ સર્જાય ત્યારે પણ દોષનો ટોપલો પોતાના માથે ઊંચકી લેતાં શીખીએ. મારી ભૂલને લીધે આ પરિણામ આવ્યું. જે વ્યક્તિ બ્લેમગેમમાં સરી પડ્યા વિના ખુલ્લી છાતીએ પોતાની નિષ્ફળતાનો અપજશ ભોગવવા તૈયાર છે તેને જ કુદરત સેલ્ફ કૉન્ફિડન્ટ બનાવે છે.

સેલ્ફ કૉન્ફિડન્સ તૂટવામાં બીજાઓ ઉપરાંત આપણો પોતાનો પણ ઘણો મોટો વાંક હોય છે. આપણે જ્યારે આપણા ગજા બહારનાં, આપણી ઓકાત કરતાં મોટા સપનાં જોતાં થઈ જઈએ છીએ ત્યારે આજે નહીં તો કાલે, સેલ્ફ કૉન્ફિડન્સ અચૂક તૂટવાનો. મોટાં સપનાં જોવાની ના નથી પણ એકસામટાં સપનાં જોઈ નાખવાનાં ન હોય. ધીરુભાઈ અંબાણીએ ગામડામાં રહીને, પછી ભૂલેશ્વરની ચાલીમાં રહીને પછી નાની-નાની જગ્યાઓમાં રહીને મહેલાતોમાં રહેવાનું શરૂ કર્યું હતું.

કોઈ પણ સફળ વ્યક્તિ એક પછી એક પગથિયું ચડ્યા પછી જ અલ્ટિમેટ સફળતાને આંબે છે. આપણી ભૂલ શું થાય છે કે આપણે સફળ વ્યક્તિઓની આ અલ્ટિમેટ સફળતા જ જોઈ હોય છે. કેટલી ધીરજપૂર્વક તેઓ વન બાય વન સ્ટેપ આગળ વધ્યા છે તે જોવાની ફુરસદ જ નથી હોતી આપણામાં જેમ દરેક દોડવીર મહિનાઓ-વર્ષોની પ્રૅક્ટિસ કર્યા પછી વધુ ને વધુ ઝડપે દોડતો થાય, જેમ દરેક રમતવીર ક્રમશ: પોતાની સ્ટેમિના વધારતો જાય એમ ઓવર અ પિરિયડ ઑફ સમ યર્સ આપણે સફળ થઈ શકીએ, કોઈ સ્પ્રિન્ટ રનર રાતોરાત ઉસેન બોલ્ટ બનવાનું સપનું જોતો નથી આપણે જોઈએ છીએ. આપણા માટે અનરિયલ ગોલ્સ બનાવીને એને અચીવ કરવાના પ્રયત્નો કરીએ છીએ અને પછી ઊંધે માથે પટકાઈએ છીએ. આ નિષ્ફળતામાંથી બેઠા થવા, બીજાઓ આગળ આપણે હવે કેવાં લાગીશું એવી ભોંઠપમાંથી બહાર આવવા આપણે હજુ વધુ મોટો ગોલ અચીવ કરવાનું સપનું જોતાં થઈ જઈએ છીએ અને ફરી પટકાઈએ છીએ, અગાઉના કરતાં વધુ આકરી પછડાટ હોય છે આ.

આવું એકવાર બને કે એક કરતાં વધારે વાર, જ્યારે જ્યારે બને છે તે ત્યારે આપણે અંદરથી તૂટી જતાં હોઈએ છીએ, બહારથી બહાદુરીનો દેખાવ ભલે ચાલુ હોય પણ આપણો સેલ્ફ કૉન્ફિડન્સ ચૂર ચૂર થઈ ગયો હોય છે. આ રીતે તૂટી ગયેલો આત્મવિશ્વાસ પાછો મેળવવાનો એકમાત્ર રસ્તો એ છે કે એકસાથે આખો લાડવો મોંમાં મૂકવાની ખ્વાહિશ પડતી મૂકીએ. કદાચ મોં એટલું બધું પહોળું કરશો ને આખો લાડવો મૂકી પણ દેશો તો એકસાથે એટલો લાડવો પચી શકે એ માટે મેં પાચનતંત્રને કેળવ્યું નથી એટલે શરીરને ભારે પડશે. તમે બીમાર પડશો.

