પાણીપુરી-એક લવસ્ટોરી : સૌરભ શાહ

( ‘ગુડ મૉર્નિંગ ક્લાસિક : શુક્રવાર, ૬ સપ્ટેમ્બર ૨૦૨૪)

શ્રાવણ પૂરો થયો. ઉપવાસ પૂરા થયા. પર્યુષણ પર્વ પણ પૂરું થશે. હવે પાણીપુરી ખવાય. હમણાં મારા મોટાભાઈએ કહ્યું કે પાણીપુરીના પાણીની તારી રેસિપી ‘ન્યુઝપ્રેમી’ની સાઇટ પર શોધી પણ નથી દેખાતી તો મોકલી આપ. આ રેસિપી મેં પંદરેક વર્ષ પહેલાં મારા વર્ડપ્રેસના બ્લૉગ પર મૂકેલી અને વાચકોને ગમેલી. એનાં વરસો પછી જે જે મિત્રોએ યાદ કરી એ બધાને વૉટ્સઍપ પર મોકલતો રહ્યો છું. આજે ‘ન્યુઝપ્રેમી’ પર મૂકતાં પહેલાં તમારા સૌની સાથે એ બે લેખ બૅક-ટુ-બૅક શેર કરી રહ્યો છું.

પાણીપુરી મારી સૌથી જૂની અને વફાદાર પ્રિયતમા છે. મુંબઈમાં બાબુલનાથની પાણીપુરી સાથેની મારી મહોબ્બતનો નાતો લગભગ પાંચ દાયકા જૂનો. વીસેક વર્ષ પહેલાં એ પાણીપુરીવાળાની ત્યાંના ટ્રાફિક પોલીસવાળાઓ સાથેની દોસ્તી તૂટી અને એ ગાયબ થઈ ગયો. જિંદગીમાં આટલો મોટો આઘાત સહન કરવાનું અગાઉ ક્યારેય નથી બન્યું. (મિત્રો કહે છે કે એ ગાળામાં તું અમદાવાદ જતો રહેલો એટલે બાબુલનાથના પાણીપુરીવાળાનો ધંધો તૂટી ગયો એટલે એણે કારોબાર સંકેલી લેવો પડ્યો.)

કેમ્પ્સ કોર્નરનો ફ્લાય ઓવર ઊતર્યા પછી ચોપાટી જવાનો ફર્સ્ટ રાઇટ ટર્ન લો એટલે ’પરિન્દા’ ફિલ્મમાં તમે જોયેલું બાબુલનાથનું ફેમસ મંદિર આવે. મંદિરથી ચોપાટી જતાં ત્રિકોણિયા બાગવાળા નાના બસ ડેપોની ફૂટપાથ પર એ બેસે. કોલેજના દિવસોથી છેક જાણે ગઈકાલ સુધી, એની હજારો પાણીપુરીઓ ખાધી છે. એ જમાનામાં એ સામેના મકાનના કમ્પાઉન્ડમાં બેસતો. પછી મકાનવાળાઓએ એને સામેની ફૂટપાથ પર ધકેલ્યો.

ડો. પ્રકાશ કોઠારી સાથે મારે ’ઇટિંગ આઉટ’નો એક લેખ કરવાનો હતો ત્યારે એમણે કોઈ ફાઇવસ્ટારમાં જવાનું અમારું આમંત્રણ સ્વીકારવાને બદલે મુંબઈના સ્ટ્રીટ ફૂડ્ની પસંદગી કરી હતી અને શરૂઆત બાબુલનાથની પાણીપુરીથી કરી હતી. એ પોતે મેડિસિનનું ભણતા ત્યારથી અહીં આવતા.

ઓસ્ટ્રેલિયાનિવાસી મિત્ર-નવલકથાકાર અશ્વિન દેસાઈ મુંબઈ રહેતા હતા એ જમાનામાં દર મંગળવારે એમનું મેટર આપવા નરિમાન પોઇન્ટના એક્સપ્રેસ ટાવર્સમાં ’સમકાલીન’ની ઓફિસે આવતા. સાંજે અમે મરીન ડ્રાઇવનો ક્વીન્સ નેકલેસ ચાલીને ચોપાટી થઈ બાબુલનાથ આવતા ત્યારે ભૂખ્યા ડાંસ થઈ પાણીપુરી પર તૂટી પડતા.

