( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 23 માર્ચ 2025 )
કોઠાસૂઝ જે કહે તે સાચું જ હોવાનું. અંગ્રેજીવાળા એને ગટ ફીલિંગ કે સિક્સ્થ સેન્સ તરીકે ઓળખતા હોય છે. આ ગટ ફીલિંગ એટલે શું? કોઠા સૂઝ કોને કહે?
જ્યારે તમારી પાસે કોઈ ચોક્કસ કારણો ન હોય પણ તમને બહુ સ્ટ્રોંગલી લાગતું હોય કે આવું થવાનું છે અથવા આવું કરીશ તો એનું પરિણામ સારું નહીં આવે (કે આવશે) ત્યારે તમારી અનુભવ મૂડી કામ કરતી હોય છે. તમારા સબ કૉન્શ્યસમાં એ કારણો – અનુભવોને કારણે તારવેલાં કારણો પડેલાં હોય છે પણ તમે એ કારણો-અનુભવોને અત્યારના વિચારો સાથે સાંકળી શકતા નથી.
કોઈકને કહેવા જઈશું તો મારી વાત અતાર્કિક ગણીને, મોંમાથા વિનાની ગણીને હસી કાઢશે એવા ડરથી આપણે ઘણી વખત કોઠા સૂઝને અવગણીએ છીએ, ગટ ફીલિંગનો અનાદર કરીએ છીએ, સિક્સ્થ સેન્સ મુજબ નિર્ણયો કરતા નથી. પ્રગટ લૉજિક કે તર્ક બધી વાતોમાં ન હોય. કેટલીક વખત તમે તમારા વિચારો-વર્તન-વ્યવહારને જસ્ટિફાય નથી કરી શકતા, વાજબી નથી ઠેરવી શકતા.
એનો અર્થ એવો નથી કે તમે જે વિચાર્યુ –કર્યું છે તે ખોટું છે. દરેક વાતનાં પ્રગટ કારણો આપણી પાસે હોય જ એ જરૂરી નથી. પણ આપણને શિક્ષણ આપનારા શિક્ષકો–માબાપ–મિત્રો–વડીલોએ એવું શીખવાડ્યું છે કે તમારાં વાણી-વર્તન અને વિચારો પાછળ સોલિડ લૉજિક હોવું જ જોઈએ. દરેક વ્યવહાર પાછળ તમારી પાસે નક્કર કારણો હોવાં જોઈએ. અન્યથા તમે ધૂની, તરંગી અને અવિશ્વાસપાત્ર ગણાઓ. કોઈ તમારા પર ભરોસો નહીં મૂકે.
મોટા થતાં સમજાય છે કે જેઓની પાસે પાવરફુલ લૉજિક હોય છે તેઓ ઘણી વખત તમને છેતરવામાં, ઊંધી પટ્ટી પઢાવવામાં એ લૉજિકનો ઉપયોગ કરતા હોય છે. તમારી સાથે ચર્ચા થતી હોય અને કોઈ દલીલ એમને ગળે ન ઊતરે તો તેઓ તમારી બોલતી બંધ કરી દેવા પોતાને મળેલા તાર્કિક મન (લૉજિકલ માઈન્ડ)ના આશીર્વાદનો દુરૂપયોગ કરતા હોય છે. દાખલા તરીકે હું તમને કહું કે મને મહાભારત આખું મોઢે છે અને તમે ચેલેન્જ કરો કેઃ હોતું હશે એવું કંઈ? ત્યારે હું તમને પટ્ટી પઢાવું કેઃ જુઓ, હું જે વાંચું તે મને યાદ રહી જાય છે. અત્યારે તમે મને તમારું નામ કહ્યું તે યાદ રહી ગયું, બરાબર? અને મેં ‘મહાભારત’ આખેઆખું વાંચ્યું છે. આનો અર્થ એ કે મને એ શબ્દશઃ યાદ છે!
તમે સમજો છો કે આ માણસ મને ઉલ્લુ બનાવી રહ્યો છે પણ તમારી પાસે કોઈ દલીલ બચી નથી. મારી તાર્કિક શક્તિનો દુરૂપયોગ કરીને હું તમને ચાટ પાડી દઉં છું એવું સમજવા છતાં તમે કંઈ બોલી શકતા નથી.
