નાલંદા ત્યારનું અને નાલંદા ભવિષ્યનું : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગઃ ફાગણ સુદ છઠ, વિક્રમ સંવત ૨૦૭૮, મંગળવાર ૮ માર્ચ ૨૦૨૨)

નાલંદા મહાવિદ્યાપીઠ. આજે એને યુનિવર્સિટી કે વિશ્વવિદ્યાલયના નામે ઓળખીએ. નાલંદાનો ઇતિહાસ તમારામાંથી ઘણા ખરાએ વાંચ્યો હશે, જાણ્યો હશે. ભારત જે જમાનામાં આખા વિશ્વમાં જ્ઞાનનું કેન્દ્ર ગણાતું તે સમયની વાત છે. લગભગ 1500 વર્ષ પહેલાં, ઇ.સ.427થી ઇ.સ.1197 સુધીનો નાલંદા મહાવિદ્યાપીઠનો ઇતિહાસ. બારમી સદીના અંતમાં નષ્ટ કરવામાં આવી. ફરી પાછી ઊભી થઈ. 14મી સદીની આસપાસ ફરી સંપૂર્ણપણે નષ્ટ થઈ. સાતસો વર્ષ પછી, એકવીસમી સદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાલંદાને એનું ગૌરવ પાછું મળે એવી યોજનાને અમલમાં મૂકી દીધી છે. એની પણ વાત કરીશું. પણ એ પહેલાં નાલંદાના ઇતિહાસ વિશે.

બન્યું એવું કે મારા પુસ્તકસંગ્રહમાં હું એક-બે પુસ્તકો શોધતો હતો ત્યાં જ ગઈ કાલે મારા હાથમાં ‘બોધગયામાં નેત્રશ્રાદ્ધ’ પુસ્તક આવ્યું. લેખક સ્વામી સચ્ચિદાનંદ. ઘણા સમયથી મારી પાસે હશે પણ વાંચવાનું જ રહી ગયેલું. જાન્યુઆરી 2010માં એની પ્રથમ આવૃત્તિ પ્રગટ થયેલી. બિહાર-છત્તીસગઢની યાત્રાનું પ્રવાસવર્ણન એમાં છે. અનેક બૌદ્ધ અને જૈન તીર્થો જોયાં. નાલંદા, પાવાપુરી, સમેતશિખર જઈ આવ્યા.

નાલંદા વિશેનું દસમું પ્રકરણ વાંચીને મને એટલી મઝા આવી કે રાત્રે જ આખું પુસ્તક પૂરું કરીને નિશ્ચય કર્યો કે આ બધી વાતો તમારી સાથે શેર કરવી અને પછી મોદીએ આ બાબતે અત્યારે શું શું કર્યું છે તેની વાતો ઉમેરીને એક લેખ તૈયાર કરવો. નાલંદાના ઇતિહાસ વિશેની તમામ વાતો સ્વામી સચ્ચિદાનંદે દસમા પ્રકરણમાં લખી છે તે જ ટાંકી છે.

નાલંદાના અવશેષોની હેરિટેજ સાઇટનો એક અંશ

તે જમાનાનું મગધ આજે બિહારના નામે ઓળખાય છે. બિહારની રાજધાની પટણાથી રાજગીર સોએક કિલોમીટર દૂર અને રાજગીરથી માંડ પંદરેક કિલોમીટર દૂર નાલંદા. અહીં મહાવિદ્યાપીઠ થઈ તેના પહેલાં જ અનેક લોકો ભણવા-ભણાવવા આવતા હતા કારણ કે અહીંનું વાતાવરણ ઘણું રમણીય હતું. આ આચાર્યો-વિદ્યાર્થીઓની સંખ્યા તે વખતે ખૂબ ઓછી હતી અને એમને ખાવાપીવાની તેમ જ રહેવાની તકલીફ પડતી હતી. તેથી છ રાજાઓએ મળીને અહીં વિદ્યાભવનો બાંધવાં શરૂ કર્યાઃ 1. શક્રાદિત્ય, 2. બુદ્ધ ગુપ્ત, 3. તથાગત ગુપ્ત, 4. બાલાદિત્ય, 5. વજ્ર અને 6. હર્ષ.

ગુપ્તવંશના રાજાઓ પછી બંગાળના ધર્મપાલ, દેવપાલ વગેરે પાલવંશના રાજાઓએ પણ અહીં ઘણી સંપત્તિ ઠાલવીને નાલંદાનો વિકાસ કર્યો હતો. આ વિદ્યાપીઠના નિર્માણમાં સુમાત્રા વગેરે દેશોએ પણ ભાગ લીધો હતો.

