એમનો એક ઉપકાર ક્યાંથી ક્યાં લઈ આવ્યો : સૌરભ શાહ

(‘ગુડ મૉર્નિંગ’, ન્યુઝપ્રેમી.કૉમ: રવિવાર, ૧૫ ડિસેમ્બર ૨૦૨૪)

ગયા રવિવારે-૮મી ડિસેમ્બરે , 84 વર્ષની ઉંમરે ગુજરી ગયેલા સિનિયર પત્રકાર ગિરીશ ત્રિવેદીએ મારા પર કરેલા એક ઉપકારને કારણે તેઓ જિંદગીભર મારી સ્મૃતિમાં હુંફાળા સ્થાને રહેશે. એ એક ઉપકારને કારણે લેખન-પત્રકારત્વની મારી કારકિર્દીમાં અનેક દિશાઓમાંથી શુભલાભના સંકેતો આવતા રહ્યા. છેક ૨૦૨૪ના વર્ષ સુધી.

શરૂઆત 1995થી થઈ. હું ખૂબ કામ કરતો હતો. મુંબઈથી ‘સમાંતર’ નામનું સાંધ્યદૈનિક શરૂ થયેલું જેમાં લખતાં ખૂટે નહીં એટલાં લેખો, કૉલમો લખતો. ‘સમકાલીન’માં મારી વીકલી ત્રણ અને એક ડેઈલી કૉલમ (‘તારીખ અને તવારીખ’) વર્ષોથી ચાલતી જે મેં તંત્રી હસમુખ ગાંધી નિવૃત્ત થયાના બીજા દિવસથી એક ઝાટકે બંધ કરી દીધી હતી કારણ કે મારે નવા તંત્રી માટે લખવું નહોતું.

1995માં ગિરીશ ત્રિવેદી ‘મુંબઈ સમાચાર’માં જોડાયા. એમનો હોદ્દો નિવાસી તંત્રીનો પણ ડિફેક્ટો તંત્રી જ ગણો. સર્વેસર્વા. ગુજરાતથી આવેલા ગિરીશભાઈ માટે મુંબઈનું પત્રકારત્વ નવું પણ આવતાંની સાથે જ એમણે ‘મુંબઈ સમાચાર’માં અનેક નાનામોટા ફેરફારો કરીને પેપરને ચેતનવંતુ કરી દીધેલું. એ જમાનામાં ‘મુંબઈ સમાચાર’નું સકર્યુલેશન પણ તોતિંગ. લાખો કૉપી મુંબઈમાં વેચાય. મહારાષ્ટ્રના અને ગુજરાતના હજારો ગુજરાતી વાચકો પણ હોંશેહોંશે મગાવે. છેક બેંગલોર અને કલકત્તાના ગુજરાતી ઘરોમાં પણ હજારો નકલો પહોંચે.

એક દિવસ ગિરીશ ત્રિવેદીનો ફોન આવ્યો. અમે ક્યારેય મળ્યા નહોતા. એકબીજાને ઓળખીએ પણ નહીં. માત્ર નામ સાંભળેલું એટલું જ. ગિરીશભાઈ કહે : ‘તમે ‘મુંબઈ સમાચાર’માં ડેઈલી કૉલમ લખશો?’

મુંબઈ સમાચારમાં? આટલા મોટા દૈનિકમાં? અને એ પણ એકદમ રૂઢિચુસ્ત-જૂનવાણી ગણાતા પેપરમાં? મારા જેવો તોફાની રાઈટર કેવી રીતે ચાલે?

ચાલે. ગિરીશભાઈએ કહ્યું. થોડી વધુ વાતો થઈ. થોડા દિવસમાં પાછો ફોન આવ્યો. કેટલો પુરસ્કાર રાખીએ? મેં સમકાલીનમાં મને પર પીસ જેટલા મળતા હતા તેનો આંકડો કહ્યો અને પૂછ્યું કે તમે એના કરતાં ડબલ આપી શકો?

‘મારા મનમાં એ જ રકમ હતી. ડન.’