તર્ક કે રિઝનિંગ હંમેશાં ઉપયોગી નથી. દેખીતી રીતે જેમાં તર્ક ન લાગતો હોય એવી બધી વાતો અતાર્કિક જ હોય તે જરૂરી નથી. એટલે જ મનમાં જે આશંકા જન્મે તેનો આદર કરવો, તમારી કોઠા સૂઝને, ગટ ફીલિંગને, સિક્સ્થ સેન્સને માન આપવું. શક્ય છે કે ક્યારેક ખોટા પણ પડીએ. એમ તો પ્યોર લૉજિકથી ગાળીચાળીને નિર્ણયો લેનારાઓ પણ ખોટા ક્યાં નથી પડતા?
વિદુરનીતિ આગળ વધે છે. ૩૪મા અધ્યાયના આરંભે રાજા ધૃતરાષ્ટ્ર લઘુબંધુ વિદુરને કહે છેઃ ‘હે તાત વિદુર! હું ચિંતાથી સળગતો હજુ જાગું છું. તું મારે લાયક જે કાર્ય હોય તે મને બતાવ. કારણ કે આપણા લોકોમાં પવિત્ર તથા ધર્મના અને અર્થના કાર્યોમાં તું જ નિષ્ણાત છે.’
ધૃતરાષ્ટ્ર વ્યાકુળ છે. તેઓ પાંડવોનું અહિત નથી ચાહતા અને પોતાના પુત્રોનું કલ્યાણ પણ ઈચ્છે છે. ધૃતરાષ્ટ્રની ગટ ફીલિંગ, એમની સિક્સ્થ સેન્સ કહે છેઃ ‘મારા મનમાં અનિષ્ટની આશંકા સદા રહે છે તેથી મને સર્વત્ર પાપ જ દેખાય છે.’
ધૃતરાષ્ટ્રની આશંકાના જવાબમાં વિદુરજી કહે છેઃ ‘હે રાજન! આપણે જેનો પરાજય ન ઈચ્છતા હોઈએ તેમને પૂછ્યા વગર પણ તેમની હિતકારક વાત કહેવી જોઈએ. પછી ભલે તે વાત શુભ હોય કે અશુભ, રુચિકર હોય કે અરુચિકર.’
અને પછી વિદુર ધૃતરાષ્ટ્રને (અને આપણા જેવા અનેકને જેમની પાસે અમુક બાબતની દૃષ્ટિ નથી તેવાઓને) સલાહ આપે છેઃ
૧. જે કર્મો કપટ ભરેલાં હોય અને અયોગ્ય ઉપાયોથી સિદ્ધ થતાં હોય તેમાં તમારું મન કદાપિ ન લગાડશો.
અર્થાત્ કોઈનું નુકસાન કરીને, ભલેને તે પછી આપણાઓ હોય, આગળ વધવાની ઈચ્છા રાખવી નહીં કારણ કે કુદરતનો નિયમ છે કે ક્યારેક ને ક્યારેક આવાં કામને કારણે કોઈકને થયેલા નુકસાનની હાય આપણને લાગતી જ હોય છે.
૨. સારા ઉપાયોથી અને સાવધાનીપૂર્વક કરવામાં આવેલાં કોઈ કર્મ સફળ ન થાય તો બુદ્ધિમાન મનુષ્યે તેને માટે મનમાં ગ્લાનિ ન કરવી જોઈએ.
અર્થાત્ આપણી ભાવના ગમે એટલી ઉમદા હોય તોય કેટલાંક કાર્યોમાં ધારી સફળતા ન મળે કે પછી ઊંધે માથે પટકાઈએ એવું બને. આવું થાય ત્યારે માથે હાથ દઈને બેસી રહેવાને બદલે કળ વળે કે તરત ફરી પાછા કામે લાગી જવું. શુદ્ધ હેતુ સાથે અને નીતિપૂર્વક કરેલાં કાર્યો શું કામ નિષ્ફળ જતાં હશે તે તો નિયતિ જ જાણે. આવા વખતે વિચારવું કે જરૂર આમાં કુદરતનો કોઈક સંકેત હોવો જોઈએ. જો આ કાર્ય સફળ થયું હોત તો એના આધારે ભવિષ્યમાં જે કાર્યો હાથમાં લીધાં હોત તો એમાં વધુ ઊંડી ખાઈમાં પટકાવાની શક્યતા હશે એટલે કુદરતે આપણને ઓછું નુકસાન થાય તે રીતે બચાવી લીધા. આવા વિચારથી બુદ્ધિમાન પુરુષ ગ્લાનિમુક્ત બનીને પોતાની બાકીની શક્તિઓ વાપરવા માટે સજ્જ થઈ જાય છે.