તે સમયે જે ભવનોનું નિર્માણ થયું હતું તે ભવનોનાં અવશેષ જોઈને આજે પણ ચકિત થઈ જવાય. દીવાલોની જાડાઈ છ-છ ફૂટની છે. અહીં 108 તો મંદિરો હતાં. આ વિદ્યાપીઠના પોષણ માટે 100 ગામો અને પછી 200 ગામો ભેટ અપાયાં હતાં. આ ગામોથી અનાજ, દૂધ વગેરે પ્રાપ્ત થતાં હતાં. કનોજના રાજમંત્રી માલાદે પુષ્કળ ધન આપીને સૌના માટે ભોજનની વ્યવસ્થા કરાવી દીધી હતી. આને લીધે દસ હજાર છાત્રો અને 1200 આચાર્યો ખાવાપીવાની ચિંતા કર્યા વિના શાંતિથી ભણતા-ભણાવતા હતા. બધાનો ખર્ચો વિદ્યાપીઠ ઉપાડતી હતી, જેથી ગરીબશ્રીમંત બધા સાથે ભણી શકતા.


અહીં તે સમયની બધી વિદ્યાશાખાઓનું ભણતર આપવામાં આવતું હતું.

નાલંદામાં કોઈ પણ વિદ્યાર્થી ભણવા માટે પ્રવેશ ઈચ્છતો તો પ્રથમ દ્વાર ઉપર તેની સાથે તે-તે વિષયના પંડિતો ચર્ચા કરતા યોગ્ય લાગે તો જ પ્રવેશ મળતો. કારણ કે અહીં સ્નાતકોત્તર અધ્યયન થતું હતું. એટલે ઓછામાં ઓછી યોગ્યતાનું પ્રમાણ મળ્યાં પછી જ પ્રવેશ થતો હતો. અહીં વિદેશી છાત્રો પણ ભણવા આવતા. તેમની પણ રહેવા-જમવાની વ્યવસ્થા થઈ જતી.

પુસ્તકાલયોનો તો પૂરો મહોલ્લો જ બની ગયો હતો એવું નોંધીને સ્વામી સચ્ચિદાનંદ ઉમેરે છે કે મુખ્ય પુસ્તકાલય-ભવન નવ (9) માળનું હતું. તેમાં અને બીજાં ભવનોમાં વિશ્વભરનાં લાખો પુસ્તકો-પાંડુલિપિઓ (હસ્તપ્રતો અથવા તો મેનુસ્ક્રિપ્ટ્સ) અહીં ભેગાં થયાં હતાં. આ પુસ્તકાલયોમાં બેસીને હ્યુ-એન-સાંગ ઘણાં પુસ્તકોનો ચીની ભાષામાં અનુવાદ કરી ચીન લઈ ગયો હતો.

ઇ.સ.1861માં બ્રિટિશ આર્કિયોલૉજિસ્ટ ( પુરાતત્ત્વવિદ્) એલેક્ઝાન્ડર કનિંઘમે આ વિસ્તારમાં ઘણા ઊંચાનીચા ટેકરા જોયા. ખોદકામ કરાવ્યું તો નાલંદા વિદ્યાપીઠના દટાઈ ગયેલા અવશેષોના બે વિસ્તાર મળી આવ્યા. વિદ્યાર્થીઓને રહેવાનાં છાત્રાલયો તથા પૂજા કરવાનાં મંદિરો. છાત્રાલયોનાં અવશેષો જોવાથી ખબર પડે કે જાડી જાડી દીવાલોવાળી અનેક હૉસ્ટેલરૂમ છે, એક રૂમમાં માત્ર એક જ વિદ્યાર્થી રહેતો જેમાં બધી જ સગવડ હતી – સૂવાની પથારી, પુસ્તકો, પાણી વગેરે. અત્યારે આમાંના 75 ટકા અવશેષો એના મૂળ સ્વરૂપમાં તમે જોઈ શકો છો, 25 ટકા અવશેષોનું સમારકામ કરવામાં આવ્યું છે.

નાલંદાના નગર આયોજનની ઝાંખી કરાવતો નકશો.

નાલંદા વિદ્યાપીઠનું ક્ષેત્રફળ સાત માઇલ બાય ત્રણ માઇલ અર્થાત્ એકવીસ ચોરસમાઇલનું છે. મુંબઈના મલાડ વત્તા કાંદિવલી વત્તા બોરિવલી (વેસ્ટ અને ઇસ્ટ બેઉ) મળીને લગભગ આટલો વિસ્તાર થયો – એક જ યુનિવર્સિટીનો. ભૂલચૂક લેવી દેવી.

પ્રવચન ખંડ કે લેક્ચર હૉલના અવશેષ આજે પણ જોવા મળે છે. અહીં આચાર્યો પોતાના વિદ્યાર્થીઓને ભણાવતા.

૧૧૯૭ પછી મહમ્મદ બખ્તિયાર ખિલજીએ નાલંદા વિદ્યાપીઠનો વિદ્યાવારસો ખતમ કરી નાખ્યો. 250 ઘોડેસવાર સૈનિકો સાથે આવેલા બખ્તિયારના ધાર્મિક વિચારો બહુ જ સંકુચિત અને કટ્ટરવાદથી ભરપૂર હતા. તેણે નાલંદાના વિદ્યાર્થીઓની પણ હત્યા કરી નાખી. જે ભાગ્યા તે જ બચી ગયા. નાલંદામાં અનેક જળસરોવરો છે. તે બધાં લોહીનાં સરોવરો બની ગયાં.

તેણે પુસ્તકાલયોનાં ભવનોમાં આગ લગાડી દીધી. પંડિતોએ તેને હાથ જોડીને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આ લાખો પુસ્તકોમાં ઘણાં અતિ દુર્લભ પુસ્તકો છે. તેનો એક જ જવાબ હતો. સંસારને માત્ર એક જ કિતાબની જરૂર છે અને તે છે – કુર્રાન. આ બધાં શેતાની પુસ્તકો છે, લોકોને ગુમરાહ કરીને કટ્ટર બનાવે છે. તેમનો નાશ કરવો એ કુફ્રનો નાશ કરવા બરાબર પુણ્યનું કાર્ય છે. મહિના સુધી પુસ્તકાલયોની આગ ઠંડી થઈ નહોતી.

વધુ આવતી કાલે.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

15 COMMENTS

  1. ખુન્નસ ચડી આવે છે, લોહી ગરમ થઈ જાય છે, જીવો બળી જાય છે આવા ક્રુર અને ઘાતકી ઇતિહાસ વાંચીને. આટલું સરસ જ્ઞાનનું મંદિર એ લોકોને શું નડતું હતું કે તેનો નાશ કર્યો? ખીલજી ના શિક્ષકો એ તેને આવુંજ શીખવ્યું હશે? આટલા ક્રુર અને ઘાતકી વર્તન પાછળ શું કારણ હોઈ શકે સૌરભભાઈ?
    સોરી થોડું નેગેટિવ લખાઈ ગયુ સૌરભભાઈ.

  2. નાલંદા વિશે જાણીને ફરી એકવાર હિંદુ હોવા પર ખૂબ ખૂબ ગર્વ અનુભવું છું…. આભાર સૌરભસર

  3. વાહ મજા આવી વાચી ને જાણવાની અને દુઃખ પણ થયું….ખૂબ આભાર નાલંદા વિદ્યાપીઠ વિશે લખવા બદલ🙏🏻

  4. ધન્યવાદ.. આવી માહિતી આપવા બદલ… જાણવા જેવુ..

  5. મયુર પારેખ

    આમ તો હું ઘણાં વર્ષોથી સ્વામી સચ્ચિદાનંદ નો ચાહક છું. અને એમાં હમણાં ના તમારા લેખો એ સ્વામીજી વિશે નાં આદર માં ઉમેરો કર્યો છે. ‘મારા અનુભવો’ પુસ્તક મેં ૨૨-૨૩ વર્ષ પહેલાં વાંચ્યું હતું અને એ પછી તો મેં સ્વામીજીના બીજા પાંચ – સાત પુસ્તકો પણ ખરીદ્યા હતા.
    સ્વામીજી આધુનિક યુગના ચાણક્ય છે. એમણે ભારતનાં લાભાર્થે વડાપ્રધાન ને સલાહ આપવી જોઈએ અથવા તો નરેન્દ્ર મોદીએ પોતાની સલાહકાર ટીમમાં સ્વામીજીને સ્થાન આપવું જોઈએ.

  6. આપણે કેટલા બેદરકાર અથવા તો નમાલા છીએ કે નાલંદા જવા માટે જે સ્ટેશન પર ઉતરવું પડે એનું નામ આજે પણ બખ્તિયારપુર છે. આપણા દેશ માં ઘુસી આવેલા ધર્મજનનૂની આક્રમણખોરો ના નામ પરથી કંઈ કેટલાયે ગામો, નગરો, શહેરો અને સ્ટેશનો છે એ આપણા માટે શરમજનક છે.

  7. આનંદ અને જ્ઞાન એક સાથે.
    અદભુત પીરસાઈ રહ્યું છે.
    આભાર.

  8. નાલંદા વિદ્યાપીઠ વિશે માહિતી આપવા બદલ આભાર સૌરભ ભાઈ

  9. પ્રાચીન ભારતીય સંસ્કૃતિનો અદ્વિતીય નજારો જોવા જેવો છે કે એનાં અનુસંધાનમાં આપની લેખ માળાની આતુરતાથી રાહ જોતા લેખ પૂરો ના થાય તો શું 🤔

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here