તમને તમારું જે ગજું લાગે છે એના કરતાં અડધા ગજાનું જ કામ હાથમાં લો. એમાં ચકચકિત સફળતા મેળવશો એટલે આપોઆપ તમારામાં આત્મવિશ્વાસ આવશે. નેક્સ્ટ સ્ટેપ, ફરી એવું જ કરો. તમારા ગજા કરતાં અડધા ગજાનું જ હોય એવું કામ કરો. પાંચ ફૂટનો કૂદકો મારી શકવાની ક્ષમતા હોય તો બે કે ત્રણ ફૂટનો જ કૂદકો મારો. આત્મવિશ્વાસમાં ઉમેરો થશે. આ રીતે ક્રમશઃ સેલ્ફ કૉન્ફિડન્સમાં ઉમેરો કરતા જશું તો થોડા વખત પછી આપણા ગજા મુજબનું કામ કરતાં થઈ જઈશું. થોડો વખત ગજા મુજબનું કામ કરતાં થઈ જઈશું એટલે આખરે આપણું જે ગજું છે તે ગજું વધારવાનો વખત આવશે. કામ તો એટલું જ રાખવાનું છે, હવે ગજું વધારવાનું છે.

નવા માણસો સાથે હાથ મિલાવીને, નવું શીખીને, નવાં ક્ષેત્રોમાં જઈને, કમ્ફર્ટ ઝોનની બહાર નીકળીને, આઉટ ઑફ બૉક્સ થિન્કિંગ કરીને ગજું વધારવાનું છે. આ ગજું વધાર્યા પછી પણ થોડો સમય કામ તો અગાઉના જેટલું જ રાખવાનું, સપનાં પણ અગાઉના જેટલાં જ રાખવાનાં. ગજું વધ્યું એટલે સપનાંઓ તરત વધારી નહીં દેવાના, થોડા વખત વીત્યા પછી વધારવાનાં. હવે તમારું ગજું મોટું થયું છે અને તમારાં સપનાં પણ ગજા મુજબનાં મોટાં થવા માંડ્યા છે.

આ આખીય પ્રક્રિયા થોડાક વખત સુધી યથાતથ ચાલતી રહેવા દો. ગજું વધારો, સપનું નહીં. પછી વધેલા ગજા મુજબનું સપનું જુઓ. હવે ગજું અને સપનું બેઉ વધી ગયાં. ફરી પાછું ગજું વધારો, સપનું નહીં… આ આવર્તનોની જેમ જેમ ટેવ પડતી જશે એમ એમ તમારામાં ગજબનું પરિવર્તન આવતું જશે અને તમે ગજા બહારનાં સપનાં જોઈને એ સપનાંને ભરપૂર આત્મવિશ્વાસ સાથે અમલમાં મૂકતાં થઈ જશો. ગજા બહારનું સપનું જોવા માટે આ આખીય પ્રક્રિયામાંથી પસાર થવાનું હોય છે. કોઈ જ્યારે તમને સલાહ આપે કે માણસે પ્રગતિ કરવી હોય તો પોતાના ગજા બહારનાં સપનાં જોતાં થઈ જવું જોઈએ. ત્યારે એણે માની લીધું હોય છે કે તમે આ લાંબી પ્રક્રિયામાંથી પસાર થઈ ચૂક્યા છો. વર્ષોની આ પ્રોસેસ પૂરી કર્યા વિના જેઓ પોતાની જાત માટે મોટી મોટી આશાઓ રાખતાં થઈ જાય છે, તેઓ અચૂક પટકાય છે અને આત્મવિશ્વાસ ખોઈ બેસે છે.

આપણામાં આત્મવિશ્વાસનો અભાવ હોય એમાં આપણો પોતાનો વાંક કેટલો? આપણો પોતાનો વાંક કેટલો? જિંદગીનાં છેલ્લાં દસ-વીસ વર્ષને રિવાઈન્ડ કરીને એની ઝલક આજે પોતાની જાતને બતાવવાનો પ્રોગ્રામ રાખશો તો સમજાઈ જશે.

સાયલન્સ પ્લીઝ

જે ઘડીએ તમને વિચાર આવ્યો કે હું ઊડી શકીશ કે નહીં, તે જ ઘડીએ નક્કી થઈ ગયું કે તમે ક્યારેય ઊડી શકવાના નથી.

—જે.એમ.બેરી (‘પીટરપાન’ના સર્જક)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here