૩. ધીર મનુષ્યે ઉચિત રીતે સૌ પ્રથમ કર્મોનું પ્રયોજન, તે કર્મોનાં પરિણામ તથા પોતાના ઉદ્યમનો વિચાર કર્યા બાદ જ કામનો આરંભ કરવો અથવા ન કરવો.
અર્થાત્ કશુંક કરવાનું મન થયું ને કામ શરૂ કરી દીધું એવી ઉતાવળ રાખવાની જરૂર નથી. ખોટી આળસ કરીને કે લાંબા લાંબા વિચારો કર્યા કરીને વિલંબ ન કરીએ પણ જે કામ શરૂ કરવું હોય તે કામ શા માટે કરવું છે, તેનો હેતુ શું છે તે નક્કી કરી લેવું. એવું ન બને કે એ માત્ર તમારા મનનો કોઈ તરંગ હોય કે પછી કોઈની દેખાદેખી અથવા કોઈની ચડામણીથી કે કોઈ લાલચ કે ટૂંકા ગાળાના સાંકડા લાભને વશ થઈને તમને એ કાર્ય કરવાનું મન થતું હોય. પ્રયોજન કે હેતુની બાબતમાં સ્પષ્ટ થઈ ગયા પછી એ કામનું પરિણામ કેવું આવે એવું તમે ઈચ્છો છો અને તમારી ઈચ્છા પ્રમાણે ન થયું તો કેવું પરિણામ આવી શકે એમ છે એ વિશે વિચારી લેવું. હેતુ અને પરિણામનાં બે બિંદુ – આરંભ અને અંત – નક્કી થઈ ગયાં પછી કામનો નકશો બનાવવાનું તમને સરળ પડશે અન્યથા ગૂંચવાઈ જશો અને જાતજાતના માર્ગે ફંટાઈ જવાનું મન થશે. એ પછી ત્રીજું સૌથી મહત્વનું કામ – તમારી કેપેસિટી કેટલી છે તે નક્કી કરવાનું કામ. પૈસાની વાત હોય ત્યાં તમારું ગજું કેટલી ખોટ સહન કરવાનું છે તે નક્કી કરવું પડે. એ પર્ટિક્યુલર કામ પાછળ તમે તમારી જિંદગીના રોજના કેટલા કલાક, કેટલાં વર્ષ નાખી શકો એમ છો. શારીરિક શ્રમ એમાં સંકળાયેલો હોય – દા.ત. બહારગામની દોડાદોડી રહેવાની હોય તો – તમારું શરીર આ બાબતે સક્ષમ છે કે નહીં તે બધું જ વિચારી લીધા પછી કોઈપણ કામ શરૂ કરવું. ( અથવા શરૂ કર્યા વિના – માત્ર વિચારના સ્તરે જ રાખીને એનો વીંટો વાળી લેવો).
૪. કેટલાંક કાર્યો એવાં હોય છે જેમાં ચિક્કાર મહેનત કર્યા પછી પણ અંતે એ પુરુષાર્થ વ્યર્થ જવાનો હોય છે. એવાં કાર્યોની શરૂઆત જ ન કરવી. અને આની સામે જેનો આરંભ સામાન્ય હોય પણ તેનું ફળ મોટું હોય તેવાં કામો બુદ્ધિમાન પુરુષ ઝડપથી શરૂ કરી દે છે. અને તેવાં કામોમાં તે વિઘ્ન નથી આવવા દેતા.
અર્થાત્ અમુક કામ કરવાનો શોખ થાય પણ એની પાછળ ખૂબ મહેનત કરીએ તો પણ એનું પરિણામ શૂન્ય આવવાનું હોય. ક્યારેક આપણી લગન ઓછી પડે કે ક્યારેક આપણો પનો ટૂંકો પડે. આપણી પ્રકૃતિને અનુકૂળ ન હોય અથવા તો અત્યારે દેશકાળ એવાં ન હોય – પરિસ્થિતિ એવી ન હોય કે એવાં કામ સફળ થઈ શકે. એ પ્રકારનાં કામ શરૂ જ ન કરીએ તો સારું.