મુંબઈના દરેક ઉપનગરની અને ગુજરાતના અલ્મોસ્ટ દરેક નગરની પાણીપુરીઓ ખાધી છે. પણ બાબુલનાથની પાણીપુરી એટલે બાબુલનાથની પાણીપુરી! વર્લ્ડની બેસ્ટમાં બેસ્ટ!

ગુજરાતના દરેક નગરમાં વર્લ્ડના બેસ્ટ ગાંઠિયા, વર્લ્ડનો બેસ્ટ આઇસક્રીમ અને વર્લ્ડની બેસ્ટ પાણીપુરી મળે છે—મુંબઈમાં દરેક કોલેજની સામે વર્લ્ડની બેસ્ટ સેન્ડવિચ અને લોકલ ટ્રેનના દરેક સ્ટેશનની બહાર વર્લ્ડના બેસ્ટ વડાપાંઉ મળે છે એમ જ. ( ગુજરાતમાં કેમ વડાપાંઉને પાંઉવડા અને પાંઉભાજીને ભાજીપાંઉ કહેતા હશે, એની આઇડિયા? રસ્ટિક છોલે-ભતુરેને સ્ત્રૈણ ચણા-પુરી કેમ કહેતા હશે?)

મિત્રો કહે છે કે તારા હાથની પાણીપુરી વર્લ્ડની બેસ્ટમાં બેસ્ટ હોય છે. મને પણ એવું લાગે છે. મિત્રો તો આગળ વધીને ત્યાં સુધી વખાણ કરે છે કે તારા લેખો કરતાં પણ તારી પાણીપુરી વધારે સારી હોય છે. (આમાં મારી પાકકળાની પ્રશંસા છે કે મારી લેખનકળાની ટીકા છે તે હું હજુ નક્કી નથી કરી શક્યો). કેટલાક મિત્રોની પત્નીઓ તો મારી પાણીપુરી ખાધા પછી ઘરે પાછાં જતાં લાડથી મને કહેતી હોય છે: સાચ્ચું કહું, તમારે તો પાણીપુરીનો ખુમચો ખોલવો જોઈએ.

જોઈએ. હજુ થોડો વખત રાહ જોઈએ. કશુંક ગોઠવાય તો સારું છે. નહીં તો પછી બાબુલનાથવાળાની જગ્યા તો ખાલી જ પડેલી છે.

મારા ભાવિ વ્યવસાયની ટ્રેડ સીક્રેટ ખુલ્લી પાડીને હું તમારી સાથે પાણીપુરીનું પાણી બનાવવાની મારી એક્સક્લુઝિવ રેસિપી શેર કરવા માગું છું. આવતી કાલે.

***

જો વાદા કિયા વો નિભાના પડેગા. નિભાયેંગે, પાકે પાયે નિભાયેંગે, જિલ્લે ઇલાહી.

કાલે પ્રોમિસ આપ્યું હતું. આજે રેસિપી આપું છું.

પાણીપુરીનો આત્મા એનું પાણી છે જે અમર છે. પુરી, મગ, ચણા, બુંદી, બટાટા, મીઠી ચટણી એ બધું જ ક્ષણભંગુર છે.

પાણી બનાવવાનું શરૂ કરીએ તે પહેલાં થોડીક પાયાની વાત.

ઘણાને પુરી ઘરે બનાવવાનું ફાવે છે. અભિનંદન. મોટાભાગનાઓ પુરી તૈયાર લઈ આવે છે. સદનસીબે બધે જ તૈયાર પેકેટ મળે છે. કમનસીબે, આમાંની બહુ ઓછી જગ્યાઓએ સારી પુરી મળે છે. મારી પુરી વર્ષોથી માટુંગાના છેડા માર્ટમાંથી આવે છે. પાર્લા ઇસ્ટમાં પણ એમની દુકાન છે. ( ભેળપુરીની પુરી અને સેવ દાયકાઓથી પાર્લા વેસ્ટમાં કજોડમલની દુકાનેથી આવે છે, તમારી જાણ ખાતર).