એ પછી ફાઈનલી અમે ચર્ચગેટની ગેલોડર્ઝમાં લંચ માટે મળ્યા. કૉલમનું ફૉર્મેટ વગેરે ડિસ્કસ થયું. બીજી વાતો કરી. એક્ઝેટલી ક્યારે શરૂ કરીશું એની તારીખ નક્કી નહોતી કરી. પણ એટલું એમણે પૂછ્યું ખરું કે, ‘તમારી ઇચ્છા શું છે? કયા પાને છાપવી જોઈએ?’

‘સમકાલીન’માં ગાંધીભાઈ મારી દૈનિક કૉલમ લાસ્ટ પેજ પર છાપતા. ‘મુંબઈ સમાચાર’માં હું એવી આશા ન રાખી શકું. ત્યાં તો લાસ્ટ પેજ પર ‘મટ એન્ડ જેફ’ અને ‘મોડેસ્ટી બ્લેઝ’ જેવી કુલ ચાર ચિત્રપટ્ટીઓ છપાતી જેમાં પા પાનાથી વધુ જગ્યા વપરાઈ જતી. ઉપરાંત જાહેરખબરો પણ ઘણી છપાતી.

મેં વિવેકથી કહ્યું, ‘તમારા છાપામાં જે પાનું સૌથી ઓછું વંચાતું હોય ત્યાં મને મૂકો. ખૂબ વંચાશે.’

‘એમ?’

‘હા. પ્રયોગ કરવો હોય તો મિરર ઇમેજમાં છાપો, વાચકો અરીસા સામે ધરીને વાંચશે.’ મેં મજાક કરી હતી.

ગિરીશભાઈએ ‘મટ એન્ડ જેફ’ વગેરેની દાયકા જૂની ટ્રેડિશન તોડીને ચારેય ચિત્રપટ્ટીઓને છેલ્લેથી બીજા પાને ધકેલી દીધી અને સપ્ટેમ્બર 1995માં છેલ્લા પાનાની પ્રથમ બે કૉલમમાં સળંગ ‘ગુડ મૉર્નિંગ’ દૈનિક કૉલમ છપાવાની શરૂ થઈ.

કોને હરખ ના થાય? આટલાં માનપાન પ્લસ તગડો પુરસ્કાર. પણ એકાદ મહિનો લખીને મને લાગ્યું કે કૉલમ જામતી નથી. વાચકો મારાથી કંટાળી જતા હશે. મેં ગિરીશભાઈને ફોન કરીને મારા આ વિચારો કહ્યા અને સૂચન કર્યું કે આપણે કૉલમ બંધ કરી દઈએ.

એમણે કહ્યું કે કૉલમ બહુ સારી ચાલે છે, વાચકો વખાણે છે વગેરે વગેરે. કૉલમ બંધ કરવાની વાત જ ના કરતા.

મેં બીજા થોડા દિવસ ખેંચ્યું. બે મહિના પૂરા થયા. ફરી ફોન પર મેં એ જ વાત કરી. કૉલમ નથી લખાતી બરાબર. તમારા માલિકો બંધ કરવાનું કહે એ પહેલાં તમે જ મારું સૂચન સ્વીકારી લો અને કૉલમ આટોપી લઈએ. ઈટ્સ અ બિગ ફેઈલ્યોર.

ગિરીશભાઈએ ફરી મને સમજાવ્યો, ખૂબ સમજાવ્યો. મેં એમનું માન રાખવા ‘સારું’ એટલું કહીને ફોન મૂકી દીધો.

પંદર દિવસ વીતી ગયા. અઢી મહિના થઈ ગયેલા. મને ‘ગુડ મૉર્નિંગ’ લખવાનો કંટાળો આવતો કારણ કે જે લખતો તે લખાણ મને જ જામતું નહોતું તો વાચકોને ક્યાંથી ગમવાનું છે. મેં ફોન કરીને કહી દીધું કે, ‘ગિરીશભાઈ, પંદર દિવસ પછી ત્રણ મહિના પૂરા થશે. હું કૉલમ બંધ કરીશ. બે અઠવાડિયામાં તમે કોઈ રિપ્લેસમેન્ટ શોધી લેજો’.