કેટલાંક કામનો આરંભ એટલો સરળ હોય કે આપણને લાગે કે આ તો લપસણી ભૂમિ છે. જેના માટે બિગ રિવૉર્ડ્સ મળવાનો હોય એવું કામ આટલું સરળ કેવી રીતે હોઈ શકે એવો સવાલ થાય અને એટલે આપણે એ કામ ન કરીએ. આપણને એમ જ હોય કે જેમાં મોટો ફાયદો થવાનો હોય તે બધાં જ કામનો આરંભ ખૂબ અઘરો હોવાનો. જો એવું ન હોત તો દરેક જણ એ કામ લઈને બેસી ગયું હોય. પણ ના, દર વખતે એવું નથી હોતું. કેટલીક વખત સારી તક આપણી પાસે આવતી હોય છે, બધાને નથી મળતી. કેટલીક વખત આપણને આપણી અંદરની શક્તિના પ્રચંડ ભંડારની જાણ જ નથી હોતી એટલે આપણે એ કાર્ય સરળતાથી કરી શકવાના હોઈએ છીએ, બીજા કોઈનું ગજું નથી હોતું એવું કામ કરવાનું. અને કેટલીક વખત કુદરત પોતે જ મહેરબાન થઈને તમને રાઈટ ટાઈમે, રાઈટ સ્થળ પર લાવીને રાઈટ લોકોની વચ્ચે મૂકી દે છે અને તમારી તોતિંગ પ્રગતી માટેનો રન-વે તૈયાર કરી આપે છે. માટે સરળતાથી સફળતા મળી શકે એવી તક હાથમાં આવે તો ઝડપી લેવાની – દરેક વાતમાં શંકાકુશંકા નહીં કરવાની.
૫. શિલોંછ ભાવથી જીવન જીવનારા જેમ પ્રત્યેક દાણાને વીણી લે છે તેમ ધીર પુરુષે જ્યાં ત્યાંથી વિદ્વાનોનાં સુવચનો તથા પુણ્યોને એકઠાં કરીને તે પ્રમાણે જીવન જીવવું જોઈએ.
આનો અર્થ સમજીએ. શિલોંછ એટલે ખેતરમાં લણણી થઈ ગયા બાદ જે છૂટાછવાયા દાણા પડેલા દેખાય તે વીણી લેવાની કાળજી અને એ દાણાઓ દ્વારા જીવન જીવવું એવી ઉચ્ચ ભાવનાવાળી કરકસર વૃત્તિ. ખેતરમાં એકપણ દાણો રહેવો ન જોઈએ, કોઈ બગાડ ન થવો જોઈએ. જ્યાં પણ કશું સારું વાંચીએ, સારું જોઈએ, સારું અનુભવીએ તેના એકએક કણને આપણા જીવનમાં ઉતારીએ. આસપાસની નાની વ્યક્તિ હોય કે મોટી – દરેકમાંથી કંઈને કંઈ શીખવાનું મળે છે. શીખી લઈએ. આપણા વાંચનમાં અનેક સારીનરસી બાબતો આવે છે. છાપાંના કોઈ ખૂણે છપાતું સુભાષિત હોય કે પછી કોઈ નાટક-પિક્ચરનો સંવાદ હોય, મહાન સાધુપુરુષોનાં પ્રવચનો હોય – કથા હોય કે પછી વિશ્વભરમાં જાણીતા બિઝનેસમૅન-રાજકારણી-લેખકો વગેરેની વાતો હોયઃ દરેકમાંથી કંઈક ને કંઈક શીખવાનું મળે છે.
જો કે, દુનિયા આખીના ડહાપણનો ભંડાર આપણને તો આપણા પ્રાચીન – ઐતિહાસિક અને અમૂલ્ય ગ્રંથોમાંથી મળી રહે છે. ચાહે એ વેદ-ઉપનિષદ હો, રામાયણ-મહાભારત હો કે પછી મહાભારતમાંની ભગવદ્ ગીતા કે વિદુરનીતિ હો.
પાન બનારસવાલા
જો તમારે નવી રીતે વિચારવું હોય તો જૂના ગ્રંથો વાંચો.
—અજ્ઞાત
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો