મનની ગૂંચવણો કેવી રીતે ઉકેલવી : સૌરભ શાહ

(તડકભડક : ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, રવિવાર, ૩૧ જાન્યુઆરી ૨૦૨૧)

મનની ગૂંચવણો ઉકેલી શકાય ખરી? પણ એ પહેલાં બીજો એક સવાલ: મનની ગૂંચવણો કોને કહીશું?

અને એ પહેલાં હજુ એક સવાલ: મન એટલે શું? સ્વભાવ એટલે શું? પર્સનાલિટી એટલે શું? આ બધામાં માબાપ કે વડીલો તરફથી જન્મ વખતે જિન્સરૂપી વારસામાં શું શું મળતું હોય છે? અને ઉછેર દરમિયાન એમાં અભાનપણે શું શું ઉમેરાતું હોય છે. ઉછેરનાં ફૉર્મેટિવ યર્સ દરમિયાન જ નહીં, આખી જિંદગી દરમિયાન અભાનપણે શું શું ઉમેરાતું હોય છે? આપણે જાતે સભાનપણે કે પ્રયત્નપૂર્વક એમાં શું શું ઉમેરતાં હોઈએ છીએ? આ બધા જ સવાલોના ઉત્તરનો જે સરવાળો મળે તેને મન કહી શકીએ.

આ મનમાં ગૂંચવણો ક્યારે સર્જાય? જ્યારે કશુંક અણધાર્યું બને ત્યારે. જ્યારે કેટલીક મહત્ત્વાકાંક્ષાઓ કે કેટલાંક સપનાંઓ સર્જાય ત્યારે. કે પછી એ સપનાંઓ સાકાર ન થાય ત્યારે. સંબંધો કે રોજગાર વ્યવસાયને કારણે જ નહીં માણસના જીવનના કોઈપણ પાસામાં કશુંક ખોરવાય કે ખોટકાય ત્યારે આવી ગૂંચવણો ઊભી થાય. કોઈના મૃત્યુ પછી પણ ઊભી થાય. કોઈકની સાથે નથી રહેવું એટલેય ઊભી થાય અને કોઈકની સાથે રહેવા નથી મળતું એટલેય ઊભી થાય. આર્થિક આપત્તિઓને કારણે પણ મનની ગૂંચવણો સર્જાય અને સામાજિક બદનામીને લીધે પણ એ પેદા થાય.

આમ છતાં એવા અગણિત કિસ્સાઓ જોવા મળે જેની પાછળ ઉપર વર્ણવેલાં કે એની આસપાસનાં કોઈ કારણો ન હોય. દેખીતી રીતે અગમ્ય કારણોસર માણસ વિચિત્ર વર્તન કરતું થઈ જાય. એની બીહેવિયર પેટર્ન બદલાઈ જાય અને એ પણ ક્યારેક બદલાય, ક્યારેક નૉર્મલ રહે. ક્યારે બદલાશે તેની કોઈ નિશ્ર્ચિત ગણતરી ન હોય.

આવું થાય ત્યારે માણસ પાસે બેમાંથી એક જ માર્ગ ખૂલે. એક સાઈકીએટ્રિસ્ટને કન્સલ્ટ કરવાનો માર્ગ જે ધીરજપૂર્વક સાંભળીને તમને ટિકડીઓ આપીને તમારા મગજમાંના કેમિકલ્સમાં સર્જાયેલું ઈમ્બેલેન્સ સરખું કરી આપે. મુન્નાભાઈ જેને કેમિકલ લોચા કહેતો એવા લોચા પર ઈસ્ત્રી ફેરવી એને ફરી કાંજીકડક બનાવી દે.

બીજો માર્ગ તે સેલ્ફ હેલ્પનો માર્ગ, તમે પોતે જ ધર્મ, અધ્યાત્મ અને ફિલસૂફીનો સહારો લઈને પોતાની સારવાર કરો.

મેડિકલ સારવારમાં દવા ઉપર કાયમી ડિપેન્ડન્સી આવી જવાનું જોખમ છે તો વૈચારિક સમજ વધારીને મનની ગૂંચ ઉકેલવામાં બીજું જોખમ છે – પરિણામ કશું ન આવે છતાં તમે એવી ભ્રમણામાં રહો કે હવે મને સારું લાગે છે પણ અંદરથી તમારી ગૂંચો વધ્યા કરતી હોય. મેડિકલ સારવારનાં ધારાધોરણો અમુક વર્ષો દરમિયાન નવી નવી શોધખોળો થતાં સતત બદલાતાં રહે, ગઈ કાલે પ્રોઝેક જેવી જે દવા ઉપયોગી જણાતી તેના પર આજે હવે જોખમી પુરવાર થવાને લીધે પ્રતિબંધ આવી જાય. આ તરફ તમારી વૈચારિક સમજ વધારનારા લોકો દ્વારા તમારી જાણ બહાર પોતાના પૂર્વગ્રહો તમારા પર લાદવામાં આવતાં હોય, એમનાં સ્વાર્થો સિદ્ધ કરવા તેઓ તમારી પર્સનાલિટી સાથે ચેડાં કરતા હોય.

મનની ગૂંચવણો ઉકેલવાનાં બેઉ માર્ગો પ્રચલિત છે, બેઉના પોતપોતાના ફાયદા છે, બેઉમાં પોતપોતાનાં જોખમો છે.

માણસની શારીરિક બાબતો ખોરવાય ત્યારે જે કારણોસર એ ખોરવાઈ હોય તે જ માર્ગે એનો ઈલાજ કરવાનો હોય. માથું દુખવાનું, પેટ દુખવાનું કે બ્લડપ્રેશર વધવાનું કે શ્યુગર વધવાનું કે કોલેસ્ટરોલ વધવાનું કારણ કુદરતી હોય છે, નૈસર્ગિક હોય છે. તમારી પોતાની ટેવ-કુટેવનું એ પરિણામ હોય છે. એની સારવાર પણ કુદરતી ઉપાયોથી જ થવી જોઈએ. કૃત્રિમ ઉપાયો શરીરમાં ઝેર ઉમેરશે. હા, એક્સિડન્ટ થયો ને હાથ કપાઈ ગયો જેવાં શારીરિક ફેરફારો કુદરતસર્જિત નહીં, માનવસર્જિત હોય છે. એના માટે માનવસર્જિત એલોપથી ઉપચારો અનિવાર્ય, પણ એ સિવાયની શારીરિક ગરબડોમાં માનવસર્જિત ઉપચારો ઘાતક બને.

મનમાં ગૂંચવણો સર્જાતી હોય છે કુદરત દ્વારા. બ્રેઈનમાં રહેલા કેમિકલ્સનું જો સંતુલન ખોરવાય તો તેનું કારણ આપણી અંદર જ હોવાનું. કોઈ કૃત્રિમ રીતે તમારા મગજમાં સોયો નાખીને એનાં રસાયણોનું સંતુલન ખોરવી નાખતું નથી. શરીર પાસે પોતાના શારીરિક ઘા રૂઝવવાની કુદરતી શક્તિ હોય છે. લોહી આપોઆપ ગંઠાઈ જાય અને ચામડી પર પડેલા ચીરાઓ આપોઆપ વખત જતાં સંધાઈ જાય અને રુઝ આવી જાય એવું ભગવાને જ આપણને ગોઠવીને આપ્યું છે.

મન પર પડેલા ઘા, જેને કારણે આ બધી ગૂંચવણો સર્જાય છે તેને રૂઝવવાની કુદરતી શક્તિ પણ ભગવાને આપી જ છે. વખત જતાં આ બધી ગૂંચવણો એની મેળે ઉકલી જાય એવી મિકેનિઝમ ઉપરવાળાએ જન્મતાં પહેલાં જ તમારામાં ગોઠવી દીધી છે.

મનની નૉર્મલ ગૂંચવણો ઉકેલવા માટે સેલ્ફ હેલ્પવાળો કુદરતી માર્ગ શ્રેષ્ઠ છે. નેવું ટકા ગૂંચવણો એ માર્ગે ચાલતાં ચાલતાં ઉકલી જવાની.