સિંધિ ટાઇપની પાતળી પુરી તેમ જ બુંદી મારી પસંદ નથી. પાણી ઠંડું હોય તે સારું છે પણ ચિલ્ડ નહીં, માત્ર કોલ્ડ જોઈએ. ગળી ચટણી ખજૂર, ગોળ, આંબલી અને જીરું (ધાણા-જીરું નહીં, માત્ર જીરું), લાલ મરચું તથા નમક નાખીને બનાવવાની. આમાં એક પણ વધારાની ચીજ ન જોઈએ અને કોઈની બાદબાકી પણ નહીં કરવાની.

મગ અને ચણાને રાતભર પલાળીને રાખી મૂકવાના. પછી બાફવાના. મગ માટે પ્રેશર કૂકર ન વાપરો તો સારું. મગ, બટાટા અને ચણાને સહેજ મસાલેદાર બનાવવા નમક, લાલ મિર્ચ અને થોડુંક સંચળ તથા જીરું ભભરાવવાનાં.

આ રેસિપી દસથી બાર વ્યક્તિઓ માટે છે. (પાણીપુરી એકલાં ખાતાં પકડાઓ તો પોલીસ પકડી જાય). લગભગ ચારસો પુરી લાવવાની. સોએક તુટેલી નીકળે તોય વાંધો નહીં. વધે તો દહીં-બટાટાપુરીમાં કામ લાગે. આમ છતાં પાણી વધ્યું તો માની લેવાનું કે પાણીપુરી ખાવાની ઓલિમ્પિક્સમાં ભાગ લેવા માટે તમને હજુ વધારે પ્રેક્ટિસની જરૂર છે.

તો પાણી બનાવીએ?

સામગ્રી:

ફૂદીનો: ૧ કિલો (ચૂંટ્યા પહેલાંનું વજન )
કોથમીર: ૨૫૦ ગ્રામ (ચૂંટ્યા પહેલાંનું વજન)
લીલાં મરચાં: ૫૦ ગ્રામ
ગોળ: ૧ વાટકી (મોટી)
આંબલી: ૫૦ મિલિલીટર (પલ્પ)
સંચળ: ૮ ટીસ્પૂન (નાની ચમચી)
સિંધવ: સાડાત્રણ ટીસ્પૂન
આમચૂર: પોણાત્રણ ટીસ્પૂન
જીરું: ૩ ટીસ્પૂન
સૂંઠ: દોઢ ટીસ્પૂન
મરી ૧ ટીસ્પૂન:
ચિલી ફ્લેક્સ: ૧ ટીસ્પૂન
હિંગ: પા (એક ચતુર્થાંશ) ટીસ્પૂન

પાણી: સવા પાંચ લીટર

રીત:

ફુદીનો ચૂંટીને બે વાર પાણીમાં ધોઈ નાખવો. દોઢ લીટર પાણી લઈ મિક્સરમાં વાટીને એક તપેલામાં બાજુએ મૂકી દો. એ જ તપેલામાં વધુ દોઢ લીટર પાણી ઉમેરો. ફુદીનાનું પાણી કુલ ત્રણ લીટર થયું.

એ જ રીતે કોથમીરનું પાણી ૧ લીટર બનાવો અને મરચાંનું પાણી ૨૫૦ મી.લી. બનાવો. મરચાં વાટતી વખતે ૧ નાની ચમચી નમક અને અડધું લીંબુ ઉમેરવું જેથી એનાં રંગ, સ્વાદ અને સુગંધ જળવાઈ રહે. ખાસ ધ્યાન એ રાખવાનું કે આ સિવાય તમારે ક્યાંય નમક, લીંબુ કે સાકર, લાલ મરચાંનો પાઉડર વાપરવાનાં નથી. એ કામ સિંધવ, સંચળ તથા આંબલી, આમચૂર અને ગોળ તેમ જ મરી, લીલાં મરચાં, ચિલી ફ્લેક્સ પર છોડી દેવાનું.