ગિરીશભાઈની ફરી એ જ વાત. કૉલમ જામી ગઈ છે. વાચકોનો ખૂબ સારો રિસ્પોન્સ છે. બંધ નથી કરવાની.

હું તો માનતો જ હતો કે ગમે તે ઘડીએ માલિકો ગિરીશભાઈને કહી દેશે કે આ કૉલમ બંધ કરો. ત્યાંથી બંધ કરવાનું કહેવામાં આવે એને બદલે હું જ સામેથી બંધ કરી દઉં તો આપણું અપમાન થયું છે એવું ના લાગે. ગિરીશભાઈના ત્રીજીવારના આગ્રહ પછી મેં નક્કી કર્યું કે મારે હિસાબે તો આ કૉલમ આજે નહીં તો કાલે બંધ થવાની જ છે તો ભલેને વહેલી બંધ થાય. હવે હું મારે જે લખવું છે તે જ વિષયો પર લખું, જે રીતે લખવું છે તે જ રીતે લખું. અત્યાર સુધીના અઢી મહિના દરમ્યાન હું ‘મુંબઈ સમાચાર’ની જે ઇમેજ મારામાં હતી તેને અનુકૂળ થાય તેવું લખતો, રૂઢિચુસ્ત-જૂનવાણી વાચકવર્ગને ધ્યાનમાં રાખીને લખતો.

હવે મેં હારાકિરી કરવાનું નક્કી કર્યું. મારા અસલી મિજાજ પ્રમાણે લખવાનું શરૂ કર્યું. કોઈ દેખાડો નહીં, કોઈને રિઝવવાની કોશિશ નહીં. ‘સમકાલીન’ અને ‘સમાંતર’માં જે મોકળા મને લખતો એ જ રીતે હવે મેં રોજેરોજ ‘ગુડ મૉર્નિંગ’ના વિષયો પસંદ કરવાનું શરૂ કર્યું, મારા વિચારો મારી રીતે પ્રગટ કરવાનું શરૂ કર્યું.

જે થવાનું હોય તે થાય. જૂનવાણી વાચકો મારા વિચારોને રિજેક્ટ કરશે અને માલિકો મને ના પાડશે તો બહુ બહુ તો શું થશે? મારો પુરસ્કાર આવતો બંધ થઈ જશે એટલું જ ને? ઘર ચલાવવાની કોઈ ચિંતા તો હતી જ નહીં. ‘સમાંતર’માં ફ્રીલાન્સિંગ કરીને પૂરતું મળી રહેતું હતું.

પંદર દિવસમાં ચમત્કાર થયો. ‘ગુડ મૉર્નિંગ’ લખવાની મઝા આવવા માંડી. ખૂબ એટલે ખૂબ મઝા આવવા માંડી. મારા સંપર્કમાં જે પરિચિતો હતા તે બધાના પ્રશંસાના ફોન આવવા માંડ્યા. ગિરીશભાઈ પર વાચકોના પત્રોનો ઢગલો થવા માંડ્યો.

પોણા ચાર વર્ષ સુધી મેં રોજરોજ ‘મુંબઈ સમાચાર’ માટે લખ્યું. જૂન ૧૯૯૯માં ‘મિડ-ડે’માં તંત્રી તરીકે જોડાયો ત્યારે કૉલમ આટોપી લીધી.

મારાં જે પ્રથમ 7 પુસ્તકો છે તે તમામ (ત્રણ નિબંધ સંગ્રહો – ‘પ્રિય જિંદગી’, ‘મનની બાયપાસ સર્જરી’ અને ‘કંઈક ખૂટે છે’ તથા ચાર મેનેજમેન્ટ સિરીઝનાં પુસ્તકો – સંબંધો, લાગણીઓ, સ્વભાવ અને પ્રેમ) આ પોણા ચાર વર્ષોનાં લખાણોમાંથી જ બન્યાં છે. પુસ્તક રૂપે પ્રગટ કરતાં પહેલાં મઠારીએ કે કાપકૂપ-ઉમેરો-એડિટિંગ કરીએ એ ખરું. પણ આ 7 દાગીનાઓ ઘડાયા ‘ગુડ મૉર્નિંગ’ના સુવર્ણમાંથી.