જે ઘામાંથી લોહી વહેતું અટકતું જ નથી, હળદર દબાવ્યા પછી પણ એ ધોધમાર વહ્યા જ કરે છે, જે ઘા એટલો મોટો છે કે આપોઆપ સંધાઈ જવાની કોઈ શક્યતા નથી, ઊલટાનું એ વધારે વાર ખુલ્લો રહેશે તો વકરવાનો છે, એવા શારીરિક ઘાની સારવાર માટે માનવસર્જિત ઉપચારોની જરૂર પડવાની અને એવા દસ ટકા જેટલા માનસિક ઘા માટે મનોચિકિત્સકોને શરણે જવાના માર્ગે જવાની જરૂર પડવાની.

મને પૂછવામાં આવે કે મને જો જરૂર પડે તો હું કયો માર્ગ પસંદ કરું? સવાલ ઈન્ટરેસ્ટિંગ છે.

બેઉ માર્ગો પોતપોતાની રીતે સિદ્ધ થયેલા છે. બેમાંથી કોઈ માર્ગનો વિરોધ કર્યા વગર મારે ત્રીજો માર્ગ સૂચવવો છે. જેને મનની ગૂંચવણો આપણે માની લીધી છે તે ખરેખર ગૂંચવણો છે? કે પછી એ એક નૉર્મલ માનસિકતા છે, નૉર્મલ બીહેવિયર છે?

એક નાનકડો દાખલો લઈએ. પાંચેક વર્ષ પહેલાં સજાતીય સંબંધો બદલ ઈન્ડિયન પીનલ કોડ હેઠળ સજા કરવામાં આવતી. એક દિવસ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો અને હવે તો સજાતીય લગ્નોને પણ માન્યતા મળવા માંડી. આ ચુકાદો આવ્યાના આગલા દિવસ સુધી સજાતીય સંબંધો ધરાવતી તમારા કુટુંબની કોઈ વ્યક્તિને તમારે સાઈકીએટ્રિસ્ટ પાસે લઈ જવી પડતી, એની માનસિક સારવાર કરાવવા, એના મનની ગૂંચવણો ઉકેલવા. સુપ્રીમ કોર્ટના ચુકાદાથી એક જ ઝાટકે આ ગૂંચવણો શું દૂર થઈ ગઈ? ના, આ ગૂંચવણો હકીકતમાં ગૂંચવણ નથી અને નૉર્મલ બીહેવિયર છે એવું સ્વીકારાતું થઈ ગયું. તમને પોતાને હોમોસેકસ્યુઅલ સંબંધો સામે અણગમો હોય ને તમે એવા સંબંધો ન બાંધો તો તમારી મરજી, પણ તમે તમારા એ વિચારો બીજા પર નથી લાદતા. સજાતીય સંબંધો તો માત્ર એક નાનકડું ઉદાહરણ છે. મનની ગૂંચવણો તો અનેક પ્રકારની હોવાની. સજાતીય સંબંધોવાળી માનસિકતા કે એવું વર્તન હવે માનસિક ગૂંચવણમાં નથી ગણાતાં એવું જ બીજી અનેક બાબતોમાં હોવાનું. આપણે જેને સાયકૉલોજિકલ પ્રોબ્લેમ્સ માનીને એના ઉકેલ માટે ફાંફા મારીએ છીએ તેમાંના કેટલાય હકીકતમાં પ્રોબ્લેમ્સ જ ન હોય એવું બની શકે. જે પરિસ્થિતિને સમસ્યા ગણવી જ ન જોઈએ એના ઉકેલો પાછળ દોડીને આપણે આપણો સમય, એનર્જી અને પૈસા વેડફતા હોઈએ એવું બની શકે. ધર્મપ્રચારકોની સંસ્થાઓમાં કે મનોચિકિત્સકોનાં દવાખાનામાં જવાને બદલે ઘરે બેસીને માત્ર એટલું જ વિચારીએ કે આપણને જે વાતો મનની ગૂંચવણ જેવી લાગે છે તે હકીકતમાં મનની નૉર્મલ પરિસ્થિતિ છે તો તમારી નવ્વાણું ટકા માનસિક બીમારીઓ ઘડીભરમાં છૂ થઈ જવાની. મનમાં ગૂંચવણો સર્જાઈ ગઈ છે એવું વિચારીને આપણે સીધાસાદા અને તદ્દન નૉર્મલ વિચાર પ્રવાહોને ખોરવી નાખતા હોઈએ છે. આંગળાની છાપની જેમ દરેકનું મન અલગ અલગ હોવાનું. મારું મન તમારા જેવું ન હોય ત્યારે તમે મને કહેતા હો છો કે મારા મનમાં ગૂંચવણો સર્જાઈ છે. તમારું મન મારા મન જેવું ન હોય ત્યારે હું પણ તમારા માટે એવું જ ધારવાનો. હકીકતમાં આ ‘ગૂંચવણો’ જ મને ને તમને આપણું પોતપોતાનું આગવું વ્યક્તિત્વ આપે છે. માટે એના માટે ગૌરવ લઈએ. એને દૂર કરવાની કોઈ જરૂર નથી. આ ગૂંચવણો હકીકતમાં આપણી પર્સનાલિટીનો જ એક અંશ છે જે ભગવાનને આપણા અસ્તિત્વની પ્રથમ પળે જ આપણામાં રોપી દીધો છે. એની સાથે જ જીવવાનું છે અને એની સાથે જ મરવાનું છે. તો પછી આ ગૂંચવણો સાથે રોજેરોજ ઝઘડો કરવાને બદલે, એને દૂર કરવા માટે બીજાઓ પાસે જઈને ફાંફાં મારવાને બદલે એની સાથે દોસ્તી કરીને શું કામ ન જીવીએ. પ્રસન્ન રહેવું હશે તો આટલું તો કરવું પડશે.