ફુદીનાનું પાણી મોટી ગળણીમાં ગાળી નાખવાનું. ગળણીમાં રહેલો ફૂદીનો બહુ ઘસીને, નીચોવીને કે દબાવીને ગાળશો તો સ્વાદ કડૂચો થઈ જશે. માટે એને હળવે હાથે થપથપાવીને ગાળવું. એમાં કોથમીર તથા મરચાંનું પાણી ઉમેરવું. આ થયું સવા ચાર લીટર પાણી.

હવે બીજા એક તપેલામાં ૧ લીટર પાણી લઈ એમાં ગોળ ઓગાળો. પછી આંબલીનો પલ્પ, મરી, જીરું, સિંધવ, સંચળ, ચિલી ફ્લેક્સ, હિંગ, સૂંઠ તથા આમચૂર નાખી બરાબર મિક્સ કરો. સરસ સુગંધ આવશે.

હવે આ એક લીટરની જમનાને પેલી સવા ચાર લીટરની ગંગા સાથે ભળી જવા દો. સરસ્વતી તો અદશ્યરૂપે તમારાં આંગળાંમાં જ વસે છે.

આ પાણીને છ થી આઠ કલાક વિસમવા દેવાનું.

પછી મિત્રોને બોલાવીને જલસાથી જમો.

જમતી વખતે મને યાદ કરીને પચ્ચીસ પુરી વધારે ખાજો. વેલ, એક તો વધારે ખાજો જ.

***

તાજા કલમ: આ લેખો ૨૦૦૯-૨૦૧૦ના ગાળામાં લખાયા.

ઘરમાં વારતહેવારે પાણીપુરીઓ બનતી જ રહે છે. રાધર, પાણીપુરી બને છે ત્યારે પર્વ-તહેવારનું વાતાવરણ સર્જાય છે. પૂજ્ય મોરારીબાપુને થાણે-મુંબઈની એમની કથા વખતે ઘરે ડિનર માટે આમંત્રણ આપ્યું ત્યારે એમણે મેનુ નક્કી કરી આપ્યું—તમારા હાથની પાણીપુરી, ભેળપુરી, સેવપુરી. બીજે દિવસે કથામાં બે વાર એમણે મારી પાણીપુરી-સેવપુરીને પ્રેમથી સાંભરી.

મિત્રો ગોપાલ મેઘાણી, કાજલ ઓઝા-વૈદ્ય અને જય વસાવડાથી લઈને સગાં-સ્વજનોને જાતે બનાવીને ખવડાવતી વખતે સ્વર્ગીય આનંદ મળે છે. મરતાં દમ તક પાણીપુરીની પાર્ટીઓ તો ઘરમાં થતી જ રહેવાની. બારમા-તેરમાના જમણવારનું મેનુ પણ વિલમાં લખીને જવાનો છું!

***

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર 90040 99112 પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

5 COMMENTS

  1. By the way , સ્ત્રી 2 – વેધા- ખેલ ખેલ આ ત્રણ માથી કયુ પીકચર જોયુ.

  2. સૌરભભાઈ, આ લેખ વાચતા વાચતા મારા Mrs. સાથે discuss કર્યો. She suggested to invite you to come over at our home for Panipuri party whenever suitable. પવઈ તરફ અમે નીકળ્યા તો આવશુ તમારી પાણીપુરી ટેસ્ટ કરવા.

  3. Thanks for sharing રેસેપી. ગયા અઠવાડીયે ઘણા વરસો પછી Elco bandra ની પાણીપુરી ખાવા ગયો. Disappointed , જે પહેલા taste હતો એ બદલાઈ ગયેલો લાગ્યો. Elco કરતા મલાડ inorbit મોલ પાસે jain sabkuch ની પાણીપુરી I will recommend. Milap talkies કાંદીવલી મજીઠીયા નગરની સામે ગુપ્તાજીની ભેલ,સેવપુરી, સેનડવીચ -સીંધીકાકાની પાણીપુરી વખણાતી. છ-સાત વરસ પહેલા બધી રેકડીઓ BMC એ હટાવી નાખી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here