હવે તમને કહું કે ‘ગુડ મૉર્નિંગ’ શરૂ કરવાના ગિરીશભાઈના આ પગલાને લીધે મારી કારકિર્દીમાં બીજા કેટલા લેન્ડમાકર્સ સર્જાયા. ‘મિડ-ડે’માં તંત્રી તરીકેની જે ઓફર આવી તે ‘ગુડ મૉર્નિંગ’ની લોકપ્રિયતાને લીધે, ‘મિડ-ડે’ના અને ‘મુંબઈ સમાચાર’ના એજન્ટ એક જ – દાંગટ. બેઉ છાપાનું સકર્યુંલેશન વધારવામાં આ ન્યુઝપેપર એજન્ટનો પણ મોટો ફાળો. દાંગટને ‘મુંબઈ સમાચાર’ની લોકપ્રિયતામાં ઉમેરો કરનારી ‘ગુડ મૉર્નિંગ’ કૉલમ માટે ઘણો લગાવ. એમણે ‘મિડ-ડે’ના માલિકોને કહેલું કે આ કૉલમ તમારે ત્યાં શરૂ થવી જોઈએ. માલિકો પણ ‘ગુડ મૉર્નિંગ’ની લોકપ્રિયતાથી પરિચિત. ‘મિડ-ડે’ના ફાઈનાન્સ ડિરેક્ટર મૃંગાક કાપડિયા મેં અગાઉ ‘અભિયાન’, ‘ચિત્રલેખા’, ‘સમકાલીન’ અને ‘ઉત્સવ’માં જે કામ કરેલું તેના ચાહક એટલે માલિકોએ નક્કી કર્યું કે ‘મિડ-ડે’ની સ્થાપના પછી પહેલા જ દિવસથી ફ્લોપ પુરવાર થયેલું આ દૈનિક હવે સૌરભ શાહને સોંપી દેવું જોઈએ.

તો ‘ગુડ મૉર્નિંગ’ કૉલમ જ મને ‘મિડ-ડે’માં લઈ ગઈ.

2012માં ‘મુંબઈ સમાચાર’માં નવા તંત્રી આવ્યા. નીલેશ દવે. એમની સાથે પણ મારે કોઈ ઓળખાણ નહીં. 2008ની કમનસીબ ઘટનાઓ પછી હું અમદાવાદ છોડીને ફરી મુંબઈ આવી ગયો. પણ ફિલ્ડમાં મને કોઈ કામ આપે નહીં.

2012ના અંતમાં આશુ પટેલને ત્યાં નીલેશ દવેએ મને બોલાવ્યો. ‘ગુડ મૉર્નિંગ’ની એક જમાનાની લોકપ્રિયતાથી એ પરિચિત. ‘મુંબઈ સમાચાર’નું ખાડે ગયેલું સકર્યુલેશન ઉંચકવાની બહુ મોટી હોંશ. નીલેશ દવેએ મારી પાસે ‘ગુડ મૉર્નિંગ’ની નવી સિઝન શરૂ કરાવી. ગિરીશ ત્રિવેદીએ જો મારી પાસે ‘ગુડ મૉર્નિંગ’ કૉલમ ન લખાવી હોત તો નીલેશ દવેના હું ધ્યાનમાં જ ન આવત. જિંદગીની સેકન્ડ ઇનિંગ્સનો જે દબદબાભેર આરંભ થયો તે નીલેશ દવેને લીધે જેના પાયામાં ગિરીશ ત્રિવેદીએ 1995માં મારા પર કરેલો મસમોટો ઉપકાર.

હજુ એક વાત છે. નીલેશ દવેએ ‘ગુડ મૉર્નિંગ’ની સેકન્ડ સિઝન શરૂ કરવાનું આમંત્રણ આપ્યા પછી મને ‘મહારાજ’ નવલકથા આપવાનું કહ્યું. મેં 1997-98ના ગાળામાં ‘મહારાજ’ અમદાવાદના એક સાપ્તાહિક માટે ધારાવાહિક સ્વરૂપે શરૂ કરેલી જે અડધે પહોંચ્યા પછી કોઈક કારણસર બંધ પડી અને પછી તો એ મૅગેઝિન પણ બંધ પડ્યું. ‘મહારાજ’ મારે પૂરી કરવી જોઈએ એવું ઘણાએ મને કહેલું, પબ્લિશરોએ પણ માગેલી, મને પણ લાગતું હતું કે પૂરી કરવી જોઈએ.