પાન બનાર્સવાલા

જિંદગીમાં જે કંઈ પ્રવેશે છે —વ્યક્તિઓ, સંજોગો વગેરે — એ બધાંને તમારે રિપેર કરીને તમારા ઢાંચામાં ફિટ કરવાની કોઈ જરૂર નથી. એટલી જ મહેનત એ સૌને અનુકૂળ થવામાં કરી હશે તો તમારી જિંદગી પ્રસન્ન થઈ જશે અને જે કરવાં જેવાં કાર્યો છે એ તરફ તમારી શક્તિને વાળી શકશો.

— અજ્ઞાત

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

3 COMMENTS

  1. સેલ્ફ હેલ્પ ના ઉપાયો જ્યારે નિષ્ફળ જાય છે ત્યારે વ્યક્તિ કા તો ભૂવા કે ધર્મગુરુ પાસે જાય છે ( ઘણા ખરા લોકો નું અહી આર્થિક અને શારીરિક શોષણ થતું હોય છે જે દુઃખદ છે). માનસિક તકલીફો અને રોગો હાડકા ના ફ્રેકચર ની જેમ પ્રત્યક્ષ ન દેખાતા પરંતુ તેના જેવા જ વાસ્તવિક અને તેટલી કે વધુ પીડા દેતા છે.
    ડાયાબિટીસ કે હાર્ટ એટેક માં આપણે દોડી ને ડોકટરને બતાવીશું પણ આપઘાત ના વિચારો આવે તો ભાઈ સેલ્ફ હેલ્પ અજમાવો ને. આ તો તમારા મનની જ ઉપજ છે…!
    ચોક્ક્સ વિચારજો મિત્રો.

  2. How lymphatic glands in our body behaves – is not yet fully understood. Is seems to be a part of natural therapy. For our body as well as for mind. It is true, like “Who am I” “What is mind” is not fully understood. We have wrongly idolized it as heart. Same for intellect.
    To make our confused mind quiet meditation (thoughtlessness) is very effective. Nothing works if done half-heartedly.

  3. સૌરભભાઇ ને અભિનંદન.
    માં સરસ્વતી ની અસીમ કૃપા તમારા ઉપર આમજ વરસતી રહે.

    ખૂબ ઉમદા વિચાર અને જોઈએ તો દરેક ખૂણે, એટલે કે!
    ૧૦સે દિશા એ માર્ગદર્શક.
    સાભાર
    આપનો સુજ્ઞ વાચક.
    ૩૧.૦૧.૨૦૨૧

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here