પણ એ બાબતે હું બહુ સિરિયસ નહોતો. મને લાગતું કે ભલે અધૂરી રહે, કોઈ બીજી નવલકથા હાથમાં લઈશ. પાંચ છ સબ્જેક્ટ્સ હતા, એમાંથી કોઈ નવા વિષય પર લખીશ. ‘મહારાજ’ ભૂલી જવાની.

પણ નીલેશ દવેએ ખૂબ આગ્રહ કર્યો. મેં એમને ટાળવા માટે કહ્યું કે મને બાકીની અડધી નવલકથા લખી દેવા દો પછી ધારાવાહિક સ્વરૂપે છાપજો. નીલેશ દવેએ કહ્યું કે હું જાહેરાત કરી દઉં છું. તમે અગાઉનાં પ્રકરણો મઠારીને કે એમને એમ મને મોકલતા જાઓ અને સાથે બાકીના પ્રકરણો પર કામ કરતા જાઓ.

એમનો આગ્રહ ન હોત તો ‘મહારાજ’ હજુય અધૂરી હોત. ‘મુંબઈ સમાચાર’માં ‘મહારાજ’ પૂરી થઈ પછી મને બે ફાયદા થયા. વિપુલ મહેતા, સંજય ગોરડિયા અને કૌસ્તુભ ત્રિવેદીએ ‘મહારાજ’ પરથી મારી પાસે નાટક લખાવીને ભજવ્યું જેને કારણે હું નાટ્ય લેખક બન્યો (જોમાં હીરો કરસનદાસ મૂળજીનો રોલ મલ્હાર ઠાકરે ભજવ્યો હતો). એ પછી જિતેન્દ્ર જોષીએ મારી પાસે ‘સેકન્ડ ઇનિંગ્સ’ નામનું મૌલિક નાટક લખાવ્યું. પછી મકરંદ દેશપાંડેએ એમના સુપરહિટ હિંદી નાટક ‘સર, સર, સરલા’ મારી પાસે ગુજરાતીમાં કરાવીને ભજવ્યું જેમાં લીડ રોલ પ્રતીક ગાંધીએ કર્યો.

આટલું ઓછું હોય એમ આ વર્ષે ‘મહારાજ’ના રાઇટ્સ લઈને યશરાજ ફિલ્મ્સે નેટફ્લિક્સ માટે ફિલ્મ બનાવી જે અનેક અઠવાડિયા સુધી નંબર વનના સ્થાને રહી, સુપરહિટ પુરવાર થઈ.

ગિરિશ ત્રિવેદીએ 1995માં ‘ગુડ મૉર્નિંગ’ શરૂ ના કરાવી હોત તો નીલેશ દવે 2012માં એની સેકન્ડ સિઝનની ઓફર લઈને મને મળ્યા ન હોત અને એ મારા પરિચયમાં જ ન આવ્યા હોત તો મેં ‘મહારાજ’ પૂરી ના કરી હોત. અને ‘મહારાજ’ પૂરી ના થઈ હોત તો 2024માં એની ફિલ્મ ના આવી હોત.

1995માં કરેલો ગિરીશ ત્રિવેદીનો એક ઉપકાર 2024માં સુધી મને અનેક રીતે સતત ફળી રહ્યો છે. વંદન, ગિરીશભાઈ. ઓમ શાન્તિ.

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

2 COMMENTS

  1. ગુડ મોર્નિંગ સૌરભભાઈ, મુબંઈ સમાચારમા ગુડ મોર્નીંગ કોલમ છપાઈ ત્યા સુધી છાપુ મંગાવતા. પછી જન્મભૂમિ મા સ્વીચઓવર કર્યુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here